શ્રીરામકૃષ્ણદેવનો જન્મ ૧૮૩૬માં પશ્ચિમ બંગાળના એક નાના ગામના ગરીબ બ્રાહ્મણપરિવારમાં થયો હતો. આજે એમને પૂર્વ અને પશ્ચિમમાં ‘સંસ્કૃતિના તારણહાર’ રૂપે પૂજવામાં આવે છે.

૨૨ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ ન્યૂયોર્ક શહેરમાં વર્લ્ડટ્રેડ સેન્ટરના મહાવિનાશની વાર્ષિક તિથિ પ્રસંગે સર્વધર્મના પ્રતિનિધિઓની એક શાંતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિસભાનું આયોજન અમેરિકાના લોકોએ નહિ પરંતુ શ્રીરામકૃષ્ણ સંઘના ૧૬ સંન્યાસીઓએ કર્યું હતું. આ સમારંભમાં ખ્રિસ્તીધર્મના બિશપ્સ, યહૂદીધર્મના ધર્મગુરુઓ અને અમેરિકાના સદ્‌ગૃહસ્થોએ પણ ભાગ લીધો હતો. આજે જ્યારે અમેરિકા અને ઇરાક વચ્ચે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે અને મુસ્લિમ ધર્મઝનૂનીઓનો વિશ્વનાં મુખ્ય શહેરોનો મહાવિનાશ સર્જવાની ધ્રુજાવી દેનારી ધમકીઓનો ભય સતાવી રહ્યો છે. વિશ્વભરમાં શ્રીરામકૃષ્ણદેવના બધાં મંદિરોમાં ક્રિસમસ, ઈદ, ભગવાન બુદ્ધ અને મહાવીર તેમજ ગુરુનાનકની જન્મજયંતીઓ ભક્તિભાવ અને આનંદોલ્લાસથી ઉજવાય છે. શ્રીરામકૃષ્ણદેવે, ભારતના પનોતાપુત્રે, પ્રભુના આ મહાન અવતારે સૂફી ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મની ઉપાસના કરી હતી. તેમણે પોતાની અનુભૂતિના અંતે આ બધા માર્ગોને ઈશ્વર પ્રતિ દોરી જતા સર્વોત્કૃષ્ટ પથ રૂપે ગણ્યા હતા.

શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશનું એક સવોત્કૃષ્ટ ધ્યેય હતું : દરેક માનવની ભીતર પ્રભુ રહેલા છે, એ વાતની માનવજાતને યાદ અપાવવી. માનવની ભીતર રહેલા આ અનંત આનંદની, અનંત જ્ઞાનની, અમૃતત્વની અનુભૂતિ કરવી એ જીવનનું ધ્યેય છે.

આજે અમેરિકાના ૨૧% યુવાનો ભીતરની અશાંતિને કારણે ગાંડપણને માર્ગે જઈ રહ્યા છે ત્યારે એ સમાજને સુસ્થિર બનાવવા માટે આપણી ભીતર રહેલા પ્રભુની અનુભૂતિ દ્વારા શ્રીરામકૃષ્ણે બતાવેલા શાંતિના પથની શોધના એ જ એક માર્ગ છે. આપણા સમાજ માટે સર્વમાં રહેલી આ દિવ્યતાને ભજવા-પૂજવાનો સંદેશ અત્યંત આવશ્યક છે; એમાંયે નારીજાતિનું સન્માન સૌથી વધુ આવશ્યક છે. શ્રીરામકૃષ્ણના જીવનકાળમાં સ્ત્રીઓને પ્રભુસમોવડી બનાવીને, માનવજાતના ગુરુ સમાન સર્વોચ્ચકક્ષાએ મૂકીને એમને ઉન્નત કર્યાં હતાં. આવતીકાલની નવી સંસ્કૃતિમાં જ્યાં નારીનો એક વ્યાપારિક વસ્તુ તરીકેનો ઉપયોગ થવાનો છે, થઈ રહ્યો છે એને બદલે શ્રીરામકૃષ્ણદેવના સંદેશને કારણે નારી જગત બચી જશે અને એમની ઉન્નતિ થશે. 

શ્રીરામકૃષ્ણે પ્રબોધેલા ઉપદેશ પ્રમાણે સર્વજીવોમાં રહેલા પ્રભુની સેવા કે પૂજા એ જ શ્રેષ્ઠ સેવાપૂજા છે. આજે શ્રીરામકૃષ્ણ સંઘની હોસ્પિટલોમાં શલ્યચિકિત્સા, આરોગ્ય ચિકિત્સા અને સેવાસુશ્રૂષા દ્વારા સંન્યાસી ડોક્ટરો રોગીનારાયણની સેવા-પૂજા કરે છે. શ્રીરામકૃષ્ણ સંઘની શાળા મહાશાળાઓમાં સંન્યાસી શિક્ષકો અને રામકૃષ્ણ-વિવેકાનદ ભાવધારાને વરેલા ભાવિકો જ્ઞાનની ઉપાસના દ્વારા વિદ્યાર્થીનારાયણની સેવાપૂજા કરે છે. આ સેવાભાવનાને લીધે આજે રામકૃષ્ણ સંઘની શ્રેષ્ઠ ઇસ્પિતાલો અને સર્વોત્તમ શાળા-મહાશાળાઓ ‘માનવમાં રહેલા પ્રભુની સેવા એ જ પ્રભુપૂજા’ એ શ્રીરામકૃષ્ણસંસ્કૃતિના સેવાના આદર્શ સાથે એક આદર્શ સંસ્થારૂપે ઊભરી રહી છે. સમગ્ર ભારતવર્ષ ધીમે ધીમે શ્રીરામકૃષ્ણદેવના ‘માનવમાં રહેલા પ્રભુની સેવા એ જ પ્રભુપૂજા’ આ સર્વસેવાના આદર્શને અપનાવી રહ્યું છે.

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.