ધર્મોની વૈશ્વિકતાના પયગંબર :

સ્વામી વિવેકાનંદ અને એમણે પ્રબોધેલા વૈશ્વિક હિંદુધર્મના મહાન વિજય સાથે શિકાગો ધર્મપરિષદ પૂરી થઈ. પૂર્વના આ હિંદુ સંન્યાસીએ પશ્ચિમની માનવજાતને પોતાની માનીને ‘સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા’ એવું સંબોધન કરતાં જ સભાગૃહમાં એકઠા થયેલા સાતહજાર પ્રતિનિધિઓના તાળીઓના ગડગડાટથી સભાખંડ ગૂંજી ઊઠ્યો. સ્વામી વિવેકાનંદે પોતાના પ્રથમ  ઐતિહાસિક વ્યાખ્યાનનો આ શબ્દોથી અંત કર્યો : ‘આજના વિશ્વની ચેતના ભયંકર ધાર્મિક સંઘર્ષો અને લોહીયાળ અથડામણોને લીધે છિન્ન-ભિન્ન થઈ ગઈ છે. ગમે તેટલો પ્રતિરોધ થાય છતાં દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે : ‘સહાય; પરસ્પર વેર નહિ.’ ‘સમન્વય; વિનાશ નહિ.’ ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહિ.’

શિકાગોની વિશ્વધર્મપરિષદ પછી યુ.એસ.એ.ના ફ્રી પ્રેસની પાંચમી ઓક્ટોબર ૧૮૯૩ની આવૃત્તિમાં વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદની પ્રભાવક અસર વિશે લખતાં આમ કહ્યું છે : સ્વામી વિવેકાનંદે વૈશ્વિક સ્તરના આદરભાવનું આકર્ષણ ઊભું કર્યું છે…. વિવેકાનંદ બ્રાહ્મણ નથી, બૌદ્ધ નથી, પારસી નથી, મુસલમાન પણ નથી. આ બધામાંથી શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરનારા માનવ તરીકે એમને ઓળખી શકાય. 

સ્વામીજી એમના પોતાના હોવા વિશેનો પૂર્વ કે પશ્ચિમ પૂર્ણપણે દાવો કરી ન શકે. પૂર્વમાં જન્મેલા અને પશ્ચિમમાં પોતે એકલા જ મથેલા એવા સ્વામી વિવેકાનંદ જ્યારે પશ્ચિમમાંથી પાછા ફર્યા ત્યારે પશ્ચિમના સદ્‌ગુણોને જ એમણે યાદ કર્યા. ભારતના હિંદુ સંન્યાસી તરીકેની પોતાની સર્વોચ્ચ ખ્યાતિપ્રાપ્તિના સમયે ૧૮૯૪માં તેમણે માતા જ્યોર્જ ડબલ્યુ. હેઈલને આ પ્રમાણે લખ્યું હતું: ‘કોનું ભારત? કોને એની પડી છે? આ બધું તો એમનું (પ્રભુનું) છે… એ ધર્મ છે, મા, ત્યાં ઈશ્વર છે. અહીં બધા સંતો, પયગંબરો અને પ્રભુના દિવ્ય અવતારોનું મિલન થાય છે. બાઈબલ, વેદો, ધર્મો, સંપ્રદાયો, હિકમતો, મૂર્ખ બનાવીને માણસના થતા દુરુપયોગના કીમિયાના બડબડાટો અને ધર્મના ઉપદેશ – સિદ્ધાંતોથી પર સર્વવ્યાપી પ્રકાશ અને સર્વવ્યાપી પ્રેમ ક્યાં છે? આ દુનિયાના સડતા-ગંધાતા ઉકરડા તેને ક્યારેય પામી શકવાના નથી.’ 

લોસ એન્જેલેસમાં ૧૮૯૯માં સ્વામીજીને ઈસુખ્રિસ્ત વિશે બોલતાં સાંભળીને એક ક્રિશ્ચિયને પોતાના હૃદયની વાત આ શબ્દમાં કહી : ‘આ વિષય પર આનાથી વધારે સારું બોલનારને મેં ક્યારેય સાંભળ્યા નથી.’ જોસેફાઈન મેક્લાઉડ કે જેને કેલિફોર્નિયાની એક રાત્રે સ્વામી વિવેકાનંદને જિસસ ઓફ નાઝરેથ વિશે બોલતાં સાંભળ્યા. એ વખતે સ્વામીજીના પગથી માથા સુધી એક તેજસ્વી આભા એમણે જોઈ અને તેઓ જેમ ઈસુખ્રિસ્તનાં મહિમાશક્તિ પર વારી જતાં તેમ સ્વામીજીની આ દિવ્યતેજસ્વીતા પર વારી ગયાં. હિંદુઓના હિંદુ એવા સ્વામી વિવેકાનંદે કાશ્મીરના હોડી ચાલક મુસ્લિમની પુત્રીની ઉમાકુમારીના રૂપે પૂજા કરી, નૈનિતાલમાં એક મુસ્લિમ ફેરિયા પાસેથી ખાવાનું લઈને એક નાના બાળકની જેમ આનંદપૂર્વક ખાઈ શકતા. મોગલોના મન પર એમની અમીટ છાપ પડતી. ‘મહાન અકબરના અવતાર જેવા એમને અમારી સામે જોઈને અમે વારંવાર આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા’, એમ તેમના શિષ્યા ભગિની ક્રિસ્ટીને લખ્યું છે. પશ્ચિમમાં તેઓ ત્યાંના લોકોની સાથે એક ખ્રિસ્તીઓના ખ્રિસ્તીના રૂપે રહેતા. થાઉઝંડ આઈલેન્ડ પાર્કમાં તેઓ નજીકની શિબિરોમાં, પ્રાર્થનાઓમાં જતા અને ધર્મોપદેશકના ફંડ માટે ચાંદીનો ડોલર પણ એક બાળકની જેમ નિષ્પાપભાવે અર્પણ કરતા. જ્યારે તેઓ રોમમાં સેન્ટ પીટર્સના દેવળમાં ગયા ત્યારે ત્યાં ભગવાન ઈશુની જીવંત ઉપસ્થિતિને જોઈને ભાવવિભોર થઈ ગયા. સ્વામીજીનું સૌથી વધુ પ્રિય ગીત જેનું ગાન સાંભળીને એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ સમાધિભાવાવસ્થામાં આવી જતા એ ગીત છેલ્લા મોગલ સમ્રાટ બહાદૂરશાહ ઝફરે રચેલું એક સૂફી ગીત હતું: 

‘તુઝસે હમને દિલ કો લગાયા,
જો કુછ હૈ સો તૂ હી હૈ.
એક તુજકો અપના પાયા,
જો કુછ હૈ સો તૂહી હૈ.
ક્યા મલાયક ક્યા ઈન્સાન,
ક્યા હિંદુ ક્યા મુસલમાન;
જૈસે ચાહા તુને બનાયા,
જો કુછ હૈ સો તૂહી હૈ.
કાબા મેં ક્યા દેવલ મેં ક્યા,
તેરી પરવરિશ હોગી સબ જૉં
આગે તેરે સિર સબને ઝુકાયા,
જો કુછ હૈ સો તૂહી હૈ.’

સ્વામી વિવેકાનંદ કહે છે : ‘હું મુસલમાનોની મસ્જિદમાં જઈશ; હું ખ્રિસ્તીઓના ગિરિજાઘરમાં જઈશ અને ક્રૂસ પર ચડેલા ઈસુખ્રિસ્તને પ્રણામ કરવા ઘૂંટણીએ પડીશ; હું બૌદ્ધ મંદિરમાં જઈશ, ત્યાં હું બુદ્ધને શરણે જઈને તેમના નિયમનું પાલન કરીશ. સૌ કોઈના હૃદયને પ્રકાશિત કરી દેનાર દિવ્યપ્રકાશના દર્શન માટે જે હિંદુ મથે છે એની સાથે હું એકાંત વનમાં જઈને ધ્યાનમાં બેસી જઈશ.’ 

પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પાસેથી વૈશ્વિકતાના પ્રેરણાપીયૂષનું પાન કરીને સ્વામી વિવેકાનંદે સર્વધર્મસમભાવના આદર્શને જીવનમાં જીવી બતાવ્યો. સ્વામી વિવેકાનંદ માનવજાતને માટે અનુસરવા યોગ્ય એક અમૂલ્ય અને અમર વારસો આપણા સૌ માટે મૂકી ગયા છે. તેમણે ભવિષ્યમાં સ્થપાનારા રામકૃષ્ણ મંદિરના સ્થાપત્યની રૂપરેખા દોરી આપી. એમાં ખ્રિસ્તી, ઈસ્લામ, બૌદ્ધ અને હિંદુધર્મ, વ. વિશ્વના મુખ્યધર્મોની સ્થાપત્યકલાનાં મુખ્યતત્ત્વોના સમન્વયનું પ્રતીક સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સેરસન સ્થાપત્યશૈલીના ઘુમ્મટ, ગોથિક સ્થાપત્યશૈલીનો હોલ, અજંતાની ગુફાની શૈલીનું મુખ્યપ્રવેશદ્વાર, ઈસ્લામિક સ્થાપત્યશૈલી જેવી કલાકારીગીરીવાળી બારીકગૂંથણી, જયપુરશૈલીના મિનારાવાળું; વિશ્વના મુખ્યધર્મોની સ્થાપત્યકલાનાં મુખ્યતત્ત્વોના સમન્વયના પ્રતીકસમું ભારતનું પ્રથમ મહામંદિર બેલૂરમાં ગંગાના કિનારે આવેલ છે. અમેરિકાની ધરતી પર સર્વપ્રથમ હિંદુમંદિર સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી એમના ગુરુબંધુ સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ ૬ જાન્યુઆરી, ૧૯૦૬ના રોજ સાન્ફ્રાંસિસ્કોમાં બાંધ્યું હતું. આ મંદિરના શિખરના બાંધકામમાં ખ્રિસ્તીઓના ચર્ચ, બૌદ્ધોના પેગોડા, હિંદુઓના મંદિર અને મુસ્લિમોની મસ્જિદની સ્થાપત્યશૈલીનો વિનિયોગ થયો છે. આજે આ હિંદુમંદિરને શિલ્પસ્થાપત્યના અમૂલ્યવારસા રૂપે જાળવવાનું અમેરિકાની સરકારે સ્વીકાર્યું છે. જ્યારે જ્યારે કોઈ પણ માનવી સમગ્ર વિશ્વમાં આવેલા શ્રીરામકૃષ્ણના વૈશ્વિકમંદિરમાં પ્રવેશે છે ત્યારે તેને તેમાં સ્વામી વિવેકાનંદના આ શબ્દો સાથેના અવાજનો રણકાર સંભળાય છે: ‘ગતકાળના બધા ધર્મના પયગંબરોને પ્રણામ; વર્તમાનના બધા ધર્મધુરંધરોને પણ પ્રણામ અને ભાવિમાં પ્રભુનો પૈગામ લઈને આવનારા મહામના સંતોને પ્રણામ.’ 

સમગ્ર વિશ્વને સર્વપ્રથમવાર વૈશ્વિકતાની આ ભાવના સ્વામીજીએ સમગ્ર વિશ્વને સો વર્ષ પહેલાં આપી હતી, આજે પણ આ જ ભાવનાની તાતી જરૂર છે. આજનું વિશ્વ સ્વામીજીના આ ઐતિહાસિક સંદેશનું મહત્ત્વ સમજવા માંડ્યું છે. ઓક્લેન્ડના ચર્ચ કે જ્યાં સ્વામીજીએ વેદાંત વિશે વ્યાખ્યાન આપ્યું હતું તેના વ્યાસમંચ પર સ્વામીજીની સ્મૃતિમાં પિત્તળની એક તકતી લગાડવામાં આવી છે. ૧૮૮૭ના જુલાઈમાં મોસ્કોના ક્રેમલિન હોલમાં સર્વપ્રથમવાર વિશ્વભરના સુખ્યાત લોકો અને વિદ્વજ્જનો માટે યોજાયેલ ‘વૈશ્વિક શાંતિ પરિષદ’માં રશિયાના તત્કાલીન પ્રમુખ શ્રીમાન્‌ ગોર્બાચોવના આમંત્રણથી શ્રીરામકૃષ્ણ સંઘના એક સંન્યાસીએ ધર્મચર્ચાસમારંભમાં પ્રારંભિક પ્રવચન આપ્યું હતું. ૧૮૯૩ની શિકાગો ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદે કરેલા પ્રતિનિધિત્વના શતાબ્દિવર્ષના ઉપલક્ષ્યમાં ૧૯૯૩માં યુનેસ્કોના ઉપક્રમે પેરિસમાં યોજાયેલા મહોત્સવમાં યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ ફ્રેડરીકો મેયોએ સ્વામી વિવેકાનંદના વૈશ્વિકતાના વિરલ સંદેશ વિશે આમ કહ્યું હતું: પહેલાં તો વૈશ્વિક ભાવ માટેનો મક્કમ નિર્ધાર અને સહિષ્ણુતા. તેમણે ધર્મપરિષદના વ્યાસમંચ પરથી આમ કહ્યું અને પછી સ્વામીજીનું કથન ટાંકીને ઊમેર્યું: આજના મંગલ પ્રભાતે ઘંટનો જે મધુર ધ્વનિ થયો તે બધા પ્રકારના ધર્મઝનૂન તિરસ્કાર કે ઘૃણા અને ધર્માંધતાનો, દરેક પ્રકારનાં તલવાર કે કલમથી ચાલતાં જુલ્મસીતમોનો મૃત્યુઘંટ બની રહેશે.’ 

છેલ્લાં સો વર્ષથી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના અનુયાયીઓ શ્રીરામકૃષ્ણ મંદિરોમાં ક્રિસમસ, ઈદ, ગુરુનાનક, બુદ્ધ, મહાવીર, કૃષ્ણની જન્મજયંતી ઊજવે છે. આજનું વિશ્વ બીજા ધર્મોના ઉત્સવોને પોતાનાં ગિરિજાઘર અને મસ્જિદોમાં ઉજવવાની સ્વીકૃતિ આપવાનું ક્યારે શીખશે? શાંતિ એકપક્ષીય નથી હોતી. સર્વસમન્વય અને સમભાવ એકાંગી કે એકપક્ષીય ન હોઈ શકે; તે સાર્વત્રિક હોવો જોઈએ. 

વિષયભોગી સભ્યતાના આધ્યાત્મિક તારણહાર

૧૮૯૩ની વિશ્વધર્મપરિષદના ચોથા દિવસે જ્યારે એક ધર્મગુરુએ મૂળ પાપના આદર્શના મહિમાની વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે સ્વામી વિવેકાનંદે તત્કાળ સ્વયંભૂ પ્રતિવાદ આપતાં કહ્યું: ‘ધરતી પરની શાશ્વત દિવ્યતા એવા તમે પાપીઓ? માનવને આમ કહેવું એ પાપ છે. એ માનવપ્રકૃતિ પર લગાડેલું એક લાંછન છે.’ તરત જ પશ્ચિમના શ્રોતાઓ તરફથી પ્રોત્સાહક પ્રતિભાવ સાંપડ્યો. એક યુવાન અમેરિકને (જે પછીથી સ્વામી અતુલાનંદ બન્યા) અને ચર્ચની વૃદ્ધ બહેને સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે તમે શા માટે ક્યારેય પાપ વિશે નથી બોલ્યા? એના પ્રત્યુત્તર રૂપે સ્વામીજીએ એક સાંજે કહેલી વાતને યાદ કરતાં કહ્યું: ‘પરંતુ માતુશ્રી, મારાં પાપો પણ શુભ છે. આ પાપોથી હું સદ્‌ગુણો કેળવતાં શીખ્યો છું. શા માટે મારે માણસની પ્રકૃતિની નબળી બાજુને વળગી રહેવું જોઈએ?’ સ્વામી અતુલાનંદે પછીથી આમ લખ્યું હતું: ‘અહીં આશા હતી, અહીં હતાં સામર્થ્યશક્તિ; પોતાની દિવ્યતાની અનુભૂતિ કરીને દરેક માનવ દિવ્ય બની શકે છે. તમે જોઈને, કેવી અમાપ સાંત્વના – કરુણા! સ્વામીજી તો તારણહાર રૂપે આવ્યા હતા.’ 

માણસ પાપી રૂપે જન્મ્યો નથી, પરંતુ એ તો જન્મજાત ઈશ્વર છે, અૃમતનું સંતાન છે, એમ વેદાંત કહે છે. ઈસુખ્રિસ્તે કહ્યું છે: ‘ઈશ્વરનું રાજ્ય તમારી ભીતર છે.’  માનવના ભૌતિક દેહની અંદર સૂક્ષ્મ આત્મા, સૂક્ષ્મ ચૈતન્ય રહેલું છે. એટલે જ તે અનંત ચૈતન્ય કે પ્રભુ છે. ઈસુખ્રિસ્તે સેન્ટજોનમાં કહ્યું છે (૪:૨૪) : ‘ઈશ્વર ચૈતન્ય સ્વરૂપ છે અને જે લોકો તેમને પૂજે છે, ભજે છે તેઓ તેમના ચૈતન્ય સ્વરૂપને, સત્ય સ્વરૂપને પૂજે છે, ભજે છે.’ કુરાનમાં કહ્યું છે કે અલ્લાહે દેવદૂતોને, આદમને (માનવને) પ્રણામ કરવા આદેશ આપ્યો : ‘તમે આદમને પ્રણામ કરો અને તેઓ બધા તમને પ્રણામ કરશે. જીન રૂપે રહેલા ઇબ્લિસે ખુદાને નમન કરવા સામે વિરોધ કર્યો હતો. એને શયતાન, દુષ્ટ કાર્યો કરનાર કહેવાય છે; એ સિવાયના આદમને નમજો. આ શયતાને કે દુષ્ટે દેવદૂતો કરતાં માનવના ચડયાતાપણાની સામે વિરોધ ઊભો કર્યો કે માનવની ભીતર રહેલી અનંત ઉત્કૃષ્ટતા સામે એણે વિરોધ કર્યો. 

વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઔદ્યોગિકયુગનું સર્જન છે આજની આધુનિક વિષયભોગવાદી સંસ્કૃતિ. આ સંસ્કૃતિની દૃષ્ટિએ માનવ એક જૈવિક પ્રાણી, અર્થોપાર્જન કરતું પ્રાણી, યંત્ર-યંત્રાંગો બનાવતું પ્રાણી કે રાજકારણના ખેલ ખેલતું પ્રાણી છે. આ સંસ્કૃતિને એ માનવની ભીતર રહેલા અનંત પ્રભુ કે ચૈતન્યમાં તલભારેય શ્રદ્ધાવિશ્વાસ નથી. આ સંસ્કૃતિના અંધકારભર્યા પાસાને લીધે ૧૮૯૯માં સ્વામી વિવેકાનંદે આમ કહેવું પડ્યું હતું: ‘જો આધ્યાત્મિક આધારશિલા નહિ હોય તો પશ્ચિમની બધી સભ્યતા સંસ્કૃતિનો આવતાં પચાસ વર્ષમાં ભાંગીને ભૂક્કો થઈ જશે… આ ભૌતિકવાદની શક્તિના પ્રગટીકરણના કેન્દ્ર સમાન યુરોપ પણ જો તે પોતાની પરિસ્થિતિમાં પરિવર્તન કરવામાં ધ્યાન નહિ દે અને પોતાના જીવનને આધ્યાત્મિકતાનો આધાર નહિ આપે તો તે પણ આવતાં પચાસ વર્ષોમાં ધૂળમાં મળી જશે. ઉપનિષદોનો ધર્મ આ યુરોપને બચાવનાર શક્તિ બનશે.’ 

યુરોપે ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધના રણશિંગા ફૂંકવાનો પ્રારંભ કર્યો હતો. યુરોપના શાંતિવાદી રોમાંરોલાંએ રામકૃષ્ણ-વિવેકાનંદનાં જીવનનો અભ્યાસ કર્યો હતો. પોતાની બડાઈ હાંકીને બીજાને દબડાવવાની વૃત્તિવાળી દેશદાઝની (બીગબ્રધરવાળી દેશદાઝ), ધાર્મિક ઝનૂનવાદ અને રાજકીય શાહીવાદની કાળી કોટડીમાં ગોંધાઈ રહેલી માનવજાતને ઉગારવા માટેના ‘ખોવાયેલા દાદરાની ચાવી’ એમને રામકૃષ્ણ-વિવેકાનંદનાં જીવનમાં જોવા મળે છે. રોમાંરોલાંએ ‘મૃત્યુની ઊંઘમાં સૂતેલા યુરોપને’ વૈશ્વિક ઐક્ય સાધતા રામકૃષ્ણ-વિવેકાનંદનાં દર્શનસંદેશને સ્વીકારવાની અપીલ કરી છે. ‘હજુએ જેનાથી અજાણ છે એવા નવા પાનખરના ફળ શા, આત્મા માટેના નવસંદેશ જેવા અને ભારતના સૂરસંવાદ સમા અને રામકૃષ્ણ નામ ધરાવતા એક મહાન આત્માને હું યુરોપ સમક્ષ ધરું છું… મૃત્યુની ઊંઘમાં સૂતેલા, પૂર્વગ્રહના તાવથી બધીર બનેલા, માંદલા યુરોપના કાનની રક્તવાહિનીઓને ફરીથી ધબકતી કરવા માટે આ સૂરસંવાદવાળો ધ્વનિ એમના કાને લાવવાની મારી ઇચ્છા છે. હું અમરત્વના રક્તથી એમના સૂકાયેલા હોઠને ભીના કરવા માગું છું.’ યુરોપ આ સંદેશનો પ્રતિઘોષ પાડવામાં નિષ્ફળ ગયું અને પરિણામે બીજું વિશ્વયુદ્ધ ખાબક્યું. 

આજે વિશ્વમાં વિસ્તરેલા ધર્મઝનૂનવાદના ત્રાસવાદને કારણે અચાનક ન્યુક્લિયર યુદ્ધ ફાટી નીકળવાના ભયના આરે વિશ્વ ઊભું છે; ‘એકબીજાને હણવા તૈયાર પોઈંટ બ્લેન્ક રેન્જથી ઊભેલા’ વિશ્વને બચાવનારી એવી શક્તિ અને સૂઝબૂઝ શ્રીરામકૃષ્ણની સર્વધર્મસમભાવ અંગેની એમની અનુભૂતિ અને આચરણમાંથી આ બધું મળી રહેશે; એમ આર્નોલ્ડ ટોયમ્બી નામના મહાન ઇતિહાસકારને લાગે છે. 

અમેરિકામાં સ્વામી વિવેકાનંદે પૂર્ણપણે વિષયભોગી સંસ્કૃતિના અંત માટે સ્પષ્ટતા કરતાં આ પ્રમાણે કહ્યું હતું: ‘મહાન સંસ્કૃતિઓ – તેનો શા માટે અંત આવ્યો? તે બધી સંસ્કૃતિઓ ભૌતિક સુખકારીની પાછળ દોડી. જે રાષ્ટ્રો ઇન્દ્રિય વિષયભોગોના આનંદમાં પશુતાની કક્ષાએ ઊતરી ગયા, તે બધાંને તેની અસભ્યતા અને જંગલીપણાએ હણી નાખ્યા છે.’ એમણે વધુ ઊમેરતાં કહ્યું: ‘જો તમારો આદર્શ પદાર્થ કે દેહ હશે તો તમે માત્ર દેહ કે પદાર્થ જ બનશો. આટલું ધ્યાનપૂર્વક જોજો કે આપણો આદર્શ છે ચૈતન્ય. એ એક ચૈતન્ય જ ટકી રહે છે, શાશ્વત છે. બીજા કશાનું અસ્તિત્વ નથી અને ચૈતન્યની જેમ આપણે પણ શાશ્વત છીએ.’ 

સ્વામી વિવેકાનંદે પશ્ચિમની જે પૂર્વધારણા બાંધી હતી તેના પરિપ્રેક્ષ્યમાં ‘The Clash of Civilizations and Remaking of the World order’ પોતાના સુખ્યાત ગ્રંથમાં સેમ્યુઅલ પી. હટિંગ્ટન આમ લખે છે:  ‘અર્થકારણ અને વસતીશાસ્ત્રની સમસ્યાઓની સરખામણીમાં નૈતિક અધ:પતન, આધ્યાત્મિકતાનો આત્મઘાતી હ્રાસ અને રાજકીય એકતાનો અભાવ એ પશ્ચિમના જગતની સૌથી વધુ મહત્ત્વની અને સૂચક સમસ્યાઓ છે.’ આ નૈતિક અધ:પતનમાં આ મર્મભેદી વાતોનો સમાવેશ થાય છે: સમાજ વિરોધી વર્તનમાં વૃદ્ધિ, નશીલા પદાર્થોનું સેવન અને ભયંકર ક્રૂર હિંસા જેવી ગુનાખોરીની વૃદ્ધિ. કુટુંબો મરતાં જાય છે, છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. તરુણાવસ્થામાં સગર્ભાવસ્થા, નિરંકુશ વિષયભોગ અને માતા કે પિતા વિહીન કુટુંબો વધતાં રહે છે.’

૨૦ ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ ‘Time’ સામયિકે એવું જાહેર કર્યું કે યુ.એસ.એ.માં બંદુક કે રાયફલની સંસ્કૃતિ વિકસી રહી છે. અહીં સરેરાશ ૪૮% અમેરિકનો સ્વબચાવ માટે કોઈને કોઈ બંદુક કે રાયફલ ધરાવે છે. સૌથી વધુ પુસ્તક વેચાણ ધરાવનાર એલ્વિન ટોફ્‌લર નામના એક અમેરિકન લેખકને એમ સ્પષ્ટપણે જણાય છે કે આપણે વાસ્તવિક રીતે ‘Mad House’- ‘ગાંડાના ઘર’માં રહીએ છીએ. અને મનની મક્કમતા અને નિર્બળતા બંનેની સમસ્યા આપણા સાહિત્ય અને ફિલ્મોની પુન: પુન: આવૃત્તિ થતાં વિષયવસ્તુવાળું બની ગયું છે. તેઓ કહે છે : ‘હવામાં એક માંદલી દુર્ગંધ છે. આ દુર્ગંધ છે બીજાં મોજાંની મરતી સંસ્કૃતિની.’

૧૯૯૦ના દાયકાની મધ્યમાં પશ્ચિમના જગતની ઘણી વિલક્ષણતાઓ હતી કે જેને મહાન ઇતિહાસકાર કેરોલ ક્વિગલી ‘પુખ્ત સંસ્કૃતિ વિનાશના આરે’ એ રૂપે ઓળખાવે છે. આ વલણવહેણો આજે વૈશ્વિક બન્યાં છે. એશિયાનાં રાષ્ટ્રોમાં પણ આજે આવાં વલણવહેણો વધુ ને વધુ પ્રમાણમાં જોવા મળે છે. નાસ્તિકવાદથી ભરેલા કહેવાતા પ્રભુવિહોણા સામ્યવાદને કારણે છેલ્લા થોડા દાયકાઓથી જ્યાં આધ્યાત્મિક મૂલ્યોની અવગણના કરવામાં આવી છે તે બધાંને હતાં ન હતાં કરી મૂક્યાં છે તેવા ચીન દેશમાં ચીનની સરકારે સમાજના ગુનેગારોને મારી નાખવાની સજામાં વધારો કરવો પડ્યો હતો.

સ્વામી વિવેકાનંદે ભારતીય લોકોને પહેલેથી જ પૂર્વચેતવણી આપતાં કહ્યું હતું: ‘તમારી આધ્યાત્મિકતા ચોક્કસ રીતે નવી સંસ્કૃતિની આધારશીલા બનવી જોઈએ.’ વધુમાં તેઓ કહે છે : ‘જો તમે આપણી આ આધ્યાત્મિકતાને છોડી દેશો અને તેને એક બાજુએ મૂકી દઈને, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ આંધળી દોટ મૂકશો તો તેનું પરિણામ એ આવશે કે ત્રણ પેઢીમાં જ તમે એક લુપ્ત-વિલુપ્ત જાતિ કે પ્રજા બની જશો.’

(ક્રમશ:)

Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.