રામાયણ-મહાભારત અથવા પુરાણકાળમાં આ દુર્ગાપૂજા વિધિપૂર્વક ક્યાંય ભારતમાં ચાલુ રહી હોય, એવું આપણે ચોક્કસપણે કહી શકતા નથી. રામાયણના પ્રથમ સર્ગમાં હિમાલયની મેનકાથી થયેલ પુત્રી અને ગંગાની બહેન તરીકે ઉમાનો ઉલ્લેખ છે. આ ઉમા શિવ-મહાદેવને પરણાવી હતી. મહાભારતમાં કથા ફરી કહેવાઈ છે. રામાયણમાં ઘણી વાર શ્રી-લક્ષ્મીનો વિષ્ણુશક્તિ રૂપે ઉલ્લેખ થયો છે. મહાભારતના સૌપ્તિકપર્વમાં કરાલી, શ્યામવર્ણી શ્યામવસના રક્તાક્ષી, લોહીથી ખરડાયેલ આંખો, મુખ અને દેહવાળી કાલીનું વર્ણન છે. એ પાશ હસ્તા કાલરાત્રિ છે. ઋગ્વેદના રાત્રિસૂક્ત સાથે એ સંબદ્ધ લાગે છે. એક નિર્ઋતિ પણ આવી જ દેવી છે.

મહાભારતમાં કાત્યાયની અને ચંડી નામની માતૃશક્તિનો ઉલ્લેખ છે. પણ ખૂબ મહત્ત્વની માતૃશક્તિ તો યુધિષ્ઠિર દ્વારા સ્તુતિ કરાયેલી દુર્ગા છે. એમાં સુપરિચિત વર્ણન છે. શ્રીકૃષ્ણની કહેવાથી અર્જુને પણ એવી સ્તુતિ કર્યાનું કહેવાય છે. મહાભારતના આ સંદર્ભો કેટલાક વિદ્વાનોને માન્ય નથી.

પૌરાણિક સેળભેળવાળી અનેક માતૃશક્તિઓનું મૂળ, ભારતની પર્વતની દેવી ઉમા કે પાર્વતી લાગે છે. બીજી આદિકાળથી વિવિધ માતૃશક્તિઓ એ એકમાં જ પછીથી ભળી ગયેલી લાગે છે. શક્તિ સિદ્ધાંતના વિકાસે આ એકીકરણને મદદ કરી છે. શક્તિ તત્ત્વ એક માટે માતા પણ એક જ છે. આમ અનેક દેખાતાં શક્તિરૂપો એક ‘ઉમા’ પાર્વતીમાં ભળી ગયાં અને ખ્રિસ્તીયુગથી માંડીને આજ સુધી સમગ્ર ભારતમાં શિવપિતાની એક પરમશક્તિરૂપે માતારૂપે પૂજાવા લાગ્યાં. કાલિદાસે એને ‘જગત: પિતરૌ પાર્વતીપરમેશ્વરૌ, વાગર્થાવિવ સંપૃક્તૌ’ કહી રઘુવંશમાં નમન કર્યું છે. કુમારસંભવમાં પાર્વતીએ તીવ્ર તપ દ્વારા શિવને પતિ રૂપે મેળવ્યાની કથા છે. આ ગ્રંથમાં ઉમાનાં ગૌરી, અપર્ણા વગેરે અન્ય નામો છે. પાર્વતીના લગ્નમાં કેટલીય સૌમ્યરુદ્ર માતૃશક્તિઓ-દેવીઓએ ભાગ લીધો હતો, એમ કાલિદાસના બંને મહાકાવ્યોમાં લખ્યું છે. દક્ષપુત્રી સતીએ વગર નોતરે યજ્ઞમાં જઈ પિતાએ કરેલ પતિના અપમાનનો બદલો યજ્ઞાગ્નિમાં આપઘાત કરીને લીધો અને બીજા જન્મમાં પણ શિવને પતિ તરીકે પામવાની ઇચ્છા તપ દ્વારા પૂરી કર્યાની કથા પણ કુમારસંભવમાં છે.

૬ઠ્ઠી કે ૭મી સદીના વસુબન્ધુની ‘વાસવદત્તા’ અને બાણભટ્ટની ‘કાદમ્બરી’ અને ‘હર્ષચરિત’ નામની ગદ્યકથાઓમાં અને ત્યારપછીના વાક્‌પતિરાજનો ‘ગન્દવાહ’ (પ્રાકૃષ) ગ્રંથ તેમજ ભવભૂતિના ‘માલતીમાધવ’ નાટકમાં વિવિધ માતૃશક્તિની પૂજાનો ઉલ્લેખ છે. આ ત્યાં ઉલ્લેખાયેલી પર્ણશબરી જેવી માતૃશક્તિઓ તે વખતની શબર વગેરે પછાત અને જંગલી લોકોની ઉપાસ્ય હતી એ શરાબ, માંસ, પ્રાણીઓ વગેરેના બલિદાનથી પ્રસન્ન કરાતી. મહાભારતના ખિલહરિવંશમાં શબરાદિપૂજિત દુર્ગા પણ આવી જ દેવી છે. સાચી વાત તો એ છે કે ઈસ્વીની શરૂઆતથી દસમી સદી સુધીમાં સ્થાનીય મૂળ પછાત પ્રજાની અનેક માતૃશક્તિઓ હિન્દુજાતિમાં પોતાનું સ્થાન મેળવવા ધસી આવી અને શક્તિની સર્વવ્યાપક્તાના હિન્દુ સિદ્ધાંતનો લાભ એને મળ્યો અને એ એક જ શક્તિ અનેકરૂપે સ્વીકારાઈ ગઈ.

૩. શક્તિનો સિદ્ધાંત

ભારતમાં શક્તિસિદ્ધાંતનું મૂળ અને એનો વિકાસ જોઈએ : ભારતીય શક્તિસિદ્ધાંતના બે પ્રશસ્ય તાત્ત્વિક વળાંકો છે. (૧) ભૌતિક અને (૨) તાર્કિક-વૈચારિક. ભૌતિક રીતે એ બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાયો છે. વિચારશક્તિના ઉદયકાળથી જ માનવનો એ સામાન્ય અનુભવ છે કે સ્ત્રી-પુરુષના યુગલ વગર કોઈ ઉત્પત્તિ થઈ શકે નહિ. વિશ્વોત્પત્તિમાં પણ માનવે એ અનુભવ લાગુ પાડ્યો. એ રીતે માનવ સૃષ્ટિના આદિમાતા અને આદિપિતાના વિચાર સુધી પહોંચ્યો. પ્રાથમિક સમાજ માતૃપ્રધાન હતો, તે આપણે જોયું. તો એ વખતે આદિપિતા કરતાં આદિમાતા પણ મુખ્ય જ હોય. ભારતમાં સિંધુખીણની સંસ્કૃતિ (મોહન-જો-દરો, હડપ્પા)ના કાળથી આજ સુધી આદિપિતા લિંગ સ્વરૂપે અને આદિમાતા યોનિ સ્વરૂપે પ્રતીકાત્મક રીતે ગણાતાં રહ્યાં છે. લિંગ-યોનિ રૂપે શિવશક્તિનું પ્રતિનિધિત્વ ભારતમાં પ્રચલિત ધાર્મિક માન્યતા છે. જૂનાં-નવાં સર્વ શિવાલયોમાં આ પ્રતીકોની પૂજા આજે ય થાય છે. હિંદુ અને બૌદ્ધ તંત્રોમાં ભગવાન પુરુષદેવને શ્વેતબિંદુનું અને ભગવતીને (સ્ત્રીદેવી) ‘શોણ બિંદુ’નું પ્રતીક અપાયું છે, જે અનુક્રમે વીર્ય અને રજ: પિંડનું સૂચન કરે છે.

તાર્કિક કે વૈચારિક રીતે જોઈએ તો દરેક વસ્તુની હસ્તી એની શક્તિ પર આધાર રાખે છે. એટલે સૃષ્ટિનો સર્જક-પાલક-નાશક ઈશ્વર પણ અનન્ત શક્તિશાળી હોય જ. ઈશ્વરની આ સર્વશક્તિમત્તા વિશ્વવ્યાપ્ત છે પણ ભારતની એમાં વિશેષતા એ છે કે આ શક્તિને એે સ્ત્રીલિંગી-સ્ત્રીરૂપી માની છે અને એના ધારકને એણે પુરુષ રૂપ આપ્યું છે. અંતે શક્તિમાન (પુરુષ)ની પત્ની તરીકે શક્તિ મનાઈ. આ વાત કેવળ શાક્તોને જ લાગુ પડતી નથી, પણ શૈવો, સૌરો, ગણપત્યો, વૈષ્ણવો વગેરે બધા સંપ્રદાયોમાં આ શક્તિએ પોતાનું સ્થાન જમાવ્યું છે. પુરાણનો કોઈ દેવ પોતાની સહચારિણી શક્તિ વિનાનો નથી. મહાયાન બૌદ્ધોમાં પણ બધે આવું જ છે.

શક્તિ પરની દૃઢ આસ્થાએ પરસ્પર વિરોધી તત્ત્વવિચારોનો સમન્વય સાધ્યો છે. સાંખ્યનાં પુરુષ-પ્રકૃતિ, તંત્રોનાં શિવ-પાર્વતી, વૈષ્ણવોનાં વિષ્ણુ-લક્ષ્મી, રામ-સીતા, રાધાકૃષ્ણ, બ્રહ્મ-માયા વગેરે યુગલો એ એક જ શક્તિ અને શક્તિમાનના યુગલને સૂચવે છે. બૃહદારણ્યકોપનિષદ (૧.૪.૧.૩)માં શક્તિસિદ્ધાંત નિરૂપતાં કહે છે કે શરૂઆતમાં એક સત્‌ આત્મતત્ત્વ જ હતું, એ એકલું આનંદ પામ્યું, એટલે એકમાંથી બે થવાની ઇચ્છા કરી. એની જાત નાન્યતર હતી. સ્ત્રી-પુરુષના ગહન આશ્લેષ જેવી એની સ્થિતિ હતી. આ અદ્વૈતતત્ત્વે પોતાના સ્ત્રી અને પુરુષ એવા બે ભાગ પાડ્યા. એ સૃષ્ટિનું પ્રથમ યુગલ હતું. પછીનાં સ્ત્રીપુરુષ યુગલો એની પ્રતિકૃતિ હતાં. પુરાણો, તંત્રો, બૌદ્ધતંત્રો, સહજિયા વૈષ્ણવો વગેરે શક્તિનું મહત્ત્વ સ્વીકારતા મતોએ ઉપનિષદના આ ફકરાઓનો બહોળો ઉપયોગ કર્યો છે. જે કંઈ ઉત્પન્ન થયું છે, તે બધું શક્તિ-પદાર્થ એક જ અદ્વૈતનાં બે પાસાં આંતરિક અને બાહ્ય-થી જ સર્જાયું છે. એક છે સ્વયંપ્રકાશ, અચલ-અમર અને બીજું આવરણકારી, સ્થૂળ અને નાશવંત છે. એક કારણ છે, બીજું કાર્ય છે. શૈવ-શાક્ત તંત્રમાં પ્રશ્નોપનિષદનું પ્રાણરયી કે અગ્નિસોમ આ શિવ-શક્તિનાં જ રૂપો છે. શ્વેતાશ્વતરમાં બ્રહ્મતત્ત્વની અનેક પ્રકારની શક્તિઓ બતાવી છે. (૬.૮) વળી, ‘માયા’ ને પ્રકૃતિ અને ‘માયી’ને મહેશ્વર પણ કહેલ છે. (આ મહેશ્વર પછીથી શિવવાચી થયા.)

આ શક્તિવાદનું વિવરણ લગભગ બધા પુરાણો, ઉપપુરાણો, સંહિતાઓ, મુખ્યત્વે હિન્દુ અને બૌદ્ધ તંત્રોમાં મળે છે ખરું, પણ એની પદ્ધતિસરની તાત્ત્વિક વિચારપૂર્ણ રજુઆત ક્યાંય મળતી નથી. ભારતના માતૃશક્તિના ઉપાસકોનો મહત્ત્વનો ગ્રંથ ‘ચંડી’ જેમાં છે, તે માર્કંડેય પુરાણમાં પણ તાર્કિક ચર્ચા નથી. પુરાણોનાં શક્તિવર્ણનો અસ્પષ્ટ અને વેરવિખેર છે. શક્તિવાદની દાર્શનિક ચર્ચા હિંદુ અને બૌદ્ધ તંત્રોમાં એકસરખી મળે છે. હિંદુતંત્રો કાશ્મીર અને બગાળમાં વિકસ્યાં. વિદ્વાનોને મતે એકેય બંગાળી તંત્રગ્રંથ દસમી સદી પહેલાં લખાયો નથી. કાશ્મીરના તંત્રગ્રંથો તે પહેલાં લખાયા છે. અને એમાંથી કાશ્મીરના ત્રિક સંપ્રદાયે ઘણું ઉછીનું લીધું છે. કાશ્મીરી શૈવસંપ્રદાય નવમી કે દસમી સદીમાં ફેલાયો. પણ પાંચરાત્રોના સંહિતાગ્રંથો એથીય પહેલાં રચાયા. અને એમાં વિષ્ણુ સાથેની શક્તિની તાત્ત્વિક ચર્ચા છે. એમાં પરમતત્ત્વનાં બે સ્વરૂપો પૈકી પહેલું સ્વરૂપ નિષ્ક્રિય, સુષુપ્ત સર્જક-સ્પંદનોવાળું, સમગ્ર વિશ્વના બીજરૂપ, અનેક સંભાવના યુક્ત શૂન્યતારૂપ, શક્તિગર્ભ છે. એના મનમાં સૃષ્ટિસર્જનનું પહેલું સ્પંદન સંકલ્પ જાગતાં એણે ઇચ્છા કરી. એ શક્તિનું પ્રથમ સ્ફૂરણ હતું. ઈશ-શક્તિનો આ સંબંધ અગ્નિ અને એની દાહકશક્તિ જેવી અભિન્ન અને અવિચ્છેદ્ય છે. આ શક્તિનું જાગરણ એક પરમનું જ બીજું રૂપ છે. આ શક્તિજાગરણ ઇચ્છા જ્ઞાન અને ક્રિયારૂપે પ્રકટે છે. આ શક્તિના ત્રિકોણયંત્રનું મૂળ છે. કારણ કે યંત્રના પ્રતીકાત્મક રૂપ સિવાય શક્તિનું શક્તિમાન કરતાં કોઈ અલગ સ્વરૂપ હોઈ શકે નહિ. શક્તિ એક જ પરમતત્ત્વનું અવસ્થાન્તર માત્ર છે, એ પરમતત્ત્વનો સર્જનાનન્દ છે. આ શક્તિ સમવાયિની શક્તિ તરીકે પરમતત્ત્વમાં રહે છે અને પ્રકૃતિ તરીકે બહાર ત્રિગુણાત્મક રૂપે પ્રકટ થાય છે.

કાશ્મીરી તંત્રગ્રંથો પણ આવી જ માન્યતા ધરાવે છે. શક્તિ એ ઈશ્વરના ‘હું પણા’નું સ્વત: આવિષ્કરણ છે. એ આવિષ્કરણ એની લીલા માટે જ છે. એટલા માટે ઈરાદાપૂર્વક એ શક્તિની સામ્યાવસ્થામાં ખલેલ પાડે છે. શક્તિરૂપી સ્વચ્છ અરીસામાં ઈશ્વર પોતાને નિહાળીને આનંદ માણે છે બધી ઈશ્વરેચ્છાઓ પૂર્ણ કરનાર હોવાથી એ કામેશ્વરી છે.

શિવ-શક્તિ વચ્ચેના મુખ્ય ત્રણ પ્રકારના સંબંધો પુરાણો અને તંત્રોમાં માન્યા છે. પહેલો તો એ કે એકલા શિવ કે એકલી શક્તિ સંપૂર્ણ સત્ય નથી. સંપૂર્ણ સત્ય તો શિવ-શક્તિનું સામરસ્ય (પૂર્ણજોડાણ) જ છે. એ આનંદધન ઐક્યમાં સ્થિરતા અને ગતિ,નકારાત્મકતા અને હકારાત્મકતા, ભાવાત્મકતાઓ નકકરતા, સ્ત્રીત્વ અને પુરુષત્વ જોડાયેલાં જ છે. બૌદ્ધ તંત્રોમાં ઉચ્ચત્તમ સત્ય અદ્વય બોધિસત્ત્વમાંથી શૂન્યતા, પ્રજ્ઞા, અને ઉપાયના પ્રવાહો નીકળે છે, એમ કહ્યું છે. ત્યાં પ્રજ્ઞા સત્યનું નકારાત્મક પાસું છે. અને ઉપાય એ હકારાત્મક ગતિશીલ પાસું છે. આ ‘પ્રજ્ઞા’ અને ‘ઉપાય’ હિન્દુતંત્રોનાં શિવ અને શક્તિ જ છે. ફકત એ પાસાઓમાં શિવશક્તિનું લિંગપરિવર્તન થયું છે. 

બીજા અભિપ્રાય પ્રમાણે પરમતત્ત્વ શિવસાથે શક્તિ સદા સંયુક્ત છે. છતાં એક બીજા વિના એકેય સત્‌ નથી. શક્તિ અને શક્તિમાન જુદાં પડી જ ન શકે. ત્રીજો અભિપ્રાય શક્તિને જ મુખ્ય માનીને શિવને એનું ઉત્તમ અધિષ્ઠાન માને છે. પાત્ર કરતાં પાયગત પદાર્થ વધુ મુખ્યતા ધરાવે છે કેટલાંક પુરાણોમાં આ પરમસત્‌ શક્તિને ‘લલિતા’ કહી છે. અને તંત્રોમાં એને જ ત્રિપુરા સુંદરી કહેવામાં આવેલ છે. અરવિંદને મતે આ ચેતન શક્તિ ઘણા સ્વરૂપે અને અનેક રીતે અભિવ્યક્ત થાય છે. પહેલું એનું મૂળશક્તિ સ્વરૂપ એ ઊર્ધ્વસ્થ રહી વ્યક્તને અવ્યક્ત રહસ્યમય સત્‌ સાથે જોડે છે.અનન્ત શક્તિમાન સર્વવ્યાપક સત્‌ પોતાનામાંથી સમગ્ર જગતની અભિવ્યક્તિ કરે છે. બીજું સ્વરૂપ વૈશ્વિક મહાશક્તિ છે, એ સર્વસર્જક અને સર્વભૂતો પર પ્રભુત્વ ધરાવનારું છે. અને ત્રીજું સ્વરૂપ વૈયક્તિક શક્તિરૂપ છે. એ માનવજાતિ અને પ્રકૃતિને જોડનારું, આપણા દ્વારા અનુભવાતું તત્ત્વ છે. 

વળી પુરાણોના અને તંત્રોના કહેવા પ્રમાણે આ મૂલપ્રકૃતિ પોતાનામાંથી ઉત્પન્ન ત્રણ ગુણો વડે વિશ્વ પર રાજ કરે છે. એના સત્ત્વગુણે મહાસરસ્વતી, ૨જોગુણે મહાલક્ષ્મી અને તમો ગુણે મહાકાલીનું રૂપ ધારણા કર્યું છે. શ્રીઅરવિંદે મહામાતૃશક્તિનાં ચાર સ્વરૂપો બતાવ્યાં છે: સૌમ્ય, ઉત્સાહયુક્ત ભવ્ય, સૌન્દર્ય અને આશ્ચર્યભર્યું અને જ્ઞાનસ્વરૂપ (જુઓ : The Mother, pg. 45-50 )

માર્કંડેય પ્રમાણના ૮૦ થી ૯૩ તેર અધ્યાયો દેવી માહાત્મ્યમ્‌ તરીકે ઓળખાય છે. એમાં મહાશક્તિનું વિસ્તૃત વર્ણન છે. ભારના શક્તિપૂજકોનો એ પવિત્ર ગ્રંથ છે.એ ચંડી તરીકે સુપ્રસિધ્ધ છે. એની કથામાં મહાશક્તિને દેવી નામ અપાયું છે. પણ પછીથી એ દુર્ગા નામે જાણીતાં થયાં. પુરાણો અને તંત્ર આ નામનો વિવિધ રીતે અર્થ કરવામાં આવ્યો છે. એનો સાર એ છે આપણને બધાં દુ:ખો, ભયો, મુશ્કેલીઓમાંથી ઉગારે છે. એનું બીજું નામ ચંડી પણ છે. કારણ કે જ્યારે રાક્ષસોને હણવાનો અવસર આવે ત્યારે તે ચંડ-ભયંકર રૂપે અવતરે છે. આ દુર્ગા મહાશક્તિ છે. બંગાળમાં પાનખરમાં એની પૂજા એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ ગણાય છે. આગળ દર્શાવ્યા પ્રમાણે એ અન્નપૂર્ણા કે અન્નદા પણ કહેવાય છે. પાનખરની આસપાસના દિવસોમાં ત્યાં એ જગદ્ધાત્રી તરીકે પણ પૂજાય છે. અને વસંતમાં વાસન્તી રૂપે પૂજાય છે. પુરાણની આ દુર્ગાદેવીએ ભારતના તત્કાલીન પછાત સ્થાયી અને અન્ય લોકોમાં પ્રચલિત માતૃશક્તિનાં અનેક રૂપોને પોતાનામાં સમાવી લીધાં. કેટલાંક પુરાણો પ્રમાણે આ દેવી ભારતમાં ૧૦૮ સ્થાનોમાં ૧૦૮ નામે પૂજાય છે. એનાં હજારો નામો છે. કેટલાંક નામો દેવીના ગુણ બતાવે છે તો કેટલાંક સ્થાયી દેવીનાં નામોનું એમાં સામાન્યીકરણ થયું છે.

ચંડી સાથે જોડાયેલા દેવીકવચમાં આ નવદુર્ગા દેવીને શૈલીપુત્રી, બ્રહ્મચારિણી, ચન્દ્રઘંટા, કુષ્માંડી, સ્કન્દમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી તરીકે વર્ણાવેલ છે. વિવિધ માતૃશક્તિ સ્વરૂપોનાં વાહનોય જુદાં દર્શાવ્યાં છે. ચામુંડા શબ પર, વારાહી ભેંસ પર, ઐન્દ્રી હાથી પર, વૈષ્ણવી ગરુડ પર, નારસિંહી-શિવદૂતી- મહેશ્વરી બળદ પર, કુમારી મોર પર, લક્ષ્મી કમળ પર, ઈશ્વરી બળદ પર અને બ્રાહ્મી હંસ પર બેસે છે. આવાં આવાં તો બીજા અનેક નામો અને અનેક વર્ણનો છે. આવાં અસંખ્ય નામો અને સ્વરૂપોનાં વર્ણનો પરત્વે સર આર.સી. ભટનાગરે એ સાચું જ તારણ કાઢ્યું છે કે એક જ દેવી અસંખ્ય નામોરૂપો વાળી છે. પણ કોઈ આલોચક આંખે જોઈ શકે છે કે આ બધાં ખાલી નામો જ નથી, પણ જુદી જુદી દેવીઓ છે. એ બધી દેવીઓએ જુદી જુદી ઐતિહાસિક પરિસ્થિતિઓમાં પોતાની વિભાવના ઊભી કરી. પણ છેવટે હિન્દુઓના સહજ માનસિક વલણને અનુરૂપ એક જ દેવીમાં ભળી ગઈ. ભારતની વિવિધ દેવીઓ વરાહ અને નરસિંહ જેવા વિવિધ દેવો સાથે જોડાઈ કેટલીક વળી આદિવાસી અને આર્યેતર પ્રજાઓમાંથી પણ આવી મળી. જૂના સંદર્ભોમાં જોતાં લોહી તરસી ચામુંડા કદાચ આર્યેતર દેવી છે. ભાંડારકરને મતે જેમ કૌશિક કૌશિકોની દેવી હતી, તેવી રીતે કાત્યાયની કાત્યોની રક્ષક દેવી હતી. શાકંભરી, ભ્રમરી વગેરે નામો વિશે પહેલાં કહેવાઈ ગયું છે. કેટલીક બૌદ્ધદેવોઓનો સ્વીકાર અને એકમાં સમાવેશ પણ વિદ્વાનો સૂચવે છે. ઉદાહરણરૂપે હિન્દુઓની પ્રસિદ્ધ ‘તારા’ દેવી મૂળે બૌદ્ધ છે. બૌદ્ધોની વજ્રયોગિની, છિન્નમાસા રૂપે હિન્દુઓમાં આવી. પર્ણશબરી બૌદ્ધોમાં સુપ્રસિદ્ધ છે. પણ આ બૌદ્ધ હિન્દુ કે જૈન દેવીઓ આખરે તો મૂળ ભારતીય દેવીઓ જ છે. વિવિધ કાળે વિવિધ સ્થાનીય લોકો દ્વારા વિવિધ આસ્થાથી સ્વીકારાયેલ છે. કોઈ ખાસ ભારતીય દેવીનો ભારતના ધર્મમાં સીધો સ્વીકાર થયો કે કોઈ અન્ય ભારતેત્તર ધર્મ મારફત થયો એ જ માત્ર પ્રશ્ન છે.

અહીં એકાવન શક્તિપીઠોની વાત સૂચક છે. પ્રજાપતિ દક્ષે મહાદેવ-પોતાના પતિ-ના કરેલા અપમાનના વિરોધમાં દક્ષપુત્રી સતીએ યોગ દ્વારા દેહત્યાગ કર્યો. એના શબને કાંધે ઉપાડીને મહાદેવ શોક અને ક્રોધથી ત્રિભુવનમાં ઘૂમવા માંડ્યા. ત્રિભુવન ભયભીત બન્યું. એને ઉગારવા માટે વિષ્ણુએ પાછળથી આવીને શબના એકાવન ટૂકડા કર્યા. ભારતના જે એકાવન ભાગમાં એ ટૂકડા પડ્યા ત્યાં શક્તિપીઠો થઈ. આ પુરાણકથા પણ ભારતની અનેક દેવીઓની એક મહાશક્તિમાં એકીકરણની પ્રક્રિયા સૂચવે છે. એક બીજી કથા પ્રમાણે મહાદેવ પાસેથી પોતાના પિતા દક્ષના યજ્ઞમાં જવાની અનુમતિ મેળવવા માટે મહાદેવને બીવડાવવા સતીએ પોતાના એક રૂપમાંથી દસ રૂપો પ્રકટ કર્યાં હતાં એવી છે. આ દસ રૂપો એક જ સત્‌ રૂપ જ્ઞાન શક્તિની દસ મહાવિદ્યારૂપ મૂર્તિઓ છે. વિદ્વાનોને મતે આ દસ મહાવિદ્યાઓ દસ પ્રકારની મૂળ વતનીઓની દેવીઓ હતી. અને પાછળથી પુરાણકથા અને તાત્ત્વિક દૃષ્ટિની મદદથી એક જ મહાશક્તિરૂપ માતૃશક્તિમાં એકાકાર થઈ ભળી ગઈ. સાધકો આ બધાને એક જ મહાશક્તિનાં જુદાં જુદાં પાસાં માને છે. જે સાધકોની અલગ અલગ રસ-વલણ-રુચિ પ્રમાણે ઉપયોગી થાય છે.

દુર્ગાપૂજામાં બંગાળ ભારતમાં મોખરે છે. એની વાર્ષિક પૂજામાં તે પ્રસંગે ખાસ બનાવેલી માતાની પાર્થિવ મૂર્તિ ‘મહિષાસુર મર્દિની’ તરીકે રજૂ કરાય છે. મહિષાસુરના મર્દનની કથા ચંડીમાં છે. તે સિંહવાહિની અને જયા(લક્ષ્મી) અને વિજયા (સરસ્વતી) નામની બે પુત્રીઓ સાથે અને વરદાયક ગણેશ અને દેવસેનાપતિ કાર્તિક નામના બે પુત્રો સાથે રહેલી હોય છે. બંગાળની બીજી માતૃશક્તિ કાલી છે, એ જૂનાં મંદિરોમાં રોજ પૂજાય છે. એની વાર્ષિક પૂજા દુર્ગાપૂજા પછી ત્રણ સપ્તાહે થાય છે.

પૂજાવિધિઓના જાળાંઓમાં આપણે નહિ પડીએ. બીજમંત્રો અને કેટલાક સિદ્ધમંત્રો આજના બુદ્ધિ જીવીઓને ખાલી શબ્દાડંબર જ લાગે. આ સિવાય પણ માતૃપૂજામાં કેટલીક અંગભંગીઓ, મુદ્રાઓ, ગીતો, નૃત્યો, ઠાઠમાઠ અને ખાણીપીણી પણ હોય છે. એવી માન્યતા પણ વિશ્વમાં બધે ફેલાયેલી છે કે અમુક દેવી અમુક ભયંકર રોગ સાથે સંકળાયેલ છે. ભારતમાં સર્પદેવી, મનસા, વિષહરી, શીતલા, ષષ્ઠી,વગેરે એવી દેવીઓ છે.

ભારત અને ખાસ બંગાળમાં ચાલતી માતૃશક્તિની પૂજા લોકોની ધાર્મિક ચેતના તીવ્ર કરીને ઉચ્ચતમ જીવનમૂલ્યો તરફ એને વાળે અને સભ્યતાના ઘડતરમાં રૂપરંગ પૂરે એ માટે અને મહાશક્તિ દેશના લોકોની બુદ્ધિને અને જીવનને હલાવી મૂકે એ માટે શક્તિના તત્ત્વદર્શનની જરૂર છે. એની વાત આપણે પહેલાં કરી છે. એનું સુંદર બ્યાન ચંડીમાં છે.

ચંડીની કથા મહાશક્તિને પ્રથમ મહામાયા રૂપે કહે છે. એ આપણને જીવન અને જગતને સાચા રૂપમાં જોવા દેતી નથી. એ આપણા ભ્રાન્ત મનને જગતના જૂઠા પદાર્થોમાં આસક્ત કરીને આપણને દુ:ખો અને પીડાઓના અસ્તિત્વના નીચલા સ્તરે બાંધી રાખે છે. પણ આ ભ્રમસિદ્ધાન્ત આવ્યો ક્યાંથી? એ પણ દિવ્ય શક્તિનું જ એક પાસું છે. આખી સૃષ્ટિ પ્રક્રિયા માટે એ જ જવાબદાર છે. અંત સુધી એ જ દુનિયાને આકાર આપે છે. વિશ્વ ન હતું ત્યારે એ જ ‘સત્‌ તત્ત્વ’ હતું સત્તત્ત્વમાં એકાકાર હતું અને નહિ હોય ત્યારે પણ એ બીજ રૂપે રહેશે. એનો પ્રભાવ પરમ તત્ત્વ પર પણ હોય ત્યારે તે યોગમાયા કહેવાય છે. આ મહામાયા-મહાશક્તિ પ્રલય વખતે નિષ્ક્રિય રહે છે. તે વખતે પરમસત્‌તત્ત્વ જાણે સુષુપ્ત હોય એવું હોય છે. કાળને પોતામાં સમાવવાથી તે કાલી છે. અને એમાંથી જ પાછો કાળ અનંત પ્રવાહ રૂપે નીકળે છે. આ શક્તિ આધ્યાત્મિક હોવા ઉપરાંત નૈતિક, માનસિક, દૈહિક અને સ્થૂળ પણ છે. જે કંઈ હસ્તી ધરાવે છે અને કાર્ય કરે છે તે એને કારણે જ છે. એક બાજુ આપણાં ઉચ્ચતમ આનંદના સાક્ષાત્કાર માટે પ્રેરણા અને કાર્યો એનામાંથી જ છે, તેવી રીતે આપણી બૌદ્ધિકતા, લાગણીઓ અને સાવધાની પણ એને લીધે જ છે. જીવનની બધી પ્રક્રિયા અને કુદરતના નિયમો એને જ અધીન છે. દેવો અને પિતૃઓનો બલિમંત્ર પણ એ જ છે. પ્રણવ તે છે, ગાયત્રી તે છે. મૌનવાણી તે છે. વિશ્વની સર્જક-પાલક-સંહારક તે છે. મહાવિદ્યા, મહામેધા, વિસ્મૃતિ અને ક્ષમા, લજ્જા ટૂંકમાં બધું જ – પરસ્પર વિરોધી દેખાતું હોય તો પણ સારું નરસું – તે જ છે.

તો સાચા સાધક માટે માતૃશક્તિની ઉપાસનાનું મહત્ત્વ શું છે? એ જ કે તે પોતે અને વિશ્વ, પરમશક્તિના પ્રકટીકરણનાં માધ્યમો છે. આ કેવળ બૌદ્ધિક વિભાવના નહિ પણ એનો સાક્ષાત્કાર, અનુભૂતિ, સમગ્ર જીવનમાં એનો વિનિયોગ, થવો જોઈએ. સાચો ઉપાસક પોતાના સમગ્ર વ્યક્તિત્વને મહાશક્તિના સાધનરૂપ માને છે. અને સામરસ્થ પામે છે. એને અંદર-બહારના ભેદો રહેતા નથી, એટલે ચંડીમાં એનું ભીતર-બહાર સર્વત્ર આવાહન કરાયું છે.

ચંડી અસુરો અને દિવ્યશક્તિની યુદ્ધકથાઓથી ભરપૂર છે. એ આપણા મનમાં સતત ચાલતી દૈવી અને આસુરી તત્ત્વોની લડાઈના મનોવૈજ્ઞાનિક ચિત્રણનું રૂપક છે. રક્તબીજનું રૂપક આપણા મનમાં ઊંડા મૂળ ઘાલેલો આસુરીવૃત્તિ સૂચવે છે.

પરમસત્‌ તત્ત્વનો સાક્ષાત્કાર જ માતૃશક્તિની ઉપાસનાનો હેતુ છે. તાંત્રિકોને મતે એ ‘યંત્રો’ અને ‘મંત્રો’ દ્વારા થાય છે. પૂર્વોક્ત રીતે સંકલ્પ, ઇચ્છા, અહંતા અને પછી નાદ થાય છે. અને એમાંથી સ્થૂળ સૃષ્ટિપ્રક્રિયા ઉત્પન્ન થાય છે. વર્ણમાળા એ વૈશ્વિક સ્પંદનોનું સ્થૂળરૂપ છે. માતૃશક્તિમાં એ સ્પંદનો દર્શાવવા માટે જ તાંત્રિકો પૂજામાં ‘અંગન્યાસ’નો વિધિ કરે છે. યંત્રો દ્વારા પણ તત્ત્વ સાક્ષાત્કાર થાય છે. ‘પિંડે સો બ્રહ્માંડે’ના સિદ્ધાંત મુજબ સાધકો બ્રહ્માંડની એકેએક વસ્તુને દેહપિંડમાં શોધે છે. સઘળું બ્રહ્માંડ દેહમાં જ હોઈ દેહમાં જ સત્યશોધ કરવા સાધક અંતર્મુખ બને છે. આ મહાશક્તિના બે અંતિમો છે : એક સ્થૂળ-જડ અને બીજો પ્રકાશાનંદ શિવરૂપ. તંત્રો પ્રમાણે મૂલાધાર ચક્ર સ્થૂળ નિમ્નતમ છેડો અને સહસ્રાર ચક્ર ઉચ્ચતમ જાગ્રત છેડો સૂચવે છે. સાધનામાં પહેલાં નિમ્નતમ સ્થૂળ છે કે માતૃશક્તિને જગાડીને ક્રમે ક્રમે છેવટે ઉચ્ચતમ છેડે એનું પ્રકટીકરણ કરવાનું હોય છે. આમ, સર્વવ્યાપક માતૃશક્તિના પૂર્ણ સાક્ષાત્કારમાં ઉચ્ચતમ અને નિમ્નતમ એકાકાર બની જાય છે.

અઢારમી સદીના એની પહેલાના રામપ્રસાદ વગેરે માતૃશક્તિના ઘણા સાધકોએ ઓગણીસમી સદીના દક્ષિણેશ્વરના રામકૃષ્ણના જીવનને ભર્યું ભાદર્યું બનાવી દીધું હતું. માતૃશક્તિ ભારતીય સંકલ્પનાનું અને માતૃપૂજાના મહત્ત્વનું એ પરિણામ છે. પોતાનાં માતૃભક્તિનાં ગીતોથી રામકૃષ્ણને પ્રભાવિત કરનાર રામપ્રસાદ અને રામકૃષ્ણ બંને માતૃશક્તિને અનંત બ્રહ્મનું સ્વરૂપ જ સમજતા હતા. પણ રામકૃષ્ણ અનંત સત્‌ને એવું પરમસત્‌ સમજતા હતા કે જે સાકાર-નિરાકાર, સગુણ-નિર્ગુણ, સક્રિય-નિષ્ક્રિય, શક્તિ-શક્તિમાન બંનેને એકરૂપ જ કહેતા હતા. એ રૂપોમાંના કોઈ એક રૂપનું ધ્યાન પરમસત્‌નો સાક્ષાત્કાર કરાવે છે અને એથી પરમસત્‌ની શાંતિ અને નિર્મળતાને કશો બાધ આવતો નથી.

માની સંપૂર્ણ શરણાગતિ એ રામકૃષ્ણની માતૃભક્તિનો મૂળમંત્ર હતો. તેઓ કહેતા : બધું ‘મારું મારું’ નહિ પણ ‘માનું માનું’ જ છે. આ સંપૂર્ણ શરણાગતિએ તેમને સાક્ષાત્કાર કરાવ્યો કે સમગ્ર પ્રાણીઓ માનાં જ સંતાન છે અથવા તો માતૃરૂપ મહા તેજના તણખા છે. એનાથી એમના ઉપદેશોમાં જનસેવા એ માતૃસેવાનું શ્રેષ્ઠ રૂપ બની રહ્યું. શ્રીઅરવિંદે પણ આ સંપૂર્ણ શરણાગતિમાં મૂળમંત્ર સ્વીકાર્યો છે અને પોતાના ‘દિવ્યમાના અવતરણ’ના તત્ત્વજ્ઞાનમાં એનો વિનિયોગ કર્યો છે.

આ વ્યક્તિત્વની પરમતત્ત્વમાં સંપૂર્ણ બલિદાનરૂપ શરણાગતિની પૂર્ણ અનુભૂતિ જલદી મળી જતી નથી. એને ત્રણ પગથિયાં છે. પહેલે પગથિયે તમે તમને એ માતાએ પોતાની સેવા માટે સર્જેલા માનો છો. માતાના સંતોષ અને આનંદ સિવાય તમારે કોઈ ફળ-કામના નથી, સતત વધતી માતૃભાવના, શાંતિ અને બળ તમે એથી મેળવો છો. બીજે પગથિયે તમારું કર્તૃત્વ છૂટી જાય છે, તમે માત્ર સાધન બની રહો છો. ત્યાં તમને લાગશે કે દિવ્યમાતા કેવળ પ્રેરક કે દર્શક નથી પણ કર્તા છે. તમારાં બધાં હલનચલનો એનાં જ છે. તમારાં શક્તિ, મન, જીવન, દેહ- બધાં એનાં જ લીલા સાધનો છે. ત્રીજે પગથિયે તમે દિવ્ય શક્તિ સાથે એકાકાર થઈ જાઓ છો. ત્યાં તમે સાધક, કર્તા કે સેવક કશું રહેતા નથી, તમે એનાથી અભિન્ન બની જાઓ છો. તમે ફક્ત એનાં બાળક-એના અંશરૂપ બની જાઓ છો. તમારું આખું અસ્તિત્વ એનું જ છે. એ અનુભવ થાય છે. ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનું સાચું મહત્ત્વ આ જ છે.

માનવીય માતાએ દિવ્યમાતાની ઉપાસનાને વેગ આપ્યો એમ માનીએ તો દિવ્યાતાએ બદલામાં માનવીય માતાને ભવ્યતા અને માર્દવ આપ્યાં. સંસ્કૃત માનવમનમાં ઊંડે ઊંડે માનવમાતાને દિવ્યમાતાનો અવતાર માનવાની આસ્થા પડી જ છે. એક બંગાળી કવિએ ભારતીય લોકોની આ માન્યતાને વાચા આપતાં કહ્યું છે કે ‘જેમ અનંત આકાશનું પ્રતિબિંબ એક ગાયની ખરીએ પાડેલ ખાડાના જળમાં પણ દેખાય છે, તેવી જ રીતે મહાન દિવ્ય માતૃશક્તિની છાયા પૃથિવી પરની દરેક માતામાં અવશ્ય પડે છે.’ આ ઉક્તિ ભારતીય સમાજમાં અને ઘરોમાં માતાની સ્થિતિ વિષયક આપણું વલણ દર્શાવે છે. કેવળ માતા જ નહિ, સમગ્ર નારી જાતિને આ ભાવના લાગુ પડે છે. નારી અપરિણીત હોય ત્યારે એ કન્યાકુમારી જેવી પૂજનીય છે અને પરણે પછી ઉમા સ્વરૂપે, માતૃસ્વરૂપે લેખાય છે.

ભારતની માતૃશક્તિની આ વિભાવનાએ દેશપ્રેમમાં પણ વૃદ્ધિ કરી છે. પૃથ્વીને વિશ્વમાતા માનીએ એટલે દેશની ભૂમિને માતૃભૂમિ માનવી જ જોઈએ. અને એટલે જ બંગાળી મહાકવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આપણું રાષ્ટ્રગીત રચીને ગાયું : ‘વન્દે માતરમ્‌’.

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.