(બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી લોકેશ્વરાનંદ દ્વારા સંપાદિત મૂળ બંગાળી સંકલનગ્રંથ ‘શતરૂપેન સારદા’માંથી રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના લેખ ‘લીલાસંગિની’નો બ્ર.તમાલ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

શ્રીમાના જીવનની વ્યાપકભાવે ચર્ચા કરવાનો આરંભ થોડાં વર્ષોથી થયો છે. અમે લોકો જ્યારે નાના હતા, શ્રીમા ત્યારે સ્થૂળદેહે વિરાજતાં હતાં. ત્યારે સહજ સાધારણ ભાવે તેમના જીવન વિશે કોઈ પણ પ્રકારની આલોચના-ચર્ચા થતી નહિ. એમનાં ફોટો-છબિ પણ બજારમાં મળતાં નહિ. એમના ઘનિષ્ઠ ભક્તો જ ગમે ત્યાંથી માની છબિ-ફોટો મેળવીને એમને પરમ સંપર્ક રૂપે જાળવી-સાચવી રાખતા. શ્રીઠાકુર અને સ્વામીજીની છબિ-ફોટો બજારમાં મળતા અને તેમને વિશે ચર્ચા પણ થતી. પરંતુ યુગાવતારના આ ભાવ-આંદોલનમાં એમનાં સહધર્મિણીની પણ કોઈ વિશેષ ભૂમિકા રહી છે એ વિશે અમે ત્યારે પૂર્ણપણે અજ્ઞ હતા. એનાં મુખ્ય કારણ છે: પહેલું તો અવતારપુરુષને ઓળખવા માટે સાધારણ માણસને થોડી વાર લાગે છે. ગીતામાં ભગવાને કહ્યું છે : અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્‌ । પરમભાવમજાનન્તો મમ ભૂત મહેશ્વરમ્‌ ॥ ‘અજ્ઞાની માણસો મને માનવદેહના આશ્રિત કહીને મારી અવગણના કરે છે. હું સમગ્ર જગતનો નિયંતારૂપ છું એ વાત એ જાણતા નથી.’ શ્રીઠાકુરનું સાચું સ્વરૂપ પણ અમે જાણતા ન હતા. શ્રીઠાકુરમાં બીજાં ઐશ્વર્યો ભલે દેખાતાં ન હતાં પણ એમનામાં આઘ્યાત્મિક ઐશ્વર્ય ભરપૂર વહેતું હતું. તેઓ અવારનવાર સમાધિભાવમાં આવી જતા. અને લોકો કહેતા ‘સાતવાર મરે અને સાતવાર જીવે.’ એમનામાંથી કથામૃતની મંદાકિની અવિરત વહેતી રહેતી. એનું પાન કરીને પંડિત અને મૂર્ખ બધા મુગ્ધ બની જતા. આવા શ્રીઠાકુરને પણ એ લોકો અવતાર રૂપે જાણતા ન હતા. અને શ્રીમા તો બહારના લોકો સાથે વાત જ ન કરતા, એમનામાં કોઈ ઐશ્વર્ય ન હતું, આડંબર ન હતો. જ્યાં વિદ્યા અર્થાત્‌ પરાવિદ્યાનું ઐશ્વર્ય પણ લુપ્ત છે તેવાં શ્રીમાને લોકો કેવી રીતે ઓળખે. શ્રીમાને ન ઓળખી શકવાનું એક બીજું કારણ પણ છે: શ્રીમાએ પોતે જ પોતાને ‘લજ્જાપટ્ટાવૃત્તા’ કરીને ગોપવી રાખ્યાં હતાં. દક્ષિણેશ્વરમાં તેઓ નોબતખાનાના એક નાના ઓરડામાં રહેતાં હતાં. કોઈ બહારની વ્યક્તિ એમને જોઈ પણ ન શકતી. નોબતખાનાના પાંજરામાં શ્રીમાએ પોતાની જાતને એવી તો ગોપવી રાખી હતી કે દક્ષિણેશ્વરના કાલીમંદિરના ખજાનચીએ કે જે ત્યાં હંમેશાં રહેતા, તેમણે એક દિવસ શ્રીમા વિશે કહ્યું: એમ સાંભળ્યું છે કે તેઓ અહીં છે, પરંતુ ક્યારેય જોયાં નથી. જે સ્વયં મહામાયા છે તે પોતે જો અંતરાલમાં રહેવાની ઇચ્છા કરે તો જગતમાં એ કોઈને માટે પણ સાઘ્ય નથી કે જેથી તેઓ તેમને જોઈ શકે કારણ કે જગત તો સંપૂર્ણભાવે એમની ઇચ્છાને અધીન રહે છે. શ્રીમાએ તેમ ઇચ્છ્યું ન હતું એટલે એમના વિશેના સમાચાર કે એમના વિશેની વાત સમગ્ર સંસારમાં વ્યાપકભાવે પ્રસારિત થવામાં સમય લાગ્યો છે.

એવું લાગે છે કે શ્રીઠાકુરની પણ એવી ઇચ્છા હતી કે  શ્રીમાને તેઓ અચાનક બહાર પ્રકાશિત ન કરે. મૈસૂરના એક શિલ્પી વિશે જાણું છું. તે પોતાના સ્ટુડિયોમાં તસવીરો બનાવતા. ત્યાં કોઈનેય જવા ન દેતા. એમની છબિઓને તેઓ પ્રકાશમાં પણ ન લાવતા. ચિત્ર પૂરું થયા પછી બે-ચાર પસંદગીના લોકોને એ છબિ દેખાડતા. જાહેર પ્રદર્શન કરીને તે ક્યારેય પોતાની છબિઓને બતાવતા નહિ. શ્રીઠાકુર પણ એવા એક વિરાટ શિલ્પી છે. જેમ જગન્માતાએ ધીમે ધીમે શ્રીઠાકુરને તૈયાર કર્યા હતા તેમ એમણે શ્રીમાને પોતાના મન પ્રમાણે ધીમે ધીમે તૈયાર કર્યા. એમનાં લીલાસહધર્મિણી એમની લોકકલ્યાણલીલામાં, અહૈતુકી પ્રેમવિતરણલીલામાં એમનાં યોગ્યસંગિની બને એ માટે શ્રીઠાકુરે કોઈ પ્રયાસ બાકી રાખ્યો ન હતો. અતિસાધારણ લૌકિકકાર્ય જેવાં કે દીવાની વાટ બનાવવાથી માંડીને આઘ્યાત્મિકતાના ઉચ્ચતમ તત્ત્વ સમાધિરહસ્ય સુધીની વાત એમણે શ્રીમાને શીખવી દીધી હતી. જ્યારે આ અભૂતપૂર્વ શિલ્પકર્મની જે તેઓ રચના કરી રહ્યા હતા ત્યારે બહારના જગતનો કોલાહલ, સંસારી લોકોનો કુતૂહલભર્યા કટાક્ષને એમણે અવાંચ્છિત ગણ્યો હતો. એટલે જ શ્રીમાનો વિકાસ લોકદૃષ્ટિના અંતરાલમાં (પર રહીને) થયો હતો. આજે શ્રીઠાકુરની આ શિલ્પસૃષ્ટિ શ્રીઠાકુરની જ ઇચ્છાથી સામાન્ય લોકો માટે પણ દૃષ્ટિગોચર થઈ છે. લોકો મુગ્ધભાવે શ્રીમાને જોઈ રહ્યાં છે, શ્રીમાતૃલીલાનું આસ્વાદન કરી રહ્યાં છે – જેવી જેમની શક્તિ તેવું. ‘જેવી જેમની શક્તિ’ એ એટલા માટે કહું છું કે શ્રીમાને સમજવાનું પૂરેપૂરું સામર્થ્ય કોઈમાં નથી. સ્વયં સ્વામીજીએ એમના ગુરુભાઈ ‘મહાપુરુષ મહારાજ – સ્વામી શિવાનંદ’ને લખ્યું હતું: દાદા, ગુસ્સે ન થશો. તમારામાંથી કોઈ હજુ પણ શ્રીમાને સમજ્યા નથી. એટલે આપણા જેવા સામાન્ય મનુષ્યો પોતાની સીમિત બુદ્ધિથી શ્રીમાના અસીમ મહિમાને કેવળ અસંપૂર્ણભાવે જ સમજી શકશે, આ વાતમાં કોઈ સંદેહ નથી.

શ્રીમાનો મહિમા જો કોઈ બરાબર સમજ્યું હોય તો તે હતા શ્રીરામકૃષ્ણ, કારણ કે શ્રીમાને જેમણે જોયાં હતાં અને શ્રીમા જેમના સંસ્પર્શમાં આવ્યાં હતાં એવા શ્રીમાના સમપર્યાયી માનવ એકમાત્ર શ્રીરામકૃષ્ણ જ હતા. એટલા માટે શ્રીમા પ્રત્યેના એમના વ્યવહારમાં માત્ર પ્રેમ જ નહિ પરંતુ ગભીર શ્રદ્ધા અને આદર સાથેનો ભય પ્રકાશિત થતાં હતાં. ભૂલથી પણ એમણે શ્રીમાના મનમાં જો કોઈ આઘાત કર્યો હોય કે શ્રીઠાકુરે શ્રીમાના મનને વાસ્તવિક રીતે આઘાત પહોંચાડ્યો ન હોય છતાં પણ શ્રીઠાકુરને મનમાં એવું લાગ્યું કે એમણે શ્રીમાને આઘાત પહોંચાડ્યો છે; ત્યારે શ્રીઠાકુરના મનના દુ:ખનો પાર ન રહેતો. શ્રીમા પણ એટલા માટે જ કહેતાં: શ્રીઠાકુરે મને ક્યારેય ફૂલથી પણ આઘાત પહોંચાડ્યો ન હતો. શ્રીઠાકુરના ભાણેજ હૃદયે એમની જેવી સેવા કરી હતી એટલો જ એમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો. હૃદયની કટૂક્તિઓ એમણે નિ:શબ્દ-મૂંગે મોઢે સહન કરી હતી. હૃદયે એક વખત શ્રીમાને પણ કટૂક્તિઓ કહી ત્યારે શ્રીઠાકુરે હૃદયને કહ્યું: અરે હૃદય, (પોતાના તરફ આંગળી ચીંધીને) એમને (શ્રીઠાકુરને) તું ક્ષુદ્ર, તુચ્છ ગણીને એમની સાથે વાત કરે છે, પણ એમની સાથે (શ્રીમાની સાથે) હવે ક્યારેય આવી રીતે વાત ન કરતો. આની (શ્રીઠાકુરની) ભીતર જે છે એ જો ફુંફાડો મારશે તો રક્ષણ મળવાનું હશે તો મળી રહેશે. પરંતુ એમની (શ્રીમાની) અંદર જે છે એ જો ફુંફાડો મારશે તો તને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ બચાવી શકશે નહિ.

શ્રીરામકૃષ્ણ શ્રીમાને આટલું બધું સન્માન આપતા હતા, પરંતુ શ્રીમા તો પોતાને એમની સેવિકા સિવાય બીજું કાંઈ વિચારતાં ન હતાં. શ્રીરામકૃષ્ણ પર બીજા કરતાં એમનો અધિકાર વધુ છે એવું ક્યારેય પણ નહોતા વિચારતાં. પૂર્ણરૂપે તેઓ શ્રીઠાકુરના સુખમાં સુખી હતાં.

અદ્‌ભુત ચરિત્રવાળાં આ પતિપત્નીમાં કોઈ લૌકિક સંપર્ક હતો જ નહિ, અને હતો તો તે હતો માત્ર આઘ્યાત્મિક સંપર્ક. સ્થૂળ દેહસુખની વાસના તો દૂરની વાત પણ સૂક્ષ્મતમ જાગતિક વાસના પણ એમનાં મનમાં ક્યારેય વસી ન હતી. આ અદ્‌ભુત આદર્શ વિશ્વમાં સૌની સામે પ્રતિષ્ઠિત કરવા યોગ્ય છે. હિંદુ શાસ્ત્રમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે વિવાહિત જીવન કેવળ ભોગ માટે નથી, ધીમે ધીમે સંયમનો અભ્યાસ કરવા માટે જ છે. ઈશ્વરપ્રાપ્તિ પણ વિવાહિત જીવનનો એક ઉદ્દેશ્ય છે. પરંતુ શ્રીરામકૃષ્ણના અવતરણ પહેલાં ભારતના લોકો આ આદર્શને ભૂલી ગયા હતા. લીલાપ્રસંગના લેખકે કહ્યું છે : એમના (શ્રીરામકૃષ્ણના) જીવનના બધાં કાર્યોની જેમ વિવાહરૂપ કાર્ય પણ લોકકલ્યાણ માટે અનુષ્ઠિત થયું હતું. આ અપૂર્વ યુગાવતારે વિવાહ તો કર્યો પણ એક દિવસ કે પળ માટે દેહવાસના સુખની ઇચ્છા ન કરી અને પોતાનાં પત્ની સાથે એક અદ્‌ભુત અને અદૃષ્ટપૂર્વ પ્રેમલીલાનો વિસ્તાર કર્યો. દાંપત્યજીવનના આ મહાન આદર્શની પુન: પ્રતિષ્ઠા માટે જ શ્રીઠાકુરે આ લીલા કરી. આ વિશે શ્રીરામકૃષ્ણે શ્રીમા વિશે કહ્યું હતું: તેઓ (શ્રીમા) એટલાં સારાં ન હોત તો આત્મહારા બનીને જો મારા પર આક્રમણ કરત તો (મારા) સંયમનો બંધ તૂટીને દેહબુદ્ધિ (મારામાં) આવત કે નહિ એ કોણ કહી શકે? અર્થાત્‌ શ્રીરામકૃષ્ણે પોતે જ આ સ્વીકાર કર્યો હતો કે જો શ્રીમા એમની યોગ્યસહધર્મિણીની ભૂમિકાનું પાલન ન કરત તો એમની એ ‘અદૃષ્ટપૂર્વ પ્રેમલીલા’ કદાચ સંભવ પણ ન બનત. 

સીતાનાં દર્શન કરીને શ્રીરામકૃષ્ણે કહ્યું હતું: ‘સીતા રામમય જીવિતાં હતાં.’ આપણાં શ્રી શ્રીમા પણ ‘શ્રીરામકૃષ્ણ ગતપ્રાણા’-શ્રીરામકૃષ્ણમય જીવિતાં હતાં. સીતાને જેમ કેવળ દેહ હતો પણ એમનાં મનપ્રાણ તો શ્રીરામને સમર્પિત કરી દીધાં હતાં; એવી જ રીતે શ્રી શ્રીમાએ પોતાનાં મનપ્રાણ શ્રીરામકૃષ્ણને ચિર સમર્પિત કરી દીધાં હતાં. શ્રીઠાકુર માટે શ્રી શ્રીમા બધું કરવા તૈયાર રહેતાં…

જે નારીઓ પૂર્વાવતારમાં લીલાસહધર્મિણી રૂપે આવ્યાં હતાં એમનો જો ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરીએ તો આઘ્યાત્મિક અભ્યુત્થાનના મહાકાર્યમાં એ મહાનારીઓનું પ્રદાન સ્વલ્પ રહ્યું છે; આ વાત આપણને નવાઈજનક લાગે છે. પરંતુ શ્રી શ્રીમા જે રીતે શ્રીઠાકુરની ભાવધારાને ચોતરફ પ્રસારિત કરવામાં સમર્થ નીવડ્યાં છે એ જોઈને સર્વ કોઈ અવાક્‌ બની જાય છે. શ્રીઠાકુરે પોતાના દેહત્યાગ પહેલાં શ્રી શ્રીમાને કહ્યું હતું: ‘આણે (શ્રીઠાકુરે પોતે) જે જે કર્યું છે, તમારે તો એનાથી વધુ કરવું પડશે.’ આ બધું શ્રી શ્રીમાએ માતૃસ્નેહના ભાવે કર્યું છે. શ્રી શ્રીમાને શ્રીઠાકુરના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો શ્રીરામકૃષ્ણથી ભિન્ન રૂપે જોતા ન હતા. એમનામાં શ્રીઠાકુરના માતૃરૂપની અભિવ્યક્તિ જોતા હતા. શ્રી શ્રીમાએ પોતે કહ્યું છે: આ જગતમાં સર્વ પર શ્રીઠાકુરનો માતૃભાવ હતો. એ જ માતૃભાવ સાથે મને જગતનાં વિકાસ અને કલ્યાણ માટે મૂકી ગયા છે. વસ્તુત: શ્રી શ્રીમાનો માતૃભાવ શ્રીઠાકુરના ભાવપ્રચારનું એક માઘ્યમ બની ગયું છે. એમ પણ કહી શકીએ કે આ માઘ્યમ સર્વશ્રેષ્ઠ કાર્યકારી માઘ્યમ હતું. સંતાનો માનો મહિમા જાણતા નથી, પરંતુ માના પ્રેમનું આસ્વાદન કંઈ ઓછું કરતાં નથી. અબોધ બાળક નિર્બોધ મનથી તેનું આસ્વાદન કરે છે, પોતાના અંતરમન અને પ્રાણથી આસ્વાદન કરે છે. બાળક માને સમજાવી શકતું નથી, ભાષા દ્વારા સ્પષ્ટ બોધ કરાવીને સમજાવી શકતું નથી. માતાના એ માધુર્યને બીજા પાસે પ્રકાશિત કરી શકતું નથી, પરંતુ એ પોતે તેનું પરિપૂર્ણ રૂપે આસ્વાદન કરી શકે છે. એનાથી બાળકનું બાળહૃદય એ માધુર્યના આસ્વાદનથી પરિપૂર્ણ અને સંતુષ્ટ બને છે. અને મા પણ એ સમયે સંતાન જે કંઈ શીખવા માગે છે તે શીખવી પણ દે છે. શ્રી શ્રીમાએ પણ જગજ્જનની રૂપે આ જ અતિમધુર કાર્યકરપથનું અવલંબન કર્યું છે. તેમનો ગુરુભાવ માતૃત્વભાવના આવરણથી આચ્છાદિત રહેતો. તેમણે પહેલાં સંતાનોને સ્નેહ આપ્યો, પછી પ્રેમ આપીને સંતાનોનાં હૃદયને પુલકિત કરી દીધાં અને વિજયથી ભરી દેતાં. પછી અતિસહજભાવે પોતાનાં સંતાનોને શ્રીઠાકુરના ભાવનો સંસ્પર્શ કરાવી દીધો. આજે આપણે જ્યારે શ્રી શ્રીમાના જીવનને વાંચીએ છીએ અને એમનું સ્મરણ-મનન કરીએ છીએ ત્યારે એમનું માતૃરૂપ જ આપણી સમક્ષ પ્રગટ થાય છે. એના પછી આપણે જ્યારે એમના ઉપદેશોનું પઠન કરીએ છીએ ત્યારે કોઈ પણ પ્રતિરોધ વિના એ ઉપદેશોને સ્વીકારી લઈએ છીએ. કારણ કે આ પહેલાં શ્રી શ્રીમાએ એમનો સ્નેહપ્રેમ આપીને આપણાં મનહૃદયને જયકારથી ભરી દીધાં છે, એટલે અમે પણ શ્રી શ્રીમાને ચાહીએ છીએ. શ્રી શ્રીમા તો છે જ પણ એ જ માતૃભાવથી બીજી સ્ત્રીઓ તરફ જોવામાં અમારા મનમાં કોઈ દ્વિધા રહેતી નથી.

શ્રીરામકૃષ્ણ પહેલેથી જ જાણતા હતા કે શ્રી શ્રીમાએ જગજ્જનની બનવું પડશે. એ જગજ્જનનીના માઘ્યમથી શ્રીરામકૃષ્ણે પ્રસ્થાપિત કરેલ ભાવધારાની અલકનંદા અક્ષુણ્ણ રૂપે જગતમાં વહેતી રહેશે. એટલે જ્યારે શ્રી શ્રીમાનાં માતાજીએ કહ્યું હતું: ‘આવા પાગલ જમાઈ સાથે અમારી શારદાનાં લગ્ન થયાં છે! અહા! ઘરસંસાર મંડાશે નહિ અને સંતાન પણ થશે નહિ અને સંતાન ન હોય તો ‘મા’ કહીને કોણ બોલાવે?’ ત્યારે શ્રી ઠાકુરે કહ્યું: ‘સાસુમા, એટલા માટે દુ:ખી ન થાઓ. છેલ્લે તમે જોજો તમારી દીકરીને એટલાં સંતાનો થશે કે એમના ‘મા..મા’એ શબ્દો સાંભળીને તેઓ પાગલ જેવાં બની જશે.’ શ્રીઠાકુરની આ વાણી સાચી ઠરી છે, પણ અક્ષરશ: નહીં. એનું કારણ એ છે કે અસંખ્ય લોકો ‘મા…મા’ બોલે છે એ વાત તો જાણે સાચી ઠરી પણ મા એ મનનું સંતુલન ક્યારેય ગુમાવ્યું નહતું. શ્રીશ્રીમાનાં માતૃહૃદયનો એટલો બધો વિકાસ થયો કે એ વિશાળ હૃદયમાં અગણિત સંતાનોને, સર્વલોકોને સ્થાન મળ્યું. આ સ્થાન હતું, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનું જ. શ્રી શ્રીમા એ લૌકિક મા ન હતાં કે જે આપણું ભરણપોષણ માત્ર કરે. આ મા તો કેવળ આ જગતનાં મા નથી, પરંતુ પરજગતનાં માતા પણ છે, તેઓ ચિરકલ્યાણકારિણી મા છે. માના આ જગજ્જનનીના રૂપની શક્તિને શ્રીઠાકુરે અનુષ્ઠાન દ્વારા પ્રતિષ્ઠિત કરી હતી. ૫ જૂન, ૧૮૭૨ (બંગાબ્દ ૧૨૭૯, ૨૪ જ્યેષ્ઠ માસ)ની ફલહારિણી કાલીપૂજાની પાવનકારી રાત્રે શ્રી શ્રીમાની શ્રીઠાકુરે ષોડશોપચારે પૂજા કરી હતી. પૂજા પહેલાં શ્રી શ્રીમાને દેવીના આસને બેસાડીને શ્રીઠાકુરે આવાહનમંત્રો ઉચ્ચાર્યા, ‘હે બાલે, હે સર્વશક્તિની અધીશ્વરી માતા ત્રિપુરસુંદરી! એમનાં સિદ્ધિદ્વાર ઉન્મુક્ત કરો, એમનાં (શ્રી શ્રીમાનાં) શરીરમનને શુદ્ધ-પવિત્ર કરીને, એમનામાં આવિર્ભૂત થઈને, સર્વકલ્યાણ સાધો!’ આ જ માતૃભાવની જેટલું ચિંતન-મનન આલોચના કરીએ તેટલી આપણને ઉપલબ્ધિ થાય ને યુગાવતારના ઉદ્ધારકાર્યમાં શ્રીઠાકુરનાં લીલાસંગિનીની ભૂમિકા કેટલી મહત્ત્વની છે એ પણ સમજાય.

શ્રી શ્રીમાના માતૃત્વભાવની વિશેષતા એ છે કે તે કોઈ સીમામાં બંધાયેલ નથી. તેમની આજુબાજુના લોકો તેમને ‘મા’ કહીને પોકારતા, એવી જ રીતે દૂરસુદૂરના ભિન્ન ભિન્ન દેશના લોકો જે શ્રી શ્રીમા સાથે સીધે સીધો વાર્તાલાપ પણ કરી ન શકતા એમને પણ તેઓ સમાન માતૃવત્સલભાવે જોતાં. જ્યારે સ્વદેશી આંદોલન ચાલતું હતું ત્યારે એમાં ભળેલા કેટલાક લોકો શ્રી શ્રીમા પાસે રહેતા. શ્રી શ્રીમાના કોઈ આત્મીયજન માટે એમાંની એક વ્યક્તિ બજારમાં કાપડ ખરીદવા ગઈ. તેણે ટાટનું કાપડ ખરીદ્યું. જ્યારે પેલી વ્યક્તિ એ કાપડ લઈને આવી ત્યારે પેલા આત્મીયજને કહ્યું: ‘મારે તો મીલનું કાપડ જોઈએ છે. ટાટનું કાપડ તો વિલાયતી છે, મારે એ નથી જોતું.’ ત્યારે શ્રી શ્રીમાએ કહ્યું: ‘બાબા, તેઓ બધા આપણા પોતાના જ છે ને! આપણે બધાએ સૌ માટે જીવવું જોઈએ. આપણે શું એકપથિયા બની શકીએ?’ આપણી દૃષ્ટિએ વિદેશીઓ પ્રત્યે દ્વેષભાવ છે, જ્યારે એ વિદેશીઓ પ્રત્યે પણ શ્રી શ્રીમાનો માતૃભાવ, સમભાવે વહેતો રહે છે. શ્રી શ્રીમાને મન સ્વામી શારદાનંદ (શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય અને તત્કાલીન રામકૃષ્ણ મઠના સેક્રેટરી) જેમ એમનું સંતાન છે તેમ ડાકુ અમઝાદ પણ એમનું સંતાન! શ્રી શ્રીમાના સાંનિઘ્યમાં, શ્રી શ્રીમાની સ્નેહદૃષ્ટિથી બધાંનાં મન ભરપૂર ભરાઈ જતાં. આપણે સૌ વિચાર કરીને ઘણી વખત અમુક વ્યક્તિને સ્વીકારીએ છીએ અને અમુકને અગ્રાહ્ય ગણીએ છીએ. શ્રી શ્રીમા પાસે તો કંઈ અગ્રાહ્ય ગણવાનું કે છોડવાનું નથી. કોઈના પર સ્થાન, કાળ, પાત્રનો વિચાર કરીને શ્રી શ્રીમાનો આ સ્નેહપ્રવાહ વરસતો ન હતો. શ્રી શ્રીમાના ચરિત્રની આ વિશિષ્ટતા વિશે આપણને તેમના જીવનમાં અનેક ઘટનાઓ જોવા મળે છે. શ્રી શ્રીમાના કૃપાપાત્ર બનેલ એક વ્યક્તિનું પદસ્ખલન થયું છતાં પણ તે શ્રી શ્રીમા પાસે પહેલાંની જેમ જ આવતો-જતો રહેતો. બીજા ભક્તોએ શ્રી શ્રીમાને કહ્યું: ‘મા, તમે એને પાસે આવવાની ના પાડી દો.’ માએ એ યુવક માટે ઘણી દુ:ખભરી લાગણી પ્રગટ કરીને કહ્યું: ‘હું ના પાડી શકું નહિ. ‘તું ન આવતો’ એવું મારા મોંએ ક્યારેય બોલાશે નહિ.’ શ્રી શ્રીમાએ કહ્યું છે : ‘બધું તોડી ફોડી તો શકાય છે પણ રચી શકે કોણ? નિંદા અને ઠઠ્ઠામશ્કરી સૌ કોઈ કરે પણ ભલું કોણ કરી શકે?’ તેઓ કહે છે : ‘આપણાં છોકરાં જો ધૂળ-કાદવથી ખરડાયેલાં હોય, તો એમને સાફસૂફ કરીને ખોળામાં લેવાય.’

શ્રી શ્રીમાના માતૃત્વભાવને પ્રતિષ્ઠિત કરવા માટે શ્રીઠાકુરે પહેલેથી જ સચેતભાવે પ્રયાસ કર્યા હતા. એટલે ધીમે ધીમે શ્રી શ્રીમાને તૈયાર કરીને સર્વક્ષેત્રે અને સર્વભાવે સંપૂર્ણ બનાવ્યાં હતાં. આઘ્યાત્મિક જીવનથી માંડીને લૌકિક  જીવન સુઘ્ધાં – બધી બાબતોમાં શ્રીઠાકુરે શિક્ષણ આપ્યું હતું અને જ્યારે આ માતૃત્વે ધીમે ધીમે વિકાસ સાઘ્યો ત્યારે શ્રીઠાકુર કરતાં વધારે આનંદ બીજા કોઈને થયો ન હતો. જ્યારે દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુરના પાર્ષદો ધીમે ધીમે શ્રીઠાકુરનાં ચરણકમળમાં આવવા લાગ્યા હતા ત્યારની આ વાત છે: શ્રીઠાકુરે એક દિવસ શ્રી શ્રીમાને કહ્યું હતું: ‘તમે બાબુરામ (સ્વામી પ્રેમાનંદ)ને એટલું બધું જમાડો છો કે જેથી તે રાતભર સૂઈ રહે છે. જો આમ થાય તો તે કેવી રીતે સાધન-ભજન કરશે?’ શ્રી શ્રીમાએ કહ્યું: ‘બાબુરામે બે રોટલી વધારે ખાઈ લીધી એમાં આટલી બધી શી ચિંતા? એ બધાનું ભવિષ્ય હું જોઈશ. એ બધાની ખાવા-પીવાની બાબતમાં તમે બોલબોલ ન કરતા.’ શ્રીઠાકુરની બધી વાતો શ્રી શ્રીમા વિવાદ-વિચાર વિના માની લેતા. પરંતુ અહીં શ્રીઠાકુર શ્રી શ્રીમાના માતૃત્વભાવના ઇલાકામાં પ્રવેશ કરવા માગતા હતા એટલે જ શ્રીઠાકુરના આદેશની અવગણના કરવામાં પણ શ્રી શ્રીમાને દ્વિધા ન થઈ. આનાથી શ્રીઠાકુર વિરક્ત ન થયા પરંતુ આનંદિત થયા, કારણ કે તેઓ શ્રી શ્રીમાના માતૃત્વભાવને પ્રતિષ્ઠિત બનાવવા માગતા હતા.

શ્રીઠાકુરનું ભોજન રાંધીને જમાડવાની વ્યવસ્થા તેઓ પોતે જ કરતાં. એક દિવસ એક મહિલાએ આવીને શ્રી શ્રીમાને શ્રીઠાકુરનું ભોજન લઈ જવા વિનંતી કરી. શ્રી શ્રીમાએ એમને જવા દીધાં. શ્રીઠાકુરને ભોજન આપીને પેલાં બહેન ચાલ્યાં ગયાં. પણ શ્રીઠાકુર એ અન્નનો સ્પર્શ પણ ન કરી શક્યા. શ્રી શ્રીમા સમજી ગયાં કે શ્રીઠાકુર એ અન્ન ખાઈ નહિ શકે. એમણે એ દિવસ પૂરતું ભોજન કરી લેવા શ્રીઠાકુરને વિનંતી કરી. પરંતુ શ્રીઠાકુર એ અન્નને સ્પર્શી શક્યા નહિ. ફરીથી વિનંતી કરતાં શ્રીઠાકુરે કહ્યું: ‘હવે પછી ક્યારેય બીજાને હાથે ભોજન અપાવશો નહિ.’ ત્યારે શ્રી શ્રીમાએ બે હાથ જોડીને કહ્યું: ‘એ મારાથી નહિ બને. તમારું ભોજન હું પોતે જ લઈને આવીશ પરંતુ મને ‘મા’ કહીને કોઈ આવી રીતે માગણી કરશે તો હું એને ના નહિ પાડી શકું. અને તમે કંઈ મારા જ ઠાકુર નથી, તમે તો બધાના ઠાકુર છો.’ એમની સાથે આવો પ્રતિવાદ કરવા છતાં પણ તેમને અસંતોષ ન થયો. શ્રીઠાકુર સમજી ગયા કે શ્રી શ્રીમાની ભીતર જે માતૃત્વભાવનો વિકાસ થયો છે એનો પ્રભાવ અહીં શ્રીરામકૃષ્ણની વાતને-આદેશને પણ અવગણવા તેઓ બાઘ્ય બને છે. શ્રી શ્રીમાનો માતૃત્વભાવ પ્રતિષ્ઠિત બને એ જ શ્રીઠાકુર ઇચ્છતા હતા; કારણ કે શ્રી શ્રીમાના આ માતૃરૂપના માઘ્યમ દ્વારા જ જગતના મનુષ્યોમાં શ્રીઠાકુરનો પ્રેમભાવ પ્રવાહિત બનવાનો હતો. ભગિની નિવેદિતાએ કહ્યું હતું: ‘જગત પ્રત્યે શ્રીરામકૃષ્ણનો જે પ્રેમ હતો એ જ પ્રેમભાવ એક જ પાત્રમાં ભરીને આ વિશ્વમાં પોતાનાં જેટલાં સંતાનો છે, એ બધાં માટે મૂકી ગયા છે અને શ્રી શ્રીમા છે એ અક્ષયપ્રેમપાત્ર, શ્રીરામકૃષ્ણના વિશ્વપ્રેમધારાનો અમૃતકુંભ.

શ્રી શ્રીમાની ભીતર ગુરુશક્તિનું જાગરણ પણ શ્રીઠાકુર કરી ગયા હતા. સ્થૂળ શરીરે તેઓ આપણી સમક્ષ હતા ત્યારે પોતાના ત્યાગી સંતાનોમાંથી સારદાપ્રસન્ન (સ્વામી ત્રિગુણાતીતાનંદ)ને મંત્રદીક્ષા માટે શ્રી શ્રીમા પાસે મોકલ્યા હતા. શ્રી શ્રીમાએ એ દિવસે સારદાપ્રસન્નને દીક્ષા ન આપી, કારણ કે શ્રી શ્રીમાએ પોતાના મુખેથી કહ્યું હતું કે સ્વામી યોગાનંદ જ પોતાના પ્રથમ મંત્રદીક્ષિત સંન્યાસી બનશે. શ્રીઠાકુરની મહાસમાધિ પછી શ્રી શ્રીમા જ્યારે વૃંદાવન ગયા હતા ત્યારે શ્રીઠાકુરે શ્રી શ્રીમાને દર્શન આપીને યોગિન (સ્વામી યોગાનંદ)ને મંત્રદીક્ષા આપવા માટે કહ્યું હતું. સતત ત્રણ દિવસ સુધી શ્રીઠાકુરનો આવો આદેશ મળ્યા પછી શ્રી શ્રીમાએ યોગિન મહારાજને દીક્ષા આપી હતી. આ રીતે પોતાના અંતરંગ ત્યાગી-સંન્યાસી સંતાનોમાંથી એકને માઘ્યમ બનાવીને શ્રીઠાકુર પોતાની જગદોદ્ધારલીલાના આ અત્યંત મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં શ્રી શ્રીમાને ખેંચી લાવ્યા. પછીથી એમણે અધિકારી કે અનધિકારીભાવે બધાને મંત્રદીક્ષા આપી હતી, પરંતુ પોતે પોતાની જાતને ‘ગુરુ’ માનતાં ન હતાં. તેઓ એમ માનતાં  કે એમનાં માઘ્યમથી શ્રીઠાકુરની ગુરુશક્તિનું કાર્ય તેઓ કરી રહ્યાં છે. શ્રી શ્રીમા શિક્ષણ કે ઉપદેશ પરમસ્નેહના માઘ્યમથી આપતાં, કોઈનો પણ તિરસ્કાર કરીને નહિ. ‘હું તમને શિક્ષણ કે ઉપદેશ આપું છું’ આ અભિમાન એમનામાં ન હતું અને વળી, મોટી મોટી તાત્ત્વિક વાતો પણ ન કરતાં; કેવળ એટલું કહેતાં: ‘હું તમારી મા છું’. આ જ ભાવ સાથે બધાંને એમણે ઉપદેશ કે બોધ આપ્યો હતો. સાથે ને સાથે બધાંનાં જીવનને તેઓ વધુ ને વધુ ઊર્ઘ્વમાર્ગે લઈ ગયાં છે. શ્રી શ્રીમાને એક ભક્તે પૂછ્યું: ‘મા, હું આટલો બધો આવ-જા કરું છું, આપનો કૃપાલાભ પણ મેળવ્યો છે, છતાંય કોણ જાણે કેમ કંઈ નથી થયું એવું લાગે છે. મને તો એવું લાગે છે કે જાણે હું પહેલાં જેવો જ છું.’ એના પ્રત્યુત્તર રૂપે એમણે કહ્યું: ‘ભાઈ, અગાઉ તું એક ખાટલામાં સૂતો હતો અને બીજા કોઈ આવીને ખાટલા સાથે તને ઉપાડીને બીજી જગ્યાએ લઈ જાય અને થોડીઘણી ઊંઘ ઉડ્યા પછી પણ તને એવો ખ્યાલ ન આવતો કે મને અહીં કોણ ઉપાડી લાવ્યું. જ્યારે પૂરેપૂરી ઊંઘ ઊડી જતી ત્યારે તને ખબર પડતી કે ક્યાંક બીજે તને લઈ જવામાં આવ્યો છે; એટલે કે તને ખબર પડે કે ન પડે, તને આ વિશેનું જ્ઞાન-ભાન હોય કે ન હોય, પણ હું તને તારા ગંતવ્ય સ્થાને લઈ જઈશ.’ શ્રીભગવદ્‌ ગીતામાં કહ્યું છે કે તે (શ્રીકૃષ્ણ) બધાનો ઉદ્ધાર કરશે. શ્રી શ્રીમાની પણ આવી જ અભયવાણીને પણ શ્રીકૃષ્ણની અભયવાણી સાથે સરખાવી શકાય. આવી અભયવાણી શ્રી શ્રીમા જીવતાં હતાં ત્યારે ઘણીવાર ઉચ્ચારી હતી. 

શ્રીરામકૃષ્ણે પોતાની અંત્યલીલાસમયે પોતાની માંદગીને ઘ્યાનમાં લઈને ભાવિ રામકૃષ્ણ સંઘની સૂચના પણ કરી હતી. આ સંઘ બન્યો શ્રી શ્રીમાની સર્વાપેક્ષા, સ્નેહપ્રેમનું પાત્ર. શ્રીઠાકુરની મહાસમાધિ પછી જ્યારે આ સંઘે કોઈ સુનિર્દિષ્ટ રૂપ ધારણ કર્યું ન હતું ત્યારે પણ શ્રી શ્રીમાનાં પ્રાર્થના, શુભેચ્છા અને અભયહસ્ત આ સંઘની પાછળ હતાં. આ સંઘના આદર્શ અક્ષુણ્ણ રહે એને માટે સંઘના સંન્યાસીઓએ શ્રી શ્રીમાનાં પ્રેમાગ્રહ અને સસ્નેહ તત્ત્વાવધાનની પ્રાપ્તિ કરી હતી. શ્રીરામકૃષ્ણની ભાવધારાને વહાવતા આ સંઘનાં યથાર્થ જનની હતાં શ્રી શ્રીમા શારદાદેવી. શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં સંઘજનની રૂપે શ્રી શ્રીમાએ અનેક ક્ષેત્રે આપેલા પોતાના સિદ્ધાંત અને નિર્ણયોનું નતમસ્તકે આ સંઘે અને આ સંઘના સંચાલકોએ પાલન કર્યું હતું. શ્રી શ્રીમા હતાં આ સંઘની સુપ્રિમકોર્ટ. એમનો નિર્ણય એ અંતિમ નિર્ણય. પરંતુ શ્રી શ્રીમા પ્રત્યક્ષ રૂપે આ સંઘના સંચાલનમાં ક્યારેય હસ્તક્ષેપ કરતાં નહિ. એમના સંન્યાસી શિષ્યો પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે એ સંઘનું સંચાલન કરતા. પરંતુ ક્યાં ક્યાં શું શું જરૂરનું છે એ વાત તેઓ જાણતાં હતાં અને ક્યાંય પણ કોઈ ખામી રહી જાય તો તેને સુધારી-મઠારી પણ દેતાં. બીજાને એ સમજાતું નહિ કે સંઘનાં કાર્યનું સંચાલન તેઓ પોતે કરી રહ્યા છે એવી રીતે તેઓ કહેતાં. સંઘ માટે શ્રી શ્રીમાનો આ જે વિશેષ દાયિત્વબોધ હતો એનું એકમાત્ર કારણ હતું કે તેઓ જાણતાં હતાં કે આ સંઘનો જ આશ્રય લઈને શ્રીઠાકુરના જગતકલ્યાણનાં કાર્યો યુગયુગો સુધી થતાં રહેશે. એટલા માટે શ્રીઠાકુરની અનુપસ્થિતિમાં એમનું જ પ્રતિરૂપ બનીને સંઘના બધાને શ્રી શ્રીમા પરમમમતા અને સ્નેહના બંધનમાં એક સૂત્રમાં બાંધી રાખતાં હતાં. સ્વામી અભેદાનંદજીએ એટલા માટે લખ્યું હતું: ‘સ્નેહેન બઘ્નાસિ મનોઽસ્મદીયમ્‌.’

શ્રીરામકૃષ્ણ અવતારનું એક વિશેષ પ્રદાન છે: નારીની મર્યાદાનું પુન: પ્રતિષ્ઠાપન. સ્વામીજીએ કહ્યું છે: ‘એટલા માટે જ શ્રીરામકૃષ્ણ અવતારનો ‘સ્ત્રીગુરુ’ સ્વીકાર, એટલે જ નારીભાવ સાધન, એટલા માટે જ માતૃભાવનો પ્રચાર.’ વૈદિકયુગમાં ભારતવર્ષમાં નારીને પુરુષસમું સ્થાન આપવામાં આવતું હતું. પૌરાણિકયુગથી નારીને આપણે લોકોએ અત્યંત હેય-ઉપેક્ષિત અને અપમાનિત- કરવાનું શરૂ કર્યું. સ્ત્રીજાતિમાં મહત તત્ત્વ હોય છે, એની એ લોકો કલ્પના પણ કરી ન શક્યા. ગઈ શતાબ્દિ સુધી સ્ત્રીજાતિ માટે આપણું આ જ મનોવલણ હતું. શ્રીઠાકુરના આગમન પછી આ મનોભાવમાં પરિવર્તન થયું છે અને થતું રહ્યું છે. સ્વામીજીએ કહ્યું છે: ‘ભારતનાં બે મહાન પાપ છે. સ્ત્રીજાતિને પગતળે કચડવી અને ‘જાતિ-જાતિ’ કરીને ગરીબોને પીસી નાખવા.’ શ્રીઠાકુરની મહાસમાધિ પછી શ્રી શ્રીમાએ આ બે જ કામ કર્યાં છે. લોકજનનીના રૂપે જાતિ-ધર્મ-વર્ણ વગેરેનો વિચાર કર્યા વિના કેવી રીતે એમણે બધાં લોકોને પોતાની ગોદમાં સ્થાન આપ્યું છે એની ચર્ચા આપણે કરી છે. નારીજાગરણના ક્ષેત્રે શ્રી શ્રીમાએ પોતાની આ ભૂમિકાનું પાલન બે રીતે કર્યું છે: ૧. પોતાની જાતને આદર્શનારીના રૂપે પ્રસ્થાપિત કરી. ૨. તેમણે પોતે નારીઓના કલ્યાણ માટે પ્રયાસ કર્યા અને બીજાને ઉત્સાહિત પણ કર્યા.

જગતના બીજા દેશોમાં નારીને સ્થાન મળ્યું છે પત્ની રૂપે કે સહકારિણી રૂપે. પરંતુ નારીનું સર્વશ્રેષ્ઠ મહિમામય રૂપ છે એનું માતૃરૂપ. આ માતૃરૂપે નારીનું સન્માન કરવાનું એ લોકો શીખ્યા નથી. શ્રી શ્રીમાની ભીતર શ્રીઠાકુરે જે અદ્‌ભુત વિશ્વપ્લાવી માતૃત્વનો ઉન્મેષ કર્યો હતો તેનો ઉદ્દેશ હતો ભારતવર્ષમાં આ માતૃત્વના આદર્શનું પુન: પ્રતિષ્ઠિાપન કરવું. અને ભારત બહાર સમગ્ર વિશ્વની સમક્ષ આ આદર્શને અનુસરણ કરવા જેવા ઉદાહરણ રૂપે સ્થાપવો. ભગિની નિવેદિતાએ કહ્યું છે : ‘શ્રી શ્રીમા છે નારીત્વના આદર્શ વિશેની શ્રીરામકૃષ્ણની અંતિમ વાત. માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર જગતમાં ભવિષ્યમાં નારીનું જીવન કેવું હશે, કેવું હોવું જોઈએ, એ વિશે શ્રીરામકૃષ્ણની એક વાણી હતી. એ વાણીનું મૂર્તરૂપ છે શ્રી શ્રીમા. આ ક્ષેત્રમાં શ્રી શ્રીમાનું જીવન જ શ્રીઠાકુરની વાણી બની ગયું છે. શ્રી શ્રીમાએ ઉપદેશના માઘ્યમથી નહિ પરંતુ આચરણના માઘ્યમથી શ્રીઠાકુરની આ વાણીનો પ્રચાર કર્યો છે. એટલે સ્વામીજીએ કહ્યું છે: ‘માને આદર્શ રૂપે રાખીને નારીજાગરણ થશે. ફરીથી ગાર્ગી, મૈત્રેયી અવતરશે.’

નારી-ઉન્નતિ માટેના કોઈ પણ કાર્યમાં એમાંય વિશેષ કરીને એમના શિક્ષણ માટે શ્રી શ્રીમાનાં વિશેષ સમર્થન અને પ્રેરણા રહેતાં. શ્રી શ્રીમા એમ ઇચ્છતાં હતાં કે દીકરીઓ આધુનિક યુગને અનુરૂપ અને ઉપયોગી શિક્ષણ મેળવે અને કામકાજ શીખે. તેમણે પોતાની ભત્રીજીઓ માકુ, રાધુ, વગેરેને શાળામાં ભણાવવાની વ્યવસ્થા કરી હતી. એમને ઉત્સાહિત કરતાં કહેતાં: ‘લખવા-વાંચવાનું શીખવાથી, કામકાજ શીખવાથી, તેઓ પોતે પણ સુખી રહેશે અને બીજા પર પણ ઉપકાર કરીને સુખી બનાવશે.’ નિવેદિતા સ્કૂલ પ્રત્યે શ્રી શ્રીમાની સ્નેહદૃષ્ટિ હંમેશાં રહેતી. ત્યાં બહેનોને ભણાવવા માટે અનેક ભક્તોને તેઓ પ્રોત્સાહિત કરતા.

ગંગાના પશ્ચિમકિનારે શ્રીઠાકુરના નામે એમના ત્યાગી સંન્યાસી સંતાનો માટે જેવી રીતે ‘શ્રીરામકૃષ્ણ મઠ’ રચાયો છે તેવી જ રીતે ગંગાના પૂર્વ કિનારે ક્યાંક ત્યાગી સંન્યાસિનીઓ માટે શ્રી શ્રીમાના નામે એક સ્ત્રીમઠ પણ રચાશે એવું સ્વામીજીનું સ્વપ્ન હતું. એ મઠ હશે, ‘ગાર્ગી, મૈત્રેયી અને એમનાંથી પણ ઉચ્ચતરભાવવાળાં નારીકુળનું આકર સ્વરૂપ’. શ્રી શ્રીમા જીવતાં હતાં ત્યારે એ સ્વપ્ન સાકાર થયું ન હતું. પરંતુ શ્રી શ્રીમા ગૌરીમા દ્વારા પ્રતિષ્ઠિત ‘સારદેશ્વરી આશ્રમ’ જોઈને ગયાં હતાં. ગૌરીમાને શ્રીઠાકુરે કહ્યું હતું: ‘આ દેશની દીકરીઓને મહાન દુ:ખ છે, તમારે એમની વચ્ચે રહીને કામ કરવું પડશે.’ ગૌરીમા દીકરીઓને લઈને હિમાલયમાં જઈને કામ કરવા ઇચ્છતાં હતાં. પરંતુ શ્રીઠાકુરે કહ્યું: ‘ના રે ના, આ શહેરમાં બેસીને જ તમારે કામ કરવું પડશે. સાધનભજન તો ઘણાં થયાં છે.’ શ્રી શ્રીમાએ પણ ગૌરીમાને કહ્યું હતું: ‘શ્રીઠાકુર કહીને ગયા છે : તમારું જીવન જીવંત જગદંબાઓની સેવામાં લાગી જશે.’ શ્રીઠાકુરના નિર્દેશથી અને શ્રી શ્રીમાના પ્રોત્સાહનથી ગૌરીમાએ બંગાબ્દ ૧૩૦૧માં બૈરાગપુરમાં ‘શ્રીસારદેશ્વરી આશ્રમ’ની સ્થાપના કરી હતી. શરૂ શરૂમાં કેટલીક કુમારિકાઓ, સધવા અને વિધવા સ્ત્રીઓ લખવા-વાંચવાનું શીખવા માટે આશ્રમવાસી બન્યાં. પછીથી એમાંથી જ કેટલીક કુમારિકાઓને વિશેષ શિક્ષણ આપવા માટે ગૌરીમા પસંદ કરી અને એમને શિક્ષણ આપવા લાગ્યાં. જેનાથી તેઓ આજીવન ત્યાગપથે રહીને આશ્રમસેવામાં પોતાની જાતને સમર્પિત કરી શકે. આશ્રમ વિશે શ્રી શ્રીમાનો કોઈ પણ મત-અભિપ્રાય ગૌરીમા વેદવાક્યની જેમ નિ:સંદેહે માનતાં હતાં. આ આશ્રમને શ્રી શ્રીમા કેવા દૃષ્ટિકોણથી જોતાં હતાં, તેનો ખ્યાલ તેમની આ ઉક્તિને સમજવાથી આવે છે: ‘ગૌડદાસીના આશ્રમના દીપકની વાટને પણ જે થોડીઘણી સંકોરશે તેણે જાણે કે વૈકુંઠ ખરીદી લીધું છે એમ જાણો.’ શ્રી શ્રીમાના દેહત્યાગ પછી થોડા સમય બાદ સ્વામીજીના સ્વપ્નને વાસ્તવિક રૂપે રૂપાયિત કરીને ગંગાના પૂર્વ કિનારે શ્રી શ્રીમાને આદર્શ રૂપે રાખીને સંન્યાસિનીઓ- બ્રહ્મચારિણીઓ માટે એમના નામે ‘સારદા મઠ’ અસ્તિત્વમાં આવી ગયો છે. શ્રીરામકૃષ્ણદેવ જે રીતે નારીજાગરણ કરવા માગતા હતા તેમાં શ્રી શ્રીમાને કેન્દ્રસ્થાને રાખીને સ્ત્રીમઠના માઘ્યમથી શ્રીઠાકુર સૂક્ષ્મદેહે કાર્ય કરી રહ્યા છે અને દીર્ઘકાળ સુધી કરતા રહેશે.

દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુરે શ્રી શ્રીમાને એક દિવસ પૂછ્યું હતું: ‘શું તમે મને સંસારપથે ખેંચી જવા આવ્યાં છો?’ શ્રી શ્રીમાએ કોઈ પણ જાતના ખચકાટ વિના તત્ક્ષણે ઉત્તર આપ્યો: ‘ના, હું તમને સંસારપથમાં શા માટે ખેંચીને લઈ જઉં? તમારા ઈષ્ટપથમાં સહાય કરવા આવી છું.’ અહીં ‘ઈષ્ટપથ’નો અર્થ છે: માત્ર શ્રીઠાકુરનાં સાધનાસિદ્ધિ જ નહિ પરંતુ જે ઉદ્દેશથી એમની નરલીલા છે એમાં સર્વદા સર્વતોભાવે એમને ‘મદદ’ કરશે. શ્રી શ્રીમાએ એમને આ વચન આપ્યું હતું. શ્રીઠાકુરની મહાસમાધિ પછી સંઘજનની રૂપે અને લોકજનનીના રૂપે શ્રી શ્રીમાએ જે ભૂમિકા ભજવી છે અને નારીજગત સમક્ષ માતૃભાવનો જે સર્વોચ્ચ આદર્શ રાખી ગયા છે તે વાસ્તવમાં આ જ વચનનું રૂપાયન કે પાલન છે. શ્રીરામકૃષ્ણ અને શ્રીશારદાદેવી – એ બંને જીવનને સર્વદા પરસ્પર ઘનિષ્ઠ રૂપે આપણે જોવાં પડશે. અગ્નિ અને દાહક શક્તિની જેમ એ બંને પરસ્પર અભિન્ન છે. શ્રી શ્રીમા સિવાય શ્રીઠાકુરનું જીવન અપૂર્ણ છે અને શ્રીઠાકુર વિના શ્રી શ્રીમાના જીવનનો કોઈ અંશ જ નથી. શ્રીઠાકુર કેવી આકરી પસંદગી કરીને લોકોને આશ્રય દેતા હતા, પરંતુ શ્રી શ્રીમા પાસે તો સૌને માટે બારણું ખૂલું જ રહેતું. જેના તરફ કોઈ મોંવાળીને પણ ન જુએ એવાને પણ શ્રી શ્રીમાએ આશ્રય આપ્યો છે. શ્રીઠાકુર કલ્પતરુ બન્યા છે માત્ર એક જ દિવસ, ૧ જાન્યુઆરી, ૧૮૮૬ના રોજ; પરંતુ શ્રી શ્રીમા પ્રતિદિન કલ્પતરુ હતાં, છે અને રહેશે. શ્રી શ્રીમા ચિરકાળ સુધી કલ્પતરુ બન્યાં છે તો એમનાં માઘ્યમથી શ્રીઠાકુર પણ ચિરકાળ કલ્પતરુ છે; કારણ કે તેઓ અભિન્ન છે. શ્રી શ્રીમાના માઘ્યમથી શ્રીઠાકુરની કરુણાધારા જગતમાં વધુ વ્યાપક રૂપે પ્રવાહિત થઈ છે. શ્રી શ્રીમાએ એમના માતૃપ્રેમ દ્વારા શ્રીઠાકુર પ્રત્યેના આપણા પ્રેમપથને વધુ સુગમ કરી દીધો છે. જો શ્રી શ્રીમા પ્રત્યે આપણને પ્રેમ હોય, એમનાં ચરણકમળમાં આપણે પ્રણામ કરીએ તો પ્રેમ અને પ્રણામ શ્રીઠાકુર પાસે જ પહોંચી જાય છે. શ્રી શ્રીમાની માતૃલીલાનું આપણે ચિંતનમનન કરીએ તો એના દ્વારા શ્રીઠાકુરની લીલા જ જરાવધુ ગંભીરભાવે સમજી શકાય છે; કારણ કે શ્રી શ્રીમા શ્રીઠાકુરનું જ બીજું રૂપ છે. જગત કલ્યાણના કાર્યમાં પોતાના સ્થૂળદેહે જે કાર્ય શ્રીઠાકુર પૂરાં ન કરી શક્યાં તે કાર્યો પોતાનાં લીલાસંગિનીના માઘ્યમથી સંપન્ન કર્યાં. શ્રીશારદાલીલા એ શ્રીરામકૃષ્ણ લીલાનું પરિપૂરક રૂપ છે.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.