જ્યારે શ્રીમા કલકત્તામાં હાજર હોય ત્યારે બેલૂર મઠની સામાન્ય પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરતાં. સ્વામી પ્રેમાનંદ શ્રીમાની પરવાનગી વિના ક્યારેય ક્યાંય જતા નહિ. એક વખત શ્રીરામકૃષ્ણદેવના જન્મજયંતી ઉત્સવના ઉપક્રમે બે ભક્તજનોએ સ્વામી પ્રેમાનંદને કલકત્તાની બહારના સ્થળે જવા માટે નિમંત્રણ આપ્યું હતું. તેઓ એ ભક્તો સાથે શ્રીમાની પરવાનગી મેળવવા ઉદ્‌બોધનમાં આવ્યા. પરંતુ શ્રીમાએ ના પાડી કારણ કે સ્વામી પ્રેમાનંદ પખવાડિયા પહેલાં જ માંદા પડ્યા હતા. જ્યારે ભક્તજનોએ વધુ વિનવણી કરી ત્યારે શ્રીમાએ સ્વામી પ્રેમાનંદને તેઓ જવા ઇચ્છે છે કે કેમ તે વિશે પૂછ્યું. તેમણે ભાવભર્યા કંઠે જવાબ આપ્યો: ‘મા, હું શું જાણું? હું તો તમારા આદેશનું પાલન કરું છું. જો તમે મને આગમાં કૂદવાનું કહો તો હું કૂદી પડીશ; જો તમે પાણીમાં ઝંપલાવવાનું કહો તો હું ઝંપલાવીશ; જો તમે નરકમાં જવાનું કહો તો હું નરકમાં જઈશ. હું શું જાણું? તમારો આદેશ અંતિમ આદેશ છે.’ અંતે શ્રીમાએ એમને જવાની અનુજ્ઞા આપી પરંતુ તેમણે જણાવ્યું કે તેઓ થોડા સમયમાં જ પાછા આવી જાય અને ભક્તજનોને કહ્યું : ‘જુઓ ભાઈ, આ બધા મહાન આત્માઓ છે. તેમના દેહ તો આ વિશ્વના કલ્યાણનાં માઘ્યમ માત્ર છે. એમની શારીરિક સુખાકારી અને આરામની કાળજી રાખજો.’

— સ્વામી પ્રેમાનંદ

શ્રીરામકૃષ્ણદેવના બીજા સંન્યાસી શિષ્યોની જેમ સ્વામી શિવાનંદજી મહારાજ પણ શ્રી શ્રીમાના કોઈ પણ અભિપ્રાયને અંતિમ વાત ગણતા. જ્યારે તેઓ બેલૂર મઠના વ્યવસ્થાપક રૂપે કાર્ય કરતા હતા ત્યારે એક બ્રહ્મચારીએ કંઈક ભૂલ કરી. કેટલાકે એ બ્રહ્મચારીને કહ્યું કે હવે તેને સ્વામી શિવાનંદજી મહારાજ બેલુર મઠમાંથી કાઢી મૂકશે. કારણ કે તેઓ ચૂસ્ત નિયમપાલનમાં માનતા હતા અને અત્યંત શિસ્તપ્રિય હતા. પેલો બ્રહ્મચારી તો ગભરાઈ ગયો હતો અને છાનો માનો જયરામવાટી સુધી ચાલતાં ચાલતાં પહોંચી ગયો. જ્યારે તે જયરામવાટી પહોંચ્યો ત્યારે તે થાકીને લોથપોથ થઈ ગયો હતો અને કપડાં મેલાંઘેલાં અને ફાટ્યાં તૂટ્યાં હતાં. શ્રીમાએ એમને પહેરવા કપડાં આપ્યાં પછી તેમણે સ્વામી શિવાનંદજી મહારાજને લખ્યું : ‘આ બ્રહ્મચારીએ કંઈક ભૂલ હશે. એને બેલુર મઠમાંથી કાઢી મૂકવાના ભયે તે મારી પાસે ચાલતો ચાલતો અહીં આવ્યો છે. એક મા પોતાના સંતાનોના દોષ કેવી રીતે જોઈ શકે? તમે એના પ્રત્યે દયામાયા રાખજો એમ હું ઇચ્છું છું.’  પ્રત્યુત્તરમાં સ્વામી શિવાનંદજીએ કહ્યું કે તે તેને બેલુર મઠમાં આવકારશે. જ્યારે એ બ્રહ્મચારી બેલુરમઠ પાછો ફર્યો ત્યારે સ્વામી શિવાનંદજી એને ભેટી પડ્યા અને હસતાં હસતાં કહ્યું : ‘અરે લુચ્ચા! તું તો મારી વિરુદ્ધ અપીલ કરવા સુપ્રિમ કોર્ટમાં ગયો, ખરુંને?’

— સ્વામી શિવાનંદ

શ્રીરામકૃષ્ણના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદના મૃત્યુ પછી સ્વામી શારદાનંદજીએ શ્રી શ્રીમાની સારસંભાળ લેવાનું કાર્ય સ્વીકાર્યું. શ્રી શ્રીમાએ એક વખત કહ્યું: ‘જ્યાં સુધી શરત (સ્વામી શારદાનંદ) છે ત્યાં સુધી હું ઉદ્‌બોધનમાં રહી શકીશ. એના પછી બીજું કોઈ મારી સંભાળ લે એવું મને લાગતું નથી. શરત દરેક રીતે મારી સંભાળ લઈ શકે છે. મારી સારસંભાળનો બોજો કે જવાબદારી ઉઠાવી શકે તેવો એક માત્ર માણસ તે છે.’

એક વખત એક ભક્તે સ્વામી શારદાનંદજીને કહ્યું: ‘શ્રીરામકૃષ્ણની દિવ્યતાને તો તે નિ:સંદેહ અને સહજભાવે સ્વીકારું છું. હું એ શ્રદ્ધાને પુષ્ટિ પણ આપું છું. પરંતુ શ્રી શ્રીમાને હું જગન્માતા રૂપે સ્વીકારી શકતો નથી.’ સ્વામી શારદાનંદજીએ કહ્યું: ‘શું તમારો કહેવાનો અર્થ એ થાય છે કે પ્રભુ (શ્રીરામકૃષ્ણ) એક સ્ત્રીની પુત્રીને પરણ્યા હતા કે જે છાણા વીણીને પોતાનું ગુજરાન કરે છે, ખરું ને?’

— સ્વામી શારદાનંદ

શારદા કે જે પછીથી સ્વામી ત્રિગુણાતીતાનંદ બન્યા. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન શ્રીરામકૃષ્ણદેવની મુલાકાત લીધી હતી અને પાછળથી શ્રી શ્રીમા પાસેથી એમણે સંન્યાસ દીક્ષા લીધી. સ્વામી યોગાનંદજીના મૃત્યુ પછી તેઓ શ્રી શ્રીમાની ભૌતિક જવાબદારીઓની સંભાળ લેતા અને સાથેને સાથે ‘ઉદ્‌બોધન’ નામના સામયિકનું સંપાદન પણ કરતા. શ્રી શ્રીમાની સેવા માટેની તેની ઉત્કટતા એક વિલક્ષણ બાબત બની ગઈ છે. એક દિવસ શ્રી શ્રીમા બળદગાડામાં બેસીને જયરામવાટી આવતાં હતાં. મધરાત વીતી ગઈ હતી. શારદા (સ્વામી ત્રિગુણાતીતાનંદ) ગાડાની આગળ ચોકીદાર રૂપે ચાલતા આવતા હતા. એના ખભે એક ભારે લાકડી હતી. એકાએક પૂરને કારણે રસ્તામાં પડેલા એક મોટો ખાડો એની નજરે પડ્યો. એકાએક તેને ખ્યાલ આવ્યો કે જ્યારે આ ગાડું અહીં આવશે ત્યારે કાં તો તે ઊંધું પડી જશે અથવા તો એને એવો તો ધક્કો લાગશે કે તેને લીધે શ્રી શ્રીમાની ઊંઘમાં ખલેલ પડશે અને એમને શારીરિક ઇજા પણ થશે. તરત જ એ ખાડામાં તેઓ સૂઈ ગયા. અને ગાડીવાળાને એના દેહ પરથી ગાડું હંકારવા કહ્યું. શ્રી શ્રીમા જાગ્યા, તેમણે પરિસ્થિતિ જાણી અને પોતાના શિષ્ય (સ્વામી ત્રિગુણાતીતાનંદ)ને આ અવિચારી કાર્ય માટે ઠપકો પણ આપ્યો.

— સ્વામી ત્રિગુણાતીતાનંદ

હું ‘મા આનંદમયી’ રૂપે શ્રી શ્રીમાનું નામસ્મરણ કરું છું. એમના નામની શક્તિના પ્રભાવે કોઈ પણ માણસને સર્વ કંઈ – શ્રદ્ધા, ભક્તિ, બુદ્ધિ, સંપત્તિસમૃદ્ધિ, વગેરે સાંપડે છે… ચંડીમાં કહ્યું છે: તેઓ સમૃદ્ધિ અને વિજય અપાવે છે, તેઓ (ભક્ત) જે ઇચ્છે તે બધું આપે છે. મને શ્રીરામકૃષ્ણનાં નામસ્મરણ કરતાં શ્રી શ્રીમાનાં નામસ્મરણથી વધુ શક્તિ પ્રાપ્ત થઈ છે. એક દિવસ સ્વામી વિવેકાનંદ બલરામ બાબુના ઘરે જઈ ચડ્યા. શ્રી શ્રીમા પણ ત્યાં હતાં. શ્રી શ્રીમાને પ્રણામ કરવા સૌ કોઈ જતાં હતાં. હું બરાબર સ્વામીજીની નજીક બેઠો હતો સ્વામીજીએ મને જઈને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરવાનું કહ્યું. હું (શ્રીમાની નજીક) ગયો અને ત્યાં ઘૂંટણભર બેસીને માથું નીચે નમાવીને ભૂમિને સ્પર્શીને મેં માને પ્રણામ કર્યા. સ્વામીજી (પ્રણામની આ રીતને) સમજ્યા કે નહિ એનો મને ખ્યાલ ન આવ્યો. મને એ રીતે સાષ્ટાંગ પ્રણામ કરતો જોઈને ઠપકો આપતાં કહ્યું: ‘શું શ્રીમાને સાષ્ટાંગ પ્રણામ કરવાની આ કોઈ રીત છે?’ એમ કહીને એમણે શ્રી શ્રીમાનાં શ્રીચરણકમળમાં પડીને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. આ જોઈને મેં પણ એવી જ રીતે પ્રણામ કર્યા. એ તો અમારાં ‘મા’ છે.

— સ્વામી વિજ્ઞાનાનંદ

ઉદ્‌બોધનમાં એક દિવસ શ્રી શ્રીમાના શિષ્યે કહ્યું: ‘મા, મને અંતરની શાંતિ મળતી નથી; મારું મન ચંચળ છે. મને દૈહિક બાબતો બહુ પીડે છે.’ શ્રી શ્રીમા તેમના તરફ થોડો વખત શાંતિથી જોઈ રહ્યા. શ્રી શ્રીમાને હેરાન કર્યાં છે એમ માનીને એ શિષ્યે તરત જ શ્રી મ. પાસે જઈને કહ્યું: ‘આપે ગુરુદેવના ચરણોનો અનેક વખત સ્પર્શ કર્યો છે. મહેરબાની કરીને મારા માથા પર તમારો હાથ રાખો.  મારું મન ઉદ્વિગ્ન છે.’ શ્રી મ.એ કહ્યું: ‘અરે! તમે શું કહો છો? તમે તો શ્રી શ્રીમાના સંતાન છો અને તેઓ તમને ખૂબ ચાહે છે. તમારે આમ ભીખારીની જેમ શા માટે વર્તવું જોઈએ? શું તેઓ તમારા પર અમીદૃષ્ટિ કરતાં નથી?’ શિષ્યે કહ્યું: ‘જરૂર, તેઓ મારા તરફ લાંબા સમય સુધી અમીદૃષ્ટિ કરતાં રહે છે.’ શ્રી મ.એ કહ્યું: ‘તો પછી તમે શા માટે ચિંતા કરો છો?’

— શ્રી મ. (મહેન્દ્રનાથ ગુપ્ત)

સ્વામી નિરંજનાનંદ ભલે દેખાવે ભયપ્રભાવક હતા પણ એમનું હૃદય પ્રેમાળ હતું. શ્રી શ્રીમા સાથેની એમની છેલ્લી મુલાકાત ઘણી હૃદયસ્પર્શી છે. ‘તેમની પ્રેમાળ અને લાગણીભીની પ્રકૃતિને છતી કરે છે. પોતાના નજીક આવતા અંતનો એણે અણસાર સુઘ્ધાં ન આપ્યો. તેઓ માને અશ્રુભીની આંખે વળગી રહેતા બાળક સમા લાગતા હતા. તેમણે શ્રી શ્રીમાને પોતાના હાથે ભોજન વગેરે કરાવવાનો આગ્રહ રાખ્યો. તેઓ શ્રી શ્રીમાએ રાંધેલ ભોજન જ (ખાવા) ઇચ્છતા હતા. જ્યારે શ્રી શ્રીમાની વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે શ્રી શ્રીમાનાં શ્રીચરણકમળમાં સુકોમળ વિષણ્ણભાવના આંસુઓ સારતાં પોતાના દેહને ધરી દીધો. પછી તેઓ ફરીથી શ્રી શ્રીમાનાં દર્શને ક્યારેય નહિ આવી શકે એમ જાણીને શાંતિથી ચાલ્યા ગયા.’

— સ્વામી નિરંજનાનંદ

એક દિવસ શ્રી શ્રીમાએ નાગમહાશયને લીલા પાંદડાંમાં પ્રસાદ આપ્યો. તેઓ પ્રસાદ અને પતરાળું બંને આરોગી ગયા. કારણ કે એમને લાગ્યું કે પેલું પાંદડું પણ પ્રસાદના સ્પર્શથી પવિત્ર બની ગયું હતું. બીજા એક પ્રસંગે શ્રી શ્રીમાએ એમને એક નવું વસ્ત્ર આપ્યું. એ વસ્ત્ર પહેરવાને બદલે માતાજીએ આપેલી આ પ્રેમપ્રસાદી પ્રત્યે ભાવમાન પ્રગટ કરવા એમણે એ કપડાને પોતાને માથે વીંટી લીધું.

નાગમહાશય પોતાના આંબામાં થયેલી કેરી શ્રીમાને આપવા ઇચ્છતા હતા. એક વખત માથા પર કેરીનો ટોપલો રાખીને તેઓ શ્રી શ્રીમા પાસે આવ્યા. પોતાની વિનમ્રતાના પ્રતીક રૂપે એમણે ફાટ્યાં તૂટ્યાં કપડાં પહેર્યાં હતાં. શ્રેષ્ઠ કેરીઓને તેમણે સફેદ ટપકું કરીને રાખી હતી. શ્રી શ્રીમાના નિવાસ સ્થાને પોતાના માથા ઉપર ટોપલો રાખીને ચાલવા લાગ્યા પણ કોઈને ય એમાંથી એક પણ કેરી આપતા ન હતા. શ્રી શ્રીમાએ એમને બોલાવ્યા. એમાંથી કેટલીક કેરી મંદિરમાં અર્પણ કરી શ્રી શ્રીમાએ થોડી કેરી ખાધી અને પછી નાગમહાશયને પાંદડા પર પ્રસાદ રૂપે આપીને એ પ્રસાદ લેવા માટે કહ્યું.

– સાધુ નાગમહાશય

સ્વામી નિરંજનાનંદની આગ્રહભરી વિનંતીને લીધે શ્રી ગિરિશ ઘોષ એક નોકર અને એક રસોઈયો લઈને જયરામવાટી ગયા. એમની સાથે ત્રણ યુવાન સંન્યાસીઓ પણ હતા. સ્નાન કર્યા પછી ગિરિશ શ્રી શ્રીમા પાસે ગયા. શ્રીગિરિશનો દેહ ભાવથી કંપતો હતો. શ્રી શ્રીમા તરફ પોતાની નજર નાખીને તેણે આશ્ચર્યચકિતભાવે કહ્યું: ‘અરે! તમે એ જ જગન્માતા છો!’ તરત જ કેટલાંય વર્ષો પહેલાં જ્યારે તેઓ ગંભીર માંદગીના બીછાને હતા ત્યારે જોયેલ એક સ્વપ્નનું સ્મરણ તેમને થઈ આવ્યું. એક મહાદેવી પ્રગટ થયા અને તેમને પવિત્ર પ્રસાદ આપ્યો. આને લીધે તેઓ તરત જ સાજા થઈ ગયા હતા. એ જ દેવીના રૂપે શ્રી શ્રીમાને એમણે ઓળખ્યા અને એને સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે રક્ષક દેવની જેમ તેઓ તેમની હંમેશાં સંભાળ લે છે. ગિરિશે શ્રી શ્રીમાને પૂછ્યું: ‘તમે કેવાં માતા છો?’ તરત જ શ્રી શ્રીમાએ જવાબ આપતાં કહ્યું: ‘(હું તમારી) સાચી માતા છું. માત્ર તમારા ગુરુપત્ની, અપરમાતા કે જેવી તેવી માતા નહિ; પણ તમારી સાચી મા છું.’

— ગિરિશચંદ્ર ઘોષ

શ્રી શ્રીમા, 

વહાલાં મા! આજે વહેલી સવારે હું સારા બુલ માટે પ્રાર્થના કરવા દેવળમાં ગયેલ. ત્યાં મળેલા સૌ લોકો ઈશુની મા મેરીનું ચિંતન કરતા હતા અને અચાનક મને તમારું સ્મરણ હૈયે ચડી આવ્યું. તમારું એ મીઠું મુખડું, એ સ્નેહ નીતરતી આંખો, એ સફેદ વસ્ત્રો ને પેલાં કંકણ-બધુંયે નજરસમક્ષ તરી રહ્યું છે. અને મનમાં થઈ આવ્યું કે બિચારી એસ. સારાના રોગે ભર્યા ઓરડાને એક તમારો જ સ્પર્શ શાંતિ અને આશીર્વાદથી ભરપૂર કરી શકે તેમ છે. અને માડી! બીજી એક વાત કહું? મને થઈ આવ્યું કે સંઘ્યા સમયે શ્રીઠાકુરની આરતી ટાણે તમારા ઓરડામાં બેસીને ઘ્યાન કરવાની ચેષ્ટા કરનારી હું કેવી તો મૂરખ હતી! મને એટલીયે ગમ કેમ નહિ પડી હોય કે તમારાં શ્રીચરણકમલ પાસે નાનકડું બાળ બનીને બેસી રહેવું જ ઘણું બધું હતું. મા, માડી, કેવાં સ્નેહે છલકાતાં છો તમે! ને તમારો એ સ્નેહ અમારા સ્નેહની પેઠે નથી તો ઊછાંછળો કે નથી ઉગ્ર. એ કાંઈ પાર્થિવ પ્રેમ નથી પણ એક સૌમ્ય શાંતિ છે. સૌનું કલ્યાણ કરતી, કોઈનુંય અમંગલ ન વાંછતી, લીલાથી પરિપૂર્ણ સોનેરી છે એ પ્રેમની આભા. થોડા જ માસ પહેલાંનો પેલા રવિવારનો શુભદિન – ગંગાતટ પર જતાં જતાં જ તમે સામાં મળી ગયાં અને પાછા ફરતાંની સાથે જ થોડીક વાર માટે તમારી પાસે વળી પાછી દોડી આવી. તમારા દીધેલા એ આશીષમાં અને આવકારમાં કેવી તો અદ્‌ભુત મુક્તિ મેં અનુભવેલી.

— ભગિની નિવેદિતા

(કેમ્બ્રિજ મેસેચ્યુસેટથી ૧૧, ડિસેમ્બર ૧૯૧૦ના રોજ શ્રી શ્રીમાને લખેલ પત્ર)

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.