એક સેવક એક ભક્તને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને બોલ્યો – ‘તેઓએ શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે; આપનાં દર્શન કરવા આવ્યા છે.’ ભક્ત ખૂબ ભક્તિપૂર્વક પ્રણામ કરીને સજળ નેત્રે હાથ જોડીને ઊભા થયા ત્યારે શ્રીમહાપુરુષ મહારાજે સ્નેહપૂર્વક પૂછ્યું – કેમ ભાઈ, તમે શ્રીમાની કૃપા મેળવી છે?

ભક્ત – જી, મહારાજ.

શ્રીમહાપુરુષ મહારાજ – તમે ખૂબ ભાગ્યશાળી કે તમે શ્રી માની કૃપા મેળવી છે. તમારે હવે શી ચિંતા? તમે તો મુક્ત થઈ ગયા. અમારાં મા કંઈ સામાન્ય મા છે? જગતના કલ્યાણ માટે, જીવોને મુક્તિ આપવા સ્વયં જગજ્જનની લીલાદેહ ધારણ કરીને આવ્યાં હતાં.

ભક્ત – આપ એવો આશીર્વાદ આપો કે જેથી શ્રીમાનાં ચરણકમળમાં શ્રદ્ધાભક્તિ દૃઢ રહે.

શ્રીમહાપુરુષ મહારાજ – એમ જ થશે ભાઈ, એમ જ થશે. થોડાંક જપ-તપ કરો છો? રોજ થોડાંક જપ, પ્રાર્થના એ બધું કરવું.

ભક્ત – અમે સંસારમાં બંધાઈ ગયા છીએ. એક પૈસા-ટકાની ચિંતા અને બીજી જાત જાતની ઉપાધિઓમાં સમય જતો રહે છે, ભગવાનનું નામ ક્યારે લેવું? આપ આશીર્વાદ આપો જેથી આ બધા અવરોધો દૂર થઈ જાય.

શ્રીમહાપુરુષ મહારાજ – ભાઈ, સંસારનું કામ કંઈ ચોવીસ કલાક કરાય? ભગવાનનું નામસ્મરણ થોડીવાર પણ ન થાય? જે થાય, જેટલો સમય થાય રોજ નિયમપૂર્વક થોડુંક પણ કરવું જ જોઈએ – તે દસ મિનિટ માટે હોય કે પાંચ મિનિટ માટે હોય છેવટે બે – ચાર મિનિટ માટે પણ હોય. રોજ નિયમિત રીતે કરવું જ પડે. પણ જેટલું કરો તે અંત:કરણપૂર્વક કરો. તેથી જ કલ્યાણ થશે – શાંતિ મળશે. તુલસીદાસે કહ્યું હતું, ‘એક ઘડી, આધી ઘડી, આધીમે પુનિ આધ’ વગેરે. જોઈએ માત્ર આંતરિકતા. મા તો અંતર્યામી છે તેઓ તો સમય જોતાં નથી, તેઓ જુએ છે મનપ્રાણ. તેમનાં પ્રત્યે તમારું કેટલું આકર્ષણ છે તે જ તેઓ જોશે. જે કોઈ પરિસ્થિતિમાં તમે હો, તેમાં ખૂબ અંત:કરણપૂર્વક પ્રાર્થના કરો -‘મા, દયા કરો, દયા કરો.’ તમારાં ચરણકમળમાં શ્રદ્ધાભક્તિ આપો. ઠાકુર કહેતા કે ગૃહસ્થનો પોકાર ભગવાન વિશેષ સાંભળે છે. સંસારીઓ થોડુંક પણ પોકારે તો તેઓ કૃપા કરે, કારણ તેઓ તો અંતર્યામી છે. તેઓ સારી રીતે જાણે છે કે આ લોકો ઉપર કેટલો ભાર લદાયેલો છે. થોડાંકથી જ સંસારીઓ ઉપર તેમની દયા થાય છે. અરે! આ લોકોના માથા ઉપર હજારો મણનો બોજો લદાયેલો છે. એ ખસેડીને ભગવાનને જોવા ઇચ્છે છે. તેથી તેઓ થોડાંકથી જ ગૃહસ્થ ભક્તો ઉપર પ્રસન્ન થાય છે. તેથી તો કહું છું ભાઈ, જેટલું બને તેટલું થોડું થોડું પણ રોજ ઠાકુરને પોકારો…

ભક્ત – શ્રીમાએ જે મંત્ર આપ્યો હતો તે જ મંત્રનો જપ કરું છું. પણ મંત્રનો શો અર્થ છે તે જાણતો નથી અને તેમણે પણ કહ્યો નથી.

શ્રીમહાપુરુષ મહારાજ – એ જ મંત્રનો જપ કરો છો ને? એટલું બસ છે. મંત્રનો વળી અર્થ શો? મંત્ર છે ભગવાનનું નામ અને નામની સાથે જે બીજ છે તે છે સંક્ષેપમાં દેવદેવીઓનું પ્રતીક; બીજ અને નામ એકત્ર થઈને મંત્ર બને છે. મૂળમાં મંત્ર અને ભગવાન એક જ છે. મંત્રનો જપ કરો તો તેમને જ પોકાર્યા ગણાય. વધારે અર્થ જાણીને શું કામ છે, ભાઈ? સરળ વિશ્વાસથી એ મહામંત્રનો જપ કરતા જાઓ, તેથી જ તમારું કલ્યાણ થશે.

[‘આનંદધામના પથ પર – ૨’ (અપ્રકાશિત) માંથી]

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.