અંધારઘેરી રાત્રિ હતી. બેલુર મઠ ઊંડી શાંતિમાં ડૂબેલો હતો. સ્વામી વિજ્ઞાનાનંદ રાતના બે વાગે ઊઠી ગયા અને તેમણે જોયું કે પોતાના રૂમ પાસેની પરસાળમાં સ્વામી વિવેકાનંદ બેચેનીથી આંટા મારી રહ્યા હતા. પૂછવામાં આવતાં સ્વામીજીએ જવાબ આપ્યો: ‘અરે, પેસન, હું સૂતો હતો ત્યાં એકાએક મારા હૃદયમાં ભારે આઘાત લાગ્યો. આથી હું ઊભો થઈ ગયો. મને એવી લાગણી થાય છે કે ક્યાંક મોટી કરુણાન્તિકા બની ગઈ છે અને હજારો લોકો મોતને ઘાટ ઊતરી ગયા છે.’ બીજા દિવસે સ્વામી વિજ્ઞાનાનંદે છાપામાં વાંચ્યું કે, બરાબર તે જ સમયે ફીજીમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો અને તેના પરિણામે જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. તેમાં હજારો લોકો મરણ પામ્યા હતા અને હજારો લોકો ઘરબાર વિનાના બની ગયા હતા. સ્વામીજીનું વૈશ્વિક હૃદય સીસ્મોગ્રાફ કરતાં વ્યથિત માનવોની બાબતમાં વધારે પ્રતિક્રિયા કરનારું અને સંવેદનશીલ સાબિત થયું હતું.

ઘણા સમય પહેલાં ભારતના પોતાના પ્રવાસ દરમ્યાન સ્વામીજીએ પોતાના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદને આબુ રોડ પર કહેલું: ‘હરિભાઈ, તમારા આ તથાકથિત ધર્મ વિશે હજી હું કંઈ પણ સમજી શકતો નથી. પરંતુ, મારા હૃદયનો ખૂબ વિકાસ થયો છે અને હું અનુભૂતિ કરતાં શીખી ગયો છું. મારું માનો, મને ખરેખર ખૂબ ખૂબ અનુભૂતિ થાય છે.’

ભારતના જ લોકોની યાતનાઓ પ્રત્યે સ્વામીજીને આવી લાગણી થતી હતી અને તેઓ જાણે કે લઘુભારત બની જાય તેટલી હદ સુધી એકાત્મતા કેળવી લેતા એમ નહિ; પશ્ચિમના બહારથી સુખી અને આંતરિક રીતે દુ:ખી લોકોની યાતના પ્રત્યે પણ તેઓ એવી જ લાગણી ધરાવતા હતા. તેઓ ભૌતિકવાદી સંસ્કૃતિના રોગને સમજી શકતા હતા અને આખા જગતના લોકો માટે સંવેદના અનુભવી શકતા હતા. ખરેખર કહીએ તો ધર્મ પરિષદમાં ભેગા થયેલા લોકોને તેમણે ‘અમેરિકાનાં બહેનો તથા ભાઈઓ’ એવું સંબોધન કર્યું તેની પૂર્વે તેમણે સાચી વૈશ્વિક ભાવનાનો સાક્ષાત્કાર કરી લીધો હતો. આ શબ્દો તેમના હૃદયના ઊંડાણમાંથી આવ્યા હતા. શ્રોતાઓ પર તેમનો જાદુઈ પ્રભાવ પડ્યો હતો અને વૈશ્વિક પ્રેમની ભાવનાથી અભિભૂત થઈને હજારો લોકોએ મિનિટો સુધી તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

વૈશ્વિક મુક્તિનો આદર્શ

સ્વામીજીના વિશ્વવ્યાપી પ્રેમે જ એક વખત તેમને ગિરીશચંદ્ર ઘોષને ઉદ્દેશીને આ શબ્દો બોલવા પ્રેર્યા હતા: ‘ગિરીશબાબુ, તમને ખબર છે, મને વિચાર આવે છે કે જગતનાં દુ:ખોને દૂર કરવા માટે જો મારે હજાર જન્મ લેવા પડે તો હું એ ચોક્કસ લઉં. માત્ર પોતાની મુક્તિ મેળવી લેવાથી શો ફાયદો? બધા માણસોને એ માર્ગે પોતાની સાથે લઈ જવા જોઈએ.’

માનવજાતિ માટે પોતાની ઊંડી સંવેદના તથા પોતાના વૈશ્વિક હૃદયની વિશાળતાને પ્રકટ કરતા અને સાથે સાથે પોતાના મૂળભૂત તત્ત્વજ્ઞાન અને વિચારધારાને પણ સમજાવતાં તેમના એક મહત્વપૂર્ણ પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું: ‘મારા જીવનની એકમાત્ર હસ્તીરૂપ, હું જેનામાં માનું છું, બધા જીવાત્માઓના સરવાળારૂપ અને સૌથી વધુ તો દુર્જનોરૂપે વસતા, દુ:ખીઓ રૂપે વસતા, બધી ગરીબ જાતિઓ, વર્ગો રૂપે અસ્તિત્વ ધરાવતા એક માત્ર ઈશ્વરને હું ઉપાસી શકું એ માટે મારે વારંવાર જન્મો લેવા પડે અને હજારો હજારો દુ:ખો સહન કરવાં પડે તો પણ એ માટે હું તત્પર છું, મારી ઉપાસનાનો પણ એ જ વિશેષ ઉદ્દેશ છે.’

આથી એમણે વૈશ્વિક મુક્તિના આદર્શની હિમાયત કરી એમાં નવાઈ નથી. તેમની ઇચ્છા તો હંમશાં સમાધિમાં મગ્ન રહેવાની હતી, પરંતુ અન્ય લોકોને ખાતર સમાધિ અને આત્મમુક્તિની કામનાનો તેમણે ત્યાગ કર્યો અને બીજા લોકોની યાતનાઓ દૂર કરવા માટે તેમણે વારંવાર જન્મ લેવાની તત્પરતા દાખવી. તેમણે પોતે એ હકીકતનો સ્વીકાર કર્યો કે તેમના હૃદયનું રૂપાંતર થઈ ગયું હતું. તેઓ કહેતા: ‘મારા સાધનાના ગાળા દરમ્યાન જ્યારે હું ભારતમાં પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે મેં ગુફામાં કેટલાય દિવસ કાઢ્યા હતા અને મુક્તિ મળતી ન હતી, તેથી આ શરીરનો ત્યાગ કરી દેવાનો વિચાર કેટલી બધી વાર કર્યો હતો. મેં મારી આધ્યાત્મિક સાધના માટે કેટલા કઠોર પ્રયાસો કર્યા હતા! પણ મને હવે મુક્તિ માટે એ તૃષા રહી નથી. અત્યારનું મારું મનોવલણ એ છે કે જ્યાં સુધી આ દુનિયામાં એકાદો માણસ પણ મુક્તિ મેળવ્યા વિનાનો રહે ત્યાં સુધી મારી પોતાની કામના મુક્તિ મેળવી લેવાની નહિ હોય!’

સ્વામી વિવેકાનંદે એકવાર પોતાના શિષ્ય સ્વામી વિરજાનંદને કહ્યું હતું: ‘જો તમે તમારી પોતાની મુક્તિ માટે ખોજ કરશો તો તમે નરકમાં જશો! જો તમારે સર્વોચ્ચ ધ્યેયે પહોંચવું હોય તો તમે બીજા લોકોની મુક્તિની ખોજ કરો, વ્યક્તિગત મુક્તિની વાસનાને હણી નાખો! બધી આધ્યાત્મિક સાધનામાં એ સૌથી મોટી છે. બીજા લોકો માટે કામ કરતાં કરતાં તમારે નરકમાં જવું પડે તો પણ શું? સ્વાર્થી સાધના દ્વારા સ્વર્ગ મેળવીને બેસી જવા કરતાં એ વધારે સારું છે.’

અસંખ્ય પ્રસંગોએ સ્વામીજી પોતાના શિષ્યોને બોધિસત્વના આદર્શને અનુસરવા પ્રોત્સાહિત કરતા. ગમે તે ભોગે માનવજાતિને મદદરૂપ બની રહેવાની તેમની ઉત્કટ અભિલાષા અને અન્ય લોકોને ખાતર પોતાની મુક્તિને જતી કરવાની તત્પરતા વિશે ભગિની નિવેદિતાએ લખ્યું છે : ‘અમારામાંના કેટલાકની સાથે વાતચીત દરમિયાન એક વાત સતત પુનરુક્તિ પામતી રહેતી હતી. જ્યાં સુધી વિશ્વમાંનો પ્રત્યેક રજકણ નિર્વાણની બાબતમાં પોતાની આગળ ન થઈ જાય ત્યાં સુધી હું પાછળ રહીશ. એમ કહેનારા પેલા બોધિસત્વનો દાખલો પ્રભાવશાળી બની રહેતો લાગતો હતો. શું તેનો અર્થ એવો છે કે નિર્વાણની ચરમ નિશાની નિર્વાણની ખોજને થંભાવી દેવામાં રહેલી છે?’

સ્વામી વિવેકાનંદની વૈશ્વિકતાનું રહસ્ય

માનવજાતિ સાથેની સ્વામી વિવેકાનંદની ઊંડી એકરૂપતાનું રહસ્ય શું હતું? સમગ્ર માનવજાતિની આવશ્યક એકતાના ઊંડા સ્તર વિશેની સભાનતામાંથી એનો ઉદય થયેલો હતો. સામાન્ય લોકો સર્વત્ર માત્ર વિવિધતાનું દર્શન કરે છે, પરંતુ સ્વામીજીને સર્વવ્યાપક વિશ્વવ્યાપી ચૈતન્યનો સાક્ષાત્કાર થયેલો હતો. તેઓ સર્વત્ર એકતાનું દર્શન કરતા હતા અને તે દર્શને આટલી બધી જાતિઓ, ધર્મો, જ્ઞાતિઓ વગેરેમાં માનવજાતિને વિભક્ત કરતા અવરોધોને કાપી નાખ્યા હતા. માનવમાં રહેલી સંભાવનાઓની સર્વશ્રેષ્ઠ કક્ષાનું તેઓ પ્રતિનિધિત્વ કરતા હતા. પરમ ચૈતન્યની સભાનતાની સર્વોચ્ચ કક્ષા જુવાનીમાં જ હાંસલ કરી લીધા પછી, તેઓ પોતાના જીવનના બાકીના ભાગમાં પણ દિવ્ય ચૈતન્યની પરિસ્થિતિએ રહેવાને ટેવાઈ ગયા હતા. આ ઊંડી ઊતરી ગયેલી, સ્વાભાવિક વૈશ્વિકતાએ તેમને કોઈ પણ અને બધા લોકોની સાથે એકરૂપતા કેળવવા શક્તિમાન બનાવ્યા હતા.

ભારતના રાજાઓ તથા રાજકુમારો સાથે તેમનો ઘરોબો હતો. તે લોકોને સ્વામીજીમાં શિક્ષક અને ગુરુનાં દર્શન થતાં હતાં. રોમાં રોલાંના મતાનુસાર તેઓ જન્મજાત રાજા હતા. તેમની ભવ્યતાનો આદર કર્યા વિના કોઈ તેમની પાસે કદી જઈ શકતું નહિ. સાથોસાથ તેઓ ગરીબ અને નીચલા વર્ગના લોકોના પણ મિત્ર હતા. પોતાના એક મદ્રાસી શિષ્યને તેમણે પોતે જ પત્રમાં લખ્યું હતું: ‘હું અધ્યાત્મવિદ્યાનો જાણકાર નથી, તત્ત્વચિંતક નથી, અરે, સંત પણ નથી. હું એક ગરીબ માણસ છું અને ગરીબ લોકોને ચાહું છું.’ ભગિની નિવેદિતાને સ્વામીજીમાં તેમના પોતાના લોકોની વચ્ચે વસતા સંત ફ્રાન્સિસનાં દર્શન થતાં અને તેમણે લખ્યું હતું: ‘અમે તેમને ભિક્ષુકના વેશમાં રહેતા, અજાણ્યા લોકોથી તિરસ્કાર પામતા, લોકો દ્વારા પૂજાતા જોયા છે, અને આ પ્રકારના જીવનની પશ્ચાદ્‌ભૂ માટે મહેનતનો રોટલો, ઝૂંપડીમાં રહેવાનું અને ધાન્યનાં ખેતરોમાં થઈને પસાર થતો સરિયામ રસ્તો પૂરતાં ગ્રામીણ લાગે છે. તેમના પોતાના લોકોની વચ્ચે તેમને જેટલી ચાહના વિદ્વાનો અને રાજનીતિજ્ઞો તરફથી મળી હતી એટલી જ અભણ લોકો તરફથી પણ મળી હતી. તેમની ગેરહાજરીમાં હોડીવાળા નાવિકો તેમના પરત ફરવાની પ્રતીક્ષામાં નદી ઉપર નજર રાખતા હતા અને નોકરચાકરો તેમની સેવા કરવા માટે અતિથિગણ સાથે વિવાદ કરતા હતા.’

સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે દક્ષિણ અમેરિકાનાં કેટલાંક ગામોમાં તેમને નીગ્રો માની લેવામાં આવ્યા હતા અને હોટેલમાં પ્રવેશવાની ના પાડવામાં આવી હતી. તેમણે કદી એમ કહ્યું ન હતું કે તેમનું લોહી આફ્રિકાની જાતિનું નથી. જ્યારે કોઈકે આશ્ચર્ય સાથે તેમના મૌનનો ઉલ્લેખ કર્યો ત્યારે તેઓ બોલી ઊઠેલા: ‘અન્ય લોકોના ભોગે ઉત્કર્ષ સાધવો! એ માટે હું પૃથ્વી પર નથી આવ્યો!’

વિશિષ્ટાધિકાર ધરાવતી જાતિઓની બનાવટી નૃવંશ વિદ્યાને વખોડી કાઢવામાં તેઓ ભારે ઉગ્ર બની જતા અને કહેતા: ‘ગોરી ચામડીવાળા મારા આર્ય પૂર્વજોનો હું કૃતજ્ઞ છું અને આપણામાંના મોટાભાગના કાળી ચામડીવાળા નીગ્રો જાતિના કૃતજ્ઞ છીએ.’ તેઓ શ્રેષ્ઠ કક્ષાના જાગતિક શિક્ષક હતા. બધા પ્રકારના, બધા દેશોના, જ્ઞાતિઓના અને ધર્મોના લોકો તેમના તરફ આકર્ષાતા હતા.

સમગ્ર વિશ્વના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદના વિશ્વવ્યાપી વ્યક્તિત્વે અને વૈશ્વિક સંદેશે – ધનિક, ગરીબ, વિદ્વાનો, અભણ લોકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, મેનેજરો, વહીવટી અધિકારીઓ, શાસનકર્તાઓ, રાજદ્વારી નેતાઓ વગેરેને પ્રેરણા પૂરી પાડી હતી. વ્યવસ્થાપનના તજજ્ઞો પણ આજે તેમના નેતૃત્વની ગુણવત્તાની પ્રશંસા કરે છે અને નેતાગીરીને ક્ષેત્રે તેમને આદર્શ તરીકે આગળ ધરે છે. સુપ્રસિદ્ધ પત્રકાર અને ‘ઈલસ્ટ્રેટેડ વીક્લી’ના ભૂતપૂર્વ તંત્રીશ્રી એમ. વી. કામથ તેમના વિશે લખે છે : ‘જ્યારે મેં સ્વામીજીના લખાણો વાંચવાનું શરૂ કર્યું ત્યારે આ બધા ક્રાંતિકારી વિચારો તેમની પાસેથી મળી રહ્યા છે એમ મારી અપેક્ષા ન હતી. તેમ મારે સ્પષ્ટ સ્વીકારવું જોઈએ. પરંતુ પછીથી જણાયું કે સૈકા પહેલાં તેઓ હવે પછી આવનારી ૨૧મી શતાબ્દીના મેનેજમેન્ટના ગુરુ હોય એવી રીતે વાત કરતા હતા.’

મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચારી, કાકા સાહેબ કાલેલકર અને ભારતના બીજા ક્રાંતિકારીઓ તથા સ્વાતંત્ર્ય સૈનિકો સ્વામી વિવેકાનંદના સાહિત્યમાંથી પ્રેરણા મેળવતા હતા. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે સ્વામીજીના ગ્રંથો વાંચ્યા પછી મારો ભારત માટેનો પ્રેમ હજાર ગણો થઈ ગયો હતો. તેમના સાહિત્યના સંપર્કમાં આવ્યા પછી ઘણા વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન આવી જાય છે. હતાશ થયેલા યુવાનો પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવી લે છે. તેમને મનની એકાગ્રતા, ચારિત્ર્ય નિર્માણ માટેનું માર્ગદર્શન અને વ્યક્તિગત વિકાસના પાઠો તેમની પાસેથી મળી રહે છે.

શ્રી બિલ ગેટ્‌સ જગતના સૌથી મોટા સોફ્ટવેર કોર્પોરેશનના વડા છે. તેમને જગતના સૌથી ધનવાન માણસ તરીકે બિરદાવવામાં આવે છે. તેઓ સ્વીકારે છે કે જ્યારે તેઓ ભારતમાં હતા ત્યારે સ્વામીજીના પુસ્તક (ખાસ કરીને કર્મયોગ)માંથી ખૂબ પ્રેરણા મળી હતી અને તેમણે નિશ્ચય કર્યો છે કે, હું ભરપૂર કાર્યક્રમ વચ્ચે પણ એ વાંચતો રહીશ. તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે સ્વામીજીના પુસ્તકો વાંચ્યા પછી તેમના જીવન વિશેના અને ભારત વિશેના ખ્યાલોમાં પરિવર્તન આવી ગયું છે. એક વાતની નોંધ લેવી પ્રોત્સાહક બની રહે તેવી છે કે તાજેતરમાં તેમણે પોતાની બધી મિલકત ગરીબોના કલ્યાણ માટે દાનમાં આપી દેવાનો ઇરાદો જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે તેઓ પોતાનાં બે બાળકો માટે સાવ મામૂલી રકમ અલગ રાખશે. સ્વામીજીના વૈશ્વિક સંદેશ અને વ્યક્તિત્વ પાસે દરેકને માટે કંઈક છે.

વૈશ્વિક સંગીત

જે રીતે નદીઓના ઘણા બધા પ્રવાહો જુદી જુદી ગંગોત્રીઓમાંથી નીકળીને સમુદ્રમાં પોતાનું જળ મેળવી દે છે, તે રીતે સ્વામી વિવેકાનંદમાં માનવજાતિએ કરેલું જીવનપ્રદ ચિંતન અને વિચારો સુભગરીતે પૂર્ણતાએ પહોંચ્યાં છે :

(૧) અદ્વૈતનું ઇન્દ્રિયાતીત જ્ઞાન અને સાકારદેવ પ્રત્યે પ્રેમ, (૨) ધ્યાન માટેનો ઉપદેશ અને માનવજાતિની સેવા, (૩) સમષ્ટિ માટેનો પ્રેમ અને વ્યષ્ટિ માટેનો અનુરાગ, (૪) ભગવાન અને જગત, (૫) એકતા અને અનેકતા,(૬) ધર્મ અને વિજ્ઞાન (૭) પૂર્વ અને પશ્ચિમ.

આ બધા પરસ્પર વિરોધી પાસાં એક જ વ્યક્તિત્વમાં સુસંવાદિત રીતે એકત્ર થયેલાં હતાં. સાચી રીતે જ કહેવામાં આવ્યું છે કે ‘વિવેકાનંદ અમર રત્નોવાળા આત્મા હતા. અસંખ્ય યુગો જેને પ્રકટ કરવાના છે, તે બધું તેઓ પોતાની અંદર રાખીને બેઠા છે, એમ કહી શકાય!’

જેમાં કર્મયોગ, રાજયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ એ ચારેય યોગો એકબીજાની સાથે જોડાઈ ગયા હોય તેવા વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસ માટે સ્વામીજી અનુરોધ કરે છે. તેઓ કહેતા: ‘હું ભગવાનને પ્રાર્થના કરું કે બધાં માણસોનું ઘડતર એવું હોય કે તેમના મનમાં ફિલસૂફીનાં આ બધાં તત્ત્વો, અધ્યાત્મવિદ્યા, ભાવના અને કર્મ – સમાન રીતે સંપૂર્ણતા પામીને રહેલાં હોય. આ ચારેય યોગોમાં સુસંવાદિતાપૂર્વક સમતુલા જાળવી રાખનારા બનવું એ ધર્મનો મારો આદર્શ છે. આ ચારેય યોગોનું સુભગ સંયોજન થયું હોય એવા વ્યક્તિત્વનો શ્રેષ્ઠ દાખલો સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ છે. બહારથી તેઓ જ્ઞાની દેખાતા હતા, પરંતુ આંતરિક રીતે તેઓ સગુણ ઈશ્વરને ચાહતા હતા. તેમના બાળપણથી જ સ્વામીજીએ ધ્યાનની બાબતમાં સિદ્ધિ હાંસલ કરી લીધી હતી અને તેથી તેમને ધ્યાનસિદ્ધ – ધ્યાનની બાબતમાં જેને સંપૂર્ણતા ઉપલબ્ધ થઈ હોય એવા – તરીકે બિરદાવવામાં આવતા હતા. તેમના છેલ્લા શબ્દો હતા – ‘જાઓ અને હું તમને બોલાવું ત્યાં સુધી ધ્યાન ધરો.’ તેઓ મોટા કર્મયોગી હતા. દુનિયાએ કદી તેમના જેવો બીજો કર્મયોગી જોયો નથી. ફ્રેંચ વિદ્વાન રોમાં રોલાંએ તેમના વિશે કહ્યું છે: ‘વિવેકાનંદની રચનાત્મક – પ્રતિભાને બે શબ્દોમાં સમાવી લઈ શકાય – સમતુલન અને સમન્વય. મનોવૃત્તિના બધા જ માર્ગોને તેમણે આત્મસાત્‌ કર્યા હતા – સંપૂર્ણ સ્વરૂપે ચારેય યોગો, ત્યાગ અને સેવા, કલા અને વિજ્ઞાન, ધર્મ અને કર્મ, સૌથી વધુ આધ્યાત્મિકતા અને સૌથી શ્રેષ્ઠ વ્યવહારદક્ષતા – સમગ્ર માનવશક્તિઓની સુસંવાદિતાનું તેઓ મૂર્તિમાન સ્વરૂપ હતા.’

વૈશ્વિકતાના પયગંબર

૧૮૯૪માં સ્વામીજીએ અમેરિકાથી પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું: ‘વૈશ્વિકતાની ભાવના માટે જરૂર પડે ત્યારે સર્વસ્વનો ત્યાગ કરી દેવો જોઈએ. હું મરી જઉં કે જીવતો રહું, હું ભારત પાછો ફરું કે નહિ, આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણે ઉપદેશીએ છીએ અને અમલમાં મૂકીએ છીએ વૈશ્વિકતા, સંપૂર્ણ સ્વીકાર, માત્ર સહનશીલતા, જ નહિ.’ તેઓ માત્ર એક રાષ્ટ્રના ન હતા. જો કે ભારત દેશ તેમની પૂજાનો અધિકારી હતો, તે છતાં તેમણે ઈ.ટી. સ્ટર્ડીને લખ્યું હતું, ‘શંકા વિનાની વાત છે કે હું ભારતને ચાહું છું, પણ હરહંમેશ મારી દૃષ્ટિ સ્પષ્ટ થતી જાય છે. આપણે મન ભારત કે ઈંગ્લેન્ડ કે અમેરિકા શું છે? અજ્ઞાની લોકો જેને માણસ કહે છે, તે નારાયણના આપણે સૌ સેવકો છીએ. જે માણસ મૂળને પાણી પાય છે, તે શું આખા ઝાડને પાણી પાતો નથી? હું અને મારો ભાઈ એક છીએ, એ જાતનું જ્ઞાન સામાજિક, રાજકીય કે આધ્યાત્મિક, કલ્યાણનો એકમાત્ર પાયો છે.’ અને આલાસિંગાને ઉદ્દેશીને: ‘હું જેટલો ભારતનો છું. તેટલો જ જગતનો છું. મારા પર કયા દેશનો વિશિષ્ટ દાવો છે? હું કાંઈ કોઈ દેશનો ગુલામ છું?’

માનવજાતિને લીગ ઓફ નેશન્સ અથવા સંયુક્ત રાષ્ટ્રોની કલ્પના આવી, તે પહેલાં સ્વામી વિવેકાનંદે ઉત્ક્રાંતિ પામી રહેલી વૈશ્વિક સભ્યતા વિશે ૧૮૯૭માં ભવિષ્યવાદી સ્વપ્ન રજૂ કર્યું હતું. એ સ્વપ્નના પાયામાં રાષ્ટ્રોની અને ધર્મોની સંવાદિતા રહેલી હતી. તેઓ કહેતા, ‘જેમ જેમ જગત પ્રગતિ કરતું જાય છે, તેમ તેમ જીવનની સમસ્યા વધારે ગહન અને વધારે વિશાળ સ્વરૂપ ધારણ કરતી જાય છે. સમગ્ર જીવનની એકતાનું વેદાંતનું સત્ય જ્યારે પ્રથમ વખત શોધી કાઢવામાં આવ્યું, ત્યારે જ પ્રાચીનકાળમાં આ કાર્યનો સિદ્ધાંતમંત્ર અને સારનો ઉપદેશ મળી ગયા હતા. વિશ્વનો કોઈ એક અણુ પોતાની પાછળ પાછળ આવતી સમગ્ર દુનિયાને પોતાના તરફ ખેંચ્યા વિના હલનચલન કરી શકે નહિ. અને હવે એ વસ્તુ વધારે ને વધારે સ્પષ્ટ થતી જાય છે કે કોઈ પણ કોયડાનો ઉકેલ જાતિગત અથવા રાષ્ટ્રિય કે સંકુચિત ભૂમિકા પર કદી લાવી શકાય નહિ.’ પોતાના એક પત્રમાં તેમણે કહ્યું હતું, ‘રાજનીતિ અને સમાજશાસ્ત્રમાં પણ જે પ્રશ્નો વીસ વરસ પહેલાં રાષ્ટ્રિય હતા, તેમને આજે માત્ર રાષ્ટ્રિય કક્ષાએ જ ઉકેલી શકાય એમ નથી, તેઓ આજે વિશાળ કદ, વિપુલ આકાર ધારણ કરી રહ્યા છે. તેમનો ઉકેલ માત્ર તેમના તરફ આંતરરાષ્ટ્રિયતાના વિશાલતર પ્રકાશ વડે જોવામાં આવે ત્યારે જ આવી શકે. આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ, આંતરરાષ્ટ્રિય સંગઠનો, આંતરરાષ્ટ્રિય કાનૂન – એ આજના સમયની બુલંદ માંગ છે. તે જ એકતાનો નિર્દેશ કરી દે છે.’

આજે આપણે સ્વામી વિવેકાનંદના ઉપર્યુક્ત વિચારોની કદર વધારે સારી રીતે કરી શકીએ એમ છીએ. બે વિનાશક વિશ્વયુદ્ધો પછી બધા રાષ્ટ્રોને આંતરરાષ્ટ્રિય વાતાવરણમાં યુનો (UNO), હુ (WHO), યુનેસ્કો (UNESCO) અને ડબલ્યુ. ટી.ઓ. (WTO) સાથે કામ કરવાની ફરજ પડી છે. તે સંગઠનો વિવિધ રાષ્ટ્રોનાં જીવનના પ્રત્યેક પાસાંને પ્રભાવિત કરે છે. વિશ્વના ચિંતકો હવે વૈશ્વિકીકરણની વાતો કરવા લાગ્યા છે. આપણા આજના સમયના મહાન ચિંતક પીયર ટીલહાર્ડ ડી શોર્ડએ લખ્યું છે : ‘રાષ્ટ્રોનો યુગ હવે પૂરો થઈ ગયો છે. માનવજાતિ માટે જૂના પૂર્વગ્રહો ખંખેરી નાખવાનો અને એક માણસ તરીકે પૃથ્વીનું ઘડતર કરવા તરફ વળવાનો સમય આવી ગયો છે.’ અમેરિકાના રાજનીતિજ્ઞ લેસ્ટર બ્રાઉને તાજેતરમાં ‘જાગતિક પરિસ્થિતિ’ (STATE OF THE WORLD)માં લખ્યું હતું: ‘દુનિયા એક છે, માનવજાતિ એક છે, શક્તિશાળી રાષ્ટ્રો પોતાના આક્રમક સ્વાર્થી હેતુઓ હવે સાધી શકે એમ નથી. જાપાનના કોર્નિચી ઓહમ નામના એક વ્યવસ્થાપન તંત્રના નિષ્ણાત પોતાના પુસ્તક ‘સરહદો વિનાનું જગત’ (BORDERLESS WORLD)માં લખે છે: ‘આજે રાષ્ટ્રોએ સ્વતંત્ર બની રહેવાની નહિ, પણ પારસ્પરિક આધારરૂપ બની રહેવાની સંધિ પર સહી સિક્કા કરવા જોઈએ.’

સ્વામીજીએ સો વરસ પહેલાં ઉપદેશેલી આ વૈશ્વિક ભાવનાથી આખા જગતના વિચારકો આશ્ચર્યચકિત બની ગયા છે. ૧૯૯૩ના ઓક્ટોબરની ૮મી તારીખે સ્વામીજીને યુનેસ્કો દ્વારા સમર્પિત પ્રદર્શન અને સેમિનારના ઉદ્‌ઘાટન પ્રસંગે યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ શ્રી ફેડરિકો મેયોએ કહ્યું હતું: ‘સ્વામી વિવેકાનંદના વિચારો, આદર્શો અને સામાજિક સંદેશનાં ઘણાં પાસાં છે, તે બધાં, એક સો વરસ પહેલાં, શિકાગોમાં મળેલી ધર્મપરિષદમાં સ્વામીજીએ ભાગ લીધો હતો, તે પ્રસંગની શતાબ્દિની ઉજવણી માટે યુનેસ્કોને બહુ સારો મંચ બનાવી દે છે… ૧૮૯૭ જેટલાં દૂરના ભૂતકાળમાં સ્વામી વિવેકાનંદે સ્થાપેલા રામકૃષ્ણ મિશનનાં બંધારણ અને ૧૯૪૫માં ઘડાયેલા યુનેસ્કોના બંધારણ વચ્ચે સામ્ય છે, તેનાથી હું ખરેખર પ્રભાવિત થયો છું.’ 

ઉપસંહાર

સ્વામીજીના વૈશ્વિક વ્યક્તિત્વનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરવું શક્ય નથી. એ એટલું શક્તિશાળી, એટલું સંકુલ અને સર્વગ્રાહી છે. એનાં અનંત પાસાં છે. દરેક પાસું અંતરમાં જલતી જ્યોતના વૈવિધ્યનું પ્રતિનિધિત્વ કરે છે. સ્વભાવની બૌદ્ધિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક એ બધી બાજુઓનો એમણે સાધેલો વિકાસ એટલો સંવાદપૂર્ણ અને સંપૂર્ણ માત્રામાં થયો હતો કે એ વિશ્વ-ઇતિહાસમાં કોઈએ કદી જાણ્યો નથી. એ વિકાસે જ જગતનાં સ્ત્રી પુરુષો, યુવાનો અને વૃદ્ધો, ધનિકો અને ગરીબોને પ્રેમ તથા આદરથી તેમના પ્રત્યે આકર્ષ્યા હતા.

આજે આપણે વૈશ્વિકરણની વાતો કરીએ છીએ. આર્થિક મોરચે વૈશ્વિકરણ ટકી રહેવાનું છે. પણ વૈશ્વિક સંસ્કૃતિ હજી પ્રકટ થવી બાકી છે. આજે આપણને જરૂર છે વૈશ્વિકજગતની. ભગવાન સાથે પૂર્ણ એકત્વ અનુભવે, વ્યક્તિત્વોની, વૈશ્વિક નેતાઓની જે વ્યક્તિત્વો અને નેતાઓ બધી કક્ષાના, બધા ધર્મોના અને બધાં રાષ્ટ્રોના લોકોને સમાનરૂપે સ્વીકાર્ય હોય. આપણને સ્વામી વિવેકાનંદમાં આવું વ્યક્તિત્વ મળી રહે છે. પ્રશ્ન છે શું હજી તેઓ જીવંત છે? ચાલો આપણે તેમના પોતાના જ શબ્દોને યાદ કરીએ : ‘હું નિરાકાર અવાજ છું..’ હજી તેમનો અવાજ વાતાવરણમાં ગુંજી રહ્યો છે. ‘એમ હોઈ શકે કે હું મારા શરીરની બહાર નીકળી જઉં, શરીરનો ર્જીણ વસ્ત્રની પેઠે ત્યાગ કરી દઉં, એમાં મારું ભલું હોય. પણ હું કામ કરતો અટકીશ નહિ. જ્યાં સુધી સંપૂર્ણ વિશ્વને, દરેક વ્યક્તિને દિવ્યતાની સાથે એકાત્મકતાની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી હું જગતને ખૂણે ખૂણે લોકોને પ્રેરણા આપતો રહીશ.’

(અનુ. : ચંદુભાઈ ઠકરાલ)

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.