મૂલ્યલક્ષી કેળવણી : આજની તાતી માગ

યુનાઈટેડ સ્ટેટ્‌સના આલામોગોર્ડોમાં અણુબોમ્બનો પ્રથમ પ્રાયોગિક વિસ્ફોટ કરવામાં આવ્યો, ત્યાર પછી જ્યારે વૈજ્ઞાનિકો મેનહટ્ટનના પ્રકલ્પની ઉજવણીનું ભોજન કરવા તે જ સાંજે ભેગા મળ્યા ત્યારે એક શાન્ત વૈજ્ઞાનિક બહાર આવીને ઊલટી કરવા લાગ્યો. ત્યારે એ પ્રકલ્પના નિર્દેશક રોબર્ટ ઓપનહેમરે સૌને સ્તબ્ધ કરી દેતાં કહ્યું : ‘પ્રતિક્રિયા શરૂ થઈ ચૂકી છે.’ ત્યાર પછી તે પોતે જ મોતની સજામાંથી માંડ માંડ બચ્યો અને યુ.એસ.એ. છોડી ગયો. અણુબોમ્બના પ્રથમ વિસ્ફોટ પછીના ઓપનહેમરના યાદગાર ભાષણમાં તેણે વિજ્ઞાનમાં માનવીય મૂલ્યોની આવશ્યક્તાની ઘોષણા કરી : ‘આપણે માનવો પણ છીએ. આપણે આપણા સહજીવીઓને ભૂલવા ન જોઈએ. હું એ પણ કહેવા માગું છું કે આપણો ઊંડો નૈતિક આધાર આ બાબતમાં છે કે વિજ્ઞાનમાં મૂલ્યો માનવીય વિશ્વમાં વસેલાં હોવાં જોઈએ, એનાં મૂળ ત્યાં જ હોવાં જોઈએ.’ પ્રોફેસર મોરિસ વિલ્કિન્સ (૧૯૬૨માં ઔષધીય વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક વિજેતા) પોતે આપેલી એક મુલાકાતમાં કબૂલે છે કે લગભગ અડધી દુનિયાના વૈજ્ઞાનિકો અને ઇંજનેરો યુદ્ધના કાર્યક્રમમાં પરોવાયેલા છે અને કહે છે કે ‘ઘણા ખરા વૈજ્ઞાનિકો રાજકીય, માનસિક, આધ્યાત્મિક અને બીજાં પરિમાણોથી ભાગતા ફરે છે.’ આજના વૈજ્ઞાનિક પ્રયત્નોમાં કોઈ મોટી ખોડખાપણ છે કે શું?’

જ્યારે ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ વિનાશકારી વિમાન અથડામણમાં ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ ખલાસ થઈ ગયું અને પાંચ હજાર નિર્દોષ માનવીઓનાં એકાએક જ મોત થઈ ગયાં, ત્યારે દુનિયાએ શેક્સપીઅરના હેમલેટમાંના ડેન્માર્કના નાગરિકોની પેઠે અનુભવ્યું, ‘ડેન્માર્કના રાજ્યમાં કંઈક સડેલું છે.’ ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’નો જીવલેણ વિનાશ વેરનારા જેવા બીજા કેટલાક યુવાનોને ભારતીય સંસદ ભવન પર પણ હુમલો કરવા માટે કાફિરોનો નાશ કરવાની પ્રતિબદ્ધતા સાથે પ્રેર્યા હતા. અને તેમણે એ બધું ઝનૂન અને દૃઢ નિશ્ચયથી જીવની પરવા કર્યા વગર કર્યું પણ ખરું. જિસસ ક્રાઈસ્ટે કહ્યું છે : ‘જે તલવારની સાથે જીવે છે, તે તલવારથી જ મરે છે.’ સ્વામી વિવેકાનંદના કહેવા પ્રમાણે આવાં ઐતિહાસિક વિનાશનાં કાર્યો ઇતિહાસમાં પ્રતિહિંસાને નોતરે છે. અને એ ઐતિહાસિક પ્રતિકાર અફઘાનિસ્તાનમાં એક પછી એક શહેરો ઉપર બોમ્બની વર્ષામાં આવ્યો પણ ખરો. એથી સ્તબ્ધ થઈ ઊઠેલી દુનિયાએ અનુભવ્યું કે અતિધાર્મિક કેળવણી પણ રૂઢિ જડ ધાર્મિક ઝનૂનવાદ પર અપાતી હોય તો તે પણ વિશ્વ વિનાશક બની શકે છે. આવી કેળવણીની કોઈ ખામી હતી કે? એમાં પૂરી નિષ્ઠાવાળા સાધકોની તાલાવેલી તો હતી, પણ વૈશ્વિકપ્રેમના શ્વાસોચ્છ્‌વાસની ઉદારતા ન હતી. અન્ય ધર્માવલમ્બીઓ ઉપર સન્માન પણ ન હતું. આવી કેળવણી માણસને જંગાલિયત – લોહી ખરડાયેલ લાલ દાંત અને લાલ પંજાની દુનિયા તરફ પાછી નહિ ખેંચી જાય શું?

શિક્ષિત તેજસ્વી ભારતીય કાર્યસંચાલકો અને લોકપ્રિય અને શક્તિશાળી ભારતીય રાજકારણીઓએ, પોતાને લોકોના ઉદ્ધારક માનીને સેંકડો કરોડો રૂપિયા વહાવી દીધા છે, ત્યારે ભારતને એકાએક અનુભવ થયો છે કે ક્યાંક કશુંક ખોટું થાય છે. જ્યારે તેજસ્વી અને ખૂબ સુશિક્ષિત એવા, દિલ્હી, મુંબઈ વગેરે બહુભાષી વિવિધ વસતીવાળાં શહેરોના યુવાનોએ નશીલા પદાર્થોને શરણે થઈ જવાનું સામૂહિક રીતે સ્વીકારી લીધું. અને એને અનુમતિ આપનાર સભ્યતાએ સમાજના માનસિક સ્તરને ડહોળી નાખ્યું. ભારતીય લોકોને એવો અનુભવ થયો કે આ કહેવાતા ધર્મનિરપેક્ષ વૈજ્ઞાનિક પ્રૌદ્યોગિક, સામાજિક, આર્થિક, શૈક્ષણિક અભ્યાસક્રમમાં કંઈક ભારે ખોટું થઈ રહ્યું છે. આ શિક્ષણે જબરદસ્ત છતાં સ્વાર્થી અને આત્મનાશક બુદ્ધિવાળા માણસો પેદા કર્યા છે. છેવટે સાચી અનુભૂતિ થઈ કે આ બધું ઉચ્ચતર મૂલ્યો વગરના શિક્ષણનું જ ફળ છે.

માનવીય ઉત્ક્રાન્તિ અને પ્રકાશિત બુદ્ધિની નીપજ : ઉચ્ચતર મૂલ્યો

માનવીય મૂલ્યો એવા માનવગુણો છે કે જે માનવજીવોને પોતાની શારીરિક મર્યાદાઓથી ઉપર ઊઠવામાં મદદગાર બની શકે. એ આપણને તદ્દન શારીરિક જીવનમાં સામાન્ય ગણાતા ઉપયોગિતાપ્રધાન વ્યક્તિગત સભ્યતા તરફ દોરી જતા સ્વાર્થ, કામુકતા, લોભ, ક્રોધ, ઇન્દ્રિયસુખ, ભય અને હતાશા જેવા સ્તરોથી ઊંચે લઈ જાય છે. વૈદિકયુગના દ્રષ્ટાઓએ અનુભવ્યું કે માનવ એના મૂળ સ્વરૂપે દિવ્ય છે અને માનવજાતિનું લક્ષ્ય મૂલ્યકેન્દ્રિત જીવન દ્વારા આ દિવ્યતાને પ્રાપ્ત કરવાનું છે. આ ઉચ્ચતર મૂલ્યો જ્યારે બુદ્ધિ વિશુદ્ધ બને ત્યારે પ્રાપ્ત થાય છે. શિયાળની બુદ્ધિ યે પૂરતી તીક્ષ્ણ તો હોય છે પણ એ વિશુદ્ધ નથી હોતી. બુદ્ધ કે ક્રાઈસ્ટની બુદ્ધિ એ આધ્યાત્મિક સંસ્કૃતિથી નીપજેલ પ્રકાશિત બુદ્ધિ છે. એટલા માટે વૈદિક સંસ્કૃતિનો ખૂબ લોકપ્રિય પ્રાર્થના મંત્ર એ ગાયત્રી મંત્ર છે કે જે કહે છે કે ‘અમારી બુદ્ધિને પ્રેરણા આપો.’ – ‘धियो यो न: प्रचोदयात्.’

ઉચ્ચતર મૂલ્યોનો વિચાર માનવજાતિની ઉત્ક્રાંતિમાં મોડેથી ઉપજ્યો. જ્યારે માનવજાતિ વિશુદ્ધ બુદ્ધિથી પોતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિનો અને વિવેકનો ઉપયોગ કરવાનું અને અન્યનું ભલું કરવાનું શીખી ત્યારે આ વિચાર ઉદ્‌ભવ્યો. પ્રાણીઓ લગભગ આત્મરક્ષણની સહજવૃત્તિની મદદથી જીવે છે – બીજાને ભોગે પણ સ્વરક્ષણની સહજવૃત્તિથી જીવે છે. એટલા માટે પ્રાણીઓની દુનિયામાં રક્તરંજિત દાંત અને પંજાનો સ્વભાવ જોવા મળે છે. ઉત્ક્રાંતિના સમયગાળા દરમિયાન વાંદરાઓ ચિમ્પાઝીમાં ઉત્ક્રાન્ત થયા. અને છેલ્લે વા-નર (અર્ધ નર)માં એનો વિકાસ થયો. આ પ્રાથમિક દૈહિક વિકાસ ખૂબ લાંબો હતો. ત્યાર પછી માનવ તરીકેનો એનો વિકાસ થયા પછી જ ઉચ્ચતર નૈતિક મૂલ્યોનો ઉદ્‌ભવ થયો.

માનવ મસ્તિષ્કની ઉત્ક્રાંતિ વધારે ને વધારે ગ્રંથીઓવાળા મસ્તિષ્કના સંકળાયેલા વ્યવસ્થાતંત્ર જેવી દેખાય છે. તે વિકાસ કેવળ ઇન્દ્રિયસુખની ઉપરવટ જઈને એમાંથી નૈતિક વિચારો અને મૂલ્યોને સર્જવાની ક્ષમતાવાળો દેખાય છે. નોબેલ વિજેતા વિજ્ઞાની રોગર સ્પેરી મસ્તિષ્કની ઉચ્ચતર યાંત્રિકતા તેના વિકાસ વિષે કહે છે કે ‘આ તદ્દન ભૌતિક કારણમય પરિચ્છિન્નતામાંથી ચેતનાયુક્ત કર્તૃત્વ સહિતનાં બળો, કે જે ભૌતિકતાનો છેદ ઉડાડી મૂકે છે, એમાં પરિવર્તન પામવાનું કોઈને માટે ત્યારે બની શકે છે કે જ્યારે એ વિજ્ઞાનનાં સત્યોને નૈતિક મૂલ્યોના માપ દંડ તરીકે વાપરી શકે.’

માનવ ઉત્ક્રાંતિનો ઉદ્દેશ બુદ્ધમાનવ કે ખ્ર્રિસ્તમાનવ બનવાનો છે એમ ફ્રેન્ચ શરીરશાસ્ત્રી અને પાછળથી મિશનરી બનેલ પાયર ટેલહાર્ટ શારદીને પોતાના ‘ફેનોમેનન ઓફ મેન’ નામના પુસ્તકમાં બતાવ્યો છે. બે કૂતરા માંસના એક નાનકડા ટુકડા માટે લડશે અને એકાબીજાને મારશે. પણ ખ્ર્રિસ્ત અને રામકૃષ્ણ તો બલિના બકરાને બચાવવા પોતાનું બલિદાન આપી દેશે.‘માનવ ઉત્ક્રાંતિ કોઈ દૈહિક ઉત્ક્રાંતિ નથી પણ મનોસામાજિક ઉત્ક્રાંતિ છે.’ – એમ શરીર વિજ્ઞાની સર જુલિયન હક્સ્લીએ કહ્યું છે. અને એણે નવી ઉચ્ચતર માનવીય ક્રાન્તિનું એક નવું સ્વપ્ન જોયું. એને એણે ‘માનવીય સંભાવનાઓનું વિજ્ઞાન’ એવું નામ આપ્યું.

મૂલ્યલક્ષી કેળવણી, આપણા ઉચ્ચતર વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિક રીતે આગળ વધેલ સમાજમાં માનવીય મૂલ્યોને પ્રેરણા આપવા માટે એક નવા વિજ્ઞાન તરીકે ઊભરી રહી છે. આજના પ્રૌદ્યોગિક વિશ્વની સામે મૂલ્યપરસ્ત માનવોનું સર્જન એ એક પડકાર છે. આઈન્સ્ટાઈનના મસ્તિષ્કને બુદ્ધના હૃદય સાથે જોડીને નાગાસાકી અને હિરોશીમાનો વિનાશ રોકવો જ જોઈએ. માનવજાતિમાં એની દિવ્યતાના પ્રકટીકરણમાં સહાય કરવા માટે નેપોલિયનના જુસ્સાને વિવેકાનંદની પયગંબરી તાલાવેલી સાથે જોડવો જોઈએ. અને રામકૃષ્ણનો વિશ્વપ્રેમ, સર્વધર્મ સ્વીકાર અને સર્વધર્મ સમન્વયને આજે આખી દુનિયામાં ઊપસી રહેલ ધાર્મિક પુનરુત્થાનની તીવ્ર ઝંખના સાથે જોડવા પડશે.

મૂલ્યલક્ષી કેળવણી – વેદાન્તની દૃષ્ટિએ

વૈદિકજ્ઞાનના ઉચ્ચતર શિખર સમા વેદાન્તજ્ઞાનની ફિલસૂફી પ્રમાણે માનવ વ્યક્તિ પાંચ સ્તરો – કોશો – ધરાવે છે. આ કોશો, ૧. ભૌતિક શરીર (અન્નમય કોશ), ૨. શક્તિ સ્રોત (પ્રાણમય કોશ), ૩. માનસિક દેહ (મનોમય કોશ), ૪. બૌદ્ધિક શરીર (વિજ્ઞાનમય કોશ) અને ૫. આનંદમય દેહ (આનંદમય કોશ) છે. પશ્ચિમમાં માણસ એક શરીર છે અને એને એક ચેતના છે. પણ ભારતમાં માનવ મૂળ સ્વરૂપે અશરીરી આત્મા છે અને ઉત્ક્રાન્તિ થતી ચેતનાની ઇચ્છાઓ પ્રમાણે દેહ ધારણ કરે છે. કેવળ પ્રૌદ્યોગિક શિક્ષણ આગળ બતાવેલા પાંચ સ્તરોમાંથી પહેલા ચારને આવરે છે. તે શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે વિદ્યાર્થીઓમાં શક્તિસંચાર કરી શકે છે; પણ અન્તિમ અભૌતિક આત્માનો સ્પર્શ કદાપિ કરી શકે નહિ. અને એ આત્મા જ તો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત સત્તા – શક્તિનો સ્રોત છે. બધા પ્રકારની માનવીય શ્રેષ્ઠતા દરેકે દરેક વિદ્યાર્થીની ભીતર છુપાયેલી પડી છે.

સેન્ટ જોનના ગોસ્પેલ પ્રમાણે જિસસ ક્રાઈસ્ટે કહ્યું છે કે જે મને આત્મા તરીકે પૂજે છે, તે સત્યને જ પૂજે છે. માણસ એ કંઈ ખાલી હાડમાંસની ભૌતિક હસ્તી જ નથી. પણ એ ભૌતિક અસ્તિત્વની અંદર આત્મા છે, ચૈતન્ય છે, અભૌતિક સત્‌ – તત્ત્વ છે. બધી ભૌતિકતા દેશકાળથી પરિચ્છિન્ન છે. અને દરેક અભૌતિકતા અનંત અને દેશકાળની મર્યાદાઓથી પર છે. વેદાન્ત આ અભૌતિક ચૈતન્યને ‘આત્મા’ કે ‘સ્વયં’ એવું નામ આપે છે. આ અનંત ચેતનાને બહાર લાવવાનાં વિજ્ઞાન અને કલાને આધ્યાત્મિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. એ કોઈ જૂથબંધી, પૂર્વગ્રહ, કોરા કર્મકાંડ કે પુરાણોની કિંવદન્તીની સંસ્કૃતિથી સાવ ઊલટી સંસ્કૃતિ છે. એટલા માટે વેદાન્તે ઘોષણા કરી કે ‘તત્ત્વમસિ’ – ‘તે તું છે.’ એટલે કે આ વૈયક્તિક આત્મા એ વૈશ્વિક આત્મા પોતે જ છે. – ‘अयमात्मा ब्रह्म’.

ધાર્મિક સાહિત્ય આપણને કર્મકાંડ દ્વારા ચિત્તશુદ્ધિ શીખવે છે. સામાન્ય જનસમૂહને આ કર્મકાંડ આનંદના ઉચ્ચતર સ્તર પર જવાનો પ્રકાશ પાથરે છે. ખ્ર્રિસ્તીઓની નાતાલ, મુસલમાનોનો રમજાન, હિન્દુઓનાં શિવરાત્રી, જન્માષ્ટમી, રામ નવમી, દુર્ગાપૂજા જેવા વિધિપ્રધાન ઉત્સવો સામાન્ય માનવોને પ્રેરક પ્રકાશ આપે છે. પણ સાથોસાથ આવાં કર્મકાંડો એના આચનારાઓને સાંપ્રદાયિક, અને ‘મારું કર્મકાંડ એ એક જ માત્ર સાચું કર્મકાંડ છે, બીજાં કર્મકાંડો તો શેતાનના નૃત્ય જેવાં છે’ – એવી લાગણીના મૂળ સાથેના પૂર્વગ્રહવાળા પણ બનાવી શકે છે. આ કર્મકાંડના સ્તર સુધીના ધર્મો કેટલીયવાર નાટકીય રીતે એકબીજાથી જુદા પડે છે. સુન્નીઓનાં સરઘસો ઉપર હુમલો કરવાના અને એનો વિરોધ કરવાના શિયાઓના ઘણા કિસ્સાઓ આપણને મળે છે. ભલે ને એ બન્ને ઇસ્લામ સંપ્રદાયના અનુયાયીઓ હોય!

આધ્યાત્મિક અને તાત્ત્વિક સ્તરે બધા ધર્મો એક સમાન જ છે અને તેઓ એક જ ભાષા બોલે છે. હિન્દુઓ માનવજાતિને ‘અમૃતના પુત્રો’ કહે છે; ખ્ર્રિસ્તીઓ કહે છે કે ‘ઈશ્વરનું રાજ્ય તમારી ભીતર જ છે! અને સૂફી ઇસ્લામ કહે છે ‘અનલ હક (હું ઈશ્વરનું સત્ય છું.’ આ વૈશ્વિક આધ્યાત્મિક સત્ય, બધા જ ધર્મોના ઉચ્ચતર આધ્યાત્મિક પરિમાણની દૃષ્ટિએ એક સરખું છે. અનેક રાષ્ટ્રો, સંસ્કૃતિઓ, ધર્મોની એકબીજા સાથે સંવાદિતાના પાયા ઉપર ઊભા થઈ રહેલ માનવ સમાજ તરફ શિક્ષાર્થીઓને અભિમુખ કરવા માટે આજે આપણને આ વૈશ્વિક સત્યને કેળવણીમાં જોડવાની ખાસ આવશ્યકતા છે. વિવેકાનંદે કહ્યું છે કે ‘કેળવણી એટલે માનવમાત્રમાં પહેલેથી જ રહેલ પૂર્ણતાનું પ્રકટીકરણ છે’ અને ‘ધર્મ એ માનવમાં રહેલી દિવ્યતાની પૂર્ણતા છે. તેમણે ધર્મના પરિમાણને કેળવણીનો મૂળમંત્ર ગણ્યો છે. કારણ કે આધ્યાત્મિક, વૈશ્વિક અને અંત:પ્રેરિત પરિણામો જ મૂલ્યોને પ્રેરણા આપે છે. એ એવાં મૂલ્યો છે કે જે માનવજાતને ઉજાળી અને જોડી શકે. જ્ઞાન કે માહિતીપૂર્ણ બૌદ્ધિક સમજૂતી તો ફક્ત આ વૈશ્વિક, આધ્યાત્મિક અને અંત:પ્રેરિત મૂલ્યોની જીવનમાં થતી ક્ષમતાને જ નિશ્ચિત કરી શકે. ધર્મનો અર્થ શક્તિ પણ થાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘માનવમાં રહેલી સ્વાભાવિક શક્તિનું પ્રકટીકરણ જ ધર્મ છે.’ ધર્મ કોઈ પૂર્વસ્થાપિત આગ્રહનો વિષય નથી. એ ‘થવું’ પણ છે અને ‘હોવું’ પણ છે. એ આપણામાંના બુદ્ધ અને ક્રાઈસ્ટનો સાક્ષાત્કાર છે.

કેળવણીની પશ્ચિમી વિભાવના બાલશિક્ષાર્થીના મનને કોરી પાટી જેવું ગણવાની છે.

એના ઉપર શિક્ષક પોતાના શિક્ષણ દ્વારા છાપ પાડી શકે છે; પણ કેળવણીની વેદાન્તી દૃષ્ટિ આનાથી તદ્દન ઊલટો જ અભિપ્રાય ધરાવે છે. વેદાન્ત પ્રમાણે દરેકે દરેક બાળક સર્વ જ્ઞાન, વિશુદ્ધિ, પૂર્ણતા અને શ્રેષ્ઠતાનો ભંડાર છે. બાળકમાં રહેલ આત્મચૈતન્ય એ ચિત્‌ – અનન્ત જ્ઞાનનો પર્યાય છે.

બાળકને ફ્રોઈડનો ફક્ત શારીરિક પ્રાણી જ માનવાનો અભિગમ ધરાવતી દુનિયાને માટે વિવેકાનંદની વેદાન્તની દૃષ્ટિ એકલી ક્રાન્તિકારક જ નહિ પણ યુગપ્રવર્તક પણ જણાશે. વિવેકાનંદ પોતાના દૃષ્ટિબિન્દુને આ રીતે સમજાવે છે :

‘કોઈ માણસ બીજા માણસ પાસેથી ક્યારેય કશું શીખ્યો નથી. શિક્ષક પોતે શીખવે છે, એવું વિચાર વલણ રાખીને બધું જ બગાડી મૂકે છે. માનવની ભીતર બધું જ જ્ઞાન ભર્યું છે એને જાગ્રત કરવાની જ જરૂર છે, અને શિક્ષણનું માત્ર આટલું જ કામ છે. તમે એક છોડ ઉછેરવાના કામ કરતાં કશું વધારે કામ બાળકના શિક્ષણમાં કરી શકો નહિ. છોડ એની મેળે જ સ્વભાવ-સહજતાથી વિકસે છે. એમાં એવો શક્તિનો ભંડાર બંધાયેલો પડ્યો જ હતો. આપણે જાણીએ છીએ કે પ્રખર બુદ્ધિ એના સજીવ કોશમાં ગૂંચળું વળીને પડી છે.’

મૂલ્યો એ આ આધ્યાત્મિક સંસ્કૃતિની સહજ આડ ઉપજ છે; આધ્યાત્મિક સંસ્કૃતિ અને મૂલ્યો એક સિક્કાની બે બાજુઓ જ છે – ઉચ્ચતર વૈશ્વિક માનસ અથવા માનવજાતિની પ્રકાશિત બુદ્ધિ.

કુદરત નબળાં પ્રાણીઓને સબળાં પ્રાણીઓનો શિકાર બનાવે છે. પણ માનવમૂલ્યો તો એવાં છે કે જે આપણને આવાં પ્રાણીઓના સ્વભાવથી ઊંચે લઈ જાય છે. અને આપણને અસાધારણ એવા દિવ્ય જીવન તરફ પહોંચાડવામાં મદદ કરે છે. અને જ્યારે આપણામાંના આત્મા – સ્વયં – ઈશ્વર પોતાના આત્મભાવની ક્રિયા સાથે જાગી ઊઠે છે, ત્યારે અને ફક્ત ત્યારે જ બધા ઈશ્વરીય ગુણો પ્રકટ થાય છે – ब्रह्मविद्या सर्वविद्या प्रतिष्ठा । – (આત્મજ્ઞાન જ બધાં જ્ઞાનોનો પાયો છે) એમ મુંડકોપનિષદ (૧/૧/૧) કહે છે. માનવજાતિમાં આ બધું જ્ઞાન અને દિવ્ય ગુણો ક્યાંથી આવે છે? છાન્દોગ્યોપનિષદ (૭/૨૪/૧) જવાબ આપે છે. ‘स्वे महिम्नि इति’ – ‘આપણામાં રહેલા આત્માના મહિમામાંથી.’ એક સુતારના છોકરા ઈશુ ખ્ર્રિસ્ત અને કહેવાતા અભણ ગામડિયા બ્રાહ્મણ પુત્ર રામકૃષ્ણના માનવોત્તર જ્ઞાનની પાછળનું આ જ કારણ છે. પોતાની મહાન અનુભૂતિથી પ્રકાશિત થયેલા શબ્દોમાં વિવેકાનંદે આ આત્મજ્ઞાનના ઉદ્‌ગમને અભિવ્યક્ત કર્યો છે.

‘તમે પોતાની જાતને, અને બીજા દરેકને સ્વસ્વરૂપનું ભાન કરતાં – કરાવતાં શીખવો. સુષુપ્ત આત્માને જગાડો, તે કેવી રીતે જાગે છે, તે જુઓ; જ્યારે આત્મા સ્વસ્વરૂપમાં જાગશે ત્યારે પ્રભુત્વ તો આવશે, યશ પણ આવશે, વિશુદ્ધિ પણ આવશે અને જે બધું ઉત્તમ છે તે બધું આવી મળશે.’ 

મૂલ્યનિષ્ઠ જીવનો મૂલ્યોને પ્રેરે છે

ભગવદ્‌ ગીતા (૩/૨૧) મૂલ્યનિષ્ઠ મહાન જીવનોનો જબરો પ્રભાવ વર્ણવે છે. ‘સમાજની શ્રેષ્ઠ વ્યક્તિઓ જે પ્રમાણે આચરણ કરે છે, એનું જ સામાન્યજનો અનુકરણ કરે છે. મહાપુરુષો ગમે તે કામ શ્રેષ્ઠ માનીને કરે એનું સામાન્ય જનો કશી શરત વિના અનુસરણ કરે છે.’ (यद्यदाचरति श्रेष्ठ: तत्तदेवेतरो जन: । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥)

પ્લેટોનો સોક્રેટીસ સાથેનો સંવાદ આ પ્રશ્નની આસપાસ જ પરિક્રમા કરતો હતો કે, ‘મૂલ્યો શીખવાડી શકાય ખરાં કે? એને ખાતરી થઈ ગઈ હતી કે સદ્‌ગુણો વિશ્વગામી અને સદાયે સર્વત્ર સમાન હોય છે. સારાં મૂલ્યો શીખવાડી તો શકાય, પણ શિક્ષકો સારા હોવા જોઈએ. આવા શિક્ષકો જ આપણને ઉપદેશ આપવા કરતાં આપણી ભીતરના સદ્‌ગુણોનું પ્રકટીકરણ કરી શકે છે. શબ્દો ખાલી આપણને મૂલ્યોનો ઉપદેશ કરે છે, જ્યારે મહાપુરુષો એને અમલમાં મૂકવા માટે આપણને પ્રેરે છે.

અબ્રહામ મેસ્લોવ પોતાના ‘Farther Reaches of Human Nature’ નામના પુસ્તકમાં કહે છે : ૫ ‘આધુનિક સમાજમાં હવે માનવજાતની ઉચ્ચતમ સંભાવનાઓનું મૂલ્ય વ્યવહારુ જીવનમાં હમેશા ઓછું આંકવામાં આવ્યું છે. આપણે એમાં ઘણું ખરું દોડવાની હરિફાઈ વિશે જાણીએ છીએ : મેસ્લોવ દલીલ કરે છે કે ‘સામાન્ય પ્રકારની દોડ સ્પર્ધા કરનારાઓ કરતાં ઓલિમ્પિકની દોડમાં સ્વર્ણપદક વિજેતાઓનું મૂલ્યાંકન કરીને આપણે એમની પાસેથી કંઈક શીખવા માગીએ છીએ.’ મેસ્લોવ આગળ કહે છે : ‘જો આપણે માનવજાતિમાં આધ્યાત્મિક વિકાસ, મૂલ્ય વિકાસ અને નૈતિક વિકાસની સંભાવનાઓ જોવા માગતા હોઈએ, તો હું ભારપૂર્વક કહું છું કે આપણે આપણા સર્વશ્રેષ્ઠ નીતિમય, સંત પુરુષોનાં જીવનોનો અભ્યાસ ખૂબ ખૂબ ચાલુ રાખવો જોઈએ. ઓલ્વીન ટોફ્‌લર પોતાના ‘ત્રીજું મોજું’ નામના પુસ્તકમાં લખે છે કે ‘પોતાના વ્યક્તિત્વના પુન: ઘડતર માટે આજે લાખો લોકો શોધ ચલાવી રહ્યા છે. એવો તે કયો આદર્શ છે કે જેમાં માનવજાતની બધી શક્તિઓ પ્રગટ થઈ જતી હોય અને ઉચ્ચતર વૈશ્વિક મૂલ્યોને વધારેમાં વધારે શ્રેષ્ઠતાથી ક્રિયાન્વિત કરાતાં હોય?

મૂલ્યનિષ્ઠ જીવનનાં ઐતિહાસિક ઉદાહરણો

વિશ્વનો ઇતિહાસ આપણને મૂલ્યનિષ્ઠ જીવનનાં એવાં અતિપ્રેરક ઉદાહરણો પૂરાં પાડે છે કે જેમણે ઐતિહાસિક શ્રેષ્ઠતા હાંસલ કરી છે.

રાજા અશોકે કલિંગ ક્ષેત્ર ઉપર, તે પ્રદેશને જીતી લેવાની મહેચ્છાથી માનવોનાં લોહી રેડાય તેવો હુમલો કર્યો. પણ એમાં હજારો લોકોને મરતાં ભાળીને તીવ્ર શોક અને પસ્તાવાથી તેણે બૌદ્ધ સાધુનું શરણું લીધું. એ સાધુએ એને જીવનની પૂર્ણતા અને શાન્તિ માટે અહિંસા, પ્રેમ અને સેવાનો માર્ગ શીખવ્યો. અશોકે ધર્મવિજય મેળવ્યા પછી નવજીવન જીવવાનું શરૂ કર્યું અને ધરતી પરના અભૂતપૂર્વ રાજવી તરીકે ઝળકી ગયો.

ગુરુ ગોવિંદસિંહે પોતાના સગા બાપ ગુરુ તેગબહાદુરનો દિલ્હીમાં ચાંદની ચોકમાં મુસલમાનોને હાથે કરાતો શિરચ્છેદ સગી આંખે જોયો હતો અને છતાં ભારતીય લોકો અને મહિલાઓનું સન્માન જાળવવા તેમણે બળવાન મોગલો સામે લડવાનું બંધ ન કર્યું. હિન્દુ રાજકુમારોએ એનો અવિશ્વાસ અને વિરોધ કર્યો છતાં પણ ગુરુ ગોવિંદસિંહે ભારતના શાશ્વતધર્મ કાજે લડાઈ ચાલુ રાખી. મોગલોએ એમનાં પત્ની અને દીકરાઓને ક્રૂર રીતે મારી નાખ્યા. નિર્ભય ગોવિંદસિંહ લડાઈ લડતા રહ્યા અને છેવટે શત્રુના હાથે અતિ ક્રૂર રીતે કટાર ભોંકાવાથી શહીદ થયા. તેઓ પોતાની પાછળ શીખ ધર્મના અનુયાયીઓની મોટી સેના મૂકતા ગયા. ગોવિંદસિંહના ઉપદેશ પ્રમાણે એ સેનાના અધ્યક્ષ તરીકે કોઈ વ્યક્તિ નહિ પણ ગુરુગ્રંથ સાહેબને રાખવામાં આવ્યા. તેમના ‘સિરદાર સરદાર’ ના અમર સૂત્રે અને તેમના ઐતિહાસિક બલિદાને ભારતીય ધર્મના સંત્રીઓને જન્મ આપ્યો. એ પંજાબની ભૂમિના નરવીર શીખો હતા.

યુવાન નરેન્દ્રનાથનો પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણમાં અતૂટ વિશ્વાસ અને ગુરુ એ વારંવાર કહેલી ‘નરેન્દ્ર વિશ્વને શીખવશે’ – એવી ભવિષ્યવાણીએ ધીરે ધીરે એમના શિષ્યમાં વિશ્વવિજયી એક શ્રદ્ધા ઉત્પન્ન કરી અને તેઓ સ્વામી વિવેકાનંદ રૂપે ઉપસી આવ્યા. એમણે ભારત અને વિશ્વ માટે ભોગ આપ્યો. એકલા, વણનોતર્યા અને થોડા ગરીબ શિષ્યોના ટેકાવાળા વિવેકાનંદ અમેરિકા ગયા અને ત્યાં શિકાગોની સર્વધર્મ મહાસભામાં એક મહાન માનવ તરીકે ઊપસી આવ્યા. અને આટલાંટિકની બન્ને બાજુએ તેમણે સબળ રીતે હિન્દુ વેદાન્તનો ઉપદેશ કર્યો અને નવ વરસના સમયગાળામાં પૂર્વ તરફથી પશ્ચિમનો પ્રથમ પ્રતિકાર કર્યો. ભારતીયોએ તેમનામાં હિન્દુધર્મનો ઉદ્ધારક જોયો, અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ પાછળના જબરદસ્ત બળનાં પણ દર્શન કર્યાં. પશ્ચિમવાસીઓ તેમનામાં બુદ્ધ અને ખ્ર્રિસ્ત જેવો તારણહાર જુએ છે. વિશ્વ આજે તેમનામાં એમની સંસ્કૃતિનો તારણહાર જુએ છે. એમની સંસ્કૃતિમાં ત્રણ મુખ્ય સિદ્ધાંતો છે : માનવજાતિમાં મૂળથી જ રહેલી દિવ્યતા, સર્વધર્મોની પાયાની એકતા અને માનવમાં દિવ્યતાનું પ્રકટીકરણ કરતી સંસ્કૃતિ.

વિવેકાનંદ અમેરિકામાં મોટા ઉદ્યોગપતિ રોકફેલરને મળ્યા હતા. એમણે એ ધનાઢ્યને પોતાની મિલ્કત ગરીબ અભાવગ્રસ્ત માનવોને આપી દઈને પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરવાનું કહ્યું. રોકફેલરે વિવેકાનંદનો એ સંદેશ ઝીલી લીધો. અને રોકફેલર ફાઉન્ડેશનના ધનથી ડો. નોરમન બોરલોગે રોગ અને દુષ્કાળ સામે પ્રતિકાર કરી શકે તેવી ઘઉંની વિવિધ જાતો વિકસાવી અને દુનિયાની વસતિના ત્રીજા ભાગને ૧૯૬૫માંના વિશ્વવ્યાપી ગણાયેલા દુકાળથી મોતના મોઢામાંથી બચાવી લીધો અને શાન્તિનું નોબેલ ઈનામ મેળવ્યું. રોકફેલરે પોતાના જીવનના અંત ભાગમાં લખ્યું કે ‘ધનના સંગ્રહ કરતાં બીજું પણ કંઈક જીવનમાં છે. આખરી વેળાની તૈયારી કરવાનો શ્રેષ્ઠ રસ્તો તો બીજા માટે જીવવાનો છે અને એ રસ્તે જવાનો જ હું પ્રયત્ન કરી રહ્યો છું.’ ૬

ગાંધીજી માનતા કે પ્રતિકાર હોવા છતાંય છેવટે અહિંસા જ જીતશે. દક્ષિણ આફ્રિકામાં કાળા લોકોના હકના રક્ષણ માટે તેઓ એક અડીખમ લડવૈયા રહ્યા. અહિંસાના વધુ મજબૂત જુસ્સા અને વધારે મોટા બલિદાનથી ભારતમાં બળવાન બ્રિટિશ સલ્તનત સામે તેઓ ખડા રહ્યા. લોકોએ એમનામાં ‘મહાત્મા’ અને ‘રાષ્ટ્રપિતા’નાં દર્શન કર્યાં. તેમને તો મારી નાખવામાં આવ્યા, પણ ન્યાય માટે અહિંસક આંદોલનનો વિચાર – જેને માટે ગાંધીજી મોતને નકારીને પણ જીવ્યા અને અમર બની ગયા. આજે એ અમર છે. પશ્ચિમવાસીઓ એમને વખાણે છે, કારણ કે કશી સેના વિના તેમણે વિશ્વને જીતી લીધું.

(ક્રમશ:)

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.