हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्‌।
तत् त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ।।१५।।

पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે, ચક્ર વડે; सत्यस्‍य मुखम्‌ अपिहितं, સત્યનો ચહેરો ઢંકાઈ ગયેલો છે; त्वम्‌ तत्‌ अपावृणु, કૃપા કરીને તમે એને દૂર કરી દો; सत्यधर्माय दृष्टये, કે જેથી સત્યધર્મનો સાધક એવો હું એને જોઈ શકું.

સત્યનો ચહેરો, ચળકતા ગોળ પાત્ર (ચક્રાકાર પાત્ર) વડે ઢંકાયેલો છે. હે સૂર્ય, જીવનને તેમજ આ જગતમાં જે કંઈ છે તેનું પાલનપોષણ કરનાર! કૃપા કરીને એ ચળકતાં ચક્રાકાર પાત્રને દૂર કરી દો, કે જેથી સત્યની ઝંખના કરતો એવો હું એને જોઈ શકું. (૧૫)

અહીં સૂર્યમાં સજીવારોપણ કરવામાં આવ્યું છે. તે બધાનો પાલનહાર પોષક છે; તે સર્વના જીવનનો સ્રોત છે. એ પોતે ઝળહળતા પ્રકાશ સ્વરૂપ છે અને એ અન્યને પણ પ્રકાશ આપે છે; પ્રકાશિત કરે છે. એની તેજસ્વિતા એટલી બધી છે કે એ આપણી આંખોને આંજી દે છે. ઉપનિષદ કહે છે કે એ સૂર્ય પાછળ એક સત્ય છુપાયેલું છે અને તે બ્રહ્મ કરતાં કોઈ બીજું નથી. આપણે બધા એ સત્યની ઝંખના કરી રહ્યા છીએ; બ્રહ્મ સાક્ષાત્કારની ઝંખના કરી રહ્યા છીએ. પરંતુ, આંખો આંજી દેતા ઝળહળતા સૂર્યપ્રકાશને લીધે આપણે એ જોઈ શકતા નથી. એ સૂર્ય જાણે કે સત્યને ઢાંકી દેતો સોનાનો (ગોળાકાર) થાળ છે. આપણે સૂર્યને પ્રાર્થના કરીએ કે એ પોતાનું સત્ય આડે આવેલું ચક્રાકાર સુવર્ણપાત્ર ખસેડી લેવા રાજી થઈ જાય કે જેથી આપણે બ્રહ્મનો ચહેરો નિહાળી શકીએ – એટલે કે આપણે સત્યનો સાક્ષાત્કાર કરી શકીએ, સત્યને અનુભવી શકીએ.

આ રીતે બધી જ જ્ઞાનેન્દ્રિયો જાણે કે તેમના ઉપર સોનેરી ચક્રાકાર વાસણ ઢંકાઈ ગયું હોય, તેવી રીતે ઘેરાઈ ગઈ છે. અને એટલા માટે આપણને લાગે છે કે એના તરફ આપણે જાણે કે ખેંચાઈ રહ્યા છીએ. આ ઇન્દ્રિયવિષયો સાચા નથી. પરંતુ, જેવી રીતે કોઈ અંધારા સ્થાનમાં દોરડીમાં સાચા જેવો સાપ માત્ર દેખાય જ છે, તેવી રીતે ઇન્દ્રિવિષયો પણ માત્ર દેખાય જ છે. પણ જેવો પ્રકાશ લાવવામાં આવે કે તરત જ જેવી છે તેવી દોરડી જ આપણે જોઈએ છીએ. એ જ રીતે સત્ય પામવાને માટે આપણને પ્રકાશની જરૂરત છે. આપણને જ્ઞાનની આવશ્યકતા છે કે જેથી આપણે સત્ય અને અસત્યનો ભેદ પારખી શકીએ. આપણે આ જગતને જેવા સ્વરૂપે જોઈએ છીએ, તેવા સ્વરૂપમાં એ સત્ય નથી. એ તે અર્થમાં સત્ય નથી કે તે સતત પરિવર્તન પામ્યા જ કરે છે. ક્ષણે ક્ષણે બદલાતું રહે છે. જે ખરેખર જ સત્ય હોય, તે કદી પણ બદલાતું નથી, તેમાં ક્યારેય ફરક પડતો નથી. એ હંમેશાં એકસરખું જ રહે છે તેમજ એ અવિનાશી હોય છે. કેવળ બ્રહ્મ સત્ય છે અને આત્મા, જે સર્વનો આત્મા છે તે જ એ બ્રહ્મ છે. અજ્ઞાનને કારણે આપણે પરિવર્તનશીલ પદાર્થોને સ્થાયી પદાર્થ તરીકે માની બેસીએ છીએ અને એને વળગી રહીએ છીએ. વહેલી કે મોડી ગમે ત્યારે એ વસ્તુઓ તો નાશ પામી જાય છે અને પછી આપણે એને માટે શોક કરીએ છીએ. આપણે આવી ભૂલ કરીએ છીએ, કારણ કે આવી વસ્તુઓ આપણને ખૂબ આકર્ષક લાગે છે. જાણે કે તે સોનાથી મઢેલી હોય એવી જણાય છે. પરંતુ એ સાચું સોનું નથી. આમ ઉપનિષદ આવી આજીજીભરી પ્રાર્થના કરે છે કે અમારી આગળ સત્ય સ્વયં પ્રકાશિત થઈ જાઓ કે જેથી અમે આ જગતના વ્યર્થ અને ક્ષણજીવી પદાર્થો તરફ ખોટી રીતે દોરાઈ ન જઈએ. સૂર્ય એ પ્રકાશ છે અને પ્રકાશ એ જ જ્ઞાન છે; જ્ઞાન એ સત્ય છે અને સત્ય એ જ જ્ઞાન છે.

पूषन्नेकर्षे यम सूर्य प्राजापत्य व्यूह रश्मीन्‌ समूह।
तेजो यत् ते रूपं कल्याणतमं तत्ते पश्यामि
योऽसावसौ पुरुषः सोऽहमस्मि ।।१६।।

पूषन्‌, હે સૂર્ય, હે જગતના પાલકપોષક; एकर्षे, હે એકર્ષિ, હે એકલપ્રવાસી; यम, હે યમ, હે (સત્ય અને પુણ્યના માર્ગના) પથપ્રદર્શક; सूर्य, હે સૂર્ય; प्राजापत्य, હે પ્રાજાપત્ય હે સર્વ પ્રાણીઓના દેવ એવા પ્રજાપતિના પુત્ર; रश्मीन्‌ व्‍यूह, તમારાં કિરણોને ભેળાં કરો; समूह तेज:, તમારા તેજને પાછું ખેંચી લો; यत्‌ ते, કે જેથી તમારું; कल्‍याणतमम्‌ रूपम्‌, અત્યંત કલ્યાણ સ્વરૂપને; ते तत्‌ पश्यामि, તેને હું જોઈ શકું; य: असौ असौ पुरुष:, જે આ પુરુષ છે; स: अहम्‌ अस्मि, તે હું છું.

હે પાલક-પોષક, એકલપ્રવાસી, હે માર્ગદર્શક, હે સૂર્યદેવ, હે પ્રજાપતિના પુત્ર, કૃપા કરીને તમારાં કિરણોને સંકેલી લો; તમારા તેજને પાછું વાળી લો; હું તમારા અતિસુંદર અને અતિકલ્યાણકારી રૂપને જોવા ઇચ્છું છું. તમારી અંદર જે એક પુરુષ છે તે પુરુષ હું છું. (૧૬)

સૂર્ય બધાનો પોષક છે. તેમજ તે એકલ પ્રવાસી છે – એટલે કે સ્વયંપૂર્ણ છે, આત્મતૃપ્ત છે. એને યમ પણ કહેવામાં આવે છે. કારણ કે એ બધાને નિયમમાં રાખે છે પ્રજાપતિએ સર્વપ્રાણીઓના સ્વામી છે અને સૂર્ય એનો પુત્ર છે. સૂર્યનાં કિરણો આખા જગતમાં સર્વત્ર ફેલાયેલાં છે. આ મંત્ર સૂર્યને એ કિરણોને જરા સંકેલી લેવાની વિનંતી કરે છે કે, ‘તમે મારી આંખો કરતાં ઘણા તેજસ્વી છો. કૃપા કરીને મારે માટે તમારા એ તેજને જરા ઝાંખું કરી દો. તમે તો ઘણા જ સુંદર અને ઘણા જ કલ્યાણકારી હશો જ. હું તમારું એવું ઉત્તમોત્તમ સ્વરૂપ જોવાની ઇચ્છા રાખું છું. આનો અર્થ એ નથી કે હું તમારી પાસે ભીખ માગી રહ્યો છું, હું જાણું છું કે મારે એમ કરવું પડે એમ નથી. કારણ કે ત્યાં તમારા ભૂભાગનો અધિષ્ઠાતા જે કોઈક પુરુષ છે, તે મને લાગે છે કે હું જ એ છું.’

સૂર્ય બ્રહ્મનું પ્રતીક છે. સૌ પહેલાં તો તમે દેવ તરીકે સૂર્યની જ ઉપાસના કરો છો. તમે એની અત્યંત સુંદરતા અને એની શક્તિથી ખૂબ જ પ્રભાવિત થયેલા છો. શરૂઆતમાં તો એની પાસે જે કંઈ છે તેમાંથી થોડોક અંશ તમે એની પાસેથી માગો છો પરંતુ, કોઈક રીતે પછીથી તમે એવું શોધી કાઢો છો કે તમે અને એ, બંને એક જ અને અદ્વિતીય જ છો. આત્મસંયમનાં, ત્યાગનાં અને ધ્યાનનાં અનેક વરસો પસાર કર્યા પછી આવો જ્ઞાનપ્રકાશ તમારામાં આવી વસે છે.

वायुरनिलममृतमथेदं भस्मांतं शरीरम्‌।
ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर ॥१७।।

अथ, એટલા માટે, (એટલે કે હવે મારું મરણ હાથવેંતમાં જ છે ત્યારે; वायु:, મારી વ્યષ્ટિગત જીવનશક્તિ; अमृतम्‌ अनिलम्‌, વૈશ્વિક-સમષ્ટિગત શાશ્વત જીવનશક્તિ (અર્થાત્‌,મારી વ્યષ્ટિગત જીવનશક્તિ, સમષ્ટિગત શાશ્વત જીવનશક્તિ સાથે ભળી જાઓ, એમાં લય પામી જાઓ); इदम्‌ शरीरम्‌ भस्‍मान्तम्‌, ભલે આ સ્થૂલ શરીર રાખમાં પરિણમે, (એટલે કે અગ્નિ ભલે એને નષ્ટ-રાખરૂપ-બનાવી દે); ॐ,(ઓમ), બ્રહ્મને યાદ કરતાં કરતાં; क्रतो, હે મન; कृतम्‌ स्‍मर, તારી જિંદગીનાં વરસો દરમિયાન મેં જે કંઈ કર્યું હોય, તે બધાંને યાદ કરી લે; क्रतो स्‍मर कृतं स्‍मर, એ બધાંને તું વારંવાર યાદ કરતું રહે.

હવે જ્યારે મૃત્યુ આવી રહ્યું છે ત્યારે હું પ્રાર્થના કરું છું કે મારી વ્યક્તિગત જીવનશક્તિ સમષ્ટિગત જીવનશક્તિ સાથે ભળી જાઓ. આ સ્થૂલ શરીર ભલે અગ્નિને સમર્પિત થઈ જાઓ, અને અગ્નિ ભલે એને ભસ્માવશેષ બનાવી દે. હે મન! આખા જીવન દરમિયાન મેં જે કંઈ કર્યું હોય તે બધાંને તું યાદ કરી લે. મારાં કર્મોને વારંવાર યાદ કરી લે. (૧૭)

જ્યારે આપણે મરણાસન્ન થઈએ છીએ ત્યારે આપણા મનમાં કેટકેટલા વિચારો ઉભરાતા હોય છે. અને આ બધા વિચારો આપણે જેવા પ્રકારનું જીવન જીવી ગયા હોઈએ તેનું પ્રતિબિંબિ પાડતા હોય છે. પરંતુ, એવે વખતે ફક્ત કલ્યાણકારી વસ્તુઓનું સ્મરણ કરવા માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ. જેવું આપણે વિચારીએ છીએ, તેવા જ આપણે બનીએ છીએ. આપણે આપણા વિચારોની આડઉપજ જ છીએ. અને એટલા માટે જ આપણે આપણા મનને વારંવાર સદ્વિચારો કર્યા કરવાની વાત કહ્યા કરીએ છીએ, અને એટલા જ માટે આપણા મરણ વખતે આપણાં સગાંસંબંધીઓ વિશેષ પ્રાર્થનાઓનાં આયોજનો કરે છે.

अग्ने नय सुपथा राये अस्मान्‌ विश्वानि देव वयुनानि विद्वान्‌।
युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नम‍उक्तिं विधेम ॥१८।।

अग्ने, હે અગ્નિ; राये, અમારાં કર્મોનું સારું પરિણામ અમે પ્રાપ્ત કરીએ તે માટે; अस्‍मान्‌ सुपथा नय, જે કંઈ સારું છે, તે બધા તરફ દોરી જાઓ; देव, હે સ્વામી, દેવ; विश्वानि वयुनानि विद्वान्‌, તમે અમારા મનમાંથી જે કંઈ પસાર થાય છે તેને અને અમે જે કંઈ કરીએ છીએ તે બધાને જાણો છો; अस्मत्‌, અમારામાંથી; जुहुराणम्‌ एन:, અમે જે કંઈ ખરાબ કર્યું હોય તે; युयोधि, દૂર કરી દો; ते, તમને; भूयिष्ठाम्‌ नम: उक्तिम्‌ विधेम, અમે વારંવાર નમસ્કારની વાણી અર્પીએ છીએ (નમસ્કાર કરીએ છીએ).

હે અગ્નિ, કલ્યાણકારી વસ્તુઓ અમને પ્રાપ્ત થાય, એટલા માટે કૃપા કરીને અમને સન્માર્ગ તરફ દોરી જાઓ. હે દેવ, અમે જે કંઈ વિચારીએ છીએ અને જે કંઈ કરીએ છીએ, તે બધું જ તમે જાણો છો. કૃપા કરીને અમારી અંદર રહેલાં બધાં દૂષણોને દૂર કરી દો. અમે ફરી ફરીને તમને નમસ્કાર કરીએ છીએ. (૧૮)

આપણને બ્રહ્મ તરફ દોરી જવા માટે અગ્નિદેવને કરાયેલી આ પ્રાર્થના છે. મરણને વખતે આ સ્થૂલ શરીર તો અગ્નિવડે ખાક થઈ જાય છે. પણ સૂક્ષ્મ શરીર રહે છે. આ સૂક્ષ્મ શરીર સત્તર તત્ત્વોનું બનેલું હોય છે. એમાં જીવનશક્તિની પાંચ શાખાઓ (પાંચ પ્રાણો), પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન અને બુદ્ધિનો સમાવેશ થાય છે. આ બધાં તત્ત્વો ભૌતિક જ છે, પણ ખૂબ સૂક્ષ્મ સ્વરૂપનાં છે. આપણે પહેલાં જે કંઈ વિચારેલું હોય કે જે કંઈ કરેલું હોય, તેના સંસ્કારો મન જાળવી રાખે છે.

જ્યારે આપણે મરી જઈએ છીએ, ત્યારે આપણો વ્યષ્ટિગત આત્મા – જીવ – આપણા સ્થૂળ શરીરને છોડી દે છે; પરંતુ, તે સૂક્ષ્મ શરીરમાં રહે છે. પોતાનાં કર્મો – કર્મફળો – પર આધાર રાખતો આ જીવાત્મા પહેલાં તો બે લોકમાંથી એક લોકમાં જાય છે; કાં તો પિતૃલોકમાં જાય છે (એ લોક આપણા પૂર્વજોનો છે), અથવા તો દેવલોકમાં (એ લોક દેવો અને દેવીઓનો છે) જાય છે. આપણાં કર્મો એ પણ નક્કી કરી આપે છે કે આ બેમાંથી એક લોકમાં આપણે કેટલા વખત સુધી નિવાસ કરવાનો છે. ત્યાર પછી એ જીવાત્મા આ લોકમાં આ જગતમાં ફરી વખત જન્મ ધારણ કરે છે. કારણ કે હજુ સુધી એની કામનાઓ સંતોષાયેલી હોતી નથી.

આવી રીતે જીવાત્મા જ્યાં સુધી આ પ્રકારની કસરતનું મિથ્યાત્વ નહિ સમજે અને ત્યાગને પંથે નહિ પળે, ત્યાં સુધી એ જીવન અને મરણની વચ્ચે આવનજાવનના ફેરાઓ ચાલુ રાખે છે. કેવળ ત્યાગનો એક જ માર્ગ એવો છે કે જે મુક્તિનો રસ્તો બાંધી શકે, અને એ રસ્તે જતાં જ્યારે જીવાત્મા વિશ્વાત્મામાં ભળીજાય છે, ત્યારે પ્રક્રિયાનું શિખર સર થાય છે.

ॐ पूर्णमद: पूर्णमिदं पूर्णात् , पूर्ण मुदच्यते,
पूर्णस्य पूर्णमादाय, पूर्ण मेवा वशिष्यते।
ॐ शांति: शांति: शांतिः ।।

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.