સાન્ ફ્રાન્સિસ્કો શહેર (યુ.એસ.એ.)ના કામ માટે સ્વામી વિવેકાનંદે સ્વામી ત્રિગુણાતીતને ખાસ ચૂંટ્યા હતા. તે બે ભાઈઓમાંના એક હતા જેમણે સ્વામી વિવેકાનંદના ‘માનવમાંના ભગવાનની સેવા’નો મંત્ર અપનાવ્યો હતો. જે સમયે તે કામ નવું હતું તેવા બંગાળમાંના દુકાળમાં સ્વામી ત્રિગુણાતીતે કરેલું રાહતકાર્ય એટલું આયોજિત અને સફળ બન્યું હતું કે બંગાળની પ્રજા જ નહિ પરંતુ તે સમયની બ્રિટિશ સરકાર પણ તેમના કાર્યથી પ્રભાવિત થઈ ગઈ હતી. તદુપરાંત તેમને સ્વામી વિવેકાનંદની પણ ખૂબ જ પ્રશંસા મળી. જ્યારે તેમના રાહતકાર્ય વિષેનું વર્ણન તેમણે સાંભળ્યુ ત્યારે સ્વામી વિવેકાનંદે ખૂબ જ ગૌરવ સાથે કહ્યું, “સારદા (સ્વામી ત્રિગુણાતીતનું પૂર્વનું નામ) તો મારા માથાનો મુગટ છે.” જ્યારે સ્વામી વિવેકાનંદ પશ્ચિમી દેશોમાં પ્રથમ વખત ગયા ત્યારે ત્યાંથી તેમણે સ્વામી ત્રિગુણાતીતને ખૂબ જ પ્રેરણાત્મક પત્રો લખ્યા જેમાં પોતાની યાત્રાની વિગતો, પશ્ચિમના લોકો સાથેના અનુભવો અને કામની તાલીમ આપતી વિગતો વગેરે પણ લખતા. એમ જણાતું હતું કે એ જ વખતે તેમણે ત્રિગુણાતીતને પશ્ચિમમાં લાવવાનું વિચારી લીધું હતું જેમ કે, ૧૪મી એપ્રિલ, ૧૮૯૬ના રોજ ન્યૂયોર્કથી લખેલા પત્રમાં તેમણે ત્રિગુણાતીતને જણાવ્યું,

“દોષોને શોધવા ખૂબ સરળ છે, પણ સંતોનું લક્ષણ છે કે ગુણોને શોધવા. આ વસ્તુ કદાપિ ભૂલવી નહિ…તમને થોડો વ્યાવહારિક અભિગમ હોવો પણ જરૂરી છે. અત્યારે તમારે સંગઠનની આવશ્યકતા છે અને તે કડક આજ્ઞાપાલન અને કામનું વિભાજન પણ માગી લે છે. હું કાલે ઈંગ્લેન્ડ જવા રવાના થઉં છું, અને ત્યાંથી આ બધું વિગતે સમજાવીશ. તમારા જેવા સૌજન્યશીલ કાર્યકરોને એકદમ સરસ રીતે સંગઠિત કરવાનો મેં નિર્ધાર કર્યો છે.

‘રામકૃષ્ણ પરમહંસ ભગવાન જ હતા, વગેરે પ્રકારનાં વિધાનો આ (પશ્ચિમી સંસ્કૃતિના) દેશોમાં કોઈ મહત્ત્વ ધરાવતા નથી… એમ કહેવાથી તો આપણું આંદોલન એક સંપ્રદાય સમું જ બની જશે. આવી જાતના પ્રયત્નોથી તમે દૂર જ રહેજો; છતાં જો લોકો તેમને ભગવાન તરીકે પૂજે તો કોઈ વાંધો તો છે જ નહિ. તેવી બાબતને ન તો પ્રોત્સાહન આપવું, ન હતોત્સાહ કરવી. મૂળ લોકો તો હંમેશાં ઉચ્ચ કક્ષાના માનવો કે ઉચ્ચ સિદ્ધાંતો પ્રત્યે અહોભાવ રાખે જ છે. આપણને તો બન્ને જોઈએ. છતાં સિદ્ધાન્તો સર્વવ્યાયી હોય છે, વ્યક્તિઓ નહિ. તેથી જ તેઓએ ઉપદેશેલા સિદ્ધાન્તોને જ વળગી રહેવું, અને તેમને વિષે વ્યક્તિ તરીકેનો મત લોકોને જે બાંધવો હોય તે બાંધવા દેવો.”

છ વર્ષ બાદ, તેઓ ભારત પાછા આવી ગયા ત્યારે સ્વામી વિવેકાનંદે સાન્ ફ્રાન્સિસ્કોની ‘વેદાન્ત સોસાયટી’ના અધ્યક્ષ ડૉ. લોગનને પત્રમાં જણાવ્યું કે તેઓ સ્વામી ત્રિગુણાતીતને, પોતાના એક વિશિષ્ટ રીતે પ્રશિક્ષિત સ્વામીને, ત્યાં મોકલી રહ્યા છે. જુલાઈ માસમાં સ્વામી વિવેકાનંદનું નિધન થયું, પણ તેમણે કરેલી આ ગોઠવણ ચાલુ રહી, પેસિફિક સમુદ્રને માર્ગે સાન્ ફ્રાન્સિસ્કોમાં વેદાન્ત સોસાયટીના નવા નેતા સન ૧૯૦૩ના નવા વર્ષના બીજે દિવસે આવી પહોંચ્યા. થોડાં અઠવાડિયાં ડૉ. લોગનના નિવાસસ્થાને રહ્યા પછી તેમણે કાર્લ એફ. પીટરસનના ઘરમાં કાયમી નિવાસ શરૂ કર્યો.

સાન્ ફ્રાન્સિસ્કોથી માઈલોને અંતરે સાન્ એન્ટોનિયો વેલી નામના ખૂણાના એક સ્થળે વેદાન્ત સોસાયટીએ ‘શાંતિ આશ્રમ’ની સ્થાપના તો કરી જ લીધી હતી. તેમાં જોકે હજી થોડી ઘણી નાની ઓરડીઓ જ હતી. સ્વામી વિવેકાનંદના અન્ય ગુરુભાઈ સ્વામી તુરીયાનંદ સન ૧૯૦૦થી ૧૯૦૨ના જૂન સુધી અત્રે કામ કરતા રહ્યા હતા અને જૂન ૧૯૦૨માં તેઓ ભારત પહોંચ્યા હતા. સ્વામી ત્રિગુણાતીતનું એમ માનવું થયું કે આટલા દૂરની જગ્યા કરતાં શહેરમાં જ સોસાયટીની પ્રવૃત્તિનું કેન્દ્ર રાખવું જોઈએ. પ્રથમ ત્રણ મહિના તો તેમણે રવિવારીય પ્રવચનો સાન્ ફ્રાન્સિસ્કોના એક ભાડે રાખેલા હોલમાં કર્યાં. પછી સન ૧૯૦૪માં સોસાયટીએ એક નવા મંદિરના નિર્માણ માટે યોજના બનાવી. જેમાં સોસાયટીનું સ્થળ શહેરમાં જ રાખવાનું ઠરાવાયું… ૨૯૬૩, વેબ્સ્ટર સ્ટ્રીટમાં સુયોગ્ય સ્થળ પણ મળી આવ્યું જે દરિયાની પાસે પણ હતું અને તેનો લગભગ ૧૮૦૦ ડોલર ખર્ચ થયો. અમીરો તેમજ ગરીબોએ આ ખરીદી અને નિર્માણ માટે ઉદાર હૃદયે દાન કર્યાં. એક જૂની પુસ્તિકામાં સ્વામીએ લખ્યું તેમ “આ મંદિરની આધારશિલાની સ્થાપના ૨૧મી ઓગસ્ટ, ૧૯૦૫ના દિને માનવજાતની ભલાઈ માટે સાન્ ફ્રાન્સિસ્કોમાં વેદાન્ત સોસાયટીએ કરી.” આ શુભ દિને એક ધાતુમંજૂષામાં શ્રીરામકૃષ્ણ, શ્રી શારદામણિદેવી અને અન્યોની છબીઓ તે શિલા પર મૂકવામાં આવી અને પછી જ ચણતર શરૂ થયું. ચાર મહિના જેટલા ટૂંકા ગાળામાં જ મુખ્ય માળખું તૈયાર થઈ ગયું, તેમાં સરસામાન પણ વસાવવામાં આવ્યો, અને પ્રતિષ્ઠાન માટે તૈયારી થઈ ગઈ. આ પ્રસંગ ૧૯૦૬ની જાન્યુઆરીની ૭મી એ સંપન્ન થયો. મૂળ મકાનના આયોજનમાં ત્રીજો માળ અને મિનારાઓની ગણતરી નહોતી. તે પછીથી સ્વામીએ કરેલા વિચારને લઈને બંધાયો. આ મંદિરનું ગૌરવ એ રીતે વર્ણવાયું કે તે ‘સમગ્ર પાશ્ચાત્ય દેશોમાં સૌથી પ્રથમ હિંદુ મંદિર’ હતું, અને તેને ‘માનવજાતિના કલ્યાણ’ માટે ઊભું કરવામાં આવ્યું હતું.

સ્વામી ત્રિગુણાતીતના સમયમાં મંદિરના ભાષણમંડપમાં શ્રીમતી આલ્બર્ટ એસ. વૉલબર્ગ નામના કલાકારે તૈયાર કરેલું એક મોટું શ્રીરામકૃષ્ણ પરમહંસનું તૈલચિત્ર હતું. ત્યાં સ્વામી વિવેકાનંદની એક છબી પણ હતી અને જીસસ ક્રાઈસ્ટને યોગમુદ્રાસનમાં બેઠેલા દર્શાવાયા હતા. આ ‘યોગી’ ક્રાઈસ્ટનું ચિત્ર સાન્ ફ્રાન્સિસ્કોનાં જ એક બહેન શ્રીમતી થિયોડોસિયા ઓલિવરે બનાવ્યું હતું. ક્રિશ્ચિયન ધર્મ તથા વેદાન્તનો સમન્વય કરવાના પ્રયત્નો સ્વામી ત્રિગુણાતીતે કર્યા કેમકે તેઓ એક ક્રિશ્ચિયન દેશમાં ઉપદેશ કરી રહ્યા હતા, એટલું જ નહિ બલ્કે તેમને પોતાને ક્રિશ્ચિયન ધર્મ પ્રત્યે વિશેષ માન પણ હતું.

બે માળ પૂરા થયા ન થયા ત્યાં તો સ્વામીએ વિચાર કર્યો કે ત્રીજો માળ અને મિનારાઓ પણ સાથે સાથે ચણાવી લેવા જોઈએ, જેથી સ્વામી બ્રહ્માનંદ, જેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન બંને સંસ્થાના અધ્યક્ષ હતા, તેઓ અમેરિકામાં થઈ રહેલા કામનું નેતૃત્વ સંભાળી શકે. આ ઈમારતના કામની દરેક વિગતની તેઓ ઝીણવટભરી નોંધ રાખતા. સ્વામી બ્રહ્માનંદ માટે એક સુંદર નિવાસસ્થાન પણ તેમાં જ રહેવાનું હતું. અને સુંદર મિનારાઓ પણ જગતના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓની મૂળ એકતા પર ધ્યાન દોરે તેવા બનાવવાના હતા. દુર્ભાગ્યે, સ્વામી બ્રહ્માનંદ અમેરિકા આવી શક્યા જ નહિ.

સ્વામી ત્રિગુણાતીતે આ મંદિરના ત્રીજા માળના નિર્માણનો ખર્ચ કેવી રીતે કાઢ્યો તે ચમત્કારિક જ ગણાય. કહેવાય છે કે જ્યારે તેઓ એ બાબતની જ ચિંતા કરી રહ્યા હતા ત્યારે એક સાથીને લઈને એક પ્રૌઢ અનુયાયી દરવાજે આવી ઊભા. તેમણે સોનાના આઠ હજાર ડોલરોની થેલી સ્વામીને ભેટ આપી. એક વર્ષમાં જ તેમણે પોતાની મહેચ્છા પૂરી કરી. સ્વામીએ દરેક મિનારાની કારીગરી અને તેનો અર્થ સમજાવતી પુસ્તિકાઓ પ્રકાશિત કરી. તેઓ આરંભમાં લખે છે, ‘આ એક એવું મંદિર છે જેમાં હિંદુ મંદિર, ક્રિશ્ચિયન ચર્ચ, મુસ્લિમ મસ્જિદ, હિંદુ મઠ અને વિહાર, તેમજ એક અમેરિકાનું નિવાસસ્થાન, આ વૈવિધ્યપૂર્ણ રચનાનું સંયોજન ગણી શકાય તેવું છે’ એપ્રિલ ૫, ૧૯૦૮ના દિને તેનું પુનઃ પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું હતું.

અહીનાં ઉપસાગરના ક્ષેત્રના વિદ્વાનો અને બૌદ્ધિકોમાં સ્વામી જાણીતા તો થઈ જ ચૂક્યા હતા. એપ્રિલ ૧૧, ૧૯૦૭ના રોજ બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના ગ્રીક થિયેટર જૂથે ભારતના સર્વોત્તમ નાટ્યકાર કાલિદાસની એક રચનાનો નાટ્યપ્રયોગ કર્યો. ૧૦,૦૦૦ જેટલા લોકોની હાજરીથી થિયેટર ખીચોખીચ ભરાઈ ગયું હતું. આ પ્રસંગે સ્વામી ત્રિગુણાતીતને મુખ્ય અતિથિ તરીકે નિમંત્રણ મળ્યું. આ જૂથે પોતાના આ રીતના પ્રયોગોમાં મુખ્ય અતિથિ તરીકે પહેલાંના વર્ષોમાં પ્રેસિડેન્ટ થીયોડોર રુઝવેલ્ટ જેવા મોટા મહાનુભાવોને આમંત્રિત કર્યા હતો. પરંતુ આ માનનીય સ્થાન સૌપ્રથમ વખત એક હિંદુ સ્વામીને આ સમયે જ મળ્યું.

વેદાંત સોસાયટીનું મુખ્ય કાર્ય જે સૌથી વધુ સફળ થયું તે હતું છાપખાનું, સ્વામીના અનુયાયીઓમાં એક વ્યવસાયે છાપખાનાનું કામ અગાઉ કરતા હતા. આથી સ્વામીને વિચાર આવ્યો કે એક છાપખાનું ખરીદવું અને પછી તેઓ તેમાં વેદાંત અંગેની પુસ્તિકાઓ, મંદિરનાં છબીઓ અને અન્ય લક્ષણો અંગેની માહિતી પુસ્તિકાઓ અને એક પુસ્તક પણ છાપ્યું, જેનું નામ હતું ‘ધી ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’ અને તેના લેખક હતા ‘M’. આ સંસ્થાનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું એક સામયિક જેનું શીર્ષક હતું ‘વોઈસ ઓફ ફ્રીડમ’. તે ૧૯૦૯થી ૧૯૧૬ સુધીનાં સાત વર્ષો સુધી દુનિયાભરના દેશોમાં સભ્યપદથી ચાલુ રહ્યું હતું.

સ્વામીનું મંતવ્ય હતું કે ભારત પછી સૌથી વધુ મહાન આધ્યાત્મિક સંભાવનાઓ ધરાવતો દેશ અમેરિકા છે. તેમના સંપાદકીય લેખોમાં સ્વામી ત્રિગુણાતીતે જે વિષયો પર ચર્ચા કરી તેમાં હતા શહેરી ચૂંટણીઓમાં પ્રામાણિકતા, અમેરિકાનું સોશ્યાલિઝમ, ક્રિશ્ચિયન વૈજ્ઞાનિકો, દંભી તાંત્રિકવાદ, વગેરે. મંદિરની બાજુના સ્થળે જ્યારે ‘પનામા-પેસિફિક ઈન્ટરનેશનલ એકપોઝિશન’નું નિર્માણ શરૂ થયું ત્યારે સ્વામીજીએ તેને પોતાની જ આંતરરાષ્ટ્રીયતાની ભાવનાઓના આંદોલનનું એક સ્વરૂપ ગણીને તેમાં ખૂબ જ ઊંડો રસ લીધો હતો. ‘વોઈસ ઓફ ફ્રીડમ’ના મુખપૃષ્ઠ પર તેનું પ્રતીકચિત્ર પણ છપાવ્યું હતું. તેમણે ઘણા રાષ્ટ્રીયધ્વજો પણ ખરીદ્યા હતા જેથી ખાસ દિવસોએ તેનું પ્રર્દશન કરી શકાય. આખા મંદિરમાં વિજળીના દીવાઓની એવી વિશિષ્ટ વ્યવસ્થા કરી હતી જેથી એક પરીકથામાંના એક સ્થળ જેવું તે અદ્‌ભુત જણાતું હતું. ત્યાંની પ્રજાને માટે તે એક મોટું આકર્ષણ બન્યું. વળી મંદિર પાસેથી પસાર થતા રસ્તા પાસે એક બગીચાની રચના માટે પણ તેમને શહેરની નગરપાલિકાની પરવાનગી મેળવી લીધી હતી. આમ કરવામાં તેમને સહેજ પણ મુશ્કેલી નડી નહીં, કેમકે મેયર અને પાલિકાના અન્ય અફસરો સાથે તેમણે મૈત્રી કેળવી હતી. લોકોમાં તેઓ ખૂબ જ પ્રિય થઈ પડ્યા હતા. લોગ બીચના સ્થળે ભરાયેલી ‘વર્લ્ડ્સ સ્પિરિચ્યુલ કોન્ફરન્સ’માં તેમણે આપેલા ભાષણનું શીર્ષક હતું ‘એસેન્શિયલ ડૉક્ટરીન્સ ઓફ હિંદુઈઝમ’ અર્થાત્ ‘હિંદુધર્મના મૂળભૂત સિદ્ધાન્તો’. આ ભાષણ દરમ્યાન અને પછી પણ તેમનાં વાક્યો પર આફરીન થઈને લોકોએ તેમને એટલા લાંબા સમય માટે અને જોરથી બોલીને વધાવ્યા કે તેમણે ફરી એક વાર પોતાના ભાષણને થોડું આગળ ધપાવતું નાનું સરખું ભાષણ આપવું પડ્યું. તેઓમાં જાણે એક દૈવી આકર્ષણ હતું. આપણી પાસે તેમની કેટલીક છબીઓ છે જેમાં તેમણે વિવિધ પ્રકારના પહેરવેશો પહેરેલ છે. ટકસેડો, વ્યાવહારિક સૂટ, કામકાજના સમયનાં વસ્ત્રો, ભાષણ આપતી વેળાનો પહેરવેશ અને પાઘડી વગેરે આ દરેકમાં એક બ્રહ્મજ્ઞાન ધરાવનારનું તેજ જણાઈ આવે છે.

તેઓના જીવનની સંધ્યાના સમયે સ્વામીને દુઃખદાયી કષ્ટો પડવાં. ર્‌હુમેટિઝમ અને બ્રાઈટ્સ ડીસીઝ, જેવો રોગ શરીરમાં દાખલ થયા. પરંતુ જેમ તેમણે પોતે જ કહ્યું હતું તેમ, તેમણે કેવળ મનોબળથી તેમણે પોતાનું શરીર જકડી રાખ્યું જેથી તેમનું સેવાકાર્ય ચાલુ રહે. ૧૯૧૪ના વસંતમાં એક વિદ્યાર્થીને તેમણે પોતાના ભાષણ પર ટિપ્પણી કરવાને કહ્યું, ત્યારે તે વિદ્યાર્થીએ તેમના અવાજમાં સહેજ થથરાટ છે એમ કહ્યું અને સ્વામી જે જોશભરી ભાવનાથી બોલે છે તે જ નહિ પણ તેઓના કથળેલા સ્વાસ્થ્યને પણ કારણભૂત ગણાવ્યું. સ્વામીએ આ સ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્ન તો કર્યા પણ તેમણે કબૂલ્યું કે જ્યારે જ્યારે તેઓ હમણાં ભાષણ કરવા મંચ પર ઊભા થાય છે, ત્યારે પવિત્ર દૈવી માતાજી તેમની સમક્ષ જ રહેલાં તેઓ અનુભવે છે અને તેમના શબ્દો તેઓની આ અત્યંત લાગણીસભર આધ્યાત્મિકતાને કારણે ઘણીવાર અસ્પષ્ટ પણ થાય છે તેમ બને.

લગભગ આ જ અરસામાં થોડો સમય પછી તેમનું જીવન પૂર્ણ થયું. ૧૯૧૭ની ડિસેમ્બરની ૨૭મીએ એક ગાંડા માણસે (ઓડિટોરિયમ) સભા મંડપમાં ફેંકેલા એક બોમ્બને કારણે તો સ્વામી સખત રીતે ઘવાયા. છતાં ખુબ વેદના વેઠીને પણ તેમણે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને દિને જાન્યુઆરી ૧૦, ૧૯૧૫ના દિવસે, પ્રાણનો ત્યાગ કર્યો.

નવી દુનિયામાંના સર્વપ્રથમ હિંદુ મંદિરની આ કથા છે. બે મોટા ભૂકંપોમાંથી અને સાન્ ફ્રાન્સિસ્કોમાં થયેલા અગ્નિકાંડમાંથી સ્વામી ત્રિગુણાતીતની દૂરદર્શિતાને કારણે મંદિર આબાદ બચી ગયું છે અને સાન ફ્રાન્સિસ્કો શહેરનું જાણીતું અને પ્રિય સ્થાન બન્યું છે. તેમના નિધન પછી રામકૃષ્ણ મઠના અન્ય સ્વામીઓ પણ અહીંની વેદાન્ત સોસાયટીમાં કાર્યરત રહ્યા છે, જેવા કે સ્વામી પ્રકાશાનંદ, માધવાનંદ, દયાનંદ, વિવિદિશાનંદ, પ્રભવાનંદ, અશોકાનંદ, શાંતસ્વરૂપાનંદ, શ્રદ્ધાનંદ અને સ્વાહાનંદ વગેરે હાલમાં પ્રબુદ્ધાનંદ પણ આ મંદિરનાં કાર્યોમાં રત છે. આ બધામાં, સ્વામી માધવાનંદને પુનઃ ભારતમાં બોલાવી લેવામાં આવ્યા હતા અને પૂર્ણ રામકૃષ્ણ મઠના તેઓ નવમાં અધ્યક્ષ નિમાયા હતા. સ્વામી દયાનંદે ભારત પાછા ફર્યા બાદ એક નમૂનારૂપ સાર્વજનિક હોસ્પિટલ ખોલી હતી જેનું નામ છે રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન. સ્વામી શાંત સ્વરૂપાનંદને સ્વાસ્થ્યના કારણોસર ભારત પાછા ફરવું પડ્યું હતું. સ્વામી વિવિદિશાનંદ અને સ્વામી પ્રભવાનંદ સાન્ ફ્રાન્સિસ્કો છોડીને પછી વેદાન્ત સોસાયટીઓની ક્રમશઃ સીયાટલ અને હોલીવૂડનાં સ્થળોએ સ્થાપના કરવામાં રત હતા.

૧૯૫૯માં સ્વામી અશોકાનંદના નેતૃત્વમાં ૨૩૨૩, વેલીજો સ્ટ્રીટમાં સાન્ ફ્રાન્સિસ્કો વેદાન્ત સોસાયટીએ એક વધુ મોટું મંદિર નિર્માણ કર્યું હતું. સન ૧૯૯૩માં આ મંદિરના અન્ય ભાગમાં એક વિશાળ સંકુલનું પણ નિમાર્ણ થયેલ છે.

(‘ધી સ્ટોરી ઓફ ધી વેદાંત સોસાયટી ઓફ નોર્ધર્ન કેલિફોર્નિયા ૧૯૦૦-૧૯૭૫’માંથી કેટલાક સુધારાવધારા સાથે સંક્ષિપ્ત લેખ. આ સોસાયટી દ્વારા પ્રકાશિત ‘Swami Trigunatita – His Life and Work’ ગ્રંથમાંથી આ અંગે વધુ વિગતો પ્રાપ્ય બનશે.)

ભાષાંતર : ડૉ. સુધા નિખિલ મહેતા

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.