‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી વખતે ધ્યાન તો મન દ્વારા જ થાય છે તો પછી ‘મનમાં ધ્યાન’ કરવાનું શ્રીરામકૃષ્ણદેવે શા માટે કહ્યું?’ આ પ્રશ્ન આપણા મનમાં સ્વાભાવિકપણે ઉદ્‌ભવે છે. આ સમજવા માટે ધ્યાનની આવશ્યક્તા અને ધ્યાન માટેની પૃષ્ઠભૂમિ સમજવી આવશ્યક છે.

‘વનમાં ધ્યાન’નું મહત્ત્વ સમજાવતાં શ્રીરામકૃષ્ણદેવ કહે છે — કે ‘એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવું જોઈએ. જો વાડ ન કરીએ તો ગાય-બકરાં ખાઈ જાય. એમ મન કાચું હોય, હજુ પૂરેપૂરું ઈશ્વરમાં મગ્ન થયું ન હોય ત્યારે એકાંતમાં જઈને ઈશ્વર ચિંતન રૂપી વાડથી તેને ચારેબાજુથી રક્ષણ આપવું જરૂરી છે. નહીંતર સંસાર-વ્યવહારના કાર્યો અને આસક્તિ તેને ખાઈ જાય છે. આથી અવારનવાર એકાંતમાં જઈને ઈશ્વર ચિંતન કરવું જોઈએ. વરસે એકાદ મહિનો એકાંતમાં જઈ ઈશ્વરનું ધ્યાન-મનન-ચિંતન કરવાથી જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિની પ્રાપ્તિ થાય છે. જો મન કેવળ સંસારમાં પડ્યું રહે તો પછી તેને સંસારના વિષયોની પ્રાપ્તિ થાય છે. તેને કામિની-કાંચનના વિચારો આવે છે અને તે નીચે ઊતરી જાય છે, પણ એકાંતમાં ચિંતન કરવાથી આત્મનિરીક્ષણ થાય છે, સત્-અસત્‌નો વિવેક જાગે છે, સંસારના વિષયો પ્રત્યે અનાસક્તિ કેળવાય છે, મનને નિયંત્રિત કરી ઈશ્વર પ્રત્યે વાળવાનો અભ્યાસ થાય છે. શ્રીરામકૃષ્ણદેવ કહે છે: ‘માખણ કાઢવું હોય તો એકાંત સ્થાનમાં દહીં જમાવવું જોઈએ. દહીંને હલાવ હલાવ કર્યાથી દહીં જામે નહીં. ત્યાર પછી એકાંતમાં બેસીને બધા કામ છોડીને દહીં વલોવવું જોઈએ. તો જ માખણ નીકળે- હવે જુઓ, એ જ મન દ્વારા એકાંતમાં ઈશ્વરચિંતન કરવાથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ મળે. પણ સંસારમાં પડ્યું રાખવાથી નીચે ઊતરી જાય.’

‘… સંસાર જાણે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાંખે તો દૂધ ને પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું દૂધ ન મળે. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાન ભક્તિ રૂપી માખણ કાઢી લો. એ માખણ સંસારજળમાં રાખી મૂકો તો તે તેમાં ભળી નહીં જાય પણ તર્યા કરશે.’ આમ એકાંતમાં સાધના કરી જ્ઞાન ભક્તિ મેળવી સંસારમાં જળકમળવત્ રહી શકાય છે.

મન ઉપર બાહ્ય વાતાવરણનો ઘણો જ પ્રભાવ પડે છે. શ્રીમા શારદાદેવી જ્યારે વારાણસીમાં રહેવા ગયાં ત્યારે ત્યાં મોટા મોટા ઓરડાઓ જોઈને બોલી ઊઠ્યાં કે, ‘મોટી જગ્યામાં રહેવાથી મન મોકળું થઈ જાય છે.’ બાહ્ય વાતાવરણનો મનુષ્યના મન ઉપર કેવો  પ્રભાવ પડે છે, એ માટે બર્કલે યુનિવર્સિટીમાં પ્રયોગો કરવામાં આવ્યાં હતા. વૈજ્ઞાનિકોએ એવું તારવ્યું છે કે મનની પ્રશાંતતા પર ન્યુરોટ્રાન્સમીટરો – સિરોટોનીન અને મોરપીનફીનની ગાઢ અસર પડે છે અને આ ન્યુરોટ્રાન્સમીટરો ફક્ત જન્મજાત (Genetic) નથી, બાહ્ય વાતાવરણ પણ તેમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. એક પ્રયોગમાં એક પાંજરામાં સો ઉંદરોને પૂર્યા. ત્યારે ઉંદરો એકબીજાને હેરાન કર્યા વગર આરામથી રહેતા હતા. પછી ઉંદરોની સંખ્યા વધારી તો આ ઉંદરો એકબીજાને કરડવા લાગ્યા. ભીડની એમના ચેતાતંત્ર ઉપર અસર થવાથી તેઓ બેકાબૂ બની ગયા હતા. ભીડ, ઘોંઘાટ, દૂષિત હવા – આ બધાં બાહ્યપરિબળોની મનુષ્યના મન પર અસર અવશ્ય પડે છે. તેના પરિણામે તેઓ અશાંત ને વ્યગ્ર રહેતા હોય છે. એથી ઊલટું, હિમાલયની પ્રગાઢ શાંતિ, સામે હિમાચ્છાદિત શુભ્ર ગિરિમાળાઓનાં મનોહારી દૃશ્યો, ધ્યાનસ્થ ઋષિઓ જેવાં ઊંચાં ઊંચાં વૃક્ષોની શીતળ છાયા, વૃક્ષોમાંથી ગળાઈને આવતી પવનની આહ્‌લાદક લહેરો, પક્ષીઓનો મધુર કલરવ અને આ કલરવ સિવાય પોતાના જ હૃદયના ધબકાર સંભળાય એવી પ્રશાંતતા છવાયેલી હોય. આવાં પવિત્ર વાતાવરણમાં મન આપોઆપ ઈશ્વરચિંતનમાં ડૂબી જાય છે. આથી જ સ્વામી વિવેકાનંદે હિમાલયમાં માયાવતીમાં અદ્વૈત આશ્રમની સ્થાપના કરી. ત્યાંનું વાતાવરણ જ એવું પવિત્ર અને શીતળ છે કે ત્યાં ચિત્તવૃત્તિઓ આપોઆપ શાંત થઈ જાય છે અને ધ્યાન સહજ બની જાય છે. નદીકિનારે, ગિરિતળેટીમાં કે ગિરિશૃંગે, ગુફામાં કે અરણ્યમાં-જનસમાજથી દૂર રહીને ઈશ્વરચિંતન કરવાથી ઈશ્વર પ્રત્યે ભક્તિભાવ દૃઢ બને છે. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ફણસને કાપવું હોય તો હાથ ઉપર તેલ લગાડવું પડે, નહીંતર ચચરે. એમ ઈશ્વર ભક્તિરૂપી તેલ લગાડીને પછી સંસારના કામમાં હાથ લગાડવામાં આવે તો એ કામ ચચરતાં નથી! એટલા માટે વચ્ચે વચ્ચે એકાંતમાં જવું જરૂરી છે. જો એક મહિના માટે શક્ય ન હોય તો પંદર દિવસ માટે જવું, જો એ શક્ય ન હોય તો એક અઠવાડિયા માટે જવું ને જો એ શક્ય ન હોય તો છેવટે ત્રણ દિવસ માટે પણ એકાંતમાં જઈને ઈશ્વર ચિંતન કરવું જ જોઈએ.

પરંતુ સંસારમાં રહેવાને ટેવાયેલા લોકો ત્રણ દિવસ પણ નિ:સ્તબ્ધ શાંતિમાં, એકાંતમાં રહી શક્તા નથી. માયાવતીના અદ્વૈત આશ્રમમાં મુલાકાતીઓને ત્રણ દિવસથી વધારે રહેવા મળતું નથી. શરૂઆતમાં ત્યાંની પ્રગાઢ શાંતિ જોઈને કેટલાક મુલાકાતીઓ પ્રસન્ન થઈ જાય છે. અને એમને થાય છે કે, ‘ઓહ, ફક્ત ત્રણ જ દિવસ-એ તો બહુ ઓછા કહેવાય!’ પહેલો દિવસ આજુબાજુનાં સ્થળો જોવામાં વીતી જાય છે. પછી બીજે દિવસે તો બહારનું કંઈ જોવાનું હોતું જ નથી! એટલે બીજો દિવસ બહુ લાંબો થઈ જાય છે. અને ત્રીજો દિવસ તો કેમેય પસાર થતો નથી. નિ:સ્તબ્ધ વાતાવરણ, અગાધ શાંતિ કેટલાક લોકો પચાવી શકતા નથી. તેઓ એ શાંત-નિર્જન એકાંતમાંથી જલદીથી બહાર જવા છટપટે છે. શ્રીરામકૃષ્ણદેવ માછલી વેચનારી સ્ત્રીનું ઉદાહરણ આપે છે. એક દિવસ માછલી વેચનારી સ્ત્રીની હોડી જતી રહી. એટલે એ માછણ શહેરમાં રહેતી પોતાની બહેનપણી માલણના ઘરે રાત રોકાઈ ગઈ. તેના ઘરમાં તો ચારેબાજુ ફૂલોના ઢગલા પડ્યા હતા. એ ફૂલોની સુગંધથી આખું ઘર મઘમઘતું હતું. ફૂલોની વચ્ચે માછણને સૂવાનું થયું. પણ રાત્રે તેને કેમે ય ઊંઘ આવતી ન હતી. ફૂલોની સુગંધથી તેનું માથું ભમી ગયું. પછી તેણે રસ્તો વિચાર્યો. માછલા ભરવાના પોતાના ટોપલામાં પાણી છાંટ્યું ને તે માથા ઉપર રાખીને સૂઈ ગઈ. માછલીઓની ગંધથી પછી તેને સરસ ઊંઘ આવી ગઈ. સંસારી મનુષ્યો પણ આવા જ છે. માછણની જેમ તેમને સંસાર રૂપી માછલીઓની ગંધ વગર ચાલતું નથી. નિર્જન એકાંત, આત્માનુભૂતિમાં લીન કરી દે તેવી શાંતિ અને પવિત્ર-આંદોલનથી ભરેલા વાતાવરણને તેઓ સહી શકતા નથી. મુંબઈના ખારના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં એક ‘ફિલ્મ મ્યુઝિશિયન’ આવ્યો હતો. મંદિરમાં પ્રવેશતાં જ તે બેચેની અનુભવવા લાગ્યો અને બોલી ઊઠ્યો: ‘હું આ વાતાવરણ સહી શકતો નથી.’ પછી તે બહાર દોડી ગયો. પવિત્ર વાતાવરણને અપવિત્ર મન પચાવી શકતું નથી અને એકાંતમાં ઈશ્વરચિંતન કર્યા વગર મનની શુદ્ધિ જલદી થતી નથી.

ધ્યાન માટે – ઈશ્વરચિંતન માટે એકાંતમાં પણ કેવું સ્થળ પસંદ કરવું જોઈએ? આ વિશે ‘ધ્યાન, તેની પદ્ધતિ’ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ જણાવે છે: ‘જ્યાં અગ્નિ હોય, અથવા જળ ભર્યું હોય, અથવા સૂકાં પાંદડાથી છવાયેલી જમીન હોય, જ્યાં ઊધઈના રાફડા હોય, જ્યાં જંગલી જાનવરો હોય, અથવા જ્યાં ભય હોય, જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય, જ્યાં ખૂબ ઘોંઘાટ થતો હોય, જ્યાં ઘણા દુષ્ટ લોકો વસતા હોય ત્યાં યોગસાધના ન કરવી.’ સ્વામીજી સુંદર દૃશ્યવાળા સ્થળને સાધના માટે પસંદ કરવાનું કહે છે.

જો એકાંતમાં ઈશ્વરચિંતન શક્ય ન હોય તો શું કરવું? તો ઘરના એક ઓરડામાં કે ખૂણામાં બેસીને ધ્યાન કરી શકાય. ધ્યાન માટે સ્વામીજી એક અલગ ઓરડો રાખવાનું કહે છે. તેઓ ‘ધ્યાન, તેની પદ્ધતિ’માં જણાવે છે, ‘જેમની શક્તિ સ્થિતિ હોય તેઓ કેવળ આ સાધના માટેનો જ એક અલગ ઓરડો રાખે તે વધુ સારું. એ ઓરડામાં સૂવું નહીં. તેને પવિત્ર રાખવો. નાહી-ધોઈને શરીર ને મન શુદ્ધ થયાં ન હોય, ત્યાં સુધી એ ઓરડામાં પેસવું નહીં. એ ઓરડામાં હંમેશા પુષ્પો રાખવાં, યોગીને માટે એવું વાતાવરણ ઉત્તમ છે. મનમાં સાત્ત્વિક ભાવ જગાવે તેવાં ચિત્રો રાખવાં. સવાર-સાંજ ધૂપ કરવો. એ ઓરડામાં કજિયો કંકાસ, ક્રોધ કે અપવિત્ર વિચારો ન કરવા. જેઓ તમારા જેવા સમાન વિચારવાળા હોય, માત્ર તેમને જ અંદર પેસવા દેવા. એ રીતે ઓરડામાં ધીરે ધીરે પવિત્રતાનું વાતાવરણ ઊભું થશે. એથી તમે જ્યારે શોકગ્રસ્ત હો, દુ:ખી હો, સંશયમાં હો, અથવા તમારું મન વ્યગ્ર હોય ત્યારે તે ઓરડામાં પ્રવેશતાં જ મન શાંત થઈ જશે.’ ધ્યાન માટેનું વાતાવરણ વ્યક્તિએ પોતે જ પોતાના ઘરમાં બનાવવાનું છે. આવો પવિત્ર ઓરડો ધ્યાનમંદિર બની રહે છે. એ ઓરડામાં શાંતિના, પવિત્રતાના, ઉજ્જ્વળ પ્રકાશના એવા તરંગો પથરાયેલા હોય છે કે એમાં પ્રવેશતાં જ વ્યક્તિને શાંતિની અનુભૂતિ થવા લાગે છે.

પરંતુ આ ઓરડો જોડાયેલો તો ઘર સાથે જ હોય છે. એટલે ઓરડામાં કે ખૂણામાં, ઘરમાં થતો કોલાહલ, ટી.વી. અને રેડિયોના ઘોંઘાટો – આસપાસના વાતાવરણનો શોરબકોર – આ બધાંની અસર તો પડતી જ હોય છે. વન જેવી નિર્જન શાંતિ તો ક્યારેય જોવા મળતી નથી. આ પરિસ્થિતિમાં અલગ ઓરડામાં કે ખૂણામાં શરૂઆતમાં ધ્યાન લાગતું નથી. તો શું કરવું? આ માટે પ્રકૃતિની મદદ લઈ શકાય છે. વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં જ્યારે બધા જ હજુ ગાઢ નિદ્રામાં પોઢેલા હોય, તે સમયે ઊઠીને ધ્યાન કરવું. તે સમયે બહારનું વાતાવરણ શાંત હોય છે. શરીર પણ ઊંઘ અને આરામ મેળવીને સ્વસ્થ અને તાજગીભર્યું હોય છે. શાંત બની ગયું હોય છે. વળી રાક્ષસી અને તામસી પ્રકૃતિવાળા મનુષ્યો નિદ્રાધીન હોય છે. કેમ કે તેમની પ્રકૃતિ જ મોડા સૂવાની ને મોડા ઊઠવાની હોય છે. એટલે વાતાવરણમાં વિક્ષેપ પાડનારાં પરિબળોનો સામનો કરવો પડતો નથી. ઊલટું સાત્વિક પ્રવૃત્તિવાળા મનુષ્યો, સાધકો, યોગીઓ, બ્રાહ્મમુહૂર્તમાં ઈશ્વરની આરાધના કરતા હોય છે, તેથી એ સમયે ઈશ્વર પ્રત્યે અભિમુખ કરનારા સૂક્ષ્મ તરંગો વહેતા હોય છે. જે ધ્યાન માટે ખૂબ મદદરૂપ થાય છે. આમ બ્રાહ્મમુહૂર્તમાં ધ્યાન માટે યોગ્ય મન:સ્થિતિ, સાનુકૂળ પ્રકૃતિ, શુભતરંગોથી સભર વાતાવરણ હોવાથીં ઈશ્વરચિંતન કરનારાઓએ આ સમય ક્યારેય ગુમાવવો ન જોઈએ.

સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘રોજ તમારે ઓછામાં ઓછો બે વાર ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. તે માટે સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. રાત્રિ વીતીને પ્રભાત થાય અને દિવસ આથમીને સંધ્યા થાય, ત્યારે પ્રમાણમાં શાંત વાતાવરણ હોય છે. એ સમયે તમારા શરીરમાં પણ શાંતિ ઊતરી આવશે. આ કુદરતી સ્થિતિનો લાભ ઉઠાવવો જ જોઈએ.’

આ રીતે દરરોજ બે વખત નિયમિતપણે ધ્યાનનો અભ્યાસ કરવાથી પછી મન એવું તૈયાર થઈ જાય છે કે મનમાં ને મનમાં ઈશ્વરનું ચિંતન ચાલુ રહે છે. મનમાં આખો દિવસ ઈશ્વરનું ધ્યાન રહે છે. પછી કોઈ વિશેષ સ્થળની જરૂર રહેતી નથી. એ સ્થિતિમાં વ્યક્તિ કોઈપણ સમયે, કોઈપણ સ્થળે શાંતિનો અનુભવ કરતી રહે છે. ઈશ્વર સાથે એકાત્મતા અનુભવતી રહે છે. હિમાલયની શાંતિમાં, વૃક્ષોની નીચે, જંગલી જનાવરોની વચ્ચે ફૂંફાડા મારતા સાપની વચ્ચે કે બજારના કોલાહલોની વચ્ચે જે પોતાના અંતરમાં એકાગ્રતા કરી શકે છે એ ધ્યાનસિદ્ધ યોગી કહેવાય. સ્વામી વિવેકાનંદ ધ્યાનસિદ્ધ યોગી હતા. નાનપણથી જ તેમને ધ્યાન સહજ હતું. એક વખત નાનપણમાં તેઓ ધ્યાનમાં બેઠા હતા, ત્યાં સાપ આવ્યો. બધા છોકરાઓ તો ઊભા થઈને જતા રહ્યા. પણ તેઓ ધ્યાનમાં લીન હતા. તેમને સાપ આવ્યાની ખબર જ ન પડી. પછી સાપ જતો રહ્યો પણ તેમનું ધ્યાન ન છૂટ્યું.

આવી ધ્યાન તન્મયતાના ઘણા પ્રસંગો એમના જીવનમાં જોવા મળે છે. એક વખત દક્ષિણેશ્વરમાં પંચવટીની નીચે તેઓ ગિરીશચંદ્ર ઘોષ સાથે ધ્યાનમાં બેઠા હતા. સાંજનો સમય હતો. વાતાવરણ શાંત હતું. પણ ગિરીશબાબુ ધ્યાનમગ્ન થઈ શક્યા નહીં. દક્ષિણેશ્વરના મોટા મોટા મચ્છરો તેમના મનને એક ક્ષણ માટે પણ સ્થિર થવા દેતા ન હતા. એટલે તેમને થયું કે, અહીં ધ્યાન થઈ શકશે નહીં. નરેનને કહું કે આપણે અહીંથી જતા રહીએ. એમણે આંખો ખોલીને જોયું તો નરેનના આખા શરીર પર મચ્છરોની કાળી ચાદર પથરાઈ ગઈ હતી, પણ તેઓ તો ઊંડા ધ્યાનમાં લીન હતા! બાહ્યજગતથી સાવ અલિપ્ત. આટલા અસંખ્ય મચ્છરો એમના શરીરને કરડી રહ્યા હતા, એમનું લોહી ચૂસી રહ્યા હતા, પણ એમને કશી જ અસર નહોતી! આ દૃશ્ય જોઈને ગિરીશબાબુ મનોમન બોલી ઊઠ્યા કે, ‘આવી દેહભાવથી પર ધ્યાનની ઉચ્ચસ્થિતિમાં રહેતા નરેનને ઈશ્વર સાક્ષાત્કાર ન થાય તો કોને થાય?’

અમેરિકામાં બસમાં, ટ્રામમાં કે ટ્રેનમાં પણ ધ્યાનસ્થ બની જતા. તેમનું ઊતરવાનું સ્ટેશન ચાલ્યું જતું પણ તેમને તેની ખબર ન પડતી એવા ધ્યાનમગ્ન બની જતા. પછી છેવટનું સ્ટેશન આવતાં કંડક્ટર એમને જગાડીને ઊતરવાનું કહેતો, ત્યારે તેમને ખબર પડતી કે તેમને ઊતરવાનું સ્ટેશન તો ક્યાંય આગળ આવી ગયું! પછી એ જ ટ્રામ કે બસમાં તેઓ એ સ્ટેશને જવા બેસી રહેતા. કંડક્ટર પછી ધ્યાન રાખીને એમના સ્ટેશને એમને ઊતારી દેતો!

અમેરિકામાં થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં એક વખત તેઓ પોતાની શિષ્યાઓ મૅરી ફઁક અને ક્રિસ્ટાઈન સાથે ફરવા નીકળ્યા હતા. ત્યારે તેમની ધ્યાનસ્થ સ્થિતિ વિશે મૅરી ફઁકે સ્વામીજીનાં સંસ્મરણોમાં લખ્યું છે: ‘અમે લગભગ અડધો માઈલ દૂરની ટેકરી તરફ ચાલ્યાં. બધે જ જંગલ, ઝાડી ને એકાંત હતાં. છેવટે તેમણે નીચી ડાળીઓવાળું વૃક્ષ પસંદ કર્યું. અમે એની ફેલાયેલી ડાળીઓ નીચે બેઠાં. બીજી ધારેલી વાતચીતને બદલે તેમણે એકાએક કહ્યું: ‘ચાલો આપણે ધ્યાન કરીએ. બોધિવૃક્ષ નીચે બિરાજેલા બુદ્ધ જેવા થઈએ.’ થોડી જ ક્ષણોમાં તેઓ તો કાંસ્યપ્રતિમા જેવા દેખાવા લાગ્યા. એવા જ સ્થિર અને શાંત. એટલામાં ગાજવીજ સાથે વાવાઝોડું આવી ચઢ્યું. મુશળધાર વરસાદ પડવા લાગ્યો. પણ સ્વામીજીને તો એની ખબર જ ન રહી. મેં મારી છત્રી ઊંચી ધરી અને તેમને વરસાદથી બચાવવા કોશિશ કરી. ધ્યાનમાં સાવ તલ્લીન સ્વામીજીને કશી જ ખબર ન હતી. એટલામાં દૂરથી બૂમાબૂમ સંભળાવા લાગી. અમારા સાથીઓ છત્રીઓ અને રેઈનકોટ લઈને આવી રહ્યા હતા. પછી સ્વામીજીએ આંખો ખોલી ચારેતરફ જોયું ત્યારે તેમને ખ્યાલ આવ્યો. તેમણે કહ્યું: ‘વળી પાછો વરસતા વરસાદમાં હું જાણે કલકત્તામાં ન હોઉં!’

આ રીતે ગતિમાં લઈ જતી ટ્રેન, બસ કે ટ્રામમાં હોય કે જંગલમાં વૃક્ષની નીચે સ્થિર હોય, કે વરસતા વરસાદમાં હોય કે ધ્યાનખંડમાં હોય, સ્વામીજી એક ક્ષણમાં એવા ધ્યાનસ્થ બની જતા કે પછી તેમને બાહ્ય પરિસ્થિતિની કશી જ અસર થતી નહીં. ધ્યાન એ તેમના જીવનનું અભિન્ન અંગ બની ગયું હતું. ભગિની નિવેદિતા આવા એક પ્રસંગ વિશે જણાવે છે કે ન્યુયૉર્કમાં તેમના ધ્યાનના વર્ગોમાં એક દિવસ તેમના ધ્યાનમાંથી બાહ્યચેતનામાં પાછા લાવી શકાયા નહીં. સમય પૂરો થતાં એમના વિદ્યાર્થીઓ તો ઊભા થઈને ગૂપચૂપ ચાલ્યા ગયા. પછી ઘણીવારે સ્વામીજી જ્યારે બાહ્યચેતનામાં પાછા ફર્યા, ત્યારે તેઓ બહુ ખિન્ન થયા. પછી ફરી આવું ન બને એ માટે તેઓ પ્રયત્નપૂર્વક જાગૃત રહેવા લાગ્યા. પણ એકાંતમાં, એકાદ બે મિત્રો સાથે ધ્યાન કરવાનું થતું તો પછી તેમણે સ્થળકાળનું ભાન રહેતું નહીં. આથી તેમણે પોતાના મિત્રોને કહી રાખ્યું હતું કે ધ્યાનમાંથી તેમને જગાડવા માટે અમુક સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરવો.

આ રીતે ધ્યાનને બંધ કરવા માટે પ્રયત્ન કરવો પડે એ સાચું ધ્યાન છે. વ્યવહારનાં કાર્યો પણ ઈશ્વરનાં કાર્યો સમજીને કરવામાં આવે તો તે પણ ધ્યાન જ બની જાય છે. કામ કરતાં કરતાં અંતરમાં ઈશ્વર પ્રત્યેનો ભાવ ચાલુ રહેવાથી પછી જ્યારે ધ્યાનમાં બેસવાનું થાય ત્યારે ધ્યાન તુરત જ લાગી જાય છે. આમ ધ્યાન અને પૂજારૂપે થતાં કર્મો બંને એકબીજાના પૂરક છે. ઊંડા ધ્યાનને પરિણામે કાર્યો ખૂબ સારી રીતે થાય છે અને કાર્યો પૂજારૂપે થતાં હોવાથી પછી ધ્યાન પણ સારું થાય છે. ‘મામનુસ્મર યુદ્ધસ્વ’ ભગવાનને સાથે રાખીને દરેક કાર્ય કરવાથી એ કાર્યો પણ ધ્યાન જેવું જ રૂપ આપે છે.

શ્રીરામકૃષ્ણદેવ કહે છે, નેત્રો બંધ કરવાથી જ શું ઈશ્વરનું ચિંતન થાય? ઉઘાડા નેત્રે શું ઈશ્વરનું ચિંતન ન થાય? સચરાચર સૃષ્ટિમાં સર્વત્ર એ જ વ્યાપ્ત છે જેનું ધ્યાન નેત્ર બંધ કરીને કરવામાં આવે છે. તેથી જ શ્રીરામકૃષ્ણદેવ કહે છે – કાર્ય કરતી વખતે પણ મનમાં તેનું ચિંતન કરી શકાય છે.

વેદાંતના પ્રચાર અને પ્રસાર માટે સ્વામી તુરીયાનંદજી મહારાજને સ્વામી વિવેકાનંદે અમેરિકા મોકલ્યા હતા. ત્યાં સાન્ટ એન્ટોનની ખીણમાં તેમને શાંતિ આશ્રમ સ્થાપવા જમીન મળી. પણ આ જમીન ઉબડખાબડ ને પાછી જાહેરમાર્ગથી ચાળીસ માઈલ દૂર હતી. ત્યાં અંદરના ભાગમાં નહોતી પાણીની સગવડ કે નહોતી વીજળીની સગવડ. ખાવા-પીવાની વસ્તુઓ, જીવન-જરૂરિયાતની વસ્તુઓ ચાળીસ માઈલ દૂરથી ઘોડા ઉપર લાવવામાં આવતી હતી. પીવાનું પાણી પણ ચાર માઈલ દૂરથી લાવવું પડતું. ત્યાં રહેવા માટે ફક્ત એક નાનું લાકડાનું મકાન જ હતું. સ્વામી તુરીયાનંદજી અને તેમના બાર વિદેશી શિષ્યો જાતે લાકડા કાપતા. જમીન ખોદીને સમથળ કરી તેના ઉપર ઝૂંપડીઓ બાંધતા. શરૂઆતમાં બધાને તનતોડ મહેનત કરવી પડી હતી. આથી સાધન-ભજન, ધ્યાન-ધારણાનો તો સમય જ મળતો નહીં. સ્વામી તુરીયાનંદજીને બ્રહ્મચારી ગુરુદાસે પૂછ્યું: ‘મહારાજ, આખો દિવસ સતત કામમાં જ વીતી જાય છે. ધ્યાન કરવા માટે બિલકુલ સમય જ મળતો નથી.’ ત્યારે સ્વામી તુરીયાનંદજીએ વહાલથી એમનો ખભો થપથપાવતાં કહ્યું: ‘My dear boy, an aspirant’s life is one of constant meditation.- સાધકના જીવનમાં પ્રત્યેક ક્ષણ ધ્યાનની જ હોય છે. ગુરુદાસ બ્રહ્મચારીએ આ વાક્યને જીવનમાં ઉતારીને સંન્યસ્ત ગ્રહણ કરીને અતુલાનંદજી મહારાજ તરીકે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં અનેક કાર્યો દ્વારા પોતાના જીવનને ધ્યાનમય બનાવી દીધું!

સંસારમાં રહીને ઈશ્વર પ્રત્યે ધ્યાન કરવું બહુ જ મુશ્કેલ છે. શ્રીરામકૃષ્ણદેવને એક ભક્તે આ કહ્યું ત્યારે તેઓ તુરત જ બોલી ઊઠ્યા: ‘કેમ? અભ્યાસ યોગ, દેશમાં ભાડભૂંજાના બૈરાઓ પૌઆ ખાંડે, એ કેટલી બાજુ સંભાળીને કામ કરે. સાંભળો. ઉપરથી સાંબેલું એકસરખી રીતે પડ્યા કરે છે. બાઈ નીચે એક હાથેથી ડાંગર સંકોરતી જાય છે. બીજે હાથે છોકરાંને ખોળામાં ધવરાવે છે. એ વખતે વળી ઘરાક આવે છે. આ બાજુ સાંબેલું પડ્યે જ જાય છે ને એ સાથે તે ઘરાકની સાથે વાત પણ કરે છે; ‘તો પછી આગલા પૈસા બાકી રહ્યા છે, તે ચૂકતે કરી જાઓ ને પછી નવો માલ લઈ જાઓ.’

જુઓ, છોકરાંને ધવરાવવું, સાંબેલું પડ્યા કરે તેની નીચેની ડાંગર સંકોરવી, અને ખંડાયેલી ડાંગર ભરીને ઉપાડી લેવી અને તે સાથે ઘરાકની સાથે વાતો કરવી, આ બધું તે એકસાથે કરી રહી છે, આનું નામ અભ્યાસયોગ. પરંતુ તેનું પંદર આના મન સાંબેલામાં હોય છે. કદાચ, તે હાથ પર પડે તો! બાકીના એક આના મનમાં તે બીજાં બધાં કામો કરે છે. તેમ, જેઓ સંસારમાં છે, તેમણે પંદર આના મન ભગવાનને આપવું ઉચિત, નહીં તો સર્વનાશ! કાળના પંજામાં સપડાવું પડે. બાકીના એક આના મનથી બીજાં કામ કરો. જ્ઞાન થયા પછી સંસારમાં રહી શકાય. પણ જ્ઞાન પ્રાપ્તિ તો કરવી જોઈએ ને?’

શ્રીરામકૃષ્ણદેવે સંસારમાં રહીને જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય બતાવતાં કહ્યું છે; ‘ખરું કહું છું, તમે સંસારમાં રહો છો, તેમાં દોષ નથી. પણ ઈશ્વરમાં મન રાખવું જોઈએ. તે વિના ન ચાલે, એક હાથે કામ કરો. બીજે હાથે ઈશ્વરને પકડો. કામકાજ પૂરાં થાય એટલે બે ય હાથે ઈશ્વરને પકડો.’

આ બે ય હાથે ઈશ્વરને પકડવા એટલે ઈશ્વરના ચિંતનમાં એકાગ્ર બનવું. તેનું અહર્નિશ ધ્યાન કરવું. કામકાજ કરતાં કરતાં પણ મનમાં તેના ચિંતનની ધારા અવિરત ચાલ્યા કરતી હોય. આવી સ્થિતિ એ ‘મનમાં ધ્યાન’ની સ્થિતિ છે. પણ આ સ્થિતિની પ્રાપ્તિ માટે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે તેમ અવારનવાર એકાંતવાસ, ‘વનમાં ધ્યાન’ કરવું જોઈએ. અને નિયમિતરૂપે ‘ખૂણામાં ધ્યાન’ કરવું જોઈએ.

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.