‘The Limits of Reductionist Science’ પર ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીએ ૯ માર્ચ, ૨૦૦૩ના રોજ યોજેલ ચર્ચાસભામાં સ્વામી જિતાત્માનંદજીએ Science Turns from Materialism to Holism એ વિષય પર પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. ૨૦૦ જેટલા ભારતભરના વૈજ્ઞાનિકોની આ સભામાં પદ્મવિભૂષણ ડો. ચિદંબરમ્‌, પદ્મવિભૂષણ ડો. વરદરાજન્‌, ડો. પી.એન. ટંડન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચની વિવિધ સંસ્થાના વડાઓ, સમાજના અગ્રણીઓ અને ઈન્સાના ભૂતપૂર્વ સભ્યો ઉપસ્થિત હતા. આ કાર્યક્રમના મુખ્ય સંયોજક ડો. ઇન્દ્રનિલ મિત્રા હતા. ડો. રણજીત નૈયરે The Reductionist Science પરના પોતાના વ્યક્તત્વ દ્વારા ચર્ચાને ખૂલી મૂકી. ડો. એ. કે. મુખર્જીએ Director, Indian Association for Cultivation of Science, Calcutta રસાયણ વિજ્ઞાનો વિશે અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બઁગલોરના ડો. મુકુંદને ભૌતિક વિજ્ઞાનો વિશે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.

શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે ‘શ્રીમા શારદા સંસ્કાર ધામ’નો સમર્પણવિધિ સંપન્ન

રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે તુંબડા (બોખિરા)માં ૨૩, ફેબ્રુઆરીએ સાંજે ૪.૧૫ વાગ્યે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ધરતીકંપ પુનર્વસનકાર્ય હેઠળ રૂપિયા ૫૫ લાખના ખર્ચે બંધાયેલ ૫૦ આવાસી મકાનવાળા નવનિર્મિત ‘શ્રીમા શારદા સંસ્કારધામ’નો સમર્પણવિધિ થયો હતો. શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે અહીં રહેતા ભિન્ન ભિન્ન જાતિના લોકોને શાંતિ, સમન્વય અને સહકારથી રહેવાની સલાહ આપી હતી. શ્રીમા શારદાદેવીનો આ જ ઉપદેશ હતો. સ્વામીજીએ સ્થાપેલ રામકૃષ્ણ મિશને રામકૃષ્ણદેવે પોતે નિર્દેશેલા ‘દરિદ્રનારાયણની સેવા એ જ પ્રભુપૂજા’ના આદર્શને વરીને સર્વ સેવાની અનેક પ્રવૃત્તિઓ કરી છે.

૧લી માર્ચ, ૨૦૦૩ના રોજ રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ધરતીકંપ પુનર્વસનકાર્ય હેઠળ તુંબડા ગામે નવેસરથી બંધાયેલ ‘શ્રીમા શારદાવિદ્યામંદિર’નો સમર્પણવિધિ કેન્દ્રસરકારના પ્રવાસન, સંસ્કૃતિ અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન શ્રીમતી ભાવનાબહેન ચીખલિયાના વરદ હસ્તે થયો હતો. એમણે ઉપસ્થિત લોકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને ભારતના આધ્યાત્મિક સંસ્કૃતિના વારસાને પોતાના સાર્વત્રિક વિકાસ માટે અપનાવવાની હાકલ કરી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના સંન્યાસીઓ વર્ષોથી આ કાર્ય કરી રહ્યા છે. રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા ગુજરાત ધરતીકંપ પુનર્વસન કાર્યક્રમ હેઠળ રૂપિયા ૧૭ કરોડના ખર્ચે ૮૧ શાળાઓ અને ૬ નિવાસી વસાહતોનું બાંધકામ થયું હતું, એમ વિગતવાર માહિતી આપતાં સ્વામી નિખિલેશ્વરાનંદે કહ્યું હતું.

રામકૃષ્ણ મિશન, લીંબડી

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા લીંબડીમાં નવનિર્મિત ‘મા સારદા કન્યા વિદ્યાલય’નું ઉદ્‌ઘાટન ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલશ્રી સુંદરસિંહ ભંડારીના વરદ હસ્તે તા. ૨૦-૦૩-૨૦૦૩ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે થયો હતો. રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટીશ્રી શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદજી મહારાજ આ સમારંભના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત હતા. અનન્ય સેવાપ્રવૃત્તિઓને તેમણે બિરદાવી હતી. આ પ્રસંગે સમાજના ઘણા અગ્રણીઓ ઉપસ્થિત હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રીઠાકુરતિથિ પૂજામહોત્સવની ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૫મી માર્ચના રોજ શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી. આ પ્રસંગે સર્વધર્મસમન્વયનો સંદેશ આપતી સર્વ દેવદેવીઓ અને સંતો, ભક્તોની અનન્ય વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૨૫ સ્પર્ધકોને ઇનામો આપવામાં આવ્યાં હતાં.

સવારે ૭.૩૦ થી ૮.૩૦ સુધી નીકળેલી શોભાયાત્રામાં ૨૭૦૦ વિદ્યાર્થીઓ અને ૩૦૦થી વધુ ભક્તજનોએ ભાગ લીધો હતો. સર્વધર્મસમન્વયનો સંદેશ વ્યક્ત કરતાં ફ્‌લોટ્‌સ આ શોભાયાત્રાનું અનેરું આકર્ષણ હતું. શોભાયાત્રાને અંતે વિદ્યાર્થીઓની સભામાં સ્વામી જિતાત્માનંદજીએ આજના યુગમાં શ્રીરામકૃષ્ણદેવના સંદેશના મહત્ત્વની વાત કરી હતી. એસ.એન.કે. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘ચિદાનંદ રૂપ’નું ભાવવાહી ગાન રજૂ થયું હતું. કાર્યક્રમના પ્રારંભે સિસ્ટર નિવેદિતા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ‘શ્રીગણેશવંદના’ ગાન અભિનય સાથે રજૂ થઈ હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓએ ‘દરિદ્રનારાયણની સેવા એ જ પ્રભુપૂજા’ નામનો નાટ્યાભિનય રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે આ વિદ્યાર્થીઓએ શ્રીઠાકુર વિશે ભાવવાહી ભજન રજૂ કર્યું હતું. આ ઉપરાંત સ્વામી સર્વસ્થાનંદ, બ્રહ્મચારી દેવચૈતન્ય, બ્રહ્મચારી રમેશ ચૈતન્ય તેમજ વિદ્યાર્થીઓનાં વાંચન રજૂ થયાં હતાં.

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.