જગદંબા વિશે શંકરાચાર્ય

આઠમી ઈસ્વી સદીમાંના, ભારતના સૌથી મહાન દાર્શનિક શંકરાચાર્યે પોતાનાં કેટલાંક સ્તોત્રોમાં જગદંબાનો આ મહિમા ગાયો છે. અદ્વૈતના એ મહાન આચાર્ય હતા. ભારતીય તત્ત્વદર્શનનું સુગ્રથિત મહાલય એમણે બાંધ્યું અને, પોતાના બત્રીસ વર્ષના ટૂંકા આયુષ્યમાં એમણે સમગ્ર ભારતવર્ષને બૌદ્ધિક અને આધ્યાત્મિક રંગે રંગ્યો. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા સ્વ. ડો. રાધાકૃષ્ણને (Indian Philosophy, Vol.II, P.446 પર) શંકરાચાર્યની મહત્તા વિશે લખ્યું છે :

વેધક અને ગહન અધ્યાત્મવાળા ચિત્તના સંપર્કમાં પોતે છે એ ભાન વિના, ગંભીર અને સૂક્ષ્મ ચિંતનથી સભર શંકરનાં લખાણો વાંચવાં શક્ય નથી. અમેય સૃષ્ટિ માટેની એમની તીવ્ર લાગણી, આત્માનાં ગહન રહસ્યોમાંની એમની તાર્ક્ષ્ય દૃષ્ટિ, પુરવાર થઈ શકે તેના કરતાં એક પણ શબ્દ ઓછો – વધારે ન કહેવાની એમની દૃઢ પ્રતિજ્ઞા- આ બાબતોને લઈને, મધ્યયુગીન ભારતના ધાર્મિક વિચારકોની પચરંગી જમાતમાં પ્રથમ પંક્તિના વીર તરીકે શંકર ઉપસી આવે છે. એમનું દર્શન સર્વાંગ સંપૂર્ણ છે, એને ઉલાળ કે ધરારની જરૂર નથી.

શંકરના ધાર્મિક અભિગમની અને સહાનુભૂતિઓની સમાવિષ્ટતા અને વિશાળતાએ કરીને, ભારતના લોકોએ એમને ષણ્મતસ્થાપનાચાર્ય(છ દર્શનના સ્થાપક)ની અસાધારણ પદવી આપી! અને આત્માને જાગ્રત કરે તેવાં જગદંબાનાં સ્તોત્રો રચનાર આ મહાન દાર્શનિક જગદંબાના ઉગ્ર ભક્ત હતા. અવ્યક્ત સ્વરૂપનાં ગુણગાન એમણે ગાયાં છે તેમ જ, હિન્દુ દેવગણોમાંનાં અનેક દેવદેવીઓને એક જ અદ્વૈત સત્યના આવિષ્કારો તરીકે જાણીને, તેમનાં સ્તોત્રો પણ રચ્યાં છે. સૌંદર્ય લહરી એમનું એક પ્રખ્યાત સ્તોત્ર છે. એના પ્રથમ શ્લોકમાં જ એ શક્તિનો મહિમા ગાય છે:

शिवः शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुम् ।
न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि ॥

‘શક્તિ સાથે શિવ જોડાય છે તો જ આ સૃષ્ટિનો પ્રક્ષેપ કરવા એ સમર્થ બને છે; એ વિના એ પોતાનાં અંગો પણ હલાવી શકતા નથી?’

નટરાજ તરીકેની શિવની ભારતીય અભિવ્યક્તિમાં, આવિષ્કારના જગતના અસ્તિત્વના નૃત્યમાં, આપણને શિવ અને શક્તિનું અદ્વૈત સાંપડે છે. પોતાના બીજા એક અદ્‌ભુત સ્તોત્રમાં, નરને ભોગે નારીનાં જાણે કે હાસ્યાસ્પદ વખાણ કરતા જણાય છે. એ સ્તોત્ર છે : देव्यापराध क्षमापनस्त्रोम् – ‘અપરાધો અને ભૂલો માટે દેવીની ક્ષમાની યાચના.’ એના દરેક શ્લોકનું ધ્રુવપદ ચરણ છે : कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति ‘પુત્ર ભલે કુપુત્ર હોય, કુમાતા કદિ હોઈ શકે નહીં.’ પુત્ર કે પુત્રી માતાને જાકારો દે પણ, માતા કદાપિ પોતાના સંતાનને તરછોડશે નહીં. આ માતૃહૃદય છે; એને અનંત પરિમાણી કહીએ. એ દેવીહૃદય છે. ભવ (શિવ)ની પત્ની, ભવાની તરીકે એમને સંબોધી (देव्यापराध क्षमापनस्त्रोम्ના ૭મા શ્લોકમાં) શંકરાચાર્ય ગાય છે.

चिता भस्मालेपो गरलमशनं दिक्पटधरो
जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः।
कपाली भूतेशो भजति जगदीशैकपदवीम्
भवानी त्वत् पाणिग्रहण परिपाटी फलमिदम्॥

‘જેણે ચિતાની ભસ્મનો લેપ પોતાને અંગે કર્યો છે, જેણે ઝેર પીધું છે, જે દિગંબર છે, જેણે જટા ધારણ કરી છે, જેણે ગળામાં સર્પની માળા પહેરી છે અને જે પશુપતિ છે, જે ખોપરીમાં ખાય છે, જે ભૂતોનો સ્વામી છે તે શિવ જગદીશની પદવી ધારણ કરે છે તે, હે ભવાની, એણે તારું પાણિગ્રહણ કર્યું છે તેથી જ શક્ય બન્યું છે!’

મનુષ્ય હૃદય માના અંતરનો પ્રેમ ઝંખે છે અને તેનો પ્રતિસાદ આપે છે; એ સ્તોત્રના ૧૦મા અને ૧૧મા શ્લોકમાં શંકરાચાર્ય ગાય છે :

आपत्सु मग्नः स्मरणं त्वदीयं
करोमि दुर्गे करुणार्णवे शिवे ।
नैतच्छठत्वं मम भावयेथाः
क्षुधातृषार्ता जननीं स्मरन्ति ॥

‘ભયમાં ડૂબેલો હું, હે દુર્ગા, તારું સ્મરણ કરું છું, હે કરુણાના સાગર અને શિવા, આને તું છેતરપિંડી ન માનતી કારણ, ભૂખ્યાંતરસ્યાં થાય ત્યારે જ શિશુઓ પોતાની માતાને સંભારે છે.’

जगदम्ब विचित्रमत्र किं
परिपूर्णा करुणास्ति चेन्मयी ।
अपराध परम्परावृतं
न हि माता समुपेक्षते सुतम् ॥

‘હે જગદમ્બે, પાપની હારમાળામાં ગુંથાયેલા મારી ઉપર તમારી પૂર્ણ કરુણા હોય તેમાં શું આશ્ચર્ય છે! કારણ માતા કદાપિ પોતાના બાળકની ઉપેક્ષા કરતી નથી.’

અમેરિકા અને યુરોપનાં મારાં પ્રવચનોમાં આ શ્લોકો હું બોલું છું ત્યારે, ભય અને કંપના અભાવ, પ્રેમ અને અભયના ભાવથી અને, ઈશ્વર પ્રત્યેના માના અભિગમમાં નિકટતાના ભાવથી શ્રોતાઓ ખૂબ અભિભૂત થઈ જાય છે. અવ્યક્ત-વ્યક્ત બ્રહ્મની અજોડ એકાત્મતા હાંસલ કરનાર જ્ઞાની શંકરના હૃદયમાંની ભક્તિની આ અભિવ્યક્તિ છે.

હકીકતમાં, યુ.એસ.એ.માંના સ્વામી વિવેકાનંદના વેદાંતકાર્યમાં સહાયરૂપ થનાર, શ્રીરામકૃષ્ણના નિજી શિષ્ય સ્વામી અભેદાનંદે પૂજ્ય મા શારદાદેવીના સંસ્કૃતમાં લખેલા એક સ્તોત્ર – રામકૃષ્ણ મઠ-મિશનનાં દેશવિદેશનાં કેન્દ્રોમાં અવારનવાર ગાવામાં આવે છે તે – માં માતા-સંતાનનો એવો જ ભાવ વ્યક્ત થાય છે.

स्नेहेन बध्नासि मनोऽस्मदीयं दोषान् अशेषान् सगुणी करोषि ।
अहेतुना नो दयसे सदोषान् स्वांके गृहीत्वा यदिदं विचित्रम् ॥

‘અમારાં હૃદયોને તમે સ્નેહ વડે બાંધો છો અને, અમારા દોષોને ગુણો બનાવી દો છો; અમે આવા દોષવાળા હોવા છતાં તમે અમારી ઉપર અહેતુક દયા વરસાવો છો અને અમારા અપરાધો છતાં, તમારે ખોળે અમને બેસાડો છો એ કેવું તો વિચિત્ર છે!’

ભારતીય ચિત્ત ઉપર જગદંબાભાવનો પ્રભાવ કેટલો મહાન છે તે આથી સમજાય છે. અસાધારણ મૂલ્ય, પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ આ છે તે આપણે સમજ્યા. અનેક શાસ્ત્રોના કહ્યા મુજબ ઈશ્વર પ્રેમસ્વરૂપ હોય તો, એ પ્રેમનો આ વિશેષ આવિષ્કાર છે. બધી યોનિઓનાં માદાસ્વરૂપોમાં, પોતાના જીવને ભોગે પણ પોતાનાં બચ્ચાંઓનું રક્ષણ કરવાનું મૂલ્ય જોવા મળે છે. કેટલાંક વર્ષો પહેલાં, યુ.એસ.એસ.આર.ના જોર્જિયામાં ક્યાંક થયેલો અને વર્તમાનપત્રોએ પ્રસિદ્ધ કરેલો, એક હૃદયસ્પર્શી કિસ્સાનો અહેવાલ મેં વાંચ્યો હતો. કોઈ ઝાડની બખોલમાં એક હરણબાળ સલામતી માટે પેઠું અને, પોતાના પેટથી એ બખોલનું મોઢું ઢાંકી હરણી બચ્ચાના રક્ષણ માટે ઊભી રહી. એમની પાછળ પડેલા વરુને એક રીંછે મારી નાખ્યું અને, બચ્ચું અને મા સલામત રહ્યાં.

પોતાના ભક્તિયોગ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ વિગતે સમજાવે છે કે પ્રેમ ભયને ઓળખતો નથી સ્વાભાવિક રીતે જ પ્રેમ સર્વ ભયને જીતી લે છે. કલ્પના કરો કે રસ્તા પર થઈને કોઈ યુવાન સ્ત્રી જતી હોય, અને તેની સામે કૂતરો ભસે છે, સ્ત્રી ડરી જાય છે અને નજીકના ઘરમાં પેસી જાય છે. પરંતુ ધારો કે બીજે દિવસે સડક પરથી તે પોતાના બાળક સાથે જતી હોય અને એક સિંહ તરાપ મારે તો તે વખતે માતાનું સ્થાન ક્યાં હશે? અલબત્ત, પોતાના બાળકને બચાવવા સારું સિંહના મોઢામાં! પ્રેમ તમામ ભયને જીતી લે છે. વિશ્વથી પોતાની જાતને અલગ કરનારી સ્વાર્થની ભાવનામાંથી ભય જન્મે છે. મારી જાતને હું જેમ વધુ ક્ષુદ્ર અને વધુ સ્વાર્થી બનાવું તેમ મારો ભય વધે છે. (સ્વા. વિ.ગ્રં.મા., ભાગ – ૫ : ૫૬)

માતૃહૃદય પિંડમાં સત્ય હોય અને એની અભિવ્યક્તિ અભય નિષ્પન્ન કરતી હોય તો, વેદાંત જણાવે છે કે, સમસ્ત બ્રહ્માંડ માટે પણ એ સત્ય છે. ઈશ્વરનું મા તરીકેનું એ દર્શન છે ને તેથી વેદાંત એને જગદમ્બા કહે છે. માત્ર માતામાં જ નહીં પણ, માનવ અનુભૂતિમાં બીજાં ક્ષેત્રોમાં, સમગ્ર જગતમાં, પ્રેમ ભયને પિછાનતો નથી એ સત્ય પ્રમાણિત કરી શકાય છે. આજે આપણા દેશના સૈનિકો, દેશની સરહદના રક્ષણ કાજે હિમાલયના પહાડોમાં કઠિનાઈભર્યું જીવન જીવી રહ્યા છે. આ પડકારોનો સામનો કરવાની તાકાત એમનામાં ક્યાંથી આવે છે? રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટેના પ્રેમમાંથી. પોતાના દેશને કે કોઈ વિચારસરણીને કે કોઈ ઉમદા હેતુને ચાહનાર, એવા પ્રેમ વગરના સંકુચિત અને રોદણાં રડનારની તુલનાએ ઓછો ભય અનુભવે છે. ઓછી ફરિયાદોથી અને ઓછી માનસિક ઉપાધિથી યાતના અને તનાવ સહન કરવાનું બળ પ્રેમ આપે છે.

આપણા રાષ્ટ્રમાં માતૃહૃદયના ધબકારની આવશ્યક્તા

આ સત્ય – આપણા દેશમાં જરા વધારે સમજીએ એમ હું ઇચ્છું છું. આપણા કોઈ પણ સરકારી કર્મચારીની બદલી દૂરને ગામડે થાય તો, એ એને અટકાવવાની કોશિશ કરશે, એમ કરવા માટે લાગવગ લગાડશે અને, અટકાવવાનું શક્ય ન બન્યું તો, એ નોકરી પ્રત્યે દુર્લક્ષ સેવશે અને, બધી જવાબદારીઓમાંથી છટકી જશે. આપણી કેન્દ્ર સરકારના તથા રાજ્ય સરકારના અનેક કર્મચારીઓ આ પ્રકારના છે. અને ભોગવે છે રાષ્ટ્ર. આવા અભિગમ અને વલણની પાછળ શું છે? રાષ્ટ્ર માટે કે લોકો માટે સાચો પ્રેમ નહીં પણ, આત્મપ્રેમની સંકુચિતતા છે. આમ જનતાનું કે પોતાના સમાજનું શું થશે તેનો ખાસ વિચાર આપણા લાખ્ખો ભણેલા લોકો કરતા નથી. પરંતુ, એમનામાં એ પ્રેમ અને માનવીય આળપંપાળ હોય તો, આવી બધી તકને રાષ્ટ્રની અને રાષ્ટ્રના નબળા લોકોની સેવાના પડકાર તરીકે એ લોકો લેવાના. તો તેમનામાંના આ માતૃહૃદયની થોડી પણ ઝાંખી થશે. આપણા ઘણા લોકોમાં આજે એ માતૃહૃદયના ધબકારની ઊણપ છે. એ માતૃહૃદય માત્ર નારી જાતિ પૂરતું મર્યાદિત નથી પરંતુ, એની ઉપર પુરુષોનો પણ અધિકાર છે ને તે સ્ત્રીઓના જેટલો જ. જનીનમાતૃત્વ સ્ત્રીઓનો સુવાંગ અધિકાર છે પરંતુ, આધ્યાત્મિક માતૃત્વ પર સમસ્ત માનવજાતનો અધિકાર છે.

બધાં નરનારીઓનાં અંતરમાં વિવિધરૂપે ધબકતા આ દિવ્ય માતૃહૃદયનું વૈશ્વિક પરિમાણ આપણને દેવી માહાત્મ્યમ્‌ (૫. ૭૧-૭૨)માં સાંપડે છે.

या देवी सर्व भूतेषु मातृरूपेण संस्थिता ।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ॥

‘જે દેવી બધાં ભૂતોમાં માતા રૂપે વસી રહી છે તેને હું વારંવાર નમસ્કાર કરું છું.’

પિતાને માતૃહૃદય હોય છે; માતાને માતૃહૃદય હોય છે. પણ સ્ત્રીઓમાં એના આવિર્ભાવની વિશેષતા છે. એના વૈશ્વિક પરિમાણોમાં એ માતૃહૃદય જગદંબા છે. માતાજીની આપણી વાર્ષિક ઘોંઘાટભરી ઔપચારિક પૂજા છતાં, આપણામાં માતૃહૃદય પૂરતા પ્રમાણમાં નથી. આપણામાં માતાઓ છે પણ, તેમની પાસે પણ પૂરતા પ્રમાણમાં માતૃહૃદય નથી. આપણે સંકુચિત બની જઈએ છીએ. આપણાં હૃદય સાંકડાં બની જાય છે, એમ કહી સ્વામી વિવેકાનંદ આપણી અસ્પૃશ્યતાના વ્યવહારનો ઉલ્લેખ કર્યો હતો; માતૃહૃદયના અભાવને લઈને સદીઓથી આપણે આમજનતાને કચડતા આવ્યા છીએ. માત્ર બુદ્ધિ હતી, હૃદય ન હતું. આપણી અનેક સ્ત્રીઓમાં એ કેવળ જનીનમાતૃત્વ પૂરતું અને લોહીથી જોડાયેલા કુટુંબ સમૂહ પૂરતું મર્યાદિત થઈ ગયું અને એથી, આપણા પુરુષો કરતાં આપણી મહિલાઓ અસ્પૃશ્યતાની વધારે ટેકેદાર બની અને નીચલા થરનાં લોકો કચડાયેલાં રહ્યાં. એમનામાં અનેક ગુણો અને છટાઓ પ્રગટ થયાં પરંતુ, આપણા પુરુષોની સાથે માતૃહૃદયની આધ્યાત્મિકતાના આવિષ્કારમાં એ નિષ્ફળ ગઈ. જનેતા બનવાનો અને આધ્યાત્મિક માતા બનવાનો દરેક સ્ત્રીને અધિકાર છે અને, દરેક પુરુષનો આધ્યાત્મિક માતા બનવાનો અધિકાર છે.

જનીન સંબંધોથી પર પ્રેમ અને કાળજી અને સેવા પ્રગટ થાય ત્યારે જ, આ નિત્ય મુક્ત અને નિત્ય વિકાસશીલ આધ્યાત્મિક માતૃહૃદય આવિષ્કૃત થાય છે. શ્રીરામકૃષ્ણ કહેતા, ‘હું અને મારું’ માયા છે; ‘તું અને તારું’ દયા છે. આ માયા તે અગાઉ ઉલ્લેખેલી અવિદ્યા માયા છે અને દયા વિદ્યામાયા છે. પ્રેમ અને કાળજીને અવિદ્યામાયા પોતાના લોહીના સંબંધના કુટુંબ પૂરતા મર્યાદિત કરે છે. એની આધ્યાત્મિક અગત્ય કશી નથી; પ્રાણીઓમાં પણ એ જોવા મળે છે. એનો અભાવ લાગતી વળગતી યોનિ માટે વિઘાતક છે. માનવી માતૃહૃદય એ મર્યાદા ભેદી શકે અને (પોતાની શક્તિ અનુસાર) પ્રેમ અને કાળજી ઝંખતાં સૌ કોઈને એ મનથી અને કર્મથી આપી શકે; અને માતૃહૃદયનો એ વિકાસ મનુષ્યથી નિમ્નસ્તર બધી યોનિઓને આવરી લેશે. દરેકની શક્તિ અનુસાર – ને એ શક્તિ ભલે મર્યાદિત હોય અને છે પણ, તે અનુસાર – દરેકનો ઈરાદો વિશાળ હોવો જોઈએ અને હોઈ શકે – વ્યક્તિઓ ભલે સંસ્થાઓની રચના કરે. આપણા દેશના નબળા વર્ગોનાં કરોડો લોકોની આપણે સંભાળ લઈ શકીએ અને પ્રેમપૂર્વક સેવા કરી શકીએ તે માટે, આપણા ઉચ્ચ વર્ગોની હૃદયહીનતાની વાત કરી જગદંબા ભક્તિનો વિનિયોગ કરવાનું સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા. તેઓ આપણા છે અને આપણે તેમના છીએ. રાજકીય સ્વાતંત્ર્ય પૂર્વેના કાળમાં જે મહાન ભાવના આપણને દાયકાઓ સુધી પ્રેરતી હતી તે ધીમે ધીમે અદૃશ્ય થતી જાય છે. આજે હવે આપણી પ્રજામાં એ માતૃહૃદયનો ધબકાર ઓછો છે. આપણે લોકોની મગજશક્તિ વિકસાવવા ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું, એની પાછળના માતૃહૃદયના ધબકારને વિસારે પાડ્યો ને પરિણામે એ મગજશક્તિ મહાનાશ કરી રહી છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના Prof. William McDougallના પાંચ દાયકા પહેલાં વાંચેલા પુસ્તક The Character and the Conduct of Life અનુસાર દરેક યુવાનમાં મહત્ત્વાકાંક્ષા હોવી ઘટે; પરંતુ એ મહત્ત્વાકાંક્ષાની પાછળ ચારિત્ર્યના આદર્શની પ્રેરણા જોઈએ. એ આદર્શ નહીં હોય તો, એ મહત્ત્વાકાંક્ષા સિદ્ધાંતહીનતામાં પરિણમશે; કારણ મહત્ત્વાકાંક્ષાને માર્ગે સિદ્ધાંતો ઊભા છે. આપણું સ્વાતંત્ર્યોત્તર ભારત મોટે પાયે અને કરુણાપૂર્વક આ સત્ય નિદર્શે છે.

સાવિત્રી અને સત્યવાનની કથા

પ્રેમની પાવક અને ઊંચે લઈ જનારી શક્તિ દ્વારા થતી મગજની ગુણસમૃદ્ધિ વિના, વાસ્તવમાં, આજે આખું જગત સબડે છે. પ્રેમ અને જ્ઞાનની સંવાદિતાની નીપજ તે શાણપણ. ભારતમાં આપણે જગદંબાપૂજા ભલે આપણા રાષ્ટ્રિય વારસા તરીકે કરતા હોઈએ પરંતુ, એ પૂજાને વ્યવહારુ રીતે સમજતા નથી. આપણે માટે એ રૂઢિ અને પરંપરા થઈ ગઈ છે; એના તત્ત્વને ગ્રહણ કરવાની જરૂર આપણે સમજતા નથી. પણ પશ્ચિમમાં ઈશ્વરની માતૃરૂપે પૂજાનો આ વિચાર વધારે ને વધારે લોકોને સ્પર્શતો થયો છે; પોતાને ખૂબ આવશ્યક એવો સંદેશ તેમને એમાંથી સાંપડે છે.

પશ્ચિમમાં, ઘરમાં અને સમાજમાં જીવનમાં સૌથી વધારે વપરાતો શબ્દ કયો છે, એમ પૂછો તો, તે પ્રેમ શબ્દ છે, પ્રેમ, પ્રેમ અને પ્રેમ છે. એ શું સૂચવે છે? લોકો એક વસ્તુ બાબત ઘણી વધારે પડતી વાતો કરે ત્યારે, એમને એ વસ્તુનો પૂરતો અનુભવ નથી એમ માનસશાસ્ત્રી કહેશે. તમે કોઈ મૂલ્યનો અનુભવ કરો તો, તમે એ વિશે વાતો કરતા નથી, બહુ વાતો કરવાની તમારે જરૂર નથી. પશ્ચિમમાં પ્રેમની અનુભૂતિની ખરેખરી અછત છે. પાશ્ચાત્ય સમાજનાં પ્રવર્તમાન દૂષણોનો ઈલાજ પ્રેમ – ‘ખ્રિસ્તી પ્રેમ’ – છે એમ, જેમનું હું પછીથી અવતરણ આપવાનો છું તે Bertrand Russell કહે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના Pitirim Sorokin પણ માનવ હૃદયમાં થોડી પરોપકારિતાની તાતી આવશ્યક્તા વિશે કહે છે. બીજા કેટલાય મહાન ચિંતકોએ પણ એમ જ કહે છે.

૧૯૬૯માં, યુ.એસ.એ.ના Oregon Stateના Portlandની એક કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધતાં, જીવનમાં થોડા આત્મનિયમનની આવશ્યક્તાનો મેં ઉલ્લેખ કર્યો હતો. કેટલાય વિદ્યાર્થીઓ ઊભા થઈ બોલી ઊઠ્યા : ‘વારુ, સ્વામીજી, અમે આ બધામાં નથી માનતા. અમે માત્ર પ્રેમમાં માનીએ છીએ!’ આ કહેવાયું હતું પૂર્ણ વિવેકથી પણ એમાં દૃઢતા અને વિજયનો સ્વર હતો. મેં હસીને જવાબ વાળ્યો : ‘અરે, ઊભા રહો, તમે પ્રેમ વિશે શું જાણો છો?’

એ સઘળા મૂંઝાઈને આજુબાજુ જોવા લાગ્યા. મેં આગળ બોલવાનું ચાલુ રાખ્યું : ‘થોડી જ્ઞાનતંતુઓની ગલીપચી અને ક્ષણિક આકર્ષણ – ઊર્મિલ નૈકટ્ય આને તમારામાંના ઘણા પ્રેમ કહો છો. એ સાચો પ્રેમ નથી. એ આજે હોય અને આવતીકાલે ઊડી જાય. બે આત્માઓને જોડતો એ ચિરંતન પ્રેમ નથી. સાચો પ્રેમ અનેક કસોટીઓમાંથી અને વિઘ્નોમાંથી પાર ઊતરે છે. આવા ચિરંતન પ્રેમ વિશે તમે થોડું જાણવા ઇચ્છો છો? હું એક વાર્તા કહીશ?’ એ સૌ એક અવાજે બોલી ઊઠ્યા : ‘હા, અમને વાર્તા કહો જ અમારે એ જાણવું છે.’ પછી મેં તેમને પુરાણોક્ત સાવિત્રી અને સત્યવાનની કથા કહી. એ વિદ્યાર્થીઓના મન અને મુખ પર એની જે પ્રબળ અસર થઈ તે જોઈ તમે આશ્ચર્યચક્તિ થયાં હોત! પ્રેમની ગાંઠને મૃત્યુ પણ તોડી શકે નહીં એવી વાર્તા એમણે કદી સાંભળી ન હતી.

સુંદર રાજકુંવરી સાવિત્રીને એના પિતા રાજા અશ્વપતિએ પોતાનો પતિ પસંદ કરવા કહ્યું ત્યારે, પોતાના અંધ પિતા દ્યુમત્સેન સાથે વનમાં રહેતા નિરાધાર સત્યવાનના પ્રેમમાં એ પડી; દ્યુમત્સેન લડાઈમાં હાર્યો હતો. સાવિત્રીનાં માતાપિતાએ સાવિત્રીને રોકવા ખૂબ પ્રયત્ન કર્યો અને, નારદે એના પિતાને એમ પણ જણાવ્યું કે યુવાન સત્યવાન એક વર્ષમાં મૃત્યુ પામશે. તે છતાં, આત્માના વિશુદ્ધ પ્રેમમાં દૃઢ સાવિત્રીનું હૃદય એ નિરાશ્રિત રાજકુમારે વશ કરી લીધું હતું એટલે, એ સત્યવાનને જ પરણી અને એની સાથે દેશવટો ભોગવતી વનવાસ કરવા લાગી. નારદે ભાખેલી ભવિષ્યવાણીની એને જાણ હતી પણ, એક વર્ષ સુખચેનમાં પસાર થઈ ગયું. નિર્ધારિત દિવસે પોતાના પતિ સાથે વનમાં ઊંડે જવાની અનુજ્ઞા એણે માગી. એ જ દહાડે, સાવિત્રીના ખોળામાં પોતાનું માથું રાખીને સત્યવાન મૃત્યુ પામ્યો સત્યવાનના આત્માને લઈ જવા માટે મૃત્યુના દેવ યમરાજ આવ્યા. સાવિત્રી યમની પાછળ પાછળ ચાલવા લાગી અને, એ બંને વચ્ચે અદ્‌ભુત સંવાદ થયો. એ સંવાદ થતાં યમે સાવિત્રીને કેટલાંક વરદાનો આપ્યાં; એમાં પોતાના સસરાને પોતાની દૃષ્ટિ પાછી મળે અને પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મળે તે સાવિત્રીએ માગ્યું. યમે સાવિત્રીને પૂછ્યું : ‘ધાર કે તારો પતિ પાપી હોય અને એ નરકે જવાનો હોય તો તું શું કરીશ?’ સાવિત્રીએ ઉત્તર આપ્યો : ‘સાવિત્રી તો પોતાના પ્રિયતમ પાછળ જ જશે.’ ખૂબ ખુશ થઈ યમ બોલ્યા : ‘તારા પતિના પ્રાણ સિવાય તું બીજું કોઈપણ વરદાન માગી લે.’ સાવિત્રીએ માગ્યું કે, ‘મારા શ્વસુરનો વંશ નાશ ન પામે અને સત્યવાનના પુત્રો એમની ગાદીના વારસ બને.’ સાવિત્રીના મૃત્યુ ઉપર જય મેળવતા વિશુદ્ધ પ્રેમથી અને, એની ચતુરાઈભરી માગણીથી પ્રભાવિત થઈ, યમે એના પતિના આત્માને પાછો સોંપતાં કહ્યું : ‘પ્રેમે મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે; કોઈ સ્ત્રીએ તારી જેમ પતિ ઉપર પ્રેમ કર્યો નથી ને, મૃત્યુનો દેવ એવો હું પણ તારા દૃઢ પ્રેમની સત્તા આગળ લાચાર છું.’

આપણાં અર્વાચીન અનિષ્ટોનો રામબાણ ઈલાજ – પ્રેમ

મૃત્યુ ઉપર પ્રેમના વિજય તરીકે આ કથા રજૂ કરવામાં આવે છે અને, યુગોથી ભારતમાં નાટકોની વસ્તુ બની છે. બિમારીને કારણે જીવનસાથી પથારીવશ હોવા છતાં અનેક લોકો પોતાના પ્રેમને દૃઢપણે વળગી રહ્યાના તેમજ, પત્નીનાં અવસાન પછી પતિએ ફરી લગ્ન ન કર્યાના અનેક દૃષ્ટાંતો છે. આવો આત્મસભર પ્રેમ જીવનમાંથી અદૃશ્ય થઈ જાય પછી, હૃદયની પ્રેમની ભૂખ પ્રેમ વિશેની મોટી મોટી વાતોમાં પ્રદર્શિત થાય છે. કેનેડા, યુ.એસ.એ., હોલેંડ, પશ્ચિમ જર્મની કે ઓસ્ટ્રેલિયામાં મહિલાઓનાં મંડળોને સંબોધન કરતી વેળા હું કોઈવાર પરણીત જીવનમાં પ્રેમનો પ્રશ્ન ઉઠાવતો અને, હળવી રીતે પ્રશ્ન કરતો : ‘તમારા સમાજમાં તમે પરિણીત જીવન કેમ નિભાવો છો?’ પછી જાતે જ ઉત્તર આપતાં હું કહેતો, ‘પરસ્પરને રોજ હજાર વાર ‘થેન્ક યુ’ કહીને!’ પતિને માટે પત્ની પાણીનો ગ્લાસ આણે છે એ ‘થેન્ક યુ’ કહે છે; માતા કે પિતા માટે બાળક પાણીનો ગ્લાસ લાવી આપે છે અને એ ‘થેન્ક યુ’ કહે છે. બાળક વિરોધ કરીને એમ પણ કહે : ‘મેં તમારે માટે પાણી આણ્યું અને તમે મને ‘થેન્ક યુ’ પણ નહીં કહ્યું.’

આવા અસંખ્ય ‘થેન્ક યુ’ઓ છતાં અને, પરસ્પર માટે પ્રેમભર્યા શબ્દોના વપરાશ છતાં, ઘણા કિસ્સાઓમાં લગ્ન ટકતાં નથી. કેટલીક વાર તો એ પડુંપડું થઈ રહેલા ઘરને બહારથી વાંસના ટેકા આપી ઊભું રાખવા જેવું છે. ઈંટો વચ્ચે લગાડેલી સિમેન્ટના સાંધા તૂટી ગયા હોય તેવું પડુંપડું થતું ઘર બહારના ટેકાઓથી ઊભું રહી શકે ખરું? ઘરની ભીતરમાં જ પતિ અને પત્નીની વચ્ચે જ – સંધાણનાં મૂલ્યો હોવાં ઘટે; તો જ લગ્ન ટકી શકે. ને એ મૂલ્ય છે પ્રેમ, એક આત્માનો બીજા આત્મા સાથેનો સંબંધ. એકબીજાના હૃદય સાથેનો સંબંધ છે. પરસ્પરના હૃદયમાં પ્રવેશવાની એ શક્તિ છે. અને ઇન્દ્રિયો અને બુદ્ધિના કરતાં ઊંડેરા પરિમાણેથી, કેવળ આત્મામાંથી જ, એ આવે છે; એ માત્ર માનવીની વિશેષતા છે; અને અર્વાચીન માનવતાએ એને ઉવેખી છે – એને નકારી પણ છે. Zurich ના મનોવૈજ્ઞાનિક Carl Jungને એણે તો Modern Man in Search of a Soul શીર્ષકવાળું પોતાનું પુસ્તક લખવા પ્રેર્યા.

જેનો મેં અગાઉ ઉલ્લેખ કર્યો હતો તે અજ્ઞેયવાદી ચિન્તક Bertrand Russell બીજા વિશ્વયુદ્ધ પછી પોતાના મનની પુનિત થયેલી સ્થિતિમાં પોતાના પુસ્તક ‘Impact of Science on Society’માં (Unwin Paperbacks, 1976, PP. 70-72) લખે છે :

સારી સામાજિક વ્યવસ્થામાં, દરેક પુરુષ (અને સ્ત્રી) એકી સાથે શક્ય હોય ત્યાં સુધી, નાયક, સામાન્ય જન, ચક્રનો દાંતો બનશે; જો કે આમાંના કોઈપણ એના પાઠમાં એ અસાધારણ શક્તિ દાખવશે તો, એના બીજા બે પાઠ ઘટી જાય.

યંત્રની દૃષ્ટિએ દાંતાનો સિદ્ધાંત ગમે તેટલો સંભાવ્ય લાગે પણ; માનવીય દૃષ્ટિ બિન્દુથી એ સૌથી વધુ વિનાશકારક છે. દાંતાએ, આપણે કહીએ છીએ કે, ઉપયોગી થવું જોઈએ. ભલે પણ, ઉપયોગી શાને માટે? શ્રીગણેશ કરવા માટે ઉપયોગી એમ નહીં કહી શકાય કારણ, દાંતાનું માનસ નાયકમાનસનું વિરોધી છે. સામાન્ય માણસને માટે ઉપયોગી એમ તમે કહો તો, યંત્રને તમે માનવ લાગણીઓને વશ બનાવી દો છો એટલે, દાંતાના સિદ્ધાંતનો ત્યાગ થઈ ગયો. યંત્રની પૂજા કરીને જ તમે દાંતા-સિદ્ધાંતનો બચાવ કરી શકો છો. યંત્રને જ તમારે સાધ્ય ગણવું જોઈએ, એના ઉત્પાદનનું સાધન માત્ર નહીં. તો પછી અરબ રાત્રીઓના ચિરાગના ગુલામો જેવાં માનવીઓ બની જશે. યંત્રો શું પેદા કરે છે તે જરૂરનું નથી જો કે, મોટે ભાગે, અનાજના કરતાં બોમ્બ ઉપર પસંદગી ઢળશે. કારણ, એમના ઉત્પાદન માટે વધારે કાળજીપૂર્વકનાં યંત્રોની જરૂર રહેશે. સમય જતાં લોકો યંત્રને પ્રાર્થના કરી કહેશે : ‘હે સર્વશક્તિમાન અને કૃપાળુ યંત્ર, ખોવાયેલા સ્ક્રુની માફક અમે ભૂલો કરી છે અને માર્ગ ચાતર્યો છે; જે મોઢિયાં નહીં બેસાડવાં જોઈએ તે અમે બેસાડ્યાં છે અને બેસાડવાં જોઈએ તે નથી બેસાડ્યાં અને, અમારામાં દાંતાભાવ નથી’ – વગેરે.

આમ ચાલી જ શકે નહીં. યંત્રોની આવી આરાધના ઘૃણાસ્પદ છે. યંત્રને આરાધ્ય ગણવું એ સેતાનનું આધુનિક સ્વરૂપ છે અને એની આરાધના અર્વાચીન પિશાચપૂજા છે.

… બીજું ગમે તે યાંત્રિક ભલે હોય, મૂલ્યો નથી અને કોઈ રાજનીતિ વિચારકે આ વાત ભૂલવી જોઈએ નહીં.

(એજન, પૃ. ૧૦૪-૦૫ પર) વળી આગળ; આપણા યુગને કેટલીક બાબતોની આવશ્યક્તા છે અને કેટલીક બાબતો એણે દૂર રાખવી જોઈએ. કરુણાની અને, માનવજાત સુખી થાય તેવી શુભેચ્છાની એને જરૂર છે… જે બાબતો એણે દૂર રાખવાની છે અને જે બાબતોએ એને મહાન દુર્ઘટનાની કોરે આણી છે તે છે ક્રૂરતા, ઈર્ષા, લોભ, હરીફાઈ, અવિચારી આત્મલક્ષી ખાતરી અને, ફ્રોઈડવાદીઓ જેને મૃત્યુની ઇચ્છા કહે છે તે.

આ બાબતના મૂળમાં ઘણી સરળ અને પુરાતન વસ્તુ છે, એ એટલી તો સરળ છે કે એનો ઉલ્લેખ કરતાં મને શરમાવા જેવું થાય છે કારણ, દોષદૃષ્ટિ લોકોના હાંસીપાત્ર હાસ્યનો મને ડર છે. એ ચીજ – એના ઉલ્લેખ માટે હું ક્ષમા પ્રાર્થું છું તે – છે પ્રેમ, ઈસુબોધિત પ્રેમ અથવા, કરુણા. આ તમે અનુભવો તો જીવવાનો તમારી પાસે હેતુ છે, કર્મ માટે માર્ગદર્શક છે, હિંમત માટે કારણ છે, બૌદ્ધિક પ્રામાણિક્તા માટે તાતી જરૂર છે.

અન્યથા સમૃદ્ધ એવી આ અર્વાચીન સભ્યતાને મનુષ્ય પ્રાણીઓના હૃદયમાંનો થોડો પ્રેમ બચાવી શકશે. એટલે, આજે પશ્ચિમમાં ઈશ્વરની માતા તરીકેની વિભાવનામાં ઊંડો રસ જાગ્યો છે. મા પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. પાશ્ચાત્ય સમાજ ઉપર ફ્રોઈડ અને એના માનસશાસ્ત્રીની એક ઘણી ખરાબ અસર પડી હતી; કેટલીક સ્ત્રીઓને પોતાના સ્ત્રીત્વ માટે એણે શરમીંદી કરી મૂકી હતી. આ કરુણ પરિસ્થિતિ બદલાઈને એને સ્થાને સ્ત્રીઓના સ્વાભિમાનનો અને આત્મગૌરવનો ભાવ પણ જાગ્રત થયો છે. ધીમે ધીમે સમતોલ વલણ આકાર લેતું જાય છે. દરમિયાનમાં, ફ્રોઈડવાદી પ્રભાવે વધારે ને વધારે સ્ત્રીઓને પોતાના માતૃહૃદયથી વિમુખ કરી, બાળકોને માના પ્યારથી વિમુખ કર્યાં અને પરિણામે સામાજિક વિકૃતિઓ જન્મી. પ્રેમ ન પામેલાં બાળકો પોતાનાં માતાપિતા માટેનો પ્રેમ પણ ગુમાવી બેઠાં.

પાશ્ચાત્ય અભિવ્યક્તિના કેટલાક ઉત્તમ ગુણો વિનાના નિષ્ઠુર ભૌતિકવાદ સાથેનું એ ફ્રોઈડવાદી આક્રમણ આપણા દેશ પર પણ આવી રહ્યું છે અને, આપણા કહેવાતા ભણેલ લોકોને, પ્રેમહીન હૃદયવાળાં પૈસા પેદા કરનારાં યંત્રો બનાવી રહ્યું છે અને, ઘણીવાર પતિને હાથે પત્નીને બાળી નાખવામાં તેમજ, એ પતિપત્ની બંને તરફથી સમાજના નબળા વર્ગોની ઉપેક્ષામાં પરિણમ્યું છે. આપણાં લોકોમાં આત્માહીન મનોદશાનો ઉદ્‌ગમ કુટુંબ વિચ્છેદ અને એમાંથી નીપજતાં સામાજિક અનિષ્ટો એ પરિસ્થિતિમાંથી નિષ્પન્ન થતાં આપણે જોઈએ છીએ. આ ઢાળે હજી વધારે ઊતર્યા પછી આપણાં લોકો પણ પોતાના ગુમાવેલા આત્માને પાછો પ્રાપ્ત કરવા અને, સાચો પ્રેમ અનુભવવાની રીતો શોધવા તથા એ પ્રેમ બીજાંઓને આપવાના માર્ગો શોધવાની ઇચ્છા અનુભવશે.

પછી વેદાન્ત જીવંત અને વ્યવહાર્ય ફિલસૂફી બનશે અને, આજે પશ્ચિમમાં બની રહ્યું છે તેમ, વધારે સત્યમય અને વધારે પરિપૂર્ણ જીવન જીવવાનો સાદ દેશે. ત્યારે, શ્રીરામકૃષ્ણનાં પત્ની પૂજ્ય મા શારદાદેવીના (૧૮૫૩-૧૯૨૦) મહાન દૃષ્ટાન્તને આપણે સમજી શકીશું અને એમાંથી બોધ લઈ શકીશું. દેવી વિશે અવતરણમાં ટાંકેલા શ્લોકો કેવળ પુરાણ નથી. શ્રીશારદાદેવી અને શ્રીરામકૃષ્ણના જીવનમાં ખૂબ મહત્ત્વનો એક પ્રસંગ બની ગયો હતો.

સર્વરૂપની મૂર્તતા એ જગદંબાનાં અનેક લક્ષણોમાંનું એક છે; એ ષોડશી, લલિતા કે ત્રિપુરસુંદરી નામે ઓળખાય છે. પોતાની બાર વર્ષની આધ્યાત્મિક સાધનાને અંતે, કલકત્તા નજીકના દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં, એક અમાસની રાતે, મે ૧૮૭૨માં, શ્રીરામકૃષ્ણે શાસ્ત્રોક્ત રીતે ષોડશીપૂજા કરી. પરંતુ એક બાબત અસાધારણ અને વિચિત્ર હતી : પોતાનાં પત્ની શારદાદેવીના રૂપમાં એમણે એ પૂજા કરી હતી. અને એ પૂજાને અંતે, પોતાનાં આધ્યાત્મિક પ્રયોગો અને અનુભૂતિઓનું ફળ અને, પોતાની જપમાળા સુદ્ધાં, એમણે શારદાદેવીને ચરણે ધર્યાં; અને બંને મોડી રાત સુધી સમાધિમાં સરી પડ્યાં. ભારતના લાંબા અને સમૃદ્ધ ધાર્મિક ઈતિહાસમાં પણ પતિને હાથે થયેલું આ પત્નીપૂજાનું કાર્ય અભૂતપૂર્વ છે. ૧૯૨૪માં હું માત્ર પંદર વર્ષનો હતો ત્યારે મને પૂજ્ય મા માટે ખૂબ આકર્ષણ થયું હતું. મારી જનેતા ખૂબ પ્રેમાળ હતી અને એણે મારી ઉપર ખૂબ પ્રેમ વર્ષાવ્યો હતો પરંતુ, પૂજ્ય શારદામામાં મને એવી હજારો માતા સાંપડી. અને છેલ્લાં ચાળીસ વર્ષો દરમિયાનના વિદેશોના મારા પ્રવચન પ્રવાસોમાં પાશ્ચાત્ય સ્ત્રીપુરુષોની વધતી જતી સંખ્યાને મેં પૂજ્ય શારદામા તરફ આકર્ષાતી જોઈ; કારણ એમનું માતૃહૃદય પવિત્ર અને પાવક હતું અને, હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી અને અન્યો – પાપિયા, દારુડિયા અને પૂર્વનાં અને પશ્ચિમના લોકો સૌને એ માતૃહૃદય પોતાની ગોદમાં સમાવી લેતું. કોઈ પંચ કે મત એમને નડ્યા નહીં. પશ્ચિમમાં અનેક ગંભીર માણસો આ પ્રેમમૂલ્યની સભાનપણે ખોજ કરી રહેલ છે ને તે સૌ પુન: ખ્રિસ્તી ધર્મ ભણી વળે છે. તે, એના પંથ માટે કે આગ્રહો માટે નહીં પરંતુ, ઈસુ ખ્રિસ્તમાં અને સંતોમાં રહેલા પ્રેમના કિંમતી મૂલ્યની શોધમાં.

એટલે, પશ્ચિમમાં મારા શ્રોતાઓ સમક્ષ વિશુદ્ધ ધર્મનાં આ તત્ત્વો હું મૂકું છું. હું એમને કહું : અસંખ્ય ‘થેન્ક યુ’ઓના બાહ્ય ટેકા પર તમે સુખી લગ્નજીવનની ઈમારત ઊભી કરી શકો નહીં. સાચો પ્રેમ હોય ત્યાં, ‘થેન્ક યુ’ કહેવાની આવશ્યક્તા એકદમ ઓછી થઈ જાય છે. ‘થેન્ક યુ’ એ ખાલી શબ્દો છે; જરૂર છે એમની પાછળ ભાવનાની. શ્રોતાઓને આ વિચારો ખૂબ ગમે છે અને ચીંધેલી દિશામાં પરિવર્તન કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. આવી એક સભાની રસિક નિષ્પત્તિ જોવા મળી હતી. હોલેંડમાં ઊસ્ટરબીકમાંના સાપ્તાહિક શિબિરને અંતે વિદાય સમારંભ હતો. શ્રોતાગણમાંથી એક જણે ઊભા થઈ કહ્યું : ‘સ્વામી, સપ્તાહના બૌદ્ધિક અને આધ્યાત્મિક બોધ માટે, આપને ‘થેન્ક યુ’ કહેતાં અમને ડર લાગે છે,’ અને શ્રોતાસમુદાય ખડખડાટ હસી પડ્યો હતો.

મનુષ્ય જીવનમાં ભાવોનું સ્થાન

ઈશ્વરની માતા તરીકેની આ વિભાવના લોકોનાં મન આકર્ષી રહી છે. ઈશ્વર માત્ર પિતા તરીકે જ શા માટે? માતા તરીકે શા માટે નહીં? ભારતમાં આપણે માટે એ સ્વાભાવિક છે. પશ્ચિમમાં અને ઈસ્લામી દેશોમાં પોતાના દેશને લોકો પિતૃભૂમિ કહે છે ત્યારે, આપણા દેશમાં આપણે માતૃભૂમિ કહીએ છીએ. રામાયણમાં એક સ્થળે ઉલ્લેખ છે – जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसि । – જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ચડિયાતાં છે!’ કેવી તો સુંદર ભાવના! કુરાનમાં મહમ્મદ પયગંબરના બોધમાં પણ, ‘જિન્નત તમારી માતાના ચરણોમાં છે,’ એવા શબ્દો છે. પ્રેમ માટેની શક્તિને આજે માનવ સંપર્કની શક્તિ પણ કહેવામાં આવે છે, હૃદયના હૃદય સાથેના સંપર્કની શક્તિ. આ શબ્દને આ અર્થમાં મેં પહેલવહેલો ૧૯૭૧માં અમેરિકામાં એક વિદ્યાર્થિની પાસેથી સાંભળ્યો.

પ્રિન્સ્ટન યુનિવર્સિટીના એક ખંડમાં હું બેઠો હતો. મારી પાસે આવી એક અમેરિકન બાનુએ મને કહ્યું, ‘મારી દીકરી પોતાનો અભ્યાસ છોડી દઈ ભારત જવા ચાહે છે; પોતાનો અભ્યાસ પૂરો ફર્યા પછી જ ભારત જવાની સાચી સલાહ આપ એને ન આપો?’ મેં હા પાડતાં એ છોકરી આવી અને મારી પાસે બેઠી. મેં એને પૂછ્યું, ‘તું સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો કર્યાં પછી ભારત જાય તો?’ ખૂબ ભાવપૂર્વક એણે ઉત્તર આપ્યો : ‘એ મને લોકો સાથે સંપર્ક સાધવામાં સહાયરૂપ થતો નથી.’ ‘તારી વાત સાચી છે,’ મેં કહ્યું : આત્મનું શિક્ષણ મનુષ્યને પોતાના વ્યક્તિત્વનો કેદી બનાવે છે, (Bertrand Russellના શબ્દોમાં) બિલિયર્ડ બોલ બનાવે છે. એ બીજા સાથે ભળી શકતો નથી, બીજા સાથે હૃદયનો સંપર્ક કરી શકતો નથી. પણ, બીજા બિલિયર્ડ બોલ સાથે માત્ર અથડાયા કરે છે. લાગણી ઉપર નહીં પણ માત્ર બુદ્ધિ પર ભાર આવે છે ત્યારે, માનવી યંત્રવત્‌ બની જાય છે. પિતા, માતા, પુત્રી, પુત્ર – આ સંબંધો કેવળ તર્ક અને ઉપયોગિતા પર અવલંબિત નથી રાખવાના પણ, ઊર્મિઓ અને ભાવનાઓનો આધાર એમને આપવાનો છે. આ ભાવોર્મિઓને દૂર કરી દેતાં, Bertrand Russellના કહેવા પ્રમાણે, માનવસંબંધો માત્ર યંત્રના નટબોલ્ટ બની રહે છે.

એક દિવસ કલકત્તામાંના અમારા રામકૃષ્ણ મિશન, ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચરની ઓફિસમાં હું બેઠો હતો. ફ્રાન્સથી આવેલા કેટલાક પ્રવાસીઓ ખૂબ ચીડ સાથે પ્રવેશ્યા. મેં એમને આવકાર્યા અને એ સૌ બેઠા. ‘ભૂખ અને અપોષણથી ભારતનાં પ્રજાજનો મરી રહ્યાં છે ત્યારે, ગૌપૂજાનું આ ધતિંગ અહીં શું ચાલી રહ્યું છે?’ એ પ્રશ્નથી વાર્તાલાપ આરંભાયો. એમણે આગળ કહ્યું, ‘અમને એ તદ્‌ન અસંગત લાગે છે.’ મેં એમને કહ્યું ‘હું તમને એને વિશે કહું છું, કૃપા કરી શાંતિથી સાંભળો. એનો અર્થ છે. પ્રાચીન કાળમાં ભારત ગૌમાંસભક્ષી દેશ હતો. સદીઓ વીતતાં ગાય આસપાસ એક ભાવના બંધાવા લાગી. અમારાં બાળકો શરૂઆતમાં માતાનું દૂધ અને પછી ગાયનું દૂધ પીતાં; ધીમેધીમે, પોતાનાં વાછરડાં સાથે ઘરને આંગણે જ રહેતી ગાય પર માતૃભાવનું આરોપણ થયું. સદીઓની આવી અનુભૂતિ પછી ગાય પ્રત્યે રાષ્ટ્રમાં માતૃભાવ વિકસ્યો. ખેતીમાં ઢોર ઉપયોગી છે એવા તર્કના દબાણ હેઠળ નહીં પરંતુ, અંતરની ભાવનાથી જ એ પ્રગટ થયો હતો. આવી અનેક ભાવનાઓ માનવજીવનને સમૃદ્ધ કરે છે. કુટુંબ ભૂખે મરતું હોય તો પણ, ગાય વાછરડાને મારીને પેટનો ખાડો પૂરવાના સૂચનનો બાળકો જ વિરોધ કરશે, એ ઉચ્ચ સંસ્કૃતિનું લક્ષણ નથી શું?

‘એ તાર્કિક નથી, ઉપયોગિતાવાદી નથી એ ચોક્કસ. પરંતુ માનવજીવનનું ગાડું માત્ર તર્ક અને ઉપયોગિતાવાદથી જ ચલાવવાનું હોય અને, ભાવનાઓને કોરાણે મૂકી દેવાની હોય તો, ગંભીર પરિણામો આવવાનાં. એક માણસનાં માબાપ બેઠાં છે. એ વૃદ્ધ થઈ ગયાં છે અને આર્થિક દૃષ્ટિએ ભારરૂપ છે. તર્કદૃષ્ટિએ જોતાં, એમને મારી નાખવાં એ ઉત્તમ રસ્તો છે; ઉપયોગિતાવાદ એવો આદેશ આપે છે. પણ હજી સુધી કોઈ એવું નહીં કરે, ભલે કેટલાક લોકો એમને વૃદ્ધાશ્રમોમાં મોકલી આપે. માનવહૃદયમાં હજી થોડી ભાવના રહેલી છે. એ જ રીતે આ એક પ્રાણી, ગાય માટે હિંદુઓને આ ભાવના છે. કેટલાંક હજાર વર્ષોથી એ અમને માતાની માફક પોષતી આવી છે અને, અમારી માતા સાથે સંલગ્ન ભાવને અમે એનામાં પ્રસ્થાપિત કર્યો છે.’ આ સાંભળી એ સૌ પ્રવાસીઓએ એક અવાજે ઉત્તર વાળ્યો : ‘હવે આ હિંદુ રિવાજને અમે સમજી શકીએ છીએ. કોઈએ અમને આ રીતે સમજાવ્યું ન હતું. ખૂબ આભાર!’ પછી સંતોષ સાથે એ ગયા.

અંતિમ સત્યની આધ્યાત્મિક અભિમુખતા

સંકુચન માટે નહીં પણ વિસ્તાર માટે માનવજાતને ભારતીય દર્શન પ્રબોધે છે. જે ક્ષણે તમે ઈશ્વરનું દર્શન માતૃરૂપે કરો છો તે જ ક્ષણે, મનુષ્ય જીવનનાં વિવિધ પાસાંઓમાં માતૃભાવના ઝુમવા લાગે છે. પ્રેમનો એ વિકાસ મનુષ્યોને મનુષ્યો સાથે અને, મનુષ્યોને પ્રકૃતિ સાથે જોડવા સમર્થ છે. આ સર્વાંગીણ વિચાર અને ભાવના જગતમાં લોકોને વધારે સ્પર્શે છે. માનવી પર વિજય મેળવવા માટેનો અને શોષણ માટે મનુષ્ય શત્રુ નથી; પ્રકૃતિ પણ વિજય અને શોષણ માટેની શત્રુ નથી. મારા પ્રવચનના આરંભમાં મેં જેનો ઉલ્લેખ કર્યો હતો તે Charlene Spretnakના પુસ્તક The Politics of Women’s Spiritualityમાં લેખિકાએ જણાવ્યા પ્રમાણે, પુરુષ-પ્રકૃતિએ પોષેલા ભેદભાવથી ભિન્ન નારીપ્રકૃતિએ પોષેલો આ સર્વાંગીણ અભિગમ છે. આત્મવિકાસ માટે આપણને આપણી માતાની ઉપયોગિતા અને આવશ્યકતા છે ને તે માટે આપણે માતાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ, આપણે માનું શોષણ કરતા નથી, એ જ રીતે આપણી સૌની માતા પ્રકૃતિનો ઉપયોગ શાણપણથી આપણા વિકાસ માટે કરવાનો છે, એનું શોષણ કરવાનું નથી. ઈશ્વરનું માતા તરીકેનું દર્શન એ આ વિચારની આધ્યાત્મિક અભિમુખતા છે. એ પરા પ્રકૃતિ, પરા શક્તિ, આદ્યાશક્તિ પોતાની પ્રકૃતિની વૃષ્ટિ કરતી અનંત માતા છે. આ સત્યને ભારતે આધ્યાત્મિક અભિમુખતા અર્પી છે. ત્યારે, અર્વાચીન પાશ્ચાત્ય સૃષ્ટિરચનાવિદ્યા અંતિમ સત્યનો વિચાર કેવળ ભૌતિક તત્ત્વ તરીકે કહે છે, માત્ર પીઠિકા પૂરી પાડતા તત્ત્વ તરીકે કરે છે પણ, ભારતનું પ્રાચીન વેદાન્ત એને શુદ્ધ ચૈતન્યમય અવ્યક્ત-વ્યક્ત બ્રહ્મ કહે છે. તૈત્તિરીય ઉપનિષદ (૨.૧માં) કહે છે :

ब्रह्मविद् आप्नोति परं । तदेषाभ्युक्ता ।
सत्यं ज्ञानं अनन्तं ब्रह्म ।

‘બ્રહ્મને જાણનારો પરમને પામે છે. એ સત્ય આ રીતે વ્યક્ત કરવામાં આવે છે. ‘બ્રહ્મ સત્ય છે, જ્ઞાન છે, અનન્ત છે.’’

આ સત્યનો સાક્ષાત્કાર ક્યાં થાય છે? ‘તમારી જાતની અંદર જ,’ એમ એ ઉપનિષદ કહે છે, यो वेद निहितं गुहायां परमे व्योमन् – ‘પોતાના હૃદયની શ્રેષ્ઠ ગુહામાં જે સાક્ષાત્કાર કરે છે.’

સમસ્ત વિશ્વ સહિત આપણે બ્રહ્મમાંથી પ્રક્ષિપ્ત થયાં છીએ, એમાં જ આત્માવિષ્ટ થયાં છીએ અને અંતે એમાં જ લય પામવાનાં છીએ તેથી એ ઉપનિષદ (૩.૧માં) જ કહે છે:

यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति ।
यत् प्रयन्ति अभिसंविशन्ति । तत् विजिज्ञासस्व । तत् ब्रह्मेति ।

‘આ બધાં ભૂતો જેમાંથી આવે છે, જેમાં જીવે છે અને, પાછાં વળીને જેનામાં પ્રવેશ કરે છે તેને તું જાણ; તે બ્રહ્મ છે.’

અંતિમ સત્ય વેદાંતમાં આ રીતે દર્શાવાયું છે. વિશ્વના તમામ પદાર્થોમાં એ ઓતપ્રોત છે. એ વિશુદ્ધ ચૈતન્ય હોઈને, એ સત્ય કેવળ અંતિમ સત્ય જ નથી. પણ, એ ગાઢ સત્ય છે અને, આપણી સૌની ચેતનાના ઊંડાણમાં એ રહેલું છે; એનો સાક્ષાત્કાર કરવાની જૈવિક શક્તિ પણ પ્રકૃતિએ આપણને આપી છે.

બ્રિટિશ ખગોળભૌતિકશાસ્ત્રી ખિીગ ર્લ્લઅની અર્વાચીન સૃષ્ટિવિદ્યા ઉપર એક પુસ્તક લખ્યું હતું જે ઘણાં વર્ષો પૂર્વે મેં વાંચ્યું હતું; એ પુસ્તકમાં સૃષ્ટિના સ્વરૂપ અને એની પીઠિકા વિશે એણે તદ્દન ભૌતિકવાદી વિચારો રજૂ કર્યા હતા; પણ, કેટલાંક વર્ષો પહેલાં, એ જ વિષય પર એણે The Intelligent Universe નામે બીજું પુસ્તક લખ્યું હતું ને એમાં પોતાના ભૌતિકવાદી વિચારો એણે તજી દીધા છે. ગયે વર્ષે એ હૈદરાબાદ આવ્યા હતા ત્યારે એને સાંભળવાની અને એની સાથે વાત કરવાની તક મને મળી હતી. The Intelligent Universeમાં (First American Edition, 1984, P.189) એણે લખ્યું છે :

વિશ્વની ઉત્પત્તિનું અને આકાશગંગા, નક્ષત્રમંડળો અને તારાઓની ઉત્પત્તિનું જે ચિત્ર ખગોળશાસ્ત્ર પાસે પ્રગટ થયું છે તે, ધુમ્મસમાંથી દેખાતા ભૂભાગની માફક, આશ્ચર્યકારક રીતે અસ્પષ્ટ છે. આ અચોક્કસ અને અસંતોષકારક પરિસ્થિતિ ખગોળશાસ્ત્રના અન્ય ભાગોનાં સ્પષ્ટ ચિત્રો સાથે વિરોધ દર્શાવે છે. સૃષ્ટિવિદ્યાના ક્ષેત્રમાં એક ભાગ હાથ આવતો નથી. રુબિક ઘનના ઉકેલની માફક સૃષ્ટિની ઉત્પત્તિનો ઉકેલ પ્રજ્ઞા માગે છે.

પ્રજ્ઞા – બુદ્ધિ – ની એની વિભાવના વેદાંતના સર્વ પરિવેષ્ટિત બ્રહ્મની વિભાવનાથી ખૂબ દૂર હોવા છતાં, એ દિશામાંનું એ પ્રથમ અને સાચું પગલું છે. પગલાં લથડતાં પડે છે કારણ, પ્રકૃતિથી અને, બધા પાશ્ચાત્ય ધર્મોની ધારણાવાળા, સૃષ્ટિથી પર એવા ઈશ્વરથી અભડાઈ જવાનો ભય છે. ભારતીય ચિંતન એવા કોઈ અદ્‌ભુત પ્રકૃત્યાત્તીત અસ્તિત્વમાં માનતું નથી કારણ, મેં અગાઉ જણાવ્યા પ્રમાણે, પ્રકૃતિની એની વિભાવનામાં ભૂતો (પદાર્થો) અને, બુદ્ધિ અને, વિજ્ઞાન અને ધર્મનો સમાવેશ કશા પારસ્પરિક ઘર્ષણ વિના થાય છે. (એજન, પૃ. ૨૩૬માં) Fred Hoyle આ પ્રગટ કરતાં કહે છે :

આમ ખગોળશાસ્ત્ર અને જીવશાસ્ત્રથી આરંભ થોડા ભૌતિકશાસ્ત્ર સાથે આપણે ધર્મ પાસે આવી પહોંચ્યાં છીએ. પરિસ્થિતિ ઉલટવામાં આવે અને, ધર્મના અભિગમથી આપણે વિજ્ઞાન પ્રત્યે જોઈએ તો શું થાય? બંને અભિગમો બરાબરીમાં કેવા ઊતરે છે? ધર્મશાસ્ત્રનાં સ્વરૂપ ઉપર આ પ્રશ્નનો ઉત્તર અવલંબે છે. પ્રવર્તમાન પાશ્ચાત્ય બોધ અનુસાર, સંપર્ક બિન્દુઓ ઓછાં છે કારણ મુખ્યત્વે ‘ઈશ્વર’ ને સ્થાન સૃષ્ટિની બહાર અપાયું છે અને સૃષ્ટિ એને વશ છે. એથી વિરુદ્ધમાં, ભૂતકાલીન અને પ્રવર્તમાન કેટલાય ધર્મોમાં દેવો આ વિશ્વમાં જ વસે છે. ઉદાહરણ તરીકે અર્વાચીન હિન્દુ ધર્મના ઈશ્વર બ્રહ્મ વિશે આમ છે.

તેમજ નોર્ડિક પ્રજાઓના ગ્રીક પ્રજાઓના સૈકાઓ અગાઉના દેવો વિશે પણ તેમ જ હતું. હિન્દુ ધર્મ વિશેનું ખિીગ ર્લ્લઅની નું જ્ઞાન પ્રારંભિક દશાનું છે; ‘બ્રહ્મા વિશેની એ ધર્મની વિભાવના અર્વાચીન છે એમ એનું કથન એ પ્રગટ કરે છે. પણ નરરૂપ બ્રહ્મા પોતાનામાંથી સૃષ્ટિના પ્રક્ષેપ કરનાર તરીકેની અને, વ્યક્ત બ્રહ્મ પાછળના અલિંગી અવ્યક્ત બ્રહ્મની વિભાવના કેટલાંક હજાર વર્ષો જૂની છે.

પોતાના Tao of Physics માં (pp. 130-31 પર) Professor Fritjof Capraએ આ સૃષ્ટિના ઉદ્‌ગમ તરીકે બ્રહ્મની વેદાંતી વિસ્તીર્ણતા ચીંધી બતાવી છે :

જગતના આકલનના પૌરસ્ત્ય અભિગમનું સૌથી અગત્યનું – એનું તત્ત્વરૂપ – લક્ષણ છે, સર્વ પદાર્થોની અને ઘટનાઓની એકતા અને તેમના આંતરસંબંધોનું જ્ઞાન… જે અનંત, અમર, અખંડ તત્ત્વ સૌ પદાર્થોમાં આવિષ્કાર પામે છે અને સર્વ પદાર્થો જેના અંશરૂપ છે એનો ઉલ્લેખ પૂર્વની પરંપરાઓ વારંવાર કહે છે. હિન્દુ ધર્મ એને બ્રહ્મ કહે છે, બૌદ્ધ ધર્મ ધર્મકાય કહે છે અને તાઓ ધર્મ એને તાઓ કહે છે.

ઉપસંહાર

આપણે જોયા પ્રમાણે બુદ્ધિને વેદાંત ચિત્‌શક્તિ કહે છે. ચિત્‌ સુંદર સંસ્કૃત શબ્દ છે અને એનો અર્થ ચૈતન્ય થાય છે. Fred Hoyleના પુસ્તકના શીર્ષક The Intelligent Universeનો સ્પષ્ટ સંસ્કૃત અનુવાદ ચિન્મય જગત્‌ થાય. વેદાંત વિશ્વનો ઉલ્લેખ જગદમ્બાની લીલા તરીકે કરે છે. વિશ્વની પાછળ એ માતૃહૃદય રહેલું છે ને, એનાં બધાં ઈષ્ટ અને અનિષ્ટ તત્ત્વો સાથે, હિંસા અને અહિંસા સામે એનો આવિષ્કાર બ્રહ્માંડમાં મનુષ્યોમાં તેટલો જ મનુષ્યેતર પ્રાણીઓમાં જોઈ શકાય છે; અને મનુષ્યો આ મર્યાદાની પાર જઈ શકે છે. એટલે દેવી માહાત્મ્યમ્‌ ગાય છે!

विद्या समस्ता: तव देवी भेदा:
स्रिय: समस्ता: सकला जगत्सु।

‘હે દેવી! બધા પ્રકારની વિદ્યા તારાં વિવિધ રૂપો છે; જગતની બધી સ્ત્રીઓ પણ તારા વિવિધ આવિષ્કારો છે.’ 

બધા ભૌતિક કલ્યાણના મૂર્તરૂપ લક્ષ્મી તરીકે અમે સર્વ વિદ્યાની દેવી સરસ્વતી તરીકે આપણે જગદંબાની વિભાવના કરી છે. પશ્ચિમમાં છે તેમ, ધાર્મિક અને ધર્મનિરપેક્ષનો ભેદ આપણે ત્યાં નથી. એક જ સતત ખોજ છે-ધર્મનિરપેક્ષ વિદ્યાની અને ઉચ્ચતા વિદ્યાની; બંને આધ્યાત્મિક છે અને જગદંબાના આવિષ્કારો છે. એક પ્રસિદ્ધ સંસ્કૃત સ્તોત્રમાં સરસ્વતીને नि:शेषजाऽयापहा – બધા જાડ્યા અર્થાત્‌ આળસનો, પ્રમાદનો નાશ કરનાર, કહેલ છે.

તો સરસ્વતીના અને લક્ષ્મીના રૂપમાં જગદંબાના માનવજાત માટે આ આશીર્વાદ છે – શાસ્ત્રીય અને આધ્યાત્મિક જ્ઞાન અને, જ્ઞાનના ફળસ્વરૂપે ક્ષેમકલ્યાણ. એટલા માટે એ भुक्तिमुक्तिप्रदायिनी કહેવાઈ છે – અર્થાત્‌, ‘સાંસારિક સુખ અને આધ્યાત્મિક મુક્તિ દેનારી.’ ને માનવીની એષણાઓ અને તુષ્ટિ તેમાં આવી જાય છે; ને એ દેવીનું માહાત્મ્ય પણ પોકારે છે.

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.