‘પ્રબુદ્ધ ભારત’, સપ્ટેમ્બર ૧૯૭૯ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સ્વામી ભજનાનંદજીના સંપાદકીય લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.

એક પ્રસંગ છે. મહાન વૈજ્ઞાનિક એડિસનની પ્રખ્યાત ઔદ્યૌગિક પ્રયોગશાળામાં જ્યારે આગ ફાટી નીકળી ત્યારે તેમણે શાંતિથી તેમનાં પત્નીને બોલાવી આગ બતાવતાં કહ્યું: ‘આવી આગ તને જીવનમાં ક્યારેય જોવા નહિ મળે.’ કિંમતી સાધન-સરંજામ અને પ્રયોગશાળામાં કરેલા કઠોર પરિશ્રમ સહિત મકાન ભસ્મીભૂત થઈ ગયું, ત્યારે અડિસને પોતાના એક કાર્યકરને બહુ ઠંડે કલેજે, લોન લેવાની વ્યવસ્થા કરવા કહ્યું અને પોતે ઘેર જઈ ઊંઘી ગયા.

મહાન નીગ્રો સંત અને વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરને જણાવવામાં આવ્યું કે આલ્બાનાની એક બેંક નાદારીમાં જતાં તેની જીવનભરની કમાણીના સિત્તેર હજાર ડોલર ડૂબ્યા છે, ત્યારે તેણે સ્વસ્થતાથી કહ્યું: ‘ભલે કોઈકને તે કામ લાગશે. હું પોતે તો તે પૈસા વાપરતો ન હતો.’

અનાસક્તિનાં આવાં અસાધારણ દૃષ્ટાંતો આપણા પર ઊંડી છાપ છોડી જાય છે. આપણે પણ ઇચ્છીએ કે આપણામાં થોડીક અનાસક્તિ હોય. આપણે જાણીએ છીએ કે જીવન તો મુશ્કેલીઓ અને નિરાશાથી ભરપૂર છે. થોડીક અનાસક્તિ કેળવ્યા વગર એક શાણું અને શાંતિમય જીવન જીવવું મુશ્કેલ છે. અરે, કળા, રમતગમતો કે મનોરંજન માણવા માટે આપણામાં કલામય અનાસક્તિ હોવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ થીયેટરમાં જાય કે રમત જોવા સ્ટેડીયમમાં જાય અને તે માટે ટીકીટ ખરીદે, ત્યારે ખરેખર તો તે એક કે બે કલાક માટે અનાસક્તિ અનુભવવાના જ પૈસા ખર્ચતો હોય છે. પોતાની ખૂબ આરામદાયક ખુરશી પર બેસી,  રૂપેરી પડદા પરના અતિક્રૂર ખૂનના દૃશ્યને અથવા ઉત્તેજનાભરી ફૂટબોલ સ્પર્ધાને ખૂબ જ સંતોષથી તે માણે છે. પરંતુ તે પોતે ઉપરના બનાવોમાં જાતે ભાગ લેતો હોત તો તેની સ્થિતિ કેટલી વિષમ થાત?

આપણા સામાન્ય સામાજિક જીવનમાં આવી અનાસક્તિ હોવી એ બહુમૂલ્ય માનસિક વલણ છે. પરંતુ તેનું આચરણ બહુ મુશ્કેલ છે. અનાસક્તિના પ્રશ્નને માણસના વ્યક્તિત્વનાં ખૂબ ઊંડાં સ્તરે જ સમજી શકાય તેમ છે, કેમ કે આસક્તિનાં મૂળ આપણી અંદર ખૂબ ઊંડાં ગયેલાં હોય છે. માત્ર આધ્યાત્મિકતા જ માનવનો ઊંડાણથી અભ્યાસ કરે છે. તેથી અનાસક્તિનો અહીં આપણે એક આધ્યાત્મિક પદ્ધતિ તરીકે વિચાર કરીશું. એક અર્થમાં તેને માટે ‘વૈરાગ્ય’ શબ્દ વપરાય છે. જેનો સામાન્ય અર્થ ‘ત્યાગ’ એમ કરવામાં આવે છે. પરંતુ આ ‘વૈરાગ્ય’ શબ્દ દુનિયાને છોડવી અને કોઈ આશ્રમ કે મઠમાં જઈ રહેવું – એવો થવા લાગ્યો છે, તેથી આપણે તેને માટે વધુ વ્યાપક એવો ‘અનાસક્તિ’ શબ્દ વાપરવો પસંદ કર્યો છે.

વિવેક અને અનાસક્તિ

વિવેક અને અનાસક્તિ એ બંને અગત્યની તૈયારી રૂપ સાધના છે. બંને સાથે સાથે જ હોય છે. વિવેકની પ્રક્રિયા અનાસક્તિથી પૂર્ણ થાય છે. અનાસક્તિ વગરનો વિવેક પાંગળો છે; તે જીવને બહુ પ્રગતિ કરાવતો નથી. અનાસક્તિ વિનાનો વિવેક અંધ છે; તે આપણને માર્ગમાં ભટકાવી દે છે. આ બંનેનો સમન્વય થાય ત્યારે તેઓ જીવનાં બંધનો કાપી નાખે છે અને પાર્થિવ જીવનમાં અસ્તિત્વ ટકાવી રાખવાના આપણા અહંકારના બળાપાઓમાંથી મુક્ત કરે છે.

વિવેક આપણને સમજણ અને દિશા આપે છે; પરંતુ આપણી ઇચ્છાશક્તિને ગતિમાન ન કરે અને આપણને સાચા રસ્તે ચલાવે નહિ તો તેનો કંઈ ઉપયોગ નથી. મહાભારતના ખલનાયક દુર્યોધને બોલેલી એક પંક્તિ આ બે વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ કરે છે : ‘ધર્મ શું છે તે હું જાણું છું, પરંતુ હું તેનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે તે પણ હું જાણું છું, પરંતુ હું તેનો ત્યાગ કરવા અશક્તિમાન છું.’ 

જાનામિ ધર્મમ્‌ ન ચ મે પ્રવૃત્તિ: । જાનામ્યધર્મમ્‌ ન ચ મે નિવૃત્તિ: ॥ (પ્રપન્ન ગીતા.૫૬)

આ વાક્યને આધુનિક માનવની સ્થિતિની હૃદયદ્રાવક ઉક્તિ તરીકે પણ લઈ શકાય તેમ છે. તેની અનાસક્તિ કરતાં તેનાં જ્ઞાન અને વિવેક ઘણાં વધારે છે. પરિણામે તેનાં દુ:ખ અને દર્દ ખૂબ તીવ્ર બન્યાં છે.

સ્વાતંત્ર્ય અને અનાસક્તિ

આપણે ઘણીવાર લોકોને આધ્યાત્મિક જીવન અને ખાસ તો સંન્યાસી જીવન વિશે કહેતા સાંભળીએ છીએ, ‘હા, એ નિ:શંક સારું જીવન છે. પરંતુ તેમાં આપણને કાંઈ સ્વાતંત્ર્ય હોતું નથી.’ અહીં તેઓ સ્વતંત્રતાનો શો અર્થ કરે છે? સિનેમા જોવા જવાની સ્વતંત્રતા, નવલકથા વાંચવાની સ્વતંત્રતા, જીવનનાં સુખો ભોગવવાની સ્વતંત્રતા – બીજા શબ્દોમાં; ઇન્દ્રિયોને પૂરી છૂટ, આસક્તિ માટેની સ્વતંત્રતા. તેમને કેટલાક પદાર્થો કે આનંદોપભોગ માટે આસક્તિ હોય છે. આવી આસક્તિની છૂટને, તેઓ સામાન્ય રીતે પોતાની સ્વતંત્રતા કહે છે. 

પરંતુ સાચી સ્વતંત્રતા આસક્તિમાં નથી, પરંતુ અનાસક્તિમાં રહેલી છે. કેટલીક ટેવો અને કેટલાક સુખોપભોગમાંથી જ્યારે આપણે અનાસક્ત થવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે આપણે કંઈ બહુ ‘સ્વતંત્ર’ નથી. ઉત્તર ભારતમાં પ્રચલિત એક વાર્તા આપણી સ્થિતિને સરસ રીતે વર્ણવે છે. એક વ્યક્તિએ નદીમાં તરતા ધાબળા જેવું કંઈક જોયું અને તેને પકડવા નદીમાં કૂદી પડ્યો. પરંતુ પછી તો તે પોતાને બચાવવા બૂમો પાડવા લાગ્યો. કાંઠા પર ઊભેલા લોકોએ તેને એ ધાબળો છોડી દઈ, તરીને પાછા આવી જવા કહ્યું. તે ભાઈએ વળતો જવાબ આપ્યો, ‘મેં તો તેને છોડી દીધો છે, પરંતુ તે મને વળગે છે!’ તેણે જેને ધાબળો માન્યો હતો તે તો ખરેખર એક રીંછ હતું! આમ વ્યક્તિઓ અને પદાર્થો માટે આસક્તિ કેળવવી તો રહેલી છે, પરંતુ તેમની ચુંગલમાંથી આપણી જાતને મુક્ત કરવી તે મુશ્કેલ હોય છે.

આપણે સામાન્ય રીતે એમ માનતા હોઈએ છીએ કે આપણે ધારીએ તેમ વર્તવાને માટે આપણે સ્વતંત્ર છીએ. પરંતુ આધુનિક મનોવિજ્ઞાન કહે છે કે આપણાં ઘણાંખરાં કાર્યો અભાનપણે ગતિમાન થતાં હોય છે. આપણે જેને આપણું સ્વતંત્ર કાર્ય ગણતા હોઈએ છીએ તેની પાછળ એક છૂપી ઇચ્છા કે આસક્તિ પડેલી હોય છે. આપણાં લગભગ તમામ કાર્યો જુદી જુદી ઇચ્છાઓ વડે સંચાલિત થતાં હોય છે. આવાં ઇચ્છાપ્રેરિત કર્મને આપણે ‘મારું સ્વતંત્ર કાર્ય’ એમ ગણવાની ભૂલ કરતા હોઈએ છીએ.

વળી આપણે ઇચ્છીએ તેમ વિચાર કરવા માટે પણ આપણે સ્વતંત્ર નથી. આપણે થોડુંક આત્મનિરીક્ષણ કરીશું તો તુરત જણાશે કે આપણા વિચારો શૂન્યમાંથી આવતા નથી. આપણે આકાશમાં નજર કરીએ તો અને તેમાં વાદળાંને હરતાં ફરતાં જોઈએ, ત્યારે એમ લાગે કે વાદળો કોઈ લક્ષ્યવિના આમતેમ ફરે છે. પરંતુ ખરેખર તો તેમનું હલનચલન હવામાનશાસ્ત્રના નિયમો પ્રમાણે જ થતું હોય છે. તે જ રીતે આપણા મનમાં ઉદ્‌ભવતા પ્રત્યેક વિચારની પાછળ કોઈ કારણ હોય છે. વિચારો ‘સંસ્કારો’ (ભૂતકાળના અનુભવોની ગુપ્ત છાપો) વડે ઉત્પન્ન થાય છે. અને તેમનું ઉદ્‌ભવવું તે મનોમય જગતના કેટલાક નિયમોને આધીન હોય છે. અમુક પ્રકારનાં માનસિક વાતવરણ વચ્ચે ખાસ પ્રકારના જ વિચારો મનમાં ઉદ્‌ભવે. આ સિવાય પણ, કેટલાંય અજાણ્યાં બળો, ખાસ કરીને બીજા લોકોમાંથી પ્રસરતાં વિચારનાં મોજાંઓ, આપણા મનને અસર કરતાં હોય છે. તો પછી આપણે ઇચ્છીએ તેમ વિચારવાની સ્વતંત્રતા છે જ ક્યાં?

ધ્યાનનો અભ્યાસ કરવા માટે આપણને આધ્યાત્મિક વિચારો કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ અને ધ્યાનનો માર્ગ ચેતનાના અમુક કેન્દ્ર તરફ વાળવાની સ્વતંત્રતા હોવી જોઈએ. નિમ્નકક્ષાના વિચારોથી અલગ થઈ શકીએ તો જ આ આંતર્સ્વતંત્રતા આવે. આ માટેનો પ્રયત્ન કરતાં જ આપણને ખ્યાલ આવે છે કે ભૂતકાળના સંસ્કારોનું કેટલું બધું સ્વામીત્વ આપણા ઉપર છે. આ સંસ્કારોની પકડમાંથી મુક્તિમાં જ સાચી સ્વતંત્રતા રહેલી છે. આપણને અમુક હદે આવી મુક્તિ મળે નહિ ત્યાં સુધી ધ્યાન કરવું પણ મુશ્કેલ છે. આમ અનાસક્તિ એ ધ્યાનમય જીવન માટે અનિવાર્ય એવો તૈયારી રૂપનો ગુણ છે.

નૈતિકતા અને અનાસક્તિ

એક આધ્યાત્મિક માણસ, નૈતિક માનવથી કેવી રીતે જુદો પડે છે? એક તો એ બાબતમાં કે માત્ર નૈતિકતાવાળો માણસ એ ઉચ્ચ જીવનની ઝંખના કરવા અથવા ઉચ્ચ પ્રકારની ચેતના પ્રાપ્ત કરવા સ્વતંત્ર હોતો નથી. તે તો માત્ર સારાં જીવનથી સંતુષ્ટ હોય છે. વાસ્તવમાં તો તે પોતાના સારા વિચારો અને સારાં કર્મોથી આસક્ત થયેલો હોય છે કે તે આવા પ્રશ્ન માટે તૈયાર હોતો નથી. સ્વામી વિવેકાનંદ પ્રશ્ન કરે છે કે ‘તમે મુક્ત ન હો ત્યાં સુધી માત્ર યંત્રથી વિશેષ શું છો? શું તમે ભલા છો તે માટે તમે ગર્વ લઈ શકો! બિલકુલ નહિ. તમે ભલા છો કેમ કે તેવા બન્યા વિના તમારે છુટકો નથી. બીજી કોઈ વ્યક્તિ બુરી હોય છે કેમ કે તેને તેવા બન્યા સિવાય છુટકો નથી.’ ભલાઈ અને બુરાઈ ‘સંસ્કારો’ પર આધાર રાખે છે. ભલો માણસ એ કે જે સારા સંસ્કાર વડે જ શાસિત હોય. બૂરો માણસ એ છે કે જે બુરા સંસ્કારો વડે જ શાસિત હોય. જે જીવન માત્ર સંસ્કારો વડે જ શાસિત હોય, ભલે તે સારા સંસ્કાર હોય, તો પણ તેવું જીવન સ્વતંત્ર નથી. તે ઉચ્ચતરની પ્રાપ્તિ માટે સ્વતંત્ર હોતું નથી. આપણી ચેતનાનાં અનેક પરિમાણો કે સ્તરો છે. જે જીવન નિમ્નકક્ષાની ચેતનામાં જીવે તે અણવિકસિત અને અધૂરું હોય છે. આવાં જીવને આધ્યાત્મિક સાહસનો આનંદ ગુમાવ્યો હોય છે અને તે સાથે પોતાના બાંધવોની આધ્યાત્મિક ઉન્નતિ માટે સેવા કરવાનો આનંદ પણ ગુમાવ્યો હોય છે.

બીજી વાત એ છે કે જે માત્ર સદ્‌ગુણી છે તે દુ:ખ અને ભયથી મુક્ત હોતો નથી. જે વ્યક્તિ ચેતનાની નિમ્નકક્ષાએ જીવે છે તે સૌ પ્રથમ તો ઇચ્છાઓથી મુક્ત હોતો નથી – ભલે એ ઇચ્છાઓ સારી હોય. બીજું એ કે ઉચ્ચતર ચેતના સાથે સંલગ્ન એવા આધ્યાત્મિક આનંદનો તેને સ્પર્શ પણ મળતો નથી, તેથી પોતાની ઇચ્છાઓ સંતોષવા તેણે માત્ર પોતાનાં માનસિક અને સામાજિક વાતાવરણ પર જ આધાર રાખવો પડે છે. આવું વાતાવરણ તો સતત બદલાતું રહે છે. અને તેના પર તેનો કોઈ કાબૂ પણ હોતો નથી, તેથી તેની ઘણી ઇચ્છાઓ તો અતૃપ્ત રહી જાય છે. તેથી તે નિરાશા અને દુ:ખથી અલિપ્ત રહી શકતો નથી. વાસ્તવમાં તો ભલા લોકો, વધુ નરમ અને સંવેદનશીલ હોવાથી, ખરાબ લોકો કરતાં તેમને વધારે દુ:ખાનુભૂતિ થાય છે.

તે ઉપરાંત ચીલાચાલૂ નૈતિકતા, ભયમાંથી મુક્તિની કોઈ ખાતરી આપતી નથી. એક પ્રખ્યાત સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે: ‘ભોગો ભોગવવામાં રોગનો ભય હોય છે, ઊંચી સામાજિક પ્રતિષ્ઠામાં પતનનો ભય હોય છે, ધનપ્રાપ્તિમાં દુર્બુદ્ધિવાળા રાજાનો ભય હોય છે, માનપાન પામવામાં અપમાનિત થવાનો ભય હોય છે, બળ પ્રાપ્ત કરવામાં દુશ્મનનો ભય હોય છે, સૌંદર્યવાન હોવામાં વૃદ્ધત્વનો ડર હોય છે, વિદ્વત્તામાં વાદવિવાદ કરનારા પંડિતોનો ભય હોય છે, સદ્‌ગુણી થવામાં દુષ્ટલોકોનો ભય હોય છે, શરીર ધારણ કરવામાં મૃત્યુનો ભય હોય છે. આમ આ જગતમાં બધું જ ભયથી ઘેરાયેલું છે. માત્ર વૈરાગ્ય (એટલે કે અનાસક્તિ)માં જ નિર્ભયતા છે.’

ભયનું કારણ પોતાની જાતમાં ચોંટી જવું તે છે. પતંજલિ કહે છે કે આ વસ્તુ વિદ્વાનો અને શાણા લોકોમાં પણ જોવા મળે છે. આ ચીટકી રહેવાની વૃત્તિનું કારણ અજ્ઞાન છે. પરંતુ અજ્ઞાનને માત્ર સદ્‌ગુણી વર્તનથી દૂર કરી શકાય નહિ. આપણા ઉચ્ચતર સ્વરૂપનો સાક્ષાત્કાર માનવને ભયમુક્ત બનાવી શકે. રાજા જનકને સર્વશ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમના ગુરુ યાજ્ઞવલ્કયે તેમને કહ્યું: ‘જનક, ખરેખર તમે ભયમુક્ત બન્યા છો.’

આમ સ્પષ્ટ થાય છે કે માત્ર નૈતિક જીવન એ કંઈ બધું જ નથી. હા, ભલાં અને સદ્‌ગુણી જીવનની કિંમત એ છે કે તે આધ્યાત્મિક જીવન માટે પાકો એક પાયો પૂરો પાડે છે. સદ્‌ગુણો અને ભલાઈ માણસને દુર્ગુણો અને નિમ્ન પ્રકૃતિની વૃત્તિઓની પક્કડમાંથી મુક્ત કરે છે. પરંતુ કેટલીક વાર, ખાસ કરીને આધ્યાત્મિક જીવનની ઉચ્ચ અવસ્થામાં, રૂઢિગત સામાજિક શિષ્ટાચાર, અતિ ચોખલીયા અને જીદ્દીપણું પ્રગતિને બાધક બને છે. તેથી જ શ્રીઠાકુર કહેતા કે આત્માને બંધનમાં રાખનાર અષ્ટપાશમાં સદ્‌ગુણ પણ આવે છે.

આધ્યાત્મિકતાના અભિપ્સુએ તો સદાચાર, ભલા અને બિનહાનિકારક વિચારોમાંથી પણ અનાસક્ત રહેવું જોઈએ, કેમ કે તે એવી ઉચ્ચતર સ્વતંત્રતાની અભિપ્સા સેવે છે, જે ગુણ-દોષની પેલેપાર છે. પરંતુ કેટલીક વખત એવું બને છે કે સદ્‌ગુણી લોકો પોતાના સદ્‌ગુણોને એટલા બધા વળગેલા હોય છે, જેટલા દુષ્ટલોકો તેમની દુષ્ટતાને વળગેલા હોતા નથી. ભગવાન બુદ્ધ અને ઈશુ ખ્રિસ્તને જણાયું હતું કે આચાર ધર્મનું કટ્ટરપણે પાલન કરનાર યહૂદીઓ, રૂઢિચૂસ્ત ધાર્મિક માણસો અને પંડિતોને ઈશ્વરાભિમુખ બનાવવા એ કરતાં કચડાયેલા, પાપીઓને અને પતિતાઓને ઈશ્વરાભિમુખ કરવાં એ વધારે સહેલું છે. શ્રીરામકૃષ્ણને પણ લાગ્યું હતું કે પોતાને પાગલ ગણનાર કેટલાક રૂઢિચુસ્ત લોકોમાં પરિવર્તન લાવવું એ ગિરિશચંદ્રનું પરિવર્તન કરવા કરતાં મુશ્કેલ હતું.

પ્રેમ અને અનાસક્તિ

વોલ્ટાયરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી લઈશ.’  તેમાં વિનોદ કરતાં સત્ય વધારે છે. આપણા મિત્રો અને સગાંઓ પ્રત્યેની આસક્તિમાંથી ઘણાં બધાં દુ:ખો અને મુશ્કેલીઓ ઉદ્‌ભવતાં હોય છે. તેમને માટે આપણે અનંત મુશ્કેલીઓ ભોગવીએ છીએ, ત્યાગ કરીએ છીએ અને કષ્ટો બેઠીએ છીએ. તેઓ આપણી સાથે વધુ પડતી છૂટ લે તો પણ આપણે તેમનો વિરોધ કરતા નથી. જ્યારે તેઓ આપણને અવગણે છે ત્યારે આપણને ઊંડું દુ:ખ અને વ્યથા થાય છે. આપણો તેમના પ્રત્યેનો પ્રેમ આપણાં કર્તવ્ય પાલનમાં આડો આવે છે, જેવું અર્જુનને યુદ્ધ સમયે થયું હતું. ત્યારે આપણી મુશ્કેલીઓ વધી જાય છે.

તો પછી આપણા માટે માર્ગ કયો છે? પ્રેમ અને આસક્તિ વચ્ચેના સંઘર્ષનો ઉકેલ કેમ લાવવો? આ માટે ભગવદ્‌ગીતા બે માર્ગ બતાવે છે: સંન્યાસ અને ત્યાગ. સંન્યાસ એટલે તમામ બાહ્ય સંબંધો અને કર્તવ્યોનો ત્યાગ. એનો અર્થ સર્વ માનવીય સંબંધો કાપી નાખી, તમામ સામાજિક ફરજોમાંથી નીકળી જઈ સાધુ થઈ જવું. પણ આ તો આત્યંતિક પગલું છે. તેની બહુ અલ્પસંખ્યાના લોકો સ્વીકાર કરી શકે. બીજા ઓ માટે ગીતા એક બીજી પદ્ધતિ બતાવે છે. તે છે ત્યાગ. એટલે કે કર્મનાં ફળનો ત્યાગ કરવો. આ આચરવી સરળ લાગે, પરંતુ જે પરિપક્વ વ્યક્તિઓ સાચો પ્રેમનો અર્થ સમજી છે તેઓ જ તેને સફળતાપૂર્વક આચરણમાં મૂકી શકે.

પ્રેમ એ તો એક અત્યંત ઉમદા ગુણ છે. ઈસુ ખ્રિસ્ત તો તેને ઈશ્વરરૂપ જ માને છે. ખરેખર તે વિશ્વને એક કરતો સિદ્ધાંત છે જે જીવનના લય પર શાસન કરે છે. માનવના સ્તરે પ્રેમ તે તમામ સંબંધોને પવિત્ર કરે છે અને સામાજિક જીવનની સંવાદિતા અને બંધુત્વને પોષે છે. તે વ્યક્તિના જીવનને સમૃદ્ધ અને ઉમદા બનાવે છે, અને તેની પ્રવૃત્તિઓને એક સાચો હેતુ અને અર્થ આપે છે. જીવનના પ્રશ્નોના ઉકેલની કોઈ પણ તબક્કે જીવનના આ મહત્ત્વના સિદ્ધાંતને કદી પણ અવગણી શકાય નહિ, અવગણવો જોઈએ નહિ. સ્વામી વિવેકાનંદ લખે છે, ‘કેટલાક એવા લોકો હોય છે જેમને કશું જ આકર્ષક લાગતું નથી. તઓ કદી પ્રેમ આપી શકતા નથી, તેઓ પાષાણહૃદયી અને સહાનુભૂતિ વિહીન હોય છે. તેઓ જીવનનાં ઘણાં બધાં દુ:ખોમાંથી તો બચી જાય છે પરંતુ એમ તો આ દીવાલને પણ દુ:ખ લાગતું નથી, તેને કોઈ વેદના થતી નથી. પરંતુ છેવટે તે જડ દીવાલ છે. દીવાલ બનવા કરવાં તો કોઈ પ્રત્યે આસક્તિ અનુભવવી અને તેમાં સપડાઈ જવું વધારે સારું છે.. આપણે એ નથી જોઈતું. એ તો નબળાઈ છે, એ મૃત્યુ છે.’ (કં.વ. ૨.૭)

જો પ્રેમ સૌથી વધુ ઉમદા ગુણ હોય, તો સાથે જ તે દુ:ખ કેમ પેદા કરે? એનો જવાબ એ છે કે આપણે જેને પ્રેમ કહીએ છીએ એ ખરેખર સાચો પ્રેમ નથી હોતો. સામાન્યત: તે પ્રેમ, સ્વાર્થ અને ઇન્દ્રિયસુખનું મિશ્રણ હોય છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આપણે તેમાં સપડાઈ જઈએ છીએ. તે કેવી રીતે?’ તેઓ જવાબમાં કહે છે, ‘આપણે જે આપીએ છીએ તેના વડે નહિ, પરંતુ જેની અપેક્ષા રાખીએ છીએ તેના વડે. તેથી પ્રેમના બદલામાં આપણને દુ:ખ પ્રાપ્ત થાય છે. આપણે પ્રેમ આપીએ છીએ તેથી આમ બનતું નથી પરંતુ બદલામાં આપણે પ્રેમ ઇચ્છીએ છીએ તેથી. જ્યાં અપેક્ષા નથી, ત્યાં દુ:ખ નથી. ઇચ્છા, અપેક્ષા એ જ તમામ દુ:ખોનું મૂળ છે.’ (કં.વ. ૨.૪) સાચો પ્રેમ બદલામાં કશી અપેક્ષા રાખતો નથી અને તે તો માનવને સ્વાર્થીપણાથી મુક્ત કરે છે.

શ્રીરામકૃષ્ણ અશુદ્ધ પ્રેમને ‘માયા’ કહેતા અને શુદ્ધ પ્રેમને ‘દયા’ કહેતા. તેમના મતે દયા એટલે કરુણા અને માયા એટલે આસક્તિ – એ બે વચ્ચે બહુ તફાવત છે. દયા સારો ગુણ છે, નહિ કે માયા. માયા એટલે પોતાનાં સગાં પ્રત્યેનો પ્રેમ – પોતાની પત્ની, બાળકો, ભાઈ, બહેન, પિતરાઈઓ, પિતા અને માતા. પરંતુ દયા એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર આ સર્જનનાં તમામ માનવો અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ.’ (કથામૃત, પૃ.૨૦૭) વળી માયા માણસને આંટીમાં લે છે અને તેને ઈશ્વરથી વિમુખ કરે છે. પરંતુ દયા દ્વારા તો માણસ ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે.’ (કથામૃત, પૃ.૪૧૦)

આથી આપણે અનાસક્તિનો સાચો અર્થ સમજવો જરૂરી છે. સાચી અનાસક્તિ એટલે આપણા નિમ્ન ગુણોમાંથી અનાસક્તિ. અનાસક્તિના નામે બીજાઓની લાગણીઓ પ્રત્યે તદ્દન બેપરવા અને લાગણીવિહીન થઈ જવાનો ભય છે. આવા લોકો, બીજાઓ પ્રત્યે અનાસક્ત હોય તો પણ તેઓ પોતાના નિમ્નસ્તર સાથે ખૂબ ઉગ્રતાપૂર્વક આસક્ત હોય છે. વળી અનાસક્તિના નામે બીજાઓ પ્રત્યે અણગમો અને ધિક્કાર કેળવવાથી પણ બચવાનું છે. ધિક્કાર એ તો આસક્તિની નકારાત્મક અભિવ્યક્તિ છે. જ્યાં ધિક્કાર હોય ત્યાં અનાસક્તિ હોતી નથી. ખરેખરી અનાસક્ત વ્યક્તિ નથી ધિક્કાર અનુભવતી કે નથી મોહાન્ધ હોતી.

(ક્રમશ:)

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.