મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને કલ્કિ અવતારોમાં એ ઉત્ક્રાંતિ કેમ આગળ વધી કે વધવાની એ પ્રશ્ન ઉપસ્થિત થાય. આ ઝંઝટમાં પડવાને બદલે ‘ગીતા’ના દસમા અધ્યાયના ૪૧મા શ્લોકમાં કહે છે તે સ્વીકારવું સરળ પડશે:

‘જે કંઈ વિભૂતિવાળું, સત્ત્વશીલ, શ્રીથી ભૂષિત કે ઊર્જાવાન છે તે સર્વ મારા તેજના અંશમાંથી ઉદ્‌ભવેલું છે.’

પશ્ચિમના અજ્ઞેયવાદને રંગે પૂરા રંગાયેલા, દરેક બાબતને બુદ્ધિની સરાણે ચડાવનારા, ગુરુની વાતોનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર નહીં કરતાં તેમને બરાબર કસી જોનારા સ્વામી વિવેકાનંદને પણ અનુભૂતિ થયેલી કે, ‘જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ આજે રામકૃષ્ણ છે’, તે શ્રીરામકૃષ્ણ પરમહંસને અવતાર તરીકે ન માનીએ એ સ્વીકારીએ તો પણ, તેમનામાં ‘ગીતા’ના દસમા અધ્યાયના આ શ્લોકમાં વર્ણવેલાં બધાં લક્ષણો હતાં એ સ્વીકારવું પડશે. એમનો એક પ્રિય શિષ્ય શરત્-સ્વામી શારદાનંદ- ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ નામનું ગુરુનું ચરિત્ર લખે તેમાં અનેક ષ્ટાન્તો આપી ગુરુ શ્રીરામકૃષ્ણને અવતાર કહે તે સમજી શકાય. કોઈ ટીકાકારને એમાં ભાટાઈ પણ લાગે. પોતે ખ્રિસ્તી હોઈ અવતારવાદમાં માનતા નથી એમ સ્પષ્ટ કહેવા છતાં પોતે લખેલા શ્રીરામકૃષ્ણના જીવન-ચરિત્રનું શીર્ષક રોમાં રોલાંએ ‘શ્રીરામકૃષ્ણ ધ મેન-ગોડ્ઝ’ ‘શ્રીરામકૃષ્ણ: મનુષ્ય-દેવ’ એવું બાંધે છે. એમના એ અદ્‌ભુત જીવનચરિત્રને શબ્દે શબ્દે ભક્તિ નીતરે છે, અનુરાગ ભક્તિ છે એ અંગ્રેજ કવિ ઈશરવુડે લખેલું શ્રીરામકૃષ્ણનું જીવનચરિત્ર પણ એ જ ભક્તિરસતરબોળ છે.

પોતાના યુગને અનુરૂપ જે પ્રકારનું કાર્ય શ્રીકૃષ્ણ કરી ગયા તે જ પ્રકારનું પોતાના યુગને અનુરૂપ જીવનકાર્ય શ્રીરામકૃષ્ણે પણ કર્યું હતું. ‘આ દેશની બધી ભાષાઓનાં બધાં પુસ્તકોનો ઢગલો ભલે મોટા ટેકરા જેવડો થાય; યુરોપની કોઈ પણ એક ભાષામાં પુસ્તકોની એક નાની છાજલીની તોલે તે નહીં આવે’, એમ માની, ભારતની પ્રજાને સંસ્કૃતિનો પાશ આપવાના શુભ! આશયથી દેશમાં અંગ્રજી શિક્ષણ મૅકૉલેએ લાદ્યું તે જ સાલમાં ૧૮૩૬માં મૅકૉલે જે સંસ્કૃતિનો ઓપ ભારતને ચહેરે આપવા માગતા હતા તેનાથી બિલકુલ દૂર રહી ભારતીય સંસ્કૃતિની ઉત્તમતા જીવી બતાવનાર શ્રીરામકૃષ્ણનો જન્મ થયો હતો. એ જ્યાં જન્મીને મોટા થયા હતા તે, કલકત્તાથી લગભગ સવાસો કિ.મિ. દૂર આવેલ ગામડે, કદી કોઈ અંગ્રેજનો ઓછાયોયે નહીં પડ્યો હોય. એ ગામડાની ધૂળી નિશાળ એ જ એમની યુનિવર્સિટી હતી-મુંબઈ, કલકત્તા અને મદ્રાસની, ભારતની પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ઠેઠ ૧૮૫૭માં સ્થપાઈ હતી. રૂઢિચુસ્ત, સનાતન હિંદુ સંસ્કૃતિના કાદવમાં એ કમળ ખીલ્યું હતું.

શ્રીકૃષ્ણની માફક પોતાના બાળપણમાં એમણે કોઈ રાક્ષસોનો સંહાર કર્યો ન હતો, કોઈ કાળીનાગને નાથ્યો ન હતો, કોઈ ગોવર્ધન પર્વત તોળ્યો ન હતો. પરંતુ, પોતાની આસપાસ રહેનારા નાનાં મોટાં સૌના, શ્રીકૃષ્ણની માફક, શ્રીરામકૃષ્ણ પણ લાડીલા હતા. ધની લુહારણ, જમીનદાર લાહા બાબુ અને એમનાં ઘરનાં સૌ, સીતાનાથ પાઈનનાં ઘરનાં સૌ તેમજ અન્ય કામારપુકુરવાસીઓ સૌની નિર્વ્યાજ સ્નેહગંગામાં એ સતત નહાતા રહેતા.

શ્રીકૃષ્ણને કંસ, જરાસંધ, શિશુપાળ વગેરે સાથે યુદ્ધો ખેલવાં પડેલાં અને, એ  જમાનામાં તો ઠીક, આજની દૃષ્ટિએ પણ ખૂબ કહેવાય, એટલા પ્રવાસો એમણે ખેડેલા. શ્રીરામકૃષ્ણે બીજું હથિયાર તો શું, લાકડી પણ કદી પકડી ન હતી. અને કાશીમથુરાની યાત્રા એક વાર કરી હતી તેમાં એમનો બધો પ્રવાસ આવી ગયો હતો. સાધુના એક પ્રકાર માટે વાપરેલો એમનો શબ્દ ‘કુટિચક’ એમને પૂરો લાગુ પડે.

શ્રીકૃષ્ણને અષ્ટ પટરાણીઓ હતી-એનો અર્થ એ કે તે ઉપરાંત પણ બીજી રાણીઓ હશે-તે છતાં તે સંસારમાં પૂરા અનાસક્ત હતા. શ્રીરામકૃષ્ણે પણ લગ્ન કર્યું હોવા છતાં, સંસાર પ્રત્યેની એમની અનાસક્તિ શ્રીકૃષ્ણની અનાસક્તિ કરતાં પણ ચડિયાતી કહેવી પડે તેવી હતી; એમણે કદી સ્ત્રીસંગ કર્યો જ ન હતો. પત્નીની સાથે એક શય્યામાં સૂતા હોવા છતાંય કામવાસના એમનામાં ઉદ્‌ભવી ન હતી. ‘ધર્માવિરુદ્ધ’ કામ પણ તેમને વર્જ્ય હતો.

પોતાના કૌટુંબિક સંબંધોને કારણે શ્રીકૃષ્ણનો સમકાલીન રાજકારણમાં ઊંડો રસ લેવો પડ્યો હતો. પોતે પાંડવોના સગા અને પક્ષકાર હોવા છતાં, કૌરવોના તેઓ પૂરા વિશ્વાસપાત્ર હતા. કૌરવપક્ષના બે વડીલો ભીષ્મ પિતામહ અને વિદુર તેમને લોકોત્તર વિભૂતિ તરીકે જ માનતા. કૌરવોની માતા ગાંધારીને પણ શ્રીકૃષ્ણ પ્રત્યે પૂરો આદર હતો. પોતે પાંડવોના પક્ષકાર હતા, મહાભારત યુદ્ધમાં અર્જુનના સારથી હતા છતાં, યુદ્ધ પ્રત્યે એ સંપૂર્ણપણે ઉદાસીન હતા.

અંગ્રેજ સરકારના ભારતના તે સમયના પાટનગર કલકત્તામાં વસતા હોવા છતાં, શ્રીરામકૃષ્ણ રાજકારણથી તદ્દન અલિપ્ત હતા.

શ્રીરામકૃષ્ણ કામારપુકુર છોડી મૂછનો દોરો ફૂટતાં સાથે કલકત્તા આવ્યા અને થોડા સમય પછી, મોટાભાઈની આંગળીએ વળગી દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં ગયા પછી થોડા જ સમયમાં એમના અંતરનું કુરુક્ષેત્ર આરંભાયું. બાહ્ય સમાજની દૃષ્ટિએ એ પાગલ ગણાવા લાગ્યા અને ભીતર, માના પ્રત્યક્ષ દર્શન આડે આવતાં વિવિધ પરિબળો સામે ઘોર સંગ્રામ ચાલવા લાગ્યો. એમને કોઈ ગુરુ રૂપી સારથી ન હતો, એ માટેના વિધિઉપચારનાં શાસ્ત્રોનું જ્ઞાન ન હતું, અક્ષોહિણી સેના તો શું, એક સાથીદાર પણ ન હતો. પણ એમની પ્રબળ સંકલ્પશક્તિ આગળ મા આખરે ઝૂક્યાં અને માએ એમને દર્શન દીધાં. માનાં દર્શન સાથે એમનામાં જ્ઞાનનો વિસ્ફોટ થયો. એમની વાણી વેદવાણી બની ગઈ.

જગતમાં અન્યત્ર ક્યાંય જોવા ન મળતા પરિપ્રેક્ષ્યમાં ‘ગીતા’ અધ્યાત્મનો જીવન વ્યવહાર સાથેનો નિકટનો સંબંધ બતાવે છે. જે  સ્થિતપ્રજ્ઞતા, જે અનાસક્તિ, જે  યોગ શ્રીકૃષ્ણ ‘ગીતા’માં પ્રબોધે છે તે સમગ્ર તેમની નિજી અનુભૂતિમાંથી જન્મ્યું છે. શ્રીરામકૃષ્ણે જે કંઈ બોધ આપ્યો છે તે સઘળો પણ પોતાની અનુભૂતિનું જ ફળ છે. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને પાનેપાને એમનો બોધ ઝરે છે. અર્જુનની વિષાદ કથા સાંભળી એને મૃદુ ઠપકો આપતા શ્રીકૃષ્ણ મોઢું મલકાવીને-‘પ્રહસન’-આરંભ કરે છે. શ્રી મ. લિખિત ‘કથામૃત’ મોટું આનંદનું બજાર છે. હાથ ભાંગ્યો હોય ત્યારે તો ઠીક પણ, કૅન્સર જેવી જીવલેણ માંદગી ઠાકુરમુખનું આ હાસ્ય દૂર નથી કરી શકી.

અદ્વૈતની, વિશિષ્ટાદ્વૈતની, વેદાંતની, જ્ઞાનની બધી ખૂબ ગહન બાબતો એકદમ સરળ ભાષામાં, ઘરગથ્થુ દૃષ્ટાંતોથી અને હસતાં હસતાં શ્રીરામકૃષ્ણ પરમહંસ સૌને ગળે ઉતરાવી દે છે. જે ઉલ્લાસ ‘કથામૃત’ની લીટીએ  લીટીએ જોવા મળે છે તે ઉલ્લાસ ‘ગીતા’માં નથી. કદાચ, યુદ્ધનાં રણશિંગાં બજતાં હોય, ઘોડા હણહણતા હોય, ખાંડાં ખણખણતાં હોય ત્યાં, એ ઉલ્લાસને સ્થાન નથી. શ્રીરામકૃષ્ણ પાસે જનાર વર્ગ આર્ત અને જિજ્ઞાસુ તો હતો જ, હાજરા જેવા કોઈ અર્થાર્થી પણ હશે અને કોઈક જ્ઞાની પણ હશે. એ સૌ ઠાકુર પાસેથી ઉલ્લાસની લાણી પામીને જતા.

‘ગીતા’માં જ્ઞાન, ભક્તિ કે કર્મ ત્રણમાંથી ક્યો માર્ગ ચડિયાતો તેને વિશે પંડિતો ભલે ચર્ચા કર્યા કરે. શ્રીરામકૃષ્ણે આ ત્રણેય માર્ગો અનુસાર સાધના કરી હતી એટલું જ નહીં પણ, હિંદુ ધર્મના બીજા કેટલાય સંપ્રદાયો અનુસાર સાધના કરી હતી તેમજ, ખ્રિસ્તી, ઇસ્લામ વગેરે ધર્મો અનુસારની સાધના કરી, ‘બધા ધર્મોનું ધ્યેય એક જ છે,’ એ પ્રાચીન સત્યને જીવી બતાવી પુન: પ્રતિષ્ઠિત કર્યું હતું.

શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ વચ્ચે બીજી કેટલીક બાબતોમાં પણ તફાવત છે. ‘ગીતા’ ને ‘મહાભારત’ના રચયિતા વેદ વ્યાસની નહીં પણ શ્રીકૃષ્ણની જ કૃતિ માનીએ તો, એમાં સાધનાના વિવિધ માર્ગોનો બોધ ઠીકઠીક વ્યવસ્થિતપણે દેવામાં આવ્યો છે. ‘શ્રીરામકૃષ્ણે’ કદી જ એવી વ્યવસ્થિત રીતે બોધપ્રદાન નથી કર્યું. નાની પાટ પર બેસીને, નીચે બેસીને કે મોટી પાટેથી, બહાર ઓટલા પર કે મંદિરને પગથિયે બેસી, કેશવસેન અને એમની મંડળી સાથે ફેરીમાં કે વિદ્યાસાગરને, સુરેન્દ્રને, બલરામને ઘેર, એમને શ્રીમુખેથી જ્ઞાનામૃત સતત ઝર્યા કર્યું જ છે.

શ્રીરામકૃષ્ણની પાસે જનાર દરેક જિજ્ઞાસુ પોતાની શ્રદ્ધામાં દૃઢ થઈને, સંતોષથી પાછો વળે છે. બ્રાહ્મસમાજની મર્યાદાઓ બતાવ્યા છતાં, એમની વચ્ચે બેસી, એમના જ મંચ પરથી એ એમને ઉપદેશ દઈ શકે છે. પોતાના પ્રિય શિષ્ય નરેનને એ યુક્તિપૂર્વક મા તરફ વાળી શકે છે અને એટલી જ સિફતથી એને અદ્વૈતનો અનુભવ પણ કરાવી શકે છે. અને, શુદ્ધ અદ્વૈતના જ ઉપાસક તોતાપુરીને, એમની સંનિધિમાં માયાના અનુભવમાંથી પણ પસાર થવું પડે છે.

આમ છતાં, ઠાકુરનો ઝોક ભક્તિ પરનો છે. અનેક વાર, અનેક સ્થળે અને અનેક જિજ્ઞાસુઓને એ કહે છે: ‘કલિયુગમાં ભક્તિમાર્ગ સરળ.’ ‘ગીતા’ના ૧૨મા અધ્યાયમાં શ્રીકૃષ્ણે પણ આ જ વાત કહી છે એ અધ્યાયમાં અવ્યક્તની ઉપાસનાનો માર્ગ ક્લેશકર છે એમ એમણે કહ્યું છે.

કોઈ પણ માર્ગે પ્રભુ પાસે જવું સરળ નથી. ‘ગીતા’ના છઠ્ઠા અધ્યાયમાં અર્જુન દરેક વ્યક્તિની મૂંઝવણ રજૂ કરી કહે છે કે ‘મન ખૂબ ચંચળ છે; એનો નિગ્રહ વાયુની પેઠે દુષ્કર છે.’

એના ઉત્તરમાં શ્રીકૃષ્ણ કહે છે: ‘તારી વાતમાં શંકા જ નથી. તો પણ, અભ્યાસથી અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય છે’ (૬-૩૫).

જે દિશામાં જવું છે તેનો સતત અભ્યાસ આવશ્યક છે. સાઈકલ શીખતી વખતે એક વાર પડ્યા તો ગભરાઈ નહીં જવાનું. ધીમે ધીમે, અભ્યાસથી, સાઈકલ ચલાવતાં બરાબર આવડી જશે. સાઈકલના હેરતભર્યા પ્રયોગ કરનાર સરકસનો કલાકાર સતત અભ્યાસથી જ એ સિદ્ધિ હાંસલ કરી શક્યો છે.

આપણે જે દિશામાં જવા માગતા નથી પણ, આપણું મન આપણને પરાણે ખેંચી જાય છે તે સર્વ બાબતો પ્રત્યે વૈરાગ્ય વૃત્તિ કેળવવી, એમ શ્રીકૃષ્ણ કહે છે.

પણ આ વૈરાગ્ય વૃત્તિ કેળવવી અતિ કઠિન છે. ડાયબિટિસ હોવા છતાં મિષ્ટાન્નનો ત્યાગ કરી શકાતો નથી. લોહીના દબાણના કે એવા કોઈ રોગ અંગે કસ્તુરબાને દાક્તરે મીઠું છોડવા કહ્યું: ‘મીઠું તે કાંઈ છોડાય?’ એ એમનો પ્રતિભાવ હતો. ‘મેં આજથી, અત્યારથી જ છોડ્યું.’ એ મહાત્મા ગાંધીનો પ્રતિભાવ હતો. સ્વામી સહજાનંદજીને અફીણ છોડવાનું વચન આપનારાઓમાંથી કેટલાક ખરી પડ્યા હશે. એ જ રીતે, પાંડુરંગ આઠવલેજીને દારુ છોડવાનું વચન આપનારાઓમાંથી ઘણા પાછા સરી પડ્યા હશે. આજે ચાલતું ગુટકા-વિરોધી આંદોલન પણ એવું જ નીકળે તો નવાઈ નહીં. વૈરાગ્યનો માર્ગ ખાંડાની ધાર પર ચાલવા જેવો છે. ‘ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના,’ એમ નિષ્કુળાનંદે સાચું જ કહ્યું છે.

આ મુશ્કેલીમાંથી ઠાકુરે સરસ માર્ગ કાઢી બતાવ્યો છે. ૧૮૮૩ના ફેબ્રુઆરીની ૧૮મી તારીખે, કલકત્તાના બેલઘરિયા વિસ્તારમાં રહેતા પોતાના ભક્ત ગોવિંદ મુખર્જીને ઘેર શ્રીરામકૃષ્ણ પધાર્યા હતા. એમની પધરામણી ક્યાંય થઈ છે તે ખબર સાંભળી, ફૂલ પર મધમાખો દોડી આવે તેમ, જાણીતા અને અજાણ્યા લોકો ત્યાં દોડી આવે. ગોવિંદ મુખર્જીના એક પાડોશી એ રીતે આવ્યા અને જિજ્ઞાસાપૂર્વક ઠાકુરને પ્રશ્નો કરવા લાગ્યા.

વેદાન્ત એટલે શું તે સમજાવ્યા પછી ઠાકુરે કહ્યું કે, ‘વિષયભાન જવું બહુ જ કઠણ… સંસારીઓને બધો વખત વિષયોનું ચિંતન કરવું પડે, એટલે સંસારીને માટે (‘સોઽહમ્’ નહીં પણ) ‘દાસોઽહમ્’.

પાડોશી આગળ પ્રશ્ન પૂછે છે: ‘અમે તો પાપી રહ્યા, અમારું શું થશે?’

એનો ઉત્તર આપતાં ઠાકુર કહે છે: ‘… આ બે ઉપાય: અભ્યાસ અને અનુરાગ.’

‘અનુરાગ’ શબ્દનો અર્થ સમજાવતાં ઠાકુર કહે છે: ‘અનુરાગ એટલે, ઈશ્વર દર્શનની આતુરતા.’

આ ‘અનુરાગ’ ભક્તિની વાત કરતાં પહેલાં શ્રીરામકૃષ્ણે અનુરાગનો પ્રકાર સ્પષ્ટ ચીંધી બતાવ્યો છે: ‘દાસોઽહમ્’. ‘કથામૃત’માં આ અહંકારને દાસ બનાવી રહેવાના અનેક ઉલ્લેખો છે. મીરાંબાઈએ પણ માગ્યું છે: ‘મને ચાકર રાખો જી!’ આદર્શ દાસ એ છે જેને પોતાની ઇચ્છા નથી હોતી. પોતાના શેઠ માટેના સાચા અનુરાગ વિના આવો સ્વ-ઇચ્છાનાશ થઈ શકતો નથી. સાઠ-સિત્તેર વર્ષ પહેલાં મહાત્માગાંધીજી મહિસુર ગયા હતા. એમની સાથે એમના સચિવ મહાદેવભાઈ તો હોય જ. તે ઉપરાંત કાકાસાહેબ કાલેલકર અને બીજા કેટલાક સાથીઓ પણ હતા. પ્રકૃતિપ્રેમી કાકાસાહેબ જોગનાધોધ જવા જતા હતા. ‘મારી સાથે મહાદેવભાઈ આવશે?’ એમ એમણે બાપુને પૂછ્યું. બાપુએ મહાદેવભાઈની હાજરીમાં જ ઉત્તર આપ્યો: ‘પૂછો એને. એનો ધોધ તો હું જ છું.’ આવી અનન્ય નિષ્ઠા જ અનુરાગને જન્મ આપે. એ જન્મે પછી ચિત્તમાં કશી ઇચ્છા ઉદ્‌ભવે નહીં. બધા સંકલ્પો શમી જાય એટલે બધા સંતાપો શમી જાય. રાજરાણીના વૈભવ કરતાં ચાકર થવાનો મહિમા મીરાંને મોટો લાગ્યો હતો. ખોબલા જેવડા રાજ્યના રાજાની રાણી થઈને નિષ્ક્રિય જીવવા કરતાં ચાકર બની ભક્તિરસતરબોળ જીવન જીવી મીરાં અમર બની ગયાં. વૈરાગ્યના આકરા માર્ગ કરતાં અનુરાગનો આ માર્ગ સરળ છે. શ્રીકૃષ્ણે પોતાના યુગમાં માનવજાતને અનુકૂળ સંદેશ આપી ધર્મ સ્થાપનનું કાર્ય કર્યું હતું. તેવી જ રીતે આ યુગમાં શ્રીરામકૃષ્ણદેવે આધુનિક માનવને ઉપયોગી ઉપદેશ આપી ધર્મ સ્થાપન કર્યું છે.

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.