ઈશ્વરના બીજા અવતારોની પેઠે જ ઈસુ પણ એ જ વાત કરવા આવેલા કે ભૌતિકપ્રકૃતિ કરતાં આત્મા વધુ ઊંચો છે, દુનિયા કરતાં ઈશ્વર ઊંચો છે અને શબ્દ કે શબ્દબ્રહ્મ એ જ આ સમગ્ર સૃષ્ટિનું આદિ મૂળ છે. આધ્યાત્મિક અદ્વૈતના આ વિચારો પર સેમેટિક ધર્મોએ ઓછો ભાર મૂક્યો છે. સેન્ટ જ્હોનના મતે ઈસુના સંદેશની પ્રથમ પાંચ પંક્તિમાં જ આ વિચારોનો સમાવેશ છે અને સ્વામી વિવેકાનંદના મતે તે જ ‘ખ્રિસ્તી ધર્મનો સમગ્ર સાર છે’. આ સંદેશનો પ્રારંભ આ ઊંડા વિચારથી થાય છે ‘પ્રારંભમાં માત્ર એક શબ્દ હતો અને તે શબ્દ ઈશ્વર પાસે હતો અને એ શબ્દ જ ઈશ્વર હતો.’ વેદાંતના મતે પણ અંતિમ સત્યનું પ્રતિનિધિત્વ ‘ૐ’ શબ્દ કરે છે. ‘અ’, ‘ઉ’ અને ‘મ’ (ૐમાં આવેલા ત્રણ શબ્દો)માં વિશ્વના તમામ શબ્દોનો સમાવેશ થઈ જાય છે. કેમ કે તમામ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ આપણા મોઢામાંના ત્રણ સ્થાનોમાંથી થાય છે… કંઠ દ્વારા (અ), તાળવા દ્વારા (ઉ) અને હોઠ દ્વારા (મ). અને શબ્દો પર એકાગ્રતા કરતાં તેઓ વાસ્તવિકતામાં બદલાઈ જાય છે. આ વિશ્વ તે ‘પદાર્થ’ છે. (‘પદ’ એટલે શબ્દ અને ‘અર્થ’ એટલે તેની સમજ – તેનો અર્થ), આમ વિશ્વ શબ્દથી રચાયેલું છે. ૐ જે અંતિમ વાસ્તવિકતાનું પ્રતિનિધિત્વ કરે છે તે દરેક અવતારના જીવનમાં અત્યંત પવિત્રતા, જ્ઞાન, શક્તિ અને આનંદ દ્વારા આવિર્ભાવ પામે છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ કે શ્રીરામકૃષ્ણની પેઠે ઈસુ પણ અનંત જીવનના પ્રતિનિધિ છે, એક સાંત જીવનમાં વસેલું અનંત. આ અવતારોના શરીરમનના સાંત સંકૂલમાં વસેલાં આ અનંતને આપણે ભાગ્યે જ સમજીએ છીએ, અને સામાન્ય મર્ત્ય માનવો તો તેને જરા પણ સમજી શક્યા નથી. ‘તેનામાં જીવન હતું અને એ જીવન જ માનવોમાં રહેલો પ્રકાશ હતું. આ પ્રકાશ અંધકારમાં ઝળહળતો હતો અને અંધકાર તેને સમજી ન શક્યો.’

સ્વામી વિવેકાનંદની ભાષામાં કહીએ તો, ‘માણસની સાચી અવસ્થા પ્રભુ પોતે છે એ માણસને બતાવવા જ પ્રભુ ઈસુ રૂપે આવ્યા હતા. આપણે પ્રભુ ઉપર લાગેલાં માનવીય આવરણો છીએ, પરંતુ દિવ્યતાની દૃષ્ટિએ, ઈસુ અને આપણે એક સમાન છીએ.’ તેઓ પૂછે છે, ‘આપણે ઈસુની સમાન બનીએ નહિ ત્યાં સુધી તેને કેવી રીતે સમજી શકવાના? આપણે એ તેજપૂંજ છીએ કે જે બધાં બાઈબલો, બધા ખ્રિસ્તો અને બધા બુદ્ધોને અજવાળે છે.’ ‘ઈસુ ખ્રિસ્ત જો પૂર્ણ હતા તો આપણે પણ પૂર્ણ બની શકીએ.’ ‘માત્ર ઈસુનું અનુકરણ કરવું એ ધર્મ નથી. તમે પણ ઈસુ, બુદ્ધ કે અન્ય કોઈ પણ જેટલા જ મહાન છો. જો આપણે હજુ તેવા ન હોઈએ તો આપણે તેવા થવા પ્રયત્ન કરવો જોઈએ..’ દરેક ધર્મ પાછળનો તાર્કિક આધાર વેદાંત સમજાવે છે. પશ્ચિમના કે સેમેટિક પ્રજાના ધર્મો માને છે કે કોઈક મસીહા કે તારણહાર અવતાર અથવા પવિત્ર ગ્રંથ વિના કોઈ ધર્મ ન સંભવે. પરંતુ સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘ખરો ધર્મ, ઉત્તમોત્તમ ધર્મ પુરાણવિદ્યાઓથી ઉપર ઉઠેલો હોય છે, તે કદિ તેના પર આધારિત હોતો નથી.’ કેમ કે ‘સંદેશને લીધે જ સંદેશવાહકનું અસ્તિત્વ છે, ઈશ્વરને લીધે જ મંદિર છે, નહિ કે તેથી ઊલટું.’ વળી, ‘આપણી અંદરનું પુસ્તક જ્યાં સુધી ખૂલે નહિ ત્યાં સુધી બીજાં પુસ્તકો નકામા છે…’

સામાન્ય રીતે પશ્ચિમના લોકો, દેવળોમાં સામૂહિક પૂજા-પ્રાર્થના દ્વારા ધર્મનું આચરણ કરે છે. પશ્ચિમની આ ‘સામુહિક આધ્યાત્મિકતા’ની સરખામણીમાં પૂર્વના દેશો હંમેશાં ‘વ્યક્તિગત આધ્યાત્મિકતા’ પ્રબોધે છે કે જેમાં વ્યક્તિ પોતાના અંતરમાં રહેલા પ્રભુ સાથે સંપર્ક સ્થાપે છે. એક સુથારના પુત્ર એવા ઈસુ શું એકલા, ખાનગીમાં અને જંગલમાં પ્રાર્થના નહોતા કરતા? પ્રભુ સાથેના આવા આધ્યાત્મિક ભાઈચારાથી ઈસુ સ્વર્ગના પિતા સાથે એક થઈ શક્યા. આ બાબતમાં ઈસુ પૂર્વના હોય તેમ લાગે, કેમ કે પશ્ચિમના કરતાં પૂર્વમાં પ્રભુ સાથેનું ગુહ્ય એકત્વ વધુ પ્રચલિત છે. જર્મનીના મહાન રહસ્યવાદી મિસ્ટર એકહાર્ટ કહે છે, ‘હું જ્યારે પ્રભુ તરફ પાછો ફરીશ ત્યારે હું સ્વરૂપ વિનાનો હોઈશ અને તેથી હું અહીંથી વિદાય થયો તેના કરતાં મારો સ્વર્ગમાં પુન: પ્રવેશ વધુ ઉન્નત હશે.’ તેઓ જાણતા હતા કે સાચા ગુહ્ય નિદિધ્યાસનમાં, પ્રભુ અને તેનો શોધક એકબીજામાં વિલીન થઈ જાય છે. મિસ્ટર એકહાર્ટે લખ્યું છે, ‘લોકો પ્રભુ (વ્યક્તિ હોય તેમ) વિશે વાત કરે છે. પરંતુ તેઓ દિવ્યતા વિશે શા માટે કંઈ કહેતા નથી? કેમ કે દિવ્યતામાં તો સર્વત્ર માત્ર એકત્વ જ છે અને તેના વિશે કાંઈ વાત કરી શકાય નહિ. પ્રભુ કાર્યો કરે છે, દિવ્યતા કાંઈ કરતી નથી. તેણે કાંઈ કરવાનું હોતું નથી અને તેનામાં કાંઈ કાર્ય થતું નથી.’

જેમ કસ્તુરીમૃગને કસ્તુરી માટેની મરણિયાશોધને અંતે માલૂમ પડે છે કે કસ્તુરી તો તેની ડૂંટીમાં છે, અને નહિ કે દૂર દૂરના જંગલમાં કે જ્યાં તે આટલો વખત તેને શોધતું ભટકતું હતું, તેવી જ રીતે યોગીને ખાતરી થાય છે કે પ્રભુનું સામ્રાજ્ય તો તેની અંદર છે. સેન્ટ બર્નાલ્ડ તેને સુંદર રીતે વર્ણવે છે, ‘મારી આંખો આકાશ સામે તાકી રહી છે અને મારા પગ સામે જોતી નથી. તે એટલા માટે કે મારી આંખો આકાશની સમાન છે, પગની સમાન નહિ.’ મિસ્ટર એકહાર્ટ કહે છે, ‘પ્રભુ તો આપણી સમીપમાં જ છે, એ તો આપણે તેનાથી દૂર છીએ. ઈશ્વર તો અંતરમાં છે, આપણે જ બહાર છીએ. ઈશ્વર તો સ્વદેશમાં જ છે, આપણે પરદેશમાં છીએ… જ્યારે પ્રભુએ માનવને સર્જ્યો ત્યારે, તેણે તેના આત્માની અંદર પોતાની સમાન, પોતાની સક્રિય અને શાશ્વત શ્રેષ્ઠ કલાકૃતિ મૂકી આપી છે.’ જૂના કરાર (ઓલ્ડ ટેસ્ટામેન્ટ)માં જેકોબ કહે છે, ‘પ્રભુ તો આ જગ્યાએ જ છે અને હું તો એ જાણતો જ ન હતો.’

સદીઓથી ઈસુના ધર્માંધ અનુયાયીઓ યહૂદીઓને એટલા માટે યાતનાઓ આપતા રહ્યા છે કારણ કે યહૂદીઓએ માત્ર તેંત્રીસ વર્ષના ઈસુને જરૂસલેમમાં ફાંસી આપી. પરંતુ સાચા યોગીઓ અને સંતો ને મન ઈસુ એ માત્ર શરીર-મનનું બનેલું ખોળિયું ન હતા, કે જે સદીઓ પહેલાં ક્રૂસ પર મૃત્યુ પામ્યા. તેમને મન તો ઈસુ તેમના પવિત્ર હૃદયમાં સદા નિવાસ કરે છે. ઈસુ જેવા જ પ્રભુ માટેના ભાવાવેશથી ઉન્નત થયેલાં તેમનાં મન દ્વારા તેઓ તેમનો અમર આત્મા તરીકે, ‘એક જીવંત હાજરી’ તરીકે સાક્ષાત્કાર કરે છે. અવિલાનાં સેન્ટ તેરેસા પોતાની સાધ્વી-શિષ્યાઓને કહે છે, ‘ઈસુના ચિત્ર સામે જોઈને પ્રાર્થના કરવાની તેમને ટેવ હશે. પરંતુ, આજના જેવા સમયમાં તેમની જીવંત પ્રતિકૃતિ – વ્યક્તિના પોતાનાથી વિમુખ થઈ માત્ર તેમનાં ચિત્રને જોવું એમાં મને નરી મુર્ખતા લાગે છે.’ આ ‘વ્યક્તિ પોતે’ શ્રીરામકૃષ્ણ માટે એક વાર ‘જીવંત હાજરી’ બની ગઈ. એક દિવસ તેઓ મેડોના અને તેના બાળક (બાળ ઈસુ અને તેમની માતા)નાં ચિત્રને નિહાળી રહ્યા હતા. નિરીક્ષણને અંતે જીવંત ઈસુ શ્રીરામકૃષ્ણના શરીરમાં સમાઈ ગયા. કેટલાય દિવસો સુધી શ્રીરામકૃષ્ણ ઈસુ અને તેમના અંતરંગ શિષ્યોના વિચારમાં નિમગ્ન રહ્યા. ત્યારી પછી થોડા દિવસ બાદ અત્યંત કરુણામય ઈસુનાં તેમને ફરી વખત દર્શન થયાં.

ખ્રિસ્તી ધર્મ તેના પ્રારંભની ત્રણ સદીઓ દરમિયાન માત્ર આધ્યાત્મિક સાધના રૂપ જ હતો. પછી  ધીમે ધીમે દૃશ્ય બદલાયું. આધ્યાત્મિક શોધનું સ્થાન, પ્રભુના નામે બીજાં રાજ્યો પર આધિપત્ય મેળવવાની તીવ્ર ઇચ્છાએ લીધું. એક ખ્રિસ્તી ઈતિહાસકાર લખે છે કે જેઓ સોળમી સદીના ખ્રિસ્તીધર્મના વડાઓના આદેશ ન માને તેમનો નાશ કરવા મારાઓ રોકવા, કાપાકાપી કરવી, ભયંકર ધાર્મિક ન્યાયસભા સમક્ષ ખડા કરવા, ધર્મયુદ્ધો, કાવતરાં, બળવા, કુમાર્ગે દોરતા ઉપદેશકો, પોપના આખલાઓ દ્વારા પ્રજાને ઉશ્કેરવી, રાજવીઓની હત્યાઓ, વિ. રાક્ષસી ઉપાયો અજમાવાતા હતા. ઈતિહાસકાર ટોયન્બી ખ્રિસ્તીધર્મનો પ્રખર પુરસ્કર્તા હતો અને આ ધર્મ જ માનવજાતને બચાવશે તેવી શ્રદ્ધા ધરાવતો હતો તે પણ એક ઈતિહાસકાર માટે સહજ એવા દુ:ખથી લખે છે, ‘ઓગસ્ટીનીયન – કેલ્વીનીસ્ટ-જેન્સેનીસ્ટ વર્ગના લોકો જે રીતે ખ્રિસ્તી ધર્મનું અર્થઘટન કરે છે તે જો સાચું હોય તો પ્રભુ રાક્ષસ હોવો જોઈએ.’

સેમેટિક ધર્મના રૂઢીચુસ્તો અને ધર્માંધ લોકોએ તો ખ્રિસ્તી સંતોને પણ નિંદ્યા અને સતાવ્યા છે. મિસ્ટર એકહર્ટને પણ તેમના વેદાંતના સંદેશ માટે સતાવવામાં આવ્યા હતા કેમ કે તેમનો સંદેશ ‘શ્રોતાઓને સહેલાઈથી ગેરમાર્ગે દોરે’ તેવો હતો. એકહાર્ટે તેના જવાબમાં કહ્યું, ‘જો અજ્ઞાની લોકોને શીખવવામાં નહિ આવે તો તેઓ કદી શીખવાના નથી અને જીવનમૃત્યુની કલા કોઈ જાણી શકશે નહિ.’ પાદરીઓના મોટી સંખ્યામાં લોકકાળથી આ સંતનો એકાકી અભિપ્રાય ડૂબાડી દેવામાં આવ્યો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘દેવળોએ ઈસુને પોતાને અનુરૂપ ઘડવાનો પ્રયાસ કર્યો, નહિ કે ઈસુને અનુરૂપ પોતાને બનાવવાનો.’

પાદરીઓની સર્વોચ્ચ સંસ્થાએ ઈ.સ.૧૩૨૭ના ફેબ્રુઆરીમાં મિસ્ટર એકહર્ટ પર આરોપ મૂક્યો. ‘જૂઠાણાંનો પિતા’ કે જે કેટલીક વાર પ્રકાશનો દેવદૂત બનીને આવે છે તેના વડે છેતરાયાનો તેના પર આરોપ મૂકાયો. મધ્યયુગીન ખ્રિસ્તીઓના સમૃદ્ધ સામ્રાજ્ય વચ્ચે એકહર્ટ પણ સત્યના ક્રૂસ પર એકલવીર ખ્રિસ્તી તરીકે મૃત્યુ પામ્યો. તેની એક માત્ર ભૂલ એ હતી કે ઈસુની તેણે એક વ્યક્તિ તરીકે ભક્તિ કરી ન હતી, પરંતુ અંતરમાં રહેલા આત્મા તરીકે અને શાશ્વત જીવન પ્રત્યેના માર્ગ તરીકે ભક્તિ કરી હતી.

ઈસુ જેના વિશે વારંવાર કહેતા તે આ ‘શાશ્વત જીવન’ શું છે? એ છે દુન્યવી માનવનું દિવ્યરૂપમાં, પવિત્ર અને પૂર્ણ સ્વરૂપમાં આધ્યાત્મિક રૂપાંતર. આવું રૂપાંતર કેમ થાય? સેન્ટ પોલ આ વિશે કહે છે, ‘એવું જ મૃતના પુનર્જીવનનું છે… તેનાં મંડાણ લજ્જાસ્પદ સ્થિતિથી થાય છે, તે વિજયમાં પાછું ઊઠે છે, તેનાં મંડાણ નિર્બળતામાં થાય છે, તે પુનર્જીવિત થાય છે બળમાં. તેનાં મંડાણ સ્થૂળ શરીરથી થાય છે, તેનું ઉત્થાન આધ્યાત્મિક શરીરથી થાય છે. પહેલો માનવ ધરતીનો હોય છે, પાર્થિવ હોય છે, બીજો સ્વર્ગમાંનો પ્રભુ હોય છે.’ પુનર્જીવન આ માંસમાટીના સ્થૂળ દેહનું હોય – એ માન્યતાની વિરુદ્ધ પોલ તેનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. ‘હાડ-માંસનું શરીર પ્રભુના સામ્રાજ્યનું શરીર બની ન શકે’ અને લખે છે કે ‘જ્યાં સુધી આપણે આ દેહમાં છીએ ત્યાં સુધી આપણે પ્રભુથી દૂર જતા રહ્યા હોઈએ છીએ… આપણે શરીરમાંનો આપણો નિવાસ છોડી પ્રભુ સાથે નિવાસ કરવા જવું જોઈએ.’ એક ખ્રિસ્તી ધર્મશાસ્ત્રજ્ઞ લખે છે કે પછીના યહૂદીઓના એકેશ્વરી ધર્મ ‘જુડાઈઝમ’માં ‘આત્માને શરીરથી જૂદો માનવામાં આવ્યો છે.’ ઈસુનું છેલ્લું આધ્યાત્મિક રૂપાંતર ત્યારે જ થયું કે જ્યારે તેમણે સેતાન અને તેની ત્રણ લાલચો પર વિજય મેળવ્યો. જંગલના એકાંતમાં ચાલિસ દિવસના ઉપવાસની તપશ્ચર્યા બાદ આ બની શક્યું. ઈસુના જીવનચરિત્ર લેખક લખે છે કે, ‘ચાલીસ દિવસ સુધી મોઝિઝ સિનાઈમાં રહ્યા, અને એલિઝા જંગલમાં-એકાંતમાં રહી.’ આ ચાલીસ દિવસો દરમિયાનની તેમની આધ્યાત્મિક કસોટીઓ વિશે આપણે કાંઈ જાણતા નથી. બાઈબલમાં વર્ણવેલ તેમનાં જીવનવૃતાંતમાં એટલો જ નિર્દેશ છે કે, ઉપવાસના અંતે સેતાન ત્રણ લાલચો લઈને તેમને હરાવવા તેમની પાસે આવ્યો. ઈસુએ આ છેલ્લી કામનાઓને પણ જીતી લીધી અને હંમેશને માટે પ્રભુના નક્કર ખડક પર ઊભા રહ્યા. તેમણે કહ્યું, ‘મેં દુનિયા પર વિજય મેળવ્યો છે.’  ઈસુએ નિકોડેમસને કહ્યું, ‘માણસ નવો જન્મ ન પામે ત્યાં સુધી તે પ્રભુના સામ્રાજ્યને પામી શકતો નથી.’ માણસો આધ્યાત્મિક રીતે નવજન્મ પામે છે. તે એક દિવ્ય શરીર વિકસાવે છે, વેદાંતીઓ કહે છે તેવું ‘ભાગવતી તનુ’. ઈશ્વર અવતારમાં આ બાબત સ્પષ્ટરૂપે દેખાય છે.

પોતાની બાર વર્ષની ઐતિહાસિક તપશ્ચર્યા પછી, શ્રીરામકૃષ્ણ આ સ્થૂળદેહના બંધનમાંથી મુક્ત થયા છે, તેમ તેમના શિષ્યોએ જોયું. તેમનામાં સામાન્ય અહંકાર પણ રહ્યો ન હતો. ધ્યાન દરમિયાન તેમને દર્શન થયું કે તેમની અંદર એક ભયંકર અને કાળી વ્યક્તિ તેમના શરીરમાંથી હંમેશને માટે બહાર નીકળે છે, તેમના શરીરમાંથી એક દિવ્ય પુરુષ બહાર આવે છે અને એક ત્રિસૂળથી પેલી કાળી પાપી વ્યક્તિનો વધ કરે છે. આમ તેમનામાંથી કામ, લોભ અને અહંકાર કાયમને માટે વિદાય થતાં તેઓ પવિત્રતાની મૂર્તિ બની ગયા. ઈસુના એકાંતના ચાલીસ દિવસ અંગે આપણે ખાસ કાંઈ જાણતા નથી. પરંતુ શ્રીરામકૃષ્ણની આધ્યાત્મિક કસોટીઓની નાનામાં નાની વિગતો નોંધાયેલી છે. રોમાં રોલાંએ શ્રીરામકૃષ્ણમાં ‘ઈસુના નાનાભાઈ’ના નવા જન્મના દર્શન થયાં, તેઓ લખે છે, ‘શ્રીરામકૃષ્ણ પરમ પિતાના પુત્ર છે, આપણા પ્રભુનો પુનર્જન્મ છે. પ્રત્યેક પુનરાગમન વખતે પ્રભુ પોતાની જાતને થોડીક વધુ પ્રગટ કરે છે અને વિશ્વથી વધુ સમૃદ્ધ બને છે.’ પોતે સાચા ખ્રિસ્તી એવા રોમાં રોલાંએ આવા ઉચ્ચારણો સોળમી સદીમાં કર્યાં હોત તો તેમને થાંભલા સાથે બાંધી બાળી નાખવામાં આવ્યા હોત. એવા જ બીજા પ્રસિદ્ધ ખ્રિસ્તી ટોલસ્ટોય, જેમણે સ્વામી વિવેકાનંદના ગ્રંથો વાંચ્યા હતા, તેમણે તેમને ઈસુની સમકક્ષ ગણ્યા છે.. ‘વિવેકાનંદ ઈસુની દિવ્યતા પ્રતિબિંબિત કરે છે.’ એક પ્રખ્યાત અમેરિકન કવયિત્રીએ સ્વામી વિવેકાનંદને પ્રથમ વખત સાંભળીને લખ્યું, ‘આજે સવારે વિવેકાનંદને મેં એક કલાક સાંભળ્યા. મને બુદ્ધ કે ઈસુ જેવા કોઈ મહાન આત્માનો નવો અવતાર હોય તેવા લાગ્યા. કેલિફોર્નિયાના પ્રવચનમાં વિવેકાનંદ વર્તમાન યહૂદી કટ્ટરવાદીઓ પર આક્રોશથી તૂટી પડ્યા, જેમ ઈસુ એક દિવસ દેવળોમાં જઈ તૂટી પડ્યા હતા. પોતાના એક પરિચિતને તેમણે કહ્યું, ‘‘તમે જાણતા હશો કે ઈસુએ કહેલું કે ‘મારા શબ્દો અપાર્થિવ છે અને તે જીવન છે.’ તેવી જ રીતે મારા શબ્દો પણ અપાર્થિવ અને જીવન છે. તેઓ આગ ઝરતા અગ્નિ પેઠે તમારા મગજમાં પ્રવેશી જશે અને તમે તેમને કદી ભૂલી નહિ શકો.’’ એક નાસ્તિક બહેન પહેલીવાર વિવેકાનંદને મળ્યાં. તેઓ રડવા લાગ્યાં અને કહેતાં હતાં, ‘આ વ્યક્તિએ મને શાશ્વત જીવન આપ્યું છે. મારે ફરીથી તેમને સાંભળવા નથી.’ આ સાચી દીક્ષા છે. પશ્ચિમના ખ્રિસ્તીઓને સંબોધતાં વિવેકાનંદે કહ્યું, ‘દીક્ષા એટલે જીવનમાં દિવ્યતાનો સીધો પ્રવેશ. સાચી દીક્ષા મળે તો તમને જ્ઞાન થાય કે તમે આ શરીર નથી. પણ આત્મા છો… આવા આધ્યાત્મિક ઊર્ધ્વીકરણ સિવાય કોઈ પણ ધર્મની દીક્ષા એ માત્ર વાતો અને વાતો જ છે, તે મુર્ખતાથી દુનિયાને સતત ક્ષુબ્ધ કરે છે.’

એક પયગંબરની હિંમતથી વિવેકાનંદે કહ્યું, ‘વેદાંતને સમજ્યા વિના ખ્રિસ્તીઓ પણ ‘નવો કરાર’ સમજી નહિ શકે. વેદાંતમાં બધા ધર્મોને તર્કબદ્ધ કરવાની ચાવી છે. વેદાંત વિના, પ્રત્યેક ધર્મ એક ખોટી માન્યતા છે. તે હોય તો બધું ધર્મ છે.’ બધા ધર્મો પાછળ વેદાંતની આ પશ્ચાદ્‌ભૂ વિના આપણે દિવ્ય એવા ઈસુને, ઈશ્વર વડે જન્મેલા એક માત્ર પુત્ર બનાવી દીધા. પશ્ચિમના ફિલસૂફ પાસ્કલે લખ્યું છે, ‘જ્યાં સુધી ધર્મ આપણા સ્વભાવનું સાચું જ્ઞાન ન મેળવે ત્યાં સુધી તે સારો ધર્મ બની શકતો નથી… ખ્રિસ્તીધર્મ સિવાય કયા ધર્મે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે?’ બીજા એક પશ્ચિમી ફિલસૂફ શોપનહોરે ડાર્વિનના સંશોધન કે ‘માણસ આદમ અને ઈવમાંથી આવ્યો નથી પરંતુ વાનરમાંથી આવ્યો છે.’ તે સાથે તેણે ખ્રિસ્તીધર્મના પાયાને તૂટી પડતો જોયો. તેણે જ્યારે ઉપનિષદો વાંચ્યાં ત્યારે લખ્યું, ‘સમગ્ર દુનિયામાં ઉપનિષદો જેવી ઉપયોગી અને ઉન્નત બનાવનાર કોઈ વિદ્યા નથી. તેઓ જ મારા જીવનનું આશ્વાસન છે, અને મારા મૃત્યુનું પણ આશ્વાસન બનશે.’ વેદાંતના આવા વિચારો વાંચીને તેમણે ભવિષ્ય ભાખ્યું હતું કે ‘દુનિયા એક નવી વૈચારિક ક્રાંતિ જોશે. ગ્રીક સાહિત્યના પુનર્જાગરણ વખતે થઈ હતી તેનાથી પણ આ ક્રાંતિ વધુ વિશાળ અને વધુ શક્તિશાળી હશે.’

ખ્રિસ્તીઓ માને છે કે પ્રભુએ માનવે પેદા કરેલ એક માત્ર પુત્રને માનવજાતને પૂર્ણતા પ્રતિ દોરવા મોકલ્યો હતો. તો પછી માનવજાતની સેવા કરવા તે એવા બીજા પુત્રને કેમ ન મોકલી શકે? માનવ દ્વારા પુન: પુન: જન્મ લેવાની ઈશ્વરની શક્તિને કોણ મર્યાદિત કરી શકે? ગીતા તો શરૂઆતથી જ આ વિચાર પર ભાર મૂકે છે કે જ્યારે જ્યારે દુનિયામાં અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે ઈશ્વર માનવ દ્વારા, અવતાર લઈ પોતાનો આવિર્ભાવ કરે છે. અને વિશ્વ વ્યવસ્થામાં ધર્મની પુન: સ્થાપના કરે છે. સ્વામી વિવેકાનંદે લંડનમાં પયગંબરના ઉદય વિશે કહ્યું છે: ‘વૈશ્વિક વિચારનાં મોજાંઓ દર પાંચસો વરસે ફરી ઉત્પન્ન થતાં લાગે છે, જ્યારે એક મહાન ખાસ મોજું ઉત્પન્ન થઈ બીજા મોજાંઓને પોતામાં ડૂબાડી દે છે. પયગંબરો આ રીતે સર્જાય છે. પોતે જે યુગમાં જીવે છે તેના વિચાર પર તે પોતાના મનમાં એકાગ્રતા લાવે છે, તેને એક નક્કર ઘાટ આપીને તે માનવજાતને સોંપી દે છે… જે મોજાં પાછળ સૌથી વધુ પવિત્રતા અને ચારિત્ર્યનું ઉમદાપણું હોય છે તે સામાજિક સુધારાની ચળવળરૂપે દુનિયા પર ફરી વળે છે.’ માનવ સભ્યતા તો હજુ તેની કિશોરાવસ્થામાં છે. ઈસુ અને ખ્રિસ્તીધર્મના ચુસ્ત અનુયાયી ટોયન્બી લખે છે, ‘જે પ્રભુ પ્રેમાળ અને સર્વશક્તિમાન છે તેમ મનાય છે તે પોતાના સંતાનોને તેના ઇતિહાસનો હજી સૂર્યોદય જ થયો છે ત્યાં જ કેમ નાશ પામવા દઈ શકે? માનવજાત આ પૃથ્વી પર કેટલાક હજાર વર્ષ જીવવાની અપેક્ષા રાખે છે… હું એ માની શકતો નથી કે… કોઈ એક પયગંબરે છેલ્લા પયગંબરને જોયો છે?’ આ સત્યના અહંકારપૂર્વકના નકારે ખૂની ધર્મઝનૂનના કરુણ પરિણામોને જન્મ આપ્યો છે.

ભગવાન બુદ્ધ જ્ઞાનપ્રાપ્તિ પછી બોધી બની સામાન્ય લોકો વચ્ચે જેમ પાછા ફરે છે, તેમ ઈસુ પણ સામાન્ય લોકો વચ્ચે પાછા ફર્યા અને સરળ બોધવચનો દ્વારા ધર્મનાં ઉચ્ચ સત્યો તેમને આપવા તેમણે પોતાનું બલિદાન આપ્યું. શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણની જેમ જ તેઓ પણ ગરીબ અને સંપત્તિહીન એવા બેથલહેમના ભરવાડો વચ્ચે જન્મ્યા હતા. ખ્રિસ્તની શક્તિ પ્રાપ્ત કરી, તારણહાર બની તેમને ‘જૂઠા પયગંબરો’ના ભુખ્યા હાથમાંથી બચાવવા અને લોકોને વિજય અને પ્રકાશ પ્રત્યે દોરી જવા, તેઓ તેની વચ્ચે પાછા ફર્યા હતા. તેવી જ રીતે શ્રીરામકૃષ્ણ પણ દક્ષિણેશ્વરના મંદિરની ચાર દિવાલોમાંથી બહાર આવી ઇન્દ્રિયસુખની સંસ્કૃતિમાં ગળાડૂબ એવા પશ્ચિમી ઢબના કોલકાતા શહેરની અંધારી શેરીઓમાં પાછા ફર્યા હતા. આ બધા પ્રભુપુત્રોમાંથી કોઈએ બહારનું સામ્રાજ્ય મેળવવા યુદ્ધો કર્યાં ન હતાં. પોતાના ઈશ્વરથી મત્ત બનેલ જીવનની પૂર્ણ વિશુદ્ધિ અને નિ:સ્વાર્થતા સાથે લઈ તેઓ સર્વત્ર ગયા હતા. આ વિશુદ્ધિ અને નિ:સ્વાર્થતાની શક્તિથી નવી સંસ્કૃતિઓ જન્મી. તેમના જીવનની શાંતિ અને સમતા, તેમની અહંકારરહિતતા અને પ્રભુ માટે નિર્ભયતા, માણસો સત્યનો સાક્ષાત્કાર કરે અને તે દ્વારા માનવજાતના હાલનાં દુ:ખોનો અંત આવે – આ બધાને લીધે તેઓ દુનિયામાં ક્રાંતિ લાવનાર તરીકે જાણીતા હોય છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘મહાપુરુષો શાંત, મૌન અને અપ્રસિદ્ધ હોય છે. આ લોકો જ વિચારની મહાન શક્તિને જાણતા હોય છે. તેમને ખાતરી હોય છે કે તેઓ કોઈ ગુફામાં પ્રવેશી, બારણું બંધ કરી, માત્ર પાંચ સાચા વિચાર કરે અને પછી તેમનું જીવન સમાપ્ત થાય તો પણ, તેમના આ પાંચ વિચારો શાશ્વત કાળ સુધી જીવતા રહેશે.’ ઈસુ કહે છે, ‘સૌ પ્રથમ તમે પ્રભુનું સામ્રાજ્ય પ્રાપ્ત કરો, પછી બીજું બધું તમારામાં આવશે.’ ભગવદ્‌ગીતા તેની સમાપ્તિમાં આધ્યાત્મિક પૂર્ણતા દ્વારા જ સાચા વિજયની વાત કહે છે. ‘જ્યાં જ્યાં અર્જુન જેવા સત્યના વીર સાધકો, શ્રીકૃષ્ણ જેવા યોગેશ્વરે બતાવેલા માર્ગને અનુસરે છે, ત્યાં હંમેશાં સંપત્તિ, વિજય, અને અંતરમાં આધ્યાત્મિક પૂર્ણતા હોય જ છે. સ્વામી વિવેકાનંદ આપણને ચેતવણી આપે છે કે આપણે ફક્ત ઈશ્વરના સામ્રાજ્યની શોધ કરવાની છે અને બીજું આપણને શું મળશે તે ભૂલી જવું. તેઓ કહે છે, ‘સત્યને માત્ર સત્યથી જ તોલવાનું છે, અન્ય કશાથી નહિ. કોઈનું ભલું કરવું એ સત્યનો માપદંડ નથી… સૂર્યને જોવા માટે ફાનસની જરૂર હોય જ નહિ. સત્ય સંપૂર્ણ વિશ્વનો નાશ કરે તો પણ આખરે તે સત્ય જ છે. તેનો જ સહારો લો… થોડાક લોકો પણ ઈશ્વર માટે જ જીવવા તૈયાર થાય અને જગતને માટે ધર્મનું રક્ષણ કરે તો પણ બસ.’ બધા મહાપુરુષોએ આવો જ ઉપદેશ આપ્યો છે અને આનું જ આચરણ કર્યું છે અને તેથી જ દુનિયા તેમને નમે છે.

ભૌતિક પદાર્થ સ્થળકાળથી મર્યાદિત છે. અને ભૌતિકજગતનું સામ્રાજ્ય પણ સ્થળકાળથી મર્યાદિત છે. આત્મા જ માત્ર શાશ્વત છે. આત્માનું સામ્રાજ્ય સ્થળકાળની મર્યાદાને અતિક્રમે છે. – વોટરલૂના રણમેદાન પર નેપોલિયને વિશ્વના સામ્રાજ્યનું સ્વપ્ન સેવેલું. પરંતુ તેના ભાગ્યમાં સેન્ટ હેલિનાના નાનકડા ટાપુ પર આમરણ જેલ લખાયેલી, જ્યારે ગરીબ છતાં સમ્રાટ સમાન ઈસુ ક્રૂસ પર મૃત્યુ પામ્યા ત્યારે યુદ્ધના દેવતાએ તેની સામે પોતાની હાર કબૂલ કરેલી. તેણે કહ્યું, ‘મારું સામ્રાજ્ય ભાંગીને ભુક્કો થઈ રહ્યું છે. ઈસુનું સામ્રાજ્ય હંમેશાં વધતું જ જાય છે.’

ખ્રિસ્તી ધર્મનાં ‘ગોથિક’ શૈલીનાં વિશાળ દેવળો પૃથ્વી પરથી પોતાના મિનારાવાળાં શિખરો વડે આકાશને આંબી જાણે સ્વર્ગની અનંતતા સુધી પહોંચતાં ઊભાં છે. વેદી ઉપરના પારદર્શક રંગો વડે શોભતા કાચમાંથી જાણે સ્વર્ગનો પ્રકાશ, પ્રાર્થના વખતે જાણે ભક્તોના હૃદયને પ્રકાશિત કરે છે. સ્વરકાર બાશ કે હન્ડેલના ક્રૂસારોહણના સંગીતના આરોહ અવરોહો, બે હજાર વર્ષ પહેલાં પોતાને માટે ક્રોસ પર ચડેલા પોતાના પ્રભુના પ્રેમમાં ભક્તોના મનને હલબલાવી મૂકે છે. પરંતુ ક્રૂસારોહણ એ તો ધર્મની શરૂઆત છે, તે અંત નથી. તેનું એક જ ધ્યેય છે અને તે આપણા અંતરમાં રહેલા પ્રિય પ્રભુ સાથે ઐક્ય સાધવું. પ્રભુના શત્રુઓએ ક્રૂસ પર ચડાવેલા અને લોહી નીગળતા ઈસુ માટેના પશ્ચિમના લોકોના પ્રેમની સ્વામી વિવેકાનંદ ‘રોમન ક્રૂરતા’ તરીકે ટીકા કરે છે. ક્રૂસારોહણ પ્રત્યેની ભક્તિની પરંપરા પણ યહૂદીઓની એ માન્યતા પર આધારિત છે કે અનેકનાં ભલાં માટે એક માણસનું બલિદાન આપવું જોઈએ. તેમના સર્વોચ્ચ પાદરી કેઈઆપાસે ઈસુ જેવું મૃત્યુ ઈચ્છ્યું હતું. તેમણે યહૂદીઓને સલાહ આપેલી કે ‘લોકો માટે એક વ્યક્તિએ મરવું જોઈએ.’

બીજી પણ એક પરંપરા ઈસુના અનુયાયીઓમાં છે. તેના હાર્દમાં પૂર્વના દેશોની લાગે તેવી આ પરંપરા અનુસાર કાર્થુસીયન અને કમાલડોલેસના સંતો તથા ફ્રાંસિસની પરંપરાના તથા ગ્રીક મઠોની એકાંતમાં રહી સાધના અને તીવ્ર પ્રાર્થના દ્વારા અંતરમાં રહેલા પવિત્ર શિશુને જગાડવાની છે. વેદાંત પણ આપણી અંદર રહેલા શાશ્વત ઈસુ કે બુદ્ધને જાગૃત કરવાનું કહે છે. આજે ઘણા લોકો આ સાધનામાર્ગ અપનાવે છે.

દરેક ધર્મમાં કર્મકાંડ હોય જ છે. પરંતુ જ્યારે આ કર્મકાંડો ધર્મ ઉપર વર્ચસ્વ જમાવે ત્યારે અંદરનો આત્મા ગુંગળામણ અનુભવે છે. પુસ્તકો અને દેવળો કે કર્મકાંડનું સ્થાન ગૌણ છે. સાચા ધર્મનું લક્ષ્ય તો આપણી અંદર ઈસુ કે બુદ્ધનો આવિર્ભાવ કરવો એ છે, અને ત્યાર પછી એ ઈસુનું દર્શન બહાર સર્વત્ર કરવાનું છે. જે રામ મારામાં છે, તે સૌમાં છે. ભારતના પ્રખર રામભક્ત સંત તુલસીદાસ કહે છે કે તે વિશ્વમાં સર્વત્ર વ્યાપી રહેલા છે. આધુનિક ધર્મની વિસ્તૃત અને નિયત સ્વરૂપની જાહેર ઉપાસના, પોતાના અંતરમાં આત્માને શોધનારને કંટાળાજનક લાગે છે. એવા એક સાધક કહે છે: ‘… પ્રતીકાત્મક પૂજા એ પ્રભુ સાથેના પ્રેમસંબંધમાં બાધારૂપ કિલ્લા જેવી છે. વળી તેમાં પાપ, ગુનાની ભાવના અને પાપમુક્તિ જેવી બાબતો પર અતિશય ભાર મૂકવામાં આવે છે, ત્યારે પ્રભુ સાથેના કોમળ અને હૂંફાળા પ્રેમની વાસ્તવિકતા તેનાથી ક્યાંય દૂર ભાગી જાય છે.’

આ ઉપરાંત એક બાજુ માનવનું ‘મૂળ પાપ’ અને બીજી બાજુ સ્વર્ગના પિતાની પૂર્ણતા પર મુકાયેલા વધુ પડતા ભારને લીધે, માણસ અને પ્રભુ વચ્ચે જુદાઈ થતી ગઈ. તેનાથી પશ્ચિમમાં માનવ અને પ્રભુ વચ્ચે, પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે અને બિનસાંપ્રદાયિક અને સાંપ્રદાયિક વચ્ચે ખોટા ભેદ રહી ગયા. તેને બદલે વેદાંત માણસની અને સમગ્ર જીવસૃષ્ટિની મૂળભૂત પાયાની દિવ્યતા પર ભાર મૂકે છે. વેદાંતના મતે ધર્મ એટલે સઘળાં જીવનનું – ઊંચાં અને નીચાં, બિનસાંપ્રદાયિક તેમ સાંપ્રદાયિકનું – દિવ્યીકરણ. વેદાંતના શ્રેષ્ઠ જ્ઞાતા સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદમાં ૧૮૯૩માં સૌમાં નિહીત દિવ્યતાની વેદાંતની વાત કહી હતી:

‘તમને બધાંને હું ‘ભાઈઓ’ના મધુરનામથી અને ‘અમર સુખના વારસદાર તરીકે’ સંબોધું છું. હા, તમને ‘પાપી’ કહેવાની હિંદુ ના પાડે છે. તમે તો પ્રભુનાં બાળકો છો, અમર આનંદ તથા પવિત્ર અને પૂર્ણ માનવો છો. પૃથ્વી પરની દિવ્યતા એવા તમને પાપી કોણ કહે? માનવને આવો ગણવો તે જ પાપ છે, એ માનવ માટે કાયમની બદનક્ષી છે.’

તાજેતરમાં અમેરિકાના એક અવકાશ વિજ્ઞાનિકે એક ભારતીય સ્વામીને પૂછેલું, ‘આપણે ચંદ્ર પર ગયા ત્યારે ઉપર જવા કે નીચે ઉતરવા આપણને કોઈ ઈસુની જરૂર પડી ન હતી. તો પછી દેવળના પાદરીઓ શા માટે આગ્રહ રાખે છે કે ઈસુને ભજ્યા વિના, આપણી મુક્તિ નથી?’ સ્વામીએ વેદાંતના સરળ ઉપદેશથી તેને સમજાવ્યું, ‘ઈસુ તમારી અંદર જ છે, તેની શક્તિ, તેની પવિત્રતા, તેનો પ્રેમ, તેની વિશ્વાતીતતા, ઈશ્વરનો આનંદ, સર્વનું તેનું જ્ઞાન – બધું તમારી અંદર જ છે. આ અંતરમાં રહેલી ઈસુની શક્તિનો અત્યાર સુધી તમે યંત્રવિદ્યા વિકસાવવામાં ઉપયોગ કર્યો. તમે સફળ રહ્યા, ખરું ને? હવે જો ઈસુની એ જ શક્તિ તમારી અંદર તેના આવિર્ભાવ માટે વાપરવા ઇચ્છો તો, તમે તેમ પણ કરી શકો.’

માયાવતીમાં આવેલા સ્વામી વિવેકાનંદના હિમાલયમાંના એકાંત ‘અદ્વૈત આશ્રમ’માં પુસ્તકાલયની એક દિવાલ પર ઈસુનું ચિત્ર આવેલું છે. સ્વામીજીના કોઈ શિષ્યે તે દોર્યું છે. તે ચિત્રના ઈસુ પૂર્વના ઈસુ છે, એક તપસ્વી, એક યોગી જેને શ્રીરામકૃષ્ણ ઋષિકૃષ્ણ કહેતા. આ ચિત્રમાં ઈસુને આકાશ તરફ મીટ માંડી પ્રાર્થના કરતા બતાવવામાં આવ્યા નથી. તે પદ્માસનવાળી બેઠા છે, તેમની આંખો બંધ છે. તેઓ અંતરમાં રહેલ આત્માના અતાગ ઊંડાણોમાં જુએ છે. ગાઢ જંગલમાં એક ઊંડી શાંતિ વચ્ચે તેઓ ધ્યાન કરી રહ્યા છે. તેઓએ એક સફેદ ઝભ્ભો પહેરેલો બતાવાયો છે. એક નાની ગરોળી તેમના તદ્દન શુદ્ધ શરીર ઉપર ચડે છે. તેમના પગ પાસે એક સર્પ, એક વાઘ અને એક સસલું – બધાં શાંતિપૂર્વક બેઠાં છે. ફ્રાંસિસ વર્ણવે છે તેવી પ્રકૃતિ સાથેની એકતામાં તેમની આસપાસ આનંદથી પક્ષીઓ ઉડી રહ્યાં છે. બે કબૂતરો તેમના પર ઊતરી રહ્યાં છે. તેમનો ચહેરો એવી અપૂર્વ શાંતિથી દેદીપ્યમાન છે કે જેને સમજવી મુશ્કેલ છે. પ્રભુનો પુત્ર, હવે પ્રભુના સામ્રાજ્યમાં છે, એવું સામ્રાજ્ય કે જેને કોઈ મર્યાદા નથી. શાશ્વત જીવનના અનંત સુખ અને જ્ઞાનમાં, એટલે કે અંતરમાંના પ્રભુના સામ્રાજ્યમાં દટાઈ ગયેલા ઈસુને ચિત્રમાં બતાવાયા છે.

(ભાષાંતર : શ્રી પી.એમ. વૈષ્ણવ)

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.