राजर्षयो विदुः, ‘રાજર્ષિઓ આ બાબત જાણતા હતા’, એ ૪થા અધ્યાયના ઉલ્લેખની અગત્ય આજના ભારતમાં આપણને છે. રાજર્ષિઓ માનવી સાથે માનવીની જેમ વર્તશે, પોતે જે સત્તાનો વિનિયોગ કરશે તેના વડે માનવગૌરવમાં વૃદ્ધિ કરશે. એ પરિવર્તનની આજે આપણને મોટા પાયે જરૂર છે. પ્રાથમિક શાળાઓથી શરૂ કરીને ઉચ્ચતમ શિક્ષણ-સંસ્થાઓ સુધી, ગ્રામપંચાયતોથી લોકસભા સુધી અને બધાં વહીવટી ક્ષેત્રોમાંના લોકોને આ વિચારોમાંથી પ્રેરણા મળવી જોઈએ. ત્યારે જ ભારતમાં માનવપરિવર્તન આવશે. આપણે ઔદ્યોગિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા છીએ, ટેક્નોલોજીનો ખૂબ ફેલાવો કરી રહ્યા છીએ, આયાતનિકાસની વૃદ્ધિ કરી રહ્યા છીએ પરંતુ મુક્તિ અને લોકતાંત્રિક નાગરિકતાના રાષ્ટ્રિય ઉત્તરદાયિત્વ વડે માનવમન પરિવર્તિત નહીં થાય તો રાષ્ટ્રિય કરુણાન્તિકા સર્જાવાની. બે સદી પૂર્વે અંગ્રેજ લેખક ઓલિવર ગોલ્ડસ્મિથે કહેલ એવી કરુણાન્તિકા એ હશે ઃ

‘જે દેશમાં સમૃદ્ધિ વધે ને માનવી જ્યાં સડી રહ્યા,

એ દેશની માઠી દશા, વધી જ્યાં અનિષ્ટો છે રહ્યાં.’

આર્થિક અને ટેક્નોલોજિકલ પ્રગતિની સાથે માનવપ્રગતિ કદમ નહીં મિલાવે તો આપણા સમાજની એ દશા થવાની છે. ગીતાના બોધ દ્વારા વેદાંત એવા માનવવિકાસની વકીલાત કરે છે. સ્વામી વિવેકાનંદે ફરી ફરી કહ્યું હતું તેમ, માનવઘડતર અને રાષ્ટ્રઘડતર કરતી કેળવણી દ્વારા સંપૂર્ણ માનવવિકાસ.

ભારતમાં અને બ્રિટનમાં સરકારી કર્મચારીઓની નાગરિકો પ્રત્યેની વર્તણૂક વચ્ચેના તફાવતનું એક દૃષ્ટાંત હું આપવા માગું છું. ૧૯૬૦ પછીનાં વર્ષાેમાં કલકત્તામાંના રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ આૅફ કલ્ચરનો હું સેક્રેટરી હતો. અમારા આંતરરાષ્ટ્રિય ભવનના મેનેજર તરીકે બ્રિટિશ નાગરિક પણ મૂળે ડચ એવાં મહિલા કામ કરતાં હતાં. એક દિવસે હસતે મુખે મારી પાસે આવ્યાં. મને કહ્યું, ‘બ્રિટિશ સરકાર તરફથી, લંડનથી મને પત્ર આવ્યો છે. એમાં જણાવ્યું છે કે હવે, વૃદ્ધાવસ્થામાંના પેન્શન માટે હું અધિકારિણી થઈ છું અને એના પહેલા હપ્તાનો ચેક તે સાથે બીડ્યો છે.’ કેવો માનવતાભર્યાે અભિગમ! એ સ્ત્રીએ એ વિશે વિચાર કર્યાે ન હતો; પણ દૂર બેઠેલી બ્રિટિશ સરકારે એના હક્કનું હતું તે એને આપ્યું હતું !

રાજ્યોના અને કેન્દ્ર સરકારના આપણા કર્મચારીઓ પર આવી માનવભાવના પ્રેરિત કાર્યવૃત્તિ ક્યારે છવાઈ જશે? આ ગીતા-સંદેશનો પ્રચાર આ પ્રશ્નનો એકમાત્ર ઉકેલ છે. આપણો દેશ અને બીજા દેશો જે રોગોથી પીડાય છે તેના ઇલાજો તેમાં છે.

આ અધ્યાયના પ્રથમ ત્રણ શ્લોકોનું અધ્યયન આપણે કર્યું. છેલ્લા શ્લોકમાંના સૂચને અર્જુનને જરા ગૂંચવણમાં મૂક્યોે. પહેલાથી ત્રીજા શ્લોક સુધીમાં, ‘વિવસ્વાન આદિને આ બોધ મેં આપ્યો હતો અને તને પણ હું આપું છું !’

‘આ ક્યા પ્રકારનો બોધ છે, શ્રીકૃષ્ણ? તમે મારા સમકાલીન છો. તમે એમને એ બોધ કેવી રીતે આપી શકયા હો?’ એટલે અર્જુન આ વિશે પ્રશ્ન કરે છે. અહીં અગત્યનો વિષય આવે છે. યોગનો આ સંદેશ કે વ્યવહારુ વેદાંત ગુરુશિષ્યની પરંપરાથી ઊતરી આવ્યો છે; પરંતુ સમય વીતતાં એ પાણીપોચો બની ગયો અને નાશ પામ્યો. પ્રથમ ત્રણ શ્લોકોમાં શ્રીકૃષ્ણે રાજર્ષિની વિભાવનાનો ઉલ્લેખ કર્યાે હતો. રાજકીય, સામાજિક, આર્થિક અને બીજી સત્તાઓ ધારણ કરતી વ્યક્તિ એ સત્તાઓનો ઉપયોગ માત્ર લોકકલ્યાણ માટે જ કરે છે. આવી વ્યક્તિએ એક બાજુથી સત્તા અને બીજી બાજુથી આંતરિક આધ્યાત્મિક વિકાસનું સુભગ જોડાણ સાધ્યું છે. વિભાવના ધર્મની નથી, આધ્યાત્મિક વિકાસની છે. થોડાં વિધિવિધાન, કર્મકાંડ, સાંપ્રદાયિકતા, માન્યતા – ધર્મને નામે ઓળખાતી આ બધી બાબતો ગમે તે પ્રમાણમાં ભલે હોય, લોકકલ્યાણ માટે સત્તા ધારણ કરવાની શક્તિ એનાથી સાંપડતી નથી. સંસ્કૃતમાં જેને आध्यात्मिक विकास કહે છે તે જો થોડો પણ હોય તો બધું બદલાઈ જાય. ‘હું’ ની વિભાવના વિસ્તૃત થઈ ‘તમે’ નો પણ તેમાં સમાવેશ થશે અને ‘બીજાં સૌ’ પણ આવી જશે. એ આધ્યાત્મિક વિકાસ છે ને તેમાંથી સર્વ મૂલ્યલક્ષી અભિગમો અને કાર્યો પ્રગટશે – માનવજાત માટે લાગણી, સેવાની ભાવના, સમર્પણની ભાવના જાગશે. બધાં મૂલ્યો આધ્યાત્મિક છે અને દરેક મનુષ્યમાં રહેલી દિવ્યતા તેનો સ્રોત છે, એમ વેદાંત માને છે.

બધી કક્ષાઓના આપણા સરકારી કર્મચારીઓમાં મોટું પણ અણગમતું પરિવર્તન આવવું જોઈએ. કશા પ્રકલ્પના આરંભ માટે કે ઘર બાંધવા માટેની ન્યાયી સરકારી મંજૂરી માટે નાગરિકો એ કર્મચારીઓ પાસે જાય ત્યારે તેમને ત્રાસ આપવાનું કે તેમની પાસેથી લાંચ લેવાનું એમણે બંધ કરવું જોઈએ. આવી બધી અરજીઓ પ્રત્યે એમનો પ્રતિભાવ હોવો જોઈએ ઃ

‘તમને સહાય કરવા હું શું કરી શકું?’ સરકારમાં આવા કર્મચારીઓ વધે ત્યારે રાજ્ય સુશાસિત થાય અને લોકો નિર્ભય અને સુખી થાય. ભારતીય મહાકાવ્ય મહાભારત, આજે ચાર હજાર વર્ષાે પછી સમાજસ્વાસ્થ્ય અને સુશાસિત રાજ્ય માટે એક કસોટી આપે છે. શાન્તિપર્વના રાજધર્મ ખંડમાં (ભાંડારકર આવૃત્તિ, ૧૨.૬૮.૩૨) ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે કે:

स्त्रियश्चापुरुषा मार्गं सर्वालङ्कारभूषिताः ।
निर्भयाः प्रतिपद्यन्ते यदा रक्षति भूमिपः ।।

‘અનેક અલંકારોથી જાતને શણગારીને અને કોઈ પુરુષના સથવારા વિના, સ્ત્રીઓ મુક્ત અને નિર્ભય રીતે માર્ગાે પર અને ગલીઓમાં (કોઈથી પજવાયા વગર) ફરે તો તે રાજ્ય સુશાસિત છે.’

વેદાંત જેને સૌનો જન્મસિદ્ધ અધિકાર માને છે તે આધ્યાત્મિક વિકાસ દર્શાવવા ઋષિ શબ્દ અહીં વપરાયો છે. આપણે સામાન્ય રીતે ઋષિ શબ્દ સાંભળીએ છીએ ત્યારે વિશ્વામિત્ર કે વિશિષ્ઠ કે બીજા કોઈ પૌરાણિક ઋષિ સમજીએ છીએ. પણ તે શા માટે ? થોડા ઘણા આધ્યાત્મિક વિકાસ દ્વારા કોઈપણ વ્યક્તિ ઋષિ બની શકે છે.

દરેક માનવીમાં નિહિત દિવ્યતાના અને જીવનમાં, કાર્યમાં અને માનવસંબધોમાં એને પ્રકટ કરવાના વેદાંતના બોધમાંથી એ શકયતા પ્રગટે છે. એક ટૂંકા વચન દ્વારા સ્વામી વિવેકાનંદ આ સત્ય વ્યક્ત કરે છે ઃ

‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો.’ (સ્વા.વિ. ગ્રંથમાળા-ભાગ.૧.૨૭૬)

ભગિની નિવેદિતાને લખેલા એક પત્રમાં (સ્વા.વિ. ગ્રંથમાળા-ભાગ.૭.૫૨) સ્વામીજીએ લખ્યું હતું:

‘જગતના ધર્માે નિર્જીવ અને હાંસી જેવા થઈ ગયા છે. દુનિયા ચારિત્ર્ય માગે છે.’

એ ચારિત્ર્ય આધ્યાત્મિક વિકાસનું ફળ છે. ધોકાપંથી ધર્મ નહીં પણ આ આધ્યાત્મિક વિકાસ મૂલ્યાભિગામી જીવનમાં પરિણમે છે. નાની-મોટી લાંચ સહિતની બધી લાલચોનો એ સામનો કરી શકે છે. મહાભારતમાંના બાહુબળ અને બુદ્ધિબળ ઉપરાંતના જે આત્મબળનો ઉલ્લેખ અગાઉ કર્યાે હતો, તે આ છે. જેમની પાસે બુદ્ધિબળ છે, તેમની પાસે નાની લાલચોનો યે પ્રતિકાર કરવાની શક્તિ નથી; વાસ્તવમાં તો બીજાઓ કરતાં તેઓ વધારે સહેલાઈથી લાલચોમાં ફસાઈ જાય છે.

Total Views: 322

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.