(જૂન ૨૦૦૪ થી આગળ)

ચર્મ-વાદ્યયંત્ર

મૃદંગ – આ અત્યંત પ્રાચીનકાળનું વાદ્યયંત્ર છે. ગાયનના ધ્રુપદ નામના અંગ વિશેષ સાથે એને વગાડવામાં આવે છે. સંસ્કૃત ગ્રંથોમાં ચર્મવાદ્યો વિશે વિપુલ પ્રમાણમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. જેમ કે ‘સંગીતાય પ્રસૂતસૂરજા સ્નિગ્ધગંભીરઘોષમ્‌’ (કવિ કાલિદાસ) એમ કહેવામાં આવે છે કે શિવજી જ્યારે બ્રહ્મનામમાં ઉન્મત્ત બનીને નાચતા હતા ત્યારે ગણપતિ પોતે આ મૃદંગ વગાડતા.

મૃદંગને બંને બાજુએ વગાડવામાં આવે છે. જમણા હાથે વગાડવામાં આવે છે એ ભાગને ગાબ-કાળી શાહી લગાડેલ રહે છે. બીજી બાજુએ કેવળ એક ચર્મનું આવરણ રહે છે. આ ચર્માવરણ ઉપર ઘઉંનો કે મેંદાનો લોટ લગાડવામાં આવે છે અને તેના વાદન પછી એ લોટને કાઢી નાખવામાં આવે છે. મૃદંગની કેવળ ડાબી બાજુએ જ આ લોટ ચોટાડવામાં આવે છે. મૃદંગને વચ્ચે વચ્ચે ચામડાની દોરીઓથી બાંધવામાં આવે છે; આ દોરીઓની વચ્ચે આઠ કાષ્ટખંડ હોય છે, એને ‘ગટ્ટા’ કહે છે. આ ચર્મસૂત્રોની વચ્ચે વચ્ચે મૃદંગના ચામડા પર જે બધા વ્યવધાન (આડશ) હોય છે તેને ‘ઘાટ’ કહેવામાં આવે છે. આ બધાને હથોડીથી (તાલ માટે) ઠોકવામાં આવે છે અને એને ઉપર કે નીચે કરીને કોઈ તાનપુરા જેવા વાદ્યયંત્રના તાલ સાથે મેળવવું પડે છે. જ્યાં સુધી બધા ઘાટ સમસ્વર તથા તાનપુરા જેવાં વાદ્યો સાથે એકસૂર ન બની જાય ત્યાં સુધી મૃદંગમાંથી એક પ્રકારનો ઝાંઝી (તરડાયેલ ધ્વનિ) નીકળે છે. આ સમસ્વર હોવાનું પ્રમાણ છે. આ રીતે જમણી બાજુએ સમસ્વર થઈ જાય પછી ડાબી બાજુએ મેંદો કે ઘઉંનો લોટ લગાડવામાં આવે છે. જ્યાં સુધી તાનપુરામાંથી નિમ્ન પંચમ ષડજ ન નીકળે ત્યાં સુધી એ લોટ લગાડતા રહેવું જોઈએ. વસ્તુત: ઉપર્યુક્ત પ્રકારે સૂર બાંધ્યા પછી મૃદંગમાંથી અત્યંત શ્રુતિમધુર તેમજ ગંભીર ધ્વનિ નીકળે છે.

તબલાં અને વામા (બાઁયું) – જે રીતે વીણામાંથી સિતાર, એસરાજ વગેરેનું સર્જન થયું છે એવી જ રીતે મૃદંગમાંથી તબલાં અને બાઁયાનું સર્જન થયું છે. તબલાં અને બાઁયાને જોઈને જાણે કે એક મૃદંગને કાપીને તેના બે ટૂકડા કરી દીધા હોય તેવું લાગે છે. અંતર એટલું જ છે કે મૃદંગમાં દરેક વખતે લોટ લગાડવો પડે છે જ્યારે બાઁયામાં સ્થાયી રૂપે ગાબ-શાહી લગાડેલી જ રહે છે. ધ્રુપદ ગાયકીના ગાયનમાં મૃદંગ વગાડવામાં આવે છે અને બીજા પ્રકારના ગીતો સાથે તબલાં વગાડવામાં આવે છે. મૃદંગનો ધ્વનિ અત્યંત ગંભીર હોય છે અને એની સરખામણીમાં તબલાંનો ધ્વનિ લઘુ હોય છે. મૃંદગવાદનમાં આખા હાથનો ઉપયોગ કરીને (ખૂલા બોલ) વાદ્ય પર થાપ પડે છે જ્યારે તબલાંમાં હાથનો કેવળ એક ભાગ જ ઉપયોગમાં લેવાય છે. 

મૃદંગને બાંધવાના જે નિયમો છે એવા જ નિયમો તબલાંના પણ છે. એમાં વધારાની વાત આટલી જ છે કે તબલાંનું કદ નાનું હોવાનું કારણે તેને અતિ ઉચ્ચસ્વરમાં પણ બાંધવામાં આવે છે. અને જે ગીતગાન સાથે એને વગાડવામાં આવે છે તેને પણ ઉચ્ચ સ્વરે ગવાય છે.

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.