૧૫મી જૂન, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામે ‘સર્વધર્મ સમન્વય અને પ્રબુદ્ધ નાગરિકતા’ માટે એક ‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રિલિજન્સ એન્ડ એન્લાઈટન્ડ્‌ સિટિઝનશીપ’ નવી સંસ્થાની સ્થાપનાની ઘોષણા કરી હતી. ૧૪મી જૂને ન્યુદિલ્હીના ઈંડિયન ઈન્ટરનેશનલ સેન્ટરમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીના અધ્યક્ષ સ્થાને ૧૪ ધર્મજ્ઞોની સભા એને અંતિમ રૂપ આપવા માટે મળી હતી. જૈન વિશ્વભારતી ઇન્સ્ટિટ્યૂટના ઉપકુલપતિ ડો. સુધામહી રગુનાથને આ સભા બોલાવી હતી. સુખ્યાત વૈજ્ઞાનિક ડો. વાય.એસ. રાજન, ડો. રાધાકૃષ્ણન્‌ અને પશુસંવર્ધન ખાતાના કેન્દ્ર સરકારના સેક્રેટરી ડો. રેગુરામન તેમના સહાયક હતા.

સ્વામી જિતાત્માનંદ, કણાર્ટકના પૂજ્ય બાલ ગંગાધરનાથ સ્વામી, બેંગલોરના પૂજ્ય દેશિકેન્દ્ર મહાસ્વામી, લખનૌના સૂફી વડા શ્રી મહમ્મદ જિલાની અશરફ, ન્યુ દિલ્હીના ઇસ્લામિક સ્ટડી સેન્ટરના સ્થાપક શ્રી વહીદુદ્દિન, ‘ફાધર ઓફ હરિત વસઈ’ના નામે જાણીતા વસઈના ફાધર, ફાધર સિદ્દીકી, યહૂદી ધર્મના વડા ઈ.આઈ. માલેકર, જરથ્રોસ્તિ ધર્મના ડો. હોમીધલ્લા, હિનયાન બૌદ્ધ શાખાના વડા અને દલાઈલામાના સેક્રેટરી શ્રી રાહુલ બોધિ, સુદેશદીદી, અને આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજી જેવી ધર્મપ્રજ્ઞાઓએ આ વિચારણામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ સંસ્થાની સ્થાપનાનો નિર્ણય ગુજરાતના સુરતમાં ૧૫મી ઓક્ટોબર, ૨૦૦૩ ભારતના સન્માનીય રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. કલામના ૭૧મા જન્મદિવસે જૈન મુની આચાર્ય મહાપ્રજ્ઞાજીએ બોલાવેલી સર્વધર્મ સમન્વયની બેઠકમાં લેવાયો હતો.

આવી સંસ્થામાં વિવિધ ધર્મોના વૈશ્વિક અને પ્રાણ પૂરનારા ધર્મસંદેશ અને વિચારોનો પારસ્પરિક વિચાર વિમર્શ, સર્વધર્મના ઉદાત્ત સત્યોનો સ્વીકાર સન્માન કરવાં અને ધર્મધર્મ વચ્ચે સુસંવાદિતા એના ઉદ્દેશ છે. સુરતની આ સભામાં સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું કે શ્રીરામકૃષ્ણદેવે હિંદુ હોવા છતાં ઇસ્લામ, ખ્રિસ્ત, તેમજ હિંદુધર્મના બધા આધ્યાત્મિક મહાપુરુષોના સિદ્ધાંતોને પોતાના જીવનમાં આચરી બતાવ્યા હતા. આ ભવ્ય અને ઉદાત્ત આદર્શને અનુસરીને વિશ્વભરમાં રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા છેલ્લાં ૧૦૦ વર્ષથી શ્રીરામકૃષ્ણ મંદિરમાં ક્રિસમસ, ઈદ, ગુરુનાનક, બુદ્ધ, મહાવીરની જન્મજયંતીઓની ઉજવણી ભાવભેર થાય છે. બધા ધર્મોના મુખ્ય વિચારોના આ બે વિભાગ છે. પ્રથમ : હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે તેમ માનવની મૂળભૂત દિવ્યતા – અહં બ્રહ્માસ્મિ – હું બ્રહ્મ છું – અને સૂફી ઇસ્લામની – અનલ હક્ક – હું સત્ય છું, હું ઈશ્વર છું – તેમજ ખ્રિસ્તીધર્મની – પ્રભુનું રાજ્ય ભીતર છે. બીજું: હિંદુધર્મના વસુધૈવ કુટુંબકમ્‌ના આદર્શમાં વ્યક્ત થતી માનવ માનવ વચ્ચેની એકતા. ઈસ્લામના ભ્રાતૃભાવમાં વ્યક્ત થતું માનવ ઐક્ય અને એક પ્રભુનાં સંતાનના ખ્રિસ્તીના આદર્શમાં વ્યક્ત થતું માનવ્ય. સદ્‌ભાગ્યે આજના વિજ્ઞાનજગતે આ બંને આદર્શોને ઓળખી લીધા છે. સુરત સ્પિરિચ્યુઅલ ડેક્લેરેશનના નામે જાણીતા થયેલા સુરતના અધિવેશનમાં રાષ્ટ્રપતિશ્રીએ પોતાના અધ્યક્ષીય સંભાષણમાં કહ્યું હતું: ‘આધ્યાત્મિકતા એ પ્રભુએ માનવને આપેલો એક વિશેષ સદ્‌ગુણ છે. એને બહાર લાવવું અને સર્વના કલ્યાણ માટે એનો ઉપયોગ કરવો એ માનવનું કર્તવ્ય છે. દરેક ધર્મના કેન્દ્ર સ્થાને પ્રેમ અને કરુણા છે. પ્રખર ધર્મપુરુષનો આદર્શ આધ્યાત્મિક અનુભૂતિ છે અને વૈજ્ઞાનિક મનને માટે કોઈ મહાન શોધ એ એનો આદર્શ છે. ભારતનો છેલ્લાં ત્રણ હજાર વર્ષના ઇતિહાસમાં હંમેશાં શાંતિનો સંદેશ જોવા મળશે. સ્વામી જિતાત્માનંદજીએ રાષ્ટ્રપતિજીને કહ્યું: આજના ચર્ચમાં કે મસ્જિદમાં પોતાના સિવાય બીજા ધર્મના પયગંબરનો મહોત્સવ યોજાય એ જોવું. આર્ચબિશપ અને બિશપે ગીતા તેમજ તુકારામનાં ઉદ્ધરણો ટાંક્યાં હતાં. દિલ્હીના ઇસ્લામના અગ્રણી મહમ્મદ વહીદુદ્દીને કહ્યું હતું કે વિધિવિધાનોની દૃષ્ટિએ બધા ધર્મોમાં ભેદભાવ જોવા મળશે પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ તો બધા ધર્મો એક જ છે.

૧૫ જૂનના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રિલિજન્સ એન્ડ એન્લાઈટન્ડ્‌ સિટિઝનશીપ’ની સંરચના સમિતિના ચેરમેન સ્વામી જિતાત્માનંદજીએ આ સંસ્થાની સ્થાપનાનો અંતિમ અહેવાલ અને આદર્શો રાષ્ટ્રપતિજીની સોંપ્યા હતા. સન્માનનીય રાષ્ટ્રપતિજીએ આશાના ઉદ્‌ગારો કાઢ્યા હતા કે આ સંસ્થા ભવિષ્યમાં બધા ધર્મોની પાછળ રહેલ સમન્વય અને એકતાને ઓળખે, સર્વધર્મને સન્માને તથા તેમની સાથે પ્રેમાદર દાખવે એવી નવી પેઢીના પ્રબુદ્ધ નાગરિકોનું નિર્માણ કરશે.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.