* શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય હોય તે જ જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને જ્ઞાન મેળવતાં જ તરત જ પરમ શાંતિનો અનુભવ કરે છે.

* પરંતુ અજ્ઞાની, શ્રદ્ધારહિત અને સંશયયુક્ત પુરુષ નાશ પામે છે. સંશયયુક્તને માટે તો નથી આ સંસાર, નથી પરલોક, કે નથી સુખ.

* સર્વવ્યાપી પરમાત્મા ન તો કોઈનું પાપ લે છે, ન તો કોઈનું પુણ્ય. માયાથી જ્ઞાન ઢંકાયેલું છે. તેથી બધા જીવો મોહ પામે છે.

* પણ જેનું અજ્ઞાન આત્માના જ્ઞાન વડે નાશ પામ્યું છે, તેનું જ્ઞાન સૂર્યની માફક પરમાત્માને પ્રકાશિત કરે છે.

* તદરૂપ છે જેની બુદ્ધિ તેમજ મન, તથા જે પરમાત્મામાં નિરંતર એકનિષ્ઠ શ્રદ્ધાવાળો છે, તેવો તત્પરાયણ પુરુષ જ્ઞાનથી પાપરહિત થઈ એવી પરમગતિ પ્રાપ્ત કરે છે જ્યાંથી પાછા ફરવાનું હોતું જ નથી.

* ફરી હું તને જ્ઞાનોમાં ઉત્તમ એવા પરમ જ્ઞાનને કહીશ, જેને જાણીને મુનિઓ સંસારથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે.

* આ જ્ઞાન મેળવીને, મને પ્રાપ્ત થયેલા ફરીને આ સૃષ્ટિના આરંભમાં ઉત્પન્ન થતા નથી, કે પ્રલય કાળમાં વ્યાકુળ થતા નથી.

* હે ભારત! સર્વ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ તું મને જાણ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન જ મારા મતે તો સાચું તત્ત્વજ્ઞાન છે.

* તેમના પર કૃપાદૃષ્ટિ કરવા માટે જ હું તેમના અંત:કરણમાં વાસ કરી, અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાનરૂપી દીપકના પ્રકાશથી નષ્ટ કરું છું.

* માનરહિતતા, દમ્ભહીનતા, અહિંસા, ક્ષમા, મન-વાણીની સરળતા, શ્રદ્ધા-ભક્તિથી ગુરુસેવા, શુદ્ધતા, સ્થિરતા, તથા મન તેમજ ઈંદ્રિયો સહિત શરીરનો નિગ્રહ – આ સર્વને જ્ઞાન કહે છે.

* ભોગ્ય પદાર્થોમાં અનાસક્તિ, અહંકારનો અભાવ, જન્મ – મૃત્યુ – જરા અને ઉપાધિમાં દુ:ખ અને દોષ જોવાં – આ જ્ઞાની વ્યક્તિના ગુણ છે.

* સ્ત્રી-પુત્ર-ઘર, ધન વ. માં આસક્તિનો અભાવ તથા મમતાનું ન હોવું, તેમજ પ્રિય-અપ્રિયની પ્રાપ્તિમાં ચિત્તનું સદાય સ્થિર રહેવું – એ બધું તો જ્ઞાન કહેવાય છે.

* મારામાં જ અનન્યભાવથી અવ્યભિચારિણી ભક્તિ, એકાંત તથા શુદ્ધ સ્થાનમાં રહેવાની વૃત્તિ, જનસમુદાયમાં રુચિ ન હોવી, અધ્યાત્મ જ્ઞાનમાં જ નિત્ય સ્થિતિ હોવી, તત્ત્વજ્ઞાનના ઉદ્દેશ રૂપ પરમાત્માનું સર્વત્ર દર્શન, આ બધું તો જ્ઞાન છે. અને આનાથી વિપરીત બધું અજ્ઞાન છે.

* હે કૌંતેય! સિદ્ધિ મેળવી ચૂકેલો પુરુષ કઈ રીતે જ્ઞાનની પરાનિષ્ઠા એટલે કે બ્રહ્મને પામે છે, તે તું મારી પાસે ટૂંકમાં જાણ.

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.