શ્રીરામકૃષ્ણ મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના ‘આધ્યાત્મિક જીવનનો મર્મ’ નામના પુસ્તકમાંથી આ લેખ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -સં.

એ તો હવે સૌને વિદિત છે કે સ્વામી વિવેકાનંદ એક અતિ ઉચ્ચ કોટિના વેદાંતી હતા. બ્રહ્મ કે આત્મા રૂપે વેદોમાં વર્ણવાયેલું અદ્વૈત તત્ત્વ એ સ્વામી વિવેકાનંદની ગ્રંથમાળા રૂપે અંગ્રેજીમાં આઠ ભાગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલાં તેમના સંખ્યાબંધ વ્યાખ્યાનો અને લખાણોનો મુખ્ય વિષય છે. તેમની જન્મ-શતાબ્દીના પ્રસંગે એ બધો સાહિત્યસમૂહ ભારતની મુખ્ય મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં વાચકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ગુજરાતીમાં પણ સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ભારતીય તત્ત્વજ્ઞાનની અદ્વૈતવાદને નામે ઓળખાતી વેદાંતની વિચાર પદ્ધતિ, સત્યને, તેનાં ઉચ્ચમાં ઉચ્ચ ઉડ્ડ્યનો અને ઉદાત્તમાં ઉદાત્ત ભવ્યતાની સ્થિતિમાં સમજવાના માનવ પ્રયત્નોની પ્રાચીનમાં પ્રાચીન નોંધ સમા વેદો જેટલી જ પ્રાચીન છે. આ ભવ્ય વિચારોનું બીજા દેશોમાં અત્યંત ઝાંખું દર્શન થાય છે, ભાગ્યે જ તે નજરે ચડે છે, અને સુસંગત અને બુદ્ધિગમ્ય રીતે રજૂ થયેલા જોવા મળવા તો એથીયે દુર્લભ છે; જ્યારે ભારતમાં લોકોના વૈયક્તિક અને સામૂહિક જીવનના દરેક ક્ષેત્રમાં ઓતપ્રોત થઈને તે વિચારો જાણે કે તેમના વિચારજગતનો અંતરતમ વિભાગ બની રહેલા છે.

એમ હોવા છતાં સ્વામી વિવેકાનંદે વેદાંતના વિચારોને એવું એક નવું જોશ અને નવા અર્થો આપ્યા કે તેવા દેશના ઈતિહાસમાં અગાઉ કદી પણ દેખાયા ન હતા. આધુનિક વિશ્વનું લક્ષ ખેંચનાર નવરૂપધારી વેદાંતના પુનરુત્થાનમાં તેમના ફાળાની વિશિષ્ટતા ક્યાં રહેલી છે તેની ચર્ચા કરવાનો પ્રસંગ આ વાર્તાલાપ દરમિયાન આપણને મળશે. પરંતુ તેમ કરતાં પહેલાં આ પૂર્વે અસ્તિત્વમાં રહેલા વેદાંતના વિચારોને ટૂંકમાં રજૂ કરવા એ વધુ ઠીક થશે.

વેદાંત શબ્દ ખાસ કરીને વેદોના ઉપનિષદ્ વિભાગને અને વિશાળ અર્થમાં ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, ગીતા તેમજ તેમના પર આધારિત પાછળના ગ્રંથોમાં સમર્પિત થયેલી વેદાંત ફિલસૂફીને લાગુ પડે છે.

જો કે તત્ત્વજ્ઞાનની ભારતીય વિચાર-પદ્ધતિઓ સામાન્યરીતે ઉપનિષદો અને વ્યાસના વેદાંત-સૂત્રોનું પ્રામાણ્ય સ્વીકારેછે, છતાં તેઓ તેમના મંત્રો તથા સૂત્રોના અર્થો ઘટાડવામાં લગભગ અમર્યાદ છૂટ લે છે; તે એટલે સુધી કે જુદી જુદી વિચાર-પદ્ધતિઓ ઐક બીજીથી ઘણી જ જુદી પડે છે, અને તેમનામાં સામાન્ય જેવું ઘણું ઓછું હોય છે. આ કારણને લીધે ભારતીય વિચારમાં આરંભમાં શાસ્ત્ર-પ્રામાણ્ય પર આધાર રાખવા છતાં અદ્‌ભુત સ્વાતંત્ર્ય, તર્કપ્રિયતા અને તત્ત્વજ્ઞાનના વિધવિધ અને ભવ્ય પ્રાસાદોની રચના જોવા મળે છે.

અંતિમ તત્ત્વ વિશેની પોતપોતાની ભાવના પ્રમાણે વેદાંતની વિવિધ વિચાર-પદ્ધતિઓને વિશાળ રીતે ત્રણ વર્ગોમાં મૂકી શકાય; જેવા કે દ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને અદ્વૈતવાદ અથવા કેવલાદ્વૈતવાદ. આ વાર્તાલાપના ક્ષેત્રમાં આ ત્રણે દૃષ્ટિબિંદુઓનાં લક્ષણો અને તેમની વિગતવાર તુલનાઓ દર્શાવી આપવી શક્ય નહિ બને. પરંતુ આ ત્રણે ભૂમિકાઓની ટૂંકી રજૂઆત કરીશું એટલે આપણો હેતુ સરશે.

દ્વૈતવાદ : ઇન્દ્રિયો દ્વારા જે જે વસ્તુઓનું જ્ઞાન થાય છે તેમને, આ વાદમાં, સાદી સીધી રીતે સાચા, અથવા તો જેમાંથી અનુભવાત્મક જગતની ઈમારત બંધાયેલી છે તેનો ઇંટો તરીકે સ્વીકારવામાં આવે છે. અનુભવની હકીકતોનું બુદ્ધિપૂર્વકનું પૃથક્કરણ આપણને જડ પદાર્થનાં અતિ સૂક્ષ્મ મૂળતત્ત્વો અને મનની વિવિધ અવસ્થાઓ તથા ક્રિયાઓ પ્રત્યે દોરી જાય, પરંતુ તેમ છતાં તેમની અનેકવિધતા, અંતિમ તત્ત્વો તરીકે જેમની તેમ જ રહે છે. જગત અને જીવોનો એકંદર સમુદાય ‘સૃષ્ટિ’ તત્ત્વ નીચે આવે છે; અને બીજું તત્ત્વ છે ‘સૃષ્ટા’, કે જે પોતાની સૃષ્ટિમાં જો કે ઓતપ્રોત થઈને રહેલો હોય છે છતાં સદાને માટે તેનાથી ભિન્ન રહે છે.

વિશિષ્ટાદ્વૈતવાદ : આ મત પ્રમાણે સૃષ્ટા જો કે પોતાની સૃષ્ટિથી ભિન્ન છે, છતાં એક અર્થમાં તે તેનાથી ભિન્ન નથી પણ જીવ અને તેના શરીર વચ્ચેના સંબંધ જેવી એ એક વિશિષ્ટ સંબંધ છે. જેવી રીતે જીવ શરીર સાથે અભિન્ન નથી તેમ જ તેનાથી ભિન્ન પણ નથી, તે જ પ્રકારે ઈશ્વર પોતાની સૃષ્ટિથી ભિન્ન પણ નથી તેમ જ અભિન્ન પણ નથી. તેમની વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ રહેલો છે, કે જે સમવાય સંબંધ, એટલે કે સમગ્ર અને તેના અંશો વચ્ચેનો, અથવા દ્રવ્ય અને તેના ગુણો વચ્ચેનો કિવા જાતિ અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ કહેવાય છે. આ વિશિષ્ટ પ્રકારે સંબંધિત હોવાને લીધે ઈશ્વર અને (જીવ જગત રૂપ) સૃષ્ટિ અભિન્ન છે છતાં વિશેષતા સહિત છે. આ ભૂમિકાને વિશિષ્ટાદ્વૈતવાદ કહેવામાં આવે છે.

અદ્વૈતવાદ અથવા કેવલાદ્વૈતવાદ : સંપૂર્ણ બુદ્ધિવાદી મનુષ્યને ઉપરના બેમાંથી એકેય વાદમાં સંતોષ મળતો નથી. તેને તેમનામાં અનેક ભૂલો દેખાય છે,અને તેથી તે પોતાના વિશ્લેષણને બુદ્ધિ જઈ શકે ત્યાં સુધી લઈ જાય છે, અને પરિણામે કશા પણ ભેદભાવરહિતનું એકત્વ યાને કેવળ અદ્વૈતની ભૂમિકાએ પહોંચાડે છે. તર્ક એથી આગળ જઈ શકે નિહ. આ ભૂમિકાએથી જોતાં અંતિમ તત્ત્વ નથી અનેકત્વ યાને દ્વૈત, કે નથી વિશિષ્ટતાઓ સહિતનું અદ્વૈત, પરંતુ સર્વવર્ણનાતીત, સલક્ષણતા કે અલક્ષણતાથી રહિત માત્ર કેવળ સ-ચિત્-આનંદ કહેવાતું નિર્વિશેષ તત્ત્વ છે. તેને બાહ્ય જગતની પરિભાષામાં બોલીએ તો જેને બ્રહ્મ કહેવામાં આવે છે તે અંતિમ તત્ત્વ છે; જીવની આંતર જગતની પરિભાષામાં બોલીએ તો તે આત્મા છે. જ્યારે આ સિદ્ધાંતનું નિષ્ઠાપૂર્વક અનુસરણ (પરેિશીલન) કરવામાં આવે છે ત્યારે આ બાહ્ય કે આંતર કહેવાતા અનુભવની હકીકતો સ્વપ્નના પદાર્થો કે ઝાંઝવાના જળની પેઠે કશા તાત્ત્વિક મૂલ્ય વિનાનાં દશ્યો માત્રમાં પરિણમે છે. તત્ત્વ એકમેવ અદ્વિતીય, અવિભાજ્ય કૂટસ્થ, અવિનાશી, અવામનસ- અગોચર અને સર્વ ગુણો તથા સંબંધોથી સંપૂર્ણપણે રહિત છે. બાહ્ય જગતરૂપે અથવા અંદર જીવરૂપે જે જે કાંઈ આપણે અનુભવીએ છીએ તે માત્ર જ છે; આ શાશ્વત, અવિનાશી તત્ત્વની વિકૃત રજૂઆત માત્ર છે.

ત્રણે ભૂમિકાઓની આ ટૂંકી રજૂઆત પછી, વેદાંત અને તેના વિવિધ વાદોને સ્વામી વિવેકાનંદ કેવી રીતે જુએ છે તેનો વિચાર કરીએ. નવા અર્થ અને નવા જોમથી સભર નવા સ્વરૂપના વેદાંત સમર્થક તરીકે તેમનો અપૂર્વ ફાળો આપણને અહીં જોવા મળશે.

નીચેના મુદ્દાઓ નોંધવા જેવા છે :

(૧) વેદાંત સત્યનાં જુદાં જુદાં પાસાંઓનું સમર્થન કરે છે :

ઉપર જણાવ્યું તેમ, વેદાંતનાં ત્રણે દૃષ્ટિબિંદુઓ પરસ્પર વિરોધી છે અને એકબીજાને સહન કરતાં નથી. તેમાંનું પ્રત્યેક વેદાંતનો સાચો અર્થ કરવાનો દાવો કરતું હોવાને લીધે તેના સમર્થકો શાસ્ત્રનાં બધાં વાક્યોમાંથી પોતાનું સમર્થન કરનારા અર્થો કાઢીને પોતાની સ્થિતિને ટેકો આપવા માટે ખૂબ જ પરિશ્રમ ઉઠાવે છે. આને લીધે કેટલીકવાર શ્રુતિ  —  વાક્યોના મારી મચડીને કાલ્પનિક અર્થો કઢાતા હોય છે. વેદાંત ફિલસૂફીના લગભગ બધા જ વાદો આ જાતની ખેંચતાણ કરીને ગોળ ગોળ અર્થો કાઢવાના દોષી છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે આ જરાય આવશ્યક નથી. શ્રુતિ-વાકોના ખુલ્લા અર્થ સ્વીકારવા એ ઘણો વધારે સાદો અને સીધો માર્ગ છે. ઉપલક દૃષ્ટિએ દેખાતા વિરોધોનું સમાધાન સહેલાઈથી થઈ શકે કે જુદી જુદી ભૂમિકાઓ એ જુદા જુદા નૈષ્ટિબિંદુઓ પ્રમાણે છે. વૈદોની ફિલસૂફી જીવનમાં કશા વ્યાવહારિક મૂલ્ય વિનાની માત્ર અતીન્દ્રિય અડસટ્ટાબાજી નથી. તે દરેક વ્યક્તિને માટે ક્રમે ક્રમે સર્વોચ્ચ સત્યે પહોંચવાના પગથિયાં પૂરાં પાડે છે. જુદી જુદી ભૂમિકાઓ પરસ્પરની પૂરક છે અને જુદી જુદી રસવૃત્તિ અને માનસિક વલણ ધરાવતી વ્યક્તિઓને વિકાસની જુદી જુદી ભૂમિકાએ એ બધી સહાયક છે.

(૨) વેદાંત ધર્મ, ફિલસૂફી અને વિજ્ઞાનનો સમન્વય કરે છેઃ

ધાર્મિક અને દાર્શનિક સત્યો આધુનિક વિજ્ઞાનની શોધખોળ સાથે બંધબેસતાં હોવાં જોઈએ. પશ્ચિમના હઠાગ્રહી ધર્મોને નવી વૈજ્ઞાનિક શોધખોળોની પાસે નમતું આપીને અનુકૂળ બનવું પડ્યું હતું. નહિતર સંઘર્ષની પ્રારંભિક ભૂમિકામાં તેઓ ઉચ્છેદને આરે આવી ઊભા હતા. વેદાંત જો કે ધર્મ અને ફિલસૂફીનો પ્રાચીનમાં પ્રાચીન માર્ગ છે, છતાં તે તર્ક, વિજ્ઞાન અને દર્શનની આવશ્યક્તાઓને સંપૂર્ણપણે સંતોષી શકે છે.

(૩) વેદાંત માનવીનું ગૌરવ જાળવી રાખે છે :

વેદાંત કહે છે કે સફળ પૂર્ણતા અને સર્વ દિવ્યતા મનુષ્યમાં પ્રથમથી જ રહેલાં છે. આ બધાં તેણે બહારના સ્થળેથી પ્રાપ્ત કરવાનાં નથી. જેટલાં તે સંતમાં રહેલાં છે તેટલાં જ કહેવાતા પાપીમાં પણ છે. તફાવત રહેલો છે માત્ર તેમની અભિવ્યક્તિમાં. સંત પુરુષ પોતાના પ્રયત્નના બળે અથવા સાનુકૂળ સંજોગોને લીધે પોતાની દિવ્યતા પ્રગટ કરી શકો છે, જ્યારે પાપીને તેમ કરવામાં વધુ સમય લાગશે, તફાવત માત્ર આટલો જ છે. બીજો કશો નહિ.

(૪) વેદાંત આત્મશ્રદ્ધા શીખવે છે :

પોતાના કર્મના નિયમને બંધબેસતા રહીને વેદાંત શીખવે છે કે પોતાના ભાગ્યનો ઘડનાર માનવી પોતે જ છે. કર્મના નિયમને ખોટી રીતે એક પ્રકારના દૈવવાદમાં ઘટાડવવામાં આવે છે. પરંતુ સ્વામીજી બતાવી આપે છે કે વસ્તુસ્થિતિ એથી તદ્દન ઉલટી છે. કર્મવાદ ઘણા જોશપૂર્વક સ્પષ્ટ કરે છે કે માણસની વર્તમાન અવસ્થા જો તેનાં પૂર્વકર્મોને પરિણામે હોય તો અવશ્ય ફલિત થાય છે કે તેના ભાવિનો પણ ઘડવૈયો તે પોતે જ છે. વળી તે સ્વભાવે સંપૂર્ણ છે. તેની એ અંતર્નિહિત પૂર્ણતાને તેણે પોતાને અનુકૂળ પડે તે સાધનો દ્વારા માત્ર પ્રગટ કરવાની છે. પોતામાં રહેલી એ પૂર્ણતાને ઉત્પન્ન ક૨વા બહારની કોઈ સહાયની આવશ્યક્તા નથી.

(૫) સર્વ ભૂતોની સમાનતા :

સર્વ ભૂતોમાં એક જ આત્મા હોવાને કારણે સૌ સમાન છે. વ્યક્તિગત અને સામુદાયિક જીવનમાં આ સિદ્ધાંત લાગુ કરીને વેદાંત સર્વ પ્રકારની સામાજિક અસમાનતાઓ અને જાતિગત ભેદોના મૂળમાં પ્રહાર કરે છે. કોઈ પણ મનુષ્ય જન્મથી જ પાપી નથી, કોઈ પણ વ્યક્તિ કે સમાજ પાસ હક્કો ભોગવી શકે નહિ. ‘ઈશ્વરના માનીતા લોકો’ જેવી કોઈ વસ્તુ જ નથી. જેઓ આર્થિક રીતે, બૌદ્ધિક રીતે કે આધ્યાત્મિક રીતે આગળ વધેલા છે, તેઓએ જેઓ તેમનાથી આ બાબતમાં પાછળ છે, તેમના તરફ તિરસ્કારની દૃષ્ટિએ જોવાનું નથી. કહેવાતી આગળ વધેલી પ્રજાઓ અથવા વ્યક્તિઓ માત્ર પોતા માંહેની સ્વભાવગત શક્તિઓ બીજાઓ કરતાં વધુ પહેલાં પ્રગટ કરી શક્યા છે. પોતાનાથી નીચેનાઓ પર તિરસ્કારની દૃષ્ટિએ જોવાને બદલે તેમણે જેઓ તેમનાથી નીચેની પાયરીએ હોય તેમને પોતાની બનતી સહાય કરવી. જોઈએ. કારણ કે ઓછો અભિવ્યક્ત આત્મા પણ પોતાના જ આત્માનો અંશ છે, આત્મારૂપ જ છે. તેથી બીજાઓ પ્રત્યે તિરસ્કાર દર્શાવવાથી ઉપલા વર્ગના લોકો માત્ર પોતાની જાતને જ નીચે ઉતારી રહ્યા છે.

(૬) બીજાઓને સહાય કરવાથી આપણે પોતાને જ સહાય કરીએ છીએ :

ઉપરની સમાલોચનાથી એક ઉપસિદ્ધાંત તરીકે ફલિત થાય છે કે બીજાઓને સહાય કરવાથી આપણે પોતાને જ સહાય કરીએ છીએ. આપણી બધી માનવતાની પ્રવૃત્તિઓ પાછળ આ ભાવના સદા રહેવી જોઈએ. ખાસ કરીને જનકલ્યાણ કરનારા લોકોની સમક્ષ તો સ્વામી વિવેકાનંદ આ બાબતનું વારંવાર પુનરુચ્ચારણ કરતાં કદી થાકતા નહીં. તેઓશ્રી ભારપૂર્વક કહે છે કે આપણાં સઘળા જનકલ્યાણનાં કાર્યો જેમને આપણે સહાય કરીએ તેમની સાથેની એકતાની ભાવનાથી પ્રેરાયેલા હોવા જોઈએ. અથવા આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે જે ઈશ્વર સર્વદા પૂર્ણ છે તે સર્વવ્યાપી છે; માટે આપણી સહાય સારું કોઈ અટકી બેઠું નથી. બીજી બાજુએ ગરીબ, રોગી, અભણ, પદદલિત વગેરે રૂપે ઈશ્વર જ દર્શન દે છે કે જેથી આપણે તેની પૂજા કરી શકીએ. તેથી તેમની આ પ્રકારની સઘળી સેવા ઈશ્વરની સેવાની ભાવનાપૂર્વક કરવી જોઈએ. 

(૭) વેદાંત સઘળી નીતિમત્તાનો તર્કશુદ્ધ આધાર પૂરો પાડે છે :

ઉપરના વિવેચન પરથી એ તો સ્પષ્ટ થાય છે કે બીજાનું ભલું કરવાના આ નિયમના ભંગનો અર્થ પોતાને જ નુકસાન પહોંચાડવું. વળી ‘શુભ’ અને ‘અશુભ’ માટેનું ચોક્કસ ધોરણ વેદાંત પૂરું પાડે છે. તે એ કે રામગ્ર વિશ્વ સાથેની આપણી એકતા ની પ્રાપ્તિમાં જે કંઈ સહાયક હોય તે શુભ અને બાધક હોય તે ‘અશુભ’. વિકાસ જીવન છે; સંકુચિતતા મૃત્યુ છે.

(૮) વિશ્વવ્યાપી ક્ષેત્ર :

વેદાંતની સાધના માત્ર એકાંતવાસીઓ અને સાધુઓ માટે જ છે એવું નથી; તે માણસને પોતામાં રહેલા સર્વ કંઈ સર્વોને પ્રગટાવવામાં સહાયક બને છે. ડૉક્ટરને તે વધુ સારો ડૉક્ટર, વકીલને તે વધુ સારો વકીલ, હિંદુને વધુ સારો હિંદુ, ખ્રિસ્તીને વધુ સારી ખ્રિસ્તી બનાવે છે. આમ તેનું ક્ષેત્ર વિશ્વવ્યાપી છે. 

(૯) સમદર્શિત્વની આગવી બક્ષિસ :

વેદાંત વિશ્વવ્યાપી પ્રેમના પક્ષનું સમર્થન કરે છે, કારણ કે ઈશ્વર પ્રેમસ્વરૂપ સર્વત્ર અને સર્વ ભૂતોમાં હાજર છે. વેદાંતમાં શેતાન કે પાપીઓની ભાવનાને કશું જ સ્થાન નથી.

ઉપસંહાર :

આપણે જ્યારે આ મુદ્દાઓ પર વિચાર કરીએ છીએ ત્યારે વેદાંતના વિચારોની વ્યાવહારિક બાજુ પર ભાર મૂકવાથી તેમને સફળ બનાવવામાં સ્વામી વિવેકાનંદની પ્રતિભા જોઈને આપણને આશ્ચર્ય થાય છે અને પ્રશંસાની લાગણીથી આપણે ભરપૂર બની જઈએ છીએ. આ ઉદાત્ત વિચારો હજારો વર્ષો સુધી તેમના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરનારા ગણ્યા ગાંઠ્યા સંન્યાસીઓ અને સંતોની, અથવા તેમને વિષેની આ સૂક્ષ્મ ચર્ચામાં બુદ્ધિનો વિલાસ શોધનારા થોડાક પંડિતોની આગવી સંપત્તિ થઈ રહ્યા હતા. ખાસ કરીને તો જે સમયે માનવના આધ્યાત્મિક જીવન માટે તેમજ સમાજ જીવન અને વ્યવહારમાં ઉતારવા માટે બુદ્ધિપૂર્વકની સમજણ અત્યંત ઉપયોગી છે, તે સમયે વેદાંતના સારગર્ભ અર્થોને બહાર કાઢીને તેમને માનવના વ્યક્તિગત ને સામુદાયિક જીવનમાં લાગુ પાડવાનો કશો ગંભીરતાપૂર્વકનો પ્રયત્ન કરવામાં આવ્યો નહોતો. માનવીય વ્યક્તિત્વનાં તર્કશુદ્ધ, ઊર્મિભર્યા અને ઇચ્છાયુક્ત પાસાંઓની લીલાને પૂરે પૂરો અવકાશ એક માત્ર વેદાંતમાં જ છે. અને એ દૃષ્ટિએ માનવના ભવિષ્યનો ધર્મ થવાના બિરુદને માટે વેદાંત ન્યાયી રીતે આકાંક્ષા સેવી શકે. અને તે પણ ગ્રામ્ય કોટીનાથી લઈને સંસ્કારી અને બુદ્ધિપુરઃસ૨ના ધર્મનાં મોજુદ સ્વરૂપોમાંથી કોઈને બાદ રાખીને નહિ; પરંતુ વિશ્વધર્મના એવા સ્વરૂપે કે જ્યાં સૌ કોઈ પોતાનો વિશિષ્ટ સૂર પુરાવીને વિશ્વવ્યાપી સ્વર સંમેલનના ઉદાત્ત સમન્વયમાં ઉમેરો કરે.

Total Views: 145

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.