: પર્વતોપદેશ :

* જે મનના દીન – આર્દ્ર છે. તેઓ ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય એમનું છે.

* જે લોકો શોક અનુભવે છે તેઓ ધન્ય છે, કારણ કે એમને શાંતિપ્રાપ્તિ થશે.

* જે નમ્ર છે તેઓ ધન્ય છે, કારણ કે તેઓ પૃથ્વીના અધિકારી બનશે.

* જેમને ધર્મની ભૂખ અને તરસ છે તેઓ ધન્ય છે. કારણ કે એમને તૃપ્ત કરવામાં આવશે.

* જે દયાવાન છે તેઓ ધન્ય છે, કારણ કે એમના પર દયા વરસશે.

* જે મનથી શુદ્ધ છે તેઓ ધન્ય છે, કારણ કે તેઓ પરમેશ્વરનાં દર્શન કરશે.

* જે મેળ કરાવનાર છે તેઓ ધન્ય છે, કારણ કે તેઓ પરમેશ્વરના પુત્ર કહેવાશે.

* જેમને ધર્મને લીધે સતાવવામાં આવે છે તેઓ ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય એમનું જ છે.

* તમે ધન્ય છો, કારણ કે મારે લીધે જ્યારે મનુષ્યો તમારી નિંદા કરે, તમને સતાવે અને જૂઠું બોલી બોલીને તમારા વિરોધમાં બધા પ્રકારની ખરાબ વાતો કહે.

* આનંદમગ્ન બનો, કારણ કે તમને સ્વર્ગમાં મોટો પુરસ્કાર મળવાનો છે. એ એટલા માટે છે કે જે તમારી પહેલાં આવ્યા હતા એવા ઈશદૂતોને પણ આવી રીતે સતાવવામાં આવ્યા હતા.

* તમે પૃથ્વી પરનું મીઠું–સબરસ છો; પરંતુ જો મીઠાનો સ્વાદ જ બગડી જાય તો પછી તેને કઈ વસ્તુથી ખારું કરી શકાય? પછી તો એ કોઈ કામનું નહીં રહે, એને બહાર ફેંકી દેવું પડે અને લોકોના પગ તળે એણે કચરાવું પડે.

* તમે જગતની જ્યોતિ છો. જે નગર પહાડ પર વસ્યું છે તે છૂપું ન રહી શકે.

* લોકો દીવો પ્રગટાવીને નીચે જમીન પર રાખતા નથી, પરંતુ તેને દીવડી પર રાખે છે અને ત્યારે તેનાથી ઘરના બધા લોકો સુધી તેનો પ્રકાશ પહોંચે છે. * તમારો જ્યોતિ પ્રકાશ મનુષ્યની સામે એવી રીતે ઝળકી ઊઠે કે તેઓ તમારા ભલાં કાર્યોને જોઈને તમારા પિતા પ્રભુ જે સ્વર્ગમાં રહે છે તેનું મહિમાગાન કરે.

* હું વ્યવસ્થા કે ઈશદૂતોનો નાશ કરવા આવ્યો છું એમ ન સમજશો. હું એમનો નાશ કરવા નહીં પરંતુ એમની પૂર્તિ કરવા આવ્યો છું.

* કારણ કે, હું તમને સાચું કહું છું કે જ્યાં સુધી આકાશ અને પૃથ્વીનાશ ન પામે ત્યાં સુધી વ્યવસ્થામાંથી એક માત્રા, એક બિંદુ પણ પૂર્ણ થયા વિના નાશ પામશે નહીં.

એટલે જ જે આ લઘુતમ આશાઓમાંથી કોઈ એકને ઉલ્લંધે અને એવું જ બીજા લોકોને શીખવે તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો-ક્ષુદ્ર કહેવાશે. પરંતુ જે કોઈ આ આજ્ઞાઓનું પાલન કરશે અને તે પ્રમાણે ઉપદેશ આપશે તો તે સ્વર્ગના રાજ્યમાં મહાન કહેવાશે.

: આજ્ઞાઓ :

* તું પોતાના પ્રભુ પોતાના પરમેશ્વરને પોતાના પૂર્ણ મનથી, પૂર્ણ પ્રાણ સાથે, પોતાની બધી બુદ્ધિશક્તિથી અને તારી પોતાની બધી શક્તિઓથી પ્રેમ કર. આ મુખ્ય આજ્ઞા છે.

* બીજી આજ્ઞા છે : તું તારા પાડોશી ને તારી માફક ચાહજે. આનાથી મોટી બીજી કોઈ આશા નથી.

* એક યુવકે પાસે આવીને એમને પૂછ્યું : ‘હે ગુરુવર્ય, હું એવું ક્યું ભલું કાર્ય કરું કે જેથી મને અનંત જીવનની પ્રાપ્તિ થાય?

* ઈસુએ તેને કહ્યું : ‘તું મને ઉત્તમ કેમ કહે છે?’ કેવળ એકને છોડીને બીજો કોઈ ઉત્તમ નથી અને તે છે પરમેશ્વર. પરંતુ તું જીવનમાં પ્રવેશ કરવા ઇચ્છે છે એટલે આજ્ઞાઓનું પાલન કરતો રહેજે.

* તેણે ઈસુને કહ્યું : ‘કઈ આજ્ઞાઓ?’ ઈસુએ કહ્યું : ‘હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી અને ખોટી સાક્ષી ન આપવી.’

*જો તું સિદ્ધ બનવા ઇચ્છતો હો તો જા, તારો માલ વેંચીને કંગાલોને આપી દે, તને સ્વર્ગમાં ધન મળશે અને આવીને મારી પાછળ થઈ રહેજે,

* પરંતુ એ યુવાન આ વાત સાંભળીને ઉદાસ થઈને એ ચાલ્યો ગયો કારણ કે તે મોટો ધનવાન હતો.

* ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું : ‘હું તમને સાચું કહું છું કે, ધનવાન માટે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું ઘણું કઠિન છે.’

* હું તમને ફરીથી કહું છું કે ઊંટ માટે સોયના નાકામાંથી નીકળી જવું સરળ છે, પણ ધનવાન માટે પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશવું કઠિન છે.

* આ વિશે પીટરે તેમને કહ્યું : ‘જો, અમે તો બધું છોડીને તમારી પાછળ પાછળ ચાલીએ છીએ; તો અમને શું મળશે?’

* ઈસુએ તેને કહ્યું : ‘હું તમને સાચું કહું છું કે નવી ઉત્પત્તિ પછી જ્યારે માનવનો પુત્ર પોતાના મહિમાના સિંહાસન પર બિરાજશે ત્યારે તમારામાંથી પણ જે મારી પાછળ પાછળ ચાલે છે તેઓ બાર સિંહાસન પર બેસીને ઇઝરાયેલના બાર ગોત્રોનો ન્યાય કરશે.’

* અને જે કોઈએ મારા નામ માટે પોતાનાં ઘર, બંધુઓ કે બહેનો, માતા કે પિતા, પોતાનાં બાળબચ્ચાં કે ખેતરોને છોડી દીધાં છે એમને એનાથી સો ગણું મળશે અને તે અનંત જીવનનો અધિકારી બનશે.

* પરંતુ મોટાભાગના જે પહેલા હતા તે પાછળ રહેશે. અને જે પાછળ હતા તે પહેલા રહેશે; કારણ કે, ઘણાંને બોલાવવામાં આવ્યા છે પરંતુ એમાંથી થોડા લોકોની પસંદગી થશે.

* જે મને, ‘હે પ્રભુ’ ‘હે પ્રભુ’ કહે છે એમાંથી દરેક સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ નહીં કરે; પરંતુ જે મારાં સ્વર્ગસ્થિત પિતાની ઇચ્છાનુસાર ચાલે છે તે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશે.

* એ દિવસે ઘણાં મને કહેશે, ‘હે પ્રભુ! શું અમે તારા નામે ભવિષ્યવાણી નથી કરી? અને તારા નામે દુષ્ટાત્માઓને કાઢી નથી મૂક્યા? અને તારા નામે ખૂબ આશ્ચર્યમાં નાખી દે તેવાં કામ નથી કર્યાં?

* ત્યારે હું મુક્તપણે તેમને કહી દઈશ કે હું તમને ઓળખતો નથી. અરે, કુકર્મ કર્મવાળા! મારી પાસે ચાલ્યા આવો.

ઈસુ વિષે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો

એટલે જ આપણને સમજાય છે કે પ્રાચ્યના સાચા પુત્ર નાઝરેથના ઈસુ ધર્મક્ષેત્રે સૌથી વધુ વ્યાવહારિક હતા. એમને આ નશ્વર જગત તથા તેના ક્ષણભંગુર ઐશ્વર્ય પર વિશ્વાસ ન હતો. એટલે આપણે જીવનના આ સંદેશવાહકના જીવનના મૂળમંત્ર રૂપે એ જ જોઈએ છીએ કે ‘આ જીવન કંઈ નથી, એનાથી પણ ઉચ્ચ કંઈક બીજું છે.’

તેઓ આત્માસ્વરૂપ હતા. તેઓ જાણતા હતા કે તેઓ શુદ્ધ આત્માસ્વરૂપ છે – દેહમાં રહીને માનવજાતિના કલ્યાણ માટે દેહનું પરિચાલન કરી રહ્યા છે. દેહ સાથે એમનો માત્ર આટલો સંપર્ક- સંબંધ હતો. તેઓ વાસ્તવમાં વિદેહી, શુદ્ધ-બુદ્ધ- મુક્ત આત્માસ્વરૂપ હતા. એટલું જ નહીં તેમણે પોતાની અદ્‌ભુત દિવ્ય દૃષ્ટિથી એ જ્ઞાન મેળવ્યું હતું કે, બધાં નર-નારી, પછી ભલે તે યહૂદી હોય કે બીજી જાતિના હોય; નિર્ધન હોય કે ધનવાન; સાધુ કે પાપાત્મા; એ બધાં પોતાના જેવા અવિનાશી આત્માસ્વરૂપ છે. એમણે કહ્યું હતું : ‘આ કુસંસ્કારમય મિથ્યાભાવના છોડી દો કે તમે હીન છો કે તમે દરિદ્ર છો.’ એમણે ઉદ્‌ઘોષણા કરી હતી : ‘તું જાણી લે કે સ્વર્ગનું રાજ્ય તારી ભીતર જ રહેલું છે.’ જે લોકો એમની જાતિમાં શ્રેષ્ઠ અને ઉચ્ચ છે, ઈસુ એ બધાંના સાકાર સ્વરૂપ છે અને તેઓ કેવળ પોતાની જાતિના જ નહીં અસંખ્ય જાતિઓના ભાવિ જીવનનું શક્તિસ્રોત છે.

જો એક પ્રાચ્ય દેશના રૂપે હું નાઝરથવાસી ઈસુની ઉપાસના કરું તો મારા માટે એમ ક૨વાની કેવળ એક જ વિધિ છે અને તે છે ઈશ્વરની સમાન એમની આરાધના કરું. એમની અર્ચનાની બીજી કોઈ વિધિ હું જાણતો નથી.

(હવે પછી પ્રગટ થનાર : ‘ઈસુની વાણી’માંથી)

Total Views: 155

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.