શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપક્રમે ૩૦ નવેમ્બર, ૨૦૦૨ અને ૧ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ રામકૃષ્ણ આશ્રમ, પુન્નમપેટના વડા સ્વામી જગદાત્માનંદજી; રામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજી; રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજી; મેનેજમેન્ટના ક્ષેત્રના ગુરુ શ્રી અથ્રેય અને સ્વામી જિતાત્માનંદજીની નિશ્રામાં ‘શિક્ષણ અને વ્યવસાયમાં આધ્યાત્મિક સંસ્કૃતિનું મહત્ત્વ’ એ વિશે ૪૦૦ શિક્ષક પ્રતિનિધિઓની એક વિશેષ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં સ્વામી જગદાત્માનંદજીએ ચિત્ર દોરીને શરીર, આત્મા અને પરમાત્માની ચર્ચા કરી હતી. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કહ્યું હતું કે આધ્યાત્મિક સંસ્કૃતિ માટે પહેલા સુસંસ્કૃત બનવું પડે. જીવનમાં મોટા સ્વપ્ન રાખતાં શીખવું પડે. પ્રો. એન.એચ. અથ્રેયે વૈશ્વિકતા અને આધ્યાત્મિક સંસ્કૃતિની જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કેટલી આવશ્યકતા છે તેની વાત કરી હતી. સ્વામી જિતાત્માનંદજીએ આધ્યાત્મિકતા માટે સેવાભાવ, ધ્યાન, વગેરેની આવશ્યકતા વિશે વાત કરી હતી. સ્વામી આદિભવાનંદજીએ સ્વામી વિવેકાનંદના જીવનના પ્રસંગો અને સ્વામીજીના ઉપદેશોનાં ઉદ્ધરણો દ્વારા જીવનમાં આધ્યાત્મિકતાના આદર્શ વિશે વાત કરી હતી. પ્રારંભમાં અને વચ્ચે વચ્ચે સ્વામી જિતાત્માનંદજીનું ભજનસંગીત સૌ કોઈના મનને ભાવી ગયું. પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ સૌના મનને ગમી જાય તેવો હતો.

* શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપક્રમે ૧૭ થી ૨૦ ડિસેમ્બર એમ ચાર દિવસનો શ્રી નિકુંજબિહારી રાસલીલામંડળ ટ્રસ્ટ, વૃંદાવન દ્વારા શ્રીકૃષ્ણલીલાનો ભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમ દરરોજ સાંજના ૬.૦૦ થી ૮.૩૦ સુધી યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભગવાન કૃષ્ણની વિવિધ લીલાના પ્રસંગોનું ભાવભક્તિસભર નાટ્યાત્મક પ્રદર્શન રજૂ થયું હતું. કાલીનાગમર્દન, ઉખલબંધન, વ્રજવાસીઓ સાથે ગોપીઓ સંગાથે શ્રીબાલકૃષ્ણે ખેલેલી હોળી જેવા પ્રસંગો ૧૨૦૦ થી વધારે ભાવિકજનોએ માણ્યા હતા. ભાવિકો જાણે કે વ્રજવાસી બનીને તત્કાલીન કૃષ્ણની આ બાળલીલાઓ માણી રહ્યા હોય એમ ભાવતરબોળ બનીને બાળકોનો આબેહૂબ નાટ્યાભિનય માણ્યો હતો.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજનું શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં આગમન

૨૦ ડિસેમ્બરના રોજ ૧૧.૩૦ કલાકે તેઓશ્રી હવાઈ માર્ગે મુંબઈથી રાજકોટ પધાર્યા હતા. ૨૩ ડિસેમ્બર સુધીના પોતાના રોકાણ દરમિયાન એમણે ભાવિકજનોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. 

૨૧ ડિસેમ્બરના રોજ સાંજના ૫.૦૦ વાગ્યે કેન્દ્રના ભારે ઉદ્યોગખાતાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ કથીરિયાની સંસદ સભ્યની ગ્રાંટમાંથી તૈયાર થયેલ ‘હરતાં ફરતાં પુસ્તકાલય’ના વાહનની ચાવી રામકૃષ્ણ આશ્રમને સોંપી હતી. આ પ્રસંગે શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી અને અન્ય સંન્યાસીઓ તેમજ હજારેક ભાવિકજનો ઉપસ્થિત હતા. ડો.વલ્લભભાઈ કથીરિયાએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. રામકૃષ્ણ મઠ-મિશન દેશના ઉત્થાન માટે જે સક્રિય કાર્ય કરી રહ્યું છે તે અવર્ણનીય છે. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ ‘હરતાં ફરતાં પુસ્તકાલય કે ચિકિત્સાલય’નું આજે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલું મહત્ત્વ છે એની વાત કરી હતી. સ્વામી ગહનાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. ‘અજ્ઞ દેવો ભવ’ એ ભાવે જ્ઞાન પ્રચાર-પ્રસારના આ કાર્ય માટે સૌને ધન્યવાદ પાઠવ્યા હતા.

૨૨ ડિસેમ્બરના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપલક્ષ્યમાં નવાં બંધાયેલ ‘નેત્રચિકિત્સા વિભાગ’, ‘ફિઝીયોથેરપી વિભાગ’નાં મકાનોનું ઉદ્‌ઘાટન શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકજનો અને રાજકોટના અગ્રણી ડોક્ટરોની સભામાં સંબોધન કરતા ત્યાગ અને સેવા, તેમજ ‘બહુજન હિતાય બહુજન સુખાય’ના હેતુ માટે બંધાયેલ આ આરોગ્યભવનમાં સહાયરૂપ બનનાર સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સંસ્થા ‘રોગીનારાયણ’, ‘આર્તનારાયણ’ની સેવા સતત કરતી રહે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી વિવેકાનંદે આપેલ ચાર સૂત્રો – દરિદ્રદેવો ભવ, અજ્ઞદેવો ભવ, ઋગ્ણદેવો ભવ અને શિવભાવે જીવસેવા – ના આદર્શ સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે કરેલી સેવાનો ખ્યાલ આપ્યો હતો. સ્વામી આદિભવાનંદજીએ કહ્યું કે, સ્વામી વિવેકાનંદના પ્રાદુર્ભાવ અને સેવાના આદર્શથી પ્રેરાઈને આજે ભારતના દરેક ધર્મ અને સેવાભાવી ટ્રસ્ટોએ આ સામાન્યજનની સેવાને પોતાનો ધર્મ બનાવી દીધો છે. સ્વામી જિતાત્માનંદજીએ મુખ્યદાતાઓની યાદી રજૂ કરી હતી અને એ બધાના સહકારથી આ આરોગ્યભવન ઊભું થયું છે. હવે સૌરાષ્ટ્રના લોકોને ફિઝીયોથેરાપીની કેટલીક સેવાઓ માટે અમદાવાદ સુધી નહિ જવું પડે એવી ખાતરી આપી હતી. બધા દાતાઓ અને ડોક્ટર્સ મિત્રોનો તેમજ શુભેચ્છકોનો તેમણે આભાર માન્યો હતો.

આરોગ્ય ભવનના ઉદ્‌ઘાટન પહેલાં સવારે શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે આશ્રમના પટાંગણમાં નવનિર્મિત શ્રી ગણેશ, શ્રી શિવ, શ્રીરામચંદ્ર – શ્રીકૃષ્ણની ત્રણ આરસ પ્રતિમાઓનો અનાવરણવિધિ કર્યો હતો.

૨૨ ડિસેમ્બરના રોજ સાંજે શ્રીરામકૃષ્ણદેવના જીવનપ્રસંગોના ચિત્રપ્રદર્શનનું શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે ઉદ્‌ઘાટન કર્યું હતું.

૨૨ ડિસેમ્બરના રોજ સાંજે ૭.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્લેટિનમ જ્યુબિલિ મહોત્સવના ઉપલક્ષ્યમાં યોજાયેલ જાહેરસભામાં શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજનું અભિવાદન કરવામાં આવ્યું હતું. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી કરાવતી સ્મરણિકાનું વિમોચન શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું.

આ સ્મરણિકામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપનાના વર્ષ ૧૯૨૭ થી માંડીને ૨૦૦૨ સુધીની શ્રીરામકૃષ્ણ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓ, આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓની એક ઇતિહાસ જેવી ઝલક ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવી છે. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ પાર્ષદોમાંથી સ્વામી વિવેકાનંદ સહિત કુલ ૧૦ સંન્યાસીઓ આ ભૂમિને પાવન કરી ગયા છે. એ ઇતિહાસ પણ આ સ્મરણિકામાં રજૂ થયો છે. આ પ્રસંગે પોતાના પ્રવચનમાં એમણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયેલ સાર્વત્રિક સેવા, આધ્યાત્મિક સેવાની તેમણે પ્રશંસા કરી હતી. ભક્તજનોએ સંસારમાં રહીને કેવી રીતે પ્રભુમય જીવન જીવી શકાય એ માટે શ્રીઠાકુરના રામકૃષ્ણ કથામૃતનાં ઉદ્ધરણો આપીને ભક્તજનોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શ્રીમાની ઉદારદિલની ક્ષમાશીલતા અને અમાપ કરુણાભાવની વાત કરતાં તેમણે કહ્યું હતું કે શ્રી શ્રીમાએ આપણને સૌને તારવાનું અભયવચન આપ્યું છે. ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ ના આદર્શને ધ્યાનમાં રાખીને સ્વામીજીએ રાષ્ટ્રોત્થાન માટે આપેલા આહ્‌વાનને આપણે સૌએ ઉપાડી લેવાની આવશ્યકતા છે. આ ત્રિવિધ પ્રસંગે રામકૃષ્ણ મઠ-મિશનના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજ અને ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલશ્રીએ શુભેચ્છા સંદેશ પાઠવીને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સેવાપ્રવૃત્તિઓને બિરદાવી છે.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદનો નૂતન ભવન પ્રવેશ

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, અમદાવાદ નવા ભવનના પ્રવેશ સમયે, ૧૭ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે પોતાની અસ્વસ્થતાને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હતા. સ્વામી જિતાત્માનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને અન્ય સંન્યાસીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને નવા ભવનમાં કેન્દ્રનો શુભારંભ કર્યો હતો.

દિલ્હીમાં યોજાયેલી વૈશ્વિક સંવાદિતા અંગેની આંતરરાષ્ટ્રિય પરિષદ

‘જીવ માત્ર પ્રત્યે આદર દ્વારા વૈશ્વિક સંવાદિતા’ અંગેની એક આંતરરાષ્ટ્રિય પરિષદ તા. ૬ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ વિજ્ઞાનભવન, નવી દિલ્હી ખાતે યોજાઈ ગઈ. તેનું આયોજન World Foundation on Reverence for All Life નામની આંતરરાષ્ટ્રિય સંસ્થાએ કર્યું હતું. પરિષદને ભારતના રાષ્ટ્રપતિ આદરણીય ડો. એ.પી.જે. અબ્દુલ કલામે ખુલ્લી મૂકી હતી. આ આંતરરાષ્ટ્રિય પરિષદનું એક વિશિષ્ટ પાસું એ હતું કે આ સંસ્થાના ઉપક્રમે સંતો, શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો, શ્રેષ્ઠ શિક્ષણવિદો, કુલાધિપતિઓ, જુદાં જુદાં વિશ્વવિદ્યાલયના કુલપતિઓ, રાજનીતિજ્ઞો, બે રાજ્યના રાજ્યપાલ, બુદ્ધિજીવીઓ, શ્રેષ્ઠ વહીવટકારો, વગેરે એ એક મંચ પર એકત્રિત થઈ ‘જીવ માત્ર પ્રત્યે આદર દ્વારા વૈશ્વિક સંવાદિતા’ પર પોતાના વિચારો રજૂ કર્યા. આ પરિષદમાં રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ ઉપસ્થિત રહી પોતાના મનનીય વિચારો રજૂ કર્યા હતા. આજે દુનિયામાં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં તો મનને ચક્કર આવે તેટલી પ્રગતિ થઈ છે. પરંતુ, આપણું સૌથી પ્રાચીન જ્ઞાન આપણે ભૂલી ગયા છીએ તથા માનવજાત તરીકે આપણું આગવું નીજીપણું અને આપણા જીવનના ધ્યેયને પણ ભૂલી ગયા છીએ. તેથી આવા કાળમાં આપણે સૌ એકઠા થઈ, દુનિયાને એક જ દેશ હોય તેવી સંગઠિત બનાવી અને ત્રાસવાદ અને હિંસાને ડામી દઈએ.

આ પરિષદમાં ૩૬ દેશોમાંથી ૧૦૦૦ જેટલા તજ્‌જ્ઞોએ ભાગ લીધો હતો અને તે ખૂબ સફળ રહી. તેના અંતે ‘દિલ્હી ઘોષણાપત્ર’ જાહેર કરાયું તે આ પ્રમાણે છે:

‘જીવ માત્ર પ્રત્યે આદર દ્વારા વૈશ્વિક એકતા’ની આંતરરાષ્ટ્રિય સંસ્થાના ભારતીય એકમે યોજેલી આ આંતરરાષ્ટ્રિય પરિષદ તથા અન્ય સંસ્થાઓ તાજેતરમાં કેટલાક દેશોમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓ અને ક્યાંક ક્યાંક થયેલાં કોમી રમખાણો પ્રત્યે દુ:ખ વ્યક્ત કરે છે. કેટલાંક ત્રાસવાદી સંગઠનોએ ન્યુયોર્કના વિશ્વ વ્યાપાર કેન્દ્ર પર, ભારતની સંસદ પર અને બાલી, ગાંધીનગર અને અન્ય ધાર્મિક સંસ્થાઓ પર કરેલા અમાનવીય હુમલાઓને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ આંતરરાષ્ટ્રિય પરિષદ માને છે કે આવા હુમલાઓ દરેક ધર્મની પાયાની ફિલસૂફોની જ વિરુદ્ધના છે. દુનિયાના તમામ ધર્મો તો ઈશ્વરના નામે સૌ જીવો પ્રત્યેનો આદર અને માનવમાત્ર ઈશ્વરનાં સંતાન છે તેમ માને છે અને એવો જ ઉપદેશ આપે છે. આવા હિંસક હુમલાઓ દુનિયાના પ્રત્યેક ધર્મના ઉપદેશ વિરુદ્ધના છે.

‘પ્રત્યેક જીવ પ્રત્યેના આદર દ્વારા વૈશ્વિક સંવાદિતા’ની આ પરિષદ સ્પષ્ટપણે માને છે કે જીવ માત્ર પવિત્ર છે, તથા આખું વિશ્વ એક છે, ‘વસુધૈવ કુટુમ્બકમ્‌’ છે, તેથી અહીં કોઈ પણ પ્રકારની હિંસા, અન્યને પીડા આપવી, સંહાર અને કોઈ પણ ધર્મ, જાતિ, સંપ્રદાય, જાતિના માણસો તથા તમામ પશુઓ, પક્ષીઓ, તેમના વંશો કે પ્રકૃતિ પ્રત્યે અનાદરને કોઈ સ્થાન નથી.

Total Views: 103

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.