અર્જુન બોલ્યો:

अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ।।4।।

‘તમારો જન્મ પછી થયો અને વિવસ્વતનો એની અગાઉ થયો હતો; તો અગાઉ તમે એને બોધ આપ્યો હતો તે મારે કેમ સમજવું ?’

‘તમારો જન્મ તાજેતરમાં થયો છે’, अपरं भवतो जन्म. અર્જુન અને શ્રીકૃષ્ણ સમવયસ્કો હતા. અર્જુન એ જાણતો હતો. परं जन्म विवस्वतः, ‘વિવસ્વાન, (મનુ અને ઇક્ષ્વાકુ) લાંબા સમય પહેલાં જન્મ્યા હતા.’ તમે એમને બોધ આપ્યો હતો તે આ ‘અર્જુન બિચારો’ શી રીતે સમજી શકે ? આ પ્રશ્ન તદ્દન યોગ્ય છે. આપણામાંથી કોઈએ પણ એ જ પ્રશ્ન પૂછ્યો હોત. कथं एतत् विजानीयां त्वं आदौ प्रोक्तवान् इति, ‘કે તમે એમને પ્રાચીન કાળમાં એ બોધ આપ્યો હતો ?’ आदौ, ‘સૃષ્ટિના સર્જનના આરંભના કાળમાં’, તમે આ મહાનુભાવોને બોધ આપ્યો હતો ‘તે હું કેમ કરીને સમજી શકું ?’

અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર શ્રીકૃષ્ણ આપે છે અને એ ઉત્તરમાં આપણને સનાતન ધર્મના અવતારવાદ વિશેનો બોધ પ્રાપ્ત થાય છે ઃ संभवामि युगे युगे. ‘હું ફરી ફરીને આવું છું’, એમ શ્રીકૃષ્ણ આઠમા શ્લોકમાં કહેશે. આ શીખ આપણને કેવળ સનાતન ધર્મમાં તેમજ ખ્રિસ્તી ધર્મમાં સાંપડે છે; માત્ર તફાવત એ છે કે ખ્રિસ્તી ધર્મમાં અવતાર એક જ વાર થાય છે, બીજી વાર નહીં; સિવાય કે સંપૂર્ણ લીલા સમાપ્ત કરવા છેલ્લી વાર. પરંતુ અહીં છે युगे युगे संभवामि, ‘આવશ્યકતા ઊભી થાય છે ત્યારે ત્યારે દરેક યુગમાં હું આવું છું.’ ગીતા અને બધાં પુરાણોમાંનો એ બોધ પ્રખ્યાત છે; ઈશ્વરના અવતારનો.

શ્રીભગવાને કહ્યું:

बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ।।5।।

‘હું અને તું અનેક જન્મોમાંથી પસાર થઈ ગયા છીએ, હે અર્જુન, એ બધાને હું જાણું છું. તું, પરન્તપ, તે જાણતો નથી !’

અનેક જન્મોમાંથી આપણે પસાર થઈ ગયા છીએ, बहूनि मे व्यतीतानि, ‘હું અનેક જન્મોમાંથી પસાર થયો છું’, तव च ‘ને તું પણ’; तानि अहं वेद सर्वाणि, ‘હું એ સઘળાને જાણું છું’; न त्वं वेत्थ परन्तप, ‘પણ પરંતપ, તું એ જાણતો નથી’; તું માત્ર જીવાત્મા છો, તું કેવળ આ જન્મને જ જાણે છે પરંતુ હું જાણું છું કે તું અને હું, અગાઉ, અનેક વાર જીવ્યા છીએ. એ બધા જન્મો વિશે હું જાણું છું. શ્રીકૃષ્ણે ફરી ફરી અવતાર કેવી રીતે લીધો? શા હેતુથી ? પછીના બે શ્લોકમાં શ્રીકૃષ્ણ એ કહે છે ઃ

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।
प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया ।।6।।

‘અજન્મા, નિર્વિકારી અને સર્વપ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં હું મારી દિવ્ય પ્રકૃતિનો આશ્રય લઈ, મારી પોતાની માયા વડે જન્મું છું.’

હું अज, ‘નહીં જન્મેલો કે જન્મ વિનાનો’ હોવા છતાં. આ નકારાત્મક સંસ્કૃત अज અને ભાવાત્મક जन्मમાંથી જીન (gene), જીનેટિક (genetic) વગેરે અંગ્રેજી શબ્દો ઉદ્‌ભવ્યા છે. હું अज અને अव्यय, ‘અજન્મા અને અવિનાશી’ છું તે છતાં અને भूतानाम् र्इश्वरोऽपि सन्, ‘પ્રાણીમાત્રનો ઈશ્વર છું તે છતાં’, ‘મારી માયાશક્તિનો આશ્રય લઈ હું દેહ ધારણ કરું છું.’ હું અનંત ઈશ્વર હોવા છતાં મારી માયાની સહાયથી હું સાન્ત માનવરૂપ ધારણ કરું છું; અવતારનું એ સ્વરૂપ છે. બહારથી તદ્દન સાધારણ, ભીતરમાં વિરાટ પરિમાણ સાથે; એને લોકો જોઈ શકતા નથી. પછી શ્રીકૃષ્ણ કહે છે- प्रकृतिं स्वां अधिष्ठाय सम्भवामि, ‘મારી પ્રકૃતિનો – કે માયાનો આશ્રય લઈ હું અવતરું છું.’ આ પ્રકૃતિ પોતે જ માયા છે. એ સત્તા ઈશ્વરના હાથમાં છે. એક અનેક કેમ થાય છે ? માયા વડે. ભારતમાં ધર્મનાં બધાં પાસાંમાં માયા મોટો ભાગ ભજવે છે, પછી એ જ્ઞાન હોય કે ભક્તિ. ગીતા (૭.૧૪)માં શ્રીકૃષ્ણ એક આશ્ચર્યકારક વાત કહે છે કે ‘આ માયા ઓળંગવી અઘરી છે; મારે શરણે આવેલા લોકો જ માયાને ઓળંગી શકે છે !’

કોઈ જાદુગર જાદુ કરે છે અને આપણે સૌ એનાથી આકર્ષાઈએ છીએ. આપણને એ બધું સાચું લાગે છે. પણ એ જરાય એવું નથી. તમે જાદુમાં ફસાઈ જાઓ તો તમે માયાજાળમાં ફસાઈ ગયા. એટલે તમે માયાથી માયા કરનાર માયાવી તરફ જાઓ. શ્વેતાશ્વતર ઉપનિષદ (૪.૧૦)માંના એક કથનથી આ સમજાય છે ઃ मायां तु प्रकृतिं विद्यात्, मायिनं तु महेश्वरम्, ‘માયાને તું આ પ્રકૃતિ જાણ અને મહેશ્વરને માયાનો સ્વામી જાણ.’ ઈશ્વરની અને આપણી સૌની વચ્ચેનો તફાવત આ છે-

આપણે સૌ માયાને વશ છીએ, પણ બધી માયા ઈશ્વરને વશ છે ઃ એ મુક્ત છે, આપણે નથી. આપણામાં એ જ દિવ્યતા છે પણ આપણે સૌ માયાને આધીન છીએ એટલે આપણે સૌ સાન્ત, માનવપ્રાણીઓ છીએ. પણ આપણું સાચું સ્વરૂપ પેલું અનંતનું છે એમ, વેદાંત ફરી ફરીને કહે છે.

આ વાતને શ્રીરામકૃષ્ણદેવ સરળ બંગાળી કથનમાં મૂકી કહે છે ઃ पंच भूतेर फांदे ब्रह्म पडे कांदे, ‘પંચતત્ત્વોની જાળમાં બ્રહ્મ ફસાઈ જાય ત્યારે એ પણ રડે !’ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એ પંચ મહાભૂતોનો દેહ બનેલો છે. બ્રહ્મ એ જાળમાં ફસાય છે. બ્રહ્મ પણ પક્ષીની, જંતુની, માનવીની જેમ વર્તે છે. મારામાં અને તમારામાં બ્રહ્મ રુદન કરે છે ! આ ભાષા છે. એટલે શ્રીરામકૃષ્ણદેવે એમ પણ કહ્યું છે કે ‘બંધનમાં ફસાયેલો ઈશ્વર માણસ છે અને બંધનમુક્ત માનવી ઈશ્વર છે.’ આ માયા દૂર ખસે ત્યારે જ આપણા સાચા સ્વરૂપનું આપણને ભાન થાય છે. પણ માયા હોય ત્યાં લગી, આપણું સાચું સ્વરૂપ વીસરી જઈ, આપણે રુદન કરીએ છીએ.

આમ, આપણે સૌ અને ઈશ્વર વચ્ચેનો આ તફાવત છે. એ પોતે જ વિશ્વ થઈ રહેલ છે; આ જગતના તમામ પદાર્થાેમાં એ પ્રવેશેલો છે. એ તૈત્તિરીય ઉપનિષદની ભાષા છે. (૨.૬.૧ અનુસાર) तद् अनुप्राविशत्, ‘એણે તેમાં પ્રવેશ કર્યાે’ અને तद् अनुप्रविश्य, ‘અંદર પ્રવેશ્યા પછી’, એ કાર્ય કરે છે. પોતાનું સાચું સ્વરૂપ એ ભૂલી ગયેલ છે. આ અદ્‌ભુત બોધ છે. આપણા જીવનમાં જે કંઈ અનુભવીએ છીએ એ માયા છે.

ઇંગ્લેંડમાંનાં પોતાનાં પ્રખ્યાત ‘માયા’ વિશેનાં પ્રવચનોમાં (સ્વા.વિ. ગ્રંથમાળા-ભાગ.૨.૩૩૧) કહ્યા પ્રમાણે ઃ ‘પરંતુ વેદાંતનો ‘માયા’ શબ્દ તેના છેલ્લા ઘટાવેલ અર્થ પ્રમાણે વિજ્ઞાનવાદ પણ નથી, એમ બાહ્યાર્થવાદ પણ નથી, તેમ એક સિદ્ધાંત પણ નથી. તે માત્ર આપણે શું છીએ અને આપણે આપણી આજુબાજુ શું જોઈએ છીએ, એ હકીકતનું કેવળ સાદું વિધાન છે.’

તો આ માયા ઈશ્વરને વશ છે અને એનો આશ્રય લઈને, એનો ઉપયોગ એ નાનો બાળમાનવ થવા કરે છે. અને ટી.વી. પરની મહાભારત સીરિયલમાં કંસના કેદખાનામાં જન્મ લેતા કૃષ્ણને તમે જોયા છે; પણ પોતાનાં માતાપિતાને પોતાના દિવ્ય રૂપનું દર્શન એ કરાવે છે. અનંત ઈશ્વરને લાગેવળગે છે ત્યાં સુધી ‘નાનું’ કે ‘મોટું’ શબ્દો અર્થહીન છે ઃ अणोरणीयान् महतो महीयान्, ‘અણુ કરતાં નાનો, વિશ્વ કરતાં મહાન’ એ આત્મા છે એમ, કઠ ઉપનિષદ બીજી વલ્લીમાં કહે છે.

તેથી શ્રીકૃષ્ણ કહે છે, प्रकृतिं स्वां अधिष्ठाय सम्भवामि, ‘મારી પ્રકૃતિનો આધાર લઈ હું અવતરું છું.’ એ શું છે ? आत्ममायया, ‘મારી પોતાની માયા વડે, મારી પોતાની શક્તિથી’. ‘મને સામાન્ય મનુષ્ય થવા દો, મને ત્યાં માત્ર પ્રવૃત્તિ કરવા દો. મનુષ્યજાતિ માટે કંઈ મોટું કલ્યાણ કાર્ય કરવાનું છે. ઈશ્વર જ તે કરી શકે.’

એટલે ઈશ્વર અવતાર ધારણ કરે ત્યારે જગતમાં નવી ઊર્જા પ્રકટ થાય છે. જગતનું પરિવર્તન કરનારી એ શક્તિ છે. એ સંસ્કૃત अवतार શબ્દ જ લો. કોઈ મનુષ્યને આપણે અવતારનું વિશિષ્ટ સ્થાન કેવી રીતે આપીએ છીએ ? સામાન્ય મનુષ્યો જીવનની બધી મર્યાદાઓને વશ હોય છે અને અવતારને પણ દૈહિક મર્યાદાઓ તો હોય જ છે. બીજાંની જેમ એને પણ ભૂખતરસ લાગે છે. એનામાંથી જગત-પરિવર્તન કરતી યુગ પ્રવર્તક શક્તિ જાગે છે અને મનુષ્યજાતના ઉત્થાન માટે એ ધીમે ધીમે કાર્ય કરવા લાગે છે. કોઈ વ્યક્તિમાં આવી શક્તિ જોવા મળે તો સમજવું કે ત્યાં ઈશ્વર આવિષ્કૃત થયેલ છે.કેટલોક સમય વીત્યા પછી જ આપણને જાણ થાય છે કે ઈશ્વરનું પ્રગટીકરણ ત્યાં થયું હતું. સમય અગત્યનું પરિબળ છે. સામાન્ય મહત્તા કાળની કસોટીએ ટકી શકતી નથી. આજે આપણે અનેક મહાનુભાવો હોવાનું સાંભળીએ છીએ, કોઈકનું નામ રસ્તાના નામ સાથે જોડવામાં આવે છે. બે પેઢી પછી એ વ્યક્તિ કોણ હતી તે કોઈ જાણતું નથી. સામાન્ય મહત્તા એનું નામ.

એથી વિપરીત, વધારે ને વધારે વૃદ્ધિ પામતી, સદીએ સદીએ અને વ્યક્તિના મૃત્યુ પછી દેહની ભસ્મ થયા પછી પણ વૃદ્ધિ પામતી બીજા પ્રકારની મહત્તા છે. કાળના પ્રવાહને હરાવતા કે અવળી દિશામાં વાળતા આવા લોકોને આપણે ઈશ્વરના અવતાર તરીકે ઓળખીએ છીએ. એ મનુષ્ય જીવતો હતો ત્યારે બહુ થોડા માણસો એને જાણતા હતા. એના મૃત્યુ પછી એને ઓળખનારની સંખ્યા ખૂબ મોટી થઈ ગઈ છે. અનેક લોકો એને આદર આપે છે, પૂજા કરે છે. બે હજાર વર્ષાે વીત્યા પછી પણ લોકો એને માન આપવાનું, એની પૂજા કરવાનું ચાલુ રાખે છે એ શું નિર્દેશે છે ? વિરાટ શક્તિનો આવિષ્કાર ત્યાં થયો હતો. એ સામાન્ય માનવશક્તિ નથી પરંતુ એ કશુંક અનન્ય છે. માટે આવી વ્યક્તિને ભારતમાં અવતાર કહેવામાં આવે છે.

આપણી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરામાં આ વિષયની અર્થસભર ચર્ચા શ્રીકૃષ્ણ પહેલીવાર કરે છે. सम्भवामि आत्ममायया, ‘મારી પોતાની માયા વડે હું અવતરું છું.’ શ્રીકૃષ્ણનો જન્મ અસાધારણ હતો; બધા અવતારોના જન્મો અસાધારણ હોય છે. ઈસુનો જન્મ અસાધારણ ઘટના હતી. રામનું પણ તેવું જ હતું. આ દરેક જગતને હલાવનાર બળ હતું એમ, સ્વામી વિવેકાનંદ કહે છે. સામાન્ય સંત જગતને હલાવી શકે નહીં. થોડા લોકોને એનો લાભ મળે. પણ અવતાર આવે એ જગતને હલાવી નાખે. અને પોતાની આધ્યાત્મિક શક્તિ વડે એ અનેક સંતો ઉત્પન્ન કરે. ભગવાન બુદ્ધને નામે કેટલા બધા સંતો આવ્યા ! શ્રીકૃષ્ણને નામે કેટલા સંતો આવ્યા! અવતારનું આ વિશેષ લક્ષણ છે.

આવા સઘળા લોકોને આપણે દૈવી સ્થાન આપીએ છીએ. તેઓ સામાન્ય માણસો નથી. આપણે એમનું પૂજન કરીએ છીએ અને આવા ઈશ્વરી અવતારના પૂજનમાં એક ધર્મ કેન્દ્રિત થયેલો છે. તમે જાતે એની તપાસ કરો. તમારા ઇતિહાસમાં જોતાં જણાશે કે જ્યાં ઈશ્વરી અવતારની ભક્તિ છે ત્યાં ઉચ્ચ ચારિત્ર્ય, પ્રચંડ શક્તિ અને આ બધા ગુણો એ ભક્તિમાંથી પ્રકટ થાય છે. આપણે કહી શકીએ કે લગભગ આખો હિંદુ ધર્મ શ્રીરામ અને શ્રીકૃષ્ણમાં કેન્દ્રિત થયેલો છે. અને પાશ્ચાત્ય જગતમાં તેવું જ ઈસુમાં કેન્દ્રિત છે.

Total Views: 500

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.