શ્રીરામકૃષ્ણ — પયગંબર વિવેકાનંદના ઘડવૈયા

દક્ષિણેશ્વરના કાલીમંદિરના પ્રાંગણમાંના એક ઓરડામાં એ ઘટના બની હતી. વહેતી ભાગીરથી ગંગાને તટે આવેલા એક નાના ઓરડામાં પોતાના ગુરુ પાસે નરેન્દ્ર ગીત ગાતો હતો. ગુરુ શ્રીરામકૃષ્ણ ઊંડી સમાધિમાં સરી પડ્યા. સમાધિ ઊતર્યા પછી પણ દિવ્ય ભાવમાં મસ્ત ગુરુએ પોતાના પ્રિય શિષ્ય તરફ જોયું અને પછી એ બોલ્યા:

‘એણે અગ્નિ પેટાવી દીધો છે. હવે એ રહે તો ભલે અને જાય તો ભલે.’ નરેન્દ્રના અવાજમાં, રામકૃષ્ણ હંમેશાં દિવ્ય અગ્નિ અનુભવતા, નાદ બ્રહ્મના ઊર્ધ્વગામી તરંગો, શબ્દ (Logos) અનુભવતા – ‘જે શબ્દ ઈશ્વર પાસે હતો. અને જે પોતે ઈશ્વર હતો’ તે શબ્દ અનુભવતા. જ્યારે જ્યારે નરેન્દ્ર ગાય ત્યારે કુંડલિની શક્તિ જાગ્રત થાય એમ, શ્રીરામકૃષ્ણ કહેતા. એમને નરેન્દ્રમાં વ્યક્ત બ્રહ્મનું જીવંત પ્રતીક દેખાતું. એ કહેતા, ‘નરેન્દ્રને હું મૂર્તિમંત આત્મા માનું છું.’ એક દિવસે ઠાકુરે કાગળના એક ટુકડા પર લખ્યું કે, ‘અહીં અને બહાર પરદેશમાં નરેન ગર્જના સાથે જગતને શીખવશે.’ — ‘નરેન સિખે દિબે, જખન ધરે બાઈરે હાંક દીબે.’

કલકત્તાના એક છોકરાની પયગંબરમાં પરિવર્તનની કથા લાંબી છે. જન્મજાત ક્ષત્રિય અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં લડતો કરવામાં શ્રી કૃષ્ણને સફળતા મળી હતી પણ, શ્રી રામકૃષ્ણનું કાર્ય ઘણું વધારે કઠિન હતું. જગતની બળતી ધરા પર દોડવા કૂદી પડી ઈશ્વરનું અમૃત ઘેરઘેર પહોંચાડવા અને, વર્તમાન ભૌતિક સભ્યતાને જિવાડવા, જન્મથી જ પૂર્ણ ધ્યાની કોઈ શુકદેવને કે કોઈ શિવને વાળવા માત્ર ભગવાન માટે જ શક્ય હતું.

ગુરુ અને શિષ્યની ભેટ તોફાની પીઠિકા પર થઈ હતી. હર્બર્ટ સ્પેન્સર અને બીજા પાશ્ચાત્ય ફિલસૂફોના નિરીશ્વરવાદી ભૌતિકવાદ અને, ઈશ્વર સત્ય છે અને એનો સાક્ષાત્કાર થઈ શકે છે તે અંતર્નિહિત ભારતીય શ્રદ્ધા વચ્ચે નરેન્દ્રના મનમાં તીવ્ર સંઘર્ષ ચાલતો હતો. એનું મજબૂત કસરતી શરીર, અને અનેક પ્રકારના વ્યાયામમાં પારંગતતા, એનો આજ્ઞાકારક અવાજ, એની તેજસ્વી બુદ્ધિ, અને વિશાળ જ્ઞાન, ગળથૂથીમાં મળેલી એની નેતૃત્વશક્તિ અને ઉદાર હૈયું, આ બધું એના સમોવડિયાઓમાં એને નિર્વિવાદ નાયક પદે સ્થાપી દેતું. છતાં, આ બધા ક્ષણિક દેખાવની પર જઈ ઈશ્વરમાં સનાતનતા શોધવા માટે એનો અંતર્નાદ એની પાછળ આદુ ખાઈ આવ્યો હતો. રોજ રાતે, સૂતાં પહેલાં એ નાના છોકરાને બે સ્વપ્નો આવતાં. એકમાં એ પોતાને આખા જગત પર આધિપત્ય ચલાવતા રાજવી તરીકે જોતો, અને પછી, સર્વસ્વ તજી દેનાર સાધુના વેશમાં એ પોતાને જોતો. આ બીજું સ્વપ્ન પ્રથમ સ્વપ્ન પર જીત મેળવે પછી જ એના સંઘર્ષ અનુભવતા આત્માને શાંતિની નિદ્રા આવતી.

આ સંઘર્ષ વધારે ઘેરો બન્યો અને એ છોકરાના બાહ્ય જીવનમાં એ હવે વ્યક્ત થવા લાગ્યો. ઈશ્વરને પામવાના માર્ગની શોધ માટે એ હવે આતુર બન્યો. કલકત્તાના ધુરંધરો અને દેવેન્દ્રનાથ ટાગોર જેવા ધાર્મિક નેતાઓ એને શાંતિ આપવામાં કે, માર્ગ બતાવવામાં નિષ્ફળ ગયા. એ કાળે નરેન્દ્રનું મન અણઉકેલ સંઘર્ષના ઊકળતા ચરુ જેવું બની ગયું. એના એક મિત્રના કહેવા અનુસાર, એ વખતે એને બચાવનાર કોઈ મળ્યું ન હોત તો એ પાગલ થઈ ગયો હોત. આ બળબળતી ગ્રીષ્મમાં દિવ્ય કૃપાની અમીવર્ષા થઈ. આત્માના દઝાડતા દુકાળ ઉપર, ઈશ્વરાવતારી શ્રીરામકૃષ્ણની કૃપા અને પ્રીતિનાં પૂર ફરી વળ્યાં.

પ્રથમ ઐતિહાસિક મિલન કલકત્તામાં થયું. નરેન્દ્રના શુભેચ્છકોએ — એમાંના એક એના અધ્યાપક પ્રો. હેય્‌સ્ટી હતા, એમણે — એને કહ્યું હતું કે, ‘ભગવાન પ્રાપ્ત કરવાની તારી ધગશ સાચી હોય તો, તું શ્રીરામકૃષ્ણને મળ.’ એક ભક્ત અને કેટલાક મિત્રોની સાથે, થોડા દિવસ બાદ, તરત જ, નરેન્દ્ર શ્રીરામકૃષ્ણના નાના ઓરડામાં પ્રવેશ્યો — સિનાઈના પહાડ પરની બળતી ગુફામાં મુસા એક વાર એ રીતે પ્રવેશ્યા હતા. એ ઈશ્વરને મોઢામોઢ જોવા ઇચ્છતો હતો. એને આવકાર આપી શ્રીરામકૃષ્ણે તેને એક ગીત ગાવા કહ્યું. રુદન કરતા આત્માના તીવ્ર પોકારના ભાવથી એણે એક બંગાળી ગીત ગાયું:

‘મન! ચલો નિજ નિકેતને, સંસાર વિદેશે, વિદેશીર વેશે ભ્રમો કેનો અકારણે?’

ઈશ્વરમાં પાગલ બનેલા શ્રીરામકૃષ્ણનું ચિત્ત તરત જ સમાધિમાં સરી પડ્યું. લાંબા સમયથી જેની પોતે આતુરતાપૂર્વક વાટ જોતા હતા તે અંકિત કરેલ જણ આવી પહોંચ્યો છે તે એ સમજી ગયા. એ રાતે, નરેન્દ્રના ગયા પછી, એ વિચિત્ર જુવાનને પાછો બોલાવવાની તીવ્ર ઇચ્છા એમને થઈ અને, પોતાનો લાડકો પુત્ર જતો રહેતાં માતાને થતી હૃદયવિદારક પીડા એ અનુભવવા લાગ્યા.

બીજી વાર નરેન્દ્ર ગયા ત્યારે, પ્રથમ વારના શ્રીરામકૃષ્ણના પ્રેમે વિચિત્ર આદરનું રૂપ લીધું. દિવ્ય અંત:સ્ફુરણાથી એ છોકરા પાસે ઊભા રહીને શ્રીરામકૃષ્ણ રુદન કરવા લાગ્યા અને, હાથ જોડી તેને કહેવા લાગ્યા:

‘આટલા બધા મોડા આવ્યા એ શું તમે ઠીક કર્યું છે? હું જાણું છું, મારા પ્રભુ, કે તમે નરનારાયણ ઋષિના અવતાર છો. અને, માનવજાતિનાં દુ:ખો અને યાતના દૂર કરવા અવતર્યા છો.’

આવા બધા લાગણીઓના ઉભરા બાબત તદ્દન શંકાશીલ અને , આવા અજાણ પૂજારીને મુખેથી નીકળતા ન માની શકાય એવા શબ્દો સાંભળી, નરેન્દ્રે એમને પાગલ ધારી લીધા. તે સાથે, શ્રીરામકૃષ્ણની શુચિતાએ, અને ત્યાગે એમને પ્રભાવિત કર્યા. ‘પણ એ કેટલા વિશુદ્ધ છે! ને કેવા ત્યાગી! માનવહૃદયના માનના, આદરના અને પૂજાના અધિકારી એ છે.’ નરેન્દ્રે વિચાર્યું. ખૂબ પ્રભાવિત અને વિસ્મિત થઈને એણે શ્રીરામકૃષ્ણને ચરણે પોતાનું મસ્તક નમાવ્યું. પોતે જેની સતત ઝંખના કરતા હતા તે પ્રભુનો ચરણસ્પર્શ પોતે કર્યો છે તેની એમને ભાગ્યે જ જાણ હતી.

જેમ જેમ નરેન શ્રીરામકૃષ્ણ પાસે વધારે ને વધારે આવતા થયા તેમ તેમ શ્રીરામકૃષ્ણની અંત:સ્ફુરણા દૃઢ થઈ. બીજાઓને એ કહેવા લાગ્યા કે, ‘નરેન્દ્રનો આત્મા મહાન છે અને ધ્યાનમાં પરિપૂર્ણ છે; અને વળી ઉમેર્યું કે, ‘પોતે કોણ છે એનું ભાન થશે… તે જ ક્ષણે ધ્યાનમાં બેસી એ દેહત્યાગ કરશે.’

સામે પક્ષે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણને તીવ્ર સંશયથી જોવા લાગ્યા. બાહ્ય દૃષ્ટિએ, રામકૃષ્ણ કાલી મંદિરના એક પૂજારી હતા અને, અર્વાચીન અંગ્રેજી શિક્ષણથી તદ્દન વંચિત હતા. હકીકતે, કોટ પાટલૂન પહેરેલા બાબુઓના અંગ્રેજીની એ પોતાની ગામઠી રીતે નકલ કરતા. છતાં, નરેન્દ્રને નવાઈ લાગી કે, આ માણસે વાસના ઉપર સંપૂર્ણ જય મેળવ્યો હતો અને, શુચિતામાં સામાન્ય જનો કરતાં ક્યાંય ચડિયાતા હતા એટલું જ નહીં પણ, એ ત્યાગ એટલી હદે કર્યો હતો કે, એમનાથી અજાણ રીતે એમની પથારી નીચે રાખેલા રૂપિયાના સ્પર્શે એમને આંચકી આવી હતી. દિવ્યતાની અતિપ્રભાવક શક્તિ વડે, કેવળ એક સ્પર્શથી કે શબ્દથી શ્રીરામકૃષ્ણ પાપીઓને સંત બનાવી શકતા. એ જાહેરાત ન કરતા, સભાઓ ન ભરતા છતાં, બધી જાતના લોકો એમની પાસે દિવસરાત દોડી આવતા. અને સૌ દિવ્ય વાણીનો ભરપેટ આસ્વાદ તથા ઠાકુરના મધુર કંઠે ગવાયેલાં દિવ્ય ગીતો સાંભળીને પાછા જતા. એમની ભાષા ગામઠી હતી અને, ગહનમાં ગહન દાર્શનિક વિચારોને ગ્રામાંચલની ઉપમાઓની સહાયથી તથા હાસ્યવૃત્તિ સાથે એવી રીતે સમજાવતા કે એમના શ્રોતાઓ ખડખડાટ હસી પડતા. આમ છતાં, મેકસમૂલરે કહ્યા પ્રમાણે, ‘આગમવાણી’ જેવા એમના શબ્દોથી એ સમયના મહાન બૌદ્ધિકો પ્રભાવિત થઈ હલી ઊઠતા. અને એમને પ્રશંસાથી નવાજવામાં આવ્યા ત્યારે પણ, એ સ્વાર્થગંધહીન, કાલીમાતાનું સનાતન બાળક જ રહ્યા. શ્રીરામકૃષ્ણનાં એ સરળ વચનો ‘પાંચ હજાર વર્ષના રાષ્ટ્રીય આધ્યાત્મિક જીવન’ ની ફલશ્રુતિનાં પ્રતિનિધિ છે એમ, નરેન્દ્રને લાગવા માંડ્યું અને, એમના દ્વારા, શ્રીરામકૃષ્ણ જાતે, ‘ભાવિ પેઢિઓ માટે આદર્શ’ રજૂ કરતા હતા. એમના નિવાર્ણને લગભગ એંશી વર્ષ થયા પછી, નોબલ પારિતોષિક વિજેતા ઈતિહાસકાર ટોય્‌ન્બીએ ૧૯૬૬માં લખ્યું હતું:

‘શ્રીરામકૃષ્ણનો જન્મ અને ઉછેર બંગાળના એક ગામડામાં થયો હતો. કલકત્તાથી થોડે જ દૂર ગંગાને તટે આવેલા એક મંદિરમાં એમણે પોતાના જીવનનો મોટો ભાગ વીતાવ્યો હતો. બાહ્ય દૃષ્ટિએ એમનું જીવન સાવ સરળ લાગે તેવું હતું. છતાં, એમના પોતાના ક્ષેત્રમાં એટલે કે ધર્મના ક્ષેત્રમાં, એમના જીવનકાળ દરમિયાન, જે ભારતીય અને અંગ્રેજ સમકાલીનો અર્વાચીન ભારતનું જે માળખું તૈયાર કરતા હતા તેમનાં જીવન કરતાં, શ્રીરામકૃષ્ણનું જીવન વધારે ક્રિયાશીલ અને વધારે અસરકારક હતું….‘સર્વના કાર્ય કરતાં શ્રીરામકૃષ્ણનું કાર્ય વધારે ભવિષ્યલક્ષી છે તેથી, કદાચ, તેમના જીવન કરતાં શ્રીરામકૃષ્ણનું જીવન વધારે અદ્યતન છે.’

શ્રીરામકૃષ્ણ આજના યોગી હતા અને, પોતાના સાધનાકાળ દરમિયાન સ્ત્રીઓથી સદા દૂર રહેતા. છતાં, બધી સ્ત્રીઓમાં, પોતાની પત્નીમાં પણ, એ જગજ્જનનીને જોતાં અને પૂજતાં શીખ્યા હતા. બીજા કોઈ અવતારે કર્યું ન હતું તે, એક સ્ત્રી-ગુરુને ચરણે બેસી એમણે સાધના કરી હતી. શ્રીરામકૃષ્ણની પવિત્રતા વિસ્મયકારક હતી. પછીથી વિવેકાનંદે કહ્યા પ્રમાણે, ‘એ કેવળ પવિત્ર નહીં, મૂર્તિમંત પવિત્રતા જ હતા.’

પશ્ચિમને રંગે રંગાયેલા કલકત્તાવાસીઓ સમાજ સુધારાના પોતાના બેચાર લપેડાથી અભિમાનિત થતા ત્યારે, નરેન્દ્રે જોયું કે, ‘જીવંત પ્રાણીઓ પ્રત્યે દયા દેખાડવાના’ વૈષ્ણવ વિચારને પણ આ માણસે ફગાવી દીધો હતો. ‘પ્રાણી પ્રત્યે દયા?’ શ્રીરામકૃષ્ણ પોકારી ઊઠ્યા હતા. ‘બધાં પ્રાણીઓમાં નિત્ય વસતા ઈશ્વર પ્રત્યે દયા દેખાડવી તે ઈશ્વરની ઠઠ્ઠા નથી? ભક્તોનું ધ્યાન દોરી શ્રીરામકૃષ્ણે સેવાનો નવો મંત્ર ‘શિવજ્ઞાને જીવસેવા’ આપ્યો. માનવજાત માટેનો એ સંદેશ છે; આવી રહેલા યુગમાં ભૌતિક સંસ્કૃતિના પરિણામ રૂપે દૈહિક સુખોપભોગ માટે માણસોને ઈંદ્રિયજન્ય સત્ય ગણી તેમનું શોષણ કરવામાં આવશે ત્યારે આ સંદેશની અગત્ય પુરવાર થશે.

દક્ષિણેશ્વરનું રાણી રાસમણિનું મંદિર ધાર્મિક સંવાદ માટે યોગ્ય સ્થાન હતું કારણ, ત્યાં કાલી, કૃષ્ણ અને શિવનાં મંદિરો હતાં. વિવિધ ધર્મ પંથોની શ્રીરામકૃષ્ણની સાધનાએ મંદિરની વાડીની વૃક્ષરાજિને અને ત્યાંની પંચવટીને અસંખ્ય દેવદેવીઓ અને સાધુસંતોનાં દર્શનનું ધામ બનાવી દીધાં હતાં.— ત્યાં સીતા, રામ, હનુમાન, રાધા, કૃષ્ણ, ઈસુ, ચૈતન્ય, નિત્યાનંદ અને બીજાંઓની અનુભૂતિ શ્રીરામકૃષ્ણને થઈ હતી. તોતાપુરીએ આપેલા બોધની સહાયથી અવ્યક્ત બ્રહ્મની અને સુફી સંત ગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ થયેલી ઈસ્લામની સાધનાની પણ એ ભૂમિ હતી. શ્રીરામકૃષ્ણનો એ નાનકડો ખંડ દરરોજ ધર્મોની પરિષદ બનતો. પણ નરેનને ગુરુના એક પણ દર્શનમાં શ્રદ્ધા ન હતી અને એમને કાલ્પનિક આભાસ તરીકે એ હસી કાઢતા.

પછી એક દહાડો શ્રીરામકૃષ્ણે ગોપાલની માને નામે ઓળખાતી એક સ્ત્રી ભક્ત ત્યાં રજૂ કરી. એ સ્ત્રી આખો દિવસ બાલગોપાલનું સતત દર્શન કર્યા કરતી અને, જાણે કે, એની સાથે જ સતત વિહરતી! શ્રીરામકૃષ્ણના કહેવાથી એ વૃદ્ધા પોતાનાં દર્શનોની વાત નરેન્દ્રને કહેવા લાગી. અશ્રદ્ધાળુ બુદ્ધિવાદીની આંખો આંસુથી ઉભરાઈ. આવા પવિત્ર અને નિર્દોષ આત્માની વાત એ શી રીતે અવગણી શકે? અર્વાચીન સંશય પર જ્વલંત આધ્યાત્મિક સાક્ષાત્કારે વિજય મેળવ્યો.

આ બધા અનુભવો છતાં, પોતાના ગુરુ વિશેનો સંશય નરેન્દ્રના મનમાંથી દૂર ન થયો. પણ એ યુવાન માટેનો શ્રીરામકૃષ્ણનો પ્રેમ વધતો ચાલ્યો.વાસ્તવમાં એણે હવે આદરનું રૂપ લીધું. માનવ કુસુમોમાં નરેન્દ્રને હવે એ ‘સહસ્રદલ કમલ’ તરીકે વર્ણવવા લાગ્યા. રાણી વિક્ટોરિયાએ જેનું સન્માન કર્યું હતું તે બ્રાહ્મ નેતા કેશવ સેનની હાજરીમાં, નરેન્દ્રનાં વખાણ કરી શ્રીરામકૃષ્ણે કહ્યું કે, ‘કેશવમાં એક દિવ્ય શક્તિ છે તો જગતને હલાવી નાખવાની એવી અઢાર શક્તિ નરેન્દ્રમાં છે.’ આથી શરમાઈ નરેન્દ્રે આ શબ્દો સામે વાંધો ઉઠાવ્યો ત્યારે, શ્રીરામકૃષ્ણે હસીને કહ્યું: ‘હું એમાં શું કરી શકું? બેટા!… માએ એ બધું મને દેખાડ્યું છે.’

આ શિષ્ય પાસેથી ઠાકુરે કદી સામાન્ય સેવા લીધી નહીં. ઉત્તમ મીઠાઈ એને માટે રખાતી. હલકા ચારિત્ર્યનાં માણસોએ ધરાવેલી વસ્તુઓને એ બીજા કોઈને હાથ સુધ્ધાં લગાડવા ન દેતા પણ, નરેન્દ્રને એ પૂરી છૂટથી ખાવા દેતા. રામકૃષ્ણ કહેતા કે, નરેન્દ્રમાં રહેલો જ્ઞાનાગ્નિ બધું પવિત્ર બનાવી દેશે.’ લાગણીની પળોમાં પોતાના હુક્કામાંથી ફૂંક લેવાનું એ નરેન્દ્રને કહેતા. સમાધિની પળે એક વાર એ પ્રેમવિભોર બની બોલી ઊઠ્યા: ‘તને ઠીક છે ને, દીકરા…આ એક છે. એ એક છે.’ આ સાંભળી કથામૃતના લેખક મ.ને લાગ્યું કે ઠાકુરની દૃષ્ટિમાં (આ) સાચા નરેન્દ્ર (એ) દેખાતા નરેન્દ્ર પાછળ પ્રકાશી રહેલ છે. નરેન્દ્રની અંતર્નિહિત દિવ્યતા શ્રીરામકૃષ્ણ માટે નિત્ય સત્ય હતી.

શ્રીરામકૃષ્ણના શિષ્ય શારદાનંદે લખ્યા પ્રમાણે, અચૂક અંત:સ્કફુરણાથી, ‘ઠાકુર જાણતા હતા કે, નરેન્દ્ર એમનો પુત્ર છે, મિત્ર છે, એમની આજ્ઞા ઉઠાવનાર છે અને, પોતાના તથા નરેન્દ્રનાં જીવન પ્રેમની અતૂટ દોરથી નિત્યને માટે ગંઠાયેલાં છે.’

નરેન્દ્રના મહાન ભાવિ વિશે શ્રીરામકૃષ્ણના અસાધારણ વિશ્વાસ અને શ્રદ્ધાએ એ યુવાનના આત્મામાં ચિનગારી પેટાવી. પ્રશંસા અને ગૌરવના શ્રીરામકૃષ્ણના અવિરત શબ્દોથી, સમય જતાં, પોતાની અનન્ય ઊર્ધ્વતા માટે નરેન્દ્રમાં અદ્‌ભુત શક્તિ પ્રગટાવી. વિશ્વ કેવળ પદાર્થ છે, એમ પછીથી વિવેકાનંદે સમજાવ્યું. શબ્દો (પદ) ના અવિરત રટણથી અર્થનો સાક્ષાત્કાર થાય છે અને આદર્શ પ્રત્યક્ષ થાય છે.

શ્રીરામકૃષ્ણ નરેન્દ્રની પ્રશંસા કરતા તેની પાછળ વિશુદ્ધતમ વાત્સલ્ય અને, શુકદેવસમા પ્રિય પુત્રના માનવજાતિનાં દુ:ખ નિવારણ માટે અપર્ણનો ભાવ હતો. આ પ્રેમ ‘અભેદ્ય દિવાલની માફક લાલચોથી નરેન્દ્રનું ચોમેરથી રક્ષણ’ કરતો, એમ શારદાનંદે લખ્યું છે. આ પ્રેમે રામકૃષ્ણના શિષ્યોને એમ માનવા પ્રેર્યા કે, ‘માનવીમાં માનવ ઈશ્વરનો સાક્ષાત્કાર કરશે એ દહાડો જગત જોશે એની અમને શ્રદ્ધા બેઠી.’ આ દિવ્ય પ્રેમે ‘કલકત્તાના એક છોકરાને’ પોતાના ગુરુને અનુસરતો કર્યો અને, ઈશ્વરમાં સ્થિર થવા માટે, આકરી તપશ્ચર્યા અને ઊંડી આધ્યાત્મિક સાધના કરતો કર્યો. અને ગુરુ માટેના અડગ પ્રેમે, પશ્ચિમની ઈન્દ્રિયપ્રધાન સંસ્કૃતિની વચ્ચેના નરેન્દ્રના કામિની અને કાંચનના ત્યાગના વિશુદ્ધ જીવનનો પાયો રોપ્યો હતો. જ્ઞાનની બધીયે શાખાઓમાં અને, સંસ્કૃતિના ભાવિમાં સુધ્ધાં, નરેન્દ્રની પયગંબરી અંત:સ્ફુરણાનો સ્રોત આ વિશુદ્ધ જીવન બની રહ્યું હતું. બુદ્ધ અને ઈસુ જેવી વિભૂતિઓમાં જગતે જોયેલી, જગતને હલાવી નાખતી, શક્તિ અને ગતિનો સ્રોત પણ આ જ હતો.

અદ્વૈત વેદાંતના સર્વવ્યાપી બ્રહ્મમાં ચુસ્તપણે માનનાર નરેન્દ્ર જીવનને ધારણ કરનારી એક માત્ર આદિમ શક્તિ તરીકે કાલીમાતાને સ્વીકારતા નહીં. ત્યાં અચાનક નરેન્દ્રને ભૂખ અને ગરીબાઈ વેઠવાના દહાડા આવ્યા. આથી ડગી જઈને તથા પોતાના કુટુંબને બચાવવા માટે પોતાના ગુરુની સહાય લેવા સિવાય નરેન્દ્ર પાસે વિકલ્પ ન રહ્યો. પોતાની બધી જરૂરતો માટે કૃપાળુ જગન્માતાને ચરણે પડી પ્રાર્થના કરવાનું નરેન્દ્રને કાલીના સનાતન બાળ શ્રીરામકૃષ્ણે કહ્યું. આ કરુણ દશામાં, કશી આશા રાખ્યા વગર નરેન્દ્ર કાલીમંદિરમાં ગયાં. આ ત્રિવિધ કૃપાળુ રાત્રીએ નરેન્દ્રને માની પ્રત્યક્ષ અનુભૂતિ થઈ. મંદિરમાં એમણે પત્થરની મૂર્તિને સ્થાને સાક્ષાત જગન્માતાને, વિશ્વની આધાર શક્તિને જોયાં; આદ્યા શક્તિ ત્યાં ઝળહળતાં, ઊંડા પ્રેમનું સ્મિત ધારણ કરતાં, પોતાનાં બાળકોની બધી ઇચ્છાઓ પૂરી કરવા તત્પર, વત્સલ અને કૃપાળુ, ખડાં હતાં. એ જવાનમાંનો સર્વસ્વ ત્યાગી સાધુ પ્રકટ થયો અને દિવ્ય ભાવથી સભર સ્થિતિમાં એણે જ્ઞાન, ભક્તિ, ત્યાગ અને વિવેક માગ્યાં. અન્ન અને વસ્ત્રની ઇચ્છા જ અદૃશ્ય થઈ ગઈ. નિરાશ નરેન્દ્ર પાછા આવ્યા ત્યારે, શ્રીરામકૃષ્ણે એમને ફરી મોકલ્યા. પણ ફરી એ જ પ્રાર્થના થઈ. આખરે દૃઢ નિશ્ચયી બની નરેન્દ્ર ત્રીજીવાર પોતાની જરૂરતો સંતોષવા માટે ગયા ત્યારે, ઊંડી શરમ સાથે એણે માની સામે જોયું અને, એને જણાયું કે સ્મિતમુખી મા, વિશ્વની સામ્રાજ્ઞી, જીવનની અનંતગણી મૂલ્યવાન વસ્તુઓ આપવા તત્પર હતાં. અંતે જુવાને જ્ઞાન અને ભક્તિ માગી માનું શરણ સ્વીકાર્યું.

ઘણા સમય પછી વિવેકાનંદે જાણ્યું કે આ બધી ઠાકુરની લીલા હતી અને મા કાલી અને એમના પુત્ર શ્રીરામકૃષ્ણ અભિન્ન હતાં. નિવેદિતાની એવી જ વિચારધારાને વિવેકાનંદે અનુમોદન આપ્યું હતું. ‘શ્રીરામકૃષ્ણ ભવિષ્યમાં કાલીના અવતાર તરીકે ઓળખાશે એમ તમે કહો છો. હા, મને લાગે છે કે, પોતાનાં કાર્યો સાધવા માટે, માએ શ્રીરામકૃષ્ણનું શરીર ઘડ્યું હતું એ વિશે શંકા નથી.’ આ માતૃશક્તિ એમનું હમેશાં રક્ષણ કરતી. એટલે જ તો, પોતાની પુત્રી નિવેદિતાને પીડિત માનવજાતિને વિવેકાનંદ સમર્પિત કરવા માગતા હતા ત્યારે, એમણે એ જ નાટક ફરી રચ્યું. ફ્રાંસના દૂરના સાગરકાંઠાના બ્રિટેનીમાં એ રાત હતી. અને વિવેકાંનદે પોતાની પુત્રીના નિત્ય રક્ષણ અને માર્ગદર્શન માટે, એને મા કાલીને સમર્પિત કરી હતી.

જગતને ભૂલી જઈને નિત્ય ઉચ્ચ પ્રકારની સમાધિમાં રહેવાની ઇચ્છા કરવા સારુ એક વાર શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને ઠપકો આપ્યો. જેની શીતળ છાયા હેઠળ જગતના દુ:ખી લોકો વિસામો લેવા આવે એવો વિશાળ વડલો નરેન્દ્ર બને તેમ એ ઇચ્છતા હતા. દુ:ખી જનો પ્રત્યે કરુણાના ભાવના બંધનથી નરેનને બાંધી રાખવા માટે એમણે માને પ્રાર્થના કરી. નરેન્દ્રનો અહં ઈશ્વરે બક્ષેલો પવિત્ર અહં છે; નરેન્દ્રને દેહભાન ભાગ્યે જ હતું. આમ છતાં ઠાકુરે પોતાના શિષ્યને ઇચ્છિત સમાધિના સ્વાદથી વંચિત ન રાખ્યો. કાશીપુરમાં, એક રાતે નરેન્દ્ર નિર્વિકલ્પ સમાધિમાં સરી પડ્યા. એ મરી ગયા જેવા લાગ્યા. ગુરુ ભાઈઓ દોડતા ઠાકુર પાસે ગયા. હસીને ઠાકુરે કહ્યું: ‘એ ભલે થોડીવાર એમ જ રહ્યો. આ માટે એ મારો જીવ બહુ ખાતો હતો. બીજી વાર આવું નહીં થાય. હવે એ માનું કામ કરશે.’

શ્રીરામકૃષ્ણે એક વાર ભાખ્યું હતું કે, જેવો નરેન્દ્ર માનવીની પીડાના સંપર્કમાં આવશે તેવું જ, તેનું ઉચ્છૃંખલ અભિમાન અનંત કરુણામાં ઓગળી જશે. ભલે કોઈક વાર કરુણ રીતે, પણ, એ સાચું પડ્યું હતું. પોતાના ગુરુના જીવનમાં વિવેકાનંદે જાતે આ અનંત કરુણાનાં નિત્ય દર્શન કર્યાં. પોતાની પાસે આવનાર પાપી કે પુણ્યશાળી, કોઈને પણ શ્રીરામકૃષ્ણે પ્રેમથી વંચિત રાખ્યા ન હતા. પોતે સાવ હાડકાં ને ચામડી બની ગયા હતા ત્યારે પણ, એક દિવસે, કોઈ દૂરથી આવનારને એમણે બોધ આપ્યો હતો. મૃત્યુ શય્યા પરથી બુદ્ધે પણ, કોઈ સાધકને એ જ રીતે જ્ઞાન આપ્યું હતું. બુદ્ધની કરુણા શ્રીરામકૃષ્ણમાં પુન: અવતરેલી વિવેકાનંદે જોઈ હતી.

સંસારી પદાર્થોની યાચના કરવામાં નરેન્દ્ર સફળ ન થયા ત્યારે, પોતાને માટે કદી એક તાંતણો પણ નહીં માગનાર શ્રીરામકૃષ્ણે, અસહ્ય ગરીબાઈ સામે લડતા એ છોકરાને નોકરી આપવા માટે કોઈને અપીલ કરી હતી. પોતે કહ્યા વગર ઠાકુરે કરેલી આ અપીલથી અપમાનિત થઈ નરેન્દ્ર ઠાકુર સાથે મોટો ઝઘડો કર્યો. આ ઠપકો સાંભળવા અશક્ત શ્રીરામકૃષ્ણ નાના બાળકની જેમ રડી પડ્યા અને બોલી ઊઠ્યા, ‘દીકરા, તારે માટે હું ઘેર ઘેર ભીખ માગું એમ છું એ તું નથી જાણતો?’ આ આંસુઓનો બદલો વાળવા માટે નરેન્દ્રે જીવન સમગ્રનું બલિદાન આપ્યું. ઉચ્છૃંખલ આત્મા હવે અતૂટ પ્રેમથી બંધાઈ ગયો હતો.

પણ સંશય તરત મરતો નથી.. અનેક સંતો અને પંડિતોથી અપાતા આદર છતાં, પોતાના ગુરુ ઈશ્વરનો અવતાર છે એ સ્વીકારવા નરેન્દ્ર તૈયાર ન હતા. કેન્સરથી ગ્રસ્ત અને સામાન્ય માણસની માફક પીડાથી તરફડતા ગુરુના શરીરે એના સંશયને ઘેરો બનાવ્યો. એક દિવસ એ શંકાએ પોતાનું માથું ઊંચું કર્યું. મૃત્યુની નિકટ જઈ રહેલા શ્રીરામકૃષ્ણની પથારી પાસે ઊભા રહી નરેન્દ્ર વિચારવા લાગ્યા: આ અંતિમ ક્ષણ પૂર્વે પોતે અવતાર છે એમ જાહેર કરે તો? આ વણબોલ્યા પ્રશ્નનો ગર્જતો ઉત્તર વાળતાં ઠાકુરે કહ્યું: ‘જે રામ તરીકે અને કૃષ્ણ તરીકે આવ્યા હતા તે જ આ વેળા શ્રીરામકૃષ્ણ તરીકે આવેલ છે.’ આ ઘટના પછી તરત જ, એક દહાડે, શ્રીરામકૃષ્ણે પોતાના પ્રિય શિષ્યને બોલાવી, સમાધિની દશામાં પોતાની બધી આધ્યાત્મિક સંપત્તિ આપતાં કહ્યું:

‘આજે મેં તને મારું સર્વસ્વ આપી દીધું છે અને હું ભિખારી બની ગયો છું. મારા આ શક્તિપાત વડે તારે હાથે ઘણાં મોટાં કામ થશે; એ પછી જ તું જ્યાંથી આવ્યો છો ત્યાં પાછો જઈ શકીશ.’

નરેન્દ્રમાંનો શંકાનો સાપ ખૂબ ઘવાઈ ગયો હતો. તદ્દન મૃત્યુ પામ્યો ન હતો. શ્રીરામકૃષ્ણના નિર્વાણ પછી, ગાઝીપુરના ખૂબ આદરણીય યોગી પાવહારી બાબાને પોતાના ગુરુ કરવા વિચાર્યું ત્યારે, એ સાપે ફેણ ઊંચી કરી. એ રીતે, દેદીપ્યમાન રૂપમાં પણ, ખિન્ન ચહેરાવાળા શ્રીરામકૃષ્ણે એમને દર્શન દીધાં. નક્કી નરેન્દ્રને સંદેશ મળ્યો છતાં એ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા. આવી રીતે દર્શન દઈ પોતાને સમજાવતા શ્રીરામકૃષ્ણ પૂરી એકવીસ રાત એમને દેખાયા. આખરે એ સંશયાત્મા (ડાઉટિંગ ટોમસ્‌) ને ખાતરી થઈ અને એણે શરણ સ્વીકાર્યું:

‘એટલે હવે તારણ એ છે કે શ્રીરામકૃષ્ણનો જોટો જ નથી; એ અભૂતપૂર્વ પૂર્ણતા, જે કાંઈ પોતાને સાચું પાડવા શોભતું નથી તે સર્વ માટે એ અદ્‌ભુત માયાળુપણું, બંધનમાં પડેલા માનવીને માટે એ અપાર સહાનુભૂતિ આ જગતમાં બીજે ક્યાંય અસ્તિત્વ ધરાવતું નથી…. મારી કોઈ પણ યાચનાને એમણે અવગણી નથી. લાખો અપરાધોનેય એમણે ક્ષમા આપી છે…’

પછીનાં વરસોમાં પોતાના ગુરુ વિશે વિવેકાનંદને કોઈ પૂછતું તો, તેમનો ઉત્તર આટલો જ હતો: ‘એ મૂર્તિમંત પ્રેમ હતા.’ અને પોતાના ગુરુને અર્પણ કરેલા, એક કાવ્ય — અ સોંગ આઈ સિંગ ટુ ધી — માં એમણે લખ્યું હતું (એમાં એ જૂના દિવસોની યાદ છે.):

ને તહીં, ઘોર રાત્રી તણા ગાઢ અંધારમાં,
તું તહીં, બંધ હોઠે અને આંખ આંસુ ભરી,
મારી સામે ધસી સ્તંભશો થઈ રહેતો…
ને પછી હું પડી ઘૂંટણે પાય તારે નમું….
જન્મને જન્મનો થઈ દાસ તારો.

‘પોતાના ગુરુ પ્રત્યેની વિવેકાનંદની નિષ્ઠા અદ્‌ભુત હતી. ભક્તિ અને નિષ્ઠા જેવા શબ્દોએ નવા અર્થ ધારણ કર્યા, ’ એમ સિસ્ટર ક્રિસ્ટીન લખે છે. માઈ માસ્ટર (મારા ગુરુ) એ એક જ પ્રવચનમાં પશ્ચિમમાં એ પોતાના ગુરુ વિશે બોલેલા. એમના શ્રોતાઓને પ્રેરણાનો અનુભવ થયો હતો. એ રાતે એમને સાંભળનાર દેવમાતા લખે છે: ‘જગત પારનું જે ચિત્ર દોરવામાં આવ્યું તેણે મને અભિભૂત કરી મૂકી હતી.’ પણ વિવેકાનંદની આંખ પશ્ચાત્તાપનાં આંસુથી છલકાતી હતી. પોતાના ગુરુના દિવ્ય જીવનને વર્ણવવા માટે પોતાના શબ્દો ક્યાંય ઊણા હતા એમ વિવેકાનંદને લાગ્યું હતું. પશ્ચિમમાંથી એ પાછા આવ્યા તે પછી, એક દિવસ સ્વામીજીના બાળપણના એક મિત્રે એમને કહ્યું, ‘તમારા ગુરુ વિશે કંઈ કહો.’ ત્યારે, એ રડવા લાગ્યા અને, મિત્રને ભેટી રડતાં રડતાં એક બંગાળી ગીતની પંક્તિઓ ગણગણવા લાગ્યા:

‘હું મારી આંખો કેમ બંધ કરું?
કદાચ અંધકાર પાછળ છુપાઈ જાય તારો.’

‘શ્રીરામકૃષ્ણના આ અદ્‌ભુત જીવનનો બને એટલો અભ્યાસ કરો અને બને એટલું એનું ધ્યાન ધરો. એમની મહત્તાનો દસલાખમો ભાગ પણ હું સમજી શક્યો નથી. જેમ જેમ એને સમજવાનો પ્રયત્ન કરશો તેમ તેમ, તમને વધારે આનંદ આવશે અને તમે એમનામાં વધારે એકરૂપ થશો.’ આમ એમના શિષ્ય શુદ્ધાનંદે ગુરુને કહેતાં સાંભળ્યા હતા.

ગિરીશઘોષે વિવેકાનંદને શ્રી રામકૃષ્ણ વિશે પુસ્તક લખવા કહ્યું ત્યારે એ ધ્રૂજી ઊઠ્યા હતા એ પછી એમણે કહ્યું કે, ‘હું બધા સમુદ્રો પી શકું છું, હિમાલયને ઓગાળી શકું છું પણ, શ્રીરામકૃષ્ણ વિશે લખી શકતો નથી.’ આમ છતાં એમણે ગુરુનું જીવનચરિત્ર લખ્યું છે જે, વિશ્વભરનાં શ્રીરામકૃષ્ણ મંદિરમાં સાંધ્ય આરતી તરીકે રોજ ગવાય છે. મનુષ્ય રૂપે અવતરનાર ઈશ્વરની વિવેકાનંદની ભવ્યતમ સમજણ એની પંક્તિઓમાં સભર ભરી છે:

‘ભાસ્વર ભાવસાગર ચિરઉન્મદ પ્રેમ પાથાર
નમો નમો વાક્ય મનાતીત…’

ઈસુએ કહ્યું છે કે, ‘પુત્ર દ્વારા જોયા સિવાય કોઈએ પિતાને સીધા જોયા નથી.’ વિવેકાનંદ ક્યારે પણ શાસ્ત્રોના જ્ઞાન કે ભક્તિની સમજણ આપે ત્યારે, એમના શ્રોતાઓને, ‘એમના ગુરુની જ વિભૂતિનાં દર્શન થાય.’ સમય જતાં પોતાનામાંની ગુરુની ઉપસ્થિતિનું ભાન વિવેકાનંદને થયું. અમેરિકાથી પોતાના ગુરુભાઈઓને એમણે લખ્યું કે, ‘હું પૃથ્વી પર છું ત્યાં સુધી શ્રીરામકૃષ્ણ મારા દ્વારા કાર્ય કરતા રહેશે. તમે આ માનશો ત્યાં સુધી તમને કશા અનિષ્ટનો ભય નથી.’ તેમજ, સ્વામી રામકૃષ્ણાનંદ સમક્ષ એમણે એકરાર કર્યો કે, ‘હું આકાર વગરનો અવાજ છું’ એ ખરેખર પોતાના ગુરુનો અવાજ હતા અને એમ મુક્ત મને જાહેર કરવામાં એ ગૌરવ અનુભવતા:

‘વિચાર, શબ્દ કે કાર્ય વડે, મારાથી કદી કશું હાંસલ થયું હોય તો, જગતમાં કોઈને મદદ મળી હોય એવો શબ્દ મારે હોઠેથી સર્યો હોય તો, એ માટે હું કશો દાવો કરતો નથી. એ બધું એમનું જ છે.’

એમના ગુરુભાઈઓ પણ પિતાપુત્રની આ એકતા જાણતા હતા. બેલુર મઠમાંના પોતાના જીવનનાં છેલ્લાં વર્ષમાં, એક દહાડો, શ્રીરામકૃષ્ણની પૂજા માટેનાં પુષ્પોથી, સ્વામીજીનો એ શિષ્ય એમની પૂજા કરવા લાગ્યો. ત્યારે, ત્યાં અચાનક આવી ચડેલા સ્વામી પ્રેમાનંદ સ્વયંભૂ આનંદથી બોલી ઊઠ્યા હતા: ‘બહુ સરસ!’ પછી એમણે સ્વામીજીને કહ્યું હતું: ‘શું તમે અને ઠાકુર જુદા છો?’

સ્વામીજીના ગુરુભાઈઓ માનતા હતા કે, ‘વિવેકાનંદના ઘડતર માટે જ શ્રીરામકૃષ્ણ જીવ્યા હતા.’ વાસ્તવમાં, પોતાના પ્રિય પુત્રના પાલક તરીકે, ગુરુ અને શક્તિ તરીકે, એમની ભીતર શ્રીરામકૃષ્ણે જીવવાનું ચાલુ રાખ્યું હતું. એમના ગુરુભાઈઓની શ્રદ્ધા વિશે નિવેદિતાએ લખ્યું હતું:

‘આના જેવી ભૂમિકાને આધારે એ સૌ માને છે કે સ્વામીજી અર્જુન છે અને, દક્ષિણેશ્વરના ઉદ્યાનમાં, એ સૌએ પોતાના શિષ્ય સાથે બોલતા અને નવી ગીતાનો બોધ કરતા કૃષ્ણનાં ફરી દર્શન કર્યાં છે.’

વિવેકાનંદના પોતાના શિષ્યોને લાગ્યું હતું કે, ‘અમારી સાથે શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ નામનો એક આત્મા હતો.’૩૩ વિવેકાનંદ જાણતા હતા કે પોતાના ગુરુ ‘દોરી ખેંચનાર’ છે અને પોતે ‘કઠપૂતળી’ છે. ગુરુનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી પોતાને મુક્તિ નથી.

એક વાર, વિશ્વધર્મ પરિષદ પછી, એક ચાંદની રાતે, વિવેકાનંદ મિશિગન સરોવરને કાંઠે ઊભા હતા. કાંઠા પર અથડાતાં રૂપેરી તરંગોનું અદ્‌ભુત સૌંદર્ય એ યોગીના ચિત્તને જગતની પારના પ્રદેશમાં લઈ ગયું. પોતાનો દેહત્યાગ કરી શકે એવી અંતિમ સમાધિની ક્ષણ પાસે આવી લાગી. તત્ક્ષણ, સરોવરના તરંગો પર પોતાના પ્રિય ગુરુની જાજવલ્યમાન આકૃતિ તેમને દેખાઈ. વિવેકાનંદ તરત ભાનમાં આવ્યા અને એમને સમજાયું કે ગુરુએ ચીંધેલું પોતાનું કાર્ય હજી પૂરું થયું નથી. પયગંબરનું એ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી પોતાને મુક્તિ નથી. અંતિમ નિદ્રા પહેલાં ઘણા જોજન કાપવાના છે.

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.