શ્રીમા પધારે છે

કિશોરી શારદા દક્ષિણેશ્વરમાં આવીને પતિને મળવા ઉન્મુખ છે. એમણે લોકમુખે સાંભળ્યું કે ‘મા કાલીના પુત્ર’ – પોતાના પતિ શ્રીરામકૃષ્ણ પાગલ થઈ ગયા છે. શ્રીમા માટે આ અસહ્ય બની ગયું. એટલે શ્રીમા શારદા જયરામવાટીથી કોલકાતામાં આવે છે અને એક નવીન ઈતિહાસનો શુભારંભ થાય છે.

દક્ષિણેશ્વરમાં આગમન

જયરામવાટીથી દક્ષિણેશ્વરના લાંબા પથનો શેષ ભાગ નૌકામાં પસાર કર્યો. રાતના નવ વાગ્યે ગંગાઘાટે ઊતરતાં જ શ્રીમાએ શ્રીઠાકુરનો વ્યગ્ર કંઠસ્વર સાંભળ્યો : ‘અરે હૃદય! આ અશુભ ઘડી તો નથી ને? પહેલી જ વાર આવે છે!’ શ્રીઠાકુરના શબ્દોના હૃદયસ્પર્શી પ્રેમભાવના આકર્ષણથી સંકોચલજ્જા છોડીને શ્રીમા સીધાં શ્રીઠાકુરના ઓરડામાં ગયાં. શ્રીઠાકુરે કહ્યું: “તમે આવ્યાં, ઘણું સારું કર્યું.” શ્રીમાએ જોયું કે લોકોની નજરે પાગલ થીઠાકુર તો સ્વસ્થ છે. ભૂલી જવાને બદલે શ્રીઠાકુર એમના પ્રત્યે વધારે કૃપાપૂર્ણ બન્યા છે.

શ્રીરામકૃષ્ણ અને નવરૂપિણી મા

દક્ષિણેશ્વરવાસ સમયે શ્રીરામકૃષ્ણે શ્રીમાને ગૃહાદિ કાર્યો, સ્વજનો પ્રત્યે વ્યવહાર, જેવી સંસાર જીવનની કેળવણી સાથે ભજનકીર્તન, ધ્યાન-સમાધિ-બ્રહ્મજ્ઞાન વિશે ઉપદેશ આપ્યા હતા. શ્રીમાને તેમણે કહ્યું: ‘ચાંદામામા જેમ સૌ શિશુના મામા તેવી રીતે ઈશ્વર બધાનો પોતાનો છે. એમનું સ્મરણ કરવાનો સૌને અધિકાર છે. જે એમનું સ્મરણ કરે, એને દર્શન આપીને કૃતાર્થ કરે છે. તમે સ્મરણ કરો તો એમનાં દર્શન કરી શકો.’

શ્રીમા શારદા: જગજ્જનનીનું રૂપાંતર

શ્રીરામકૃષ્ણે એક દિવસ શ્રીમાને પૂછ્યું: ‘શું તમે મને સંસારમાં ખેંચી જવા આવ્યાં છો?’ શ્રીમાએ ખચકાયા વિના કહ્યું: ‘ના, હું તમને સંસારમાં શા માટે લઈ જઉં? હું તો તમારા ઈષ્ટપથમાં સહાયક બનવા આવી છું.’ શ્રીમાએ પણ એક દિવસ શ્રીઠાકુરના ચરણ તળાંસતાં તળાંસતાં કહ્યું: ‘તમે મને ક્યા રૂપે નિહાળો છો?’ શ્રીઠાકુરે પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘જે મા આ મંદિરમાં છે, જે માએ આ દેહને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનામાં રહે છે, એ જ મ! અત્યારે મારા પગ તળાંસે છે. તમે સાક્ષાત્ આનંદમયી છો એટલે જ તમને સર્વદા એ જ સાચા રૂપે જોઉં છું.’

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.