(ગતાંકથી આગળ)

(કથામૃત : ૧/૧૩/૪ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨)

શ્રીરામકૃષ્ણ અને કેશવ

કેશવ સેન શ્રીઠાકુરને દક્ષિણેશ્વરથી સ્ટીમરમાં ફેરવવા માટે આવ્યા છે. સાથે ઘણા ભક્તો છે. શ્રીઠાકુર હોડીમાં જઈને સ્ટીમરમાં ચડશે. તેઓ હોડી પર આવતાં જ સમાધિસ્થ થઈ જાય છે. સારા એવા પ્રયત્ન કરીને તેમને થોડા ભાનમાં લાવવામાં આવ્યા અને પછી સ્ટીમરમાં ચડાવ્યા. ત્યારે પણ તેઓ ભાવસ્થ છે. ધીમે ધીમે એમને લઈને કેબીનની વચ્ચે બેસાડ્યા. બધા ભક્તજનો એમની પાસે રહેવા ઇચ્છે છે જેથી એમની પ્રત્યેક વાતચીત તેઓ સાંભળી શકે. જેને જ્યાં જગ્યા મળી ત્યાં અંદરના ભાગમાં બેસી ગયા. ત્યાં બધા સમાઈ શકે તેમ ન હતા એટલે અનેક લોકો બહારથી એમની વાતચીત સાંભળવા માટે આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરવા લાગ્યા. શ્રીઠાકુર ફરીથી સમાધિસ્થ થઈ ગયા – એકદમ ભાન ગુમાવી બેઠા.

સમાધિભંગ થયા પછી શ્રીઠાકુર અસ્પષ્ટ સ્વરે બોલ્યા: ‘હે મા, મને અહીં શા માટે લાવી છો? શું આ લોકોનું બંધનથી રક્ષણ કરી શકીશ ખરો?’ શ્રીઠાકુરે કયા અર્થમાં આ વાત કહી એ તો તેઓ જ જાણે. અહીં માસ્ટર મહાશયનું મંતવ્ય આવું છે : શ્રીઠાકુર સંભવત: આવું કહે છે – જે બધા જીવો માયાનાં બંધનમાં બંધાયેલાં છે એમનો એમાંથી ઉદ્ધાર કરવો શું સંભવ છે? જાણે કે જગન્માતાને તેમનો આ પ્રશ્ન છે, આ અભિપ્રાય છે. ત્યાર બાદ શ્રીઠાકુર આ વાત વિસ્તારપૂર્વક કહે છે કે, એક જ વસ્તુને જ્ઞાની, યોગી અને ભક્ત ક્રમશ: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન કહીને પોકારે છે. આ બધાની ચર્ચા આપણે આપણા ત્રીજા પ્રવચનમાં કરી ચૂક્યા છીએ.

શ્રીરામકૃષ્ણ અવિરલ રૂપે ભગવત્પ્રસંગ કરે છે. ભક્તગણ એ સાંભળે છે. શ્રી મ. કહે છે કે ભક્તગણ આ અમૃતપાનમાં એટલો બધો તન્મય છે કે સ્ટીમર ચાલી રહી છે એનુંય એમને ધ્યાન નથી. શ્રીરામકૃષ્ણના મુખે જે કથામૃતધારા વહી રહી છે તેનું પાન કરતાં કરતાં તેઓ મત્ત છે.

વેદાંતમત, બ્રાહ્મમત અને તંત્રમત

શ્રીઠાકુર સર્વપ્રથમ કહે છે : ‘‘વેદાંતવાદી બ્રહ્મજ્ઞાની કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ-જગત આ બધું શક્તિનો ખેલ છે.’’ તેઓ બ્રાહ્મભક્તોની સામે છે એટલે એમણે ‘વેદાંતવાદી બ્રહ્મજ્ઞાની’ એમ કહ્યું. પહેલાં બ્રાહ્મસમાજના લોકોને ‘બ્રહ્મજ્ઞાની’ એ શબ્દથી સંબોધવામાં આવતા હતા. આ કારણે જ તેઓ એમને વેદાંતવાદી બ્રહ્મજ્ઞાની એમ કહીને બંનેનું અંતર સ્પષ્ટ કરી દે છે. કેશવચંદ્ર સેનના અનુયાયીઓ પણ બ્રહ્મજ્ઞાની એ નામથી ભલે પરિચિત હોય પણ તેઓ ‘વેદાંતવાદી બ્રહ્મજ્ઞાની’ નથી. અર્થાત્ તેઓ નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક નથી. નિર્ગુણ નિરાકાર બ્રહ્મનો તેઓ સ્વીકાર પણ નથી કરતા. તેઓ નિરાકાર પરંતુ સગુણ ઈશ્વરનું ભજન કરે છે. નિરાકાર નિર્ગુણ તત્ત્વને બ્રહ્મ કહેવાય છે. જ્યારે તે સગુણ બને છે ત્યારે ભલે એને આકાર હોય કે ન હોય સાધારણતયા એનો બ્રહ્મ શબ્દ દ્વારા ઉલ્લેખ કરવામાં નથી આવતો ત્યારે તેમને ‘ઈશ્વર’ કહેવાય છે. બ્રાહ્મબ્રહ્મજ્ઞાની આ જ ઈશ્વર પર શ્રદ્ધા ધરાવે છે અને વેદાંતવાદી બ્રહ્મજ્ઞાની નિર્ગુણ-નિરાકાર બ્રહ્મ પર શ્રદ્ધા રાખનારા હોય છે. એટલા માટે વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓને બ્રાહ્મબ્રહ્મજ્ઞાનીઓથી અલગ કરતાં શ્રીઠાકુર કહે છે : ‘‘વેદાંતવાદી બ્રહ્મજ્ઞાની કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ-જગત આ બધું શક્તિનો ખેલ છે. વિચાર કરવાથી આ બધું સ્વપ્નવત્ છે; બ્રહ્મ જ વસ્તુ છે અને બધું અવસ્તુ; શક્તિ પણ સ્વપ્નવત્ છે, અવસ્તુ છે.’’

અહીં વેદાંત અને તંત્રમત વચ્ચે ભેદ છે. તંત્રમતમાં શક્તિને મિથ્યા કહેતા નથી. જેવી રીતે બ્રહ્મસત્ય છે તેવી રીતે શક્તિ પણ સત્ય છે. બ્રહ્મ અને શક્તિ બે અલગ અલગ વસ્તુ છે, એવું પણ નથી કહી શકાતું. એક જ તત્ત્વ બે રૂપોમાં અભિવ્યક્ત છે. જ્યારે તે તત્ત્વ સૃષ્ટિ, સ્થિતિ અને લય કરે છે ત્યારે એને ‘શક્તિ’ કહેવાય છે. અને જ્યારે એમાં સૃષ્ટિ, સ્થિતિ, વગેરે ક્રિયા નથી થતી ત્યારે તેને જ ‘બ્રહ્મ’ એ નામે ઓળખવામાં આવે છે. એટલે તંત્રમતમાં શક્તિ પણ બ્રહ્મ સમું જ સત્ય છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે બે સત્ય હોવાથી દ્વૈતાપત્તિ થશે કે નહિ? તંત્ર કહે છે : દ્વૈતાપત્તિ નહિ થાય કારણ કે બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે, એક જ તત્ત્વ છે. પરંતુ વેદાંતવાદીઓ કહે છે : શક્તિ મિથ્યા અનિર્વચનીય છે; બ્રહ્મ જ વસ્તુ છે અને બાકી બધું અવસ્તુ છે. આ થયો વેદાંત અને શાક્તમત વચ્ચેનો ભેદ.

શ્રીરામકૃષ્ણ : બ્રહ્મ અને શક્તિ અભેદ

ત્યારબાદ શ્રીઠાકુર કહે છે : ‘‘ભલે હજારો વિચાર કરો, પણ સમાધિલાભ ન થાય ત્યાં સુધી શક્તિના રાજ્યની બહાર જવાનો કોઈ ઉપાય-માર્ગ નથી.’’ જે અવસ્થામાં કોઈ ક્રિયાનો, જગતનો બોધ રહેતો નથી તેને સમાધિની અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં સાધક ભલે શક્તિના રાજ્યની બહાર ચાલ્યો જતો હોય પરંતુ જ્યાં સુધી જગતનો, ‘હું’નો બોધ છે ત્યાં સુધી શક્તિના રાજ્યની બહાર જવાનો કોઈ ઉપાય-માર્ગ નથી. શ્રીઠાકુર આ જ વાત કહે છે : ‘‘હજાર ઉપાય કરો, પણ સમાધિલાભ ન થાય ત્યાં સુધી શક્તિના રાજ્યની બહાર જવાનો કોઈ ઉપાય-માર્ગ નથી. ‘હું ધ્યાન કરું છું’, ‘હું વિચાર કરું છું’ – આ બધું શક્તિના રાજ્યમાં, એમના ઐશ્વર્યની સીમામાં છે. એટલા માટે બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે. એકનો સ્વીકાર કરવાથી બીજાને પણ માની લેવું પડે છે.’’ આવું કહીને શ્રીઠાકુર એ બતાવે છે કે આ બંને અભિન્ન વસ્તુઓને અનિવાર્યપણે સ્વીકારવી પડે છે. શ્રીઠાકુરની આ વાત વેદાંતદર્શનની દૃષ્ટિએ જોવાથી એક નવો દૃષ્ટિકોણ ઊભો કરે છે. પરંતુ એને બરાબર નવો કહેવો એ પણ યોગ્ય નથી – એમ કહેવું પડશે કે વેદાંતદર્શનમાં શક્તિની માત્ર સાપેક્ષ સત્તાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ, શ્રીઠાકુર આ શક્તિ પર વિશેષ ભાર દે છે. તેઓ એ વાત વારંવાર કહે છે કે, જ્યાં સુધી આપણે શરીરમનથી બંધાયેલા છીએ ત્યાં સુધી શક્તિની પ્રભુતા ઉપેક્ષણીય નથી. દેહધારણ કરવાથી શક્તિને માનવી જ પડશે.

સાપેક્ષ સત્તા કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આપણે બ્રહ્મને કારણરૂપ કહીએ છીએ, ત્યાં સુધી તેનું આ કારણરૂપ થવું એ જ શક્તિના સ્વરૂપનું હોવું છે; પણ જ્યારે તેને કાર્યકારણથી અતીત કહેવામાં આવે છે માત્ર ત્યારે જ તે બ્રહ્મસ્વરૂપ છે. જ્યારે તેને જગત્કારણ કહે છે અર્થાત્ ‘ઈશ્વર’ કહે છે, ત્યારે પણ તે શક્તિના રાજ્યની ભીતરની જ વાત છે. વેદાંતશાસ્ત્રમાં જ્યાં જગતનાં સૃષ્ટિ-સ્થિતિ-લયના કર્તાને બ્રહ્મ કહેવામાં આવે છે ત્યારે એ ધ્યાન રાખવું પડે છે કે તે શુદ્ધ બ્રહ્મ નથી. ‘‘યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે । યેન જાતાનિ જીવન્તિ । યત્ પ્રયન્ત્યભિસંવિશન્તિ । તદ્ વિજિજ્ઞાસસ્વ । તદ્ બ્રહ્મેતિ ॥’’ (તૈત્તિરીય. ઉપ. ૩.૧) – ‘જેમાંથી આ બધાં પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, જેના દ્વારા એ બધાં જીવીત રહે છે તથા પ્રલયકાળે બધા લય પ્રાપ્ત કરે છે, એને વિશેષરૂપે જાણવાની ઇચ્છા કરો, તે જ બ્રહ્મ છે.’ અહીં બ્રહ્મ નિર્ગુણ-નિરાકાર સત્તાના રૂપમાં નિર્દિષ્ટ થયું નથી. જ્યારે તે નિર્ગુણ બને છે ત્યારે સૃષ્ટિ આદિ ક્રિયા હોતી નથી. જે પ્રકૃતિ નિર્ગુણાત્મક છે, બ્રહ્મથી અભિન્ન છે, તે સાંખ્યની પ્રકૃતિ નથી, કારણ કે તંત્રમાં એને ‘જડ’ કહેવાયું નથી. એવી જ જે પ્રકૃતિ છે તેને જ શક્તિ કહે છે, તે જ આદ્યાશક્તિ છે, તે જ કાલી છે. તે જ આ જગતની સૃષ્ટિ-સ્થિતિ-લય કરવાવાળી છે. તેને જ પરમેશ્વરી કે પરમેશ્વર કે જગત્કારણ બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે આ દૃષ્ટિએ જોવાથી એ ધ્યાન રાખવું પડશે કે ઈશ્વર સુધી બધું શક્તિની ભીતર જ છે, શક્તિની બહાર નથી. શ્રીઠાકુર કહે છે : ‘‘હું ધ્યાન કરું છું, હું વિચાર કરું છું, આ બધું શક્તિના રાજ્યમાં છે, તેના ઐશ્વર્યની સીમામાં છે.’’

તોતાપુરીની નવી દૃષ્ટિ

આપણે એ ધ્યાનમાં રાખવું પડશે કે તોતાપુરી બ્રહ્મજ્ઞાની હતા. એમણે સાક્ષાત્ અદ્વૈતતત્ત્વની અનુભૂતિ કરી હતી. આ વિશે સંદેહ કરવાની કોઈ વાત જ નથી. કારણ કે શ્રીઠાકુર આ વાત વારંવાર કહ્યા કરતા. આવા તોતાપુરી પણ એ ભ્રમમાં પડ્યા હતા કે શક્તિ મિથ્યા છે. તેમણે દીર્ઘકાળ સુધી શક્તિની સત્યતાનો સ્વીકાર નહોતો કર્યો. પછીથી અનેક પ્રકારની અવસ્થાઓમાંથી પસાર થઈને અંતે તેમણે એ જગન્માતાનો, આદ્યાશક્તિનો સ્વીકાર કરવો પડ્યો. આથી સમજી શકાય છે કે આ પ્રસંગમાં શ્રીઠાકુરની એક અપૂર્વશક્તિએ કાર્ય કર્યું હતું, જેને પરિણામે તોતાપુરી જેવા શ્રેષ્ઠ વેદાંતવાદી પણ શક્તિમાં માનવા માટે વિવશ બન્યા. શ્રીઠાકુર પણ આનાથી ખૂબ આનંદિત થયા કે તોતાપુરીએ અદ્વૈતવાદી બ્રહ્મજ્ઞાની હોવા છતાં પણ શક્તિને માની લીધી. આ જે શક્તિમાં માનવું તે જાણે કે અદ્વૈતવેદાંતી તોતાપુરીના પણ જ્ઞાનની પૂર્ણતા છે. પ્રશ્ન ઊભો થઈ શકે છે કે શું તોતાપુરીના જ્ઞાનમાં ઊણપ હતી? ના, એમના બ્રહ્મજ્ઞાનમાં ઊણપ ન હતી. તેઓ બ્રહ્મજ્ઞ હતા. એમનું બ્રહ્મજ્ઞાન પૂર્ણ હતું, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ, બ્રહ્મના જે વૈચિત્ર્યબહૂલ સ્વરૂપની વાત શાસ્ત્રોએ કહી છે, એના વિશે એમને વિશેષ જાણકારી નહોતી એવું લાગે છે. એમની સાધના પ્રણાલીમાં પણ આ પક્ષ જાણે કે પૂર્ણત: ઉપેક્ષિત જ રહી ગયો લાગે છે. એટલે શક્તિના અસ્તિત્વ વિશે જો તેઓ અનભિગ્ન હતા તો તેમાં કોઈ આશ્ચર્ય નથી. જ્યારે કોઈ સાધના પદ્ધતિને સાથે રાખીને ચાલવાનું હોય છે ત્યારે તેના વિશે યથોચિત જ્ઞાન માત્ર શાસ્ત્રો દ્વારા નથી થતું. એટલા માટે તોતાપુરીમાં શક્તિના સંબંધે પ્રત્યક્ષ જાણકારીનો અભાવ હતો. એમનો આ અભાવ શ્રીઠાકુરના સાંનિધ્યમાં આવવાથી દૂર થઈ ગયો.

પરંતુ, પહેલાં તેઓ ઠાકુરના આ ભાવને જાણે કે સમજી ન શક્યા. આપણે જાણીએ છીએ કે જ્યારે એમણે શ્રીઠાકુરને સંન્યાસ દેવાની ઇચ્છા કરી ત્યારે શ્રીઠાકુરે કહ્યું હતું : ‘‘ખમો, હું માને પૂછી આવું.’’ પછી તેઓ મંદિરમાં જઈને શ્રીમાને પૂછી આવ્યા અને કહ્યું : ‘‘હા, હું વેદાન્ત સાધના કરીશ.’’ તોતાપુરી થોડું હસ્યા – અહીં વેદાન્ત સાધના પણ કરશે અને ત્યાં મંદિરની અંદર પથ્થરની મૂર્તિને પણ પૂછશે. તોતાપુરી માટે દેવી માત્ર પાષાણમયી હતા. એનું વાસ્તવિક રૂપ તેઓ જાણતા ન હતા, અને એ જાણવાની આવશ્યકતાનો અનુભવ પણ નહોતો થયો. આ જ તોતાપુરી શ્રીઠાકુરની સાથે રહેતાં રહેતાં ધીમે ધીમે એમની પાસેથી અનેક વાતો શીખે છે. ઉદાહરણ આપવામાં આવે છે : એક દિવસ સાંજના પંચવટીમાં તોતાપુરી પાસે બેસીને ધર્મપ્રસંગચર્ચા કરતાં કરતાં સંધ્યા થઈ જતા શ્રીઠાકુર હાથે તાળી વગાડતાં વગાડતાં ભગવન્નામ કરવા લાગ્યા. તોતાપુરી તો નવાઈમાં પડી ગયા અને ઉપહાસ કરતાં બોલ્યાં: ‘‘અરે શું આ રોટલા ઘડે છે!’’ શ્રીઠાકુર તો હાથથી તાળી વગાડતાં વગાડતાં ભગવાનનું નામ લે છે અને તોતાપુરી મજાક કરે છે કે હાથના ટપાકા મારી મારીને શું રોટલા ઘડી રહ્યા છો! તોતાપુરી જાણતા હતા કે શ્રીઠાકુર અસાધારણ દૈવીસંપત્તિ લઈને જન્મ્યા છે, એમને બ્રહ્મજ્ઞાન થઈ ચૂક્યું છે. પરંતુ આ જોઈને તેઓ વિચાર કરે છે કે શ્રીઠાકુર પોતાના પૂર્વસંસ્કારોથી મુક્ત થઈ શકતા નથી, જાણે કે આ રીતે એ સંસ્કારોની પુનરાવૃત્તિ થઈ રહી છે. એટલે જ તાળીઓ વગાડીને ભગવાનનું નામ લઈ રહ્યા છે. શ્રીઠાકુર હસીને બોલ્યા : ‘‘અરે ભાઈ, હું તો ભગવાનનું નામ લઉં છું, અને તમે કહો છો કે હું રોટલા ઘડું છું!’’ તોતાપુરીના ઉપહાસ છતાં શ્રીઠાકુર જાણતા હતા કે એક દિવસ એવો આવશે જ્યારે તોતાપુરી પણ આ બધી સાધનાઓનો સ્વીકાર કરશે. એટલે તેઓ ધૈર્યપૂર્વક એ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા. એમણે આવી જ ધીરજ પોતાના શિષ્યોને સંદેશ-શિક્ષા દેવામાં બતાવી છે, રાખી છે. જ્યારે નરેન્દ્રનાથે શ્રીઠાકુરના આદેશાનુસાર અષ્ટાવક્રસંહિતા આદિ ગ્રંથ વાંચીને કહ્યું હતું : ‘‘ખરેખર, આ ઋષિમુનિઓના મગજ બગડી ગયા હશે નહિ તો આ રીતે આ પ્રકારની વાત તેઓ કેવી રીતે લખત?’’ ત્યારે શ્રીઠાકુરે કહ્યું : ‘‘તું જો એ સમયની એ વાતને સમજી શકતો ન હો તો એને લીધે ઋષિમુનિઓની નિંદા શા માટે કરે છે?’’ શ્રીઠાકુર ધૈર્ય રાખીને ઉપયુક્ત સમયની રાહ જોતા હતા. તત્પશ્ચાત્ એક દિવસ જ્યારે નરેન્દ્રનાથે ‘લોટા-કટોરી ઈશ્વર’ કહીને મજાક કરી ત્યારે શ્રીઠાકુરે એમનો સ્પર્શ કરીને અદ્વૈતતત્ત્વ વિશેના એમના બધા સંદેહસંશય દૂર કરી દીધા. તોતાપુરીના પ્રસંગમાં પણ શ્રીઠાકુર જાણતા હતા કે તેઓ દ્વૈતભાવની ઉપાસનાની વાત પણ પછીથી સમજશે. અને ખરેખર ત્યાર પછી તોતાપુરીએ એ સમજવું પડ્યું.

આ જે વિભિન્ન પ્રકારે ભગવાનની સત્તાની ઉપલબ્ધિ છે એ વિશે આપણને જો પ્રારંભથી જાણકારી ન હોય તો પછીથી આપણે એને જાણી લેવી પડશે. ખાસ કરીને જે આચાર્ય બનશે, એમને માટે આ નિતાંત પ્રયોજનીય છે. જેમના જીવનમાં આ પ્રકારની જાણકારી પરિપૂર્ણમાત્રામાં આવી જશે એમનું જ જીવન આચાર્યના રૂપે પૂર્ણ માનવામાં આવશે. ‘આચાર્યના રૂપમાં’ એટલા માટે કહું છું કે બધા સાધકોને બધી અવસ્થાઓમાંથી પસાર થવાની-જવાની જરૂર નથી હોતી. એક સાધક જો કોઈ પ્રણાલીનું અવલંબન કરીને પરમલક્ષ્ય સુધી પહોંચી જાય તો તે એના જીવન માટે પર્યાપ્ત છે, એમાં જ એની પૂરી સાર્થકતા છે. પરંતુ જે આચાર્ય થશે, જે સંસારમાં બધાને માર્ગ બતાવવા આવ્યા છે, તેમને માટે આ પ્રકારની એકાંગી દૃષ્ટિ લઈને ચાલવાથી કામ સરશે નહિ! એવી દશામાં તો તેઓ માત્ર એ પ્રકારના મનોભાવયુક્ત થોડાક જ લોકોની સાધના દૃષ્ટિમાં સહાયતા કરી શકશે અને મોટાભાગના લોકો એની પરિધિથી બહાર રહી જશે. એટલે જ તો શ્રીઠાકુરે કહ્યું છે : ‘‘પોતાને મારવા માટે એક નેયણી પણ પૂરતી છે. પરંતુ બીજાને મારવા માટે અર્થાત્ બીજા સાથે લડવું પડે તો ઢાલ-તલવારની જરૂર પડે છે.’’ બરાબર આવી જ રીતે જેમણે આચાર્ય-ગુરુ થવું હશે તેમણે જેવી રીતે શ્રીઠાકુરે કહ્યું છે તેમ ‘બધા ઘરમાં જઈને પોતાની ગોટી પકાવવી પડશે.’ એમને માટે એક જ માર્ગે જવાથી કામ સરવાનું નથી. પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત કરવી પડશે. તોતાપુરીને આવી પૂર્ણ જાણકારી દેવા માટે, ભક્તિમાર્ગ વિશેની એમની અનભિજ્ઞનતાને-અજ્ઞાનને દૂર કરવા માટે શ્રીઠાકુર હસીને બોલ્યા, ‘‘હું તો ભગવાનનું નામ લઉં છું અને તમે ઉપહાસ કરો છો કે હું રોટલા ઘડું છું!’’ યથાક્રમે તોતાપુરીએ આ ભાવ પ્રાપ્ત કર્યો અને ત્યારપછી આપણે સૌ જાણીએ છીએ કે તેઓ કેવી રીતે જગન્માતાનાં સાક્ષાત્ દર્શન કરીને કૃતકૃત્ય બન્યા હતા. 

શ્રીરામકૃષ્ણ અને તેમના ગુરુ

આપણે આ વાત ધ્યાન-જાણમાં રાખવી પડશે કે અવતાર પુરુષ પોતાના સાધના પથમાં ભલે કોઈ કોઈ વ્યક્તિની ગુરુરૂપે વરણી કરે પરંતુ તે ગુરુ એમના જેવા પૂર્ણ હોતા નથી. અવતારના સાંનિધ્યમાં આવીને, એમની સહાયતાથી તેઓ ક્રમશ: પૂર્ણતાની પ્રાપ્તિ કરે છે. આ વાત ધ્યાનમાં રાખવી પડશે. શ્રીઠાકુરના પ્રસંગે આ વાત તોતાપુરીને પણ લાગુ પડે છે, ભૈરવી બ્રાહ્મણીને પણ લાગુ પડે છે. એક તરફ જેમ તોતાપુરી ‘શક્તિ’ વિશે અનભિજ્ઞ હતા, તો બીજી બાજુ ભૈરવી બ્રાહ્મણી અદ્વૈત વેદાંત સંબંધે પૂર્ણત: અનભિજ્ઞ હતાં. 

આપણે જાણીએ છીએ કે જ્યારે શ્રીઠાકુર તોતાપુરીની સહાયતાથી અદ્વૈતવેદાંતની સાધના કરવા જાય છે, ત્યારે ભૈરવી બ્રાહ્મણીએ શ્રીઠાકુરને સાવધાન કરી દીધા હતા : ‘‘બાબા, આ અદ્વૈતવાદી લોકો સાથે આટલું હળવું મળવું ન રાખો. તેનાથી તમારી ભાવભક્તિ સુકાઈ જશે. એવા લોકો સાથે હળવા-મળવાથી ભક્તિહાનિ થાય છે.’’ આમ અદ્વૈતવેદાંત સંબંધે ભૈરવી બ્રાહ્મણીને કોઈ જ્ઞાન ન હતું. એવી જ રીતે તોતાપુરીને પણ દ્વૈતભાવ સાધના -વિશે, ‘શક્તિ’ વિશે કોઈ જાણકારી ન હતી. ભૈરવીએ પોતાના જ્ઞાનભંડારને શ્રીઠાકુરના સંપર્કમાં આવીને વધાર્યો. એવી જ રીતે તોતાપુરીએ પણ શ્રીઠાકુરના સાંનિધ્યમાં આવીને ‘શક્તિ’ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાના જ્ઞાનને વધારે સમૃદ્ધ કર્યું.

બ્રહ્મ અને શક્તિની અભિન્નતા સંબંધે શ્રીઠાકુર કહે છે : ‘‘બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે. એકને માનીએ તો બીજાને માનવું પડશે. જેવી રીતે અગ્નિ અને તેની દાહકશક્તિ; અગ્નિમાં માનવાથી એની દાહકશક્તિને માનવી રહી. દાહકશક્તિ સિવાય અગ્નિની કલ્પના ન કરી શકાય; વળી અગ્નિને છોડીને દાહકશક્તિની પણ કલ્પના ન કરી શકાય. સૂર્યને છોડીને સૂર્યરશ્મિની કલ્પના ન કરી શકાય; વળી સૂર્યરશ્મિ વિના સૂર્યની પણ કલ્પના ન કરી શકાય.’’ 

એમ કહેવાય છે : ‘શક્તિ-શક્તિમતો: અભેદ:’ અર્થાત્ શક્તિ અને શક્તિમાન બંને અભિન્ન છે. બંને એક જ છે, એના એક પાસાને લક્ષમાં રાખીને આપણે ‘શક્તિ’ એમ કહીએ છીએ પણ એના બીજા પાસાને ધ્યાનમાં રાખીને કહીએ છીએ ‘શક્તિમાન’. શક્તિનું જે વૈચિત્ર્ય છે એનો અસ્વીકાર કરી શકાતો નથી. પરંતુ, એ વૈચિત્ર્યની પાછળ એક નિરપેક્ષ સત્તા છે જેની ભીતર કોઈ પરિવર્તન થતું નથી, આ ન માનવાથી શક્તિના તે વૈચિત્ર્યને સમજી શકાતું નથી. એક સ્થાયી સત્તાને માનવી જ રહી. વળી એની સાથે આ સ્થાયી સત્તાની જે વિભિન્ન પ્રકારે અભિવ્યક્તિઓ થાય છે, એનો પણ સ્વીકાર કરવો રહ્યો.

(ક્રમશ:)

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.