વિશ્વધર્મ પરિષદ પછી શિકાગોના એક શ્રીમંત સ્વામીજીને પોતાના મહાલયમાં લઈ ગયા. સાધનસજ્જ સુંદર રાચરચીલાંવાળા એ ખંડમાં સ્વામીજીને ઊંઘ ન આવી. ભારતની દરિદ્રતાના વિચારોથી તેમની આંખોમાંથી આંસું વહેવાં લાગ્યાં. એમના મુખેથી શબ્દો સરી પડ્યા, ‘હે જગદંબા! મારી માતૃભૂમિ ભયંકર ગરીબીમાં સડી રહી છે, ત્યારે નામ અને કીર્તિને મારે શું કરવાં છે? ગરીબ ભારતવાસીઓની આ તે શી દુદર્શા થઈ છે કે અમારામાંથી લાખો લોકો મૂઠીભર અનાજના અભાવે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહ્યા છે… આ ભારતવાસીઓનો ઉદ્ધાર કોણ કરશે? એમને રોટી કોણ આપશે? હે માતા! હું એમને શી રીતે સહાય કરી શકું તે મને સુઝાડ!’

આપણા દેશની ઉન્નતિ શી રીતે થાય, એના જ તેમને વિચારો આવ્યા કરતા. એમણે કહ્યું છે કે, ‘દેશના હિતને માટે જરૂર પડે તો નરકે જવા પણ હું તૈયાર છું.’ એ પરથી સમજી શકાય કે આપણા દેશને સ્વામીજી કેટલો ચાહતા.

યુરોપથી બેલુર મઠમાં પાછા ફર્યા બાદ સ્વામીજીએ એક દિવસ મઠની જગ્યામાં કામ કરતા સંથાલી મજૂરોને ખૂબ મીઠાઈ વગેરે જમાડ્યાં. તેઓને ખૂબ આનંદ થયો. તેઓને ખૂબ રાજી થયેલા જોઈને સ્વામીજી બોલ્યા: ‘આજે મેં નારાયણની સેવા કરી.’

આપણે જો માનવને નારાયણ સમજીને જમાડીને અથવા બીજા કોઈ પ્રકારે સેવા કરીને રાજી કરી શકીએ, તો જાણવું કે ભગવાન જ રાજી થયા છે.

કોઈની સેવા કરવાના બદલામાં તેની પાસેથી કંઈ માગવું ન જોઈએ. સ્વામીજી કહી ગયા છે કે, ‘આપ્યા પછી ફરીને જુઓ મા.’ પ્રેમના બદલામાં જે કંઈ માગે નહિ તેનો પ્રેમ દિવસે દિવસે વધતો જાય. એ પ્રેમની ક્યાંય સીમા ન રહે. એ થઈ જાય અનંત પ્રેમ.

સ્વામી વિવેકાનંદનો દેશપ્રેમ

પશ્ચિમના દેશોની મુલાકાતેથી સ્વામીજી પાછા ભારત આવ્યા ત્યારે એક મિત્રે એમને પૂછ્યું: ‘સ્વામીજી! વૈભવશાળી પશ્ચિમના દેશોમાં આટલો બધો સમય ગાળ્યા પછી હવે આપને આપની માતૃભૂમિ પ્રત્યે કેવો ભાવ રહ્યો છે?’ સ્વામીજીએ ઉત્તર આપ્યો: ‘અહીં આવ્યા પહેલાં હું ભારતને ચાહતો હતો, પણ હવે તો ભારતની રજ પણ મારે મન પવિત્ર બની ગઈ છે; એની હવા સુધ્ધાં પાવનકારી બની ગઈ છે. હવે એ ભારત પુણ્યભૂમિ-તીર્થભૂમિ બની ગયું છે.’ તેઓ કહેતા: ‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને ગૌરવ લે કે તું ભારતવાસી છે અને ગર્વપૂર્વક ગર્જના કર કે, ‘હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે’ તું ઘોષણા કર કે, ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાળ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી એ દરેક મારો ભાઈ છે’. તું ઉચ્ચસ્વરે ઘોષણા કર કે ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે… ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે અને મારી વૃદ્ધાવસ્થાનું પુણ્યસ્વર્ગ અને વારાણસી છે.’ હે ભાઈ! તું પોકારી ઊઠ કે ‘ભારતની ધરતી’ એ મારું સર્વોત્તમ સ્વર્ગ છે, ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’

તેમણે કહ્યું છે : ‘આ દેશ તો ફિલસૂફી, અધ્યાત્મની, નૈતિકતાની, માધુર્યની, કુલીનતાની અને પ્રેમની માતૃભૂમિ છે. આ બધું આજે પણ વિદ્યમાન છે; જગતના મારા અનુભવના આધારે, એક દૃઢ ભૂમિકાએ ઊભીને, હું હિંમતપૂર્વક જાહેર કરું છું કે આ બાબતોમાં ભારત હજુ પણ જગતનાં રાષ્ટ્રોમાં અગ્રતમ સ્થાન ધરાવે છે… આપણે મહાન કાર્યો કરવાનાં છે, અદ્‌ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની છે; જગતનાં અન્ય રાષ્ટ્રોને આપણે ઘણી ઘણી વાતો શિખવવાની છે.

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.