શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ

એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક સૈકાઓ જૂનું છે. પહેલાં આ સ્થળનું નામ ચાર્લ્સ બજાર હતું. પરંતુ અઢારમી સદીમાં શોભારાય બસાક નામના શ્રીમંતે શ્યામ મંદિરના આરાધ્ય દેવ શ્યામ સુંદર અથવા ગોવિંદના નામ પરથી આ સ્થળનું નામ બદલીને શ્યામ બજાર કરી દીધું હતું. શ્યામ મંદિરની પાસે એક તળાવ હતું. એને લઈને એનું નામ શ્યામપુકુર પડી ગયું. શ્યામપુકુરમાં શિબુ ભટ્ટાચાર્ય નામના એક પ્રસિદ્ધ માણસ રહેતા હતા. એમના બે માળના મકાનમાં શ્રીરામકૃષ્ણ રહ્યા હતા. મકાનની પશ્ચિમ તરફ જે શિવમંદિર હતું તે આજે પણ યથાવત્ છે. ફક્ત શિવમંદિર જ નહીં, પણ આ ઈલાકાના રસ્તાઓ, મકાન વગેરે પણ એમ ના એમ જ છે. બહુ જ ઓછો ફેરફાર થયો છે. શ્રીરામકૃષ્ણે શ્યામપુકુર સ્થળને જેવું જોયું હતું, તેવું આજે પણ મહદ્અંશે જોવા મળે છે.

શ્યામપુકુર ભગવાન શ્રીરામકૃષ્ણની મધુર સ્મૃતિથી પરિપૂર્ણ એક પવિત્ર સ્થળ છે. આ પ્રદેશમાં તેઓ ઘણીવાર આવ્યા હતા. અહીં તેમની દેવ-માનવ લીલાની જે અભિવ્યક્તિ થઈ હતી, તેની સ્મૃતિ સદાય ઝળહળતી રહેશે. આ ઈલાકામાં કેટલાક એવા સદ્‌ભાગી ભક્તો હતા કે જેમને શ્રીરામકૃષ્ણને પોતાના ઘે૨ લઈ જઈને યત્કિંચિત સેવા કરવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું. એમાં નોંધપાત્ર છે. – નેપાળ રાજ્યના પ્રતિનિધિ વિશ્વનાથ ઉપાધ્યાય (કૅપ્ટન), પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાય (મોટા બ્રાહ્મણ) અને કાલીપદ ઘોષ (દાના કાલી). વિશ્વનાથ ઉપાધ્યાય, ૨૫ નંબર શ્યામપુકુર સ્ટ્રીટ, પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાય, ૪૦ નં. રામધન મિત્રલેન તથા કાલીપદ ઘોષ, ૨૦ નં. શ્યામપુકુર લેનમાં રહેતા હતા. એ સિવાય પણ શ્રીરામકૃષ્ણ કૃપાપાત્ર બીજા ભક્તો પણ ત્યાં રહેતા હતા. જેવા કે, પૂર્ણચંદ્ર ઘોષ, નરેન્દ્રનાથ મિત્ર (છોટા નરેન) દેવેન્દ્ર ઘોષ, અધ્યાપક નરેન્દ્ર બંદોપાધ્યાય, તથા મહામાયા મિત્ર (દાના કાલીની બહેન). શ્યામપુકુર બજારની વિદ્યાસાગર સ્કૂલ પણ શ્રીરામકૃષ્ણની સ્મૃતિ સાથે જડાયેલ છે. તે દિવસોમાં એ મેટ્રોપોલિટન સ્કૂલ (શ્યામબજાર શાખા)ના નામથી પ્રસિદ્ધ હતી અને શ્યામબજાર સ્ટ્રીટમાં આવેલી હતી. સ્કૂલના દરવાજા પાસે એક વડલાનું ઝાડ હતું. તે વૃક્ષની નીચે એક ચોકીદાર (તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો) મગદળ ફેરવ્યા કરતો હતો. મહેન્દ્રનાથ ગુપ્ત આ સ્કૂલના મુખ્ય શિક્ષક હતા.

સ્વયં શ્રીરામકૃષ્ણનું અહીં આવીને રહેવું તે આ સ્થળની સહુથી મહત્ત્વની ઘટના હતી. તેમના જીવનનો અત્યંત મહત્ત્વપૂર્ણ સમય અહીં વીત્યો હતો. શુક્રવાર, ૨જી ઑક્ટોબર ૧૮૮૫ના દિવસે તેઓ ૫૫ નંબર, શ્યામપુકુર સ્ટ્રીટના ભાડાના મકાનમાં આવ્યા હતા. તેમની આ અંતિમ લીલા ભક્તો અને સાધકોને માટે દુર્લભ સંપત્તિ છે.

આ મકાન ગોકુલ ભટ્ટાચાર્યનું હતું. લીલા પ્રસંગમાં આ ઘરનું વર્ણન આ રીતે આપવામાં આવ્યું છે. ‘ઉત્તર તરફ મુખ કરીને મકાનમાં પ્રવેશ ક૨તાં જ જમણી ને ડાબી બાજુ બેસવાના ઓટલા અને એક સાંકડો વરંડો જોઈ શકાતો. એ પછી થોડાં ડગલાં આગળ ચાલતાં જમણી બાજુ ઉપર જવાની સીડીને સામે આંગણું હતું. આંગણાની પૂર્વમાં બે ત્રણ નાના નાના ઓરડાઓ હતા. સીડીથી ઉપર જતાં દક્ષિણ બાજુ ઉત્તરદક્ષિણમાં એક મોટો લાંબો ઓરડો હતો. અને તે બધાને માટે રાખવામાં આવેલો હતો. ડાબી બાજુ પૂર્વ-પશ્ચિમ તરફ ઓરડાઓમાં જવા માટેનો રસ્તો હતો. આ રસ્તાની પહેલાં, બેઠકના ઓરડામાં જવા માટેનું બારણું હતું. આ ઓરડામાં શ્રીરામકૃષ્ણ રહેતા હતા. તેની ઉત્તર અને દક્ષિણ બાજુ વરંડાઓ હતા. ઉત્તર બાજુનો વરંડો વધારે પહોળો હતો અને પશ્ચિમ બાજુ બે નાના ઓરડાઓ હતા. એકમાં રાત્રે ભક્તો સૂતા અને બીજો શ્રીમા રાત્રે વાપરતાં. એ સિવાય બધાને માટે રાખવામાં આવેલા ઓરડાની પશ્ચિમમાં એક સાંકડો વરંડો હતો. શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં જવાના રસ્તાની પૂર્વ તરફ અગાસીમાં જવાની સીડી અને સીડી પર જવાના દ૨વાજાની પાસે ચાર હાથ લાંબો અને પહોળો એક છાપરાવાળો ચબૂતરો હતો. શ્રીમા દિવસે એમાં રહેતાં અને શ્રીરામકૃષ્ણને માટે આવશ્યક પથ્ય બનાવતાં. 

ઘરની સફાઈ અને શ્રીરામકૃષ્ણની રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવાની જવાબદારી દાનાકાલીએ લીધી. તેઓ બાજુમાં જ રહેતા હતા. આ વિશે પુંથીના લેખક લખે છેઃ

‘શ્રી પ્રભુના મહાભક્ત કાલીપદ ઘોષ, તેમનું ઘર બાજુમાં જ હોવાથી ખૂબ જ રાહત હતી. જે ઘરમાં પ્રભુ રહેવાના છે, તે ઘરની સફાઈ એમણે પોતે આગળ આવીને કરાવી. દેવ-દેવીઓની છબિઓ ખરીદી. ચારે બાજુની દીવાલો પર તેને ટીંગાડી. વાસણો, હાંડી, કડછી, સાણસી, ચટ્ટાઈ, આસન, દાળ-ચોખા વગેરે જરૂરિયાત મુજબ લાવવાની જવાબદારી એમણે લીધી. આ બધામાં જે કંઈ ખર્ચ થયું તે બધું બધાંએ વહેંચી લીધું – ગિરીશ, સુરેન્દ્ર મિત્ર, બલરામ બોઝ, હરીશ મુસ્તફી, નવગોપાલ કેદાર, મોટાભક્ત રામદત્ત, મહેન્દ્ર માસ્ટ૨.’

ખર્ચ વગેરે અંગે સ્વામી શારદાનંદ લખે છેઃ ‘સુરેન્દ્રે મકાનનું ભાડું એકલાએ જ આપ્યું હતું. અને બલરામ, રામ, મહેન્દ્ર વગેરેએ મળીને શ્રીરામકૃષ્ણદેવ તથા એમના સેવકોને માટે જે કંઈ સામગ્રીની જરૂર પડી – તેનું ખર્ચ વહેંચી લીધું.’

(૧)

શ્રીરામકૃષ્ણ ૫૭, રામકાન્ત બોઝ સ્ટ્રીટમાં આવેલા બલરામભવનમાં નિવાસ કરી રહ્યા હતા. ત્યાંથી તેઓ પાસે આવેલા શ્યામપુકુરવાળા મકાનમાં સાંજના સમયે શુભમુહૂર્તમાં આવી ગયા. તે દિવસે શુક્રવાર હતો. તિથિ- વદ નોમ..

બેઠકમાં ઓરડામાં શ્રીરામકૃષ્ણની પથારી પાથરેલી હતી. વડીલ રામચંદ્ર દત્ત દીવો લઈને શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવાલ પર ટાંગેલાં ચિત્રો બતાવવા લાગ્યા. શ્રીરામકૃષ્ણે યશોદા અને બાળગોપાલનું ચિત્ર જોયું. તેમણે અહલ્યાઉદ્ધારનું ચિત્ર પણ જોયું. ઠાકુર જ્યારે ચૈતન્યનાં સંકીર્તનનું સુંદર ચિત્ર જોઈ રહ્યા હતા ત્યારે નવગોપાલ ઘોષે કહ્યું, ‘આ છબિમાં આપ આપને પોતાને જ જોઈ રહ્યા છો.’

જ્યારે સેવક રાખાલ વગેરે રાત્રે જમતા હતા, ત્યારે ઠાકુર ત્યાં આવ્યા. આમતેમ થોડું ફર્યા અને બધા વિશે પૂછ્યું. એ પછી ઠાકુરે માસ્ટર મહાશયને પૂછ્યું : ‘ઠંડી છે શું?’ માસ્ટર મહાશયે એકે એક બારી તપાસી કે પૂરેપૂરી બંધ છે કે નહીં. પછી તેમણે ઠાકુરને એની જાણ કરી. એ સાંભળીને ઠાકુરને સંતોષ થયો અને તેઓ નિશ્ચિંત બન્યા.

(૨)

શ્યામપુકુરમાં શ્રીરામકૃષ્ણની અંતિમ લીલાના એક પછી એક દૃશ્ય પ્રગટ થવાં લાગ્યાં. શ્રીરામકૃષ્ણની સેવા ને સારવાર માટે જરૂરી બધી વસ્તુઓ ધીમે ધીમે આવવા લાગી. શરૂઆતમાં જ રસોઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્વામી અભેદાનંદે લખ્યું છે, ‘શ્યામપુકુરના મકાનમાં પરમહંસદેવ અને અમારા બધા માટે રસોઈ બનાવવા માટે ભક્તિમતી સેવિકા ગોલાપ મા આવ્યાં હતાં. સ્વામી અદ્‌ભુતાનંદે પણ કંઈક એવું જ કહ્યું છે, ‘ત્યાં એ લોકોને ખાવાપીવાની ચિંતા નહોતી. જેટલા ભક્તો આવતા, તે બધા ટોપલીઓમાં ખાદ્યસામગ્રી લઈને આવતા હતા. ઘણીવાર તેઓ (ઠાકુર) એ વસ્તુઓ ગરીબોમાં વહેંચી દેવાનું કહેતા.

આજે શનિવાર છે. ૩જી ઑક્ટોબર – ૧૮૮૫. વદ દશમની તિથિ. પુષ્ય નક્ષત્ર. સવારના સમયે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા છે. એમણે જોયું કે શ્રીરામકૃષ્ણ બે તકલીફોના નિવારણ માટે ચિંતિત છે. પ્રથમ – એમના ઓરડાનો દરવાજો અને બારીઓની તીરાડોમાંથી ઠંડી હવા આવી રહી હતી. તીરાડોને સારી રીતે બંધ કરવી જરૂરી હતી. અને બીજી – પાયખાનામાં બેસવાથી ઠંડી લાગતી હતી. તેથી તેને ચટાઈથી ઢાંકી દેવું જરૂરી હતું. થોડીવાર પછી ગોકુલની મા નો અવાજ સંભળાયો. તે ઓરડાની બહાર ઊભીને કોઈની સાથે વાત કરી રહી હતી. કુતૂહલતાથી શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને કહ્યું; ‘જુઓ તો કોણ છે?’ થોડીવાર પછી દીવાલ પર ટાંગેલી એક છબિ પર શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ પડી. શ્રીરામકૃષ્ણ (માસ્ટર મહાશયને) ‘અહલ્યાઉદ્ધારની આ છબિને જુઓ.’ તેઓ પોતે એકાગ્રતાપૂર્વક એમાંના ચિત્રને જોવા લાગ્યા. છબિ બરાબર ટીંગાડવામાં આવી ન હતી એટલે ઠાકુરે બતાવ્યું કે કઈ રીતે ટીંગાડવાથી ચિત્ર બરાબર દેખાશે.

ભક્ત કાલીપદ ઘોષે ઠાકુરને પૂછ્યું; આપના માટે માખણમાંથી બનાવેલું ઘી લાવું?

શ્રીરામકૃષ્ણ – ‘હા, થોડું લઈ આવજો.’ કાલીપદ – ‘નહાવા માટે એક પાટલો?’

શ્રીરામકૃષ્ણ – ‘ના, ના.’

દક્ષિણેશ્વરથી આવ્યા અગાઉ ત્રણ દિવસ પહેલાં શ્રીરામકૃષ્ણે તાલતાલાના ડૉક્ટર દુર્ગાચરણ બંદોપાધ્યાય પાસે ચિકિત્સા કરાવીને દવાની વ્યવસ્થા કરાવી હતી. ઠાકુર જેટલી વાર ડૉક્ટરને પૂછતા કે ‘શું રોગ મટી જશે?’ એટલી વાર ડૉક્ટર કહ્યા કરતા ‘આ દવા લઈને જુઓ!’ શ્યામપુકુર આવ્યા પછી ઠાકુરે લાટુને કહ્યું, ‘રોગ મટી જશે કે નહીં, એ તો કહ્યું નહીં, ફક્ત કહ્યા કર્યું કે દવા લો. એ દવા હું નહીં લઉં.’

લાટુ – ‘તો પછી આપ ત્યાં શા માટે ગયા હતા?’

શ્રીરામકૃષ્ણ – ‘અરે, એ દક્ષિણેશ્વરમાં આવતો હતો. ઘણીવાર આવ્યો હતો. એટલે એકવાર પણ (તેને ત્યાં) ન જાઉં એ સારું ન કહેવાય. તેણે ક્યારેય બોલાવ્યો તો નહીં, એટલે એકવાર ગયો. રાત્રે દશ વાગે તે દક્ષિણેશ્વરમાં આવીને હૃદે, હૃદે કહીને બોલાવતો. તેનો અવાજ સાંભળીને હૃદયને કહેતો, ‘અરે, દરવાજો ખોલી દે.’ હૃદય દરવાજો ખોલી દેતો. ડૉક્ટર આવીને બેસી જતો પણ એક શબ્દે ય બોલતો નહીં. પાછાં જતી વખતે હૃદયને કહી જતો, ત્યાં આવજો! એટલે કે ‘કંઈક આપીશ.’ ડૉક્ટર જ જાણે કે તેણે મને કઈ દૃષ્ટિથી જોયો હતો.’

નિશાળ છૂટ્યા પછી લગભગ ત્રણ વાગ્યે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. એ સમયે યુવક હરિપદ ભાગવતના અગિયારમાં સ્કંધમાંથી અહંતત્ત્વને વાંચીને સંભળાવી રહ્યો હતો. 

સનક વગેરે મુનિઓએ પ્રશ્ન કર્યો હતો, ‘મનુષ્યનું મન વિષયોથી ભરેલું હોય છે. વિષય પણ મનને પ્રભાવિત કરે છે. મુમુક્ષુ વ્યક્તિ આ વિઘ્નને કેવી રીતે પાર કરે? બ્રહ્મા આ પ્રશ્નનો જવાબ ન આપી શક્યા. ત્યારે દેવતાઓ વિષ્ણુનું ધ્યાન કરવા લાગ્યા. વિષ્ણુ હંસરૂપે અવતીર્ણ થયા. દેવતાઓએ બ્રહ્માને આગળ કરીને વિષ્ણુને પ્રશ્ન કર્યો. એ સમયે ભગવાન વિષ્ણુએ જે ઉપદેશ આપ્યો હતો, તે શ્રીકૃષ્ણે ઉદ્ધવને જણાવ્યો હતો. શ્રીકૃષ્ણે સાંખ્ય અને યોગશાસ્ત્રના પ્રકાશમાં અહંતત્ત્વની વિશેષતાને વિસ્તૃત રૂપે બતાવી હતી. દુઃખો અને કષ્ટોનું મૂળ અહંકાર જ છે. – ‘અહંકારકૃત બન્ધમાત્મનોઽર્થ વિપર્યયમ ।’ ‘સમસ્યાનું મૂળ કા૨ણ જણાવીને તેમણે કહ્યું હતું કે આનું સમાધાન આત્મવિચાર અને સમાધિયોગથી થઈ શકે છે.’

તે રાત્રે માસ્ટર મહાશય શ્યામપુકુરમાં રોકાઈ ગયા.

(૩)

રવિવાર, એકાદશી, ૪ ઑક્ટોબ૨, ૧૮૮૫,

સવારનો સમય. શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને કેટલીક ચીજવસ્તુઓ લાવવા માટે કહ્યું – બે ઘડા, માટલી અને બે પાટલા. આ બાબતમાં આગલી રાત્રે પણ શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને કહ્યું હતું; ‘એ લોકોની વાત છોડો. તમે આવજો.’

એ દિવસે ત્રીજા પહોરે, લગભગ બપોરે ત્રણ વાગે શ્રીરામકૃષ્ણના ગળામાંથી લોહી પડવા લાગ્યું. ઘેરા લાલ રંગનું લોહી હતું. હાજર રહેલા બધા લોકો ગભરાઈ ગયા. દક્ષિણેશ્વરથી કલકત્તા આવ્યા પછી આ પહેલી વાર લોહી નીકળ્યું હતું. થોડીવાર પછી બીજીવાર લોહી નીકળ્યું. આ વખતે તે ખૂબ ઘાટું અને એકદમ કાળું હતું. થોડીવાર પછી ત્રીજીવાર લોહી નીકળ્યું. ત્યાં હાજર રહેલા નિરંજન, દેવેન્દ્રનાથ વગે૨ે ભયભીત અને સ્તબ્ધ બની ગયા. યુવાન ભક્તોના નેતા નરેન્દ્રનાથ બધાને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણના પવિત્ર અને નિષ્પાપ શરીરમાં આ ભયાનક રોગની યાતના જોઈને નરેન્દ્રનાથનું અંતર વિદ્રોહ કરી ઊઠ્યું. તેઓ જાણે ગુસ્સામાં આવીને ઠાકુરને કહેવા લાગ્યા, ‘આપની કાલી – આ બધું – મસ્તિષ્કનો રોગ છે (બ્રેન ડીજીઝ) અમે બધાં પણ આ બધું છોડી દેશું.’

શ્રીરામકૃષ્ણ – ‘બીજાં પણ કેટલાં વધારે રૂપો જોયાં છે, તને બતાવીશ.’

પછી માસ્ટર મહાશય જ્યારે શ્યામપુકુર આવ્યા તો જુદા જુદા લોકો પાસેથી તેમણે આ હૃદયવિદારક ઘટના સાંભળી.

બીજી ઑક્ટોબરે માસ્ટર મહાશયે દક્ષિણેશ્વ૨માં ઠાકુરના ઓરડાની મરામત કરવા માટે મોટા ગોપાલને દસ રૂપિયા આપ્યા હતા. આજ તેમણે એ રૂપિયા માસ્ટર મહાશયને પાછા આપી દીધા. ઠાકુરની સંમતિ ન મળતાં મરામતનું કામ અટકાવી દેવામાં આવ્યું. તે રાત્રે માસ્ટર મહાશય પોતાના ઘેર ચાલ્યા ગયા.

રાત્રે શ્રી૨ામકૃષ્ણની વારાફરતી સેવા કરવા માટે નરેન્દ્રનાથે યુવાન ભક્તોને એકત્ર કર્યાં. અક્ષયકુમાર સેને આ સેવા વ્યવસ્થાનું શબ્દચિત્ર આપ્યું છે. તેઓ લખે છે;

‘રાખાલ, યોગીન, લાટુ, નિત્ય નિરંજન. બાબુરામ, કાલી, શશી, આ કેટલાક જન. 

સેવા માટે રાત દિવસ બધી જ વખત રહેવા લાગ્યા.

ગોલાપ મા એકલાં ખાવાનું બનાવતાં. નરેન્દ્રનાથને ઠાકુર પર અત્યંત પ્રેમ હોવાથી, એ સમયે તેઓ બધો જ વખત ત્યાં રોકાતાં. જો ક્યાંય પણ બહાર જતાં, તો ફરીને પાછા આવી જતાં.’

સ્વામી શારદાનંદે જણાવેલી હકીકતથી જાણી શકાય છે કે ઠાકુર શ્રીરામકૃષ્ણની રાત્રે સેવાની જવાબદારી યુવાન ભક્તોએ લીધી હતી. તેઓ જણાવે છે; ‘શ્રીનરેન્દ્રનાથે આ સેવાભાર પોતે જ સ્વીકારી લીધો અને આખી રાત ત્યાં જ રહેવા લાગ્યા. અને પોતાના દૃષ્ટાંત દ્વારા એમણે (નાના) ગોપાલ, કાલી, શશી વગેરે કેટલાક શક્તિશાળી યુવાનોને ઉત્સાહિત કરી આ કાર્ય પ્રત્યે આકર્ષ્યા. શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યે પ્રેમવશ, એમના અસીમ સ્વાર્થત્યાગ, પ્રબળ ઉત્તેજનાપૂર્ણ પવિત્ર વાર્તાલાપ અને પવિત્ર સાંનિધ્યને લઈને એ લોકોએ પણ પોતપોતાનો સ્વાર્થ છોડીને શ્રીગુરુદેવની સેવા અને ઈશ્વરપ્રાપ્તિના ઉચ્ચ ઉદૃેશથી પોતાનું જીવન નિયમિત કરવાનો દૃઢ સંકલ્પ કર્યો.’ આ લખાણના એક બીજા ભાગથી એ જાણી શકાય છે કે શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણની સેવા માટે ચાર-પાંચ યુવક ભક્તોએ પોતાની જાત સમર્પી દીધી હતી.

આ પ્રસંગ વિશે સ્વામી અભેદાનંદજીનું લખાણ મૂલ્યવાન છે. એમણે લખ્યું છે; ‘બરાબર એ સમયથી (જે સમયે શ્રીમા શ્યામપુકુરના મકાનમાં આવ્યા) હું પણ મારું ઘર છોડીને પૂરેપૂરી રીતે પરમહંસની સેવામાં લાગી ગયો. અને બધો જ વખત એમની પાસે રહેતો હતો. એ દિવસોમાં નરેન્દ્રનાથ પણ બધો જ વખત પરમહંસ દેવની પાસે રહેતા હતા. એટલા માટે ‘પર્સનલ એટેચી ટુ હીઝ હોલીનેસ શ્રીરામકૃષ્ણ’ આ પદવીથી બધા અમને સંબોધન કરતા. તેમણે વધારે એમ પણ લખ્યું છે, ‘શશી, યોગેન, શરત, નરેન્દ્ર, રાખાલ, બાબુરામ તે વખતે પોતપોતાના ઘરે રહેતા હતા અને વચ્ચે વચ્ચે પરમહંસદેવને જોવા માટે આવતા હતા. તારકદા અને નૃત્યગોપાલ પણ એમની સાથે વચ્ચે વચ્ચે આવતા હતા. જ્યારે ગળાનું દર્દ ખૂબ જ વધી ગયું ત્યારે નરેન્દ્રનાથ રોજ આવતા અને પરમહંસ દેવની પાસે રહીને તેમની સેવા કરતા.’ આ પુસ્તકમાં એક બીજી જગ્યાએ તેમણે લખ્યું છે, ‘શ્યામપુકુરના મકાનમાં જેટલા દિવસ પરમહંસ દેવ હતા એટલા દિવસ સુધી શશી, શરત, યોગેન, નરેન્દ્ર, રાખાલ, બાબુરામ, વૃદ્ધગોપાલ, પોત પોતાના ઘરેથી આવીને પરમહંસ દેવની સેવા કરતા હતા. પરમહંસ દેવના દ્વારપાળના રૂપમાં નિરંજન ઘોષ દ૨૨ોજ અમારી સાથે રહેતા હતા.’

આ વિષયમાં બીજું આધારરૂપ પુસ્તક વૈકુંઠનાથ સંન્યાલનું છે. તેઓ લખે છે; ‘અમારા ગુરુપુત્ર રાખાલરાજ, લાટુ, ગોપાલદાદા, યોગેન્દ્ર, નિરંજન, નાનો અથવા હુટકો ગોપાલ બધો વખત રહેતા હતા. સર્વશ્રેષ્ઠ નરેન્દ્રનાથ, કાલી, શરતચંદ્ર, શશીભૂષણ, તથા શુદ્ધસત્ત્વ બાબુરામ વગે૨ે પોત પોતાના ઘેર સ્નાન ભોજન વગેરે કરીને સમયાનુસાર સેવા માટે હાજર થઈ જતા હતા.’

તે જે હોય તે, પણ એવું અનુમાન કરી શકાય છે કે આ દિવસોમાં જ નરેન્દ્રનાથના નેતૃત્વ હેઠળ, શ્રીરામકૃષ્ણની સેવાની, ખાસ કરીને રાત્રે વારા પ્રમાણે જાગવાની જવાબદારી યુવાન ભક્તોએ સ્વીકારી હતી. આ બાબતમાં આ યુવાનોની સમસ્યા પણ નોંધપાત્ર છે. તીવ્ર ઇચ્છા હોવા છતાં પણ તેમને પોતાનાજ સ્નેહીજનોના વિરોધનો પ્રબળ સામનો કરવો પડ્યો હતો. પરંતુ નરેન્દ્રનાથના કુશળ નેતૃત્વને લઈને તેઓ આ વિરોધનો સફળતાપૂર્વક સામનો કરી શક્યા હતા. યુવાન ભક્ત શરત્‌ચંદ્ર (સ્વામી શારદાનંદ) લખ્યું છે; ‘…ઠાકુરની રોગવૃદ્ધિની સાથે સાથે જ્યારે આ યુવાનો રાતદિવસ ઠાકુરની સેવામાં લાગી રહ્યા ને પોતાનો અભ્યાસ તેમજ ઘરે જઈને ભોજન કરવાનું પણ છોડી દીધું, ત્યારે તેમના સગાવહાલાંઓના મનમાં પહેલાં શંકા અને પછી ભય ઉત્પન્ન થવા લાગ્યાં. તેઓ પોતપોતાના છોકરાઓને પાછા લઇ જવા માટે અનેક પ્રકારના યોગ્ય કે અયોગ્ય ઉપાયો અજમાવવા લાગ્યા. એ કહેવાની જરૂર નથી કે નરેન્દ્રનાથનું ઉદાહરણ, પ્રોત્સાહન અને ઉત્સાહ વગર આ બાળભક્તો વિઘ્નો અને મુશ્કેલીઓને પાર કરીને જીવનના સર્વોચ્ચ કર્તવ્યપથ પર ક્યારેય અચલ-અટલ રહી શક્યા ન હોત.’

(૪)

આજે સોમવાર છે. ૫ ઑક્ટોબર ૧૮૮૫. સવારે શ્યામપુકુરવાળા મકાનમાં માસ્ટર મહાશય આવ્યા ને તેમણે જોયું કે ઠાકુર શ્રીરામકૃષ્ણ પથારીમાં સૂતા છે. સેવક નિરંજન એમના પગ દબાવી રહ્યા છે.

થોડી વાર પછી ઠાકુરે સ્નાન કર્યું. સ્નાન બાદ ઠાકુર જ્યાં માસ્ટર મહાશય ઊભા હતા ત્યાં આવ્યા અને માસ્ટર મહાશયને કહ્યું : ‘એક કાંસકો જોઈએ છે.’ શ્રીરામકૃષ્ણ કોઠારમાં ગયા. માસ્ટર મહાશય પણ તેમની સાથે ગયા. શ્રીરામકૃષ્ણ – ‘એક ઊંદરિયું જોઈએ છે. આ દરમિયાન ડૉક્ટર પ્રતાપચંદ્ર મજુમદાર આવી પહોંચ્યા. ડૉક્ટરે રોગનાં ચિહ્નો જોયાં અને વિચાર કરીને દવાની જોગવાઈ કરી. વાતચીત દરમિયાન શ્રીરામકૃષ્ણે એમને કહ્યું; ‘અર્ક લેવાથી દસ્ત થઈ ગયા હતા. એટલે દુર્ગાચરણે કહ્યું હતું કે તે આપની પ્રકૃતિને અનુકૂળ નથી. ડૉક્ટર મહેન્દ્રનાથ સરકાર નિષ્ણાત ડૉક્ટર છે. ઠાકુરને એમને બતાવવાની વાત થઈ. કદાચ ડૉક્ટર પ્રતાપચંદ્રે જ આ વાત ઉપાડી હતી. શ્રીરામકૃષ્ણે કહ્યું: “ના ગાયની જીભ!” (જેવી રીતે ગાયની જીભ દબાવીને પકડવામાં આવે, – આમ બહુ જ તકલીફ થઈ હતી.)

માસ્ટર મહાશય જતા રહ્યા. ત્રીજા પહોરે સાડા ત્રણ વાગે તેઓ પાછા આવ્યા. થોડીવાર પછી ત્યાં ધીરેન્દ્ર ઠાકુર પણ આવ્યા. તેઓ શ્રીરામકૃષ્ણ ભક્ત મંડળીમાના ઘણાંની સાથે પરિચયમાં હતા. એમનું હુલામણું નામ ધીરૂ હતું. ઉજળો વાન, ભરાવદાર શરીર અને સત્યનિષ્ઠ ધીરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણના સ્નેહપાત્ર હતા.

ધીરેન્દ્રનાથે શ્રીરામકૃષ્ણને ઉદૃેશીને કહ્યું, ‘મહેન્દ્રબાબુ (મહેન્દ્રનાથ ગુપ્ત) આટલા બધા ભક્ત છે, તો પણ તેમના દસ વર્ષના પુત્રનું મૃત્યુ થયું.’ એમની પત્ની ગાંડા થઈ ગયા.

શ્રીરામકૃષ્ણ કંઈ બોલ્યા નહીં. માસ્ટરની સામે ચૂપચાપ જોતા રહ્યા.

સંદર્ભ –

૧. હવે આ મકાનના ચાર ભાગ થઈ ગયા છે. જેવા કે ૫૫-અ, ૫૫-બ, ૫૫-સ અને ૫૫-ઘ. પહેલાં બે ભાગની વચ્ચે ખુલ્લી જગ્યા છે તેમાં એક ઊંચી ટીનના પતરાંની દીવાલથી મકાનના ભાગલા કરવામાં આવ્યા છે.

૨. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, પાંચમો ભાગ, પૃ. ૨૦૫

૧. સ્વામી અભેદાનંદ : આમાર જીવન કથા (બંગાળી) પૃ. ૭૧

 ૨. ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય : શ્રીશ્રી લાટુ મહારાજેર સ્મૃતિકથા (બંગાળી) પૃ. ૧૮૬

૩. ગોકુલ ભટ્ટાચાર્ય

૪. ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય : શ્રીશ્રી લાટુ મહારાજેર સ્મૃતિકથા (બંગાળી) પૃ. ૧૮૧

૧. અક્ષયકુમાર સેન : શ્રીશ્રીરામકૃષ્ણ પૃંથિ, પૃ. ૫૭૮.

૨. સ્વામી શારદાનંદ : શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, પાંચમો ભાગ, પૃ. ૨૧૨.

૩. આમાર જીવનકથા, પૃ. ૭૨.

૪. આમાર જીવનકથા, પૃ. ૭૫.

૫. આમાર જીવનકથા, પૃ. ૭૬.

૬. વૈકુંઠનાથ સાન્યાલ, શ્રીરામકૃષ્ણ લીલામૃત (હિન્દી), બીજી આવૃત્તિ, પૃ. ૧૮૦.

૭. સ્વામી શારદાનંદ, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, પાંચમો ભાગ, પૃ. ૨૧૨-૨૧૩.

૧. મહેન્દ્રનાથ સરકારે જ્યારે ઠાકુરના રોગનિદાન માટે તેમને તપાસ્યા ત્યારે તેમને ખૂબ તકલીફ પડી હતી. ‘વચનામૃત’માં આ દુઃખદ પ્રસંગનું વર્ણન આપવામાં આવ્યું છે. ૧૨મી ઑક્ટોબર ૧૮૮૫માં શ્યામપુકુરવાળા મકાનમાં ડૉક્ટર સરકારે ઠાકુરને પહેલી વાર જોયા હતા. પરંતુ એનાથી પહેલાં, એટલે કે ૨૬મી સપ્ટેમ્બરે જ્યારે ઠાકુર દક્ષિણેશ્વરમાં જ હતા, ત્યારે તેઓ ડૉક્ટર સરકારની હૉસ્પિટલમાં ગયા હતા. આ બાબતમાં રામચંદ્ર દત્તે લખ્યું છે, ‘આ રોગની સારવાર માટે ઠાકુરને એકવાર ડૉક્ટર સરકારના શાંખારી ટોલાના મકાનમાં લઈ જવામાં આવ્યા હતા.’ અક્ષયકુમાર સેને લખ્યું હતું, ‘આ અગાઉ થોડા વખત પહેલાં શ્રીપ્રભુ રોગના નિદાન માટે ડૉક્ટરના ઘેર ગયા હતા (પુંથિ-પૃ.૫૭૮).’ શ્રીરામકૃષ્ણે પાછળથી જણાવ્યું હતું, ‘મહેન્દ્ર સરકારે તપાસ્યો હતો, પણ જીભને એટલી જોરથી દબાવી હતી કે ભારે પીડા થઈ હતી. જેમ ગાયની જીભને દબાવે છે.’ (શ્રીરામકૃષ્ણ વચનામૃત, ત્રીજો ભાગ, પૃ. ૩૦૩. ત્રીજી આવૃત્તિ).

૨. ઠાકુર પરિવારના સભ્ય. (શ્રીરામકૃષ્ણ લીલામૃત (બંગાળી) પૃ. ૩૩૪).

૩. માસ્ટર મહાશયના ત્રણ પુત્ર હતા – નિર્મલચંદ્ર, પ્રકાશચંદ્ર અને ચારૂચંદ્ર. આઠ વર્ષની વયે નિર્મલનું મૃત્યુ થયું હતું.

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.