દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્‌શ શું છે? કુદરતી પ્રક્રિયા પ્રમાણે જન્મ લેવો, કુદરતના નિયમાનુસાર જીવન જીવવું અને એક દિવસ કુદરતના જ નિયમ પ્રમાણે મરી જવું! આ તો કંઈ માનવજીવનનો ઉદે્‌શ ન હોઈ શકે.

મનુષ્ય સિવાયના જેટલા પણ પ્રાણીઓ છે એમના જીવનનો ઉદે્‌શ કુદરતે જ નિશ્ચિત કરેલો છે. કુદરતે જ કયા પ્રાણીનો શું ઉદે્‌શ છે એ વ્યવસ્થા કરી રાખી છે. કુદરતે બળદ બનાવ્યો, ઘોડો બનાવ્યો, બકરા-બકરી બનાવ્યા. આ બધાં પશુઓના જુદા જુદા કાર્ય છે. બળદ પાસેથી બરાબર ઘોડા જેવું કામ લઈ શકાતું નથી. જો એવું કરવામાં આવે તો બળદ મરી જશે. બળદને કુદરતે જેવો બનાવ્યો છે એ પ્રમાણે જ એની પાસેથી કામ લઈ શકાશે.

એક સિંહ ક્યારેય બકરી જેવું વર્તન કરી શકતો નથી કે ન તો બકરી સિંહ જેવું વર્તન કરી શકે. આ બધાં જ પ્રાણીઓ સંપૂર્ણપણે કુદરતના નિયમોથી બંધાયેલા છે.

પરંતુ મનુષ્યમાં એક અદ્‌ભુત સામર્થ્ય છે કે જો તે ઇચ્છે તો કૂતરાની જેવો વ્યવહાર કરી શકે છે. અને જો તે ઇચ્છે તો સિંહ જેવો વ્યવહાર કરી શકે છે. ભગવાને મનુષ્યને એ સ્વતંત્રતા આપી છે કે જો તે ઇચ્છે તો અને પોતાની ઇચ્છા પ્રમાણે પરિશ્રમ કરે તો તે કુદરતના નિયમોને ઓળંગી શકે છે. તેનાથી ઉપર ઉઠીને પ્રકૃતિની ગુલામીમાંથી મુક્ત થઈ શકે છે. મનુષ્યેતર પ્રાણીઓની જેમ મનુષ્ય કંઈ પ્રકૃતિનો ગુલામ નથી. આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં વાર્તાઓ અને ઉપદેશો દ્વારા શિક્ષણ આપવાની જોગવાઈ હતી. આ સંદર્ભમાં હિતોપદેશ નામનું નાનકડું સુંદર પુસ્તક છે. એમાં ઉપદેશકે ખૂબ જ સરળ ભાષામાં મનુષ્ય અને પશુ વચ્ચેનો ભેદ જણાવ્યો છે. તેઓ લખે છે.

आहारनिद्राभयमैथुनञ्च समानमेतत्‌ पशुभिर्नराणाम्‌ ।
धर्मोहि तेषामधिको विशेषो धर्मेनहीना: पशुभि: समाना: ॥

– हितोपदेशकथा

ખાવું, સૂવું, ભય અને મૈથુન. આ બધી બાબતો પશુ અને મનુષ્યમાં સમાન છે. પરંતુ મનુષ્યમાં એક વિશેષ ગુણ છે. તે છે ધર્મ, જે પશુમાં નથી. આ ધર્મને લઈને જ મનુષ્ય પશુથી અલગ છે. નહિ તો મનુષ્ય અને પશુમાં શું તફાવત છે?

આ ધર્મ શું છે, જેણે મનુષ્યને પશુથી અલગ અને શ્રેષ્ઠ બનાવ્યો છે? આ વાત પર થોડો વિચાર કરશું તો સ્પષ્ટ થશે કે મનુષ્યયોનિ પશુઓની સમાન જીવન જીવવા માટે બની નથી.

એમ તો આપણે જોઈએ તો દરેક વસ્તુનો એક ધર્મ હોય છે. ઉદાહરણ રૂપે અગ્નિ. અગ્નિનો મૂળભૂત ધર્મ તેની ગરમી કે દાહક શક્તિ છે. જો અગ્નિમાંથી તેની દાહક શક્તિ કાઢી લેવામાં આવે તો અગ્નિ નાશ પામશે. તેનું અસ્તિત્વ જ ખલાસ થઈ જશે.

આથી તાત્પર્ય એ નીકળે છે કે જે તત્વને લઈ લેવાથી વસ્તુનું અસ્તિત્વ જ ખલાસ થઈ જાય તે તત્વ જ તે વસ્તુનો મૂળભૂત ધર્મ છે.

આવો આપણે જોઈએ મનુષ્યના જીવનમાં એવું કયું તત્વ છે જેને લઈ લેવાથી મનુષ્યની મનુષ્યતા જ ખલાસ થઈ જાય છે; ભલે પછી એનું શારીરિક અસ્તિત્વ ખલાસ ન થાય. આપ સૌ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને સામાન્ય રીતે જાણો છો. એમણે એ જણાવ્યું છે કે મનુષ્ય આજે જેવો છે તેવો અકસ્માતથી નથી બન્યો. વિકાસના ક્રમમાં ધીમે ધીમે વિકાસ પામતાં પામતાં તે આજની સ્થિતિએ પહોંચ્યો છે.

શરૂઆતમાં એકકોષીય જીવ અમીબા હતો. તેને પોતાના જીવન અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડ્યો. એના કોષોનું વિભાજન અને વૃદ્ધિ થયા. તે અમીબાની અંદર એક એવું તત્વ હતું જે પોતાને વધુમાં વધુ પ્રગટ કરવા ઇચ્છતું હતું. આ પ્રક્રિયામાં એકાદ બે કોષવાળું એનું શરીર એને એટલું મદદરૂપ ન બન્યું. એટલું પૂરતું પણ નહોતું એટલે અમીબાએ પોતાના કોષોને અબજો, ખર્વો ગણા વધાર્યા અને તેના પરિણામે આપણી પૃથ્વી ઉપર ડાયનોસોર, રાયનોસોર જેવા મહાકાય પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યાં. આ પ્રાણીઓનું સામ્રાજ્ય આપણી પૃથ્વી પર કરોડો વર્ષો સુધી રહ્યું.

જો કે આ પશુઓનું શરીર ઘણું વિશાળ હતું તો પણ તેનામાં બુદ્ધિનું પ્રમાણ અત્યંત ઓછું હતું અને એનો માનસિક વિકાસ પણ મોટે ભાગે નહિવત હતો. એકકોષીય સૂક્ષ્મ જીવના માધ્યમ દ્વારા પોતાને પ્રગટ કરવાનો પ્રયત્ન કરનારા એવા ચૈતન્યે જોયું કે મહાકાય પશુઓના દેહમાં પણ એ ચૈતન્યને પ્રગટ કરવાની ક્ષમતા એકકોષીય જીવની તુલનામાં કંઈ વધારે માત્રામાં નથી. કેમકે મહાકાય પશુઓના દેહમાં પણ જડ તત્વનું પ્રમાણ જ વધારે હતું. તેમનામાં બુદ્ધિ અને મનનો લગભગ નહિવત્‌ વિકાસ થયો હતો. અને આપણે બધાં એ જાણીએ છીએ કે જડ તત્વ ચૈતન્યના પ્રકાશનું ઘણું જ અયોગ્ય અને અસમર્થ માધ્યમ છે.

કુદરતે પોતાનો પ્રયોગ ચાલુ રાખ્યો. મહાકાય પશુઓનો વિનાશ થઈ ગયો. એને બદલે નાના શરીર પરંતુ વધારે બુદ્ધિવાળા પ્રાણીઓ આ પૃથ્વી પર આવ્યાં. વિકાસનો ક્રમ નિરંતર ચાલતો રહ્યો. પછી આવનારાં પ્રાણીઓમાં બુદ્ધિ અને મનનો ક્રમશ: વિકાસ થતો ગયો અને મનુષ્યયોનિમાં એ વિકાસની વિશેષ પરિણતી થઈ. આ વિકાસ ક્રમમાં કુદરતને કરોડો વર્ષો લાગ્યાં ત્યારે છેક મનુષ્ય સુધી વિકાસનો ક્રમ પહોંચી શક્યો.

પરંતુ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં એ બાબત પર વિચાર કરવામાં આવ્યો નથી કે આ વિકાસનું ધ્યેય શું છે? હિંદુ પુરાણો પ્રમાણે ચોર્યાશી લાખ અને આધુનિક વિજ્ઞાન પ્રમાણે એક કરોડથી પણ વધારે યોનિઓમાં ભટકતું વિકસિત અને પ્રકાશિત થનારું એ તત્વ ક્યાં પહોંચવા ઇચ્છે છે? એની નિયતિ શું છે?

કેમ કે વિકાસવાદના સિદ્ધાંત પર વિચાર કરતાં જ એક પ્રશ્ન આપણી સમક્ષ ઉભો થાય છે કે ચોક્કસ કોઈ અવિકસિત કે સંકુચિત તત્વ તેમાં રહેલું છે કે જેનો વિકાસ થઈ રહ્યો છે. કોઈ અવિકસિત કે સંકુચિત તત્વ વગર વિકાસ શક્ય જ નથી. ઉદાહરણ રૂપે વડલાનાં નાના સરખાં બીજમાં સૂક્ષ્મ રૂપે સંપૂર્ણ વિશાળ વૃક્ષ સમાયેલું હોય છે. યોગ્ય જમીન, ખાતર, પાણી, વગેરે મળવાથી આ બીજ યથાકાળે વિકસિત થઈ વિશાળ વટવૃક્ષમાં પરિણમે છે.

વડનાં આ સૂક્ષ્મ બીજમાં સો વર્ષોમાં વિકસિત થનાર વિશાળ વૃક્ષ રહેલું હોય છે. ત્યારે તો યથાકાળે પૂર્ણ વિકસિત બનીને વટવૃક્ષ બને છે.

રેતીના એક કણને વાવીને વૃક્ષના બી ની સમાન ખાતર, પાણી દેવા છતાં પણ શું તેમાંથી વૃક્ષ ઊગશે ખરું? ક્યારેય નહીં. કેમકે રેતીના કણમાં સૂક્ષ્મ વૃક્ષ અંતર્નિહિત નથી જે વડના બીજમાં છે. વિજ્ઞાને આપણને એ સત્ય બતાવ્યું છે કે શૂન્યમાંથી કોઈની ઉત્પત્તિ થઈ શકતી નથી. એ જ રીતે બીજું સત્ય એ છે કે જડમાંથી કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ શકતી નથી. જડ ને ઇચ્છીત રૂપ આપવા માટે એક ચૈતન્ય શક્તિની આવશ્યકતા હોય છે. લોઢાંના એક ટુકડામાંથી લોઢાનો બીજો ટુકડો ઉત્પન્ન થઈ શકતો નથી. પરંતુ એક ઝાડના બીજમાંથી એવું જ બીજું ઝાડ સાનુકૂળ વાતાવરણ મળતાં જ ઉત્પન્ન થાય છે. એ એટલા માટે થાય છે કે ઝાડના બીજમાં તે ઝાડ સૂક્ષ્મ રૂપે રહેલું છે અને એની સાથે જ એક ચેતના શક્તિ પણ એમાં સમાયેલી છે જે બીજને ઝાડમાં વિકસિત કરે છે.

આ વિવેચનથી એ સ્પષ્ટ થાય છે કે અમીબાથી લઈને મનુષ્ય સુધીની જુદી જુદી યોનિઓમાંથી પસાર થઈને જે તત્વનો વિકાસ થઈ રહ્યો છે, અથવા થયો છે તે તત્વ અવિકસિત રૂપમાં અમીબામાં સંપૂર્ણપણે રહેલું હતું. એ તત્વનો જુદી જુદી યોનિઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર વિકાસ થયો છે.

આપણાં પ્રાચીન ઋષિઓએ સત્યને જાણવાના પ્રયત્નોમાં મનુષ્યના સંપૂર્ણ વ્યક્તિત્વનું અધ્યયન કર્યું. વિશ્વના તત્વોનું અધ્યયન કર્યું. ઉત્પત્તિ અને વિનાશના ગૂઢ રહસ્યોને જાણવાનો પ્રયત્ન કર્યો અને પોતાના પ્રયત્નોમાં સફળ થઈને એમણે જગતના રહસ્યને જાણી લીધું.

માનવવ્યક્તિત્વનું અધ્યયન અને વિશ્લેષણ કરીને એમણે જાણ્યું કે મનુષ્ય કેવળ હાડમાંસનું પૂતળું, જડ નથી. તેની અંદર એક ચૈતન્ય, અવિનાશી તત્વ છે. દેહની અંદર જે દેહી છે તે અવિનાશી છે.

ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે –

देही नित्‍य मवध्योऽयं देहे सर्वस्‍य भारत ।
तस्‍मात्सर्वाणि भूतानि न त्‍वं शोचितुमहर्षि ॥

– ગીતા (૨.૩૦)

આ બધાં દેહોની અંદર જે દેહી છે, તે નિત્ય છે, અવધ્ય છે. આ અવધ્ય સત્તા ચૈતન્ય છે, પૂર્ણ છે. જુદા જુદા દેહો દ્વારા તે પોતાને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં વિકાસ ક્રમ પર તો વિચાર કરવામાં આવ્યો. તેના પર પ્રકાશ પણ પાડવામાં આવ્યો પરંતુ જીવના વિકાસનો હેતુ શું છે? જીવ વિકસિત થઈને ક્યાં પહોંચવા ઇચ્છે છે, તે શું બનવા ઇચ્છે છે? આ વિષે કંઈ પણ કહેવામાં આવ્યું નથી. ત્યારે શું વિકાસ એક લક્ષ્ય વગરની આંધળી દોટ છે? નહીં, એવું ન બની શકે. જીવનો વિકાસક્રમ એક આંધળી દોટ નથી. વિકાસનું એક નિશ્ચિત ધ્યેય છે. વિકાસ અનંતકાળ સુધી ન ચાલી શકે. ક્યારેક ને ક્યારેક તે સમાપ્ત થશે, પૂરો થશે. પૂર્ણતા જ વિકાસનું લક્ષ્ય છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદમાં આનું કોઈ સ્થાન નથી. આના પર કોઈ વિચાર કરવામાં આવ્યો નથી.

આપણા દેશમાં લાખો લોકો હંમેશાં પોતાના પૂજા પાઠની સમાપ્તિ વખતે ઉપનિષદના એક મંત્રનો પાઠ કરે છે. એનો જપ કરે છે તે મંત્ર છે –

ॐ पूर्णमद: पूर्णमिदं पूणात्‌ पूर्णमुदच्चयते ।
पूर्णस्‍य पूर्णमादाय पूर्णमेवाव शिष्यते ॥

– ઈશોપનિષદ (શાંતિ મંત્ર)

તે (ચૈતન્ય) બધી રીતે પૂર્ણ છે. આ જગત્‌ પણ પૂર્ણ નથી તે પૂર્ણથી જ આ પૂર્ણ ઉત્પન્ન થયું છે. પૂર્ણમાંથી પૂર્ણને કાઢી લેવાથી પણ પૂર્ણ જ વધે છે.

પૂર્ણ હંમેશાં અવ્યય હોય છે. પૂર્ણમાંથી પૂર્ણને ઘટાડી દેવામાં આવે તો પણ પૂર્ણ જ બાકી રહેશે. પૂર્ણમાં પૂર્ણને જોડી દેવામાં આવે તો પણ પૂર્ણ જ રહેશે. પૂર્ણને પૂર્ણથી ગુણવામાં આવે, ભાગવામાં આવે, કંઈ પણ કરવામાં આવે તો પણ પૂર્ણ જ રહેશે. આ પૂર્ણતા એ ચૈતન્ય સત્તાનો સ્વભાવ છે. એ ચૈતન્ય જુદી જુદી યોનિઓમાં થઈને પોતાને પૂર્ણરૂપે પ્રગટ કરવાના પ્રયત્નમાં લાગેલું છે અને જ્યાં સુધી એ સત્તા પોતાને પૂર્ણરૂપે પ્રગટ નહીં કરે, પોતાની પૂર્ણતાનો પોતે અનુભવ નહીં કરે, ત્યાં સુધી તે શાંત નહીં બને. જન્મ, મૃત્યુ અને વિકાસનો આ ક્રમ ચાલતો જ રહેશે.

કેમકે પૂર્ણતા આપણો સ્વભાવ છે. આથી પૂર્ણતાની અખંડ અનુભૂતિ વગર આપણને ક્યારેય પણ પૂર્ણ સંતોષ કે શાંતિ મળી શકતાં નથી. જંગલમાં રહેવાવાળા અભણ, અસંસ્કારી મનુષ્યથી લઈને શહેરોમાં રહેવાવાળા શિક્ષિત, સંસ્કારી, મોટા મોટા વિદ્વાનો બધાં જ પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે. દૃષ્ટાંતો દ્વારા આ વાત વધારે સારી રીતે સ્પષ્ટ થશે.

તમે સૌ વિદ્યાર્થીઓ છો. એન્જિનિયરીંગ વિદ્યા ભણી રહ્યા છો. કોઈ મિકેનીકલ, કોઈ સિવિલ, કોઈ ઈલેક્ટ્રોનિક્સ વગેરે જાણી રહ્યા છો. તમે તમારી વિદ્યાથી ત્યાં સુધી પૂરે પૂરા સંતુષ્ટ નહીં બની શકો જ્યાં સુધી એ વિદ્યાનું અથથી ઈતિ સુધી બધું જાણી ન લો. એન્જિનિયરીંગ વિદ્યાના કોઈ એક વિભાગનું બધું જાણી લીધા પછી પણ, બીજા પણ વિભાગોના વિષયોમાં જાણવાની તમારી ઇચ્છા રહેશે. અને એ ઇચ્છા પુરી ન થતાં તમને દુ:ખ અને અસંતોષ થયા જ કરશે. એવું એટલા માટે થાય છે કે તમારા મનમાં હજુ પણ અપૂર્ણતા અને અભાવની જાણકારી રહેલી છે. તમે બધું જાણવા ઇચ્છો છો પરંતુ હજુ જાણી શક્યા નથી. હજુ પણ ઘણું જાણવાનું બાકી છે. એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે જ્ઞાનના કોઈપણ ક્ષેત્રમાં જ્યાં અપૂર્ણતાનો ભાવ છે ત્યાં મનુષ્ય સંતુષ્ટ બની શકતો નથી. તેના મનમાં એ અદમ્ય ઇચ્છા બની રહે છે કે તેને પૂર્ણ જ્ઞાન થઈ જાય.

આ રીતે આપણે બધાં સુખ ઇચ્છીએ છીએ. કેવું સુખ? અસીમ અને અનંત સુખ. પોતાની જાતને પૂછીને જુઓ; આજ સુધી જેટલાં સુખ આપણે ભોગવ્યાં છે, હજુ પણ ભોગવી રહ્યા છીએ. શું આપણે એનાથી સંતુષ્ટ છીએ? તૃપ્ત છીએ? શું આપણે હજુ વધારે સુખ ઇચ્છતા નથી? શું આપણે એ ઇચ્છતા નથી કે એ સુખ હજુ વધારે દિવસો સુધી અને વધારે પ્રમાણમાં આપણને મળે? જે પણ સુખ આપણે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ એનાથી આપણે સંતુષ્ટ નથી, તૃપ્ત નથી. જન્મથી માંડીને આજ સુધી આપણે કેટલીયવાર સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લીધો તો પણ શું સ્વાદિષ્ટ ભોજન કરવાની ઇચ્છા તૃપ્ત થઈ છે? કેટલીયવાર આપણે સ્પર્શ સુખ પ્રાપ્ત કર્યું પરંતુ શું આપણે એનાથી તૃપ્ત થયાં છીએ? એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે કોઈપણ પ્રકારનું સુખ જે સીમિત છે તે આપણે ક્યારેય તૃપ્ત કરી શકતું નથી. આપણે અનંત અને અસીમ સુખ ઇચ્છીએ છીએ.

આપણે અસીમ જ્ઞાન ઇચ્છીએ છીએ; અસીમ સુખ ઇચ્છીએ છીએ. હવે પ્રશ્ન એ થાય છે કે આપણા નાના એવા જીવનમાં અસીમ જ્ઞાન અને અસીમ સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? જો આપણે આ વાત ઉપર વિચાર કરીએ તો આપણે જોઈશું કે આપણે જીવન પણ અસીમ, અનંત ઇચ્છીએ છીએ. આપણામાંથી કોઈ મરવા ઇચ્છતું નથી. આપણે બધાં અમર થવા ઇચ્છીએ છીએ. અનંતકાળ સુધી જીવવા ઇચ્છીએ છીએ.

આપણાં બધાનો અનુભવ એ જણાવે છે કે આપણે અનંત જીવન, અનંત જ્ઞાન અને અનંત સુખ ઇચ્છીએ છીએ. આ અસીમ સુખ, અસીમ જ્ઞાન અને અસીમ જીવન સીમિત સાધનો અને સીમિત વસ્તુઓથી ક્યારેય મળી શકતું નથી.

કુદરતે અમીબાથી લઈને મનુષ્ય દેહ સુધી પ્રયોગ કરીને, જોઈ લીધું કે, જ્યાં પણ સીમા રહેલી છે, દેહ છે, ઇન્દ્રિયો છે ત્યાં તે અસીમ સુખ મળી શકતું નથી. ઇન્દ્રિયો દ્વારા મળતું સુખ, ઇન્દ્રિયો દ્વારા મળતું જ્ઞાન અને ઇન્દ્રિયો ઉપર આધારિત જીવન ક્યારેય પણ અસીમ, અનંત બની શકતું નથી.

પરંતુ બધા દેશો અને સર્વકાળના અનુભવી મહાપુરુષોએ આપણને જણાવ્યું છે કે એક એવું તત્વ છે જે ઇન્દ્રિયાતીત છે. કોઈપણ ઇન્દ્રિય દ્વારા તેનું જ્ઞાન થઈ શકતું નથી. તો પણ વાસનારહિત શુદ્ધ મનમાં તેની અનુભૂતિ થાય છે. તેને જ આત્મસાક્ષાત્કાર કે આત્મજ્ઞાન કહે છે. આ અનુભૂતિ પછી વ્યક્તિના જીવનમાં આમુલ પરિવર્તન થઈ જાય છે. તેને અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત જીવન પ્રાપ્ત થઈ જાય છે.

આ અનંત જીવનની પ્રાપ્તિનો અધિકાર ફક્ત માનવ યોનિમાં જ છે. બીજી બધી માનવેતર યોનિઓ ભોગ યોનિઓ છે. તેમાં ફક્ત પોતાના કર્મોના ફળો ભોગવવા પડતા હોય છે. તેમાં મુક્તિ કે અનંત જીવન પ્રાપ્ત કરવાનો અધિકાર નથી.

આપણે બધાં મનુષ્ય છીએ, વિકાસના ક્રમમાં આપણે આગળ વધી રહ્યા છીએ. આજથી પચ્ચીસસો વર્ષથી પણ વધારે સમય પહેલાં એક રાજકુમાર જે ખૂબ જ સુંદર, સ્વસ્થ, સદ્‌ગુણી યુવાન હતો, ઉચ્ચ કુળમાં જન્મેલી અત્યંત સ્વરૂપવાન રાજકુમારી તેને પત્ની રૂપે મળી હતી. ધનધાન્યથી સંપન્ન સંસારના સઘળા સુખ તેને પ્રાપ્ત હતાં. પરંતુ ત્રીસ વર્ષની વયે કે જ્યારે તેની પત્નીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો હતો ત્યારે એ નવજાત પુત્રને અને પત્નીને છોડીને સંસારના વૈભવ, ભોગ અને વિલાસને ઠુકરાવીને, સંસારના દુ:ખોથી પર થઈને અનંત સુખ, અનંત જીવનની ખોજમાં નીકળી પડ્યો અને તે રાજકુમાર ભગવાન બુદ્ધ બન્યો. એ જ રીતે રાજકુમાર વર્ધમાન તીર્થંકર મહાવીર બની ગયા.

( ક્રમશ: )
અનુ. : જ્યોતિબહેન થાનકી

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.