દિવ્યભાવના એ દિવસો

માતાજી દક્ષિણેશ્વરના એ દિવસોને પોતાના જીવનનાં ઉત્તમ દિવસો શું કામ ગણતાં? હૃદયપૂર્વક શ્રીરામકૃષ્ણની સેવા કરવાની તક સાંપડી, એને માતાજી જીવનની ધન્યતાના દિવસો ગણતાં. પણ શ્રીરામકૃષ્ણ તો સદાય પોતાના પુરુષ ભક્તોથી વીંટળાયેલા જ રહેતા. માતાજી પણ સ્વભાવે બહુ શરમાળ હતાં. ક્યારેક તો સાવ નજીક હોવા છતાં દિવસોના દિવસો સુધી શ્રીરામકૃષ્ણ સાથે નિરાંતે બે વાત પણ કરી શકતાં નહીં. માતાજી સંતોષ માનતાં કે દૂરથી ઠાકુરનાં દર્શન થાય છે એ પણ પરમ સૌભાગ્યની વાત છે. માતાજીને એમ પણ થતું કે શ્રીરામકૃષ્ણદેવની પાસેને પાસે અહર્નિશ રહેતો કોઇ ભક્ત તે પોતે થયાં હોત તો કેવું સારું થાત!

શ્રીરામકૃષ્ણદેવ સાક્ષાત્કારના દિવ્યભાવમાં આવીને ગાતા અને નૃત્ય કરતા. ક્યારેક માતાજી વાંસના પડદાની પાછળ કલાકો સુધી ઊભાં રહેતા. એક કાણાંમાંથી જોતાં અને એ દર્શન પામી ધન્યતા અનુભવતાં.

પાછલી વયમાં માતાજીના પગે વાની પીડા થતી ત્યારે કહેતા : “વાસના પડદાની પાછળ કલાકો સુધી ઊભા રહેવાથી જ આ દુ:ખાવો થયો છે.” શ્રીરામકૃષ્ણદેવના સાંનિધ્યમાં રહેવાથી જે પરમ આધ્યાત્મિક આનંદ અને તૃપ્તિનો અનુભવ મળ્યો તેને માતાજી ક્યારેય ભૂલ્યાં નહીં.

શારદાદેવી પ્રલોભનને વશ ન થયાં

લક્ષ્મીનારાયણ નામનો એક શ્રીમંત વેપારી, એકવાર શ્રીરામકૃષ્ણદેવ પાસે આવ્યો. આ વેપારીને લાગ્યું કે શ્રીરામકૃષ્ણદેવ ખર્ચ જોગું થોડું ધન પોતાની પાસે રાખે તો સારું. બીતાં બીતાં એણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું : “હું આપને દસ હજાર રૂપિયા આપું. આપને એ ધન ઘણું કામમાં આવશે.”

શ્રીરામકૃષ્ણદેવ પર તો કોઈએ વજ્રનો પ્રહાર કર્યો હોય એમ રાડ પાડી ઊઠ્યાં : “હે, મા, કાલિ! મને આવા પ્રલોભનમાં શીદ ફસાવે છે મા?” તોય પેલો વેપારી તો આગ્રહ કરતો જ રહ્યો. શ્રીરામકૃષ્ણદેવને મા શારદાદેવીની કસોટી કરવાનું મન થયું. એમણે શારદાદેવીને બોલાવ્યાં અને કહ્યું : “આ લક્ષ્મીનારાયણ મને પૈસા લેવાનું કહે છે. હું તો પૈસા લઇ શકતો નથી એટલે એ આ દશ હજાર રૂપિયા તમને સોંપવા માગે છે.” માતાજી કહે : “તમે તે કેવી વાત કરો છો? હું એ પૈસા લઉં તો તમે લીધાં બરાબર જ કહેવાય. એવું તે કોઈ દિવસ બનતું હશે?” માતાજીના આવા જવાબથી શ્રીરામકૃષ્ણદેવ ખૂબ પ્રસન્ન થયાં.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.