‘પ્રબુદ્ધ ભારત’ નવેમ્બર, ૧૯૮૭ના તંત્રી લેખનો શ્રી પી.એમ.વૈષ્ણવે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

એક સુથારનો આ યુવાન પુત્ર પોતાને પ્રભુનો પુત્ર કહેડાવતો. કેટલાંક વર્ષોથી જોર્ડન, જુડેહા અને ગલીલીના સમગ્ર પ્રદેશોમાં તે ‘પ્રભુના સામ્રાજ્ય’ના આ સંદેશનો ઉપદેશ આપતો હતો. તે સર્વત્ર કહેતો, ‘પશ્ચાત્તાપ કરો. પ્રભુનું સામ્રાજ્ય હાથવેંતમાં જ છે.’ ત્યાંના ભલા ભોળા લોકો તેને સ્વર્ગના સામ્રાજ્ય પ્રત્યે દોરનાર તારણહાર તરીકે જોતા. તેણે રક્તપિતીયાઓને સાજા કર્યા, લૂલાં-લંગડાને ચાલતાં કર્યાં, અંધને દેખતા કર્યા અને મરેલાને જીવતા કર્યા. લોકો આ નવયુવાનમાં ઈશ્વરની પવિત્રતા અને શક્તિનાં દર્શન કરતા. ખાનગીમાં તો તેઓ તેને જ યહૂદીઓનો રાજા અને, તારણહાર ઈસુ કહેતા.

પરંતુ જેરુસલેમના પાદરીઓએ આ પોતે ‘બની બેઠેલા’ તારણહારને સ્વીકૃતિ ન આપી. ઈશ્વર અને લોકો વચ્ચેના મધ્યસ્થી ગણાતા પાદરીઓએ તેની માન્યતા નકારી. તેના પર ઈશ્વરની નિંદા કરનાર તરીકે આરોપ મુક્યો અને તેનો ન્યાય કરવા તેને રોમન રાજા પાસે લઈ આવ્યા. ન્યાયધીશ પિલેટે ઈસુને પૂછ્યું: ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ ઈસુએ જવાબ આપ્યો, ‘મારું સામ્રાજ્ય આ જગતનું નથી. જો મારું રાજ્ય આ દુનિયાનું હોત તો તો મને યહૂદીઓને ન સોંપવા મારા સેવકો લડત; પરંતુ મારું રાજ્ય અહીંનું નથી.’ મિલેટે ફરી પૂછ્યું: ‘શું તું રાજા છે? ઈસુએ જવાબ આપ્યો, ‘તમે કહો છો કે હું રાજા છું. એ માટે હું જન્મ્યો છું, અને આ હેતુ માટે હું દુનિયામાં આવ્યો છું, અને દુનિયા એ સત્યની સાક્ષી પૂરે છે. જે કોઈ સત્યનિષ્ઠ છે તે મારો અવાજ સાંભળે છે.’ આ પછી મિલેટે તેને ફાંસીએ ચડાવવા ઈન્કાર કરતો ન્યાય આપ્યો. પરંતુ યહૂદી પાદરીઓની તેને ફાંસી આપવાની બૂમરાણો ચાલુ રહી. મિલેટે તેના પર ફરીથી મુકદમો ચલાવ્યો. અંતે તેણે ઈસુને પૂછ્યું: ‘તું ક્યાનો છે?’ ઈસુ નિરુત્તર રહ્યા. મિલેટ ક્રોધથી તાડૂક્યો, ‘શું તું જાણે છે કે મને તને ફાંસીએ ચડાવવાની પણ સત્તા છે અને તને મુક્ત કરવાની પણ સત્તા છે?’ અંતે ઈસુએ ઉત્તર આપતાં કહ્યું: ‘ઉપરથી પ્રભુ આપે તે વિના તમારી પાસે મને કંઈ કરી શકવાની સત્તા નથી.’ અંતે ઈસુને ફાંસીનો હુકમ થયો. પાદરીઓ ખુશ થયા, કેમ કે તેમને માટે સીઝર સિવાય બીજો કોઈ રાજા નથી તેમ નક્કી થયું. તેઓએ એક કાંટાળો રાજમુકુટ બનાવી, ઈસુના મસ્તકે મૂકી, અને કટાક્ષમાં તેને સલામ કરી કહેવા લાગ્યા, ‘હે યહૂદીઓના રાજા, તને વંદન!’ તેને જે વધસ્તંભ પર શૂળીએ ચડાવવાના હતા તેના ઉપર ઉપહાસમાં એક પાટીયું લટકાવવામાં આવ્યું હતું. તેના પર લખ્યું હતું, ‘યહૂદીઓનો રાજા.’

ઈસુ વધસ્તંભે ચડી મૃત્યુને ભેટ્યા. બુઝર્ગો અને પંડિતોની સાથે સાથે પાદરીઓ તેની ઠેકડી ઉડાવતા હતા. ‘અરેરે, તેણે બીજાને બચાવ્યા, પોતાને જ તે બચાવી ન શક્યો. એ જો ઈઝરાઈલનો રાજા હોય તો, તે આ શૂળી પરથી જીવતો થઈ નીચે આવે. તો અમે તેને સાચો માનીશું.’ જે ઈસુએ માત્ર બે માછલીઓ અને પાંચ બ્રેડથી એક મોટાં ટોળાંને ભોજન કરાવ્યું હતું, જેઓ પીટરને ડૂબતો બચાવવા ગેલીલીના સમુદ્રનાં તોફાની પાણી ઉપર ચાલ્યા હતા, તેઓ શૂળી પરથી નીચે ન ઉતર્યા અને પોતાને બચાવ્યા નહિ. આ વખતે તેમણે આવો કોઈ ચમત્કાર ન કર્યો. ઈઝરાયલના જે લોકો તેનાં મૃત્યુથી હરખાતા હતા તેમને માટે ઈસુએ આ છેલ્લી પ્રાર્થના કરી, ‘હે પ્રભુ, આ લોકોને માફ કરી દેજે, કેમ કે તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.’

પછીથી સેન્ટપોલ, ઈસુ અને તેમના સંદેશનો કોરીન્થીઅનોને ઉપદેશ આપવા રોમ ગયા, ત્યારે તેમણે અફસોસ સાથે કહ્યું, ‘યહૂદીઓને સ્પષ્ટ નિશાની જોઈએ અને ગ્રીકોને જ્ઞાન જોઈએ; પરંતુ અમે તો વધસ્તંભે ચડાવેલા ઈસુનો ઉપદેશ આપીએ છીએ. યહૂદીઓ માટે તેઓ અડચણરૂપ હતા અને ગ્રીકો માટે ક્રૂસારોહણ એ મુર્ખાઈ હતી.’ ઈસુએ આપણા સ્વર્ગમાં રહેતા પિતાની પૂર્ણતાનો ઉપદેશ આપેલો. તેમણે ‘ઈશ્વરના સામ્રાજ્ય’ની વાત કરી તે આપણી અંદર જ છે. તે એવું શાશ્વત જીવન છે કે જે પૃથ્વી પર જીવવાનું નથી, પરંતુ આત્માના પ્રદેશમાં જીવવાનું છે. અને આ સંદેશનો તેમણે એવી પ્રેમભરી ઉત્કટતાથી પ્રચાર કર્યો કે તેને પરિણામે તેમને અંતે ક્રૂસ પર ચડવું પડ્યું.

ગ્રીકો માનતા કે ઈસુનું સ્વેચ્છાએ સ્વીકારેલું ક્રૂસારોહણ એ મુર્ખાઈભર્યું પગલું હતું. એક પૂર્ણ બનેલ આત્માએ સામાન્ય લોકો માટે બિનજરૂરીપણે શા માટે મૃત્યુ સ્વીકારવું? પૂર્ણતાની શોધ મૃત્યુ પછીના જીવનની શાશ્વતતામાં શા માટે કરવી અને શા માટે આ ભૌતિક નજરે દેખાય તેવી દુનિયામાં નહિ? શા માટે આવી પૂર્ણતા માત્ર આત્માના પ્રદેશની અને માત્ર ‘અંદર’ની જ હોવી જોઈએ? ગ્રીક પ્રજા હંમેશાં પૂર્ણતાને ઈહૈવ – અહીં જ સ્થળકાળની અંદર જ ઝંખતી. તેમણે વીનસ અને એપોલોનાં અવિસ્મરણીય શિલ્પો અને પાર્થિઓનોન કે ઓલિમ્પસના ભવ્ય સ્તંભો અને તેમનાં મોખરાના ભાગની વિશિષ્ટ શૈલીની ભેટ આપી. ‘ગ્રીકોના મતે ‘સીમિત’ કે ‘શાંત’ એ પૂર્ણતાનો પૂરક અને સમાનાર્થ શબ્દ છે. તેમને મન ‘અનંત’ એટલે કશુંક અચોક્કસ, આકારહીન, ગોટાળાભર્યું અને અતાર્કિક.’ ખરેખર તો ગ્રીકોને ‘અનંત’નો ડર હતો. તેમનો ધર્મ હતો કશાંક ‘સીમિત, તાર્કિક અને પૂર્ણનો’. તેઓ એ વાત સમજી જ ન શક્યા કે પૂર્ણ એવા ઈસુ શા માટે પૃથ્વી પર આવે અને જે લોકોએે તેમનો ઈન્કાર કર્યો અને જેમને પ્રત્યે ક્રૂરતા આચરી તેમને માટે જ તેઓ ક્રૂસ પર ચડી શા માટે મૃત્યુ પામે. ગ્રીક ફિલસૂફો માનવલક્ષી બની ન શક્યા અને તેથી જ ગ્રીક સંસ્કૃતિને તેના સડામાંથી પુનર્જીવિત કરવામાં નિષ્ફળ રહ્યા. ગ્રીકના ઈતિહાસના પતનની વેળાએ નવા નવા વિચાર ધરાવનાર ફિલસૂફો કર્મઠ ફિલસૂફો તરીકે ઉભરવામાં નિષ્ફળ રહ્યા. ગ્રીક ફિલસૂફ એપિક્ટેટસ ‘દેવોની નગરી’ની વાત કરે છે. પરંતુ તે માત્ર એક વિચાર જ રહ્યો. જ્યારે સેન્ટ પોલે તો પોતાના વ્યક્તિગત અનુરાગ અને બલિદાન દ્વારા ઈસુના સ્વર્ગનાં સામ્રાજ્યના બોધને એક ગતિશીલ ધર્મમાં પલટાવી નાખ્યો.

ગ્રીક પ્રજા કે યહૂદી પાદરીઓ જેવા ઉપયોગિતાવાદી કે ભૌતિકવાદીઓ, આ જીવનને ભાવિના કોઈ અજાણ્યાં ફળ માટે ગુમાવતાં ડરે છે. ઇન્દ્રિયસુખો માટેના જન્મજાત પ્રેમને કારણે યહૂદી પાદરીઓ, અન્યને માટે ત્યાગ અને બલિદાનનો ઈસુનો સંદેશ સ્વીકારી ન શક્યા. ઈસુએ તેમને ખજાનો સ્વર્ગમાં એકઠો કરવાનું કહ્યું: ‘કેમ કે અહીં પૃથ્વી પર તો આ ખજાનાને કાટ ચડે, તે ભ્રષ્ટ થાય અને ચોર તેને ચોરી શકે.’ સંપૂણ ત્યાગની વાત સાંભળી તેમના પોતાના અનુયાયીઓ પણ ચોંકી ઊઠ્યા ત્યારે તેમને ખાતરી આપતાં તેમણે કહ્યું, ‘આકાશનાં પંખીઓને જુઓ: તેઓ નથી વાવણી કરતાં, નથી કાપણી કરતાં કે નથી અનાજનો સંગ્રહ કરતાં, તેમ છતાં તમારા સ્વર્ગીય પિતા તેમનું ભરણપોષણ કરે છે.’ યહૂદી પાદરીઓ એવી જૂઠી અપેક્ષા રાખતા હતા કે ઈસુ કોઈ ચમત્કાર કરી સ્વર્ગનું સામ્રાજ્ય અહીં પૃથ્વી પર લાવશે, ત્યારે જેરૂસલેમનો એક એક પત્થર સોનાનો થઈ જશે. ઈસુએ આવું કંઈ કર્યું નહિ. હા, જેઓ શ્રદ્ધાળુ હતા તેમને પોતાની ચમત્કારિક શક્તિઓનો પરિચય જરૂર કરાવ્યો. આ નવા મુક્તિદાતાએ તો ઉલટાનું આ સુવર્ણલોભીઓને આત્માના સામ્રાજ્યની વાત કરી. તેણે કહ્યું, ‘સ્વર્ગનું રાજ્ય તો તમારી અંદર છે. તેનાં દ્વાર ખટખટાવો અને તે ખૂલી જશે. એક માણસે રાઈનો દાણો લઈ તેને ખેતરમાં વાવ્યો તે ઊગી નીકળ્યો ત્યારે તે સૌથી વિશાળ છોડ બન્યો અને એક વૃક્ષ થયું. આકાશમાંથી, પક્ષીઓ આવી અને તેની ડાળીઓમાં માળો બાંધી રહ્યાં.’ એ એના જેવું છે. તે ઉપરાંત ઈસુએ પ્રભુના સામ્રજ્યને એક પવિત્રતા અને પૂર્ણતાભર્યાં જીવન સાથે સરખાવ્યું. તે ‘મેળવણ’ જેવું છે કે જે દૂધને સુંદર દહીંમાં પરિવર્તિત કરી નાખે છે. આ એક જ સૌથી મહાન સામ્રાજ્ય છે કે જેને માટે માણસે સર્વસ્વનો ત્યાગ કરવા જેવું છે. તે એક એવું અમૂલ્ય મોતી છે કે જેને માટે વેપારી પોતાનું તમામ ધન વેંચી તેને ખરીદે છે. ઈશ્વરનું સામ્રાજ્ય એટલે માનવમાં અંતર્નિહિત તમામ દિવ્યતાનો આવિર્ભાવ. તે તમામ દિવ્ય સદ્‌ગુણોને એકઠા કરે છે અને દુર્ગુણોને અતિક્રમે છે. તે એક એવી જાળ છે કે જેને પાત્રમાં નાખતાં તેમાં જે જે સારું હોય છે તેને એકઠું કરી લે છે અને જે કચરો હોય તેને ફેંકી દે છે.

પરંતુ આવું સામ્રાજ્ય મેળવવા આપણે શું કિંમત ચૂકવવી પડે છે? ત્યાગ, સર્વસ્વનો ત્યાગ. એક વખત એક ધનિકપુત્ર ઈસુ પાસે આવ્યો. ઈસુએ તેને કહ્યું, ‘તારે પૂર્ણ થવું હોય તો પ્રથમ તારી પાસે છે તે તમામ સંપત્તિ વેંચી અને ગરીબોને આપી દે, અને પછી તને સ્વર્ગના ખજાના મળશે… ચાલ, મારી પાછળ આવ.’ પરંતુ ધનિકપુત્ર તેમ ન કરી શક્યો, કેમ કે તેનામાં પૈસાની કામના હતી. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘એક ઊંટ કદાચ સોઈના નાકામાંથી પસાર થઈ શકે, પરંતુ પૈસાદાર પ્રભુના સામ્રાજ્યમાં પ્રવેશી ન શકે.’

ત્યાગની આવી ભાવનાને યહૂદી પાદરીઓ સમજી ન શક્યા. તેમને તો પ્રભુ અને પૈસો બન્ને જોઇતાં હતાં. આથી ઈસુના સંદેશથી તઓ નિરાશ થયા, અને તેમની વધતી જતી લોકપ્રિયતાથી રોષે ભરાયા. ઈસુ પોતાનાં પવિત્ર ઈશ્વરોન્માદિત જીવનથી સામાન્ય લોકોને જે રીતે પ્રભાવિત કરી રહ્યા હતા, તેની સામે એકજૂથ બની તેઓ ખડા થયા. આમ, ઈશ્વરના અન્ય તમામ અવતારોની પેઠે, યુવાન ઈસુને પણ, ઉપયોગિતાવાદી ધર્મના માલિકો અને જેઓએ ઈશ્વર અને તેનાં મંદિરને દુન્યવી સંપત્તિ મેળવવાના સાધનમાં ફેરવી નાખ્યું હતું તેવા ‘જૂઠા પયગંબરો’નો સામનો કરવો પડ્યો. તેમણે કહ્યું, ‘ફિટકાર છે તમને, હે અંધ માર્ગદર્શકો, તમે એક મચ્છરને માટે કષ્ટ ઉઠાવો છો અને આખેઆખું ઊંટ ગળી જાઓ છે… તમે પેલી સફેદ કબર જેવા છો. તે બહારથી તો સુંદર દેખાય છે, પરંતુ તેની અંદર તો તે મૃતમાનવનાં હાડકાં અને અનેક અસ્વચ્છતાઓ હોય છે.’ પોતાના શ્રદ્ધાળુ લોકોને તેમણે ચેતવ્યા હતા કે ‘જૂઠા ઈસુ’ અને ‘જૂઠા પયગંબરો’ આવશે અને બુદ્ધિશાળીઓને પણ તેઓ ‘ભ્રષ્ટ’ કરશે અને ‘છેતરશે’. લપકતી આગની પેઠે ઈસુ દેવળોમાં ગયા, અને ત્યાં જે ‘વેપાર’ કરતા હતા તેમને બહાર કાઢ્યા, અને જેઓ ‘ખરીદતા’ હતા તેમને કહ્યું, ‘એવા લેખ છે કે મારું ઘર પ્રાર્થનાનું મંદિર છે : પરંતુ તમે તેને ચોરોની ગુફામાં ફેરવી નાખ્યું છે.’ સ્વામી વિવેકાનંદ લખે છે કે આ તીવ્ર સંઘર્ષને અંતે ‘મેલીવિદ્યા કે ચૂડેલપ્રથા-ફેંકાઈ ગઈ’ અને ‘પાદરીઓના સ્વાર્થીપણાના અજગરનો વધ થયો.’ તેમની ચુંગાલમાંથી ઈસુએ સત્યનાં રત્નને બચાવી દુનિયાને પાછું આપ્યું.

આ યહૂદી પાદરીઓની પેઠે, મોટા ભાગની માનવજાતને મન ‘ઈશ્વર’ અને ‘ધર્મ’ માત્ર શબ્દો છે, બાળકોની તોતડી વાણી છે. તેમનો માત્ર એક જ હેતુ છે – દુન્યવી સુખસમૃદ્ધિ. ઈસુખ્રિસ્ત અને ભગવાન બુદ્ધ જેવા પયગંબરો, સત્યને ખાતર, સત્ય પર જ અડગ ઊભા રહ્યા. તેમને મન તો ‘દુનિયા છે જ નહિ, માત્ર ઈશ્વર જ છે.’ આ મહાન ગુરુઓના માર્ગને અનુસરવા થોડા ભાગ્યશાળી આત્માઓ શક્તિમાન નીવડ્યા. ઈસુના શિષ્યોએ પણ, પોતાના ગુરુ માટેના માનવાતીત ભાવાવેશથી એવું જ મૃત્યુ સ્વીકાર્યું. તેઓએ પણ ઈસુની જ થોડીક દિવ્યતા અહીં પ્રસરાવી.

ગેલીલીના સમુદ્રતટે ઈસુ તેમના સૌથી પહેલા બે શિષ્યોને સૌ પ્રથમવાર મળ્યા હતા. તેઓ બંને એક માછીમારના સાવ સામાન્ય પુત્રો હતા. ઈસુએ તેમને સ્વીકારતાં કહ્યું, ‘આવો, હું તમને માણસોને જાળમાં પડકતાં શીખવીશ.’ તેઓએ માછલી પકડવાની જાળ ફગાવી દીધી. સર્વસ્વનો ત્યાગ કર્યો અને ગુરુને અનુસર્યા. ઈસુને મતે તેઓ જ ધરતીનું લૂણ છે. પ્રભુનાં આ ગરીબ સંતાનો પર ઈસુએ પોતાનો અખૂટ પ્રેમ પ્રસાર્યો. એક વખત પોતાના અંતરંગ શિષ્યો ઈસુની આસપાસ એકત્ર થયા હતા ત્યારે તેમણે પોતાનાં ચક્ષુ ખોલી… તેમના તરફ માંડ્યાં અને કહ્યું, ‘હે ગરીબો તમે ધન્ય છો, કેમ કે પ્રભુનું સામ્રાજ્ય તમારું છે.’ આ શિષ્યોને તેઓ, તેમની વિરોધી એવી દુનિયામાં અંતરમાં પ્રભુના સામ્રાજ્યનો ઉપદેશ આપવા મોકલી રહ્યા હતા. ‘વરૂઓની વચ્ચે ઘેંટાં’ જેવા તેઓને મોકલી રહ્યા હતા. આ સૌભાગ્યશાળી આત્માઓ માટે તેમનું માતૃહૃદય દુ:ખથી પોકારી ઊઠ્યું, ‘હે જેરૂસલેમ, જેરૂસલેમ, તેં પયગંબરોને મારી નાખ્યા છે, અને બીજા જે મોકલ્યા તેમને પત્થરો માર્યા. જેમ મરઘી પોતાનાં નાનાં નાનાં બચ્ચાંને પોતાની પાંખમાં લઈ સેવે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને મારી પાંખ નીચે એકઠાં કર્યાં, અને તું હજુ પણ તેમ જ કરશે?’ પોતાના શિષ્યોને તેમનો આખરી સંદેશ હતો, ‘દુનિયા તમને ભારે કષ્ટ આપશે, પણ તમે આનંદમાં રહેજો… આ વાત મેં તમને એટલા માટે કહી છે કે તમને શાંતિ મળે.’ પોતાની ધરપકડ પહેલાં તેમણે સ્વર્ગમાં રહેલા પોતાના પિતાને પોતાના પ્રિય શિષ્યો માટે પ્રાર્થના કરી અને પ્રભુના રક્ષણમાં તેમને સમર્પિત કર્યા. ‘હું દુનિયા માટે પ્રાર્થના નથી કરતો, પરંતુ તેં મને જેમને સોંપ્યા છે તેમને માટે કરું છું, કેમ કે તેઓ હવે તારા છે’… ‘તેઓ આ દુનિયાના નથી. જેમ હું આ દુનિયાનો નથી; પ્રભુ, તારાં સત્ય વડે તેમને પવિત્ર કરજે; તારો શબ્દ જ સત્ય છે… હું તેમની અંદર વસું છું, અને તું મારી અંદર વસે છે. તેઓ તારા એકમાં પૂર્ણ બનો. અને જગત ભલે જાણે કે તેં મને મોકલ્યો હતો, અને તેં મને ચાહ્યો તેમ તું તેમને ચાહે છે… આ દુનિયા સર્જાઈ તે પહેલાંથી તું મને ચાહે છે.’ અને અંતે પ્રત્યેક અંતરંગ શિષ્યે, ઈસુની પેઠે જ, સૂળી પર ચડી પોતાની જાતનું બલિદાન આપ્યું.

પછીની સદીઓમાં થઈ ગયેલા ખ્રિસ્તી સંતોએ ક્રૂસારોહણને આધ્યાત્મિક અર્થમાં સ્વીકાર્યું. તેમની તપશ્ચર્યા, પોતાને શૂન્ય બનાવવાની નમ્રતા, વર્ષોની સાવધતા, ઉપવાસો, પ્રાર્થનાઓ, અંતરમાં રહેલા સાપ સાથે વરસો સુધીનાં યુદ્ધો – આ બધાંથી તેમને આધ્યાત્મિક ક્રૂસારોહણ પ્રાપ્ત થયું. જેનાથી સંતો તરીકે તેમનો આધ્યાત્મિક નૂતન જન્મ થયો.

રશિયાનો અજાણ્યો ગરીબ ખેડૂત અને ‘ધી વે ઓફ ધી પીલ્ગ્રીમ’ પુસ્તકના લેખક પ્રાર્થનાના માત્ર સાત શબ્દો દ્વારા પૂર્ણ આત્મસમર્પણ કરી પૂર્ણતાને પામ્યો: ‘પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારા પર કરુણા કરો.’ બ્રધર લોરેન્સે એક મઠમાં રસોઈયા તરીકે કામ કરતાં કરતાં ‘ધી પ્રેઝન્સ ઓફ ગોડ’ પુસ્તકના ઉપદેશોનું આચરણ કરી, પૂર્ણતા પ્રાપ્ત કરી. પોતાની લાંબી માંદગી દરમિયાન આવિલાના સેન્ટ ટેરેસાએ પોતાના પ્રિય પ્રભુની ક્રૂસારોહણ વખતની વેદના જાતે અનુભવી અને પ્રાર્થના દ્વારા સંત બન્યાં, જે તેમના પુસ્તક ‘ધી વે ટુ પરફેક્શન’માં વર્ણવેલ છે. ક્રોસના સેન્ટ જ્હોને પણ પ્રભુ માટે લાંબી શારીરિક વેદનાઓને સહન કરી હતી. ‘ઉત્તુંગ ચઢાણ’ અને ‘અંધારી રાત્રિ’ વચ્ચેના ગાળાઓમાંથી પસાર થતાં થતાં તેઓએ ‘આધ્યાત્મિક જ્ઞાન’નું ઉન્નત દર્શન પ્રાપ્ત કર્યું અને પોતે જ ‘પ્રભુની જીવંત જ્યોત’ બની ગયા. ‘બીજા ઈસુ’ તરીકે ઓળખાતા અસ્સીસીના સેન્ટ ફ્રાંસીસે વધસ્તંભે ચડેલા ઈસુ સાથે પૂર્ણ ઐક્ય પ્રાપ્ત કરી, પોતાના લોહી નીંગળતા હાથ પર તેવાં જ ચાંદાં અનુભવ્યાં. દરેક યુગનો ઈતિહાસ પ્રભુના આ ગરીબ ભિક્ષુકો પ્રત્યે આદરથી નમી પડ્યો છે. આવા કેટલાક ખ્રિસ્તી સાધુઓએ સૌ પ્રથમ વખત રોમમાં પ્રવેશ કર્યો ત્યારે રોમન શહેનશાહે કહેલું, ‘એ ભિખારીઓ અહીં આવ્યા છે? આ ભિક્ષુકો તો સામ્રાજ્યોને ઉથલાવી શકે છે.’ ઈ.સ. ૩૩માં રોમનોએ ઈસુનો વધ કર્યો. ઈ.સ. ૩૨૮માં રોમન સામ્રાજ્યે ખ્રિસ્તીધર્મને રાજ્યના ધર્મને સ્વીકૃતિ આપી. કોરનીથના નવા ખ્રિસ્તીઓને પોતાના પહેલા પત્રમાં સેન્ટ પોલે લખ્યું, ‘ઈશ્વરે ડાહ્યા લોકોને હરાવવા દુનિયાની મૂર્ખ વસ્તુઓ પસંદ કરી છે અને બળવાનોને હરાવવા દુનિયાની નબળી વસ્તુઓને પસંદ કરી છે…એવો ઉલ્લેખ છે કે હું ડાહ્યા લોકોનાં ડહાપણનો નાશ કરીશ અને બુદ્ધિશાળીઓની સમજને ધૂળમાં મેળવીશ…ડાહ્યા લોકો ક્યાં છે?.. શું ઈશ્વરે દુનિયાના ડહાપણને મૂર્ખ બનાવ્યું નથી?.. કેમ કે ઈશ્વરની મૂર્ખતા માણસો કરતાં વધુ ડહાપણભરેલી હોય છે, અને ઈશ્વરની નિર્બળતા માણસો કરતાં વધુ બળવાન હોય છે.’

ઈશ્વરના આ મૂર્ખ ભિારીઓએ દુન્યવી સંપત્તિના ભોગે, અરે, પોતાના જીવનના ભોગે, પ્રભુના સામ્રાજ્યમાં પ્રવેશવાની હિંમત કરી. અને દુનિયાનાં સામ્રાજ્યો તેમના ચરણમાં ઢળી પડ્યાં.

ઈશ્વરના આ શોધકો સમક્ષ ઈસુ જે ‘મહાન દૈવી આજ્ઞા’ની વાત કરતાં કદિ થાકતા નહિ, એ છે : ‘તું તારા સમ્રાટ ઈશ્વરને તારા પૂરેપૂરા હૃદયથી, પૂરેપૂરા આત્માથી અને તારી સમગ્ર બુદ્ધિથી ચાહજે.’ એક વ્યક્તિ ઈસુને અનુસરવા માગતી હતી તેને તેમણે પૂર્ણતાના આ માર્ગની મુશ્કેલીઓ વિશે ચેતવી. ‘શિયાળને રહેવા માટે દર હોય છે, આકાશના પંખીઓને રહેવા માળો હોય છે, પરંતુ માનવના પુત્રને માટે રાત્રે માથું ટેકવવા પણ કંઈ હોતું નથી.’ તમામ દુન્યવી ટેકાના સંપૂર્ણ ત્યાગને ઈસુ પ્રભુના સામ્રાજ્ય માટેનો એક માત્ર માર્ગ માનતા હતા. તેમણે બીજો કોઈ માર્ગ બતાવ્યો નથી. આપણે તેમને અનુસરવા ઇચ્છતા હતા, પરંતુ નિષ્ફળ ગયા કેમ કે આપણે અહંકાર અને સ્વાર્થને છોડી શકતા નથી. આપણને તો સૌ પહેલાં પૈસા જોઈએ અને ઈશ્વર તે આપણને આપે તેમ આપણે ઇચ્છીએ છીએ. સ્વામી વિવેકાનંદે પશ્ચિમના દેશોમાં કહેલું, ‘ફીટકાર હો આપણને, આપણે આ કબૂલ કરી લઈએ અને માનવજાતના આ મહાન ઉપદેશકને શરમ થાય તેવું કાંઈ ન કરીએ!… આપણે આ આદર્શને અનુસરી ન શકીએ તો આપણે આ નિર્બળતાનો સ્વીકાર કરીએ, પરંતુ આદર્શનું અવમૂલ્યન ન કરીએ. તેને નીચો લાવવા પ્રયાસ ન કરીએ.’ ઈસુએ કહ્યું છે, ‘લગ્ન સમારંભ તો તૈયાર છે, પરંતુ જેમને આમંત્ર્યા છે તેઓ તેને માટે યોગ્ય નથી.’ સ્વામી વિવેકાનંદે ઈસુના પશ્ચિમના અનુયાયીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, ‘ઉપાસનાના નિયત સ્વરૂપ દ્વારા, અને વ્યવહારકુશળ સંસ્થા દ્વારા તથા ધર્માંતરની શક્તિ દ્વારા આપણે ઈસુને એક મહાન રાજનીતિજ્ઞ, એક મહાન લશ્કરી વડા કે એક મહાન રાષ્ટ્રભક્ત યહૂદી બનાવી દીધા છે.’

ઈસુ પ્રભુ વિશે બોલતા ત્યારે ત્રણ પ્રકારના આધ્યાત્મિક અભિપ્સુઓને ધ્યાનમાં રાખી બોલતા. સામાન્ય સાધકો માટે તેઓ ઈશ્વરને ‘સ્વર્ગમાં આપણા પિતા તરીકે’ વર્ણવતા. મોટાભાગની માનવજાત માટે આવી દ્વૈતભાવી ભક્તિ જ સૌથી સરળ છે. શંકરાચાર્ય પણ કહે છે કે જેઓ ધ્યાન દ્વારા અંતરમાં પ્રભુની હાજરીનો અનુભવ કરવા ઇચ્છે છે તેમને માટે પણ, આ રીતે પ્રભુને અંતરના અવકાશમાં મર્યાદિત કરવો એ વ્યાજબી ઠરે છે.’ સ્વામી વિવેકાનંદ કહે છે, ‘અમર્યાદ તત્ત્વને ભજી ન શકાય. તેથી આપણે તેના એવા કોઈ આવિર્ભાવને ભજવો જોઈએ, કે જેનો આપણા જેવો સ્વભાવ છે. ઈસુનો સ્વભાવ આપણા જેવો હતો. તેઓ ખ્રિસ્ત બન્યા, આપણે પણ એવા બની શકીએ અને બનવું પણ જોઈએ. ‘ખ્રિસ્ત’ અને ‘બુદ્ધ’ એ એવી અવસ્થાનાં નામ છે જ્યાં આપણે પહોંચવાનું છે. ઈસુ અને ગૌતમ – એ નામની વ્યક્તિઓએ તેનો આવિર્ભાવ કરેલો છે.’ બીજા પ્રકારના શિષ્યો કે જેઓ ઈસુની નજીક હતા અને તેમને ચાહતા હતા, તેમને તેમણે વધારે ઉચ્ચ પ્રકારનું જ્ઞાન આપ્યું. ‘હું દ્રાક્ષનો વેલો છું. તમે તેની ડાળ છો.’ ઈશ્વર એ કોઈ કલ્પનાના સ્વર્ગમાં વિરાજમાન છે અને શિષ્યો તેમનાથી કાયમના છૂટા પડી ગયા છે તેવું ન માનતા, તેઓ પણ આ અંતિમ વાસ્તવિકતાના ભાગ જ છે. ઈશ્વરરૂપી અનંત સાગરનાં મોજાં જ છે – તેમ તેઓ સમજે એમ ઈસુ ઇચ્છતા હતા. પરંતુ ત્રીજા અને પોતાના પસંદગીપાત્ર મુઠ્ઠીભર અંતરંગ શિષ્યોને તેમણે સર્વોચ્ચ સત્ય વિશે કહ્યું, ‘એક એવો સમય આવશે અને અત્યારે તે ચાલી રહ્યો છે કે જ્યારે સાચા ભક્તો પોતાના પરમ પિતાને આત્મામાં અને સત્યની અંદર ભજશે, કેમ કે તે પિતા જ એવા ભક્તોની શોધમાં છે.’ બધા અવતારો કહે છે તેમ ઈસુએ આ લોકો સમક્ષ માનવ અને પ્રભુનું એકત્વ પ્રગટ કર્યું. એક સ્ત્રીને પ્રશ્ન થતો હતો કે ‘એક તારણહાર આવશે’ એવું જે વચન અપાયું છે તે મસીહા શું ઈસુ જ છે. તેને ઈસુએ કહ્યું, ‘આ તારી સાથે વાત કરી રહ્યો છે તે તે જ છે.’ પોતાના શિષ્યોને તેમણે આ જ સત્ય કહ્યું, ‘હું અને મારા પિતા એક છીએ.’ .. ‘હું જ આત્મા છું, હું જ સત્ય છું, જે શાશ્વત જીવનનો પંથ છે.. જે ઉપરથી આવે છે તે બધાથી ઉપર હોય છે… જે માટીમાંથી જન્મ્યો હોય છે તે માટી હોય છે; અને જે આત્મામાંથી જન્મ્યો છે તે આત્મા હોય છે.’ શિષ્ય ફિલિપે પૂછ્યું, ‘પ્રભુ અમને પિતા બતાવો તો અમને સંતોષ થશે’, ત્યારે ઈસુએ કહ્યું, ‘ફિલિપ, હું તારી સાથે આટલો બધો વખત રહ્યો અને છતાં તું મને જાણતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયા છે… મારામાં માન કે હું પિતાની અંદર છું અને પિતા મારામાં છે…હું જીવું છું, માટે તું પણ જીવે છે.. પછી તને ખાતરી થશે કે હું પિતામાં છું, અને તું મારામાં છે અને હું તારામાં છું.’

(ક્રમશ:)

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.