રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્‍યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળઅંગ્રેજીમાં લખાયેલ પુસ્તક ‘The Indian Vision of God as Mother’નો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. આ લેખમાળા પછીથી ‘ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન’એ નામે પુસ્તકાકારે પ્રસિદ્ધ થશે. – સં.

માત્ર પિતા તરીકે જ નહિ પણ, ઈશ્વરના માતા તરીકેના અભિગમમાં, જે અદ્‌ભુત વિષયની આપણે વાત કરી રહ્યા છીએ તેમાં, પશ્ચિમના દેશોમાં આજે ખૂબ રસ જાગ્યો છે. વાસ્તવમાં, દ્વિતીય યુદ્ધોત્તર કાળમાં, પાશ્ચાત્ય ધાર્મિક વિચારણામાં મોટાં પરિવર્તનો થઈ રહ્યાં છે.

‘ઈશ્વરને હવે પછીથી માત્ર પિતા જ નહિ પણ માતા પણ કહી શકાય.’, એવો ઠરાવ અમેરિકાનું પ્રેસ્બિઈટીરિઅન કે મેથડિસ્ટ ચર્ચ પસાર કરે તેની કલ્પના કરો! ખ્રિસ્તીધર્મના ૨૦૦૦ વર્ષના ઇતિહાસની એ વિરુદ્ધ છે. યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ એ બધા સેમિટિક ધર્મોમાં ઈશ્વર માટે સર્વોપરિ શબ્દ પિતા છે અને માતાને ત્યાં સ્થાન જ નથી. પરતું ભૂમધ્ય સમુદ્ર આસપાસના બધા પ્રદેશોના ધર્મ-સંપ્રદાયોમાં ઈશ્વરના માતૃસ્વરૂપનો ખ્યાલ પ્રવર્તતો હતો; એ સર્વ સંપ્રદાયોનો નાશ યહૂદી અને ખ્રિસ્તી ધર્મોએ કર્યો હતો.

માતૃકા સંપ્રદાયોનો ભારતમાં ઉદ્‌ગમ 

આપણા સમગ્ર ઇતિહાસમાં, ભારતમાં જ મૂળ માતૃકા સંપ્રદાયો જાળવી રખાયા હતા અને એમનો વિકાસ સાધી એમને ઊંચું સ્થાન આપવામાં આવ્યું હતું. પૂર્વવેદકાલીન માતૃકા સંપ્રદાયો અને વૈદિક પિતૃસંપ્રદાયોનું અને, બે પ્રજાઓનું કેટલીક સદીઓમાં થતું સુભગ મિશ્રણ જોઈએ છીએ અને એમાંથી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રજા નીપજે છે. અદ્વૈત વેદાંતના દર્શનના સંસ્પર્શથી આપણા ભારતીય માતૃકા સંપ્રદાયો પૂર્ણ શાક્ત ધર્મમાં અને દર્શનમાં વિકસ્યા અને એનાં શૈવ, વૈષ્ણવ, શાક્ત સ્વરૂપોમાં ભારતમાં ચોમેર પ્રસર્યાં તથા ભક્તો અને, સાધારણ તેમજ શંકરાચાર્ય જેવા અસાધારણ આચાર્યો, પણ તૈયાર કર્યા. આ મહાન અદ્વૈતાચાર્યે બારસો વર્ષ પૂર્વે ઈશ્વરના માતૃસ્વરૂપ પર ભાર મૂક્યો અને આજે, શ્રીરામકૃષ્ણમાં, પૂજ્યશ્રી શારદામામાં અને સ્વામી વિવેકાનંદમાં આ વિચાર પર પુન: ભાર મૂકાતો આપણે જોઈએ છીએ. જગતના અનેક ભાગોમાં આ સત્ય તરફ વલણ વધતું જાય છે કે, આ વિશ્વની પાછળ માતૃહૃદયનો ધબકાર થઈ રહ્યો છે; માતાની સાથે સંકળાયેલ કરુણા, પ્રેમ અને રક્ષણના વલણના ભાવનો એ ધબકાર છે.

આ વિશ્વ પાછળના એ શક્તિના, એ પ્રકૃતિના, એ માતૃહૃદયના ધબકારની શોધ આપણા મહાન સંતોએ કરી હતી. એટલે પરા શક્તિ તરીકે, પરા પ્રકૃતિ તરીકે અને, દુર્ગા, કાલી અને રાધાનાં વિશિષ્ટ પ્રાકટ્ય તરીકે એમણે ઈશ્વરના માતૃરૂપની વાત કરી. યુગોથી ભારતે આ સ્વરૂપનો વિકાસ સાધ્યો છે. ભારત ઈશ્વરની વાત પિતા તરીકે કરે છે; ભારત ઈશ્વરની વાત માતા તરીકે કરે છે; વળી ઈશ્વરની વાત ભારત નાન્યતર જાતિ તરીકે પણ કરે છે – બ્રહ્મ તરીકે, ૐ તત્સત્‌ તરીકે કરે છે. ‘નર’ કે ‘નારી’ એ બધાંથી બ્રહ્મ પર છે. માનવ આત્માનું પ્રતિપાદન પણ ભારત જાતિવિહીન-અલિંગી-આત્મા તરીકે કરે છે અને એ સત્યના સાક્ષાત્કારને આધારે, દરેક પુરુષ કે સ્ત્રી નરત્વની અને નારીત્વની મર્યાદાઓની પાર જઈ, એને માત્ર પાર્થિવ દેહનું લક્ષણ માને છે.

કેટલાક મહાન અંગ્રેજ અને જર્મન અને ઇતરભાષી લેખકોએ વિશ્વ પાછળના આ માતૃહૃદયની ઉપસ્થિતિનો નિર્દેશ કર્યો છે. એમાંનો એક છે પ્રખ્યાત જર્મન કવિ અને નાટ્યકાર Goetheની વિખ્યાત કૃતિ ખચેજા માં છે. એની અંતિમ પંક્તિ અદ્‌ભુત છે : ‘સનાતન નારી આપણને સતત દોરે છે.’ કેવું તો સુંદર કથન છે. સંસારના બધા પરિવર્તનશીલ આવિષ્કારો પાછળ અને જગતનાં બધાં નરનારીઓ પાછળ, આપણી પાછળ, સનાતન નારી છે. અમેરિકાના કવિ Walt Whitman પોતાના પુસ્તક ‘Leaves of Grass’ (Everyman’s Library Edition, 1927, u. 279) માં જગજ્જનનીને અભ્યર્ચના કરે છે : 

શ્યામા માત, સરંતી તું ચારું પદે સમીપમાં,
ગાયું શું કોઈએ છે ના ગીત સ્વાગતનું તને?
તો હું ગાઉં તને તે, ને શ્રેષ્ઠ સર્વથકી કહું,
તને ગીત ધરું એવું કે તારે આવવું પડે,
વિના સંકોચ આવજે.

તો યહૂદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મોના શક્તિશાળી ચડ ઊતર ધર્મગુરુઓએ એને દબાવ્યા છતાં ઈશ્વરના માતૃ સ્વરૂપના ખ્યાલે માનવચિંતન ઉપર સર્વત્ર અસર કરી છે. એને વારંવાર દબાવ્યો હોવા છતાં એણે ફરી ફરી માથું ઊચક્યું છે. એ વિચારને જ્યાં દબાવવામાં આવ્યો નથી એટલું જ નહિ પણ, સામાન્ય જનો ઉપરાંત મહાન સંતોએ, સાધુઓએ અને ચિંતકોએ એનું ખેડાણ કર્યું છે તેવો એકમાત્ર દેશ ભારત છે. એટલે જ તો, એ વિચાર પ્રત્યેનો ભારતનો અભિગમ સમજવાથી, ઈશ્વરના માતૃરૂપના સમગ્ર વિષયને નવું બળ સાંપડે છે.

માતૃદેવી અને પશ્ચિમમાં પ્રવર્તમાન નારીમુક્તિ

પશ્ચિમના દેશોમાં ઈશ્વરની માતા તરીકેની આ માન્યતાને પુષ્ટિ આપનારું તત્ત્વ નારી મુક્તિ આંદોલન છે. પાશ્ચાત્ય જીવનનાં બધાં પાસાંઓ ઉપર-ખાસ કરીને અમેરિકામાં-એની પુષ્કળ અસર છે. સૈકાઓ સુધી, પશ્ચિમના જીવનમાં અને સાહિત્યમાં દરેક બાબત પુરુષપ્રધાન હતી; પરંતુ, બીજા વિશ્વયુદ્ધ પછી આ લૈંગિક પક્ષપાત સામે વિરોધ જાગ્યો અને, વર્તમાન નારીમુક્તિ આંદોલનમાં એ પરિણમ્યો. છેલ્લાં પચીસ વર્ષોના ટૂંકા ગાળામાં, એમાં ચડઊતર આવી, એ મુક્તિઆંદોલન શું છે તેની ખોજ થઈ અને, પુષ્કળ ગ્રંથો પ્રગટ થયા છે અને, અમેરિકન નારી જગતમાં નામાંકિત નેત્રીઓ બહાર આવી છે. ૧૯૬૩માં Betty Friedanનું વિખ્યાત પુસ્તક ‘The Feminine Mystique’ પ્રસિદ્ધ થતાં એ આંદોલનને વેગ, આકાર અને દિશા સાંપડ્યાં; એ પુસ્તકમાં એણે અને સ્ત્રીઓને પુરુષોનું માત્ર અનુવર્ધન થઈ ન રહેવાનો અનુરોધ કર્યો; એણે એનાં સાથી મહિલાઓએ આ હેતુ માટે ‘નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર વિમેન’ (N.O.W.)નો આરંભ કર્યો. એ જ લેખિકાએ તાજેતરમાં (૧૯૮૨માં) ‘The Second Stage’ નામનું બીજું પુસ્તક લખ્યું છે જેમાં, ‘Sunday Times’ અખબારમાંના લેખિકા વિશેનો આ ઉલ્લેખ સમાવિષ્ટ છે : ‘પાછલાં વીસ વર્ષની સૌથી વધુ અસરકારક લેખિકા’ અને એ પુસ્તકમાં આંદોલનની સફળતા નિષ્ફળતાની જાંચ કરવામાં આવી છે. વીસ વર્ષો પછી પણ મુક્તિ આંદોલને અમેરિકન મહિલાઓને જે શુભાશીર્વાદો વાંછ્યા હતા તે પ્રાપ્ત ન થવા બદલ તેમાં નિરાશા નોંધાઈ છે. નારીજાત અને નારીવાદ વચ્ચે ભેદ દર્શાવી એ (પૃ.૨૭-૨૮) કહે છે :

‘આપણા વૈયક્તિક અને રાજકીય અનુભૂતિના નવા સત્ય સાથે મેળ બેસાડવા માટે આપણે આપણા પોતાના નારીવાદી વાતાવરણને ભેદી બહાર આવવું પડશે અને, બીજા તબક્કા ભણી ગતિ કરવી પડશે… બીજા તબક્કાનો વિચાર કેવળ સ્ત્રીઓના પર્યાયોમાં, આપણા ભિન્ન વ્યક્તિત્વો કે પુરુષો સાથેની સમાનતામાં વિચારી શકાશે નહિ.

બીજા તબક્કામાં કુટુંબ સાથેના મેળનો-પ્રેમનો અને કાર્યનો – સમાવેશ થાય છે. બીજો તબક્કો માત્ર નારી આંદોલન ન રહે તેમ સંભવે. બીજે તબક્કે પુરુષો અગ્રભાગે હોય. સંસ્થાઓમાં સમાન સત્તાથી ઉપર બીજે તબક્કે ઊઠવું પડશે. બીજો તબક્કો સંસ્થાઓમાં આમૂલ પરિવર્તન કરશે અને સત્તાને પોતાને જ નવું સ્વરૂપ આપશે.’

આ તારણ ‘The Feminine Mystique’ની મહાન લેખિકા તરફથી પ્રાપ્ત થયું છે અને હવે એ કહે છે, કુટુંબને અખંડ રાખવું પડશે અને નારી મુક્તિની પ્રક્રિયામાં પુરુષોને સંડોવ્યા વિના સ્ત્રીઓને મુક્તિ નથી. સામાજિક-રાજકીય ક્ષેત્રમાં નારી મુક્તિની કોશિશ સાથે, ધર્મના ક્ષેત્રમાં પણ લિંગપક્ષપાત દૂર કરવાનો સંઘર્ષ ઉદ્‌ભવ્યો છે. ઈશ્વરને કેવળ પિતા તરીકે જ શા માટે નિરૂપવો જોઈએ; નારીવાચક પર્યાયમાં એનો ઉલ્લેખ મા તરીકે શા માટે ન થઈ શકે? એટલે આ વિષય પર અમેરિકામાં પુસ્તકોનો સતત પ્રવાહ વહેતો થયો છે. વહેમો ગણીને પૂર્વખ્રિસ્તી કાળમાં જે ધર્મોમાં દેવી સ્વરૂપની માન્યતા હતી અને જેમને સાફ કરી નાખવામાં આવ્યા હતા, તે સર્વ ફરી વાર જીવંત કરવામાં આવ્યા છે. પ્રમાણભૂત ગ્રંથો, ધર્મશાસ્ત્ર અને ઉપાસનાઓ દ્વારા માતૃપૂજાના સર્વગ્રાહી સંપ્રદાયો વિકસાવ્યા અને પોષ્યા છે તે ભારત ભણી પાશ્ચાત્ય મન સ્વાભાવિક રીતે વળે છે. પરમેશ્વરની માતા તરીકે સમજને લગતાં ભારતીય પુસ્તકો અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થઈ રહ્યાં છે. આ અસાધારણ બાબત છે અને, આ ગ્રંથોમાં પ્રગટ થતી એક સારી બાબત એ છે કે, પાશ્ચાત્ય લેખકો, અગાઉ, આપણા ધાર્મિક વિચારો માટે નહિવત્‌ આદર સાથે – કેટલીક વાર તો એમને ઉતારી પાડીને પણ – વિદ્વત્તાભર્યા ગ્રંથો લખતા તેને બદલે આજે, સહાનુભૂતિપૂર્વક, સૂઝ સાથે અને ભક્તિ સાથે પણ, લખી રહ્યા છે. અહીં જે ત્રણ પુસ્તકોનો ઉલ્લેખ થાય છે તે આ પરિવર્તિત અભિગમ પ્રગટ કરે છે. ઈશ્વરના માતા તરીકેના ખ્યાલમાં વૃદ્ધિંગત થતો પાશ્ચાત્ય રસ પણ એ પ્રગટ કરે છે:

  1. God as Mother : A Feminine Theology in India, A Historical and Theological Study of the Brahmavaivarta Purãna by Cheever Mackenzie Brown, ‘Foreword’ by Daniel H. H. Ingalls (published by Claude Stark & Co., Vermont U.S.A.) અંદરના ૭મા પૃષ્ઠ પર આ આદરપૂર્ણ લખાણ છે:

‘To my parents, true amsas of Rãdhã and Krsna.’ (રાધા અને કૃષ્ણનાં સાચાં અંશ મારાં માતાપિતાને અર્પણ). પોતાના પુરોવચનમાં Ingalls (પૃ.૧૪ ઉપર) કહે છે:

“મોટા ભાગના સુધરેલા જગતમાં બન્યું છે તેમ, દેવીઓની પૂજાનું સ્થાન દેવોની પૂજાએ ભારતમાં લીધું નથી. એના કરતાં વધારે આશ્ચર્યકારક દેવીનું પુન: પુન: પ્રાગટ્ય છે. ભૂમધ્ય સંસ્કૃતિમાં એનાં રૂપો સદાને માટે અદૃશ્ય થઈ ગયાં. ખ્રિસ્તી ધર્મના આગમન સાથે ડાયેના અને બેર્સિન્થિયા, આઈસિસ અને સાઈબેલિને દેશનિકાલ કરી દેવાયાં. કેટલાક કાળ પછી ઈસ્લામ પણ એવો જ કઠોર થવાનો હતો. તબારી જણાવે છે જે, મક્કાની દેવીઓ વિશે આરંભમાં તો પયગંબરે ‘જેમની મધ્યસ્થી માગવી પડે તેવાં પવિત્ર તત્ત્વો’ એમ ઉલ્લેખ કર્યો હતો પરંતુ, પાછળથી આ શબ્દોને કુરાનમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. ૫૪-૧૯-૨૩માં કુરાનમાં આવાં કથનોનું આરોપણ સેતાનને વિશે કરવામાં આવ્યું છે અને, પયગંબરના અનુયાયીઓનો અભિગમ હઠપૂર્વક પુરુષલક્ષી છે. ખ્રિસ્તી ધર્મમાં માતૃકાઓ મેરીના અને સ્ત્રીસંતોના રૂપમાં ફરી પ્રગટ થઈ. પણ એને પ્રાચીન દેવીઓનું પુનરાગમન નહિ કહી શકાય. કુમારીનું સ્વરૂપ અને એનું સહાયક ધર્મશાસ્ત્ર એના પુત્રથી અને એ પુત્રના પિતાથી ગૌણ છે. એનાં ગીત ગાનારના જેટલી જ ડાયેના પણ મરી પરવારી છે.’’

લેખક Cheever પોતાના પુસ્તકની પોતાની પ્રસ્તાવનાનો આરંભ આ શબ્દોથી કરે છે :

“વિશ્વનું અંતિમ સત્ય નર છે, નારી છે, બેઉનો સમાવેશ કરે છે કે, બંનેથી પર છે એ વિશે, તાજેતરમાં, પાશ્ચાત્ય ધર્મશાસ્ત્રીઓ ગંભીરતાપૂર્વક વિચાર કરતા થયા છે. અંતિમ સત્ય નરને બદલે નારી હોય કે બંનેનું યુગ્મ હોય તેથી, અંગત રીતે આપણને શો ફરક પડશે? આમ આપણે પૂછીએ. આપણી આસ્થાને, આપણા રોજિંદા જીવનમાં પુરુષો અને સ્ત્રીઓ પ્રત્યેના આપણા અભિગમમાં અને વર્તનમાં એની શી અસર થશે? માનવી અને પ્રકૃતિ, આત્મા અને અનાત્મા, બુદ્ધિ અને ભવનાઓ, કર્તા અને કર્મ વચ્ચેના સંબંધોની આપણી સમજણમાં એથી કશો ફેરફાર થશે? પ્રથમ દૃષ્ટિએ ભાસે છે તેના કરતાં, આવાં ભિન્ન ભિન્ન હિતો એકમેક સાથે આંતરસંકલિત છે. ગમે તેમ હો પણ, ખ્રિસ્તી ધર્મની પ્રારંભિક સદીઓના સમયથી, અનેક હિંદુ વિચારકો, આચાર્યો અને લેખકો અંતિમ સત્યના પુંલિંગી અને સ્ત્રીલિંગી પરિણામોના અને, જીવનનાં વિવિધ પાસાંઓમાં તેમના પ્રસરણના પ્રશ્નમાં ગુંથાયેલા રહ્યા છે.

  1. Devi Mahatmya : The Crystallization of the Goddess Tradition, by Thomas B. Coburn, with a ‘Foreword’ by Daniel H. H. Ingalls published by Motilal Banarasidass, Delhi, First Edition, 1984, Reurinted : 1988.

પોતાના પુસ્તકની ઈંઁર્નિીર્યસીહચઈં (પ્રસ્તાવના)નો પ્રારંભ લેખક આમ કરે છે:

“પ્રાચીન ભારતના એક ગ્રંથ સાથે આ સ્વાધ્યાયને મુખ્ય નિસબત છે. વિશેષ સ્પષ્ટતાથી જણાવતાં દેવી મહાત્મ્યમાં વ્યક્ત થયેલા આ વિશ્વના અંતિમ સત્યના દર્શન સાથે એને નિસબત છે.’’

  1. The Politics of Women’s Spirituality : Essays on the Rise of Suiritual Power within the Feminist Movement (Edited by Charlene Spretnak, Anchor Books, New York, 1982). “પ્રસ્તાવના” (પૃ. ૨૩)માં લેખક લખે છે :

“પૃથ્વી પર આપણા અભિગમ (અર્થાત્‌ આધ્યાત્મિકતા)ને અને, એ અભિગમમાંથી નિષ્પન્ન થતાં સૂઝ, આવિષ્કાર અને શક્તિના ઉપયોગ (અર્થાત્‌ રાજકારણ)ને આ શીર્ષક, ‘The Politics of Women’s Spirituality’ નિર્દેશે છે. નારી મનની માફક નારી આધ્યાત્મિકતામાં અનુસ્યૂત જાગતિક દૃષ્ટિબિંદુ સર્વાંગીણ અને સંયોજક છે. પૈતૃક માનસને માત્ર ભેદ દેખાય છે ત્યાં, આપણને સળંગતા દેખાય છે. પૈતૃક મૂલ્યોમાંથી, બીજા દેશો, સ્ત્રીઓ, લઘુમતિઓ અને પૃથ્વી પરના ત્રાસની જાળને નિશાન બનાવનાર, ૧૯૮૦ના નવેમ્બરના Women’s Pentagon Actionના એકતા નિવેદનમાં પ્રશ્નો પ્રત્યેના સંધાનાત્મક અભિગમનું સુંદર દૃષ્ટાંત જોવા મળે છે (જુઓ: Spiritual Dimensions of Feminist Anti-nuclear Activism).

‘દેવી સ્વરૂપનો મહિલાઓ માટેનો હેતુ’ નામક પ્રથમ પ્રકરણ (પૃ.૫-૬)માં Charlene Spretnak લખે છે :

‘બૌદ્ધ ધ્યાનમાં રસવાળી નિવૃત્ત કેથલિક હોઈને, અધ્યાત્મ વિશે મારી લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયત્ન હું કરતી ત્યારે, લોકો મને પૂછતાં : ‘તારી પાસે પુસ્તક છે?’ એમને લાગતું કે કોઈ પણ પ્રકારનો પવિત્ર ગ્રંથ.. કાયદેસરતા સૂચવશે. દેવી-અધ્યાત્મ બાબત સમકાલીન ધર્મપુરુષોમાં અને સામાન્ય પ્રજાજનોમાં મને એ જ પ્રતિભાવની ગંધ આવે છે… ને હું એનો ઉત્તર વાળું છું : ‘પુસ્તકોના કરતાં અમે વૃદ્ધતર છીએ.’

આપણા પૂર્વપૈતૃકકાલીન પૂર્વજોએ કહેલી અનેક દેવીકથાઓ બચી જવા પામી છે અને આજે તેમને ગ્રંથસ્થ કરવામાં આવી રહી છે જો કે, મોટા ભાગનો પ્રાચીનધર્મ પિતૃપ્રધાન યુગના દબાણ હેઠળ નાશ પામ્યો છે. ‘Ancient Mirrors of Womanhood : Our Goddess and Heroine Heritage’ અને ‘Lost Goddesses of Early Greece’ આવા સંગ્રહોના નમૂના છે. પ્રાચીન દેવી અધ્યાત્મના બચેલા ટુકડાઓનું ચાળણ ધીરતાદાયક અનુભવ છે. પોતાનો ભેદના રાજકારણનો એક જ માર્ગ જીવવાનો માર્ગ છે એ પિતૃપ્રધાન ઘોષણામાં માનવાથી, એ પ્રાચીન જ્ઞાનને સદાને માટે ગુમાવી દેવાની કેટલાં નિકટ આપણે આવી ગયાં!

પિતૃપ્રધાન શાસનો અને ધર્મો પ્રવર્તનમાન દેવીપુનરુત્થાનને ઊંડા ભયથી જુએ છે. પોતે જે પ્રાચીન ચેતનામાં શ્રદ્ધા ધરાવતા હતા તેને દબાવી દેવામાં આવી તેના કરતાં તેમના સત્તામાળખાને મોટો ભય નથી..

દેવી પોતાનાં સુવાંગ છે એવો દાવો નારીવાદીઓ કરતી નથી. અસ્તિત્વનાં બધાં સ્વરૂપો જેમાં ઓતપ્રોત વણાઈને એક થઈ ગયાં છે તેવા, પૃથ્વી પરના જીવનના સર્વાંગીણ સ્વરૂપના પ્રતીક તરીકે સૌને એની સાથે લાગેવળગે છે (જુઓ ‘Introduction’). નારીના દેહ/મનની શક્તિની અભિવ્યક્તિ તરીકે સ્ત્રીઓને માટે એનો વિશેષ અર્થ છે. એટલે, હવે પછીનાં ચયનોમાં રજૂ કરાયેલા ઇતિહાસનું કશું જ પિતૃપ્રધાન પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામતું નથી. તે સમજવું કઠિન નથી. આ વિદ્વાનોનું ‘કાવતરું’ છે તેમ હું સૂચવવા માગતી નથી. પરંતુ, યહૂદી-ખ્રિસ્તી તંત્રના કરતાં બધા પૂર્વપિતૃપ્રધાન ધર્મો હીણા હતા તેવું સાંસ્કૃતિક વલણનું અસ્તિત્વ નિર્દેશે છે. ઉદાહરણ તરીકે, ‘આર્ટેમિસનો ધર્મ’ અને ‘જિસસનો સંપ્રદાય’, એમ આપણને વાંચવા મળતું નથી; હંમેશાં એથી ઊલટું જ હોય છે. એ જ રીતે, ‘પુનિત કરેલી સ્ત્રીઓ’ કે ‘પવિત્ર સ્ત્રીઓ’, એ નિકટના પૂર્વના શબ્દપ્રયોગોનો અનુવાદ પિતૃપ્રધાન વિદ્વાનોએ ‘મંદિરની વેશ્યાઓ’ તરીકે કર્યો છે…

સમકાલીન દેવીઅધ્યાત્મનાં મૂળ પૂર્વપિતૃપ્રધાન સંસ્કૃતિમાં છે અને સ્ત્રીઓને માટે એ અનેક અર્થોનું પ્રતિપાદન કરે છે, એ સનાતન છે, એ સર્વ છે, એ અમે છે.

‘Lost Goddesses of Early Greece, A Collection of Pre-hellenic Myths,’ નામના ૧૯૮૧માં બોસ્ટનના બીકન પ્રેસે પ્રકાશિત કરેલા પોતાના અગાઉના પુસ્તકનાં ચાર્લીને Gunther Zuntyના પુસ્તક: Persephone – Three Essays on Religion and Thought in Magna Graecia (p.12) માં અવતરણ આપે છે :

‘જીવનની વસંત અને જીવનના ધ્યેય સમી નારીમાં દેવત્વની અનુભૂતિની ઝલાઈ જવા માટે માનવજાતે કૃષિની શોધ થવા સુધી વાટ જોવી પડી ન હતી. સ્પેનથી સાઈબીરિયા સુધીમાં, સર્વત્ર, પ્રાચીન પાષાણ યુગમાંના આ ભક્તિના અનેક પુરાવાઓ પ્રાપ્ત થયા છે અને, નવપાષાણયુગમાંના અવશેષો એટલા તો સ્પષ્ટ છે કે, માનવીની જીવનશૈલીમાંનું આ યુગવર્તી કહેવાય તેવું, ‘દેવીપૂજાના ધર્મ’ને નામે ઓળખાતું પરિવર્તન એનો ખુલાસો આપી શકતું નથી… જે પુરાવો છે – ને એ અલ્પ નથી – તે વધારે વ્પાયક અને વધારે ઊંડી બાબતોને ચીંધે છે. માનવજાતિએ કલ્પેલું આ પ્રાચીનતમ દેવસ્વરૂપ છે.

પોતાના આ પુસ્તકનું ચાર્લીનનું અર્પણ પણ લાક્ષણિક છે : ‘આદિથી આવતી અમારી પ્રમાતાઓને.’

ભારત દેવીસ્તુતિ કરે છે

દેવી માહાત્મ્યના ભારતના ઉત્તમ ગાનની પાંડિત્યપૂર્ણ પ્રસ્તુતિ Coburn નું પુસ્તક કરે છે. હવે પછીના દાયકાઓમાં પ્રાચીન અને ઉત્તરકાલીન ભારતીય સંસ્કૃતિમાં અને અર્વાચીનકાળમાં શ્રીરામકૃષ્ણ, પૂજ્ય મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદમાં જગદંબા તત્ત્વના આ વિષયની રજુઆત પાશ્ચાત્ય ચિત્ત ઉપર પ્રભાવક થશે એ વિશે શંકા નથી. એ જાણવું રસપ્રદ થશે કે, એક અમેરિકન સામયિકમાંના અહેવાલ અનુસાર Holy Bible ની એક નવી આવૃત્તિ અમેરિકન દેવળોએ પ્રગટ કરી છે. તેમાં ઈશ્વર સંબંધેના બધા લૈંગિક પક્ષપાતોને હડસેલી દઈ, જ્યાં જ્યાં પિતા શબ્દ આવે છે ત્યાં ત્યાં માતા શબ્દ ઉમેરવામાં આવ્યો છે. જગદંબાના અસ્તિત્વ સંબંધી ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદના (The Master as I Saw Him, p. 170) શબ્દો ટાંકે છે :

જુઓ, કાલી અને, માને નામે ઓળખાતી કોઈ મહાન શક્તિ ક્યાંક છે તેમ માન્યા વગર હું રહી શકતો નથી… ને હું બ્રહ્મમાં પણ માનું છું. દુર્ગા, કાલી, શક્તિ કે દેવી તરીકેના જગદંબાના શ્રીરામકૃષ્ણ (૧૮૩૬-૧૮૮૬)ના સાક્ષાત્કારનું સ્વરૂપ એમનાં અનેક નિરૂપણો દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે તેમ ‘The Gospel of Sri Ramakrishna’ (રામકૃષ્ણ મઠ, મદ્રાસ-૪ વડે પ્રકાશિત છે તે) દ્વારા જાણી શકાય છે. ભક્તો સમક્ષ સંતકવિ રામપ્રસાદનું જે ગીત ગાવું એમને અતિપ્રિય હતું તે નીચે પ્રમાણે છે (The Gospel of Sri Ramakrishna p. 106, ગુજ.અનુ. શ્રીરામકૃષ્ણ કથામૃત, ભા.૧, પૃ.૫૦):

કોણ જાણે કાલી કેવી, ષડદર્શન નવ પામે દર્શન,
મૂલાધારે, સહસ્રારે, સદા યોગી કરે મનન.
કાલી પદ્મવનમાં હંસ સંગે, હંસી રૂપે કરે રમણ,
આત્મારામનો આત્મા કાલી, પ્રણવ જેવું મોટું પ્રમાણ.
ઘટઘટમાં બિરાજે દેવી, ઇચ્છામયીની ઇચ્છા એવી,
માના ઉદરમાં બ્રહ્માંડ-ભાંડ, પ્રકાંડ જાણો રીતે કેવી?
જાણે મહાકાલ કાલીનો મર્મ જેવો, બીજો કોણ જાણે તેવો?
પ્રસાદ કહે, લોકો હસે, કરવું મારે સિંધુ-તરણ,
મારું મન સમજે, પ્રાણ સમજે નહિ, ધરું શશી થઈ વામન.

પરમેશ્વરના માતા તરીકેના વિષય પર સૌથી વિશેષ આધારભૂત ગ્રંથ ‘દેવી માહાત્મ્ય’ છે. એ દુર્ગાશપ્તશતી અને ચંડી તરીકે પણ ઓળખાય છે. અનેક પંડિતો જેને પ્રાચીનતમ ગ્રંથ માને છે તે ઋગ્વેદ (૧૦.૧૨૫)ના વાગ્‌-અંભૃણિ સૂક્તનો પ્રભાવ દેવી માહાત્મ્ય ઉપર છે એમ પ્રાચીન પંડિતો માને છે. ત્યારથી, યુગો પૂર્વે, ભારત ઈશ્વરના દેવી સ્વરૂપનું દર્શન દાર્શનિક અને રહસ્યવાદી નિરૂપણનું કેન્દ્ર બન્યું હતું. એનાં ૩,૪ અને ૫ સૂક્તો આ પ્રમાણે છે :

अहं राष्ट्री सङ्गमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् ।
तां मा देवा व्यदधुः पुरुत्रा भूरिस्थात्रां भूर्यावेशयन्तीम् ॥
मया सो अन्नमत्ति यो विपश्यति यः प्राणिति य ईं शृणोत्युक्तम् ।
अमन्तवो मां त उप क्षियन्ति श्रुधि श्रुत श्रद्धिवं ते वदामि ॥
अहमेव स्वयमिदं वदामि जुष्टं देवेभिरुत मानुषेभिः ।
यं कामये तंतमुग्रं कृणोमि तं ब्रह्माणं तमृषिं तं सुमेधाम् ॥

Thomas Coburn આ સૂક્તોનું અર્થઘટન નીચે મુજબ કર્યું છે (જુઓ, એના ઉલ્લેખિત પુસ્તકના પૃ.૨૫૬માં) :

‘બધી સમૃદ્ધિને એકત્ર કરતી સામ્રાજ્ઞી હું છું,
શાણી અને, પૂજાર્હોમાં પ્રથમ,
દેવોએ મને અનેક સ્થળોએ મૂકી છે,
અનેક સ્થળોએ વસતી, અનેક વેશધારિણી છું.
મનુષ્ય મારા દ્વારા જ અન્ન લે છે; જે કોઈ જુએ છે,
શ્વસે છે, બોલાયેલું સાંભળે છે તે સર્વ (મારા દ્વારા જ કરે છે.)
અજાણતાં જ, એ સૌ મારા પર આધારિત છે: સાંભળ,
હે પ્રસિદ્ધાત્મા-હું તને (શ્રદ્ધાના મૂલ્યવાળું) કહું છું.
આ (પરિસ્થિતિની) ઘોષણા હું જ કરું છું,
દેવોએ અને માનવોએ એને બહાલ રાખી છે,
હું ઇચ્છું છું તેને હું મહાન –
બ્રાહ્મણ, ઋષિ, મેધાવિ બનાવું છું.

આ દેવીનું માહાત્મ્ય શું છે? વૈશ્વિક શક્તિ તરીકે એની કલ્પના કરવામાં આવી છે અને, સમગ્ર વિશ્વ એની અભિવ્યક્તિ છે; પોતાની જાતમાંથી એ વિશ્વને પ્રગટ કરે છે, એનું પાલન કરે છે અને, અંત્ય વિલયકાળે એને પોતાનામાં પાછું સમાવી લે છે. ઈશ્વરની માતા તરીકેની પરિકલ્પનાની વાત દેવી માહાત્મ્ય એ રીતે કરે છે. અનેક કથાઓ અને આખ્યાયિકાઓ દ્વારા આ આધ્યાત્મિક સત્ય ઉપદેશવામાં આવેલ છે. આ સર્વ કથાઆખ્યાયિકાઓ પાછળનું તત્ત્વદર્શન એ છે કે, વિશ્વ પાછળનું પરમ સત્ય ચિત્‌-શક્તિ છે અને, એ નરનારી સ્વરૂપ છે – બ્રહ્મ-માયા સ્વરૂપ, શિવ-શક્તિ સ્વરૂપ, અવ્યક્ત-વ્યક્ત સ્વરૂપ એ છે. એની શાંત અવસ્થામાં એ નરરૂપ છે અને, પ્રવૃત્ત અવસ્થામાં એ નારીરૂપ છે. નિત્ય અને લીલાની, અનંત અને કાલની એ અખંડ એકતા છે. જેમાંથી આ વિશ્વ ઉદ્‌ભવ્યું છે તે, બ્રહ્માંડમાં પ્રથમ જન્મનાર નરસ્વરૂપ બ્રહ્માએ કરેલી આ દિવ્ય શક્તિની સ્તુતિ દેવી માહાત્મ્ય (૧.૭૫,૭૭-૭૯ અને ૮૧-૮૨માં) પ્રસ્તુત કરે છે :

त्वयैतत् धार्यते विश्वम् त्वयैतत् सृज्यते जगत् ।
त्वयैतत् पाल्यते देवी त्वमत्स्यन्ते च सर्वदा ॥

‘આ વિશ્વ તમારા વડે ધારણ કરાય છે, તમારા વડે એનો પ્રક્ષેપ થાય છે, તમારા વડે એ રક્ષાય છે અને, હે દેવી, તમે જ એને તમારામાં પુન: સમાવી લો છો.’

महाविद्या महामाया महामेधा महास्मृतिः ।
महामोहा च भवती महादेवी महासुरी ॥

‘તમે જ મહાવિદ્યા છો, મહામાયા છો, મહામેધા છો, મહાસ્મૃતિ છો; તમે જ મહામોહા છો, મહાદેવી છો, મહાસુરી છો.’

त्वं श्रीस्त्वम् इश्वरी त्वं ह्रीः त्वं बुद्धिः बोध लक्षणा।
लज्जा पुष्टिः तथा तुष्टिः त्वं शान्तिः शान्तिरेव च ॥

‘તું શ્રી છો, તું કલ્યાણ છો, તું સર્વશ્રેષ્ઠ છો, તું મર્યાદારૂપિણી છો; બોધ સ્વરૂપ બુદ્ધિ તું છો; તું લજ્જા છો, પુષ્ટિ અને તુષ્ટિ તું છો; ક્ષાન્તિ અને શાન્તિ પણ તું છો.’

प्रकृतिस्त्वं च सर्वस्य गुणत्रय विभाविनी
कालरात्रि: महारात्रिः मोहरात्रिश्च दारुणा ॥

‘સર્વ (વ્યક્ત જગતની પાછળની) પ્રકૃતિ તું છો; (સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ એ) ત્રણે ગુણોનો આવિષ્કાર કરનારી તું છો; (બ્રહ્માંડના લયના કાળની) ઘોર રાત્રિ તું છો; (અંતિમ પ્રલયની) મહારાત્રિ તું છો અને, દારુણ મોહરાત્રિ પણ તું છો.’

सौम्या सौम्यतराशेष सौम्येभ्यस्त्वतिसुन्दरी।
परापराणां परमा त्वमेव परमेश्वरी ॥

‘આનંદ આપનારા બધા પદાર્થો કરતાં તું સૌમ્ય છો, સૌમ્યતર છો; સઘળા મહાન અને સામાન્ય પદાર્થોના કરતાં તું ક્યાંય ચડિયાતી છો; માત્ર તું જ પરમેશ્વરી છો.’

यच्च किञ्चित्क्वचित् वस्तु सद् असद् वाखिलात्मिके ।
तस्य सर्वस्य या शक्तिः सा त्वं किं स्तूयसे मया ॥

‘જે જે વસ્તુ, કાર્ય કે કારણ, જ્યાં જ્યાં છે અને એમનામાં જે કંઈ શક્તિ છે તે સર્વ, હે અખિલાત્મિકે, તું જ છો. મારાથી તારી સ્તુતિ કેમ કરી શકાય?’

સંસ્કૃત પ્રકૃતિ શબ્દ નારી જાતિવાચક છે અને, તેમાં બધું સ્થૂળ, વસ્તુલક્ષી જગત જ સમાવિષ્ટ થાય છે એટલું નહિ પણ, એને જોનારું અને એની સાથે કામ પાડનારું આત્મલક્ષી જગત પણ તેમાં સમાવિષ્ટિત છે. આ પ્રકૃતિ દ્વિવિધ સ્વરૂપની છે; અપરા પ્રકૃતિ અથવા, પરિવર્તનશીલ સામાન્ય પ્રકૃતિ અને, પરા પ્રકૃતિ, અર્થાત્‌ ઉચ્ચતર પ્રકૃતિ જે, जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्। ‘હે‌ મહાબાહુ, આ સૃષ્ટિને ધારણ કરતી મેધા – બુદ્ધિ રૂપિણી (ગીતા,૭.૫) છે. અને જગદંબા એ બે પ્રકૃતિઓનું અખંડ સ્વરૂપ છે; એને ચિત્‌ શક્તિ, પરા શક્તિ અને આદ્યાશક્તિ પણ કહેવાય છે. આ જગત એ દિવ્ય શક્તિની લીલા છે. જેમાંથી એક મહાન વિસ્ફોટ ‘big bang’ સાથે બ્રહ્માંડ પ્રગટ થયું છે તે पश्चाद्भू ક્રિયાહીન તત્ત્વ તરીકે અર્વાચીન ખગોળ-ભૌતિકશાસ્ત્ર જેની પરિકલ્પના કરે છે તેની પરિકલ્પના વિશુદ્ધ ચૈતન્ય તરીકે ભારતીય દર્શનશાસ્ત્રની બ્રહ્માંડોત્પત્તિ વિદ્યા કરે છે. અને અંતિમ સત્યનો મુખ્ય પદાર્થ ચૈતન્ય હોય તો, વ્યક્તિત્વના સ્વરૂપે એનું વર્ણન પૂરું યર્થાથ છે. ને એટલે, પ્રાચીન વેદાંત અને આજે શ્રીરામકૃષ્ણ અંતિમ સત્યનો ઉલ્લેખ નિર્ગુણ-સગુણ, નિરાકાર-સાકાર તરીકે, બ્રહ્મ અને શક્તિ તરીકે, શિવ અને કાલી તરીકે દ્વિવિધ રૂપે કરે છે. આ સત્ય પર શ્રીરામકૃષ્ણ વેધક પ્રકાશ પાથરતા બોલ વડે Gospel of Sri Ramakrishna p. ૨૭૧) તેને સમજાવે છે:

‘ગોવિંદ : મહાશય, દેવીનો વર્ણ શ્યામ શા માટે છે?

ઠાકુર : તમે એનાથી દૂર છો એટલે તમને એ શ્યામ ભાસે છે. પાસે જશો તો એ બિલકુલ રંગવિહીન જણાશે. સરોવરનાં જળ દૂરથી કાળાં લાગે છે. નજીક થઈ તમારા હાથમાં ચાંગળું પાણી લો તો તમને જણાશે કે એનો કશો રંગ જ નથી. એ જ રીતે આકાશ દૂરથી ભૂરું દેખાય છે. પણ તમારી નજીકના વાતાવરણને જુઓ; એનો કશો રંગ નથી. ઈશ્વરની જેમ નિકટ તમે જાઓ તેમ તમને જણાશે કે એને નામ કે રૂપ નથી. તમે માથી દૂર જશો તો, ઘાસમાંના ફૂલ જેવી એ ભૂરી દેખાશે. શ્યામા પુરુષ કે સ્ત્રી છે?… શ્યામા છે તે જ બ્રહ્મ છે. જે સાકાર છે તે વળી નિરાકાર પણ છે. જે સગુણ છે તે નિર્ગુણ પણ છે. બ્રહ્મ શક્તિ છે; શક્તિ બ્રહ્મ છે. બે છે જ નહિ. નર અને નારી એ સત્‌-ચિત્ત-આનંદનાં બે પાસાં છે.’

જગદંબા કાલી વિશેનું નીચેનું ગીત ગાવું શ્રીરામકૃષ્ણને ખૂબ ગમતું (Gospel of Sri Ramakrishna, p.386):

‘મા શું મારી કાળી રે!
કાળરૂપી દિગંબરી
હૃદયપદ્મને કરે ઉજ્જવળ રે…’

(અનુવાદ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી લીધો છે : જુઓ, ભાગ-૧, પૃ.૫૧૮)

ગતિહીન બ્રહ્મને શ્રીરામકૃષ્ણ ગૂંચળું વાળીને પડેલા સર્પ સાથે અને એ જ ગતિમાન સર્પને શક્તિ સાથે સરખાવે છે. એનામાંથી જ ઉદ્‌ભવતા વિશ્વની એ ગતિ છે ને એ, સર્વ રીતે એ શક્તિના જ કાર્યક્ષેત્રમાં આવે છે; બ્રહ્મની એ અભિન્ન શક્તિ છે. શ્રીરામકૃષ્ણ અહીં માયાના ખ્યાલને આણે છે અને એને શક્તિનો પર્યાય કહે છે; પોતાનામાંથી જ જેણે આ સૃષ્ટિનો આવિષ્કાર કર્યો છે તે જ દિવ્યશક્તિ એ છે. બ્રહ્મ એક છે; જગત અનેક છે; અને એ એક અનેકમાં છુપાયેલ છે, અનેક વડે એ આચ્છાદિત છે. આને લીલા અથવા માયાની ક્રીડા કહેવાય છે. (વિવેકચૂડામણિના ૧૦૯મા શ્લોકમાં) શંકરાચાર્ય એને મહાદ્‌ભુત અનિર્વચનીયરૂપ કહે છે. ૧૮૯૬માં, લંડનમાં સ્વામી વિવેકાનંદે આપેલા ‘માયા અને ઈશ્વર વિશેની પરિકલ્પનાનો વિકાસ’ નામક વ્યાખ્યાનમાં માયાની આ પરિકલ્પનાની વિરાટ વિસ્તીર્ણતાનું અર્થઘટન કરતાં સ્વામી વિવેકાનંદ (The Complete Works of Swami Vivekananda, vol.ll, p.112માં) કહે છે :

‘તમે એને જડ પદાર્થ કે ચૈતન્ય કે મન અગર બીજું ગમે તે કહો, પણ હકીકત તો એની એ જ છે. આપણે એમ પણ કહી શકતા નથી કે તે છે, તેમજ એમ પણ કહી શકતા નથી કે તે નથી. આપણે એમ કહી શકતા નથી કે તે બધાં એક જ છે, તેમજ એમ પણ કહી શકતા નથી કે તે અનેક છે. અતર્ક્ય, અગમ્ય, અવિભાજ્ય એવી આ પ્રકાશ અને અંધકારની શાશ્વત લીલા ચાલુ જ છે. હકીકત હોવા છતાં તે હકીકત નથી. જાગ્રત હોવા છતાં તે સુષુપ્ત છે. આ વસ્તુસ્થિતિ છે; અને આનું જ નામ માયા. આપણે માયામાં જ જન્મ્યા છીએ, તેમાં જ જીવીએ છીએ, તેમાં જ વિચાર કરીએ છીએ અને તેમાં જ સ્વપ્નાં સેવીએ છીએ. માયામાં જ આપણે તત્ત્વજ્ઞાની છીએ, આધ્યાત્મિક પુરુષો છીએ અને તેમાં જ આપણે દેવો અને અસુરો પણ છીએ! લંબાવાય ત્યાં સુધી તમારા વિચારો લંબાવો, તેમને ઊંચે ને ઊંચે લઈ જાઓ, તેમને અનંત કે બીજું ગમે તે નામ આપો; છતાં આ વિચારો માયામાં જ છે. આ સિવાય બીજું કંઈ હોઈ શકે નહિ. અને સમગ્ર માનવજ્ઞાન એ માયાનું જ સામાન્યીકરણ છે-જે પ્રકારે એ દેખાય છે તે પ્રકારે એને જાણવાનો પ્રયાસ છે. નામ અને રૂપનું આ કાર્ય છે. જે કોઈ વસ્તુને રૂપ છે, જે કોઈ વસ્તુ તમારા મનમાં વિચાર ઉત્પન્ન કરે છે, તે માયાની અંદર જ છે, કેમ કે દેશ, કાળ અને નિમિત્તના નિયમોથી બદ્ધ દરેક વસ્તુ આ માયાની અંદર જ છે. (સ્વા.વિવે. ગ્રંથ.ભા.૭, પૃ.૧૯૪)’

શ્રીરામકૃષ્ણ કહે છે કે આ માયાનાં બે સ્વરૂપો છે, અવિદ્યામાયા, અને વિદ્યામાયા. ને દરેક માનવી કોની નીચે રહેવું તે પસંદ કરી શકે છે. નર-નારીઓ અવિદ્યામાયાને વશ રહે છે ત્યારે, તેમનામાં જેને અપાણે દુષ્ટતા કહીએ છીએ તે પ્રગટ થાય છે અને, ઇન્દ્રિય કક્ષાએ જ એ લોકો ઠરી ઠામ થઈ જાય છે, પોતાની જાતને તેમજ સમાજને માટે કોયડા રૂપ બને છે અને, આધ્યાત્મિક મુક્તિ અને પૂર્ણતાની વિકાસની કેડી એ ચૂકી જાય છે. એથી ઊલટું, નૈતિક અને માનવીય મૂલ્યોની સમજણમાં અને તેમના આવિષ્કારમાં વિદ્યામાયા સહાય આપે છે; સમાજના મિત્ર અને મદદગાર થવામાં મદદ કરી, આધ્યાત્મિક મુક્તિના વિકાસને માર્ગે એ લોકોને લઈ જાય છે.

વિદ્યામાયાનાં પરિબળોનું ક્રીડાંગણમાં પોતાના હૃદયનું પરિવર્તન કરવાનો અધિકાર પ્રત્યેક માનવીને છે. સૃષ્ટિનું અવતરણ દિવ્ય શક્તિમાંથી થયું હોય તો, સારું છે તેટલું જ જગતમાંનું બધું નરસું એ દિવ્યશક્તિમાંથી જ ઉદ્‌ભવ્યું છે. ધરતી પરના ચોક્ખા અને સુંદર પદાર્થોના જેટલું જ એની ગંદકી સૂર્ય કિરણોત્સર્ગનું ઘનીભૂતિકરણ છે. મા પોતાનાં બધાં બાળકો પર વાત્સલ્ય ઢોળે છે પરંતુ, પોતાની સૃષ્ટિમાંનાં અનિષ્ટ તત્ત્વો સામે લડનારાંઓને તેમજ, એ સંઘર્ષ કરતાં જે મોતને ભેટે છે તેમને એ વધારે વહાલ કરે છે; સઘળાં કરુણાન્ત નાટકોના નાયક તરીકે એનું અભિવાદન કરવામાં આવે છે.

તદનુસાર, શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ જેવા અનેક વીર પુરુષોની સંવર્ધનભૂમિ આ જગદંબા-કેન્દ્રિત ધર્મ ભારતમાં બન્યો છે. બધું ઈષ્ટ ઈશ્વરમાંથી અને બધું અનિષ્ટ સેતાનમાંથી ઉદ્‌ભવે છે એવો શાતાદાયક વિચાર મનુષ્યજાતને એ ધર્મ આપતો નથી. ના, અંતિમ સત્ય જીવન અને મૃત્યુ બંને છે, માત્ર જીવન નહિ. ‘અમૃત અને મૃત્યુ બેઉ જેના પડછાયા છે’, એમ ઋગ્વેદે (૧૦. ૧૨૧. ૨ માં) હજારો વર્ષો પૂર્વે ગાયું છે :

 य आत्मदा बलदा यस्य विश्व उपासते प्रशिषं यस्य देवाः ।
यस्य छाया मृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम ॥

‘અમને જે અમારું વ્યક્તિત્વ અર્પે છે, અમને જે બળ અર્પે છે, દેવો સહિત બધાં મનુષ્યો જેની આજ્ઞાનું પાલન કરે છે, અમૃત અને મૃત્યુ બેઉ જેની છાયા છે તેને અમે આહુતિ આપીએ છીએ!’

જગદંબાનાં દર્શનશાસ્ત્ર, અધ્યાત્મ અને ઉપાસનાપદ્ધતિ આ અદ્વૈતદર્શન પર અવલંબિત છે. દેવીનો શાબ્દિક અર્થ દેદીપ્યમાન નારી, દેવી એવો થાય છે; પરંતુ દેવી માહાત્મ્યમાં વપરાયા અનુસાર એનો અર્થ દેવી, જગજ્જનની, પરા શક્તિ છે ને એ, ગતિહીન પુરુષવાચક પરમ શિવની સમોવડી પણ છે. એ બંને એકમેકથી અવિચ્છિન્ન છે. પોતાના ‘કુમારસંભવમ્‌’ના પ્રારંભના એક શ્લોકમાં જ પ્રાચીન ભારતના શ્રેષ્ઠ કવિ કાલિદાસે કહ્યા પ્રમાણે એ બંને શબ્દ અને અર્થની માફક એકમેકથી અભિન્ન છે :

वागर्थाविव संप्रुक्तौ वागर्थ प्रतिपत्तये ।
जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॥

‘શબ્દ અને અર્થગ્રહણ કરી શકું તે માટે, શબ્દ અને અર્થની માફક જોડાયેલાં જગતનાં માતાપિતા પાર્વતી અને પરમેશ્વરને વંદન કરું છું.’

વેદાન્તમાં અને તંત્રમાં બ્રહ્મ અને શક્તિ, શિવ અને શક્તિ વિકલ્પે વપરાય છે. શિવ અથવા બ્રહ્મ સ્થિર છે અને, શક્તિમાં અથવા એના વ્યાપક સ્વરૂપમાં ઊર્જા કે ગતિ છે. આ અનેકવિધતાનું જગત, આ આવિષ્કારનું જગત, આમ, શક્તિનું ક્ષેત્ર છે. આ દ્વૈધી જગતની પાર જઈએ અને, ગહન નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિ પામીએ ત્યારે જ, પરમસત્યના અવ્યક્ત રૂપને પામી શકાય. પણ એ પરિણામને બહુ થોડા આંબી શકે. બીજું સઘળું એ પરમતત્ત્વના વ્યક્ત રૂપ શક્તિના ક્ષેત્રમાં આવે. વિવેકાનંદની જે કંડિકાનું અવતરણ આપ્યું છે તેનો અર્થ એ છે કે, આપણે સઘળા ચિન્મયી શક્તિ માયાના ક્ષેત્રમાં જ વિચરી રહ્યા છીએ; એ અનંત ચૈતન્ય છે અને જગદંબાના વ્યક્ત સ્વરૂપે એનો વિચાર કરાયો છે. એ દૃષ્ટિબિંદુથી આપણે સૌ એ શક્તિને વશ છીએ પછી ભલે, જાણતા હોઈએ કે નહિ. એ જગદંબાની શક્તિથી પરની ગાઢ નિર્વિકલ્પ સમાધિ દશામાં આપણે સરી પડીને અવ્યક્ત પરબ્રહ્મ સાથે એકરૂપ ન થઈએ ત્યાં સુધી, મારે, તમારે અને સૌને માટે, એ જગદંબા સ્વરૂપ જ પરમ સત્ય છે અને રહેશે. એટલે, જીવનના અને કર્મના અને, માનવ-માનવ વચ્ચેના આંતરસંબંધોમાં, જલમાં મીનની માફક આપણે વસીએ છીએ, હરીએ ફરીએ છીએ અને અસ્તિત્વ ધરાવી રહ્યાં છીએ.

(ક્રમશ:)

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.