રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના મૂળ બંગાળી લેખનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ હિન્દી અનુવાદનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

રામકૃષ્ણ મઠ તથા મિશન દ્વારા આયોજિત આ ધર્મ-મહાસંમેલનમાં ઉપસ્થિત વિભિન્ન ધર્મોના વિશેષ પ્રતિનિધિઓ તેમજ આ સંમેલનમાં ઉપસ્થિત રહેનારા ભાવિકજનોને મળવામાં મને અપાર હર્ષ થાય છે. હું આદરપૂર્વક અભિનંદન સાથે આપ સૌનું સ્વાગત કરું છું.

મને એ વાતનો અત્યંત આનંદ ઉપજે છે કે બેલૂર મઠની પાવનકારી ભૂમિના શ્રીરામકૃષ્ણ મંદિર સાથે સંલગ્ન એવા આ સ્થાને આ મહાસંમેલન યોજાયું છે. આ મંદિર શ્રીરામકૃષ્ણ દ્વારા પ્રવર્તિત સર્વધર્મસમન્વયનું ઉજ્જ્વળ પ્રતીક છે.

સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ વિશે કહ્યું હતું: એમનું જીવન એક વિરાટ મહાધર્મ-સંમેલન છે. શિકાગો ધર્મ-પરિષદ પૂર્ણ થતાં પહેલાં જ વિભિન્ન ધર્મો તથા સંપ્રદાયોના પ્રતિષ્ઠિત માણસો શ્રીરામકૃષ્ણ સાથે ભિન્ન ભિન્ન પ્રકારની ધર્મ-વિભાવનાઓની ચર્ચા કરવા દક્ષિણેશ્વર આવતા. બધા ધર્મોના મૂળ આધારભૂત સત્યની પ્રાપ્તિના ફળ સ્વરૂપે એ બધા ધર્મો તથા સંપ્રદાયો વચ્ચે રહેલી ગહનગંભીર એકતાની અનુભૂતિ એમણે કરી હતી. એમણે મુસલમાનોને પણ આલિંગન કર્યું હતું, ખ્રિસ્તીઓ સાથે પણ હાથ મિલાવ્યા હતા, શાક્તો સાથે સંગીતગાન કર્યાં હતા, બૌદ્ધો સાથે નૃત્ય અને બ્રાહ્મોસમાજીઓ સાથે ઉપાસના પણ કરી હતી.

આ સભાનું નામ ધર્મ-મહાસંમેલન છે. ઈ.સ. ૧૮૯૩માં યોજાયેલ ધર્મસભામાં સ્વામીજીના યોગદાનની સ્મૃતિમાં આ સંમેલનનું આયોજન થયું છે. આ પ્રસંગે આપણે એ યાદ રાખવું જોઈએ કે પ્રણાલીગત પારસ્પરિક વિચારસભા સાથે આ મહાસભાને કોઈ સંબંધ નથી. ચર્ચાસભા કે ગોષ્ઠિઓમાં પંડિત કેટલાય સામાન્ય વિષયોનો વિચાર વિમર્શ કરે છે. પરંતુ આ પ્રકારની મહાસભામાં વિભિન્ન ધર્મોના પ્રતિનિધિઓ પોતપોતાના ધર્મની વાત પ્રસ્થાપિત કરતી વખતે સ્વાધીનતા, સમાનતા અને પારસ્પરિક મર્યાદા-બોધને જાળવી રાખે છે; કારણ કે એ લોકો બધા ધર્મોની વચ્ચે અનેક સમાનતાઓ છે એ વાતને જાણે છે. આ રીતે કેટલાય ગંભીર ચર્ચાના વિષયો છે. એમના પર બધા ધર્માવલંબીઓએ ધ્યાન દેવું જરૂરી છે. સર્વપ્રથમ વર્તમાન સમયમાં દુરાચાર અને હિંસાએ ગંભીર રૂપ ધારણ કર્યું છે. મનુષ્યના નૈતિક તથા આધ્યાત્મિક પતનને રોકવા માટે જગતના બધા ધર્મોની સમાન જવાબદારી છે. બીજી વાત એ છે કે આ ધરતી પરના બધા ધર્મોનું કર્તવ્ય એ છે કે તેમણે દરિદ્ર તથા પીડિત લોકોની ઉન્નતિ માટે પ્રયત્ન કરવો જોઈએ. દુ:ખદરિદ્રતાને જાતિ, ધર્મ કે વર્ણ સાથે કોઈ સંબંધ નથી. આર્તમનુષ્યનાં દુ:ખકષ્ટ દૂર કરવાની જવાબદારી બધા ધર્મોએ લેવી પડશે. એ ઉપરાંત જે અસંખ્ય લોકો જીવનના મૂળ લક્ષ્ય એટલે કે પરમ સત્યનું અનુસંધાન કરી રહ્યા છે એમની સંખ્યા પણ ક્રમશ: વધતી જાય છે. ધરતી પરના બધા ધર્મોની એ જવાબદારી છે કે આ તીવ્ર આધ્યાત્મિક ઝંખનાની તેઓ પૂર્તિ કરે.

ભારતમાં ધાર્મિક વિરોધ-સાંપ્રદાયિક સંઘર્ષ જેવી ગંભીર સમસ્યા રહે છે એના પ્રત્યે બધા સમજદાર લોકોએ સત્વરે ધ્યાન દેવાની આવશ્યકતા છે. અત્યંત પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સ્વર સામંજસ્ય કે સમન્વય રહ્યો છે. એવી પરિસ્થિતિમાં આવી સાંપ્રદાયિક સંઘર્ષની વાત અત્યંત દુર્ભાગ્યજનક છે. સેંકડો વર્ષોથી ભારતમાં વિભિન્ન જાતિઓ તથા ભિન્ન ભિન્ન ભાષાભાષી લોકો તેમજ વિવિધ દાર્શનિક તથા ધાર્મિક ભાવનાવાળા ધર્મ-સંપ્રદાયો આ દેશમાં મિશ્ર સંસ્કૃતિના સર્જન માટે શાંતિપૂર્વકના પ્રયાસો કરી રહ્યા છે. એ સ્પષ્ટ છે કે કેવળ ધર્મનિરપેક્ષતાની નીતિ કે એ વિશેના કાયદાકાનુન બનાવવાથી આવો સાંપ્રદાયિક સંઘર્ષ દૂર થવાનો નથી. સર્વધર્મ વચ્ચે સામંજસ્ય તથા સમન્વયની સ્થાપના માટે આપણે સૌને જરા વધુ ભાવાત્મક તથા વ્યાપક દૃષ્ટિની આવશ્યકતા છે.

સ્વામી વિવેકાનંદે એ સ્પષ્ટપણે બતાવ્યું છે કે આવા ધાર્મિક ઝનૂનનું પણ સમાધાન છે. સ્વામીજીએ ધર્મની સંસ્કૃતિને મુખ્ય આધાર ગણ્યો છે. તથા એમને એવી શ્રદ્ધા હતી કે ધર્મ જ વિશેષ રૂપે ભારતવર્ષનું પ્રાણતત્ત્વ કે સંજીવની શક્તિ છે. સ્વામીજીના શબ્દોમાં કહીએ તો : પ્રત્યેક ક્ષેત્રમાં ભારતના સર્વાંગીણ વિકાસ માટે સૌ પહેલી આવશ્યકતા છે, ધાર્મિક વિકાસ કે ઉન્નતિની. સામાજિક કે રાજનૈતિક ચિંતનના પ્રવર્તન પહેલા દેશને આધ્યાત્મિક વિચારોથી પૂરેપૂરો ભરી દો. 

આપણી મુખ્ય સમસ્યા ધર્મના સ્વરૂપ વિશેની આપણી અનભિજ્ઞતા છે. સ્વામી વિવેકાનંદના કહ્યા પ્રમાણે બધા ધર્મોને એક ઉચ્ચ લોકોત્તર ભાવકક્ષ અને સાંસ્કૃતિક કક્ષ હોય છે. ભાવરાજ્યના સ્તરે બધા ધર્મોનો ઉપદેશ કે સંદેશ ભલે ભિન્ન ભિન્ન હોય પણ એ વચ્ચે એક મૌલિક એકતા હોય છે. વિશ્વની સંસ્કૃતિના ઇતિહાસમાં આ અંતર્દૃષ્ટિ જ શ્રીરામકૃષ્ણદેવનું એક મહાન યોગદાન છે. વિશ્વના બધા ધર્મોના ઇતિહાસમાં શ્રીરામકૃષ્ણ જ સર્વપ્રથમ તથા સર્વશ્રેષ્ઠ મહાપુરુષ છે કે જેમણે બધા ધર્મોની સાધના કરી હતી. આ વિવિધ ધર્મોની સાધનાને અંતે એમણે સ્પષ્ટપણે જોયું કે અંતે તો આ બધા પથો દ્વારા એ પરમસત્યની પ્રાપ્તિ થાય છે. પોતાની આ આધ્યાત્મિક અનુભૂતિથી એમણે આધ્યાત્મિક જીવનના આ ત્રણ મૂળ સત્યોને જાણ્યાં હતાં: (૧) પરમ સત્ય એક છે, વિભિન્ન ધર્મોએ એને ભિન્ન ભિન્ન નામ આપ્યાં છે. (૨) ભિન્ન ભિન્ન પથો દ્વારા આ એક સત્ય સુધી પહોંચી શકાય છે. (૩) આ પરમસત્યની પ્રાપ્તિ એ જ માનવ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય તથા સર્વધર્મનો સાર છે.

આ ત્રણ સત્ય શ્રીરામકૃષ્ણદેવના સર્વધર્મસમન્વયના આધારસ્તંભ છે. વિશ્વના વિભિન્ન ધર્મશાસ્ત્રોમાં આ તત્ત્વોને કોઈને કોઈ રૂપે આપણે જોઈએ છીએ. બધા પથો દ્વારા જે સત્યપ્રાપ્તિ થાય છે એની અનુભૂતિ શ્રીરામકૃષ્ણદેવ પહેલાં કોઈ સાધકે કરી ન હતી. આ અનુભૂતિથી શ્રીરામકૃષ્ણે સર્વધર્મસમન્વયના આદર્શને કાર્યરૂપ આપવા માટે પ્રચંડશક્તિનો સંચાર કર્યો. સમયે સમયે સમગ્ર વિશ્વમાં આ શક્તિ ક્રમશ: સ્પષ્ટ સ્વરૂપે પ્રગટ થશે. શિકાગો ધર્મપરિષદના અંતિમ અધિવેશનમાં સ્વામીજીએ પોતાના ઉપસંહારમાં આ ભવિષ્યવાણી કરી હતી. શ્રીરામકૃષ્ણે કેવળ બધા ધર્મોની લોકોત્તર એકતાનો ઉપદેશ આપ્યો ન હતો પરંતુ સામાજિક તથા સાંસ્કૃતિક દિશાઓમાં કોઈને કોઈ રૂપે સમન્વય સામંજસ્ય પ્રસ્થાપિત થાય એ વાત પણ એમણે બતાવી છે. એમણે સમગ્ર પ્રાણીઓમાં ભગવાનને પ્રત્યક્ષ રૂપે જોયા હતા. જાતિ, વર્ણ, ધર્મ કે સંપ્રદાયને મહત્ત્વ ન આપતા બધાં લોકોનો સમાનભાવે આદર કર્યો હતો. એમણે એ પણ શીખવ્યું છે કે પ્રત્યેક ધર્માવલંબીની દૃષ્ટિએ એમના ધર્મને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે એમણે ઇસ્લામ ધર્મની સાધના કરી હતી ત્યારે એક મુસલમાન સાથે સમાન ભાવે વ્યવહાર કર્યો હતો. જ્યારે ખ્રિસ્તીધર્મની સાધના કરી હતી ત્યારે તેઓ થોડા દિવસ કાલીમંદિરમાં ન ગયા. આપણે બધાએ આટલું બધું કરવાની આવશ્યકતા નથી પરંતુ આપણે સૌએ પોતાના ધર્મની સીમિત દૃષ્ટિએ અન્ય ધર્માવલંબીઓના ધર્મનો વિચાર કરવો ન જોઈએ.

શ્રીરામકૃષ્ણે ઈષ્ટનિષ્ઠા એટલે કે પોતાના ધર્મ તથા નૈતિક આદર્શ પ્રત્યે દૃઢતા અને અનુરાગને પણ મહત્ત્વ આપ્યું છે. વિભિન્ન ધર્મો વિશે આપણો સૌ વાંચી શકીએ છીએ કે જાણી શકીએ છીએ તથા બધા પ્રત્યે આપણે સૌ સહાનુભૂતિપૂર્ણ હૃદયવાળા બની શકીએ; પરંતુ પ્રત્યેક માણસે પોતાના ધર્મ પ્રત્યે એકાંતિક નિષ્ઠા અને દૃઢતા રાખવી આવશ્યક છે. સ્વામીજીએ કહ્યું છે : નાના છોડની જેમ આપણે લોકોએ આપણી પોતાની સહજપ્રકૃતિનું પોષણ કરવું પડશે, સાથે ને સાથે જ્ઞાનના પ્રદીપ તથા તેના પરિવર્તનની પ્રક્રિયાને જાણવા માટે આપણા મનને સાફ નિર્મળ રાખવું પડશે.

કેવળ સ્વામી વિવેકાનંદ જ શ્રીરામકૃષ્ણના જીવન તથા ઉપદેશોનો લોકોપયોગી અર્થ તથા એની અનંત સંભાવનાઓને પૂર્ણ રૂપે સમજ્યા હતા. એમની વાણીના પૂરે સમગ્ર વિશ્વમાં પ્રચાર કરવો એ જ સ્વામીજીના જીવનનું મુખ્ય ધ્યેય હતું. એમણે શ્રીરામકૃષ્ણના સર્વધર્મસમભાવનો વ્યાવહારિક પ્રયોગ કર્યો. તેમજ એનો આધુનિક સમય પ્રમાણે ઉપયોગ પણ કર્યો. ઈ.સ. ૧૮૯૩માં એમણે પોતાના ગુરુના આદર્શ પ્રમાણે તથા પ્રાચીન ભારતના આધ્યાત્મિક દૂતના રૂપે શિકાગો વિશ્વધર્મપરિષદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

શિકાગો ધર્મ મહાસભા આધુનિક વિશ્વના સાંસ્કૃતિક ઇતિહાસની સંધિક્ષણના ચિહ્‌નરૂપ છે. મુખ્યત: સ્વામી વિવેકાનંદની ઉપસ્થિતિને કારણે આ બધું સંભવ બન્યું. આ સંમેલનમાં બધા ધર્મમતાવલંબીઓનો સમાન મર્યાદા સાથે સ્વીકાર કરવામાં આવ્યો હતો. પરંતુ એક વાત છે કે બધા ધર્મોને એક સમાન સત્ય રૂપે ગણવામાં આવ્યા ન હતા, પરંતુ બધા ધર્મો પરમ લક્ષ્ય સુધી પહોંચાડે છે. એટલે આ સભા સમાન રૂપે સત્ય કે સાર્થક છે એ જ આ વિશ્વધર્મ સભાને સ્વામી વિવેકાનંદનું પ્રદાન છે. તેમજ સ્વામીજીએ આ આદર્શ પોતાના ગુરુદેવ પાસેથી મેળવ્યો હતો. વિશ્વના મનીષીઓએ ક્રમશ: આ શ્રદ્ધાનો સ્વીકાર કરી લીધો હતો.

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.