શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ બંનેના સંયુક્ત ઉપક્રમે આશ્રમમાં તા. ૧૫-૧૬ મેના રોજ મૂલ્યલક્ષી કેળવણીની બે દિવસની શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં પ્રારંભમાં વૈદિક મંત્રોચ્ચાર અને પ્રાર્થનાગીત, સ્વામી જિતાત્માનંદજી દ્વારા મુખ્ય પ્રાસંગિક સંબોધન; જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન પછી મૂલ્યલક્ષી કેળવણીનાં વિવિધ પાસાં અને એ કેળવણી આપવાની પદ્ધતિઓની ચર્ચા સ્વામી સર્વસ્થાનંદજીએ કરી હતી. સિસ્ટર નિવેદિતા સ્કૂલ, રાજકોટના નિયામક શ્રી ગુલાબભાઈ જાનીએ વિદ્યાર્થીઓના જીવન પર મૂલ્યલક્ષી કેળવણીની કેવી અસર થાય છે અને એ કેળવણી કેવી પ્રભાવક નીવડે છે એ વિશે પ્રવચન આપ્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ વધુ ગુણવત્તાવાળું જીવન અને વધારે સારી સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓને ધ્યાન – ૐ દ્વારા ધ્યાન કેટલું ઉપયોગી થાય છે તે ગીત-સંગીત અને વ્યાખ્યાન દ્વારા સમજાવ્યું. રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજીએ શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના જીવનમાંથી આપણે કયાં કયાં મૂલ્યો મૂલ્યલક્ષી કેળવણી માટે મેળવી શકીએ તેમ છીએ એ વિશે પોતાનું પ્રવચન આપ્યું હતું. વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્ય શ્રી મનસુખભાઈ મહેતાએ સ્વામીજીના ઉદ્‌ગારો, પ્રેરક કાવ્યો, શ્રીઠાકુર, શ્રીમા, સ્વામીજી અને વિશ્વના મહામાનવોના જીવનપ્રસંગો રજૂ કરીને મૂલ્યલક્ષી કેળવણીનું કાર્ય કેવી રીતે કરી શકીએ તેની વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત શિક્ષકોના અને આચાર્યોના પ્રતિભાવો તેમજ આશ્રમના પરિસરમાં પુસ્તકાલય વિભાગમાં આવેલાં પ્રદર્શનો શિક્ષકોએ નિહાળ્યાં હતાં. શિબિરના પ્રારંભમાં દરેક શિબિરાર્થીને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકો અને અંતે ‘આત્મ વિકાસ’, ‘શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામીજીનાં સંક્ષિપ્ત જીવનચરિત્ર’ અને ‘અમર ભારત’ – પુસ્તકો દરેક શિક્ષકોને આપવામાં આવ્યાં હતાં.

‘મૂલ્યલક્ષી કેળવણી શિબિર’ – પ્રથમ દિવસ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પાવનકારી અને શાંત વાતાવરણમાં યોજાયેલ ‘મૂલ્યલક્ષી શિક્ષણ’ની શિબિરનો પ્રારંભ સ્વામી ચિતપ્રભાનંદ, સ્વામી સર્વસ્થાનંદ, સ્વામી ઈષ્ટમયાનંદ, બ્ર.અમર ચૈતન્ય તેમજ બ્ર. અક્ષર ચૈતન્યના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. કાર્યક્રમના સંચાલક શ્રી મનસુખભાઈ મહેતાએ સૌનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને બંને દિવસના કાર્યક્રમની આછી રૂપરેખા આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વી.બી. ભેંસદડિયાએ સ્વામી જિતાત્માનંદજીનો પરિચય આપ્યો હતો. અને બધા શિક્ષકો અને આચાર્યોનું સ્વાગત કરતાં તેમણે કહ્યું હતું: ‘સૌને આ શ્રીરામકૃષ્ણ આશ્રમના પવિત્ર વાતાવરણ અને અહીંના પ્રદર્શન ખંડોને મનથી નિહાળીને આ મૂલ્યલક્ષી શિક્ષણ માટે કંઈને કંઈ જીવનપાથેય અવશ્ય સાંપડશે.’ સ્વામી જિતાત્માનંદજીએ પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીને નારાયણ રૂપે જોવાની, શાળાનું પર્યાવરણ સૌંદર્યલક્ષી બનાવવાની, ચિત્રોની નીચે જે તે મહાન વ્યક્તિના પ્રેરણાદાયી ઉદ્‌ગારો સાથે પ્રાર્થનાખંડમાં સુંદર છબિઓ રાખવાની હિમાયત કરી હતી. એનાથી વિદ્યાર્થીઓને આનંદ થશે અને આનંદ દ્વારા અધ્યયન અધ્યાપન કાર્ય દસ ગણું સરળ બને છે. વિદ્યાર્થીઓ માટે શુભ ઉદ્‌ગારો કાઢો, શુભવાણી બોલો, એનાથી વિદ્યાર્થીઓમાં આત્મશ્રદ્ધા જાગશે અને વિવેક-વિનયીવર્તન પણ શીખશે. આનંદ તો એને મળવાનો જ છે. શિક્ષકોએ સ્વચ્છ, સુંદર અને સાદો પોષાક પહેરવો જોઈએ. શાળાની પ્રાર્થના એ આધ્યાત્મિક શિક્ષણનું અને સમુહ શિક્ષણનું મોટું માધ્યમ છે, શુભવાચન અને શુભચિંતનથી જીવનનું મહાન પરિવર્તન થાય છે એમ પણ એમણે કહ્યું હતું. 

સામાજિક અને નૈતિક મૂલ્યોની કેળવણી, મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ, પ્રત્યક્ષ પદ્ધતિ, અપ્રત્યક્ષ પદ્ધતિ, આનુષંગિક પદ્ધતિ, સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન-કથાત્મક પદ્ધતિ, વાર્તાકથનપદ્ધતિ, સામુહિક વર્ગખંડ પદ્ધતિ, ચર્ચા દ્વારા મૂલ્યલક્ષી કેળવણી વગેરેની વિગતવાર ચર્ચા સ્વામી સર્વસ્થાનંદજીએ કરી હતી. આ પદ્ધતિઓના અનુસંધાને શ્રી મનસુખભાઈ મહેતાએ વિવિધ દૃષ્ટાંતો, રૂપક કથાઓ, પ્રસંગો, રજૂ કરીને એ વિષયને જીવંત અને રસપ્રદ બનાવ્યો હતો.

શ્રીગુલાબભાઈ જાનીએ વિવિધ દૃષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીના સાર્વત્રિક ઘડતર માટે શિક્ષક અને આચાર્ય શું કરી શકે તેનો આદર્શ શિબિરાર્થીઓ સમક્ષ રજૂ કર્યો હતો. ભોજન બાદ ત્રીજી સભામાં સુરેન્દ્રનગરના શ્રી ગઢવી સાહેબના ભજનોનો આનંદ શિબિરાર્થીઓએ માણ્યો હતો. ત્યાર બાદ રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજીએ કહ્યું હતું : આવી પાયાની વસ્તુને ચર્ચાનો વિષય બનાવ્યો છે એ ઘણા આનંદની વાત છે. એમણે શ્રીઠાકુર, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગો રજૂ કરીને તેમજ સ્વામીજીએ કહેલી સિંહ અને ઘેટાની વાર્તા દ્વારા પોતાની ભીતર રહેલા આત્માને ઓળખવાની, દિવ્યતત્ત્વને ઓળખવાની વાત સૌને સમજાવી હતી.

સાંજે શ્રીરામકૃષ્ણ મંદિરની પ્રાર્થનામાં સૌએ પરમ શાંતિમાં થતી આરતીનો આનંદ માણ્યો હતો. રાતના ૮.૦૦ વાગ્યે સભાખંડમાં શ્રીમા શારદાદેવીના જીવન પર રજૂ થયેલી નૃત્યનાટિકાની ફિલ્મ સૌ કોઈએ માણી હતી.

આલેખક : શ્રી એમ.વી.નાગાણી,
આચાર્ય, મોહનદાસ ગાંધી વિદ્યાલય, રાજકોટ

‘મૂલ્યલક્ષી કેળવણી શિબિર’ – બીજો દિવસ

આજની શિબિરનો મંગલ પ્રારંભ સ્વામી ચિતપ્રભાનંદજી અને તેમના વૃંદ દ્વારા વૈદિક મંત્રોચ્ચારના ગાનથી થયો હતો. ગઈ કાલે યોજાઈ ગયેલ શિબિરનો પ્રતિભાવ આપતાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભૂજના આચાર્ય શ્રી મહેશભાઈ રાવલે જણાવ્યું કે આશ્રમના પવિત્ર વાતાવરણમાં અમને મહત્ત્વનું ભાથું મળ્યું છે. અમે અમારી નવનિર્મિત શાળામાં સુંદર પ્રાર્થનાખંડ, પ્રદર્શનખંડ, ફૂલછોડ અને ઔષધીય વનસ્પતિઓનો નાનો બગીચો અને આવી શિબિરોનું આયોજન કરીશું. આટલો સંકલ્પ અહીં કરીને જઈએ છીએ. સુરેન્દ્રનગરના શ્રી મનોજભાઈએ પણ પોતાની શાળાને સુંદર મંદિર બનાવવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. રાજકોટના મોહનદાસ ગાંધીના આચાર્યશ્રી નાગાણીએ સંકલિત અહેવાલનું વાચન કર્યું હતું. 

સમગ્ર શિબિરને હૃદયની વાણીથી ધબકતી રાખનાર સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું : ‘મૂલ્યલક્ષી કેળવણીનો અંગુલિનિર્દેશ કરનાર હતા સ્વામી વિવેકાનંદ. મનુષ્યની ભીતર રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ એ જ સાચી કેળવણી. તિહાર જેલને તિહાર આશ્રમમાં ફેરવનાર કિરણ બેદીએ ધ્યાન અને પ્રાર્થના દ્વારા જેલને મંદિર બનાવી દીધું. ‘ૐ’ના જપનો અમેરિકામાં વધતા વ્યાપની પણ તેમણે વાત કરી હતી. ધ્યાન એ જ્ઞાન, મૂલ્યો અને આનંદનું સ્રોત છે. એના દ્વારા સર્જનશીલતા અને કોઠાસૂઝ પ્રગટે છે. ‘દેવો ભૂત્વા દેવં યજેત્‌’ ના ભાવે તમારી શાળામાં વિદ્યાર્થીઓને ‘ૐ’ નું રટણ કરાવો અને વિદ્યાર્થીઓને ધ્યાન ધરતા કરો. શિક્ષકોએ વિદ્યાર્થીઓની દિવ્યતા જગાવવી જોઈએ. વિદ્યાર્થીઓને સેવા, સ્વાશ્રય અને પરિશ્રમનાં મૂલ્યો શીખવવા જોઈએ. ભૂમા એવ સુખં ન અલ્પે સુખં – બહુજન હિતાય, બહુજન સુખાય – જીવવામાં જ સુખ છે, આનંદ છે, ચેતના છે. વિજ્ઞાનના ક્ષેત્રના અગ્રણીઓ પણ આજે ‘ૐ’ જપના સાધકો બની ગયા છે.’ પોતાના વ્યાખ્યાન બાદ એમણે ‘હરિ ૐ’ના ગાન દ્વારા અને ધ્યાન દ્વારા આધ્યાત્મિક ભાવનું પ્રસન્ન વાતાવરણ સર્જી દીધું હતું. પ્રશ્નોત્તરીના રસપ્રદ કાર્યક્રમમાં શું આપણે દિશાહીન છીએ ના ઉત્તરમાં એમણે કહ્યું હતું કે આપણે દિશાહીન નથી. ભારત ઘણાં ક્ષેત્રોમાં આજે ઉન્નતિ સાધી રહ્યું છે. તમે શાળાની બહારના વાતાવરણને પણ ઉત્તમ બનાવવાનું પ્રયત્ન કરો. અનિષ્ટો તો આવવાના પણ આચાર્ય કે શિક્ષકે સાપનો ફૂંફાડો બતાવવો જોઈએ. બાળકોમાં દિવ્યતા જાગ્રત કરવા માટે સીધો સરળ ઉપાય છે, ધ્યાન-પ્રાર્થના-‘ૐ’નું રટણ; કરાવો. આચાર્યોએ પ્રગતિશીલ અને ભાવાત્મક બનવા માટે સંત-સંન્યાસી-ત્યાગી કક્ષાના બનવું પડશે. સમાજના અને રાજ્ય-રાષ્ટ્રના બધા દોષોનો ટોપલો શિક્ષણ કે શિક્ષકો પર ઢોળવામાં આવે છે તે યોગ્ય નથી. આમાં દોષ સૌનો છે. ઉમાશંકર જોષી કહે છે તેમ : ‘દેશ તો આબાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું? દેશ તો બરબાદ થતાં રહી ગયો, તેં શું કર્યું?’ આ કાવ્યપંક્તિઓ સૌએ નજરસમક્ષ રાખવાની જરૂર છે. અમે આવી શિબિરો બધે યોજવા તૈયાર છીએ. સ્વામી વિવેકાનંદ કહતા: ‘કેળવણી આપવા તમે ઝૂંપડે ઝૂંપડે જાઓ, ગરીબના ઘરે ઘર જાઓ.’ બધા શિક્ષકો ભલે આદર્શ ન બને પણ થોડાઘણા બને, બનતા રહે અને બીજાને પણ એનો ચેપ લગાડે એ જરૂરી છે. સમાજને મૂલ્યલક્ષી બનાવવા માટે તેમ એક સુંદર, દિવ્ય અને આનંદમય વાતાવરણવાળું શૈક્ષણિક પ્રતિષ્ઠાન ઊભું કરો. સમાજ તમારી પાસે દોડી આવશે. ગરીબી અને કુટુંબક્લેશને કારણે પીડાતા બાળકોના માતપિતાને બોલાવો, સમજાવો અને જરૂર પડ્યે કડક પણ બનો. કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્યનું રહસ્ય એની સેવાભાવનામાં રહેલું છે. સૌની સેવા કરશો તો સ્વાસ્થ્ય જળવાશે અને જીવનનો સાચો આનંદ પણ મળશે. સારા પરિણામો મેળવવા માટે સખત કામ કરો, વિદ્યાર્થીઓ પાસે ધ્યાનનો અભ્યાસ કરાવો અને શાળાનું વાતાવરણ દિવ્ય રાખો.

પ્રશ્નોત્તરી ત્યારબાદ શ્રીરામકૃષ્ણ આશ્રમના વરિષ્ઠ શુભેચ્છક શ્રી ઉમાકાંતભાઈ પંડિતે એક મજાની વાર્તા કરી હતી: એક તોફાની વિદ્યાર્થી સજ્જન અને સરળ સાદા આચાર્યને મૂંઝવવા માટે એક દિવસ ઉપરથી પડેલું પક્ષીનું બચ્ચું પોતાના હાથની મુઠ્ઠીમાં દાબીને આચાર્યને પૂછ્યું : ‘સાહેબ આ બચ્ચું જીવતું છે કે મરેલું એ કહો.’ શિક્ષક આચાર્યે વિદ્યાર્થીને તરત જ પ્રત્યુત્તરમાં કહ્યું: ‘બેટા, એ તારા હાથમાં છે.’ અને વિદ્યાર્થીના ચહેરા પર શરમ છલકાઈ ઊઠી. વિદ્યાર્થીનું ભાગ્ય એના પોતાના જ હાથમાં છે. સમાપનમાં સ્વામી જિતાત્માનંદજીએ ઉત્તમ અને ઉચ્ચ સ્વપ્ન સેવવાની આવશ્યકતા પર ભાર મૂકતાં કહ્યું કે વિદ્યાર્થીઓમાં જે સ્વપ્ન વાવો, તે આવતીકાલે ઊગી નીકળશે. શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને કહેલું કે તું એક દિવસ સમગ્ર જગતને હચમચાવી નાખીશ. એમણે સમગ્ર જગતને વાસ્તવિક રીતે હચમચાવી દીધું. તમે પણ અહીંથી એક સ્વપ્ન લઈને જજો, એને વાવજો. પણ આ બધું શાળાને દેવમંદિર બનાવવાથી જ થશે. શ્રીમનસુખભાઈ મહેતાએ બાલમુકુંદ દવેના કાવ્ય ‘પરકમ્માવાસી’નું ભાવવાહી વાચન કરીને શિક્ષકનું કે આચાર્યનું ઇતિ કર્તવ્ય જણાવ્યું હતું. અંતે સૌનો આભાર માનીને નિરંજન ભગતના કાવ્યની આ પંક્તિઓથી સૌને મુગ્ધ કરી દીધા હતા: ‘કાળની કેડીએ ઘડીક આપણો સંગ, તોયે આત્માને લાગી જશે જન્મ જન્મનો એનો રંગ.’

અહેવાલ લેખન : શ્રી બકુલેશ ધોળકિયા
આચાર્ય, વિવેકાનંદ વિદ્યાલય (ધાણેટી, કચ્છ)

મૂલ્યલક્ષી કેળવણી શિબિરમાંથી વીણેલાં મોતી

* અનંત દિવ્યતા બધાની ભીતર છે. * એક સારું ચિત્ર દસ હજાર શિક્ષકની ગરજ સારે છે. * સૌંદર્યથી આનંદ ને આનંદમાંથી જ્ઞાનશક્તિ. * ૐના રટણ-ધ્યાનથી દિવ્યજાગૃતિ આવે છે. * જેવું ચિંતન કરો એવા બનો. * ચિંતનથી જીવનની કાયા પલટ થાય છે. * કલ્યાણ કરનારો માણસ કદી દુર્ગતિ પામતો નથી. * રાખે તે રાક્ષસ, દે તે દેવ. * બાળકની સંવેદના જગાડે એ સાચું શિક્ષણ. * વિદ્યાર્થી દેવતા છે શિક્ષક પૂજારી છે, દેવો ભૂત્વા દેવં યજેત્‌. * આચરણ વિનાનો વિચાર પરિણામશૂન્ય છે. * સૌ સ્ત્રીઓમાં મા દુર્ગાને જોતાં શીખો. * દરિદ્રનારાયણ, રોગીનારાયણ એમ વિદ્યાર્થી નારાયણને ભજો. * તમે ભગવાનને આપશો તો ભગવાન તમને દસ ગણું આપશે, ભગવાનને જેવું આપશો એવું જ તમે પામશો. * ક્યારેય નોકરી, પૈસા માટે પ્રાર્થના ન કરતા, પ્રાર્થના કરજો સર્વકલ્યાણની. * આચાર્ય પાસે અસાધારણ શક્તિ હોવી જોઈએ. * જ્યાં શાંતિ, પવિત્રતા અને સુંદરતા છે ત્યાં પરિણામ તો એની મેળે આવવાનું. * નાના બાળકોમાં સપના વાવતાં શીખો. * સાચું જીવન અંધારામાંથી અજવાળામાં જવામાં છે અને અજવાળામાંથી વધુ અજવાળામાં જવામાં છે. * સ્વામી વિવેકાનંદે કહ્યું છે તેમ જે બીજાને માટે જીવે છે તે જ વાસ્તવિક રીતે જીવે છે. બાકીના જીવતાં કરતાં મરેલાં વધુ છે.

સંકલન : શ્રી એન.ડી.જાડેજા
આચાર્યશ્રી, શ્રીમૂળવાજી હાઈસ્કૂલ, કોટડાસાંગાણી

પ્રતિભાવ

હાલના વૈચારિક પ્રદૂષણથી આજનો યુવાન મૂંઝાઈ ગયો છે. એ સમયે આ મૂલ્યલક્ષી શિક્ષણની શિબિર વિદ્યાર્થીઓને અને યુવાનોને એક નવો રાહ આપશે, એ વાત નિ:સંદેહ છે. અત્યારે વિદ્યા પુસ્તકીય અને પરિણામ લક્ષી બની ગઈ છે. માણસને માણસ બનાવવાના મૂલ્યનો લોપ થતો જાય છે ત્યારે સત્ય, પ્રેમ, મૈત્રી, સૌંદર્ય અને આદરભાવ દ્વારા શિક્ષક વિદ્યાર્થીના અંતર સુધી જશે તો એક નવું આનંદનું સ્વર્ગ રચી શકશે. એ માટેનો આ પુરુષાર્થ ખરેખર પ્રસંશનીય અને ભવ્ય છે. શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવા આવી શિબિરો યોજવા માટે મુખ્ય આયોજક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અમે સૌ ઋણી રહીશું. 

સંજય જે. પંડ્યા
આચાર્ય, હ.લ.ગાંધી વિદ્યાવિહાર, રાજકોટ

હવે પછીનો શિબિરો કેવી રહેશે તેની રૂપરેખા

દરેક શિબિરમાં ૩૦ થી ૪૦ આચાર્યો અને ૩૦ થી ૪૦ શિક્ષકો રહે તેવી વ્યવસ્થા કરવી.

શિક્ષકોમાં ૧૦ ગુજરાતી ભાષા ભણાવતા શિક્ષકો, ૧૦ હિન્દી ભાષા ભણાવતા શિક્ષકો, ૧૦ સંસ્કૃત અને અંગ્રેજી ભાષા ભણાવતા શિક્ષકો, ૧૦ સામાજિક વિજ્ઞાન કે સમાજવિદ્યાના શિક્ષકો રહે તો અમે પાઠ્યક્રમ પ્રમાણે પાઠ્યપુસ્તકોના આધારે કયાં કયાં મૂલ્યો આ મૂલ્યલક્ષી કેળવણીમાં આપણે વણી શકીએ અને એનો કાર્યશિબિર દ્વારા લેખિત અહેવાલ તૈયાર કરી શકીએ. આ અહેવાલને શિક્ષણ ખાતા દ્વારા તજ્‌જ્ઞોની મદદ લઈને બરાબર વ્યવસ્થિત મઠારીને પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવે તો શિક્ષકો માટે એક સારું શિક્ષણપાથેય એમાંથી સાંપડશે.

સામાન્ય રીતે સવારના ૯ થી ૧ તજ્‌જ્ઞોનાં વ્યાખ્યાનો, પ્રાર્થના-ભજન-સંગીત અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રહે. તદુપરાંત ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનો વારસો, શ્રીરામકૃષ્ણ દર્શનમ્‌, શ્રી શ્રીમા જીવનદર્શન, સ્વામી વિવેકાનંદ જીવન અને સંદેશનાં પ્રદર્શનો પણ નિહાળે.

બપોરે ૩.૩૦ થી ૫.૩૦ ભાષાવાર અલગ અલગ જૂથ પાડીને તેમજ સામાજિક વિજ્ઞાનના શિક્ષકોનું અલગ જૂથ પાડીને ક્રમશ: ધોરણ ૮/૯/૧૦ અને પછી ૧૧/૧૨ ના પાઠ્યપુસ્તક દ્વારા કયાં કયાં મૂલ્યો આપણે શીખવી શકીએ અને એ માટે બીજી પૂરક સાહિત્ય સામગ્રી કેવી હોઈ શકે એની પણ નોંધ શિક્ષકો અને આચાર્યો દ્વારા થાય અને ૫.૩૦ થી ૬.૩૦ એ અહેવાલનું વિગતવાર વાચન થાય, એમાં જરૂરી સૂચનો મેળવીને સુધારાવધારા થયેલ અહેવાલનું વાચન વળી પાછું બીજે દિવસે સવારે થાય તો એક સારી એવી પૂરક શિક્ષણ સામગ્રી આપણે તૈયાર કરી શકીએ.

ગાંધીનગરમાં શિક્ષણ કમિશ્નરની હાજરીમાં યોજાયેલ આધ્યાત્મિક શિબિર

ગુજરાત રાજ્યના આચાર્યો તેમજ શિક્ષકો માટે શિક્ષણ કમિશ્નરશ્રી જયંતી રવિએ એક આધ્યાત્મિક શિબિરનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું : ‘દરેક શાળાને જ્ઞાનમંદિર બનાવો. છેલ્લાં પચાસ વર્ષમાં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના મહામનીષીઓને ૪૬ નોબેલ પારિતોષિકો મળ્યા છે, કારણ કે ત્યાં છેલ્લા ૫૦ વર્ષથી એક વિશેષ ધ્યાનકેન્દ્ર ચાલે છે. આધ્યાત્મિક મનન અને ધ્યાન એ વૈશ્વિક સફળતાની ચાવી છે. શાળાનું દિવ્ય વાતાવરણ વિદ્યાર્થીઓને એક અનન્ય આનંદ આપે છે અને એનાથી એના અભ્યાસમાં ઘણી સહાયતા મળે છે. શિક્ષકો અને આચાર્યોએ વિદ્યાર્થીમાં રહેલા નારાયણની પૂજા કરવાની છે. શાળાને જ્ઞાનમંદિર બનાવવા માટે સુંદર વૃક્ષો, સુંદર ફૂલછોડ, નિયમિત સફાઈ, સંતો અને વિશ્વના પયગંબરોની છબિઓ કે કલાત્મક ચિત્રો, જગતના મનીષીઓના પ્રેરક ઉદ્‌ગારો, ભારતીય સંસ્કૃતિ અને વૈશ્વિક ભાવનાને ઉજાગર કરે તેવા નાટકો ભજવવા, વગરેની આવશ્યકતા છે.’ વિદ્યાર્થીઓની મનોસામાજિક સમસ્યા ઉકેલવા પર પણ એમણે ભાર મૂક્યો હતો. આજના શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવા માટે વિષયોના શિક્ષણ સાથે ધ્યાન, આધ્યાત્મિકતા અને યોગનો સમાવેશ કરવો જરૂરી છે. શિક્ષણનું આ પાયાનું કાર્ય છે.

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.