(ગતાંકથી આગળ) 

કથામૃત, ૧-૫ (૪-૫) : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨

સૃષ્ટિતત્ત્વ, ઈશ્વર અને જગત્-સંસાર

ગંગાના જલપ્રવાહ પર વહેતા જહાજમાં કેશવ અને અન્ય બ્રાહ્મભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ ઈશ્વરસત્સંગ પ્રસંગ ચાલી રહ્યો છે. કેશવ શ્રીઠાકુર પાસેથી એ જાણવા ઇચ્છે છે કે મા કાલી કેટલા પ્રકારે લીલા કરી રહી છે. અહીં આપણે એ યાદ રાખવું પડશે કે કેશવસેન બ્રાહ્મસમાજના નેતા છે. એટલે એમનો અનુરાગ નિરાકાર પર છે તથા મૂર્તિપૂજા પ્રત્યે તેમનામાં હેયભાવ (ઘૃણા) હોવો સ્વાભાવિક છે. પરંતુ શ્રીઠાકુરના સંસર્ગમાં આવીને એમનો આ એકાંગીભાવ ધીમે ધીમે દૂર થતો જાય છે. તેઓ જાણવા ઇચ્છે છે કે મા કાલી અનેક પ્રકારના ભાવે કેવી રીતે લીલા કરે છે. શ્રીઠાકુર એમના પ્રશ્નના ઉત્તરમાં ‘મહાકાલી’ અને ‘નિત્યકાલી’નો ઉલ્લેખ કરે છે – તંત્રમાં ‘મા’ને નિરાકાર કહી છે. સૃષ્ટિ તો ત્યારે પણ થઈ નહોતી. એમણે સૃષ્ટિ પહેલાં પૂર્વસૃષ્ટિનું બીજ સંગ્રહી રાખ્યું હતું. એ કહેવાની જરૂર નથી કે શ્રીઠાકુર અહીં તંત્ર તેમજ વેદાંતની અથવા વેદવિહિત અન્ય જે સાધનપ્રણાલિઓ છે, તેના એક ગૂઢ રહસ્યની વાત કરી રહ્યા છે. તે રહસ્ય આ છે : બધા જાણે છે કે સૃષ્ટિ નિત્ય નથી. હવે જે નિત્ય નથી, તેનો એક દિવસ નાશ થવાનો જ. અને નાશ થયા પછી પુન: સૃષ્ટિ ક્યાંથી થશે ? જો એમ કહીએ કે બ્રહ્મની ભીતરથી જ સૃષ્ટિ થશે અર્થાત્ તે કાર્ય અને કારણ બંને છે, તો એ પ્રશ્ન ઊઠશે કે તો તો તેની અંદર પણ વૈચિત્ર્યનો, અનેકતાનો સ્વીકાર કરી લેવો એવું થયું.

હવે આ વૈચિત્ર્યનો જો સ્વીકાર કરીએ તો અદ્વૈતહાનિ થાય છે. અને જો તેનો અસ્વીકાર કરીએ તો સૃષ્ટિ અસંભવ થઈ જાય છે. એટલા માટે તંત્રમાં તથા વેદાંતમાં પણ એમ કહેવાયું છે કે જ્યારે સમસ્ત જગત લય પામે છે ત્યારે ઈશ્વર સૃષ્ટિનાં બીજોને પોતાની ભીતર સંગ્રહીને રાખે છે અને જો કે આ બીજ તેના સ્વરૂપથી અભિન્ન છે, એટલા માટે ત્યાં દ્વૈતાપત્તિ નથી થતી. આપણે જ્યારે અદ્વૈતવેદાંતની દૃષ્ટિએ જગત્-રચનાની વાત સાંભળીએ છીએ ત્યારે રચનાનો ક્રમ આ પ્રકારે જોઈએ છીએ : સૌથી પહેલાં હિરણ્યગર્ભના રૂપે બ્રહ્મનો આવિર્ભાવ થાય છે. હિરણ્યગર્ભ જાણે જગત્સ્રષ્ટા છે – જગતની સૃષ્ટિ કરવાના ઉદ્દેશ્યથી બ્રહ્મ જાણે કે એક વ્યક્તિના રૂપે આવિર્ભૂત થાય છે. ત્યારબાદ તેની જ અંદરથી પ્રથમ સૃષ્ટિનો આરંભ થાય છે. પહેલાં તેની ભીતરથી વેદનો આવિર્ભાવ થાય છે. વેદ એટલે સમસ્ત જ્ઞાનનું સૂક્ષ્મરૂપ, જે તેની ભીતર પહેલાં ભાવરૂપે આવિર્ભૂત થાય છે. ત્યાર પછી તે તેને સ્થૂળરૂપ આપે છે, અને વળી આ સ્થૂળરૂપને પણ ક્રમ છે. કહેવાયું છે : 

તસ્માદ્ વા એતસ્માદ્ આત્મન: આકાશ: સમ્ભૂત: ।
આકાશાદ્ વાયુ: વાયોરગ્નિ: અગ્નેરાપ: અદ્ભ્ય: પૃથિવી ॥

– અર્થાત્ એ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી અને તેના પછી પંચભૂતાત્મક વિભિન્ન પ્રકૃતિ. એની ભીતર અવ્યક્ત રૂપે જે સૃષ્ટિ હતી, એને જ જાણે કે સૃષ્ટિના બીજનું સંગ્રહ કરી રાખવું કહેવાય છે. આદ્યાશક્તિ આ સૃષ્ટિને ઈશ્વરની ભીતરથી બહાર લાવે છે અને પુન: એમાં જ રાખી પણ દે છે. એને કરોળિયાની જાળ રચનાની ઉપમા આપે છે. ઉપનિષદમાં કહેવાયું છે : ‘યથોર્ણનાભિ: સૃજતે ગૃહ્ણ્તે ચ’ – જેવી રીતે કરોળિયો પોતાની ભીતરથી જ જાળનો વિસ્તાર કરે છે તથા પુન: એ જાળને પોતાની ભીતર સમેટી લે છે, એવી રીતે ઈશ્વર પણ પોતાની ભીતરથી આ જગતને પ્રકાશિત કરે છે અને પુન: પોતાની ભીતર જ એ જગતને સમેટી લે છે.

જેની ભીતરથી આ જગતની સૃષ્ટિ થાય છે, જેમાં આ જગત અવસ્થિત રહે છે તથા અંતે આ જગતનો જેમાં લય થાય છે, તેને આપણે ‘બ્રહ્મ’ કહીએ છીએ, ‘ઈશ્વર’ કહીએ છીએ. પરંતુ ઈશ્વરની આ સૃષ્ટિ કુંભારની કુંભસૃષ્ટિ જેવી નથી. કુંભાર જ્યારે ઘડો તૈયાર કરે છે, ત્યારે તે ઘડાને પોતાની ભીતરથી તૈયાર કરતો નથી, તે બહારના કોઈ ઉપાદાનથી તેને ઘડે છે. કુંભાર જો ન રહે તો પણ તેનાથી ઘડાની કોઈ ક્ષતિ થતી નથી અને વૃદ્ધિ પણ થતી નથી. પરંતુ જગતની સૃષ્ટિ આ પ્રકારની નથી – આ વાતને સમજાવવા માટે પણ ઉપનિષદ કહે છે કે જેનાથી આ જગતની ઉત્પત્તિ થાય છે, જેમાં આ જગત રહેલું છે તથા જેમાં આ જગતનો લય થશે, તે જ ઈશ્વર છે, બ્રહ્મ છે.

અત: આ સૃષ્ટિ-સ્થિતિ-લય જેવી રીતે એનાથી થાય છે, તેને કારણે તે જગતનું ઉપાદાનકારણ પણ છે અને નિમિત્તકારણ પણ છે. ઘડાનું ઉપાદાનકારણ માટી છે અને નિમિત્તકારણ કુંભાર છે. કુંભાર છે એટલે માટીનું આ રૂપાંતર થાય છે પરંતુ અહીં તો એક ઈશ્વરને છોડીને બીજું કંઈ નથી. એના સિવાય એવું કોઈ ઉપાદાન નથી કે જેને તે રૂપાંતરિત કરશે. એવું કોઈ સાધન નથી કે જેની સહાયતાથી તેને રૂપાંતરિત કરશે. એવી કોઈ સત્તા નથી જે એના દ્વારા રચાયેલ આ જગત માટે ઉપાદાનનું કામ કરે. એટલા માટે કહે છે : ‘એણે જ આ જગતને રચ્યું છે, વળી આ જગતમાં તે રહે છે તથા પુન: તેનામાં આ જગતનો લય થઈ જશે.’ ઉપનિષદમાં કહેવાયું છે : ‘યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે, યેન જાતાનિ જીવન્તિ, યત્ પ્રયન્ત્યભિસંવિશન્તિ’ – અર્થાત્ જેનાથી આ જગત ઉત્પન્ન થયું છે, જેના દ્વારા આ જગત સત્તાવાન પ્રતીત થાય છે તથા અંતે જેમાં આ જગતનો લય થાય છે તે જ તે પરમતત્ત્વ છે. તેનું સંધાન કરો. પરમતત્ત્વની અહીં જે પ્રકારે વ્યાખ્યા કરી છે, તેમાં તે ઉપાદાન અને નિમિત્ત, એ બંને કારણ છે. એટલા માટે તેની જગત્સૃષ્ટિ બીજી કોઈ પણ સામાન્ય સૃષ્ટિ સાથે તુલનીય બની શકતી નથી. ફક્ત ઊર્ણનાભિ – કરોળિયો અથવા વિસ્ફુલિંગની સાથે તેની આંશિકરૂપે તુલના કરી શકાય છે – યથા અગ્નેર્વિસ્ફુલિંગા: પ્રવર્તન્તે સરૂપા: – અર્થાત્ જેવી રીતે અગ્નિમાંથી હજારો અગ્નિસ્ફુલિંગ નીકળે છે, મહદંશે એવી રીતે. જે અગ્નિનું તત્ત્વ છે, તે જ સ્ફુલિંગનું પણ તત્ત્વ છે, છતાં પણ તે અગ્નિથી ભિન્નરૂપે પ્રતીત થાય છે. પરંતુ આ દૃષ્ટાંતો સાથે જીવસૃષ્ટિનાં દૃષ્ટાંતનો ક્યાંય પણ પૂરેપૂરો મેળ બેસતો નથી, આ તુલના કેવળ અંશત: છે.

ઈશ્વરની ઇતિ નથી

આ દૃષ્ટાંત દ્વારા મનુષ્યના બ્રહ્મની સૃષ્ટિના સંબંધે કંઈક ધારણા થઈ શકે છે. શ્રીઠાકુર કહે છે, માએ આ જગતની સૃષ્ટિ આ રીતે કરી છે. જગતની સૃષ્ટિ પહેલાંના માના સ્વરૂપ વિશે કહે છે કે તે નિરાકાર છે. ભક્ત ગાય છે: ‘જ્યારે બ્રહ્માંડ નહોતું, ત્યારે હે મા તને આ મુંડમાળા ક્યાંથી સાંપડી ?’ વરાભયકરાએ મુંડમાળા ધારણ કરેલ છે. એ મૂર્તિને લક્ષ્ય કરીને કહે છે : જ્યારે બ્રહ્માંડ નહોતું ત્યારે તેની આ મુંડમાળા ક્યાં હતી ? આ બધું આપણી દૃષ્ટિએ જાણે કે અસંભવ છે; પરંતુ જે નિત્ય છે, આપણાં મન-બુદ્ધિથી અગોચર છે, તેને માટે આ બધું સંભવ છે. ભક્તોએ સાધકોએ તેને આ રીતે જોયા છે. ગીતમાં આવે છે : ‘માઁ કિ આમારે કાલો રે. કાલોરૂપે દિગંબરી, હૃત્પદ્મ કરે આલો રે.’ (અર્થાત્ શું મારી મા કાળી છે – શ્યામા છે ! કાળા-શ્યામરૂપવાળી આ દિગંબરી હૃદયપદ્મને ઉજ્જવળ કરે છે.) મા કાળી છે કે નહિ એ જાણવા માટે તો તેની પાસે જઈને જ જોવું પડશે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે જેવો આપણો દૃષ્ટિકોણ હોય એવો જ એનો રંગ, એનું રૂપ દેખાય છે. પરંતુ જ્યારે મનુષ્ય એમાં લીન બની જાય છે ત્યારે તેની ધારણા આ સાધારણ પ્રવર્તકાદિ ઉપાસકોની ધારણા સાથે મેળ ખાતી નથી. કાકીડાને લોકો અનેક રંગોમાં જુએ છે, પરંતુ જે વૃક્ષ નીચે તે રહે છે તે જ કાકીડાનું સાચું સ્વરૂપ કેવું છે એ સાચી રીતે કહી શકે છે.તે કહે છે કે આપણે તેને જેટલા રંગોમાં જોઈએ છીએ, તે બધા રંગો તેના છે. ભક્ત કહે છે : ‘ચિદાકાશે જાર જા ભાસે, તાઇ તાર બોધેર સીમાના.’ (અર્થાત્ જેના ચિદાકાશમાં જેવું ભાસિત  થાય છે, દેખાય છે તે જ તેના બોધની સીમા છે.) જેના મનમાં જે અનુભવ થઈ રહ્યો છે, તેની બુદ્ધિ માત્ર તેના અનુભવ દ્વારા સીમિત બની જાય છે. એટલા માટે શ્રીઠાકુર કહે છે કે, ઈશ્વરના સંબંધમાં આપણામાંથી જે જેવી ધારણા કરે છે, બસ એ જ એની સીમા છે, એવું આપણે ક્યારેય ન વિચારીએ. એ વાતને આપણે હંમેશાં યાદ રાખીએ કે જેનો આપણે અનુભવ કરીએ છીએ તે તેનું રૂપ છે તો ખરું, પણ આ એ રૂપ સિવાય તેનું બીજું કોઈ રૂપ જ નથી આવો વિચાર આપણે ક્યારેય ન કરીએ, આપણે ક્યારેય તેની ‘ઇતિ’ ન કરીએ.

બંધન અને મુક્તિ

ત્યારબાદ શ્રીઠાકુર બંધન અને મુક્તિ વિશે ચર્ચા કરે છે તેઓ કહે છે : બંધન અને મુક્તિ આ બંનેના કર્તા તે  (ઈશ્વર) જ છે. હવે આ વાત પર વિચાર કરવાથી આપણા મનમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે તેમણે વળી દોષયુક્ત સૃષ્ટિ કેમ રચી ? બંધનવાળી સૃષ્ટિ  તેઓ ન પણ કરી શકતા હતા. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીઠાકુર કહે છે : આવું થવાથી ડોસીમાની રમત  ચાલી શકે નહિ. તેની રમત ચાલતી  રહે એટલા માટે સારાની સાથે ખરાબને પણ રાખવા પડશે. કહે છે : જો બધાં ડોસીમાને અડીને બેસી જાય તો રમત કેવી રીતે ચાલે ? પણ હા, જો કોઈ રમતાં રમતાં થાકી જાય તો તે ડોસીમા પોતે જ પોતાનો હાથ તેના પર ધરી દે છે. અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે તેઓ તો રમત રમે છે.  પણ આપણો તો જીવ નીકળી જાય છે. ઈસપની કથાઓમાં દેડકાઓએ છોકરાઓને કહ્યું હતું : ‘ભાઈ, તમારે માટે તો આ રમત છે પણ અમારો તો અહીં જીવ નીકળી જાય છે.’ કદાચ તમને એ વાત યાદ હશે. આ પ્રશ્નના ઉત્તરમાં શ્રીઠાકુર ‘કથામૃત’માં અનેક સ્થાને કહી ચૂક્યા છે કે તમે લોકો જે ‘અમે લોકો મરી જઈએ છીએ’ કહો છો તે ‘અમે લોકો’ કોણ છે ? ઈશ્વર સિવાય શું બીજું કંઈ અહીં છે ખરું ? જો તેઓ પોતે જ ક્યારેક પોતાની આંખો પર પાટો બાંધીને, તો વળી ક્યારેક આંખો ખોલીને ચક્કર મારતા રહે તો તેથી શું બીજા પર અત્યાચાર થયો એમ ગણાય ખરું ? શ્રીઠાકુર કહે છે : ‘હે રામ, તમે પોતાની દુર્દશા સ્વયં કરી છે.’ જ્યાં જ્યાં તેઓ બંધનમાં રહે છે ત્યાં તે સ્વયં કષ્ટ પણ ભોગવે છે.

અહીં એ પ્રશ્ન થાય છે કે આ રીતે પોતાને માટે કષ્ટને સામેથી બોલાવવાનું કાર્ય તો મૂર્ખ પણ કરતો નથી. એનો ઉત્તર એ છે કે તો શું તેમનામાં મૂર્ખની બુદ્ધિ પણ નથી ! તેઓ એ બુદ્ધિનો પ્રયોગ કરતા નથી. એમની જે બુદ્ધિ છે તે આપણી બુદ્ધિ માટે અગોચર છે. ન સમજી શકવાનું કારણ કહે છે – આ એમની લીલા છે તથા આ લીલા સાથે નાનાં નાનાં છોકરા-છોકરીઓની રમતની તુલના કરતાં કહે છે : ‘લોકવત્ તુ લીલા કૈવલ્યમ્’ જેવી રીતે નાનાં નાનાં છોકરા-છોકરીઓ રમવા માટે ઘરઘોલકાં બનાવે છે, એમને તોડેફોડે છે અને વળી ફરીથી બનાવે છે; બરાબર આ જ રીતે તેઓ જગતનાં સૃષ્ટિ-સ્થિતિ-લય કરે છે. અસલ વાત તો આ છે કે એમના સિવાય બીજો કોઈ નથી. ‘એકૈવાહં જગત્યત્ર દ્વિતીયા કા મમાપરા’ – આ જગતમાં હું એકલી છું; અને મારા સિવાય બીજું છે કોણ ? અત: એમના સિવાય જ્યારે બીજું કોઈ નથી ત્યારે કોઈને તેઓ બાંધી રાખે છે અને કોઈને મુક્ત કરે છે – એવું તો નથી બનતું.

મુક્તિનો ઉપાય

હવે જો બંધન આપણને પસંદ ન હોય તો એનો પણ ઉપાય છે જો આપણે હૃદયથી આર્ત બનીને પ્રાર્થના કરીએ તો તેઓ આપણને આ બંધનમાંથી મુક્ત કરી દે છે. પરંતુ એમણે આવી વિવિધતાની રચના શા માટે કરી છે ? એ પ્રશ્નની કોઈ ત્યાં ગુંજાઈશ નથી. શા માટે આ રચના કરી છે, એ તો આપણે જાણતા નથી આપણે તો એટલું જ વિચારી શકીએ કે આ સૃષ્ટિમાં તમારો ખેલ જેવો હોય તેવો ભલે રહ્યો પણ, હે મા ! તમે અમને મુક્તિ આપો. આવું થવાથી એવું બની શકે છે કે તેઓ મુક્તિ આપવામાં સંકોચ નહિ કરે; પરંતુ તેમણે આવી સૃષ્ટિ શા માટે રચી છે એવો પ્રશ્ન એમને કરી શકાતો નથી. આ એમની મોજ છે. એટલા માટે એમને ‘ઇચ્છામયી’, ‘મોજી’ કહેવામાં આવ્યાં છે. એમની જેવી ઇચ્છા હશે તેવું જ તેઓ કરશે, આપણા સિદ્ધાંતો માટે તેઓ અટકશે નહિ. જો આપણને આ બંધન અસહ્ય લાગતાં હોય તો તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવો પડશે. એ ઉપાય વિશે પણ એમણે જ વ્યવસ્થા કરી રાખી છે. પણ શું આપણે એ ઉપાયને અપનાવવા ઇચ્છીએ છીએ ખરા ! અહીં કહેવામાં આવ્યું છે કે આ સંસારની સૃષ્ટિ કર્યા પછી તેઓ કહે છે : ‘જાઓ, બેટા. હવે જઈને રમો.’ જો આપણને ખેલ પસંદ હોય તો વાંધો શો છે ? ફરીથી રમો ! જ્યારે રમકડું વધારે સારું ન લાગે ત્યારે બાળક કહે છે : ‘મા પાસે જઈશ.’ ત્યારે બીજું કોઈ રમકડું તેને પકડી રાખી શકતું નથી. અહીં પ્રશ્ન એ છે કે આ ખેલ અને આ બધાં રમકડાં આપણા માટે અસહ્ય થઈ ગયાં છે ? અને જો થઈ ગયાં હોય તો તેની પણ વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા એમણે જ કરી રાખી છે. કહે છે : ‘પરાઞ્ચિ ખાનિ વ્યતૃણત્ સ્વયંભૂસ્તસ્માત્ પરાઙ્પશ્યતિ નાન્તરાત્મન્’ – ભગવાને બધી ઈંદ્રિયોને બહિર્મુખ બનાવીને રચી છે. એટલા માટે આ ઈંદ્રિયો કેવળ બહારની વસ્તુઓને જ જુએ છે અને તેમનો અનુભવ કરે છે; અંતરાત્માને જોતી નથી, એના તરફ એની નજર પણ નથી. પરંતુ આ લોકોમાં કોઈ વિરલ વ્યક્તિ જ ‘આવૃત્તચક્ષુ’ હોય છે જે બહારની બાજુએથી આંખો ફેરવીને અંતરાત્માને જુએ છે. અત: આ બંને જ છે. એકબાજુ માએ જેમ મનને કહી દીધું છે : ‘જા, તું વિષયભોગ કર.’ તો એવી જ રીતે બીજી બાજુએ તેઓ તેને માટે સહાયનો હાથ લંબાવે છે કે જે મા માટે વ્યાકુળ બની જાય છે. પ્રશ્ન આ છે કે આવી વ્યાકુળતા આપણામાં છે ખરી ? શું આપણે ફરીથી એમના ખોળામાં પાછા ફરવા ઇચ્છીએ છીએ ખરા ? અનેકવાર આપણે વિચારીએ છીએ કે આપણે એ બધું કેવી રીતે ઇચ્છીશું ? એમણે શું આપણને એ અમૃતનો સ્વાદ ચખાડ્યો છે ખરો ? એ સ્વાદથી આપણને વંચિત રાખ્યા છે એટલા માટે તો આપણે વિષયો પ્રત્યેનું આકર્ષણ અનુભવીએ છીએ. આ વાત જાણે કે એક જ વસ્તુને ફેરવી ફેરવીને કહેવા જેવું છે. વિષયપ્રત્યે આટલું આકર્ષણ છે એટલે જ તો તેમના પ્રેમનો સ્વાદ આપણને સાંપડતો નથી.આપણે વિચારીએ છીએ કે આપણે તો કાંઈ કરવાનું નથી, જે કાંઈ કરવાનું છે તે તેઓ જ કરી આપે. દેવીસૂક્તમાં આવે છે : ‘યં કામયે તં તમુગ્રં કૃણોમિ તં બ્રહ્માણં તં ઋષિં તં સુમેધામ્’ – હું જેને ચાહું છું તેને મહાન બનાવું છું. વળી જેને ચાહું છું તેને અધોગામી બનાવી દઉં છું. શાસ્ત્ર કહે છે : ‘તમેવ સાધુ કર્મ કારયતિ યમ્ ઊર્ધ્વં નિનીષતિ’ – જેને ઈશ્વર ઊંચે લાવવા ઇચ્છે છે તેના દ્વારા તેઓ શુભકર્મ કરાવે છે; અને ‘તમેવ અસાધુ કર્મ કારયતિ યમ્ અધો નિનીષતિ’ – જેને અધોગામી બનાવવા ઇચ્છે છે તેમની પાસે અશુભકર્મ કરાવે છે. હવે જો શુભ અને અશુભ એ બે પ્રકારનાં કર્મ તેઓ જ કરાવે છે તો એમાં આપણો શો દોષ ? કોઈ દોષ નથી સિવાય કે એક વાત, અને તે એ કે આપણે એમ ન ધારીએ કે ‘હું કરું છું’.

બંધનનું કારણ કર્તૃત્વબોધ

ઈશ્વરને દૂર રાખીને આ જે પોતાનો કર્તૃત્વબોધ છે, એ જ વિપત્તિનું મૂળ છે. જો આપણે એ વાતને સદા યાદ રાખી શકીએ કે આ બધું તેઓ જ કરે છે, તો તો કોઈપણ  જાતની ચિંતા ન હતી, અને તો આપણે જીવન્મુક્ત બની જાત. પરંતુ જે કંઈ પણ સારું છે તેમાં તો આપણે આપણું કર્તૃત્વ જોઈએ છીએ અને જે કંઈ ખરાબ છે એને માટે આપણે કહીએ કે ‘તેઓ જ  કરાવે છે’, તો તો આ મન સાથે કપટ કરવા જેવું  છે. જાણે કે આ વાત પેલા બ્રાહ્મણ દ્વારા કહેવાયેલી ગોહત્યા  સમાન છે. જો કે આ વાર્તા આપ સૌ અનેકવાર સાંભળી ચૂક્યા હશો છતાં પણ ફરી એકવાર કહું છું. એક બ્રાહ્મણે સુંદર બગીચો બનાવ્યો. એ બાગમાં એક દિવસ ગાય ઘૂસીને સુંદર મજાનાં ફૂલોના છોડને ચરી ગઈ. આ જોઈને બ્રાહ્મણ તો ક્રોધની આગથી લાલપીળો થઈ ગયો અને તેણે ગાયને એટલી બધી મારી કે બીચારી મરી ગઈ. હવે ગોહત્યાનું પાપ બ્રાહ્મણ પર આવ્યું. આ જોઈને તેણે કહ્યું: ‘ઊભા રહો, આ પાપ મેં નથી કર્યું. હાથનો દેવ ઇન્દ્ર છે એટલે ગોહત્યા ઇન્દ્રે જ કરી છે, હાથ તો એક યંત્રમાત્ર છે.’ એટલે ગોહત્યાનું પાપ તો ઇન્દ્ર પાસે ગયું. ઇન્દ્રે બધું સાંભળીને એ પાપને થોડીવાર રાહ જોવા કહ્યું અને પછી તેઓ સ્વયં એક વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં બગીચામાં ગયા. બગીચામાં જઈને તેઓ બાગના માલિકની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળીને બ્રાહ્મણ તો ખુશ ખુશ. તે છૂપાવેશમાં આવેલા ઇન્દ્રને બગીચામાં બધે ફેરવીને બધું બતાવવા લાગ્યો. અને એ પણ બતાવવા લાગ્યો કે કેવી રીતે એણે પોતે આ આખો બગીચો ઊભો કર્યો છે. તેનું બધું શ્રેય તે પોતે લેવા લાગ્યો. ફરતાં ફરતાં તેઓ અકસ્માતે પેલી મૃતગાય પાસે પહોંચ્યા. આશ્ચર્ય સાથે છૂપાવેશે આવેલા  ઇન્દ્રે પૂછ્યું: ‘અરે ! આ ગોહત્યા કોણે કરી છે ?’ ત્યારે બ્રાહ્મણ નિરુત્તર રહ્યો. અત્યાર સુધી તો ‘મેં કર્યું છે, મેં કર્યું છે’ એમ તે કહેતો હતો, એટલે હવે ‘આ ઇન્દ્રે કર્યું છે’ એમ કેમ કહી શકે ! એટલા માટે તે ચૂપ જ રહ્યો. ત્યારે ઇન્દ્રે પોતાનું મૂળરૂપ ધારણ કરીને કહ્યું : ‘અરે પાખંડી ! જેટલાં સારાં કામ છે, તે બધાંનો કરનારો તું અને આ ગોહત્યા કરવાવાળો ઇન્દ્ર ?’

આપણી અવસ્થા પણ લગભગ આવી જ છે. જો આપણે પૂર્ણરીતે કર્તૃત્વહીન બનીએ તો શુભ અને અશુભ કોઈ પણ પ્રકારનાં કર્મફળને માટે આપણે ઉત્તરદાયી બનશું નહિ. પરંતુ જ્યારે આપણામાં આપણા કર્તાપણાનો, ભોક્તૃત્વનો બોધ થાય છે ત્યારે સારા અને માઠા બંને પ્રકારનાં ફળ પણ આપણે ભોગવવાં પડે છે. અત: આ બધી જવાબદારી આપણે પૂર્ણરીતે આપણા પર લઈ લઈએ કે પછી એ બધું એમના (ઈશ્વરના) હાથમાં સોંપી દઈએ. આ સિવાય કોઈ વચલો રસ્તો નથી. બધી જગ્યાએ આપણે કર્તા બની રહીએ અને જ્યાં અસુવિધા ઊભી થાય ત્યાં એમ કહીએ કે ભગવાન કરે છે – આ ન ચાલી શકે. આપણે કેટલીય વાર સાંભળીએ છીએ : ‘થોડું ભગવાન નામ લેવું જોઈએ; પરંતુ આ પણ જો તેઓ કરાવશે તો થશે.’ પરંતુ ખાતી વખતે કોઈ એમ નથી કહેતું કે તેઓ ખવડાવશે તો ખાઈશ ! અને એટલે જ આપણી ચેષ્ટા એમની એમ રહે છે. ખાતી વખતે તો આપણે પ્રાણપણે ચેષ્ટા કરીએ છીએ અને ભગવાનનું નામ સ્મરણ કરતી વખતે કહીએ છીએ કે ‘તેઓ કરાવશે તો થશે.’ આ જ આપણી આળસ છે; આપણા મન સાથેની કુટિલતા છે.આ કુટિલતા છોડીને જો આપણે સંપૂર્ણપણે એમના પર નિર્ભર રહી શકીએ તો આપણા વિશ્વાસમાં ક્યારેય અશ્રદ્ધા ઊભી નહીં થાય. તેઓ જ બધી જાતનાં અમંગલથી આપણી રક્ષા કરશે. પરંતુ એ પહેલાં નહિ. અને જો આપણને રમત અરુચિકર ન લાગતી હોય તો રમત ભલે ચાલતી રહે. તેઓ જોશે. અને માત્ર જોશે જ નહિ પરંતુ એકાદ-બે પતંગ કપાઈ જાય તો  આનંદથી તાળીઓ પણ પાડશે. આવું ક્યારેય કહેશે નહિ કે ‘અરે, અહીં તો મારી રમત જ બંધ થઈ ગઈ.’

સંસાર અને ઈશ્વર

એટલા માટે કહે છે: તે લીલામયી છે, આ સંસાર એમની લીલા છે. તેઓ ઇચ્છામયી છે. આનંદમયી એવાં તેઓ લાખોમાંથી કોઈ એકને મુક્તિ આપે છે. પ્રશ્ન ઊભો થાય છે કે તેઓ તો બધાંને મુક્તિ આપી શકે છે, તો પછી કેમ નથી આપતાં ? એમના ઉત્તરમાં શ્રીઠાકુર કહે છે : ‘એમની એ ઇચ્છા છે કે રમત ચાલતી રહે.’ વળી જ્યારે રમત બંધ થશે ત્યારે તે પણ તેમના કરવાથી જ થશે ને ? ‘પ્રસાદ બોલે મન દિયેછો મનેરે આઁખિ ઠારિ’ – રામપ્રસાદ કહે છે કે, તમે મન તો આપ્યું છે પણ મનને ઈશારો કરી દીધો છે. મનને તેમણે આ ઈશારો કરીને સંસાર કરવા માટે કહી દીધું છે. મન તો એ જ કરે છે, તેમની માયામાં ભૂલો પડીને મનુષ્ય સંસારને લઈને પડ્યો છે.

એના પછી આવે છે એક માર્મિક પ્રશ્ન – ‘મહારાજ, બધું છોડ્યા વિના શું ઈશ્વરને પ્રાપ્ત ન કરી શકાય ?’ સર્વત્યાગી શ્રીઠાકુરને જોઈને મનુષ્યના મનમાં આ પ્રશ્ન વિશેષરૂપે ઊઠે છે. સર્વત્યાગીના સાંનિધ્યમાં આવીને મનુષ્યનું પોતાનું દૈન્ય પ્રગટ થાય છે. એટલા માટે એ પ્રશ્ન ઊભો થાય છે કે બધું ન છોડવાથી શું ઈશ્વર આપણી પકડની બહાર રહેશે ? મનમાં વિચાર ઊઠે છે કે આ સર્વત્યાગ આપણા માટે સંભવ બનશે નહિ. એટલે ઈશ્વરની પ્રાપ્તિ કરવી એ પણ આપણા માટે સંભવ થવાનું નથી. શ્રીઠાકુર હસતાં હસતાં (હસતાં હસતાં એટલા માટે કે તેઓ આપણી દોડને જાણી જાય છે) કહે છે : ‘ના, જી. ભલા તમારે બધાનો ત્યાગ શા માટે કરવો પડે ? તમે તો રસમાં ડૂબેલા જ ઠીક છો. દાણાદાર અને પ્રવાહી પણ.’ ગોળની ભીલીઓ હોય છે, કોઈ કોઈ ભીલીમાં ગોળ દાણાદાર હોય છે તો વળી થોડો ગોળ પ્રવાહી જેવો ઢીલો પણ હોય છે. આ પ્રકારની સ્થિતિ છે. વળી નકશા (ચોપાટ)ની રમતની વાત કહે છે : આ રમતમાં જે લોકો વધારે કપાવે છે તેમની સોગઠીથી વધારે રમત ચાલતી નથી. એટલા માટે શ્રીઠાકુર કહે છે : ‘હું વધારે કપાવીને બળી ગયો છું.’ વળી તેઓ કહે છે : ‘સાચું જ કહું છું. તમે લોકો સંસાર કરો છો એમાં દોષ નથી.’ છતાં પણ શ્રીઠાકુર જેવા સર્વત્યાગીને જોઈને મનમાં એવું થાય છે કે આવું થાય તો સારું, પરંતુ મન એ નથી સમજતું કે આવી અવસ્થા બધાને માટે નથી. આ વાત શ્રીઠાકુર સમજે છે એટલે તેઓ કહે છે: ‘તમે લોકો સંસાર કરો છો એમાં દોષ નથી.’ પરંતુ ઈશ્વરમાં મન રાખવું પડશે, આ બાબતમાં શ્રીઠાકુર કોઈ બાંધછોડ કરતા નથી. હું તો સંસારમાં મારી પોતાની ઇચ્છાનુસાર ચાલીશ અને આ ઈશ્વરનું દાયિત્વ છે કે તેઓ મને અહીંથી ઉપાડીને મને પોતાનાં પાદપદ્મોમાં લઈ જશે – આ થઈ શકતું નથી. એટલા માટે કહે છે : ‘પણ હા, ઈશ્વરમાં મન લગાડવું પડશે, નહિ તો ચાલશે નહિ.’ એટલે સંસાર કરવામાં દોષ નથી, દોષ છે સંસાર પ્રત્યે આસક્તિ રાખવામાં, ભગવાનને ભૂલીને સંસારમાં ડૂબ્યા રહેવામાં.

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.