નવા દવાખાનાનું મકાન (૧૯૬૦)

૧૯૩૭ના ફેબ્રુઆરીમાં આશ્રમનું દવાખાનું શરૂ થયું હતું. ૨૮મી સપ્ટે. ૧૯૬૦ ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિશ્રી ડો. રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે નવા દવાખાનાનાં મકાનોનું ઉદ્‌ઘાટન થતાં આ દવાખાનું ત્યાં ખસેડાયું. આ નવા દવાખાનાના હોમિયોપથી અને આયુર્વેદ વિભાગે અસંખ્ય દર્દીઓની સેવા કરી છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમે વિદ્યાર્થીઓ માટે એક નવા વિશાળ અને સાધનસજ્જ વિદ્યાર્થીમંદિરના મકાનનું બાંધકામ હાથ ધરવાનો નિર્ણય કર્યો. આ બાંધકામ માટે શ્રી જલારામ ટ્રસ્ટ તરફથી ૫૦,૦૦૦ રૂપિયા અને શ્રી મનહરલાલ એન. બળિયા તરફથી ૧૦,૦૦૧ રૂપિયાનું દાન મળ્યું હતું. આ વિદ્યાર્થીભવનનું શિલારોપણ ભારત સરકારના તત્કાલીન ઉદ્યોગમંત્રીશ્રી મનુભાઈ શાહના વરદ હસ્તે ૩જી, મે, ૧૯૬૦ના રોજ થયું હતું. ‘શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થીમંદિર’ના નામે આ નવા વિદ્યાર્થીભવનનું ઉદ્‌ઘાટન ૧૯૬૨માં થયું હતું.

સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ મહોત્સવ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ પ્રકાશનો (૧૯૬૩-૬૪)

૧૯૬૦ થી ૬૭ ના સમયગાળામાં ગુજરાતી પ્રકાશનો અને ગુજરાતી ભાષી લોકોમાં તેનાં વિસ્તૃત સંપ્રસારણના કાર્યે ઘણું ઉત્સાહજનક વાતાવરણ ઊભું કર્યું હતું. સદ્‌ભાગ્યે આ સમયગાળામાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ મહોત્સવ પણ આવ્યો હતો.

ગુજરાતના જાણીતા મૂક સેવક શ્રી રવિશંકર મહારાજના અધ્યક્ષપણા હેઠળ ૧૯૬૨માં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ સમિતિની સ્થાપના કરવામાં આવી. આ સમિતિમાં ગુજરાત રાજ્યના તત્કાલીન મંત્રીશ્રીઓ જેમાં શ્રી રતુભાઈ અદાણી અને બીજા અગ્રણી નાગરિકોમાં શ્રી ગુલાબરાય મંકોડી સક્રિય સભ્યો હતા. ૧૯૬૩-૬૪ના વર્ષમાં વિવિધ કાર્યક્રમો અને મહોત્સવોનું આયોજન કરવાનું આ સમિતિએ નક્કી કર્યું હતું. આ યોજના પ્રમાણે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમગ્ર ગુજરાતની શાળાઓમાં અને કોલેજોમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમિતિએ એવું પણ નક્કી કર્યું હતું કે મુખ્યમાર્ગો, શાળાઓ, જાહેર ઉદ્યાનો અને બીજા મહત્ત્વનાં સ્થાનોને બને ત્યાં સુધી સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડવાં.

બીજું સીમાચિહ્‌નરૂપ કાર્ય હતું ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’નું ત્રણ શ્રેણીમાં પ્રકાશન અને વિતરણ. ગ્રંથમાળાની પ્રથમ શ્રેણીના ૧ થી ૧૨ ભાગમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર (ભાગ: ૧-૨ રૂપે), ૩ થી ૧૨ ભાગમાં સ્વામી વિવેકાનંદના સમગ્ર જીવન સાહિત્યનાં ગુજરાતી પ્રકાશનનો સમાવેશ થયો છે. આ ગ્રંથમાળાના દરેક ભાગમાં ૫૦૦ જેટલાં પાનાં છે. ગ્રંથમાળા દ્વિતીય શ્રેણીમાં સ્વામી વિવેકાનંદના સમગ્ર સાહિત્યમાંથી દોહન કરેલા કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ, જ્ઞાનયોગ, પૂર્વ અને પશ્ચિમ, વર્તમાન ભારત, દિવ્યવાણી, ભક્તિરહસ્ય, મારા ગુરુદેવ, ગુરુશિષ્ય વાર્તાલાપ, વગેરે નામે પુસ્તકો બહાર પડ્યાં હતાં. ગ્રંથમાળા તૃતીય શ્રેણીમાં ૧૨ નાની પુસ્તિકાઓનો સમાવેશ થયો હતો. એમાં શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં સંક્ષિપ્ત જીવનચરિત્ર, યુવાનોને, ભારતીય નારી, મારી ભાવિ યોજના, સ્વતંત્ર ભારત, શિકાગો વ્યાખ્યાનો, વગેરેનો સમાવેશ થાય છે. સમગ્ર ગુજરાતની ૧૫ હજાર ગ્રામપંચાયતના પુસ્તકાલય માટે આ ગ્રંથમાળા ફક્ત રૂપિયા ૬૦માં પ્રાપ્ય હતી. આ ગ્રંથમાળા આટલા સસ્તા દરે મળી રહે એ માટે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી ડો. જીવરાજ મહેતા અને મંત્રીશ્રી રતુભાઈ અદાણીએ વિશેષ આર્થિક સહાય ગુજરાત સરકાર તરફથી અપાવી હતી. ગ્રંથમાળા પ્રકાશન યોજનામાં ભારત સરકારે ૫૦ હજાર રૂપિયાની અને ગુજરાત સરકારે ૨૫ હજાર રૂપિયાની ગ્રાંટ આપી હતી. નાસિકના સ્વામી ચૈતન્યાનંદજીએ સ્વામી રામકૃષ્ણ કથામૃતનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. ૧૨૨૫ પાનાનું આ પુસ્તક પણ બે ભાગમાં બહાર પાડવામાં આવ્યું હતું. આ પ્રકાશનના ભગીરથકાર્યમાં ગુજરાતના વિદ્યાધન જેવા ભાષાંતરકારોએ પોતાની અથાક અને અમૂલ્ય સેવાઓ આપી છે. એમાં સ્વામી ચૈતન્યાનંદજી, શ્રી જયંતીલાલ એમ. ઓઝા, શ્રી હરિશંકર એન. પંડ્યા અને શ્રી જે. આર. વૈદ્યનાં નામ મોખરે છે.

શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનો શિલારોપણવિધિ (૧૯૭૧)

૧૯૬૫ના જુલાઈ મહિનામાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ, સ્વામી અભયાનંદજી મહારાજ સાથે બીજા વરિષ્ઠ સંન્યાસીઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે પધાર્યા.

૭મી નવેમ્બર ૧૯૬૫ના રોજ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવના પવિત્ર અસ્થિકળશને આશ્રમના મંદિરમાં પધરાવ્યો.

૧૯૬૬ના માર્ચ માસમાં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વામી ભૂતેશાનંદજી મહારાજ પાસેથી આ આશ્રમનો કાર્યભાર સંભાળ્યો. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી નિમાયા. આશ્રમનું હાલનું મંદિર વધુ ને વધુ સંખ્યામાં પ્રાર્થના તેમજ અન્ય કાર્યક્રમોમાં આવતા ભક્તજનો માટે નાનું પડતું હતું. તદુપરાંત એમાં ઘણા મરામતકામની પણ જરૂર હતી. એટલે શ્રીરામકષ્ણદેવના પવિત્રઅસ્થિકુંજને સુયોગ્ય રીતે સ્થાપી શકાય તે માટે શ્રીરામકૃષ્ણદેવના નવા ભવ્યમંદિરના નિર્માણકાર્યનો નિર્ણય કરવામાં આવ્યો. મંદિરોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રીરામકૃષ્ણના આ પવિત્ર અને પુણ્યકારી સ્મારક જેવા અને દીર્ઘકાળથી જેની પૂર્તિ માટે રાહ જોવાતી હતી, એવા નૂતન મંદિરના ભવ્ય નિર્માણકાર્યમાં સહાય કરવા માટે ગુજરાતની જનતા આગળ આવી.

૨૪મી ઓગસ્ટ ૧૯૬૬ના રોજ શ્રી કાકાસાહેબ કાલેલકરે શ્રીરામકૃષ્ણ આશ્રમની મુલાકાત લીધી. ૨૬ ઓક્ટોબર ૧૯૬૬ના રોજ સ્વામી રંગનાથાનંદજી મહારાજે નવા બંધાયેલા બાળ પુસ્તકાલયનું ઉદ્‌ઘાટન કર્યું. આ બાળપુસ્તકાલય શ્રીરામકૃષ્ણ આશ્રમ, પુસ્તકાલયનો એક ભાગ છે.

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.