ઉત્તાનપાદ નામના રાજાને સુનીતિ અને સુરુચિ નામની બે પત્ની હતી. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ અને સુરુચિના પુત્રનું નામ ઉત્તમ હતું. સુરુચિ રાજાની માનીતી રાણી હતી.

એક દિવસ પાંચ વર્ષના ધ્રુવે જોયું કે રાજા ઉત્તમને પોતાના ખોળામાં બેસાડીને પ્રેમથી રમાડતા હતા. બાળક હોવાને લીધે તેને પણ તેના પિતા આવી રીતે વ્હાલ પ્રેમ કરે એવી ઇચ્છા થઈ. ધ્રુવ રાજા પાસે દોડી ગયા. રાજાએ સુરુચિના ભયથી ધ્રુવ પ્રત્યે પ્રેમ-ઉમળકો બતાવ્યો નહિ. સુરુચિએ ધ્રુવને દૂર હડસેલીને ક્રોધભર્યા અવાજે કહ્યું: ‘ધ્રુવ! રાજાના ખોળામાં બેસવાનો તને અધિકાર નથી. તું ભલે એનો પુત્ર હો પણ તેં મારી કૂખે જન્મ લીધો નથી. એક નાનો બાળક હોવાથી તને એ વાતનો ખ્યાલ નહિ હોય, તેં એક બીજી સ્ત્રીની કૂખે જન્મ લીધો છે. જો તું રાજાના ખોળામાં બેસવાની ઇચ્છા રાખતો હો તો તારે ભગવાનને ભજવા પડશે અને તેની કૃપાથી જ મારી કૂખે જન્મવું પડશે.’

સુરુચિના આ કઠોર શબ્દો સાંભળીને ધ્રુવ રડતાં રડતાં પોતાની માતા પાસે દોડી ગયા. આ બધું સાંભળવા અને જોવા છતાં રાજા પર તેની કોઈ અસર ન થઈ. પોતાના દીકરાને આમ ડૂસકે ડૂસકે રોતો જોઈને સુનીતિએ તેને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડ્યો. એને આ ઘટનાના સમાચાર તો પહેલેથી જ મળી ગયા હતા. સુરુચીના કઠોર શબ્દોની વાત એણે સાંભળી હતી. તેણે ધ્રુવજીને આશ્વાસન આપતાં કહ્યું: ‘બેટા! અન્ય પ્રત્યે અસદ્ભાવ ન રાખતો. જે કોઈ બીજાને માટે દુઃખનાં બીજ વાવે છે તેણે એનાં માઠાં ફળ ચાખવાં પડે છે. બેટા, દુ:ખી ન થા. સુરુચિએ પ્રભુને પ્રાર્થવાની સાચી વાત કહી છે. તારાં અપરમાતાની સલાહને કોઈ પણ જાતના દુર્ભાવ વિના સ્વીકારી લે. ઉત્તમની જેમ રાજાના ખોળામાં તું બેસવા ઇચ્છતો હો તો ભગવાન વિષ્ણુની આરાધના કરવા લાગીજા. તારા દુઃખદર્દની દવા મારા ધારવા પ્રમાણે ભગવાન વિષ્ણુ સિવાય કોઈની પાસે નથી.’

માતાના મર્માળા અને શાંત્વના આપતા શબ્દો સાંભળીને પોતાની લાગણી પર સંયમ મેળવીને ધ્રુવજી પોતાના પિતાનું નગર છોડીને જંગલમાં જવા નિકળ્યા. બધું જાણતા નારદઋષિએ જાણ્યું કે ધ્રુવને શા માટે રાજમહેલ છોડવાની ફરજ પડી. એટલે એની નિષ્ઠાની કસોટી કરવા નારદે ધ્રુવને કહ્યું: ‘વત્સ્! ગત જન્મના સારાંમાઠાં કર્મો અને વિચારોને કારણે જીવનમાં સુખદુઃખ તો આવવાનાં જ, એટલે શાણો માણસ એ છે કે જીવનમાં જે કંઈ પણ ઘટે એને ઈશ્વરની ઇચ્છા માનીને સહી લે અને સંતોષી રહે. સામાન્ય માણસ માટે પરમ પ્રભુની કૃપા પ્રાપ્ત કરવી એ દુષ્કર કાર્ય છે. અરે! જેમણે સંસારનો ત્યાગ કર્યો છે તેવા નિરાસક્ત ઋષિઓ પણ સતત પ્રભુને ભજવા છતાં પ્રભુને સમજી શક્યા નથી. અત્યારે આ ઉંમરે આવું અતિકઠોર જીવન જીવવું તારા માટે દુષ્કર છે. પુખ્તવયનો થા ત્યારે તું પ્રયત્ન કરજે.’

ધ્રુવે કહ્યું: ‘અરે ઋષિવર્ય! તમારી સલાહથી મને સંતોષ થતો નથી. મહારાજ, એવો સુપથ મને અત્યારે જ બતાવો કે જેથી ત્રિભુવનમાં મારા પૂર્વજો પણ મેળવી ન શક્યા હોય એવું સર્વોત્કૃષ્ટ સ્થાન હું પ્રાપ્ત કરું.’

નારદજી ધ્રુવના આ મનહૃદયની અડગતા અને પ્રભુકૃપા પ્રાપ્તિના દૃઢનિર્ણયના રણકાવાળા શબ્દો સાંભળીને ખુશ થયા. તેમણે ધ્રુવને કહ્યુંઃ ‘આવું અચળ સ્થાન પ્રાપ્ત કરવા તું ભગવાન વાસુદેવની શરણાગતિ સ્વીકારીને તેને ભજ. આ બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે એમને ભજવા જોઈએ. એટલે જ બેટા! યમુનાતટે આવેલ અને જ્યાં ભગવાન વાસુદેવની સદૈવ ઉપસ્થિતિ રહે છે એવા મધુવનમાં જા. યમુનાના નિરમાં દિવસમાં પ્રાતઃ, મધ્યાહ્ન અને સંધ્યા એમ ત્રણ વખત સ્નાન કરીને હું તને અધ્યારે જે મંત્ર છું તેની તું અવિરત રટણા ક૨ે. આ મંત્ર પવિત્ર અને ગુહ્યાર્થવાળો છે. શંખ, ચક્ર, ગદા પદ્મ ધારણ કરનારા ચતુર્ભુજના મધુરસુંદર રૂપનું ધ્યાન ધરજે. આવા ધ્યાન સાથે તેમની મૂર્તિની જલ, પુષ્પમાળા, ફળ-કંદમૂળ અને તુલસીપત્રથી પૂજા કરજે.’ ત્યાર પછી નારદજીએ ધ્રુવને ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’નો મંત્ર આપીને તેને મંત્રદીક્ષા આપી. ધ્રુવજીએ નારદઋષિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા અને મધુવન જવા ઉપડ્યા.

ધ્રુવને વિદાય આપીને નારદજી ઉત્તાનપાદ રાજા પાસે ગયા. રાજાએ તેમની પૂજા અર્ચના કરીને તેમને માનપૂર્વક આસન આપ્યું. પછી તેમણે રાજા કેમ દુઃખી છે એવું પૂછ્યું. રાજાને જવાબ આપ્યો: ‘હે મહર્ષિ, સ્ત્રીને વશ થઈને હું ક્રૂર અને ઘાતકી બન્યો. અમારા ઉમદા મનહૃદયના પાંચ વર્ષના મેધાવી પુત્ર ધ્રુવને રાજ્ય છોડવાનો આદેશ આપ્યો. કાંતો એને વાઘવરુએ ફાડી ખાધો હશે કે ક્યાંક જંગલમાં ભૂખ્યો તરસ્યો અસહાય એકલોઅટૂલો પડ્યો હશે. મારા દુઃખશોકનું કારણ આ છે.’

નારદે જવાબ આપ્યો : ‘મહારાજ, દુ:ખી ન થાઓ. એ છોકરાને તો પ્રભુએ પુત્રની જેમ જાળવી લીધો છે. તે વિશ્વવિખ્યાત બનવાનો જ. પ્રભુની અમીકૃપા મેળવીને તે થોડાસમયમાં પાછો આવશે. દિક્‌પાલો પણ ન મેળવી શકે તેવી પ્રભુકૃપા એને સાંપડશે.’ નારદના સાંત્વના આપતા શબ્દોથી રાજાનું મન શાંત થયું.

અહીં યમુના સ્નાન કરીને રાત્રે નિરાહાર રહીને મનહૃદયને ધીરસ્થિર કરીને ધ્રુવજી ભગવાન વિષ્ણુના ધ્યાનમાં લીન થઈ ગયા. નારદજીએ આપેલા મંત્રની રટણા તો અવિરત ચાલી રહી છે. આવી રીતે એક માસ સુધી તેમણે ત્રણ દિવસે એક વખત થોડા ફળ ખાઈને તપશ્ચર્યા કરી. બીજે મહિને છ દિવસે એક વખત ઘાસ કે સૂકાં પાંદડાં ખાઈને પોતાની પૂજા તપશ્ચર્યા ચાલુ રાખી. અવિરત ધ્યાન અને નામ સ્મરણ સાથે ત્રીજો મહિનો નવ દિવસે માત્ર એક વખત પાણી પીને ગાળ્યો. અને ચોથે મહિને બાર દિવસે એક વખત માત્ર હવા લઈને આ આકરું તપ ચાલતું રહ્યું. પાંચમો મહિનો એક પગે ઊભા રહીને ધ્યાનસ્મરણમાં વીતાવ્યો. આટલી તપશ્ચર્યા પછી જેમનું ધ્યાન ધરતા હતા તેવા વાસુદેવ પ્રભુના સ્વરૂપનાં દર્શન થયાં. ત્યાર પછી એણે પોતાના દેહ, મન, પ્રાણ સર્વમાં રહેલા અને સર્વત્ર રહેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવામાં લગાડી દીધાં. તેની આ કઠોર તપશ્ચર્યા અને ધ્યાનની શક્તિથી આ ધરતી ડૉલવા લાગી. સ્વર્ગના દેવો પણ ધ્રુવની આ તપશ્ચર્યાથી ચોંકી ભડકી ગયા.

દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કંઈ ઉપાય કરવા વિનંતી કરી. વિષ્ણુએ કહ્યું: ‘ડરો નહિ, આ નાનકડા બાળકે કદીયે ન સાંભળેલી જોયેલી, અને તમને સૌને ધ્રુજાવી દેતી કઠિન તપશ્ચર્યાને અટકાવવા હું કંઈક કરીશ.’ ભગવાન વિષ્ણુ મધુવનમાં ગયા.

ધ્રુવજી પોતાના હૃદયમંદિરમાં ભગવાન વિષ્ણુનું ઓજસ્વી રૂપ નિહાળી રહ્યા છે. ઓચિંતાનું એ દિવ્યરૂપ તેમના અંતર્દશનમાંથી અલોપ થઈ ગયું. ધ્રુવજીએ પોતાના નેત્રો ધીમે ધીમે ઉઘાડ્યા અને સાનંદાશ્ચર્ય સાથે ભગવાન વિષ્ણુને સાક્ષાત્ પોતાની સન્મુખ ઊભેલા નિહાળ્યા. પ્રભુના મધુરસુંદર રૂપને જોઈને તેના હૃદયમાં આનંદની હેલી ઉપડી. બાળ ધ્રુવે પ્રભુજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પરમ આનંદદાયી મધુરમનોહર પ્રભુના સ્વરૂપને જોતાં જોતાં તેઓ જાણે કે એ રૂપની મધુરતા અને આનંદને આંખોથી પી રહ્યા છે, મુખેથી ચૂમી રહ્યા છે અને પોતાના બાહુઓથી તેમને આલિંગન લઈ રહ્યા છે. પ્રભુનાં દર્શનથી અભિભૂત બનીને ધ્રુવજી જે કંઈ કહેવા ઇચ્છતા હતા તે પ્રભુને કહી પણ ન શક્યા. એમની ભાવનાને સમજીને ભગવાન વિષ્ણુએ શંખની તેમના ગાલને સ્પર્શ કર્યો. દિવ્યશંખનો સ્પર્શ થતાં જ તેમની દિવ્યશક્તિથી ધ્રુવજીના મુખમાંથી દિવ્યવાણી સરી પડી. તેઓ ભક્તિભાવપૂર્ણભાવે ત્રિભુવન વ્યાપી પ્રભુ વિષ્ણુનું મહિમાગાન ગાવા લાગ્યા :

‘હે પરમપ્રભુ! તમને કોટિ કોટિ પ્રણામ હજો. તમે હૃદયગૃહે પ્રવેશીને મારાં સુષુપ્ત ગાત્રોને જીવંત કરી દીધાં છે. મારી વાણીને દિવ્યશક્તિથી જાગૃત કરી છે અને એ વાણીથી હું તમારા મહિમાનું ગાન ગાઉં છું. આધ્યાત્મિક સૂઝબૂઝવાળો માનવી આપને કેમ વીસરી શકે? આપ તો બુદ્ધિદાતા છો, પ્રજ્ઞાનું મૂળ ઝરણું છો; અને તમારે શરણે આવેલાનું પરમશરણું છો, આપ મોક્ષદાતા પણ છો.’

‘પરમ પવિત્ર મનવાળા અને સદૈવ તમારાં પ્રેમભક્તિ કેળવવામાં રત રહેનારા તમારા પ્રિય ભક્તજનોનો સાથ સંગ હું સદૈવ માણું એવું કરજો હે દીનાનાથ!’

‘નિરાસક્ત, નિર્લેપભાવે તમને ભજતાં તમારા ભક્તોને મન તમારા શ્રીચરણકમળની શોધના એ જ છે તપ. તેમને બીજા વ૨વ૨દાનની ખેવના નથી. હે પ્રભુ! તમે તમારી અમીવૃષ્ટિ સર્વ ૫૨ કરતા રહો છો. જેમ ગાય પોતાના વાછરડાને સં૨ક્ષે છે તેમ નિર્બળ અને દુઃખી દર્દીને પણ આપ બચાવો છો, રક્ષો છો.’

ધ્રુવની આ હૃદયપૂર્વકની પ્રેમભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ કહ્યું: ‘હે વસ્, હું તારા હૃદયમનની ઇચ્છાને જાણું છું. હું તને કદીયે કોઈએ ન મેળવેલ તેજસ્વી તે૨લાઓથી રચિત અમર, અચળ, ધ્રુવલોક આપું છું. તારા પિતા વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે ત્યાર પછી તું તારા રાજ્યને ૩૬ હજાર વર્ષ સુધી ભોગવજે અને પછી જન્મમૃત્યુથી ૫૨ એવા ધવલોકને પામજે.’ આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા.

પછી ધ્રુવજી ધીમે ધીમે પોતાના રાજ્ય તરફ ચાલવા લાગ્યા. જ્યારે રાજા ઉત્તાનપાદે સાંભળ્યું કે તેનો પુત્ર વનમાંથી પાછો આવે છે ત્યારે ધ્રુવનું સ્વાગત કરવા અને તેને મળવા માટે તે રથમાં નીકળે છે. સુનીતિ, સુરુચિ અને રાજકુમાર ઉત્તમ પણ રાજા સાથે પાલખીમાં નીકળે છે. નગરસીમા બહાર પોતાના પુત્રને મળવા રાજા ઉત્તાનપાદ પોતાના રથમાંથી નીચે ઉતર્યા અને પ્રેમભાવે ધ્રુવને ભેટી પડ્યા. તેણે પોતાના પુત્ર પર પ્રેમની હેલી વરસાવી. ધ્રુવે પિતાને માનઅદબ સાથે પ્રણામ કર્યા. સનીતિ અને સુરુચિને પણ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. સુરુચિ પ્રણામ કરતા બાળક ધ્રુવને આંખમાં આંસુ સાથે ભેટી પડ્યાં. સુરુચિએ ધ્રુવને દીર્ઘાયુ બનવાની શુભાશિષ આપી. સુરુચિનું હૃદયપરિવર્તન થઈ ગયું. જેમને પ્રભુની કૃપા મળી હોય તેમના તરફ બધાંનો પ્રેમભાવ વળે છે. રાજકુમા૨ ઉત્તમ અને ધ્રુવજી પણ પ્રેમભાવે ભેટી પડ્યા. અંતે સુનીતિ પોતાના પ્રિય પુત્રને ભેટી પડી. તેમના આનંદનો આજે પાર નથી. પોતાનાં દુ:ખકષ્ટ જાણે કે કપાઈ ગયાં.

ધ્રુવજી અને ઉત્તમકુમારને હાથી પર બેસાડીને નગરયાત્રા કાઢી. થોડા સમય પછી ધ્રુવને રાજગાદી મળી. લાંબા સમય સુધી તેમણે રાજ્ય કર્યું. એમના રાજ્યકાળ દરમિયાન પ્રજા સુખી અને સમૃદ્ધ બની, સર્વત્ર સુખસમૃદ્ધિનું સામ્રાજ્ય હતું.

દીર્ઘકાળ સુધી રાજકાજ ચલાવ્યાં. આ દુનિયા અને દુનિયાના સુખો ક્ષણજીવી છે. ભગવાન વિષ્ણુનાં શ્રીચરણકમળ સૌથી મહાન અને અમર સંપત્તિ છે. આમ માનતા પરમ ભક્ત ધ્રુવ બધું છોડીને બદ્રિકાશ્રમ ગયા અને ત્યાં ભગવાન વિષ્ણુનું સતત ધ્યાન સ્મરણ કર્યું. બદ્રિકાશ્રમમાં ધ્રુવજી બધું દેહભાન ભૂલીને પ્રભુધ્યાન સ્મરણમાં લીન થઈ ગયા. ભગવાનનું વિષ્ણુ દિવ્ય વિમાન આવ્યું. એ દિવ્ય વિમાનમાંથી વિષ્ણુના બે સેવકો નીચે ઊતર્યા અને ધ્રુવજીને કહ્યું: ‘હે રાજા ધ્રુવ! તમે ધ્યાનથી સાંભળજો. અમે ભગવાન મહાવિષ્ણુના સેવકો છીએ. અમે તમને અહીંથી ધ્રુવ લોકમાં લઈ જવા આવ્યા છીએ. આ ધ્રુવલોક ભગવાન વિષ્ણુની પરમકૃપાથી આપને મળ્યો છે.’ પછી ધ્રુવજી એમની સાથે ધ્રુવલોકમાં ગયા. ત્યાં એક પરમશુદ્ધ રત્નમણિની જેમ એક ધ્રુવતારક રૂપે સદૈવ ચમકતા રહ્યા.

ધ્રુવની વાર્તા સાંભળવાથી સુખસમૃદ્ધિ, યશકીર્તિ, શાંતિ અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે. એનું વારંવાર રટણ કે પઠન ક૨ના૨ને ભગવાન વિષ્ણુનો પરમ પ્રેમ પ્રાપ્ત થાય છે.

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.