૧૯૯૦ના પુરને કારણે નાશ પામેલા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામના ૧૦ હરીજન કુટુંબો માટે ૧૦ મકાનો બાંધી આપવામાં આવ્યાં હતાં. આ રાહતસેવાકાર્ય પાછળ ૧,૬૨,૬૭૨ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૯૦ના રોજ આ મકાનો પૂરપીડિત પરિવારોને સોંપી દેવામાં આવ્યાં હતાં.

૧૯૯૦ના ઓંગસ્ટ થી ઑક્ટોબર સુધીમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા ભાવનગર, સુરેન્દ્રનગ૨, વડોદરા, ખેડા અને પંચમહાલ જિલ્લાના ૪૩ ગામડાંનાં ૨૬૮૪ કુટુંબોમાં ૨૭૪૩૭ કિ.ગ્રા. અનાજ, ૫૪૩૮ સાડી, ચાદર અને ધોતી, ૬૦૨ મી. કાપડ, ૧૫૫૦ વાસણસેટનું વિત૨ણકાર્ય કરવામાં આવ્યું હતું.

ફેબ્રુઆરી ૧૯૯૧થી ડિસે. ૧૯૯૧ સુધીમાં અતિવૃષ્ટિને કારણે તારાજ થયેલા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભમરીયા ગામના લોકો માટે ૨૮ પાકાં મકાનોવાળા શ્રીરામકૃષ્ણનગરનો સમર્પણવિધિ ૧૬મી મે, ૧૯૯૧ના રોજ સ્વામી પ્રમાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમના સચિવ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે દરેક ગૃહવાસીને મકાનની સોંપણી કરી હતી. આ પ્રસંગે બંને વરિષ્ઠ સંન્યાસીઓ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુપ્તા અને તાલુકા વિકાસ અધિકારીશ્રી મકવાણાએ પ્રવચનો આપ્યા હતા.

શ્રીરામકૃષ્ણનગરનાં ગ્રામજનો માટે નવનિર્મિત શ્રીમા શારદાદેવી પ્રાર્થનામંદિર જેમાં કૉમ્યુનિટિહૉલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મંદિરનો સમર્પણવિધિ ૨૯ જૂન, ૧૯૯૧, શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રી ગણેન્દ્રનારાયણ રૉયના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સમારંભના અતિથિવિશેષ સ્થાને મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાના નારાયણપુરના આદિવાસી વિકાસ પ્રૉજેક્ટના વડા શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ હતા.

આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું કે, આ સેવાકાર્ય નાનું પણ અનોખું છે. આ ગામ એક આદર્શ ગામ બને તેવી અમારી ઇચ્છા છે. તાલુકાવિકાસ અધિકારીશ્રી મકવાણાએ શ્રીરામકૃષ્ણ આશ્રમની સેવા અને પાંચ લાખના ખર્ચે બંધાયેલાં ૧૪ બ્લોકનાં ૨૮ મકાનોનું અને દોઢ લાખના ખર્ચે બંધાયેલા પ્રાર્થનામંદિર-કૉમ્યુનિટિહૉલના બાંધકામને ૪ મહિનામાં પૂર્ણ કરવા માટે આશ્રમની સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે સ્વામી ગૌતમાનંદજી, શ્રીજી.રૉયનાં પ્રવચનો ગ્રામ્યજનોએ માણ્યાં હતાં.

આભારદર્શન સ્વામી ધ્રુવેશાનંદજીએ કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રૂ. ૪.૫ લાખના ખર્ચે નવનિર્મિત ‘સ્વામી વિવેકાનંદ વિદ્યાલય’ અને બોરવેલનું ઉદ્‌ઘાટન ૧૩મી ડિસે. ૧૯૯૧ના રોજ ગુજરાત રાજ્યના નાણામંત્રીશ્રી છબીલદાસ મહેતાના વરદ હસ્તે સમર્પણવિધિ સંપન્ન થયો હતો. આશ્રમ દ્વારા શાળાની ચારેબાજુએ કંપાઉન્ડ વૉલ, અને બે ડીપવેલ પણ કરી અપાયા હતા.

આ પ્રસંગે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું કે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવાના આદર્શ પ્રમાણે અમે એક આ નાનું સેવાકાર્ય કર્યું છે. ગ્રામજનો એની એવી જાળવણી કરે કે અહીં વિચાર ભાવભક્તિનું અનેરું વાતાવરણ ઊભું થાય. આ ગામનો સાર્વત્રિક વિકાસ થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. નાણામંત્રીશ્રી છબિલદાસ મહેતાએ જણાવ્યું હતું કે ત્યાગ, સેવા, બલિદાન અને સ્વાર્પણની ભાવનાને વરેલા શ્રીરામકૃષ્ણ સંધના આ સંન્યાસીઓએ અલ્પ સમયમાં આ મહાન કાર્ય કર્યું એ આપણા સૌ પરનું એમનું મોટું ઋણ છે. આ સ્વૈચ્છિક સંસ્થાનાં કાર્યો સૌ કોઈને માટે અનુકરણ કરવા જેવાં છે. આ સંસ્થાએ ગુજરાતમાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ, ભૂકંપ કે વાવાઝોડા વખતે કોઈ પણ જાતના બંધન વિના નિર્વ્યાજ સેવા કરી છે. એમની આ સેવાભાવના, આ ત્યાગ- સમર્પણવાળી ધર્મભાવના આપણા સૌએ જીવનમાં જીવવા જેવી છે. એમણે પ્રાસાદોમાં-મહેલોમાં કે શાસ્ત્ર ચર્ચાના મહાલયોમાં પ્રભુ જોવાને બદલે ગરીબની-ઉપેક્ષિતોની, દુઃખીની ઝૂંપડીમાં નારાયણને જોયા છે અને એ નારાયણની સેવા કરવાનું એમણે હંમેશાં બીડું ઝડપી લીધું છે. એમણે આ પ્રસંગે આશ્રમના કોઈ પણ સેવા કાર્ય માટે સ૨કા૨શ્રીના સાથસહકારની ખાતરી આપી હતી.

આ પ્રસંગે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું કે દરિદ્ર, દુ:ખી અને ગરીબમાં બેઠેલા નારાયણની સેવા એ જ સાચી સેવા, એ જ સાચી પૂજા એવા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલા જીવનસંદેશને આવાં કાર્યો દ્વારા અમે અનુસરીએ છીએ, એમાં અમે કોઈ ઉપકારની ભાવનાથી કામ કરતા નથી પણ સેવાભાવનાથી કરીએ છીએ. આ ગામના લોકો શાળા-મંદિરના વાતાવરણનો સદુપયોગ કરીને અહીં ત્યાગ-સેવા-ભક્તિનું એક વાતાવરણ સર્જે તેવી ઇચ્છા તેમણે વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી નાનુભાઈ વાઘાણી તથા ભાવનગરના ડેપ્યુટી કલેક્ટરશ્રી શર્મા સાહેબે પણ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં.

ગારિયાધાર તાલુકાપંચાયત દ્વારા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી મહારાજને તાલુકાપંચાયત પ્રમુખશ્રીના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રીગિરીશભાઈ મારુ, શ્રીઅમુભાઈ આરદેશણા, તાલુકા પંચાયત અધિકારીશ્રી, ભમરિયાના આચાર્યશ્રી, તલાટી-કમ-મંત્રીશ્રી તેમજ સરપંચશ્રીને સ્મૃતિચિહ્નો શ્રીરામકૃષ્ણ આશ્રમ તરફથી અર્પણ કરાયાં હતાં.

આભાર દર્શન આશ્રમના માનદ્ આર્કિટેક્ટ શ્રીગિરીશભાઈ મારુએ કર્યું હતું.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.