अन्धं तम: प्रविशन्ति ये अविद्यामुपासते।
ततो भूय इव ते तमो य उ विद्यायां रता: ।।९।।

अन्धम्‌ (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तम:, અંધારું, ‘હું’ અને ‘મારું’ થી લક્ષિત થતો અંધકાર, અહંકાર મિથ્યાભિમાન વગેરે; प्रविशन्ति, પ્રવેશે છે; ये, જેઓ; अविद्याम्‌ उपासते, ફક્ત યાંત્રિક રીતે યજ્ઞો કરે છે; तत: भूय: इव, એના કરતાં વધારે ઊંડા; तम, અંધકારમાં; य उ, જે; विद्यायां रता:, દેવો અને દેવીઓની ઉપાસના કરવામાં મગ્ન છે.

જેઓ યાંત્રિક રીતે જ યજ્ઞો કરે છે (અવિદ્યા), તેઓ આંધળાની પેઠે અંધકારમાં પ્રવેશ કરે છે, પરંતુ જેઓ ફક્ત દેવો અને દેવીઓની ઉપાસના કરવામાં જ રચ્યાપચ્યા રહે છે (વિદ્યામાં), તેઓ તો વળી એથીય વધારે ઊંડા અંધકારમાં પ્રવેશે છે. (૯)

અહીં ‘આંધળાનો અંધકાર’ એ શબ્દો અજ્ઞાનનું સૂચન કરે છે. અને જે દેવો અને દેવીઓની ઉપાસના કરે છે, તેઓ વળી વધારે ઊંડા અંધકારમાં પ્રવેશે છે એવું કહેવામાં આવ્યું છે, કારણ કે એ લોકો પોતે કરેલી ઉપાસનાઓનો બદલો – વળતર – ફળ લેવા ઇચ્છે છે. જ્યાં સુધી ‘હું’ અને ‘મારું’ની લાગણી આપણામાં હોય છે, ત્યાં સુધી આત્મજ્ઞાનનો સંભવ હોઈ શકે નહિ. જ્યારે તમે ‘હું’ અને ‘મારું’ એમ કહો છો ત્યારે તમે સહજ રીતે જ તમને શરીર-મનના એક સંકુલ તરીકે જ ઓળખાવો છો. આ જ બતાવી આપે છે કે તમે તમારા સાચા આત્માથી અજાણ છો. એ આત્મા તો વિશુદ્ધ ચૈતન્ય છે અને વળી એજ સર્વકોઈને પણ આત્મા છે. મનુષ્ય ‘હું’ અને ‘મારું’ એવા જ શબ્દોનો પ્રયોગ કરે છે, તે જ એના અજ્ઞાનપણાની નિશાની છે. તે કહે છે : ‘હું આવો છું અને હું તેવો છું મારી પાસે આટલી મિલકત છે’ વગેરે.

અજ્ઞાની માણસના મનમાં ઘણીબધી ઇચ્છાઓ હોય છે. અને બધી ઇચ્છાઓને કારણે તે વારંવાર જન્મ પામ્યા કરે છે. એ માટે એણે શરીર ધારણ કરવું પડે છે; એ વિના તો એ પોતાની કામનાઓને સંતોષી શકે જ નહિ. પરંતુ માણસ જેટલો વધારે પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે મથામણ કરે છે, તેટલું વધારે ને વધારે એનું મન ઇચ્છાઓની પકડમાં ફસાતું જાય છે. આ રીતે અનંતકાળ સુધી ચાલ્યા જ કરે છે. પરંતુ માનવજાતિને વિચાર કરવાની અને વિવેક કરવાની શક્તિ મળી છે. એટલે એ જલદી અનુભવ કરી શકે છે કે જે માર્ગે તે અત્યાર સુધી ચાલતો રહ્યો છે, તે માર્ગ એને મનની શાંતિ આપી શકે તેમ નથી તે સમજી જાય છે કે એણે બીજો જ માર્ગ – ત્યાગનો માર્ગ – જ અપનાવવો જોઈશે. જ્યાં સુધી એ ત્યાગના માર્ગનું અનુશીલન નહિ કરે, ત્યાં સુધી આંધળા માણસની પેઠે અંધકારમાં જ ડૂબ્યો – અથડાતો – રહે છે અને દુ:ખી થયા કરે છે.

આવા મનુષ્યો બે પ્રકારના હોય છે. આવા બંને પ્રકારના લોકો અંધારામાં આથડે છે. એક પ્રકારના લોકો તો અવિદ્યાની – અજ્ઞાનની – ઉપાસના કરનારા છે. એટલે કે તેઓ યાંત્રિક રીતે જ શાસ્ત્રોમાં કહેલા યજ્ઞો કર્યા કરે છે. આવા યજ્ઞો તેઓ શા માટે કરે છે, એનો કશો જ વિચાર તે લોકો કરતા નથી. આવા લોકો અંધકારમાં ડૂબેલા છે, એ વિશે તો કશી શંકા છે જ નહિ જ્યાં સુધી તેમના ઉપર જ્ઞાનની ઉષા ઉદય નહિ પામે, ત્યાં સુધી તેઓ અંધકારમાં ડૂબેલા જ રહેવાના. એટલે કે પોતાને બચાવવા માટે તેમણે આત્મજ્ઞાનની ઝંખના સેવવી જ રહી.

વળી, બીજા પ્રકારના લોકોની પરિસ્થિતિ તો આના કરતાં પણ વધુ ખરાબ છે. એ લોકો ‘વિદ્યા’ની ઉપાસના કરે છે. સામાન્ય રીતે ‘વિદ્યા’ શબ્દનો અર્થ ‘જ્ઞાન’ એવો થાય છે. પણ અહીં એ શબ્દ ‘દેવો અને દેવીઓ’ના અર્થમાં વપરાયેલો છે. કેટલાક માણસો દેવો અને દેવીઓની ઉપાસના કરે છે કે જેનાથી તેઓ કોઈ ને કોઈ દિવસે એમના જેવો દરજ્જો પ્રાપ્ત કરી શકે. તેઓ તેમની એ ઇચ્છાને સંતોષી તો શકે છે પરંતુ એમના મોક્ષલાભમાં એનાથી ઘણો વિલંબ થાય છે. એટલા માટે જ ઉપનિષદ કહે છે કે તેઓ વધારે ઊંડા અંધકારમાં ગરકાવ થઈ જશે.

अन्यदेवाहुर्विद्ययाऽन्यदाहुरविद्यया।
इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥१०।।

अन्यत, અલગ; एव, જ, બીજું કશું નહિ પણ ; आहु:, (વિદ્વાનો) કહે છે; विद्यया, દેવદેવીઓની ઉપાસના વડે; अन्यत्‌, અલગ (જ); आहु:, કહે છે; अविद्यया, (અગ્નિહોત્ર અને બીજા) યજ્ઞોના અનુષ્ઠાનથી; न: तत्‌ विचचक्षिरे, તેમણે અમને કહ્યું છે; ये, જેઓ; इतिशुश्रुम, એવું અમે સાંભળ્યું છે; धीराणाम्‌, શાણા પુરુષો પાસેથી.

વિદ્વાનો કહે છે કે ‘અવિદ્યા’નો માર્ગ (અગ્નિહોત્ર અને બીજા યજ્ઞોનું અનુષ્ઠાન) અને ‘વિદ્યા’નો માર્ગ (દેવદેવીઓની ઉપાસના) એ બંને અલગ અલગ પરિણામ લાવે છે (જુદાં જુદાં ફળ આપે છે). શાણા પુરુષો એની શાખ પૂરે છે. (૧૦)

‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ એ બંને આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં અડચણરૂપ છે. પણ ‘વિદ્યા’ તો ‘અવિદ્યા’ કરતાં ય વધારે ખરાબ છે. અહીં ‘વિદ્યા’ શદ એક ખાસ અર્થમાં જ વપરાયેલો છે. અહીં એનો અર્થ ‘દેવો અને દેવીઓની ઉપાસના’ એવો કરવામાં આવેલો છે. દેવદેવીઓની ઉપાસનાથી તમે મરણ પછી દેવદેવીઓના લોકમાં જાઓ છો તો ખરા, પણ તમને શું એ કંઈ સહાય કરશે કે? તમે એ લોકમાં જેટલો સમય પસાર કરશો, તેટલો સમય તો વ્યર્થજ જવાનો. કારણ કે જો તમે ત્યાં ન હોત, તો તમે એટલો સમય આત્મજ્ઞાન તરફ આગળ પ્રગતિ કરવામાં ગાળી શક્યા હોત. એ આત્મજ્ઞાન જ તમારા જીવનનો ઉદ્દેશ છે. દેવદેવીઓના લોકમાં રહેતાં તમે એવું કરી શકતા નથી અને આ રીતે તમે વધારે ને વધારે અંધકારમાં ધકેલાતા જાઓ છો. ‘અવિદ્યા’ એ કર્મ છે અને એટલા માટે એ અડચણરૂપ છે. તમે ‘અવિદ્યા’ની ઉપાસના કરો છો, એટલે કે તમે અગ્નિહોત્ર અને અન્ય યજ્ઞોનું અનુષ્ઠાન કરો છો એ ઘણું કરીને ચિત્તની શુદ્ધિનો માર્ગ છે. અને એ પણ અંધકારમાં ડૂબવા જેવું જ છે તો ખરું, પરંતુ પહેલાં બતાવેલા માર્ગ જેટલું તમારા સમય અને શક્તિ ઉપર રહી રહીને ભારે વજન તો એ ન બનત.

શંકરાચાર્યની છેવટની સલાહ આ છે : કર્મ અને ઉપાસનાને બંનેને સાથે જોડી દો. એ બંને સાથે મળીને આત્મજ્ઞાન તરફ જવાના તમારા પગલાંને કદાચ ઉતાવળું બનાવી દે ખરાં. કારણ કે તે તમને ‘ચિત્તશુદ્ધિ’ – મનની નિર્મળતા તરફ દોરી જશે. જ્યારે આવું બનશે, ત્યારે તમારી આનંદપ્રમોદની બધી ઇચ્છાઓ ઓછી થઈ જશે. અને તમારો ‘હું અને ‘મારું’નો ભાવ શમી જશે. આ ‘ક્રમમુક્તિનો’ – ધમે ધીમે થતી અથવા તો પ્રગતિશીલ મુક્તિનો – માર્ગ છે. એમ શંકરાચાર્ય માને છે.

विद्याञ्चाविद्याञ्च यस्तद्वेदोभयं सह।
अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते ॥११।।

य:, જે; विद्यां च अविद्यां च, વિદ્યાને અને અવિદ્યાને; तत्‌ उभयम्‌ सह, તે બંનેને; वेद, જાણે છે (એટલે કે એ બંનેનું અનુશીલન – આચરણ કરે છે); अविद्यया, ‘અવિદ્યા’ વડે; मृत्युं तीर्त्वा, મૃત્યુને પાર કરીને, ઓળંગીને; विद्यया, વિદ્યા વડે; अमृतम्‌ अश्नुते, અમરત્વની પ્રાપ્તિ કરે છે.

જે મનુષ્ય દેવદેવીઓની ઉપાસના-વિદ્યાની ઉપાસના પણ કરે છે અને યજ્ઞયાગાદિનાં અનુષ્ઠાનો પણ સાથોસાથ કરે છે. (અવિદ્યાને ઉપાસે છે), તે યજ્ઞોથી-અવિદ્યાથી-મૃત્યુની પેલી પાર જઈને દેવદેવીઓની ઉપાસના-વિદ્યાથી-અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. (૧૧)

દેવદેવીઓના ઉપાસકની અને યજ્ઞયાગાદિ કરનારાઓની – બંનેની બાબતમાં શરત તો એ કે એવા મનુષ્યોએ કોઈ વ્યક્તિગત લાભ ખાટવા માટેનો હેતુ રાખવો જોઈએ નહિ. એમણે પોતે કરેલાં કર્મોનાં ફળની આકાંક્ષા રાખવી ન જોઈએ. અર્થાત્‌ દેવદેવીઓના લોકમાં-સ્વર્ગમાં જવાની કામના ન રાખવી જોઈએ.

જેમ પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તેમ ‘વિદ્યા’ શબ્દનો એક ખાસ અર્થ અહીં લેવામાં આવ્યો છે અહીં એ શબ્દનો અર્થ ‘દેવદેવીઓની ઉપાસના’ એમ કરવામાં આવ્યો છે. અને એવી જ રીતે ‘અવિદ્યા’ શબ્દ પણ એક વિશિષ્ટ પ્રયોજાયેલો છે એનો અર્થ ‘કર્મ’ એવો છે. એટલે કે ‘અગ્નિહોત્ર અને બીજા યજ્ઞોનું અનુષ્ઠાન’ એવો કરવામાં આવ્યો છે. આવાં કર્મો મનુષ્ય માટે અનિવાર્ય અને નિયત કર્મો છે. પરંતુ, જો એ કર્મો કશા ફળની આસક્તિ વગર જ કરવામાં આવે તો એ ચિત્તની શુદ્ધિ કરવામાં મદદગાર થાય છે. કર્મ અને ઉપાસનાને ભેળાં કરવાં એ ક્રમમુક્તિનો માર્ગ છે. જે લોકો ત્યાગના માર્ગ માટે તૈયાર નથી, તેવા લોકો માટે આ માર્ગે ચાલવાની શંકરાચાર્ય અનુમતિ આપે છે.

પરંતુ, ધારો કે તમે આ બંને માર્ગને છૂટા પાડીને એનું અલગ અલગ અનુશીલન કરો છો. ત્યારે જો તમે માત્ર અવિદ્યાની ઉપાસના જ કરો, તો પિતૃલોકમાં જશો. (તમારા પૂર્વજોના લોકમાં જશો). એ અંધારિયો પ્રદેશ છે. કારણ કે એ આત્મજ્ઞાનથી ખૂબ ખૂબ દૂર છે. હકીકતમાં તમારે તે પ્રદેશમાં આત્મજ્ઞાન મેળવવા માટે ઘણી રાહ જોવી પડશે. પરંતુ, જો તમે ‘વિદ્યા’ની ઉપાસના કરશો, એટલે કે દેવદેવીઓની ઉપાસના જ કરશો, તો તો વળી તમે એથીય વધારે અંધારિયા પ્રદેશમાં પ્રવેશી જશો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં એથી વધુ વિલંબ થઈ જશે.

એ વાત તો સાચી કે તમે વિદ્યાની ઉપાસનાથી દેવલોકમાં – દેવદેવીઓના સ્વર્ગમાં પ્રવેશ કરો છો. પણ ત્યાં તમે ભોગવિલાસમાં સપડાઈ જાઓ છો. અને ત્યાં તમે એટલો સમય ગાળો છો કે જ્યાં સુધી તમે કરેલી ઉપાસનાનાં ફળો પૂરેપૂરાં ભોગવાઈ ન જાય. અને ત્યાર પછી તમે પાછા માનવજાતિમાં જન્મ ધારણ કરો છો. અને પહેલાં જ્યાંથી અધૂરો મૂક્યો હતો ત્યાંથી ફરી પાછો એ (આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો) સંઘર્ષ શરૂ થઈ જાય છે. એટલા માટે ‘વિદ્યા’ ને વધારે અંધકારમય ગણાવી છે.

પરંતુ, જો તમે એ બંનેને – વિદ્યા-અવિદ્યાને – એકી સાથે જોડી દો એટલે કે કોઈ પ્રકારના ફળની કશી આસક્તિ વગર નિયત કર્મો-તમારી ફરજનાં કર્મો પણ કરતા જાઓ, અને એની સાથોસાથ દેવદેવીઓની ઉપાસના પણ કરતા રહો અને એમાં પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવાની કશી આસક્તિ ન રાખો, તો તમને એ બંનેના લાભો મળી શકશે. મુક્તિ અને આનંદ બંને તમને મળી જશે. જે લોકો ત્યાગ કરવા માટે તૈયાર હોતા નથી તેવા લોકો માટે આ માર્ગની ભલામણ કરવામાં આવી છે.

अन्धं तमः प्रविशन्ति येऽसम्भूतिमुपासते।
ततो भूय इव ते तमो य उ सम्भूत्यां रताः ॥१२।।

 ये असम्भूतिम उपासते, જે લોકો અવ્યક્તની ઉપાસના કરે છે તેઓ; उ अन्धम्‌ तमः प्रविशन्ति, અન્ધકારમય પ્રદેશમાં પ્રવેશે છે કે જ્યાં તેઓ પૂર્ણ રીતે અંધ બની જાય છે; ये उ सं भूत्याम्‌ रताः, અને જેઓ વ્યક્તની ઉપાસના કરવામાં મશગૂલ છે; तत: भूय: इव ते, તેઓ (તો) એના કરતાં પણ વધારે અંધકારમાં પ્રવેશ કરે છે.

જેઓ અવ્યક્તની (જગતની કારણ અવસ્થાની) ઉપાસના કરે છે, તેઓ અંધકારમય પ્રદેશોમાં પ્રવેશ કરે છે, કે જે અંધાપા જેવી જ સ્થિતિ છે. પરંતુ, જેઓ વ્યક્તની (આપણે આપણી આજુબાજુ જે જગતને જોઈએ છીએ તે જગતની) ઉપાસનામાં તલ્લીન છે, તેઓ તો વળી વધારે અંધકારમાં પ્રવેશે છે. (૧૨)

‘असंभूति’, એટલે અવ્યક્ત અને ‘संभूति’, એટલે વ્યક્ત. ભારતીય તત્ત્વજ્ઞાન કોઈ નવું સર્જન થતું હોય એમ માનતું નથી. શૂન્ય કે અભાવમાંથી કશું નવું નીપજે છે, એવી વાત એને સ્વીકાર્ય નથી. કાર્ય થયા પહેલાં એનું કંઈક કારણ અસ્તિત્વ ધરાવતું જ હોવું જોઈએ. ભલે એ કારણ દેખાતું ન હોય; પણ એ કોઈક વખત હસ્તી તો ધરાવતું જ હોવું જોઈએ. દાખલા તરીકે તમારી સામે એક મોટુંમસ વડલાનું ઝાડ છે. એ ક્યાંથી આવ્યું? એ ધરતીની નીચે દટાયેલા બીજમાંથી આવ્યું છે. એ બીજ ત્યાં અદૃષ્ટ રીતે પડી રહ્યં હતું, પણ એ ત્યાં પહેલાં હતું તો અવશ્ય જ. આપણે એવું ન કહી શકીએ કે એનું અસ્તિત્વ જ ન હતું. એ આખું વૃક્ષ બીજમાં ‘અવ્યક્ત’ રૂપે હતું જ અને અત્યારે એ ‘વ્યક્ત’ રૂપે થયું છે.

(ક્રમશ:)

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.