ડો. એસ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે તા. ૧૭-૪-’૭૫ના રોજ આકાશવાણી રાજકોટ પર આપેલ અંગ્રેજી વાર્તાલાપનું પ્રો. શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. — સં.

સર સર્વપલ્લી રાધાકૃષ્ણન્ નમ્ર વિદ્યાર્થી હોવાના વિશેષાધિકારને હું મારું સદ્‌ભાગ્ય માનું છું. એ વખતે તેઓ કલકત્તા વિશ્વવિદ્યાલયમાં કિંગપંચમ જ્યોર્જ તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક હતા. તેઓ અમારા ખુશખુશાલ વ્યક્તિત્વવાળા સૌથી વધુ બુદ્ધિશાળી, સ્પષ્ટ વિચારો ધરાવતા અને પ્રાસાદિક અભિવ્યક્તિવાળા પ્રાધ્યાપક હતા. સંગીત કરતાં ય તેની વક્તૃત્વછટા વધારે આનંદદાયક હતી. બધા પ્રકારનાં મનને આનંદથી રસતરબોળ કરી દે તેવો સ્વયંભૂ વાણી પ્રવાહ! તેમાં ક્યાંય વાણીના છીછરાપણા કે નિરર્થક શબ્દોના જમેલાને સ્થાન ન હતું. તેઓ કદી શ્રોતાને ગભરાવી મૂકે તેવા ભારેખમ શબ્દોનો ઉપયોગ કરતા નહીં. ખરેખર કહીએ તો તેમણે કરેલું વિવરણ સૂક્ષ્મ તત્ત્વજ્ઞાનને સાહિત્ય જેવું આકર્ષક ગણિતશાસ્ત્ર જેવું રસપ્રદ અને વિજ્ઞાન જેવું ચોક્કસ બનાવી દેતું હતું. તેમના વર્ગમાં હાજરી આપવી એ ખરેખર આનંદરૂપ હતી. તેમનો પીરિયડ આવે તેની રાહ જોઈને અમે બેસતા. તેઓ પોતાના દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે યાદ રાખતા અને દરેકને તેનું નામ લઈને બોલાવતા. શરૂઆતના બે’ક દિવસમાં જ આ એકાત્મતા સધાઈ જતી હતી. ઘણાબધા શબ્દોને વેડફી નાખનારા માણસ તેઓ ન હતા; પણ જે કંઈ તેમના મુખમાંથી બહાર આવતું તે શક્તિશાળી અને આનંદદાયક બની રહેતું અને શ્રોતાને તેનો સ્પષ્ટ અર્થ સમજાઈ જતો. તેઓ ઊંડા અભ્યાસી વિદ્વાન, ચિંતક અને ખુશખુશાલ વિશ્વ વક્તા હતા. ભારતીય તત્ત્વજ્ઞાન માટે તેઓ પ્રમાણભૂત બની રહ્યા છે; ખાસ કરીને ઉપનિષદો, વેદાન્ત અને અદ્વૈત વિશેની તેમની સમજ અદ્‌ભુત હતી. દુનિયાનાં સન્માનનીય પુસ્તકાલયોમાં મળી આવતાં તેમનાં મહામૂલાં લખાણો દ્વારા સર રાધાકૃષ્ણન્ વિચારશીલ લોકોને યુગો સુધી પ્રબુદ્ધ બનાવતા રહેશે.

સ્વાભાવિક રીતે જ રામકૃષ્ણ અભિયાન સાથેનો તેમને સંબંધ ખૂબ આત્મીયતાભર્યો અને સક્રિય રહ્યો છે. રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરના જન્મથી જ તેઓ તેની સાથે નજીકથી જોડાયેલા હતા. ઘણા પ્રસંગોએ તેઓ અમારા નમ્રતાપૂર્ણ આશ્રમોમાં અતિથિ તરીકે રહેવાનું પસંદ કરતા. કરાચીમાં સ્વામી રંગનાથાનંદજી તેમના યજમાન બનતા. જ્યારે તેઓ પોતાનાં પ્રવચનોમાં સ્વામી વિવેકાનંદના તત્ત્વજ્ઞાનને વ્યક્ત કરતા ત્યારે તેમાં તેમનું ઊંડું અધ્યયન અને કદરદાની પ્રકટ થતાં. તેમનાં પ્રવચનો યુવકોને આગ જેવાં પ્રેરક બની રહેતાં અને તેમને હચમચાવી જતાં. તેમના અવસાથી મિશને પોતાના મહાન સમયંકમાંના એકને ગુમાવ્યા છે.

જ્યારે તેઓ રશિયામાં ભારતના રાજદૂત હતા ત્યારે તેમને મળવાનો અવસર મને પ્રાપ્ત થયો હતો. દિલ્હી ઈમ્પીરિયા હોટેલમાં તેમનો મુકામ હતો. સ્વામી રંગનાથાનંદજીની સાથે અમે સવારના ફરવા નીકળ્યા હોઈએ તે રીતે હોટેલના તેમના રૂમમાં ચાલ્યા ગયા. મારા પ્રાધ્યાપકમાં જરા પણ પરિવર્તન આવ્યું ન હતું, તે હું જોઈ શક્યો. અમે મળ્યા ત્યારે દશકા ઉપરનો સમય વ્યતીત થઈ ચૂક્યો હતો, પરંતુ પોતાના હજારો વિદ્યાર્થીઓમાંના એકને તેઓ તરત જ ઓળખી શક્યા; જો કે સ્વામી બની ગયા પછી તેના માથા પરના વાળ સફાચટ થઈ ગયા હતા, એ મોટું પરિવર્તન આવી ગયું હતું મને ખરેખર ખૂબ જ આશ્ચર્ય થયું.

ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે તેઓ કલકત્તા આવ્યા હતા. સંજોગો વશાત્ હું પણ એ જ શહેરમાં હતો. સ્વામી વીતશોકાનંદજીએ અને મેં પોતે જોયું કે સાદાસીધા માનવ તેઓ કશા જ ભપકા વિના પોતાના જૂના યજમાનના ઘરમાં બેઠા હતા અને રાજભવનમાં ઊતરવાની તેમણે ના પાડી હતી. પોતાની વાતચીત દરમિયાન તેમણે કહ્યું, ‘જુઓ હું કેદી બની ગયો છું. આ મારી આજુબાજુ સલામતીની વ્યવસ્થા, પોલિસ, ભપકો અને દેખાડો જુઓ! શું એ શરમાવા જેવું નથી! થોડીક જ વારમાં એક મહામહોપાધ્યાય તેમની પાસે આવ્યા, તેમને નીચા નમીને સાષ્ટાંગ પ્રણામ કર્યાં અને પછી તેમની પ્રશસ્તિમાં લખાયેલ કેટલાક સંસ્કૃત શ્લોકોનું તેઓ ગાન કરવા લાગ્યા. હું તેમની આંખોમાં એક વિશિષ્ટ પ્રકારના ચમકારા જોઈ શક્યો. પંડિતજી ચાલ્યા ગયા પછી તેઓ હસતાં હસતાં બોલી ઊઠ્યા: ‘જુઓ આ મહા-મહોપાધ્યાય પોતાના બધા જ્ઞાન પછી પણ પોતાની જાતને ભગવાનને સમર્પિત ન કરતાં – માણસનાં વખાણ કરે છે અને તેને રાજી કરાનો પ્રયત્ન કરે છે! કેટલું દયાજનક! કેવી કરુણાંતિકા! અભ્યાસ અને જ્ઞાન કોને માટે? અરેરે! કેવું શાણપણ!’

ભારતીય પરંપરાની સત્યતા પુરવાર કરતા તેઓ આપણા પ્રખર તત્ત્વજ્ઞ રાષ્ટ્રપતિ હતા. ખબર નથી તેમના જેવા બીજા આપણને ક્યારે મળશે. અંતરાત્માના અવાજને સાંભળીને તેઓ અચકાયા વિના તેઓ પોતાનું કર્તવ્ય બજાવતા હતા અને જનક વિદેહીની પેઠે તેઓ આખી ઘટનાને જ ભૂલી ગયા, ભપકાભર્યા સ્વપ્નને હાંકી કાઢ્યું અને વૈદાન્તિક શાંતિપૂર્ણ એકાન્તમાં નિવૃત્તિ ગાળવા ચાલ્યા ગયા. પાગલ જગતની બધી ધમાલોથી તેઓ સંપૂર્ણ રીતે વિમુક્ત થઈ ગયા હતા. શું આ નોંધપાત્ર નથી? મારા પ્રાધ્યાપકનું મરણ હોઈ જ ન શકે, અગણિત હૃદયોમાં સુવર્ણાક્ષર કોતરાઈ ગયેલા અને સંઘરાઈ ગયેલા તેમના સચોટ જ્ઞાન અને શાણપણ દ્વારા તેઓ કાયમ માટે જીવંત રહેશે.

Total Views: 155

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.