શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ (૧૯૨૭ – ૨૦૦૨)

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ તા.૯.૧૨.૦૧ને રવિવારે ૫.૩૦ થી ૭.૨૫ સુધી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ (જનરલ સેક્રેટરી, રામકૃષ્ણ મઠ-મિશન)ના પ્રમુખ સ્થાને યોજાયો હતો. કેન્દ્ર સરકારના ભારે ઉદ્યોગખાતાના મંત્રીશ્રી ડો.વલ્લભભાઈ કથીરિયા અતિથિવિશેષ તરીકે રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ શ્રીરામકૃષ્ણ આશ્રમ-વિદ્યાર્થીમંદિરના વિદ્યાર્થીઓના ભજનથી થયો હતો. આ પ્રસંગે એમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ અને રામકૃષ્ણ મિશનની સેવાઓને બિરદાવી હતી. સ્વામીજીના પુસ્તકોના વાચને એમના જીવનમાં ઊંડી અસર કરી છે. આ સંસ્થા દેશની શ્રેષ્ઠ સેવાભાવી સંસ્થા છે.

શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ આશ્રમ અને રામકૃષ્ણ મિશનને ગુજરાતના લોકોએ આપેલા સાર્વત્રિક સહકાર બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. બધાં શુભકાર્યો ઉન્નતિ તરફ દોરી જાય છે. આપણી ઐતિહાસિક ઉત્ક્રાંતિ અને સાર્વત્રિક વિકાસમાં રામકૃષ્ણ-વિવેકાનંદનું પ્રદાન રહ્યું છે. આજે દેશની શિકલ બદલવા માટે આરોગ્ય અને શિક્ષણનો પ્રસાર જરૂરી છે. કોઈ પણ કાર્ય કરવા માટે ત્યાગ-સેવા-સમર્પણ-સમભાવની આવશ્યકતા છે. રામકૃષ્ણ મઠ-મિશનના આસિ.સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી શ્રીકરાનંદજી મહારાજે ચાર પુરુષાર્થ, ચાર આશ્રમની સંક્ષેપમાં છણાવટ કરીને સાચી ધર્મનિષ્ઠાનું મહત્ત્વ સમજાવ્યું હતું. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા વિશ્વભરમાં પ્રવાહિત થઈ છે અને એ સેંકડો વર્ષ સુધી વહેતી રહેશે. પોતાના પ્રાસંગિક અને સ્વાગત પ્રવચનમાં સ્વામી જિતાત્માનંદજીએ ગુજરાતની પ્રજાનો આદરભાવપૂર્વક ઋણસ્વીકાર કર્યો હતો. અમારી આ સેવા પાછળ માનવમાં રહેલા પ્રભુની પૂજા રહેલી છે. આ ભૂમિને મઠના કેન્દ્ર તરીકે સ્વીકારી તે વાત આ ભૂમિને પુણ્યશાળી ભૂમિ પુરવાર કરે છે. ૧૯૨૭ થી માંડીને આજસુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ લોકોની વિપત્તિની પળે તેમની વહારે થયું છે. આ પળે શ્રીરામકૃષ્ણના આશ્રમના પુરોગામી અધ્યક્ષ-સ્વામી ભૂતેશાનંદજી, સ્વામી આત્મસ્થાનંદજી, સ્વામી વ્યોમાનંદજી, સ્વામી મુમુક્ષાનંદજીના કાર્યકાળ દરમિયાન થયેલ સેવાકાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું: રામકૃષ્ણ-વિવેકાનંદના સાહિત્યપ્રકાશનોએ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસારમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ સાહિત્ય ગામડે ગામડે પહોંચ્યું અને દેશ-વિદેશમાં ઘણે સ્થળે પહોંચ્યું અને એ દ્વારા સ્વામીજીના આદર્શો ત્યાં બધે પહોંચ્યા. એપ્રિલ ૧૯૮૯થી શરૂ થયેલ માસિકપત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું પ્રકાશન આ પ્રચાર-પ્રસારનું એક મહત્ત્વનું માધ્યમ બની ગયું. ઉપરાંત અવારનવાર મળતા ભક્તસંમેલનો, આધ્યાત્મિક શિબિરો, શિક્ષણ શિબિરો, યુવસંમેલનો, મેનેજમેન્ટ સેમિનારો પણ આ ભાવપ્રચારનું એક માધ્યમ બની રહ્યાં છે. આ પ્રસંગે શ્રીઉમાકાંતભાઈ પંડિતે શ્રીરામકૃષ્ણ આશ્રમના પ્રદાન વિશે વાત કરતાં કહ્યું: અહીંના વિદ્વાન, સંતપ્રકૃતિના પ્રભાવક અધ્યક્ષોએ એક આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યુ છે. સેવા દ્વારા સંકટ નિવારણના કાર્યથી સંસ્થાને બહોળી પ્રસિદ્ધિ મળી છે અને પોતાની વિશ્વસનિયતા આજ સુધી જાળવી રાખી છે. પ્રો. તારાબહેન શાહે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ સંસ્થાએ ઘણાબૌધિકોનાં હૃદયને સ્પર્શીને એમને આધ્યાત્મિક માર્ગે વાળવાનું ઉત્તમકાર્ય કર્યું છે. સાહિત્ય પ્રકાશન દ્વારા આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ કર્યો છે. શ્રીનીલકંઠભાઈ ભટ્ટે આશ્રમની સેવા અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓની વાત કરી હતી. આ પ્રસંગે શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે ‘સ્વામી વિવેકાનંદ-ગ્રંથમાળા સંચયન’એ ગ્રંથનું વિમોચન કર્યું હતું.

શ્રીમત્‌ સ્વામી શ્રીકરાનંદજી મહારાજે ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ સેવાપ્રવૃત્તિઓ (૧૯૨૭ – ૨૦૦૨)’ એ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યમાં જેમનું સતતપણે પ્રદાન રહ્યું છે એવા ગુજરાતના ૧૦ સારસ્વતોનું સન્માન શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે શાલ, શ્રીરામકૃષ્ણદેવની છબિ અને પુસ્તકોનો સેટ આપીને કર્યું હતું. સ્વામી ર્સ્વસ્થાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની રાહતસેવાપ્રવૃત્તિઓ અને પ્રકાશન પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ આપ્યો હતો. ગુજરાત ભરના વિવિધ કેન્દ્રોમાંથી આવેલા પ્રતિનિધિઓ અને રાજકોટના ભક્તજનોએ શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજનું શાલ, ફૂલહારથી અભિવાદન કર્યું હતું. રાજકોટના ભક્તજનો વતી સ્વામીજીને સન્માનપત્ર પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આભારવિધિ ડો. સુનિલ મોદીએ કર્યો હતો. 

રામકૃષ્ણ મઠ-મિશન, બેલુર દ્વારા નવનિર્મિત રામકૃષ્ણ નગર (ધાણેટી)નો સમર્પણવિધિ

રામકૃષ્ણ મિશન, બેલુર દ્વારા નવનિર્મિત રામકૃષ્ણ નગર (ધાણેટી)નો સમર્પણવિધિ તા.૧૧-૧૨-૦૧ને મંગળવારે સવારે ૧૧.૦૦ વાગ્યે ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલશ્રી સુંદરસિંઘ ભંડારીના વરદ હસ્તે સંપન્ન થયો. આ પ્રસંગે તેમણે રામકૃષ્ણ મિશનની માનવસેવાઓને બિરદાવી હતી. ધરતીકંપની પીડામાંથી થોડા સમયમાં બહાર આવ્યા અને આવું નવનિર્માણ કર્યું તે માટે આ વિસ્તારના લોકો ધન્યવાદને પાત્ર છે. આ ગામને સુંદર અને સ્વચ્છ રાખજો, સંપ-સહકારની ભાવનાથી જીવજો, તમારા ઝઘડા તમારી મેળે પતાવી લેજો અને સૌની સારી વાત સ્વીકારજો એવી ગ્રામજનોને શીખ આપી હતી. આ સંમારંભના અધ્યક્ષ રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી, શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે પોતાના પ્રવચનમાં કહ્યું હતું: સૌ કોઈના સહકાર અને પ્રેમથી અને શ્રીઠાકુરની કૃપાથી આ પડકારભર્યું કાર્ય આજે સંપન્ન થયું છે. પડકારોનો સામનો કરવો એ આપણું માનવકર્તવ્ય છે. રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ શહેરો પૂરતી નથી પણ ગામડે ગામડે એનો વ્યાપ છે. શિક્ષણ-આરોગ્યની વૃદ્ધિ કરજો અને એમાં જ તમારાં વિકાસઉન્નતિ છે. રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી, શ્રીમત્‌ સ્વામી શ્રીકરાનંદજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પોતાના સ્થાપનાના વર્ષ એટલે કે ૧૮૯૭ થી રામકૃષ્ણ મિશન પોતાની સેવાપ્રવૃત્તિઓમાં રત છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પણ ૧૯૨૭ થી માંડીને આજ સુધી આ પ્રવૃત્તિઓ ઉપાડી લીધી છે. આ પ્રસંગે સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં સ્વામી જિતાત્માનંદજીએ સાથ-સહકાર માટે સૌનો ઋણસ્વીકાર કરીને કહ્યું હતું : અહીં થયેલું રામકૃષ્ણ નગરનું સર્જન એ શ્રીઠાકુરની કૃપાથી થયું છે. અમને ગ્રામજનો, સરકારશ્રી, અધિકારવર્ગ વગેરેનો સાથસહકાર પણ મળ્યો છે. આ નગરને તીર્થનગર બનાવજો. એને સુંદર, સ્વચ્છ, ભવ્ય અને દિવ્ય બનાવજો. કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિકમંત્રગાનથી થયો હતો. અને આભારદર્શન કેમ્પ ઈન્ચાર્જ સ્વામી અવ્યયાત્માનંદજીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, ધાણેટીના શિક્ષકોએ રાષ્ટ્રગીતગાન કર્યું હતું.

રામકૃષ્ણ મિશન, લીંબડી, નાની કઠેચીમાં વિવેકાનંદ વિદ્યામંદિરનો સમર્પણવિધિ

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નવનિર્મિત નાની કઠેચીમાં વિવેકાનંદ વિદ્યામંદિરના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૬ ડિસેમ્બરે સમર્પણવિધિ પ્રસંગે રામકૃષ્ણ મિશનના સમાજસેવાના કાર્યોની પરંપરા અને સ્વામી વિવેકાનંદના સેવાના આદર્શોને બિરદાવ્યા હતા. ૧૪ ઓરડાની આ શાળા માત્ર પાંચ મહિનામાં મિશને બાંધી આપી છે. રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે આજના યુગમાં શિક્ષણ અને આરોગ્યની જાગૃતિની વાત કરી હતી. મંત્રીશ્રી ફકીરભાઈ વાઘેલા, મંત્રીશ્રી આઈ. કે. જાડેજા અને ધારાસભ્ય શ્રી કિરિટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા સુરેન્દ્રનગરમાં શ્રીરામકૃષ્ણ પ્રાથમિક શાળાનો સમર્પણવિધિ

રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા સુરેન્દ્રનગરમાં નવનિર્મિત શ્રીરામકૃષ્ણ પ્રાથમિક શાળાના સમર્પણવિધિ (૬, ડિસેમ્બર) પ્રસંગે ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી સુરેશચંદ્ર મહેતાએ રામકૃષ્ણ મિશનની વિવિધ સેવાપ્રવૃત્તિઓ બિરદાવી હતી અને શ્રીરામકૃષ્ણ -વિવેકાનંદના શિવજ્ઞાને જીવસેવાના આદર્શને અનુસરવાની સૌને હાકલ કરી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે શિક્ષણ અને આરોગ્યની જાગૃતિ વિશે સૌને સાવધાન રહેવાનું કહ્યું અને રામકૃષ્ણ મઠ-મિશનના આસિ.સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી શ્રીકરાનંદજી મહારાજે ગુજરાતમાં ધરતીકંપ રાહતસેવાપ્રવૃત્તિઓ વિશે સંક્ષિપ્ત વાત કરી હતી.

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.