સ્વામીજીના મહાપ્રયાણ સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની વિગતો ભગિની નિવેદિતાએ નોંધી છે. એ લખે છે : ‘પરંતુ જ્યારે જૂન માસનો અંત આવ્યો ત્યારે તેઓ બરાબર જાણી ગયા હતા કે હવે અંતિમ ઘડી નજીક છે. પોતે મહાપ્રયાણ કર્યું તેના આગલા બુધવારે એમણે એક જણને કહ્યું : ‘હવે હું મૃત્યુને ભેટવા માટે સાબદો થાઉં છું!’

‘પરંતુ ઓછામાં ઓછાં ત્રણ ચાર વર્ષો સુધીમાં તો તેઓ અમને છોડી જાય એવો સ્વપ્ને પણ ખ્યાલ ન હતો. છતાં પાછળથી અમે સમજ્યા કે એમના એ શબ્દો સાચા હતા. એ અરસામાં દુનિયાના કોઈ પણ સમાચારનો એમના ઉપર તદ્‌ન ઓછો પ્રત્યાઘાત પડતો. વરસાદની ખેંચ અંગે કોઈએ આપેલા ચિંતાજનક સમાચારને પણ જાણે સ્વપ્નમાં સાંભળ્યા હોય એમ એમણે દાદ આપી નહીં. હવે રોજબરોજના પ્રશ્નો અંગે એમનો અભિપ્રાય પૂછવાનો કંઈ અર્થ ન હતો. તેઓ શાંતિથી કહેતા: ‘તમારી વાત કદાચ ખરી હશે, પરંતુ હવે આ બાબતોની ચર્ચામાં હું ઊતરી શકું નહીં. હવે હું મહાપ્રયાણને પંથે છું!’

‘એક વખત કાશ્મીરમાં, માંદગીના હુમલા પછી, મેં એમને બે પાંચિકા ઊંચકી લેતા જોયા. એમણે કહ્યું: ‘જ્યારે જ્યારે મૃત્યુ મારી સમક્ષ આવીને ઊભું રહે છે, ત્યારે ત્યારે સઘળી દુર્બળતા અદૃશ્ય થઈ જાય છે. મને એ વખતે નથી રહેતી બીક કે શંકા, નથી આવતો બાહ્ય વસ્તુઓનો વિચાર. બસ, હું તો કેવળ મૃત્યુ માટે સજ્જ થઈ જાઉં છું. ત્યાં હું આ પાંચિકા જેટલો કઠિન થઈ જાઉં છું.’ અને એ પાંચિકાને એમણે ટકરાવ્યા ‘કારણ કે મેં પ્રભુના ચરણકમળનો સ્પર્શ કર્યો છે.’ ’

‘અંગત ઉલ્લેખ તેઓ ભાગ્યે જ કરતા, એટલે એમના એ શબ્દો ભૂલી શકાય એમ હતું જ નહીં, વળી સને ૧૮૯૮ના એ ઉનાળામાં અમરનાથની ગુફામાંથી પાછા ફરતાં એમણે પોતે જ હસતાં હસતાં નહોતું કહ્યું કે ઈચ્છા ન થાય ત્યાં સુધી મૃત્યુ પામવાનું એમને પોતાને અમરનાથે વરદાન આપ્યું છે? એટલે આ વસ્તુ સૂચવતી હતી કે મૃત્યુ એમના ઉપર ઓચિંતુ કદાપિ ત્રાટકી પડવાનું ન હતું; અને શ્રીરામકૃષ્ણે કરેલી આગાહી સાથે એ બધું એવું બંધબેસતું આવતું હતું કે આ બાબતો વિશે કોઈના મનમાં મુદ્‌લ ચિંતા ન હતી. એમના પોતાના ગંભીર અને સૂચક શબ્દો પણ એવી ચિંતા ઊભી કરવા માટે પૂરતા ન નીવડ્યા.’

એ જ અઠવાડિયાના બુધવારે એકાદશી હતી. સ્વામીજીએ ઉપવાસ કર્યો હતો, અને ભગિની નિવેદિતાને ફરાળના પદાર્થો પીરસતાં પીરસતાં દરેક વાનગી વિશે મધુર ટકોર તેઓ કરતા જતા હતા. ભોજન પૂરું થયું એટલે એમણે પોતે જ નિવેદિતાના હાથ ધોવરાવ્યા અને ટુવાલથી લૂછી નાખ્યા! મૂંઝાઈ ગયેલાં નિવેદિતાએ કહ્યું: ‘સ્વામીજી! ઊલટું મારે આપને માટે આમ કરવાનું હોય; આપે મારે માટે નહીં!’ પરંતુ જે જવાબ મળ્યો એણે નિવેદિતાને ચમકાવી દીધાં. સ્વામીજીએ ગંભીરતાથી જવાબ આપ્યો: ‘ઈશુએ પોતાના શિષ્યોના પગ ધોયા હતા!’ પણ હોઠે આવેલું વાક્ય શિષ્યા નિવેદિતા બોલી ન શક્યાં ‘એ તો છેલ્લી વેળાએ હતું!’…

બપોરનું ભોજન પૂરું થયાને ૫ા કલાક થઈ ગયો હતો; એક વાગ્યો હશે. સ્વામીજી બ્રહ્મચારીઓના ખંડમાં ગયા અને સહુને સંસ્કૃત વ્યાકરણના વર્ગમાં હાજરી આપવાનું કહ્યું. એ વર્ગમાં હાજરી આપનાર એક જણ લખે છે:

‘એ વર્ગ લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યો, પરંતુ જરા પણ કંટાળો આવ્યો નહીં; કારણ કે અભ્યાસના વિષયને રસમય કરવા માટે પોતાની ટેવ પ્રમાણે તેઓ વચ્ચે વચ્ચે એકાદ ટુચકો કે રમૂજી કહેવત મૂકી દેતા; કોઈ વાર અમુક સૂત્રોની શબ્દરચના ઉપર હાસ્યપ્રેરક ટીકા કરતા તો કોઈ વાર શબ્દો ઉપર રમત કરતા, કારણ કે એમને બરાબર ખ્યાલ હતો કે એવી રમતથી યાદ રાખવાનું સહેલું થઈ પડશે. એમણે પોતાના એક કોલેજના મિત્ર શ્રીયુત દાશરથી સંન્યાલને એક રાતે આવી જ ઢબથી ઈંગ્લેન્ડનો ઇતિહાસ શી રીતે શીખવ્યો હતો તેની વાત કરી. આમ છતાં, વ્યાકરણનો વર્ગ લીધા પછી કંઈક થાકી ગયા હોય એવું જણાતું હતું.’

થોડા વખત પછી સ્વામી પ્રેમાનંદને સાથે લઈને સ્વામીજી બેલુડ બજાર સુધી ફરવા ગયા. એમણે અનેક વિષયો ઉપર રસભરી ચર્ચા કરી. ખાસ કરીને તો એમણે મઠમાં એક વૈદિક કોલેજ સ્થાપવાની યોજના વિશે વાત કરી. એમના વિચારોને વધુ સ્પષ્ટ રીતે સમજવાના આશયથી પ્રેમાનંદે પૂછ્યું: ‘‘સ્વામીજી! વેદોનો અભ્યાસ શું કામ આવવાનો છે?’’ આ સાંભળીને એમણે ઉત્તર આપ્યો: ‘‘એથી અંધ રૂઢિઓ ઊખડી જશે!’’

થોડી વાર ફરીને સ્વામીજી મઠમાં પાછા ફર્યા અને સંન્યાસીઓ સાથે વાતોએ વળગ્યા. એ લોકોને શી ખબર કે એમનો આ છેલ્લો વાર્તાલાપ છે!…

એ પછીનું વર્ણન આપણે બીજા એક શિષ્ય પાસેથી સાંભળીએ. એ શિષ્યે લખ્યું છે: 

‘નવ વાગ્યા પછી થોડી મિનિટોમાં એમણે મહાસમાધિ લીધી. વાળુ કરવાનો ઘંટ વાગ્યાને થોડી જ વાર થઇ હશે એટલામાં સ્વામીજીને શું થઈ ગયું એ જોવા માટે મઠવાસીઓને બોલાવવામાં આવ્યા. સ્વામી પ્રેમાનંદ અને નિશ્ચલાનંદ મોટેથી ગુરુદેવના નામનો ઉચ્ચાર કરવા લાગ્યા. એમને મનમાં એવું હશે કે એથી કદાચ એ ભાનમાં આવે; પરંતુ એ તો પોતાના ખંડમાં નિશ્ચેષ્ટ થઈને પડેલા હતા. નામોચ્ચારથી કંઈ વળ્યું નહીં. સ્વામી અદ્વૈતાનંદે સ્વામી બોધાનંદને નાડીપરીક્ષા કરી જોવાનું કહ્યું. થોડી વાર નિષ્ફળ પ્રયાસ કરીને તે ઊભા થઈ ગયા અને એમણે મોટેથી રડવા માંડ્યું. સ્વામી અદ્વૈતાનંદે પછી સ્વામી નિર્ભયાનંદને કહ્યું : ‘અરે! શું જોઈ રહ્યા છો? ડો. મહેન્દ્રનાથ મજુમદાર પાસે જલદી પહોંચો અને એમને બનતી ત્વરાએ તેડી લાવો!’ બીજો એક જણ નદી પાર કરીને કલકત્તે ગયો, કારણ કે એ દિવસે ત્યાં ગયેલા સ્વામી બ્રહ્માનંદ અને શારદાનંદને ખબર આપીને મઠમાં તેડી લાવવાના હતા. રાતે લગભગ સાડા દશ વાગ્યે એ લોકો આવી પહોંચ્યા. ડોક્ટરે સ્વામીજીના દેહને પૂરેપૂરો તપાસ્યો; એમને લાગ્યું કે હજી જીવનનો સંચાર થાય છે, એટલે એમણે કૃત્રિમ શ્વાસોચ્છ્‌વાસથી એમને જાગ્રત કરવાનો પ્રયાસ કર્યો. મધ્ય રાત્રિએ ડોક્ટરે જાહેર કર્યું કે પ્રાણ ચાલ્યો ગયો છે. એમણે એવો અભિપ્રાય આપ્યો કે એકાએક હૃદય બંધ પડી જવાથી આમ બન્યું છે.

એ સવારે સ્વામીજીના દેહ પર થોડાંક વિશેષ ચિહ્‌નો દેખાયાં. આંખો લાલઘૂમ થઈ ગઈ હતી. મુખ અને નાકમાંથી પણ થોડું લોહી નીકળ્યું હતું. બીજા ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો કે મગજની રક્તવાહિની ફૂટી જવાને કારણે આમ બનવા પામ્યું છે. આથી પુરવાર થાય છે કે જપ અને ધ્યાનને કારણે દેહ છૂટતી વખતે બ્રહ્મરન્ધ્ર ભેદાઈ ગયું હશે. શ્રીરામકૃષ્ણે ભાખ્યું હતું તે પ્રમાણે, જ્યારે સ્વામીજીને આ જગતમાં વધુ વખત રહેવાની ઈચ્છા ન રહી ત્યારે એમણે સ્વેચ્છાએ સમાધિ દ્વારા દેહનો ત્યાગ કર્યો.’ એક સાચા યોગીને શોભે એ રીતે એમણે મહાપ્રયાણ કર્યું. 

એ રીતે સ્વામીજીએ ૩૯ વર્ષ, ૫ માસ અને ૨૪ દિવસનું આયુષ્ય ભોગવીને થાકેલું બાળક જેવી રીતે માતાના ખોળામાં જંપી જાય તેવી રીતે જગદંબાના ખોળામાં ચિરનિદ્રા લીધી. તેઓ ઘણી વાર કહેતા: ‘હું ચાળીસ વર્ષ પૂરાં નહીં કરું!’ એમનું એ વિધાન સાચું પડ્યું…

…મૃત્યુએ મૃત્યુનું કાર્ય કર્યું. શોકના પડ નીચે ઊંડે ઊંડે સૌને પ્રતીતિ હતી કે આ કાંઇ અંત નથી. મઠ સૂનો લાગતો હતો, છતાં ભક્તોના હૃદયમાં એ હકીકત તો અવશ્ય ઊગી નીકળી કે જે પ્રકારનું જીવન સ્વામીજી જીવી રહ્યા હતા એને હાડમાંસના પિંજરમાં વધુ વખત રહેવું અસંભવિત હતું. આખરે તો એમણે નિર્વિકલ્પ સમાધિમાં દેહભાનનો હંમેશ માટે લય કરવાનો જ રહ્યો. એમના આ શબ્દો એ વસ્તુની વિશેષ સાબિતી આપે છે : ‘એવું બનશે ખરું કે આ દેહમાંથી બહાર નીકળી જવાનું, એને એક ર્જીણ વસ્ત્રની જેમ ફેંકી દેવાનું મને બહેતર લાગે; પરંતુ મારું કાર્ય તો અવિરત ચાલ્યા કરશે! જગત આખું પ્રભુ સાથે એકતા અનુભવી રહે ત્યાં સુધી હું સર્વત્ર મનુષ્યમાત્રને પ્રેરણા આપતો રહીશ!’… 

સદીઓથી નિદ્રાધીન ભારતને જગાડવાનું, ભોગપરાયણ પાશ્ચાત્ય જગતને આધ્યાત્મિકતાને માર્ગે વાળવાનું, સર્વધર્મસમન્વયના ઉપદેશ દ્વારા જગતમાં ચાલતા ધાર્મિક વિખવાદો બંધ કરવાનું ભગીરથ કાર્ય એમણે ફક્ત ઓગણચાલીસ વર્ષની ટૂંકી વયમાં સિદ્ધ કર્યું. શું આ એક આશ્ચર્યકારક ઘટના નથી? ખરેખર, વ્યક્તિપૂજાના જાદુને ફેંકી દેવાનું જગતને પોસાય તેમ નથી, કારણ કે જ્યાં જ્યાં કોઇ વ્યક્તિવિશેષમાં દિવ્યતા મૂર્તિમંત થયેલી આપણે જોઇએ છીએ, ત્યાં ત્યાં પૂજ્યભાવથી આપણું મસ્તક ઝૂકી પડે એમાં કશી નવાઇ નથી. દિવ્યતાના પુરસ્કર્તાએ પોતાની દિવ્યતાની સાબિતી દુનિયાને આપીને ‘ઈશ્વરના દૂત’ તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું એમાં શક નથી. જ્યાં સુધી જગતની દુ:ખમુક્ત થવાની આકાંક્ષા પૂરી નથી થઇ, ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ અમર રહેશે- અને એ વેદાંતકેસરીની ઉપદેશ ગર્જના પ્રબુદ્ધ ભારતને અને એના દ્વારા સમસ્ત વિશ્વને સદાને માટે ઉદ્‌બોધન કરતી રહેશે કે : ‘उतिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।’

એમના દેહવિસર્જનના ત્રણ દિવસ પહેલાં સ્વામી પ્રેમાનંદ સાથે તેઓ મઠની હરિયાળી ભૂમિ ઉપર આમ તેમ ટહેલી રહ્યા હતા. એ વખતે ગંગા નદીના કિનારા પાસેની એક જગ્યા બતાવીને એમણે ગંભીરતાપૂર્વક કહ્યું ‘જ્યારે આ દેહ પડે, ત્યારે એને ત્યાં અગ્નિદાહ આપવાનો છે!’આજે એ જ જગ્યાએ એમનું સ્મૃતિમંદિર ખડું છે.

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.