“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્‌ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદનો પ્રથમ અંશ અહીં પ્રસ્તુત છે. – સં.

હોલીવુડ હાઈવેથી ટ્રોબુકો તરફ, પર્વતમાળાઓવાળી કેલિફોર્નિયા ખીણપ્રદેશમાં તમે તમારી ગાડી હંકારીને જતા હો ત્યારે અંતે તમે ઘાટા વૃક્ષો અને લીલીછમ ઘાસની લોનવાળા સુંદર મજાના વેદાંત આશ્રમમાં પહોંચશો. આ આશ્રમની વચ્ચેના ભાગમાં નાના કમળ તળાવ પર કેલિફોર્નિયાના ઘાટાં વૃક્ષોની છાયામાં સ્વામી વિવેકાનંદની અર્ધાકદની કાંસ્યપ્રતિમા તમને જોવા મળશે. અહીં તેઓ ભગવાન બુદ્ધની જેમ પ્રશાંત મુદ્રામાં, ભગવાન શિવની જેમ સર્વોત્કૃષ્ટ મહિમામુદ્રામાં ધ્યાન ધરતા દેખાશે. આ પાવનકારી સ્થળે પશ્ચિમના વેદાંતીઓ સ્વામીજીમાં જીવંત ઈસુની ઉપસ્થિતિનાં દર્શન કરે છે. સો વર્ષ પહેલાં સને ૧૯૦૦માં કેલિફોર્નિયાના લોકોએ તેમના અવાજમાં ઈસુના આ અગ્નિમંત્રો સાંભળ્યા હતા. “મારા શબ્દો પ્રાણ છે અને એ જીવન છે’ ઈશુના આ શબ્દો તમે સાંભળ્યા છે. એ જ રીતે મારા શબ્દો પણ પ્રાણ છે અને જીવન છે; તમારા મસ્તકમાં એ અગ્નિ પ્રવેશ કરશે અને એનાથી તમે કદી છટકી નહીં શકો.’ દુનિયાએ સ્વામી વિવેકાનંદમાં એક લાક્ષણિક વિશિષ્ટ અહમ્‌ પોતાના મહાન ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવનો ‘અશરીરી – સૂક્ષ્મ અવાજ’ જોયો. થોડાં વર્ષો પહેલાં એમના ગુરુદેવે એક કાગળમાં લખ્યું હતું, ‘નરેન સમગ્ર વિશ્વને શીખવશે, સંદેશ આપશે. ત્યારે આ દેશને અને વિદેશને વીજળીની જેમ ઝંકૃત અને પ્રકાશિત કરી દેશે.’ બીજા બધા તો વક્તાઓ હતા, વ્યાખ્યાતાઓ હતા કે ધર્મોપદેશકો હતા પણ સ્વામી વિવેકાનંદ તો પ્રભુના પયગંબર હતા. એક વખત એમણે ‘ગંભીર પ્રહાર કરતાં વેદાંતના સત્યો’ની ઉદ્‌ઘોષણા કરીને એક ‘નાનો બોમ્બ ફેંકવાનું’ કાર્ય કર્યું. એ દ્વારા એમણે ઇન્દ્રિયભોગવાળી મુક્ત સંસ્કૃતિની સામે ભારતના બ્રહ્મચર્ય પાલન અને ચારિત્ર્યશુદ્ધિની સંકલ્પનાનો ઘણો મોટો બચાવ કર્યો. એ વખતે સ્વામીજીને એમના શિષ્યોએ યાદ આપ્યું કે તેઓ પશ્ચિમના શ્રોતાજનો સમક્ષ આ બધું બોલી રહ્યા છે. વિવેકાનંદે એનો જવાબ ન આપ્યો પણ માત્ર આટલા શબ્દો કહ્યા: ‘મારા મૃત્યુ પછીના દસ વર્ષમાં લોકો મને ઈશ્વરરૂપે પૂજશે.’ ઈ.સ. ૧૯૦૦માં સ્વામી વિવેકાનંદને મળેલા કેલિફોર્નિયા-વાસીઓ આ પ્રમાણે લખે છે : ‘સ્વામી વિવેકાનંદ આ પૃથ્વી પર માનવરૂપે અવતર્યા હોય તેવા કેટલાય મહાનતમ આત્માઓમાંના એક હતા. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ, કૃષ્ણ, બુદ્ધ, ઈસુ અને બીજા મહાન આત્માઓનું જ એક મૂર્તિમંત રૂપ હતા. આવી ભવ્યાતિભવ્ય વ્યક્તિમત્તા પાસે બીજું કોઈ ઊભું ન રહી શકે. યુનિવર્સિટીના પેલા પ્રખર બુદ્ધિશાળી અધ્યાપકો તો તેમની પાસે માત્ર શિશુ સમાન હતા. આ મહાન હિંદુત્વના વાવાઝોડાંએ વિશ્વને હચમચાવી મૂક્યું છે.’ દિવ્ય પયગંબરની બધી શક્તિઓને – શારીરિક, બૌદ્ધિક, આધ્યાત્મિક અને સાંવેગિક – એમણે પૂર્ણ તાકાતથી સર્વત્ર પ્રસરાવી દીધી છે. એમનો ગ્રીકોરોમન દેહયષ્ટિ, અભૂતપૂર્વ અને વિલક્ષણ બુદ્ધિપ્રતિભા, પશ્ચિમના જેવી ક્રિયાશીલતા, અપ્રતિમ પવિત્રતા અને અતિવિશાળ આધ્યાત્મિક શક્તિ, આ બધું ધરાવતા હોવા છતાં તેઓ સામાન્ય માનવ જનસમૂહના એક અનોખા ચાહક અને સેવક હતા. કવિહૃદયના અને અનુભવજન્ય જ્ઞાન ધરાવનારા એવા આ મહામાનવ લોકોને એમના ઊર્ધ્વગમનથી ધ્યાનના ઉચ્ચતમ શિખર સમાધિ સુધી દોરી જતા. પવિત્ર આત્માઓ પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ વિલક્ષણ કે અસાધારણ રહેતો. આ પ્રભાવ હેઠળ આવનારા બધા પોતાના શેષ જીવનકાળમાં આધ્યાત્મિક રીતે આદર્શરૂપ બની જતા. પેલા ઘેંટાની જેમ બેં બેં કરતા અને ઘાસ ચરતા ભ્રમણામય ઘેંટાનું જીવન જીવતા સિંહઘેંટાને જ્યારે સાચો સિંહ તેને પાણીના તળાવે લઈ ગયો, તેમાં તેનું પ્રતિબિંબ બતાવ્યું અને તેને પ્રાણીઓનો રાજા અને ગર્જતો સિંહ હોવાની ખાતરી કરાવતાં તે જેમ સિંહ બની ગયો, તેમ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવનાર પવિત્ર લોકોએ પોતે ઘેંટા હોવાની પ્રવંચનામાંથી મુક્ત થઈને પોતાની જાતને સિંહરૂપે પ્રસ્થાપિત કર્યા. સ્વામી વિવેકાનંદ પોતે આ શક્તિના જાણકાર હતા અને પોતાના શિષ્યોમાં આ શક્તિને ઉતારી હતી. આ વિશે તેઓ કહેતા, ‘જ્યારે હું વ્યાસપીઠ ઉપર ઊભો હોઉં છું ત્યારે મારા પર એ શક્તિ છવાઈ જાય છે અને તે મને એવી અનુભૂતિ કરાવે છે કે હું માયાની પેલે પાર હજારો હજારોને લઈ જઈ શકું અને ‘હું’ અને ‘મારા’ની તેમની દિવાલોનો ભૂક્કો તેઓ કરી નાખે તેવા બનાવી દઉં.’ શ્રીમતી જ્હોન હેનરી રાઈટ કે જેઓ શિકાગોની ધર્મપરિષદ પહેલાં સ્વામીજીને મળ્યા હતા તેમણે સ્વામીજી વિશે આમ લખ્યું છે: ‘તેમનો પ્રભાવક અને ગૌરવભર્યો વર્તનવ્યવહાર અને અસરકારક અંગચેષ્ટા તેમની ગરદન અને ખુલ્લું મસ્તક આ બધું જેમની દૃષ્ટિએ પડતું એ એમને જોવા માટે રસ્તામાં થોભાવી દેતો. છૂટથી હાથ હીંચોળતાં હીંચોળતાં જાણે કે કશીયે ઉતાવળ ન હોય તેવી ધીમી ચાલે તેઓ ચાલતા.’ સ્વામી વિવેકાનંદના શિષ્યા શ્રીમતી મેરી ફંકે લખ્યું છે : ‘હું એમને પ્રભાવશાળી દેહાકૃતિ સાથે જીવનશક્તિયુક્ત, પ્રબળ, સત્તાશીલ, શાહી ઠાઠમાઠવાળા પગલે ડેટ્રોઈટની વ્યાસપીઠ ઉપર ચડતા નજરે જોઈ શકું છું.’ તેઓ વધુમાં કહે છે : ‘પરંતુ એમની આસપાસ દેખાતું, એક આભાની જેમ વહેતુ અનંતનું તેજવર્તુળ સૌથી વધારે આકર્ષક બની રહેતું.’ તેઓ પછીથી લખે છે : ‘આ ધરતી પર ન હોય એવું કોઈ અદ્‌ભુત સૌંદર્યતત્ત્વ એમનામાં હતું. અને એ હતું તેમનું આધ્યાત્મિક તેજભર્યું સૌંદર્ય. આ સૌંદર્યે જ શ્રીમતી રાઈટને આમ લખવા માટે પ્રેર્યા.’ તેઓ એ સમયે ત્રીસેક વર્ષના હશે પરંતુ સંસ્કૃતિ કે સભ્યતાની દૃષ્ટિએ તો તેઓ યુગો યુગોના હતા. તેઓ અસંખ્ય મનોભાવમાં રહેતા. મેસેચ્યુસેટ્‌સમાં મિશનરીના પ્રબળ વિરોધનો સામનો કરતા સ્વામીજીમાં એક વ્યક્તિએ ‘શક્તિના મૂર્તિમંતરૂપ’નું દર્શન કર્યું હતું. સ્વામી વિવેકાનંદના સક્રિય અને જીવંત અનુયાયીને પોતાના આ ગુરુદેવમાં ‘મૂર્તિમંત પ્રેમરૂપ’ના દર્શન થયાં હતાં. સ્વામીજીને ન્યુયોર્કમાં સર્વપ્રથમવાર સાંભળનાર સિસ્ટર દેવમાતાએ લખ્યું છે : ‘તેઓ ત્યાં અનંતના પયગંબર રૂપે ઊભા છે.’ અમેરિકાના પત્રકાર અને કવયિત્રી ઈલા વ્હિલર વિલપોક્સે એમને શિકાગોમાં સર્વપ્રથમવાર સાંભળ્યા હતા એમણે પોતાનો પ્રથમ પ્રતિભાવ આપતા લખ્યું હતું: ‘હું એમને કોઈ મહાન આત્માના અવતારરૂપે માનું છું. કદાચ તેઓ બુદ્ધ પણ હોઈ શકે, ઈસુ પણ હોઈ શકે.’ એક યુવાન અમેરિકન કે જેમણે સ્વામીજીને પ્રથમવાર જોયા અને સાંભળ્યા હતા તેઓ સ્વામીજીની ઉપસ્થિતિથી આકર્ષાઈને આ પ્રમાણે નોંધે છે: ‘કેવું અસાધારણ વિરાટકાય વ્યક્તિત્વ! કેવું સામર્થ્ય! કેવું પૌરૂષત્વ! કેવું અદ્‌ભુત વ્યક્તિત્વ! હું એનું પૃથક્કરણ કરી શકતો નથી. ભગવાન બુદ્ધ વિશે જે કહેવાયું હતું તે મને આજે યાદ આવી ગયું : ‘માનવોમાં પણ સિંહસમા’ મને લાગ્યું કે સ્વામીજી એવી અસીમ શક્તિ ધરાવે છે કે જો તે ધારે તો સ્વર્ગ કે પૃથ્વીને પણ હચમચાવી શકે.’ તેમની ઉન્નત કરી દેતી શબ્દશક્તિ સૌ કોઈને નિ:સંદેહ બનાવી દેતી. ભગિની ક્રિસ્ટીને લખ્યું છે: ‘જે શક્તિ અને ભવ્યતા એમના મુખેથી નીકળતા શબ્દોમાં છે તે શક્તિનું વહન લખેલા શબ્દો ન કરી શકે.’ ખરેખર સ્વામીજીને સમગ્ર વિશ્વને અને સ્વર્ગને હચમચાવી મૂક્યું. નવ વર્ષના ટૂંકાગાળામાં એમણે પશ્ચિમના વિશ્વના વિચારપ્રવાહનું સાવ પરિવર્તન કરી નાખ્યું. ભગવાન બુદ્ધ કે ઈસુ ખ્રિસ્ત પશ્ચિમમાં આવ્યા ન હતા. ઇતિહાસમાં સર્વપ્રથમવાર આવી મહાન આધ્યાત્મિક વિભૂતિ સ્વામી વિવેકાનંદ ઈસુ ખ્રિસ્ત અને બુદ્ધની જેમ પશ્ચિમના દરિયા કિનારે આવ્યા અને એમણે વેદાંત તત્ત્વજ્ઞાનનો નિચોડ પશ્ચિમને આપ્યો. તેઓ કહેતા: ‘તમે જિસસનું માત્ર અનુકરણ ન કરો પણ તમે જિસસ બનો! તમે પણ જિસસ, બુદ્ધ કે એવા કોઈ પણ મહાન આત્મા જેટલા જ મહાન છો.’ … ‘હું પ્રભુના એ બધા પયગંબરો દેવદૂતોને પ્રણામ કરું છું, હું એમની ચરણધૂલિ શિરે ધરું છું. પરંતુ એ બધા આજે જીવંત નથી. તેઓ બધા બારણે ચડેલી નાલ જેવા મૃત છે અને આપણે જીવંત છીએ. આપણે સૌએ આગળ ધપવું જ જોઈએ.’ આ હતું સ્વામી વિવેકાનંદનું વેદાંતદર્શનનું નવું વચનામૃત – પશ્ચિમની ધાર્મિક પ્રણાલીઓનું પૌર્વાત્યીકરણ અને ઈશ્વરનું અંતરસ્થીકરણ. તેમણે એ બધાને વધુમાં કહ્યું: ‘આત્માનુભૂતિ એ જ શ્રેષ્ઠ કલ્યાણ છે. એ ઇન્દ્રિયાતીત છે, વિચારાતીત છે.’ … ‘ઈશુઓ અને બુદ્ધો આ અનંતના મહાસાગરનાં મોજાં જ છે. હું પણ એ જ છું.’ … ‘અરે જો તમે તમારી જાતને ઓળખી શકો તો! તમે આત્માઓ છો; તમે ઈશ્વર છો. જો હું દેવની નિંદાનો અનુભવ કરું છું તો તે ત્યારે જ કે જ્યારે હું તમને માનવ કહું છું.’ … ‘મોઝેઝને સળગતાં ઝાડીઝાંખરામાં પ્રભુનાં દર્શન થયાં તેની સાથે તમારે શું લેવા દેવા છે? મોઝેઝને સળગતાં ઝાડીઝાંખરામાં પ્રભુનાં દર્શન થયાં એ હકીકતનો અર્થ એ નથી કે તમે પ્રભુને જોયા છે, ખરું ને? અને જો એવું જ હોય તો મોઝેઝે તમારા માટે પૂરતાં ભોજન લઈ લીધાં છે, હવે તમારે ખાવાનું બંધ કરવું જોઈએ. એ તો બીજાની જેમ ઇન્દ્રિયગમ્ય છે, એક વ્યક્તિ બીજાની જેમ જ સમજુ-સુજ્ઞ છે.’ આમ છતાં પણ સ્વામી વિવેકાનંદે બધા ધર્મગુરુઓની ગૌરવગરિમા પ્રમાણી છે અને એમને સેવ્યા છે, પૂજ્યા છે. ‘તેમણે કહ્યું છે: આ બધા તારણહારો, ગ્રંથો, પયગંબરો, આધ્યાત્મિક મહોત્સવો, ક્રિયાકાંડો વગેરેને પોતપોતાનું સ્થાન છે. જેમ કાલીની પૂજા મને મારી આધ્યાત્મિક સાધનામાં સહાયરૂપ થાય છે તેમ આ બધા પણ ઘણાને મદદરૂપ થતાં હશે. એ બધાંને હું આવકારું છું. એક અદ્વૈતવેદાંતી, એક અધ્યાત્મના ઉપદેશક હોવા છતાં પણ એમણે બધાં પ્રકારની પૂજાપદ્ધતિઓ, વિધિવિધાનો અને પ્રાર્થનાઓમાં ભાગ લીધો છે અને એમને સન્માનપૂર્વક આવકાર્યાં છે. સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ વિધિવિધાનો, પુરાણશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાન આ ત્રણેય માનવઉત્ક્રાંતિનાં ક્રમિક સોપાનો છે. તદુપરાંત તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણની જેમ ‘મહાસાગર શા અગાધ અને આકાશ શા વિસ્તૃત’ રહ્યા છે. જ્ઞાતિજાતિ, સંપ્રદાયધર્મ કે રાષ્ટ્રની સીમાઓ જેમને ન હતી એવા તે અસીમમાનવ હતા. સભ્યતા કે સંસ્કૃતિનું આધ્યાત્મિકીકરણ કરવાના, પૂર્વ અને પશ્ચિમના દરેકેદરેક જીવનક્ષેત્રમાં માનવમાં રહેલી દિવ્યતાનો વારિનિધિ વહાવવાના એક માત્ર ધ્યેયને પરિપૂર્ણ કરવા તેઓ જન્મ્યા હતા. એક અમેરિકન શિષ્ય પોતાની યાદને તાજી કરતા કહે છે: ‘પોતાના વક્તવ્યનો પ્રારંભ કરતાં પહેલાં એમણે એક ક્ષણ માટે શ્રોતાજનો પર નજર નાખીને કહ્યું: ‘ઊઠો! જાગો! ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી કાર્યમાં મંડ્યા રહો.’ આ એક વિદ્યુતના ઝાટકા જેવું હતું! ભવ્ય કથન! ત્રીસ ત્રીસ વર્ષ પછી પણ સ્વામી વિવેકાનંદના શબ્દોના આ જાદુઈ ચમત્કારે વીસમી સદીના પશ્ચિમના મહાન વિદ્વાન રોમાંરોલાંને પણ ઝંકૃત કરી દીધા. તેઓ કહે છે : 

‘એમના શબ્દોમાં બિથોવનસંગીતની મહાન સુરાવલીઓ વહે છે, એમના શબ્દોમાં હેન્ડલના કોરસગીતની હચમચાવી દેતી સંગીતની ધ્વનિસુરાવલીઓ વહે છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમનાં વચનામૃતોને જ્યારે હું વાંચું છું, ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારા સમગ્ર દેહમાં હું અનુભવ્યા વિના રહી શકતો નથી. તો પછી એ નરવીરને સ્વમુખેથી એ જ્વલંત શબ્દો ઉચ્ચારાયા હશે ત્યારે તેમણે કેવા આંચકા, કેવા હર્ષોત્કર્ષો પેદા કર્યાં હશે?’ ભગિની ક્રિસ્ટીન કહે છે: એ ભવ્ય કંઠમાંથી સરતા શબ્દોમાં એમણે અત્યાર સુધી ન સાંભળેલું કેવું ભવ્ય સંગીત હતું! ૧૮૯૫માં થાઉઝંડ આઈલેન્ડ પાર્કમાં સ્વામીજીએ, આ મહાન પયગંબરે આધ્યાત્મિક દૃષ્ટિએ સૌથી વધારે ફળદાયી એવો છ સપ્તાહ જેટલો સમય ગાળ્યો. અહીં એમણે આધ્યાત્મિક ઉન્નતિવાળા જીવન માટે ૧૨ યુવાન શિષ્યોને મંત્રદીક્ષા પણ આપી. બીજે જ વર્ષે ૧૮૯૬માં સવામી વિવેકાનંદે વેદાંત રિટ્રિટ કે આશ્રમ અને ‘પશ્ચિમની ધરતી પર ફરી વળતા ભગવાંધારી સંન્યાસીઓનાં’ સ્વપ્ન સેવ્યાં હતાં. તેમણે લખ્યું હતું: ‘આના દ્વારા આ દેશનું કેટલું મોટું કલ્યાણ થશે!’ થોડા જ વખતમાં સ્વામી અભેદાનંદના વેદાંતતત્ત્વજ્ઞાનના શિષ્યા મિન્ની બૂકે સર્વસાધારણ કાર્યો અને વેદાંતતત્ત્વજ્ઞાનના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે પોતાનું ફાર્મહાઉસ અર્પણ કર્યું. આ હતું પશ્ચિમના જગતનું પ્રથમ વેદાંત રિટ્રીટ – આશ્રમ. તેને નામ અપાયું શાંતિ-આશ્રમ. અહીં આ શુષ્ક, વેરાન રણ જેવા વિસ્તારમાં સ્વામી વિવેકાનંદના સંન્યાસી ગુરુબંધુ સ્વામી તુરીયાનંદજી મહારાજ અનેક ખુલ્લા પડકારોનો સામનો કરતાં કરતાં માત્ર ગણ્યાગાઠ્યાં પ્રભુની ઝંખનાવાળા શિષ્યોની સાથે રહીને મૃત્યુને ભેટ્યા. આજે સમગ્ર યુ.એસ.એ.માં વિસ્તરેલા આવા ઘણા વેદાંતઆશ્રમો છે. એમનું સંચાલન અને માર્ગદર્શન રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ કરે છે. પયબંગર સ્વામી વિવેકાનંદનું એ સ્વપ્ન આજે સાકાર થયું છે. હોલીવુડથી થોડે દૂર પ્રશાંત મહાસાગરના કિનારે ચિત્રાત્મક સૌંદર્યવાળી શાંતાબાર્બરાની પર્વતીયખીણમાં પોતાની એક વેદાંત કોન્વેન્ટ – સાધ્વીઓનો મઠ છે. અહીં સિદ્ધહસ્ત અને વિદ્વાન અમેરિકન સાધ્વીઓ પોતાના ભગવાં વસ્ત્ર ધારણ કરીને અહીંની યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર અને વેદાંતનું શિક્ષણ આપે છે. સાન્ફ્રાંસિસ્કોના મધ્યમાં આવી જ રીતે એક વેદાંત કોન્વેન્ટ અને આશ્રમનું સંચાલન થાય છે. હોલીવુડથી ૨૦ કિ.મી. દૂર પાસાડેના એક મકાનમાં પોતાનાં ત્રણ શિષ્યા શ્રીમતી હેન્સબરો, શ્રીમતી એસ્પિનાલ, શ્રીમતી વાઈકોફની સાથે અખાતના એ વિસ્તારમાં વેદાંતનો ઉપદેશ આપવા સ્વામીજી છ અઠવાડિયા સુધી રહ્યા હતા. આજે આ મકાનોને અમેરિકન સરકાર સ્વામીજીના સ્મૃતિગૃહ રૂપે જાળવે છે.

સાન્ફ્રાંસિસ્કોની નજીક ઓલેમા, મિશિગન શહેરની નજીક ગેન્જિઝ, સેન્ટલુઈઝ, પોર્ટલેન્ડ, સેક્રામેન્ટો, સિએટલ અને જ્યાં સ્વામીજીએ ચાર વખત ઉતારો કર્યો હતો એવા કેટ્‌સકિલ પર્વતમાળામાંના સૌંદર્યરચિત રિજલીમેનોર જેવાં સ્થળે નવા વેદાંત રિટ્રીટ – આશ્રમો ઊભા થયા છે. આ ઉપરાંત લંડનની નજીક બકીંગહામશાયર, પેરિસની નજીક ગ્રેટ્‌ઝ, એમસ્ટર્ડાન, મોસ્કો, ન્યુયોર્ક, શિકાગો, વગેરે સ્થળે પણ વેદાંત કેન્દ્રો છે. અને હવે પૂર્વમાં સિડની, મલેશિયા, સિંગાપોર, જાપાન, ફિઝી, મોરીશિયસ જેવા સ્થળોએ સ્વામી વિવેકાનંદના સ્વપ્નને પૂર્ણ રીતે સાકાર કરતાં કેન્દ્રો ઊભર્યાં છે. પરિવ્રાજક સ્વામી વિવેકાનંદના બે પરમઆશ્રયસ્થાન રામકૃષ્ણ મઠ, બેલુર અને હિમાલયની પર્વતમાળામાં આવેલ માયાવતીનો અદ્વૈતઆશ્રમ આજે વિશ્વવિખ્યાત કેન્દ્રો બની ગયાં છે. ભારતમાં સ્વામી વિવેકાનંદ જે જે સ્થળે રહ્યા હતા એવાં બધાં સ્થળો ધીમે ધીમે રામકૃષ્ણ વેદાંત કલ્ચરના કેન્દ્રો તરીકે ઊભરી રહ્યાં છે. આજે આપણા દેશમાં વિવેકાનંદની જન્મભૂમિ કોલકાતા, જ્યાં સ્વામીજી દસ દિવસ રહ્યા હતા એવા ચેન્નઈના કેસલકાર્નન, સાત સપ્તાહ સુધી જે સ્થળે નિવાસ કર્યો હતો એવા પોરબંદર, લીંબડીનો રાજમહેલ, દસ દિવસ સુધી જ્યાં ઊતર્યા હતા એવા બેલગામ, જ્યાં બબ્બે વખત સ્વામીજી ગયા હતા એવા ખેતડીના રાજાનો રાજમહેલ જેવાં સ્થળો રામકૃષ્ણ વેદાંત કલ્ચરનાં કેન્દ્રો તરીકે આગળ આવી રહ્યાં છે.

લીગ ઓફ નેશન્સ કે યુનાઈટેડ નેશન્સની માનવજાતે કલ્પના કરી તેની ઘણાં વર્ષો પૂર્વે, ૧૮૯૭માં, વૈદિક ઋષિઓની આર્ષદૃષ્ટિ પ્રમાણે વસુધૈવ કુટુંબકમ્‌ (યત્ર વિશ્વ ભવતિ એક નીડમ્‌)નું સ્વપ્ન સેવાયું હતું, એ પ્રણાલીમાં ભારતવાસીઓને વિવેકાનંદે ઉદ્‌ભવતી આંતરરાષ્ટ્રિય સંસ્કૃતિનું પોતાનું ભાવિ દર્શન આપ્યું હતું; એનો આધાર હતો, રાષ્ટ્રોની સંવાદિતા અને ધર્મોની સંવાદિતા : ‘સમગ્ર વિશ્વ પાછળ ખેંચાઈ નહિ ત્યાં સુધી કશી પ્રગતિ થઈ શકે નહિ; વળી એ હકીકત પણ રોજબરોજ વધુ સ્પષ્ટ થતી જાય છે કે કોઈ પણ સમસ્યાનું નિરાકરણ જાતિ અગર રાષ્ટ્રની સંકુચિત ભૂમિકા ઉપર કદી ન થઈ શકે… તેમનાં પ્રમાણ, તેમના આકાર વિશાળ, રાક્ષસી થતા જાય છે. તેમને જ્યારે આંતરરાષ્ટ્રિય ભૂમિકાની વિશાળ દૃષ્ટિથી હલ કરવામાં આવે ત્યારે જ તેમનું નિરાકરણ થઈ શકે. આજનો સૂર આંતરરાષ્ટ્રિય સંસ્થાઓનો, આંતરરાષ્ટ્રિય સંગઠનોનો અને આંતરરાષ્ટ્રિય કાયદાઓનો છે. એ ઐક્યભાવનાનું નિદર્શક છે.’

૧૮૯૭માં એમને થયેલ ‘રાષ્ટ્રોની સંવાદિતા એ જ વિશ્વનો આદર્શ’ આ વિચાર સૌથી વધુ શક્તિશાળી ભાવિ દર્શન છે. પરમાણુ યુદ્ધની શક્યતાને કારણે થનારા મહાવિનાશે હવે વિશ્વને એક અંતિમ નિર્ણય પર આવવા ફરજ પાડી છે – કાં તો વિશ્વે એક રાષ્ટ્રરૂપે જીવવું અને નહિ તો સૌએ વિનાશ નોતરવો. આવું આદર્શ વિશ્વ બધી આધ્યાત્મિક વિચારસરણીઓ અને સંસ્કૃતિઓનાં ઉત્તમ અને ઉદાત્ત તત્ત્વોનું બનેલું હોવું જોઈએ. એમાં ખ્રિસ્તીઓની અનુકંપા, ઇસ્લામનો ભ્રાતૃભાવ, હિંદુધર્મની સર્વ જીવોમાં રહેલી મૂળ દિવ્યતાની અનુભૂતિ, બૌદ્ધ ધર્મની અનાસક્તિભાવના, શાંતિનો આનંદ જેવી વૈશ્વિક વિભાવનાઓ પ્રતિબિંબિત થવી જોઈએ. અમેરિકાની માનવ સ્વાતંત્ર્યની ભાવના, રશિયાનો માનવતાવાદ, અંગ્રેજોનો નિષ્ઠાપૂર્વકનો ગૌરવપ્રેમ, જાપાનનો રાષ્ટ્રપ્રેમ, ફ્રેંચ લોકોની સૌંદર્યકલાવિજ્ઞાનની અભિરુચિ, ચીનના લોકોનું શાણપણ અને ભારતીયોની આધ્યાત્મિકતાનું પણ આ આદર્શ-વિશ્વમાં પ્રતિબિંબ પડવું જોઈએ. 

વિશ્વ વિખ્યાત જીવવિજ્ઞાનશાસ્ત્રી પિયેર તેઈલાર્દ દશાર્દેએ લખ્યું છે: ‘રાષ્ટ્રોનો યુગ હવે આથમી ગયો છે. પુરાણા પૂર્વગ્રહોને ફગાવી દઈને, એક માણસ બનીને, જગતને ઘડવાનો સમય લોકો માટે આવી લાગ્યો છે.’ આજે રાજકીય, આર્થિક, લશ્કરી કે વૈજ્ઞાનિક જગતની દરેકેદરેક પ્રક્રિયાની તત્કાલ વૈશ્વિક અસર પડવાની છે. કારણ કે, ટી.વી., ઈન્ટરનેટ, વેબસાઈટ અને તીવ્રતમ ઝડપે દોડતા વિમાનોને કારણે આજનું વિશ્વ એક નાનું ગામડું બની ગયું છે. વિશ્વ વ્યાપાર સંઘ દ્વારા વ્યાપારીઓ અને વ્યાપારનું આંતરરાષ્ટ્રિયકરણ થયું છે. આરોગ્યનું આંતરાષ્ટ્રિયકરણ પણ વિશ્વ આરોગ્ય સંઘને કારણે થયું છે. જાપાનના મેનેજમેન્ટ ક્ષેત્રના મહાન નિષ્ણાત કેનીશી ઓહમે પોતાના ‘સીમા વિનાનું વિશ્વ’ પુસ્તકમાં લખ્યું છે: ‘આજે રાષ્ટ્રોએ આઝાદીના કરાર પર સહીસિક્કા કરવાના નથી પરંતુ એક બીજા પરના સહિયારા આલંબનના કરાર કરવાના છે. એક માત્ર અવરોધ કે વિઘ્ન કે જે માનવને માનવથી જુદો પાડે છે શ્રદ્ધાવાનને નાસ્તિકથી એટલે કે કાફરથી જુદો પાડે છે, તે અવરોધ છે ધર્મમાં પ્રવેશેલ ધર્મઝનૂન. ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગોની ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે ઘોષણા કરી હતી : ‘આજના મંગલ પ્રભાતે ઘંટનો જે મધુર ધ્વનિ થયો તે બધી પ્રકારના ધર્મઝનૂન, તિરસ્કાર કે ઘૃણા અને ધર્માંધતાનો મૃત્યુઘંટ બની રહેશે.’ આ કથનની માર્મિકવાણીને વ્યક્ત કરતી ઘટના ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ ઘટી. વિશ્વના બે સુખ્યાત વર્લ્ડ સેન્ટર્સ પર ‘ધર્મઝનૂનીશાસન’ની ભાવનાવાળા ધર્મઝનૂનીઓએ કરેલા વિનાશ – જેમાં ૫૦૦૦ જેટલા માનવો હોમાઈ ગયા – ની પરાકાષ્ઠાને લીધે વિશ્વના ખૂણે ખૂણે પયગંબરની અદાથી પ્રસરાવેલ બધા પ્રકારના ધર્મઝનૂનવાદનો મૃત્યુઘંટ વગાડવા એક મહાઘોષ સંભળાયો. લાંબા સમયથી મળેલી ધર્મઝનૂનવાદની ‘કાફરને કાપી નાખો’ અને ‘કાફરને ભડભડતી આગમાં ખાક કરી દો’ની ઝનૂની પ્રેરણાએ અંતે ઐતિહાસિક માનવસંહાર સર્જ્યો છે. વિવેકાનંદના પશ્ચિમના શિષ્યા શ્રીમતી ઓલે બુલને ૧૮૯૬માં સ્વામીજીએ આમ લખ્યું હતું: ‘મારા ગુરુદેવ વારંવાર કહેતા કે હિંદુ, ખ્રિસ્તી, વગેરે જેવાં નામો માનવ માનવ વચ્ચેની ભ્રાતૃભાવનાની લાગણીની વચ્ચે મહાન અવરોધ શાં ઊભાં છે. સૌ પ્રથમ તો આપણે એ અવરોધોને દૂર કરવા પડશે, તોડવા પડશે. એમણે પોતાની બધી મંગલદાયી શક્તિઓ ગુમાવી દીધી છે અને હવે માત્ર ઘાતક શક્તિના પ્રભાવ રૂપે રહ્યા છે. જેના કાળાજાદુથી આપણામાંના શ્રેષ્ઠ લોકો પણ રાક્ષસ કે હેવાનની જેમ વર્તે છે.’

‘એકમ્‌ સત્‌ વિપ્રા: બહુધા વદન્તિ – સત્ય તો એક જ છે પણ પ્રબુદ્ધો એને જુદે જુદે નામે ઓળખે છે.’ યુગો યુગો પહેલાં વેદકાલીન ઋષિઓએ જેની ઉદ્‌ઘોષણા કરી હતી એવા આ વૈશ્વિક સત્યને પોતાની ઐતિહાસિક સાધનામાં એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણને જીવી બતાવી, આચરી બતાવી. બાર બાર વર્ષના લાંબા સમય સુધી ઈશ્વરમાં જ રત રહેલા શ્રીરામકૃષ્ણે હિંદુધર્મના બધા આધ્યાત્મિક પથોની સાધના કરી અને અંતે પૂર્ણ દિવ્યતા પ્રાપ્ત કરી. તેઓ હિંદુ હોવા છતાં પણ સૂફી ઇસ્લામ, ખ્રિસ્તીધર્મ વગેરેની સાધના કરીને આધ્યાત્મિક દુનિયાની પ્રથમ વિભૂતિરૂપે બહાર આવ્યા. સૂફીની સાધના દ્વારા સૂફી ઇસ્લામના દિવ્યતત્ત્વોનું એમને દર્શન થયું. અને ખ્રિસ્તીધર્મની સાધનામાં તેણે પોતાની જાતને માતા મેડોનાના ખોળામાં સૂતેલા બાળઈસુમાં ભળી જતી જોઈ. અમેરિકન લેખક લેક્સ હિક્સોને લખ્યું છે તેમ : આજે વિશ્વ શ્રીરામકૃષ્ણમાં ‘બ્રહ્માંડની સંસ્કૃતિના આઈન્સ્ટાઈન’; ‘સર્વસંસ્કૃતિઓને અને સર્વના હૃદયને ખોલી આપતી ગુરુચાવી’ અને ‘માનવજાતની ઉત્ક્રાંતિના ગ્રીનહાઉસ – છોડ ઉછેર માટેના કાચપટલગૃહ’નાં દર્શન કરે છે.

માનવજાતને પરમાણુ બોમ્બની શક્તિથી ભયકંપિત કરી દેતા ધર્મઝનૂનવાદના અભિશાપમાંથી શાતા આપતા ઔષધરૂપે ગુરુદેવ શ્રીરામકૃષ્ણની પ્રેરણા પામીને વિવેકાનંદ આવ્યા હતા. ૧૮૯૭માં ‘ધર્મના પ્રભાવક પુનરુત્થાન’નાં પૂર્વદર્શન કર્યાં હતાં. પશ્ચિમને તેમણે ચેતવણી આપતાં કહ્યું: ‘બધા ધર્મોએ વિશાળ, ઉદાત્ત બનવું પડશે. ધર્મના આદર્શોએ વૈશ્વિક, વિશાળ અને અનંત બનવું પડશે.’ જૂનાકરારના પયગંબર કહે છે : ‘મારા લોકો પારલૌકિક દૃષ્ટિના અભાવે મરે છે.’ તારણહાર પયગંબરે સામે ધરેલા સંરક્ષણના પથને જ્યારે પ્રજા કે રાષ્ટ્ર અવગણે છે ત્યારે ઇતિહાસ એનો મૃત્યુપથ શોધી આપે છે.

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.