બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘Isha Upanishad’ નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ ‘ઈશ ઉપનિષદ’ એ નામે થોડા સમયમાં ગ્રંથાકારે બહાર પડશે. આ પુસ્તકના કેટલાક અંશો અમે અહીં ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત કરતા રહીશું. – સં.

‘ઉપનિષદ’ શબ્દ કોઈ પુસ્તકનો નિર્દેશ કરતો નથી, એ જ્ઞાનનો નિર્દેશ કરે છે. પણ આ જ્ઞાન કોઈ સામાન્ય જ્ઞાન નથી. આ તો ઉચ્ચતમ કક્ષાનું જ્ઞાન છે. એ એવું જ્ઞાન છે કે જે તમને શાંતિ અને કૃતાર્થતાનો અનુભવ કરાવે છે. આ જ્ઞાન મેળવવા માટે તમારે ગુરુ પાસે જવું જોઈએ. એ એવા ગુરુ હોય કે જેમણે પોતાને એ જ્ઞાન હોય. તમે જો અંધ હો, તો તમારે કોઈ બીજા અંધજન પાસે જઈને તમને માર્ગ પર દોરી જવાનું તો ન કહેવું જોઈએ. એ જ પ્રમાણે તમે જે જ્ઞાનની ઝંખના રાખતા હો, તે જ્ઞાન જેની પાસે ન હોય, એવા ગુરુ પાસે તો તમે જતા નથી. વળી, તમારે એવા ગુરુ પાસે અત્યંત નમ્રતાપૂર્વક જ જવું જોઈએ. એ ગુરુ તમારી પાસે કોઈ ધનની અપેક્ષા રાખતા હોતા નથી. પરંતુ તમે નમ્ર હો અને એમનું કહેલું ધૈર્યપૂર્વક શાંતિથી સાંભળવા ઇચ્છતા હો, એવું તો તે ઇચ્છે જ છે. અને તેઓ એવી પણ અપેક્ષા રાખે છે કે તમે એમના પ્રત્યે માન અને પ્રેમની લાગણી દાખવો તેમજ તમને જે સત્યો સમજાવે તે તરફ આદર રાખો. તમારામાં તે સત્ય જાણવાની ખૂબ તાલાવેલી હોવી જોઈએ. અને શાસ્ત્રોમાં કહેલાં બધાં નૈતિક અને આધ્યાત્મિક અનુશાસનો – નિયમોનું પાલન કર્યા પછી જ તમારે ગુરુ પાસે પહોંચવું જોઈએ.

આ ઉપનિષદનું નામ ‘ઈશ’ ઉપનિષદ એટલા માટે રખાયું છે કે એ ‘ઈશ’ શબ્દથી શરૂ થાય છે. ‘ઈશ’ શબ્દનો અર્થ ‘ઈશ્વર’ થાય છે, એ બધાનો ‘અંતરાત્મા’ છે. આ આખુંય ઉપનિષદ મંત્રોમાં જ છે, બીજાં ઉપનિષદો એવાં નથી. અને ઘણા લોકો માને છે કે આ જૂનામાં જૂનું અને શ્રેષ્ઠ ઉપનિષદ છે. આ ઉપનિષદ શુક્લ યજુર્વેદમાં આવેલું છે, જો કે આ ઉપનષિદ સંહિતાવિભાગમાં આવેલું છે. અને સંહિતા વિભાગ તો ઘણું કરીને કર્મકાંડનાં વિધિવિધાનોને જ વર્ણવે છે, છતાં આ ઉપનિષદ પોતે કેવળ અદ્વૈતજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. અને કોઈ પણ પ્રકારના કર્મકાંડ સાથે લેવા-દેવા રાખતું નથી.

નિયમ પ્રમાણે ઉપનિષદો જ્ઞાન અને અજ્ઞાન, સત્‌ અને અસત્‌, એક અને બહુના મુદ્દાઓ ઉપર સખત રીતે ઝઘડતાં માલૂમ પડે છે; પણ ઈશોપનિષદ આ બધાં જ ઝઘડાઓનું ખૂબ ઓછામાં ઓછા શબ્દોમાં સ્પષ્ટ સમાધાન કરી આપે છે. બધા જ સાપેક્ષ પદાર્થો છેવટે એક અનંત સત્‌ તત્ત્વમાં કેવી રીતે ભળી જાય છે, તે એણે બતાવ્યું છે. આ અનંત સત્‌ તત્ત્વને કોઈ નામ નથી, કોઈ રૂપ નથી. સામાન્ય વ્યવહારોપયોગ માટે એને ‘બ્રહ્મ’ તરીકે ‘સૌથી મોટું’ કહેવામાં આવ્યું છે અથવા એને ‘પરમાત્મા’ (વૈશ્વિક ચૈતન્ય) કે ‘પરમતત્ત્વ’ કહેવામાં આવ્યું છે. આ ‘બ્રહ્મ’ કે ‘પરમાત્મા’ આપણા અસ્તિત્વનો અર્ક છે. અને બધી હસ્તીઓની ભીતર પરોવાયેલ છે. નામો અને રૂપોમાં વિવિધતા છે પણ એમાંનું ‘સત્‌ તત્ત્વ’ તો એક જ છે. આ અદ્વૈતતત્ત્વનું સ્વરૂપ અને આપણો એની સાથેનો સંબંધ એ આ ઉપનિષદની ખોજનો વિષય છે.

(ક્રમશ:)

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.