આધ્યાત્મિક વિકાસમય અને મૂલ્યાભિગામી જીવનના આરંભના યુગમાં પ્રગતિ કરવાને માર્ગે આપણે જઈ રહ્યા છીએ. આપણા જનીનતંત્રની જાળમાં સપડાયેલો આપણો ક્ષુદ્ર અહં એ જાળમાંથી મુક્ત બની પ્રેમ અને બીજાં માટે કંઈક કરી છૂટવાની ભાવનામાં વિકસી શકે છે. આધ્યાત્મિક વિકાસ એને કહેવાય છે. આજના જીવશાસ્ત્રમાં તેને મનોસામાજિક ઉત્ક્રાંતિ કહે છે. તમારું ચિત્ત પોતાની જનીનમર્યાદાથી મુક્ત થઈ સહાનુભૂતિ, પ્રેમ અને બીજાઓ માટેની કાળજીમાં વિકસી શકે છે.

અર્વાચીન જીવશાસ્ત્ર કહે છે કે જનીન બીજ સ્વાર્થી છે અને એમનામાંથી કદી મૂલ્યો નિષ્પન્ન થઈ શકે નહીં. દરેક માનવી સિદ્ધ કરી શકે તેવા શિક્ષણવિકાસમાં એ વિશાળતા અગત્યની છે અને મનુષ્યકક્ષાએ એ જ ઉત્ક્રાંતિનું ધ્યેય છે. ઉત્ક્રાંતિની પ્રગતિનો એ સંદેશ ઝીલવા માટે આખું જગત આતુર છે.

ધર્માે આપણી પાસે ઘણા બધા છે પણ આધ્યાત્મિક વિકાસ અતિ અલ્પ છે. આધ્યાત્મિક વિકાસથી ચારિત્ર્ય ઘડાય છે; અથવા જ્યાં ચારિત્ર્ય છે, જ્યાં મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ છે, ત્યાં આધ્યાત્મિક વિકાસ છે એમ વેદાંત કહે છે. તમે એ પંથે હો ને, ભલે ને થોડાં પગલાં જ ભર્યાં હોય તે છતાં એ મોટો લાભ છે.

એટલે ભારતમાં આપણે આ પાઠ શીખવાનો છે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં, ‘બધું જ’ અથવા ‘કંઈ જ નહીં’, એના કરતાં થોડું પણ અગત્યનું છે. દુર્ભાગ્યે આપણી વિચારસરણી જુદી દિશાની છે. ‘હું વસિષ્ઠ ઋષિ ન બની શકું તો હું સ્વાર્થી સંસારી માણસ થઈશ.’ કંઈ ન હોય તેના કરતાં થોડુંક પણ હોય તે સારું, એ આપણે શીખવાની જરૂર છે. તો પછીનું પગલું શા માટે ન ભરવું ? એક ડગલું આગળ જાઓ. પ્રેમ અને બીજાઓ માટે કાળજી ધારણ કરો, સેવાભાવનાથી કાર્ય કરો. તમે એમ કરશો એટલે તરત જ તમે આધ્યાત્મિક વિકાસને પંથે ચડશો. આવા આધ્યાત્મિક રીતે વિકસિત લોકોએ સત્તાનાં સૂત્રો સંભાળવાં જોઈએ, પછી એ સત્તા રાજકીય હોય, વહીવટી હોય કે આર્થિક હોય.

લોકો એમ કરે ત્યારે સૌનાં હિત માટે તેઓ સત્તા વાપરે છે, સમાજ સુખી થાય છે, માનવવિકાસ સધાય છે, શાંતિ અને સંવાદિતા સ્થપાય છે. આમ, આ રાજર્ષિની વિભાવના આાપણે માટે તેમજ બીજાં રાષ્ટ્રો માટે ખૂબ અગત્યની છે; આપણી લોકશાહીને એ તંદુરસ્ત અને બળવાન બનાવશે. પોતાના યોગદર્શનને શ્રીકૃષ્ણ વ્યવહારુ વેદાંત માને છે અને એ બોધ રાજર્ષિઓ ઉત્પન્ન કરે તેવો છે; इमं विवस्वते योगं प्रोक्तवान् અને राजर्षयो विदुः એ ૪થા અધ્યાયના આરંભના શબ્દો નિર્દેશે છે.

આ વિચારને વિકસાવનાર પ્રાચીન ચીની ચિંતકોને પણ આ સંદર્ભમાં હું યાદ કરવા માગું છું. ચીની વિચારણામાં રાજર્ષિની વિભાવના ભીતર ઋષિ અને બહાર રાજા, એ રૂપે આવે છે. બાહ્ય રીતે તમે રાજા છો, આંતરિક દૃષ્ટિએ ઋષિ છો. એ વિસ્મયકારક કથન છે – રાજર્ષિનો શબ્દશઃ અનુવાદ. આમ, અવિકસિત, વિકસિત રાષ્ટ્રોને, આખા જગતને, આ પરિવર્તનની આવશ્યકતા છે. દરેક માનવીમાં રહેલા અવ્યક્ત બ્રહ્મના વેદાંતના સત્યે આવા વિકાસની શક્યતાની બાંહેધરી આપી છે. ભ્રષ્ટાચાર હોય, સામાજિક કુરિવાજો હોય, વધારે ને વધારે ગુનાખોરી હોય તો એ સઘળું આધ્યાત્મિક વિકાસના અભાવમાંથી ઉદ્‌ભવે છે. ‘થોડોક પણ આધ્યાત્મિક વિકાસ પૂરતો થશે.’ स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्, એમ બીજા અધ્યાયમાં આપણને ખાતરી આપવામાં આવી હતી.

એનો બીજો ઇલાજ જ નથી; કોઈ ધારો, લોકસભાએ ઘડેલો કોઈપણ કાયદો મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ સાધી શકે નહીં. ભીતર રહેલી ઊર્જાઓ સાથે સ્વપ્રયત્નથી કામ પાર પાડવાથી જ એ નીપજે છે. જનીન પરિમાણથી પરનો આ આધ્યાત્મિક પરિમાણનો વિકાસ બીજાઓને પ્રેમ અને સેવાથી ભેટવા માનવીને સમર્થ બનાવે છે.

સંસ્કૃત महात्मा શબ્દનો અર્થ એ જ છે. ગાંધીજીને શા માટે મહાત્મા કહેવામાં આવતા હતા ? કારણ કે એમનો આત્મા એમના લઘુકડા દેહતંત્રનો કેદી ન હતો. પોતાની જાતને એણે એ દેહતંત્રમાંથી અનાસક્ત કરી લીધી હતી અને પ્રેમમાં તથા માનવો માટેની કાળજીમાં એનો વિકાસ થયો હતો. એટલે આપણે એમને મહાત્મા કહેતા.

મહાત્માનો વિરોધી શબ્દ અલ્પાત્મા છે; મહાત્માની વિભાવનાની માફક આમાં પણ કેટલીક કક્ષાઓ છે. અલ્પાત્માની નિમ્નતમ કક્ષા કઈ તે જાણવું સુસંગત થશે. આપણાં રાજકારણ અને વહીવટની રાષ્ટ્રિય તેમજ રાજ્ય કક્ષાની વિવિધ કક્ષાઓએ આ બેઉ પ્રકાર જોવા મળે છે. ‘ઓછો’ દાયજો લઈને પોતાની પ્રથમ પત્નીને સળગાવી મારી, વધારે મોટા દાયજા લાવનારી બીજી પત્ની કરનાર, ઉચ્ચ પગારદાર સરકારી કર્મચારી તે અધમાધમ અલ્પાત્મા! આવા બધા કિસ્સાઓમાં આપણને જણાશે કે એ વ્યક્તિનો અલ્પ આત્મા સંપૂર્ણપણે એના જનીનતંત્રને વશ છે. જનીનબીજ સ્વાર્થી છે એમ અર્વાચીન જીવશાસ્ત્રી કહે છે. પોતાના પુસ્તક The Selfish Geneમાં (પૃ. ૨-૩ પર) બ્રિટિશ જીવશાસ્ત્રી રિચર્ડ ડોકિન્સ આ પ્રમાણે કહે છે ઃ

‘આ પુસ્તકનો સૂર એ છે કે આપણે અને અન્ય સૌ પ્રાણીઓ આપણાં જનીનબીજ સર્જિત યંત્રો છીએ… સફળ જીન પાસેથી જે આગળ પડતા ગુણની આપણે આશા રાખવાની છે તે, નિર્મમ સ્વાર્થની છે એમ હું દલીલ કરીશ. આ જનીન સ્વાર્થ વૈયક્તિક વર્તનમાં સ્વાર્થને જન્મ આપશે.

‘કેવળ વૈશ્વિક નિર્મમ સ્વાર્થના જનીન નિયમ આધારિત માનવસમાજ જીવવા માટે ખૂબ ખતરનાક સમાજ થશે એમ મને લાગે છે… વ્યક્તિઓ ઉદારતાપૂર્વક અને નિઃસ્વાર્થતાપૂર્વક સહકાર સાધે એવો સમાજ રચવાની, મારી માફક, તમે ઇચ્છા રાખતા હો તો ‘જૈવિક પ્રકૃતિ’ તરફથી તમને ભાગ્યે જ કશી સહાય મળશે. ભાગ્યે જ એટલે જરા પણ નહીં !’

દરેક બાળકને મહાત્મા બનવાને માર્ગે મૂકવાનું કાર્ય શિક્ષણને કરવા દો જેથી, આસ્તે આસ્તે, એ નિવૃત્તિવયે પહોંચે ત્યાં સુધીમાં, એ વ્યક્તિએ સારા પ્રમાણમાં આધ્યાત્મિક વિકાસ સાધ્યો હોય. આધ્યાત્મિક વિકાસ, પ્રગતિ તેમજ પૂર્ણતા સાધતું અને આંતરિક વિકાસ સાથે જગતને આગળ લઈ જતું એ સાચું શિક્ષણ છે. આરંભના થોડાક શ્લોકોમાં શ્રીકૃષ્ણ એ ભાવનાને સ્પર્શે છે અને બીજા-ત્રીજા અધ્યાયોમાંનો યોગ વિશેનો બોધ સમગ્ર મનુષ્યજાતને આધ્યાત્મિક વિકાસને પંથે લઈ જનારો છે. ઉત્ક્રાંતિની પૂર્ણતાના ધ્યેય તરફની એ કૂચ છે. આવી આગેકૂચ ન થાય તો સર જુલિયન હક્સલી જેવા જીવશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે માનવઉત્ક્રાંતિ ઇંદ્રિયકક્ષાએ જ સ્થગિત થઈ જશે, સડી જશે અને નાશ પામશે.

વેદાંત કહે છે કે આવો આધ્યાત્મિક વિકાસ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે. ગીતાનો આ કેન્દ્રવર્તી વિચાર છે. એ સાધુતાનું તત્ત્વજ્ઞાન નથી પરંતુ પ્રેમ અને સેવાથી શોભતું પ્રવૃત્તિમય જીવન છે. શ્રીકૃષ્ણના કથને અર્જુનના મનમાં એક પ્રશ્ન ઊભો કર્યાે છે. અને હવે આપણે એ પ્રશ્નની ચર્ચા કરીશું.

Total Views: 337

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.