આજની આવશ્યકતા — ધર્મોની સંવાદિતા

વિવેકાનંદના ભાવિ-દર્શનમાં, રાષ્ટ્રોની સંવાદિતાનો હેતુ સિદ્ધ કરવા માટે ધર્મોની સંવાદિતા સૌથી અગત્યનું સાધન છે. ૧૮૯૭ જેટલું વહેલું વિવેકાનંદને દૃઢપણે લાગ્યું હતું કે, ‘ધર્મની જોરદાર જાગૃતિ આવી રહી છે.’ ૧૮૯૬માં એમણે પશ્ચિમમાં આગાહી કરી હતી કે:

‘કોઈ કોઈવાર એમ બોલાય છે કે, ધર્મો મરવા પડ્યા છે, કે જગતમાંથી આધ્યાત્મિક વિચારો નાશ પામી રહ્યા છે. મને એમ લાગે છે કે એમનો હજી ઉદય જ થઈ રહ્યો છે. વ્યાપક અને વિશુદ્ધ થઈને ધર્મની શક્તિ માનવજાતના દરેક ક્ષેત્રમાં ઊંડી ઊતરી રહી છે.

એટલે, ધર્મોએ વ્યાપક થવું પડશે. ધાર્મિક વિચારોએ વૈશ્વિક, ઉદાત્ત અને અનંત થવું પડશે.’

તે સાથે વિવેકાનંદને એમ પણ લાગ્યું કે, ધર્મસંવાદિતાનું આદર્શ જગત, દરેક ધાર્મિક પુનર્જાગૃતિ સાથે આવતી ધર્માંધતાથી ભયમાં મુકાશે.

‘આગળ ગૌરવની સાથે ભય પણ છે કારણ, ધાર્મિક પુનર્જાગૃતિ કેટલીક વાર ધર્માંધતાને જન્મ આપે છે, કોઈક વાર હદ વળોટે છે જેથી, એ અમુક હદે ગયા પછી, એ પુનર્જાગૃતિનો આરંભ કરનારને પણ એ વશ રહેતી નથી.’

ધર્મમાં ધર્માંધતાના સંઘર્ષની ઝાંખી વિવેકાનંદને સો વર્ષ પહેલાં થઈ હતી.

ખ્રિસ્તી કહે છે, ‘મારા ગ્રંથમાં એમ નથી કહ્યું.’ મુસલમાન કહે છે, ‘મને ખબર નથી. તમારી કિતાબ મને બંધનકર્તા નથી; મારી કિતાબ કહે છે બધા અધર્મીઓને હણો.’

‘તો આપણે નિર્વિવાદપણે સ્વીકારવું પડશે કે, આ ગ્રંથો કરતાં કશુંક વધારે વૈશ્વિક, જગતની બધી નૈતિક સ્મૃતિઓ કરતાં શ્રેષ્ઠતર કશુંક છે.’

આ ‘કશુંક શ્રેષ્ઠતર’ વિશુદ્ધ બુદ્ધિ છે; એ શાસ્ત્રીય છે, તર્કબદ્ધ છે અને વૈશ્વિક છે અને, આ બુદ્ધિ વૈશ્વિક ધર્મનો પાયો છે, એ સ્પષ્ટ છે. ‘બુદ્ધિ પ્રેરણા રૂપે વિકસે છે ને તેથી, પ્રેરણા બુદ્ધિનો વિરોધ કરતી નથી પરંતુ, એને પરિપૂર્ણ કરે છે,’ એમ વિવેકાનંદે કહ્યું છે. ૧૯૦૦માં, સાન્ફ્રાન્સિસ્કોમાં વિવેકાનંદે કહ્યું હતું કે, ધર્મ કંઈ માન્યતા નથી. એ સાક્ષાત્કાર છે :

‘ગમે તેટલા સુંદર હોય પણ તે સિદ્ધાંતો, વાદ કે વાત ધર્મ નથી. એ હોવું અને થવું છે, શ્રવણ કે સ્વીકાર નથી; આત્મા જે માનતો હોય તેમાં તેનું સંપૂર્ણ પરિવર્તન તે ધર્મ છે.’

મનુષ્યજાતનો ભાવિ વૈશ્વિક ધર્મ વેદાંત થશે એવો દાવો વિવેકાનંદે કેલિફોર્નિયામાં કર્યો હતો. ખ્રિસ્તી ધર્મનો આધાર ઈસુનું જીવન અને એમનો બોધ છે, બૌદ્ધ ધર્મ બુદ્ધના જીવન અને બોધ પર અને, ઈસ્લામ મહમ્મદના જીવન અને બોધ પર આધારિત છે ત્યારે, હિંદુઓનો વૈદિક ધર્મ અગણિત સાધકો, સંતો, પયગંબરો અને પ્રભુના પુત્રોએ પ્રમાણેલા સિદ્ધાંતો પર આધારિત છે.

‘કોઈ પણ દેશના કોઈ પણ સંતને હિંદુ પૂજી શકે છે. શા માટે એમ ન કરી શકે? મારા કહ્યા પ્રમાણે, અમારો ધર્મ વૈશ્વિક છે.’

‘માનવીની પ્રકૃતિ, આત્માની પ્રકૃતિ, આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ, પરમાત્માની પ્રકૃતિ, પૂર્ણતા ઈત્યાદિ પર આધારિત સત્ય ચિરંતન ટકે છે; વળી, વિશ્વોત્પત્તિશાસ્ત્રના, સર્જનની અનંતતાના સિદ્ધાંતો છે અથવા, વધારે ચોક્સાઈ પૂર્વક કહીએ તો, પ્રક્ષેપ—ચક્રાકાર પ્રગતિનો આશ્ચર્યકારક નિયમ વ.— આ સર્વ પ્રકૃતિના સનાતન નિયમો ઉપરથી તારવેલા સનાતન સિદ્ધાંતો છે, આપણા દૈનિક જીવનવ્યવહારને માર્ગદર્શન આપતા બીજા ગૌણ નિયમો છે.’

ખ્રિસ્તી ધર્મવિદ્‌ એમિલ બ્રનર એવો દાવો કરે છે કે, ખ્રિસ્તી ધર્મ બીજા ધર્મોથી જુદો તરી આવે છે કારણ કે, ‘માનવીની સત્યની ખોજના પ્રયત્નો પર એ આધારિત નથી પણ, ઈશ્વરની પ્રાકટ્ય પ્રવૃત્તિ પર આધારિત છે.’ એલ્ડસ હક્સ્લીએ જણાવ્યા પ્રમાણે, ‘ધાર્મિક સામ્રાજ્યવાદે’ જગતમાં સંઘર્ષને જન્મ આપ્યો હતો. મહમ્મદ વિશે વિવેકાનંદે કહ્યું હતું:

‘જગતનું જે ભલું મહમ્મદે કર્યું તેનો વિચાર કરો અને, એની ધર્માંધતા દ્વારા જગત પર જે અનિષ્ટ પ્રવર્તાવવામાં આવ્યું તેનો વિચાર કરો, એના બોધ દ્વારા લાખોની કતલનો વિચાર કરો, બાળકોથી વિખૂટી પડેલી માતાઓ અને અનાથ બનેલાં બાળકોનો વિચાર કરો, આખા દેશો નાશ પામ્યા અને લાખો ને લાખોની હત્યા થઈ.’૧૦

બીજા વિશ્વયુદ્ધ વેળા, હિટલરે એકરાર કર્યો હતો કે, પોલિશ યહુદીઓની હત્યામાં પોતાને પોપ પાયસ ૧૧માના આશીર્વાદ હતા; ત્યારે ગેસચેમ્બરોમાં કે દસફીટ ચોરસ ખાડામાં એક ઉપર બીજો એ રીતે ખડકી જીવતા દાટી પાંચ લાખ યહુદીઓની હત્યા કરવામાં આવી હતી. ‘સર્વશક્તિમાન સર્જક પ્રભુના હેતુ અનુસાર હું આ કરી રહ્યો છું એમ હું માનું છું, યહુદીઓ સામે હું યુદ્ધ કરું છું ત્યારે, હું ઈશ્વર માટે લડું છું. અંતરાત્મા એ યહુદીઓની શોધ છે.’ હિટલરે આ ઘોષણા કરી હતી.૧૧

પોતે લખેલા વિવેકાનંદના જીવનચરિત્રમાં રોમાં રોલાં લખે છે:

‘પ્રેમ, શાંતિ, ભ્રાતૃભાવ,’ વગેરે આપણે માટે માત્ર શબ્દો બની ગયા છે. પ્રત્યેક વ્યક્તિ પોકાર કરે છે: ‘વૈશ્વિક ભ્રાતૃભાવ! આપણે સર્વ સમાન છીએ.’ અને બીજી જ ઘડીએ કહે છે, ‘ચાલો આપણે સંપ્રદાય સ્થાપીએ!’ અલગતાવાદની માગ ધર્માંધતાને માંડ છુપાવી શકે છે. તે ફરી ફરી દેખાય છે, અને એ મનુષ્યમાં રહેલી બધી દુષ્ટતાને છાની અપીલ કરે છે. એ મહારોગ છે.’૧૨

ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મનો સંબંધ હંમેશાં તોફાની રહ્યો છે. હંટિંગ્ટન લખે છે કે, ‘ઉદારતાવાદી લોકશાહી અને માર્કસવાદી લેનિનવાદ વચ્ચેનો સંઘર્ષ માત્ર ઉપરછલ્લી અને ક્ષણિક ઐતિહાસિક ઘટના છે, ત્યારે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેનો સંઘર્ષ સતત અને ઊંડેરો છે.’૧૩ ૧૮૨૦ થી ૧૯૨૯ સુધીના ગાળામાં લડાયેલાં વિવિધ ધર્માનુયાયીઓ વચ્ચેનાં યુદ્ધોના ૫૦ ટકા યુદ્ધો મુસલમાનો અને ખ્રિસ્તીઓ વચ્ચેનાં હતાં.૧૪ ૧૯૯૩-૯૪ના ૨૦ વંશીય રાજકીય સંઘર્ષોમાંથી મુસ્લિમો અને બિનમુસ્લિમો વચ્ચેના ૧૫ હતા.૧૫ ભેદકરેખાની પાછળ થયેલી, ધર્માંધોની ક્રૂરતાએ કે રાજકીય સત્તાસંઘર્ષે પ્રેરેલી લડાઈઓથી નીપજેલાં મૃત્યુના, ૧૯૯૦ના દાયકાના આરંભના ભાગના આંકડામાં ૫૦,૦૦૦ ફિલિપાઈન્સમાં, ૫૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ શ્રીલંકામાં, ૨૦,૦૦૦ કાશ્મીરમાં, ૫,૦૦,૦૦૦ થી ૧૫ લાખ સુદાનમાં, ૧,૦૦,૦૦૦ ચેચન્યામાં અને ૨,૦૦,૦૦૦ પૂર્વ ટિમોરમાં થયેલ મૃત્યુસંખ્યાનો સમાવેશ થાય છે.૧૬

ઘણા લોકો માટે ઈસ્લામ રાજકારણ અને ધર્મને જોડવાનો માર્ગ છે ત્યારે, બીજા ધર્મો રાજકારણ અને ધર્મને અલગ રાખવાનું કહે છે.

ધર્માંધતાની પાછળ ઈશ્વરભક્તિ નથી, સ્વાર્થનો પ્રધાન હેતુ છે. વિવેકાનંદ સમજાવતાં કહે છે:

‘ધર્માંધ દ્વેષ જ ફેલાવે છે…

ધર્માંધ એ માટે ધર્માંધ છે કે એ બદલાની આશા રાખે છે. યુદ્ધ પૂરું થયું કે તરત તે લૂંટમાં ભાગ પડાવવા દોડે છે. ધર્માંધોના સંગમાંથી છૂટો ત્યારે સાચા પ્રેમ અને સાચી સહાનુભૂતિ દાખવતાં તમે શીખી શકો.’૧૭

‘સોમાંથી નેવું કિસ્સાઓમાં ધર્માંધોનાં યકૃત બગડી ગયેલાં હોય છે. અથવા, તેઓ અપચાથી પીડાતા હોય છે અથવા, કોઈ બીજા રોગનો ભોગ હોય છે. આસ્તે આસ્તે તબીબોને પણ જણાશે કે ધર્માંધતા એક પ્રકારનો રોગ છે.’૧૮

તો શું હિંદુ ધર્મમાં કોઈ ધર્માંધ નથી? ચોક્કસ છે પણ, ‘ધર્માંધ હિંદુ જીવતો ચિતાએ ચડશે તો પણ, એ શિક્ષાપંચ (ઈંક્વિઝિશન)ની આગ પેટવશે નહીં;’ આમ વિવેકાનંદે શિકાગો ધર્મપરિષદને કહ્યું હતું.૧૯

અંતિમ પૃથક્કરણમાં, ધર્માંધોને કોઈ ધર્મ હોતો નથી. પોતાના ધર્મના રાજકીયકરણથી અ-માનવી બનેલા, માનવી તેઓ છે, અતિ ગર્વથી, સ્વાર્થથી અને વિષમ ઉત્કૃષ્ટતાથી તેઓ ફૂલેલા છે. પરાણે ધર્મપરિવર્તનની કે જીતની ઇચ્છાથી મદાંધ થઈને, ધર્મને નામે તેઓ અમર્યાદ ખૂનામરકીમાં રાચે છે.

વેદાંતી સાધુના ભાવથી વિવેકાનંદે ઘોષણા કરી હતી:

‘ભૂતકાળમાં હતા તે બધા ધર્મોને હું સ્વીકારું છું અને તે સર્વ સાથ પ્રભુભક્તિ કરું છું; ભગવાનને જે કોઈ સ્વરૂપમાં તેઓ ભજતા હોય તે દરેક સ્વરૂપમાં હું પ્રભુને ભજું છું.

અમે માત્ર સહિષ્ણુ જ નથી પણ, અમે હિંદુઓ દરેક ધર્મનો સ્વીકાર કરીએ છીએ… એમ જાણીને કે, હલકામાં હલકા, નિર્જીવ પૂજાના ધર્મથી માંડી ઊંચામાં ઊંચા નિર્ગુણવાદ સુધીના ધર્મો અનંતને ગ્રહણ કરી તેનો સાક્ષાત્કાર કરવાના માનવ આત્માના વિવિધ પ્રયત્નો છે, તે દરેક પ્રયત્ન એના જન્મથી અને સંયોગોથી મર્યાદિત છે અને તે દરેક વિકાસનું સોપાન દશાર્વે છે.’૨૦

વિવેકાનંદ કહે છે કે, ‘ઈશ્વરના અર્થશાસ્ત્રમાં, મનુષ્યજાતિના કલ્યાણ માટે કાર્ય કરતાં વિવિધ પરિબળો બધા ધર્મો છે તે જાણવું અને પ્રમાણવું તે વિચારણાનો સાચો રાહ છે.’૨૧ ‘આધ્યાત્મિક વ્યક્તિવાદ’ની ભલામણ તેમણે કરી હતી.

‘સંપ્રદાયોને વધવા દો… વૈવિધ્ય જીવનની નિશાની છે… મતભેદ ચિંતનનું પ્રથમ ચિહ્‌ન છે… હું પ્રાર્થું છું કે સંપ્રદાયો એટલા વધે કે, આખરે, જેટલા માણસ તેટલા સંપ્રદાય થાય… દરેક દેશમાં સંપ્રદાયો વધે તેમ હું ઇચ્છું છું જેથી, વધારે લોકોને આધ્યાત્મિક થવાની તક સાંપડે.’૨૨

પોતાના કલ્પનાચિત્ર બ્રેવ ન્યુ વર્લ્ડમાં, એલ્ડસ હક્સ્લીએ ભાવિના ચિત્રની એવી કલ્પના કરી છે કે, લાખો સમાન બેલડાંઓ જન્મશે, અને એ બધાંય સમાન રીતે વિચારશે ને એક જ જાતની લાગણી અનુભવશે. વિજ્ઞાનની પ્રગતિથી આજે આવું શક્ય બન્યું છે. જીવવિજ્ઞાનનો એ અદ્યતન યાંત્રિક પ્રવાહ છે ને એણે જગતવ્યાપી વિરોધની લાગણી જન્માવી છે. એલ્ડસ હક્સ્લીનું ભાવિ ચિત્ર દુ:સ્વપ્ન છે, કાલ્પનિક સ્વર્ગ(યુટોપિયા) નથી. વિવેકાનંદ સ્પષ્ટપણે કહે છે કે, ‘સમાનતાની એકતા વિશ્વ નાશ પામે ત્યારે જ આવી શકે છે.’૨૩

ધર્માંધતાનાં સ્વપ્નો નિષ્ફળતામાં પરિણમે છે

પોતાની સભ્યતા વિશે ધર્માંધો એવું સ્વપ્ન સેવે છે કે, એમના જ ધર્મ આધારિત વૈશ્વિક રાજય સ્થપાશે. ટોય્‌ન્બી કથિત ‘અમરતાની મરીચિકા’થી અંધ બનેલા એ લોકોને દૃઢ વિશ્વાસ છે કે માનવસમાજનું અંતિમ સ્વરૂપ એમનું જ છે. રોમન સામ્રાજ્યની, અબ્બાસિદ ખલીફાતની, મોગલ સામ્રાજ્યની અને ઓટ્ટોમાન સામ્રાજ્યની એ માન્યતા હતી. ૧૯મી સદીનો બ્રિટિશ સામ્રાજ્યવાદ માનતો હતો કે, એમને માટે ‘ઇતિહાસ પૂરો થઈ ગયો છે… અને ઇતિહાસના આ અંતે એમને સુખની આ સનાતન પરાકાષ્ઠા બક્ષી હતી તે માટે પોતાની જાતને અભિનંદવા માટે તેમની પાસે પૂરતું કારણ હતું.’૨૪ ૧૯૪૦ના દાયકાનો યુરો-સામ્યવાદ સમસ્ત જગત પર સામ્યવાદના ચોક્કસ વિજયનું સ્વપ્ન સેવતો હતો. ‘જે સમાજ માની લે છે કે પોતાનો ઈતિહાસ પૂર્ણ થયો છે તે સમાજનો ઈતિહાસ પતનને આરે ઊભો હોય છે,’ એમ હંટિંગ્ટન લખે છે.૨૫

વિવેકાનંદની દલીલ હતી કે, ‘નરમ સ્વભાવના હિંદુઓએ બીજા ધર્મો પર કદી જુલમ ચલાવ્યો નથી. તલવારથી લોહી રેડીને તેમણે કદી બીજો દેશ જીત્યો નથી છતાં, તેઓ ટકી રહ્યા છે.’ સ્વામીજી કહે છે:

‘અરે, આ કેવી આશ્ચર્યકારક ઘટના છે કે, જગતના મંચ ઉપર પ્રજાઓ આવી છે, થોડીવાર જોરપૂર્વક પોતાનો પાઠ ભજવી ગઈ છે અને, કાલસાગર ઉપર કશું ચિહ્‌ન મૂક્યા વિના, કશી તરંગરેખા મૂક્યા વિના મૃત્યુ પામી છે. ત્યારે, અહીં અમે, જાણે કે સનાતન જીવન જીવતા, બેઠા છીએ… કોઈ પણ, જાતિ કે રાષ્ટ્ર પર વિજય નહીં મેળવનાર અમે નિર્બળ હિંદુઓ ક્યારનાયે મરી જવા જોઈતા હતા પણ, અમે ત્રીસ કરોડ જીવી રહ્યા છીએ!’૨૬

આજના જગતમાં લોકતાંત્રિક વિચારની ભાવના એવી નથી કે, ભૌતિકવાદને ખિલવવા સૌને સમાન તક હોવી જોઈએ કે, એક ધર્મને પકડી ધર્માંધ થવું જોઈએ. લોકતાંત્રિક સ્વાતંત્ર્યે વ્યક્તિને પોતાના ધર્મથી પર જઈ, બીજા ધર્મ દ્વારા જીવનની દિવ્યતાનો અનુભવ લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ. વિવેકાનંદે કહ્યું હતું:

‘એક સંપ્રદાયમાં (ચર્ચમાં)… જન્મ લેવો તે સારું છે પણ, તેમાં જ મૃત્યુ પામવું ભયંકર છે. સ્વાતંત્ર્યનું મૂર્તિમાન સ્વરૂપ, પ્રકૃતિનો સ્વામી, ભગવાન કહેવાય છે. તમે એને નકારી શકો નહીં. ના, કારણ, સ્વાતંત્ર્યની ભાવના વિના તમે હલીચલી કે જીવી શકો નહીં.’૨૭

વિવેકાનંદના મતે જરૂરનું એ છે કે, ‘પોતાના વ્યક્તિત્વને જાળવી રાખવાની સાથે, દરેકે બીજાઓની ભાવનાને આત્મસાત્‌ કરવી.’

વિવેકાનંદ કહેતા કે, ‘હું મુસલમાન સાથે મસ્જિદમાં જઈશ; ખ્રિસ્તી ચર્ચમાં જઈ ક્રૂસ આગળ હું ઘૂંટણીએ પડીશ; બૌદ્ધ મંદિરમાં જઈ હું બુદ્ધને શરણે જઈશ. હિંદુની સાથે હું વનમાં જઈ ધ્યાનમાં બેસીશ. હિંદુની જેમ દરેકના હૃદયને અજવાળતી જ્યોતનું દર્શન કરવા યત્ન કરીશ.’૨૮

શ્રીરામકૃષ્ણ – સર્વધર્મ સમન્વયના ઉદ્‌ઘોષક

વૈશ્વિક દૃષ્ટિબિંદુવાળા અને અદ્વૈત બુદ્ધિની વિશાળતા ધરાવતા નવા પ્રકારના નેતાની જગતને આજે જરૂર છે. એમની નેમ ધર્મોના સમન્વયની હોવી ઘટે. પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણમાં, વિવેકાનંદને માનવતાના નવા પ્રકારના ઉદ્‌ઘોષક સાંપડ્યા હતા.

ઈસુ, મહમ્મદ, બુદ્ધ, ગુરુ નાનક, ચૈતન્ય અંતે શ્રીરામકૃષ્ણ જેવા સંતો, પયગંબરો, અવતારો કે પ્રભુપુત્રો એશિયામાં જન્મ્યા છે. પશ્ચિમમાં ધર્મનાં પૂર નિત્ય એશિયામાંથી જ ગયાં છે. કૃષ્ણ અને રામનું ભારત હિંદુ ભારત હતું. બુદ્ધ અને મહાવીરનું ભારત પણ હિંદુ હતું. બુદ્ધ હિંદુ સાધુ તરીકે અને મહાવીર હિંદુ ત્યાગી (સંન્યાસી) તરીકે અવસાન પામ્યા હતા. હિંદુ મુસલમાનો વચ્ચે પરસ્પર પ્રેમભાવ જગવનાર ઈશ્વરનો પ્રથમ અવતાર ચૈતન્ય પૂર્વ ભારતમાં જન્મ્યા હતા. પોતાના ભક્તિકેન્દ્રિત વૈષ્ણવ પંથમાં હિંદુઓના કહેવાતા નીચલા વર્ણોના લોકોને ખુલ્લી રીતે આવકારી તેમણે તેમને પ્રતિષ્ઠા આપી ઉદ્ધાર કર્યો હતો. હિંદુ મંદિરોમાં જઈ મૂર્તિખંડન કરતા મુસલમાન આક્રમણકારોના અમલ દરમિયાન હિંદુ મુસલમાનોને એક કરવાનો એવો જ પ્રયત્ન ગુરુ નાનકે કર્યો હતો. શ્રીરામકૃષ્ણના આગમન સમયે ત્રણસો કરતાં વધારે વર્ષોથી ભારત પર મોગલ અને બીજાઓનો અમલ હતો અને પછીથી વળી અંગ્રેજો, ફ્રેંચો અને ફિરંગીઓના અમલ હેઠળ એ આવ્યો હતો. હિંદુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓને જોડવા એ તેમનું ઐતિહાસિક કર્તવ્ય હતું.

અને તેમણે એમ જ કર્યું. સાચું વેદાંતી વલણ એક ધર્મસંપ્રદાયમાં જન્મ પામે છે પણ એની પાર જઈ, વૈશ્વિક અને અનંત બને છે. પ્રોટેસ્ટંટો બાઈબલથી પર જતા નથી પણ વેદાંતી વેદથી પર જાય છે. અંતિમ સાક્ષાત્કારમાં વેદો પણ નિરુપયોગી બને છે. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે: तत्र वेदो अवेदो भवति । કારણ, અંતે તો, ‘શાસ્ત્રો’ પણ અનંત માટે બંધન જ છે. ૐનો પ્રકટ ધ્વનિ ધ્યેય નથી પણ, ૐનું અશબ્દરૂપ શાંતિ છે. શ્રીરામકૃષ્ણ કહેતા કે ૐ બોલવા માટે પણ પોતાને ઉચ્ચતમ દશામાંથી થોડાં કદમ નીચે આવવું પડતું. સર્વોચ્ચ, અવ્યક્ત, વૈશ્વિક કક્ષાએ બધા ધર્મોના બધા સાધકો અનેક પાછળ એકનો જ સાક્ષાત્કાર કરે છે.૨૯

ઈસુની અને ઇસ્લામના સુફીવાદની શ્રીરામકૃષ્ણની અનુભૂતિ

શંભુ મલ્લિક નામના એક ભક્ત પાસેથી થોડા દિવસ એકધારું બાઈબલ સાંભળી શ્રીરામકૃષ્ણના મનોજગતમાં પરિવર્તન આવ્યું હતું. માતા મેરીના ખોળામાં બેઠેલા બાળ ઈસુનું દર્શન એમનું ઈસુનું પ્રથમ દર્શન હતું; ઈસુ અને ઈસાઈ ધર્મ વિશે તરત જ તેમના હૃદયમાં ઊંડો આદર જન્મ્યો. ગિરિજાઘરોમાં ઈસુની મૂર્તિ પાસે ખ્રિસ્તી ભક્તો ધૂપદીપ કરતા હોય એવાં દર્શન એમને થવા લાગ્યાં. ચોથે દહાડે પોતે પંચવટીમાં ટહેલતા હતા ત્યારે, પોતાની દૃષ્ટિ તેમના ઉપર સ્થિર કરી, ગંભીર મુખમુદ્રાવાળા નજીક આવતા – અદ્‌ભુત પુરુષનું દર્શન તેમને થયું.૩૦ શ્રીરામકૃષ્ણને જણાયું કે, ‘માનવજાત માટે વ્યથા સહેનાર અને તેની મુક્તિ માટે પોતાના હૃદયનું લોહી રેડનાર એ ઈસુ જ છે. એ પ્રેમમૂર્તિ, મહાયોગી ઈસુ જ છે, બીજું કોઈ નથી!’

પછી એ માનવબાલ શ્રીરામકૃષ્ણને ભેટ્યા અને એમનામાં સમાઈ ગયા. ત્યારથી શ્રીરામકૃષ્ણને ખાતરી થઈ કે ઈસુ પ્રભુ તો એક અવતાર જ હતા.૩૧

‘રાજાને મળવા જનાર બહારના ખંડોમાં જ બેસી શકે ત્યારે, મહેલમાં ગમે ત્યાં ઘૂમવા રાજકુંવર સ્વતંત્ર છે તેમ, અવતારો સાક્ષાત્કારની ગમે તે દશાને પામી શકે. એમ શ્રીરામકૃષ્ણ કહેતા.’૩૨

ઈસુનું દર્શન થયું તે પહેલાં શ્રીરામકૃષ્ણે ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી ન હતી એમ વિચારનારે યાદ રાખવું જોઈએ કે, દમાસ્કસ જતા સંત પોલે દીક્ષા લીધી ન હતી છતાંય, આંજી દેતા ઈસુના દર્શને ખૂની પોલનું પરિવર્તન સંત પોલમાં કર્યું હતું. વિશુદ્ધ મૂર્તિ શ્રીરામકૃષ્ણના સમા આત્મામાં આવી અનુભૂતિ કેટલું વધારે સાધી શકે?૩૩

શ્રીરામકૃષ્ણનું આ ‘ખ્રિસ્તી સાહસ ચાર દિવસનું ચાંદરણું હતું તેથી નિરાશ થનાર ખ્રિસ્તીએ યાદ રાખવું જોઈએ કે, બધાં ધાર્મિક અનુષ્ઠાનો કર્યા પછી અને, શાસ્ત્રાધ્યયનમાં વર્ષો વીતાવ્યા પછીયે, દરેક ખ્રિસ્તી સામે આમ ઈસુ ઊભા રહેતા નથી,’ એમ હોસ ટોર્વેસ્ટર્ન કહે છે.૩૪ એ જ લેખક કહે છે કે, કેથલિક ચર્ચ અનેક અજાણ સંતો અને શહીદોને માન આપે છે તો, શ્રીરામકૃષ્ણને આઘા રાખી શકાય નહીં.૩૫ એ જ લેખક કહે છે કે, એક જ ધર્મમાં માનતા ધર્માંધો ‘હંમેશાં એક પગ પર ઊભા છે.’ શ્રીરામકૃષ્ણના જીવને આપણને ‘જીવન સમન્વય તરફ જતાં શીખવ્યું, કૃત્રિમ જોડાણ તરફ નહીં.’૩૬

ગોવિંદરાય નામના સૂફી મુસલમાન બનેલા એક હિંદુએ શ્રીરામકૃષ્ણમાં ઈસ્લામની ચિનગારી પેટાવી હતી. એ રસ ઊંડો ગયો. એકાદ મહિના જેટલો સમય શ્રીરામકૃષ્ણ મસ્જિદમાં જઈ, મુસલમાનની માફક વસ્ત્રો પહેરી નમાજ પઢવા લાગ્યા અને, ગોમાંસ સિવાય મુસલમાનની ઢબનો બીજો ખોરાક ખાવા લાગ્યા, કાલીમંદિરમાં જવાનું એમણે બંધ કરી દીધું. એક માસ સુધી અલ્લાહની નિષ્ઠાપૂર્વક બંદગી કર્યા પછી, સફેદ દાઢીવાળા જ્યોર્તિમય પુરુષનું એમને દર્શન થયું. એ દિવ્ય આકૃતિ કઈ હતી એ શ્રીરામકૃષ્ણ કહી શક્યા નહીં પણ, એ આકૃતિ એમના દેહમાં ભળી ગઈ.

અગાઉની, પરમ ચેતનાની નિર્વિકલ્પ સમાધિની અનુભૂતિમાં શ્રીરામકૃષ્ણનું વ્યક્તિત્વ નિર્ગુણમાં ભળી ગયું હતું. એવી જ અનુભૂતિ કરનાર સૂફી સાધકો પોકારી ઊઠતા, ‘અન’લ હક્ક’ — ‘હું સત્ય છું.’ આ સાક્ષાત્કારને સાધક જલાલુદ્દીન રુમી આમ વર્ણવે છે:

‘લોકો માને છે કે આ ખોટો દાવો છે પણ, ‘અન’લ અબ્દ’—‘હું ખુદાનો ગુલામ છું’ એમ કહેવું તે ખોટું છે; અને ‘અન’લ હક્ક’ ‘હું ખુદાનો ગુલામ છું’ એમ કહેવામાં પૂર્ણ નમ્રતા છે. ‘અન’લ અબ્દ’ ‘હું ખુદાનો ગુલામ છું’ — એમ કહેનાર પોતાનું અને ખુદાનું એમ બે અસ્તિત્વોનો સ્વીકાર કરે છે પણ, ‘અન’લ હક્ક’ — ‘હું ખુદા છું’ — કહેનાર પોતાની જાતનું અસ્તિત્વ મિટાવી દે છે. પોતાની જાત અર્પી એ કહે છે, ‘હું ખુદા છું’ અથાત્‌, ‘હું નથી, એ જ બધું છે. ખુદા સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ નથી.’ આ નમ્રતાની ચરમસીમા છે અને, આત્માનું વિસ્મરણ છે.’૩૭

‘આ બધાં દ્વારા શ્રીરામકૃષ્ણ ખરેખર મુસલમાન અને ખ્રિસ્તી બન્યા હતા કે, એ સમગ્ર પ્રક્રિયા દરમિયાન હિંદુ રહ્યા હતા?’ એમ પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા છે.૩૮ ઈસુ સિવાય ઈસુનો ન્યાય કોણ તોળી શકે? બધા સાચા ઈસુઓને ગોલગોથા પર ક્રુસે ચડાવનાર ઝઘડ્યા, ધર્મના ફેરિસીઓ અને સેડયુસીઓ તો નહીં જ. રોમાં રોલાંએ કહ્યું છે: ‘કોઈ ધર્મ કે ધર્મોને જાણવા, ન્યાય તોળવા અને, જરૂર હોય તો, ઉતારી પાડવા માટે, ધાર્મિક ચેતનાની ઘટનાના પ્રયોગો કરવા જરૂરી છે.’૩૯

ચર્ચના પાદરી ફાધર એમ્બ્રોશિયસને પ્રકૃતિપૂજક ફિલસૂફ કિંવંટસ ઓરેલિયસ સિમેક્સે કહ્યું હોવાનું કહેવાય છે કે, ‘આવડા મોટા રહસ્યનું હાર્દ માત્ર એક પંથે જવાથી પકડી શકાય નહીં.’૪૦

ક્લોડ એલન સ્ટાર્કે લખ્યું છે કે, અનેક સદીઓ સુધી ખ્રિસ્તીઓએ અને મુસલમાનોએ હિંદુ ધર્મ વિચારણાને ‘પ્રારંભિક અને ઓછા અધિકારવાળી’ કહી છે.૪૧ સમગ્ર માનવજાતને જે નીડ વેદાંતધર્મમાં સાંપડે છે તે વેદાંતની સૂર્યોજ્જલ ઊંચાઈ જગતે શ્રીરામકૃષ્ણમાં નિહાળી. આખી માનવજાત માટે માળો બને તેવા જગતની કલ્પના ઉપનિષદોએ કરી હતી: ‘યત્ર વિશ્વં ભવતિ એક નીડમ્‌.’ મિ. સ્ટાર્ક લખે છે:

‘બૌદ્ધ, ઈસ્લામી અને ખ્રિસ્તી જીવન સાથે આત્મીયતા કેળવવાની શ્રીરામકૃષ્ણની યુક્તિને હું અંજલિ આપું છું.

માનવજાતની ધાર્મિક અનેકતા પ્રત્યેનો શ્રીરામકૃષ્ણનો અભિગમ જગતમાં શાંતિ સ્થાપવામાં અને, ધર્મોમાં સહકાર સ્થાપવામાં અગત્યનો ભાગ ભજવી શકે.’૪૨

વિવેકાનંદે ભાખ્યું હતું કે, ધર્મ સંવાદિતાનો આ ખ્યાલ, વૈશ્વિક સ્વીકારનો ખ્યાલ અને, વૈશ્વિક સહિષ્ણુતાનો ખ્યાલ ‘સંસ્કૃતિની મહાન મૂડી બનશે.’ એમણે કહ્યું હતું: ‘એટલું જ નહીં, આ ખ્યાલ વિના કોઈ સંસ્કૃતિ ટકી શકે નહીં. ધર્માંધતા, ખૂનરેજી અને પશુતા અટક્યા વિના કોઈ સંસ્કૃતિ વિકસી શકે નહીં.’૪૩

‘જેમનું આખું જગત ધર્મોની પરિષદ હતું તેવી વ્યક્તિ’ શ્રીરામકૃષ્ણ હતા.૪૪ જાણે કે, પ્રાચીન વૈદિક આદર્શ, एकं सत् विप्रा बहुधा वदन्ति નું મૂર્તિમંત સ્વરૂપ તે હતા.

વિવેકાનંદે નિવેદિતાને કહ્યું હતું,

‘બીજા મનુષ્યના આત્મામાં આપણે આપણી જાતને મૂકતાં શીખવું જોઈએ..(શ્રીરામકૃષ્ણની) પૂર્વે, ભારતમાં કદી કોઈ વારાફરતે ખ્રિસ્તી, મુસલમાન અને વૈષ્ણવ થયું નથી.’૪૫

આજે આપણી પાસે ડબ્લ્યુ.ટી.ઓ. અને ડબ્લ્યુ.એચ.ઓ. છે. જગતને જરૂર છે ડબ્લ્યુ.આર.ઓ.ની, વર્લ્ડ રિલીજન ઓર્ગેનાઈઝેય્‌શન (વિશ્વ ધર્મ સંસ્થા)ની જે, ધર્મને નામે ચાલતી ધર્માંધ લડાઈને અને માનવકતલને અટકાવે. નોબલ પારિતોષિક વિજેતા ઇતિહાસકાર આર્નલ્ડ ટોય્‌ન્બી માને છે કે, અર્વાચીન ભારતની મહત્તમ આધ્યાત્મિક વિભૂતિ શ્રીરામકૃષ્ણ દ્વારા જગતને ભેટ મળેલ ધર્મસંવાદિતાનું શ્રેષ્ઠ યોગદાન અણુવિકિરણ વિનાશમાંથી જગતને બચાવી શકશે.૪૬ પોતાના ગ્રંથ, ગ્રેટ સ્વોન — મીટિંગ્ઝ વિથ રામકૃષ્ણની પ્રસ્તાવનામાં અમેરિકન લેખક લેક્સ હિક્સ્ટન લખે છે કે, ‘કોઈ ચોક્કસ ભૂમિકાને રજૂ કરતા, પ્રાચીન સંસ્કૃતિના વિચિત્ર પુરુષ રામકૃષ્ણ નથી પણ, નજીકના ભાવિની જાગતિક સભ્યતાના આઈન્સ્ટાઈન છે, માનવજાતિના ભાવિ વિકાસનો ક્યારો છે, બધાં હૃદયોને અને બધી સંસ્કૃતિઓને ખોલવાની ગુરુચાવી છે.’

‘દરેક રાષ્ટ્ર પોતાનું વિશિષ્ટતા અને વ્યક્તિત્વ લઈને જન્મે છે. દરેક રાષ્ટ્ર રાષ્ટ્રોની સંવાદિતામાં, જાણે કે, પોતાનો વિશિષ્ટ સ્વર રજૂ કરે છે,’૪૭ એમ વિવેકાનંદે કહ્યું હતું. એમને લાગ્યું હતું કે ભારતના પ્રજાજનોને વિધિએ રાષ્ટ્રોની સંવાદિતામાં આધ્યાત્મિક સૂર બજાવવા નિર્મ્યા છે.૪૮

વંશીય, ધાર્મિક ધર્માંધ સંઘર્ષોથી પીડાતા જગતમાં માનવજાતનું ભાવિ ભયમાં આવી પડ્યું છે ત્યારે, વિવેકાનંદ મોટે સ્વરે પોકારે છે. એ નાદ વૈશ્વિક છે:

‘ઈશ્વરની કિતાબ પૂરી થઈ છે શું? કે હજી પ્રાકટ્ય ચાલ્યા કરે છે? જગતનાં આ આધ્યાત્મિક પ્રાકટ્યોની એ અજબ કિતાબ છે. બાઈબલ, વેદો, કુરાન અને બીજા બધા ધર્મગ્રંથો એ કિતાબનાં પૃષ્ઠો છે અને, હજી અનંત પૃષ્ઠો ઊઘડવાનાં બાકી છે. એ સૌ માટે હું એ કિતાબ ખુલ્લી જ રાખીશ. આપણે વર્તમાનમાં ઊભાં છીએ પણ, અનંત ભાવિ સામે ખુલ્લાં ઊભાં છીએ. ભૂતકાળમાં બની ગયેલ સર્વનો આપણે સ્વીકાર કરીએ છીએ, વર્તમાનના પ્રકાશનો આનંદ માણીએ છીએ અને, ભાવિમાં જે આવવાનું છે તેને માટે આપણા હૃદયની બધી બારીઓ ખુલ્લી રાખીએ છીએ. ભૂતકાળના બધા પયગંબરોને નમસ્કાર, વર્તમાનના બધા મહાપુરુષોને નમસ્કાર અને, ભાવિમાં આવનારને પણ નમસ્કાર!’

‘ભૂતકાળના બધા પુત્રોનું જીવન હું છું. ઈસુનો, મહમ્મદનો અને બુદ્ધનો આત્મા હું છું. બધા પ્રબોધકોનો આત્મા હું છું અને વૈશ્વિક પણ હું છું. તો ખડા થાઓ. આ જ શ્રેષ્ઠ પૂજા છે. તમે વિશ્વ સાથે એકરૂપ છો.’૪૯

જે વૈશ્વિકતાની અને આંતરાષ્ટ્રિયતાની ભાવનાની આજે તાતી જરૂર છે તેને વિવેકાનંદે આટલા હિંમતભર્યા શબ્દોમાં આપ્યે સૈકો વીતી ગયો. આ સંદેશની ઐતિહાસિક અગત્ય જગત આજે સમજતું થયું છે. શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં ૧૮૯૩માં વિવેકાનંદે લીધેલા ભાગની શતાબ્દી યુનેસ્કોએ (પેરિસ)માં ઉજવી ત્યારે, યુનેસ્કોના ડાઈરેક્ટર જનરલ ડો. ફ્રેડરિકો મેયરે વિવેકાનંદની વૈશ્વિકતા અને મનુષ્યજાત માટેની લાગણી વિશે અનન્ય શ્રદ્ધાપૂર્વક કહ્યું હતું કે:

‘સો વર્ષ પહેલાંની શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં વિવેકાનંદે ભજવેલા ભાગની ઉજવણીમાં જોડાવા માટે મને ત્રણ પરિબળોએ આકર્ષ્યો હતો.

‘પ્રથમ તે, વૈશ્વિકતા અને સહિષ્ણુતામાંની એમની નિષ્ઠા. એ પરિષદના મંચ પરથી એ બોલ્યા હતા તેનું હું અવતરણ આપું છું: ‘આ સંમેલનના માનમાં આજ સવારે જે ઘંટ વાગ્યો તે તલવારથી કે કલમથી પ્રસારિત બધી ધર્માંધતાનો, બધા ત્રાસનો મૃત્યુઘંટ હોય એવી મારી અંતરની આશા છે.’

‘બીજું તે રાંક અને નિરાધાર માટેની એમની લાગણી.’

‘ત્રીજું તે, માનવજાતિના વિકાસ માટેનાં સાધનો તરીકે, શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના વિકાસ માટેની એમની ધગશ.’

‘૧૮૯૭માં વિવેકાનંદે સ્થાપેલા રામકૃષ્ણ મિશનના બંધારણની અને ૧૯૪૫માં સ્થપાયેલા યુનેસ્કોના બંધારણની કલમોનું સામ્ય જોઈ હું આશ્ચર્યમુગ્ધ બન્યો હતો. બંનેએ વિકાસના કેંદ્રમાં માનવ રાખ્યો છે. શાંતિ અને પ્રજાતંત્ર સ્થાપવા બંને સંસ્થાઓએ સહિષ્ણુતાને અગ્રતાક્રમે રાખી છે. જગત આજે પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. વર્ણગત, જાતિગત કે આંતરધર્મ સંઘર્ષોનાં ગોપિત અનિષ્ટો આજે વધારે જોરથી માથું ઊંચકતાં જણાય છે. આ અનિષ્ટો સામે લડવા માટે આવા ઉત્સવો આપણને બળ અને ઉત્તેજન આપે છે.’૫૦

સંદર્ભ : (૧) સ્વા. વિ. — અ સ્ટડી ઓફ રિલિજન, પૃ. ૩૬ (૨) કં. વર્કસ, વો. ૩ પૃ. ૧૭૧-૧૭૨ (૩) સ્વા. વિ.— અ સ્ટડી ઓફ રિલિજન, પૃ. ૪૧ (૪) એજન, પૃ. ૪૧ (૫) એજન, પૃ. ૨૭ (૬) એજન, પૃ.૮૫ (૭) કં. વર્કસ, વો. ૩, પૃ. ૨૫૧ (૮) એજન, પૃ. ૧૧૧ (૯) સ્વા. વિ. ઈન ધ ઈસ્ટ એન્ડ ધ વેસ્ટ, પૃ. ૧૬૬ (૧૦) કં.વર્કસ વો. ૧, પૃ. ૧૮૪ (૧૧) વિલિયમ હર્મેન: આઈન્સ્ટાઈન એન્ડ ધ પોએટ બ્રુકલિન વિલેજ, બ્રેંડન પ્રેસ ઈ. ૧૯૮૯, પૃ. ૬૬ (૧૨) ધ લાઈફ ઓફ સ્વા. વિ. એન્ડ ધ યુનિવર્સલ ગોસ્પેલ : રોમાં રોલાં, અદ્વૈત આશ્રમ, કલકત્તા, ૧૯૭૫, પૃ. ૨૬૬-૨૬૭ (૧૩) સી.સી.એમ.ડબ્લ્યુ., પૃ. ૨૦૯ (૧૪) એજન, પૃ. ૨૧૦ (૧૫) એજન, પૃ. ૨૫૭ (૧૬) એજન, પૃ. ૨૫૩ (૧૭) કં. વર્કસ, પૃ. ૨૪૯ (૧૮) કં. વર્કસ, પૃ. ૨૪૮ (૧૯) સ્વા. વિ. ઈન ધ ઈસ્ટ એન્ડ ધ વેસ્ટ, પૃ. ૧૮૧ (૨૦) સ્વા. વિ. — અ સ્ટડી ઓફ રિલિજન પૃ. ૧૪૨ (૨૧) સ્વા. વિ. ઈન ધ ઈસ્ટ એન્ડ ધ વેસ્ટ, પૃ. ૧૬૮ (૨૨) એજન, પૃ. ૧૬૯ (૨૩) એજન, પૃ. ૧૬૮ (૨૪) સી.સી.એમ.ડબ્લ્યુ., પૃ. ૨૭૦ (૨૫) એજન, પૃ. ૩૯૧ (૨૬) કં. વર્કસ, વો. ૩, પૃ. ૧૮૧ (૨૭) ક્લોડ એ. સ્ડાર્ક: ગોડ ઓફ ઓલ, પૃ. ૧૯૨ (૨૮) સ્વા. વિ. ઈન ધ ઈસ્ટ એન્ડ ધ વેસ્ટ, પૃ. ૧૮૧-૧૮૨ (૨૯) હેન્સ ટોર્વેસ્ટન : રામકૃષ્ણ એન્ડ ક્રાઈસ્ટ : ધ પેરેડાક્સ ઓફ ધ ઈન્કાર્નેશન, પૃ. ૧૮૩, રામકૃષ્ણ-વેદાંત સેંટર, ઈંગ્લેંડ, ૧૯૯૭ (૩૦) ગોડ ઓફ ઓલ, પૃ. ૮૭ (૩૧) એજન, પૃ. ૮૭ (૩૨) રામકૃષ્ણ એન્ડ ક્રાઈસ્ટ, પૃ. ૫૩ (૩૩) એજન, પૃ. ૮૧-૮૨ (૩૪) એજન, પૃ. ૮૨ (૩૫) એજન, પૃ. ૨૦૫ (૩૬) એજન, પૃ. ૨૦૫ (૩૭) ગોડ ઓફ ઓલ, પૃ. ૭૬-૭૭ (૩૮) એજન, પૃ. ૨૦૨ (૩૯) એજન, પૃ. ૨૦૭ (૪૦) એજન, પૃ. ૨૧૨ (૪૧) એજન, પૃ. ૧૯૮ (૪૨) એજન, પૃ. ૨૦૭-૨૦૮ (૪૩) કં. વર્કસ, વો. ૩, પૃ. ૧૮૭ (૪૪) એજન, પૃ. ૩૧૫ (૪૫). ધ માસ્ટર એઝ આઈ સો હિમ : નિવેદિતા પૃ. ૧૯૫ (૪૬) સ્વા. ઘનાનંદ : લાઈફ ઓફ રામકૃષ્ણ: રામકૃષ્ણ-વેદાંત સેંટર — લંડન (ફોરવર્ડ બાઈ એ.જે. ટોય્‌ન્બી) (૪૭) એજન, પૃ. ૧૪૮ (૪૮) એજન, પૃ. ૧૬૫ (૪૯) વિવેકા. — અ સ્ટડી ઓફ રિલિજન, પૃ. ૬૩ (૫૦) મહિમા તવ ઉદ્‌ભાષિતા (બંગાળી) શ્રી શારદા મઠ, દક્ષિણેશ્વર, ૧૯૯૫, પૃ. ૩૪૩-૩૪૪.

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.