(ગતાંકથી આગળ)

વચેટ મામી ખૂબ માંદાં છે. નાના છોકરા વિજયના જન્મ પછી હજી સુધી તેઓ સૂવા રોગથી પીડાય છે. પ્રસવપીડા ઘણી મોટી હતી, એને લીધે એનું પેટ ફૂલી ગયું છે. ચિકિત્સકે કહ્યું છે કે અળશીની લોપરી ગરમ કરીને એનો શેક કરવો પડશે. લોકો ઓછા છે અને આખો વખત શેક કરવો પડે તેમ હતો. શ્રીમા ઘણા ચિંતિત છે. સતત તબિયત જોયે રાખે છે. અંતે કોઈ ઉપાય ન જણાતાં એમણે પોતાનાં એક સંતાનને કહ્યું: ‘જુઓ બેટા, તમારી આ વચેટ મામી બહુ બીમાર છે, એને ઘણી પીડા થાય છે, એની સારસંભાળ લેનારું કોઈ નથી. તું જો એની થોડી સેવાશુશ્રૂષા કરે તો એના પ્રાણ બચી જાય.’ પુત્રે શ્રીમાનો અભિપ્રાય બરાબર સમજી લીધો અને મામીની સેવામાં આનંદપૂર્વક લાગી ગયો. શ્રીમા ખૂબ પ્રસન્ન થયાં. પુત્રે પણ મનમાં તૃપ્તિ અનુભવી. જાણે કે પોતાની જન્મદાતા માતાની જ સેવા કરી રહ્યો એવો એને અનુભવ થવા લાગ્યો. સાજા થયા પછી થોડા દિવસો બાદ મામીને એક ફોડલો થયો. એનાથી ખૂબ પીડા થતી હતી. એવે સમયે શ્રીમાનો એક ડોક્ટર પુત્ર ત્યાં આવ્યા. શ્રીમાની ઇચ્છા પ્રમાણે તે પોતે જ મામીની શલ્યચિકિત્સા કરીને તેનો ઉપચાર કરવા લાગ્યા. હવે આ વખતે સેવામાં કોઈ અસુવિધા ન હતી. શ્રીમાએ એક ગરીબ છોકરીને માસિક પગાર પર સેવા માટે રાખી દીધી.

શ્રીમા અને એમના શિષ્ય રાજેન મહારાજ

શ્રીમાનો સ્નેહ બધાં સંતાનો પર સમાનભાવે વહેતો. છતાં જેની જેવી આવશ્યકતા હોય, જેના પેટમાં જે પચે તે પ્રમાણે એમણે વ્યવસ્થા કરવી પડશે. પરંતુ શ્રીમા આ બધું એટલી સાવધાની અને શાણપણથી કરતાં કે એને લીધે એમનાં સંતાનોમાં પરસ્પર ઈર્ષ્યા કે દ્વેષ ન ઊભો થતો. કોઆલપાડા આશ્રમના એક મુખ્ય કાર્યકર્તા રાજેન મહારાજ (સ્વામી વિદ્યાનંદ) શ્રીમાના ઘરે આવ્યા. પ્રણામ કરીને શ્રીમાના આશીર્વાદ મેળવીને તેમણે વિનંતી કરી કે એમની ઇચ્છા કાશી જવાની છે. એમને કોઆલપાડા આશ્રમમાં ગમતું નથી, બધાની સાથે મનમેળ રહેતો નથી અને તબીયત પણ સારી રહેતી નથી. આ માટે જ્યારે એમણે શ્રીમા પાસેથી અનુમતિ આપી તો શ્રીમાએ એમને બીજે ક્યાંય જવાને બદલે થોડા દિવસો એમની પાસે જ જયરામવાટીમાં જ આવીને રહેવાનું કહ્યું. રાજેન મહારાજનું મન પ્રફુલ્લિત બની ગયું. થોડા દિવસોમાં જ તેઓ શ્રીમાના ઘરે આવીને રહેવા લાગ્યા. તેઓ ઘણા કામના માણસ હતા, સરળ અને નિષ્ઠાવાન ભક્ત પણ હતા. એમના આવવાથી શ્રીમાના ઘરનાં કામકાજમાં ઘણી સુવિધા થઈ ગઈ અને શ્રીમાનું મન પણ પ્રફુલ્લિત બની ગયું. એ જ સમયે શ્રીમાનો એક બીજો પુત્ર પણ ત્યાંનો કારભાર સંભાળતો. રાજેન મહારાજ સાથે એને ઘણો સ્નેહસંબંધ હતો. બંને મિત્ર આનંદપૂર્વક એક સાથે રહેવા લાગ્યા. દરરોજ પૂજા પછી શ્રીઠાકુરના પ્રસાદની સાકરનું સરબત શ્રીમા પીતાં. એ જાણે કે એમની એક આદત બની ગઈ હતી. આમ જોઈએ તો એમના સ્વાસ્થ્ય માટે પણ એ વિશેષ રૂપે આવશ્યક હતું. એમ કહેવું પડે કે એ જ એમનું સવારનું મુખ્ય જલપાન હતું. એને કારણે પિત્ત શમી જતું. પૂજા સમાપ્ત કરીને આ પ્રસાદીનું સરબત લીધા પછી શ્રીમા પોતાનાં સંતાનોને જલપાન કરાવતાં. ‘બેટા, આવો આવો, ઘણું મોડું થઈ ગયું છે. જલપાન કરી લો’ આવી શ્રીમાની સુમધુરવાણી યાદ આવી જાય છે. યાદ કરતાં પ્રાણ વ્યાકુળ બની જાય છે. એવી ઇચ્છા થઈ જાય છે કે પંખી બનીને ઊડીને એ જ પરસાળમાં પાછો ચાલ્યો જાઉં જ્યાં આસન પાથર્યું હોય, પાણીનો ગ્લાસ રાખ્યો હોય અને કાંસાની નાની થાળીમાં મમરા અને ગોળ પણ હોય; પાતળમાં પ્રસાદી ફળ અને મીઠાઈ રાખીને ‘જેમ ગાય વાછરડાની આતુરતાપૂર્વક રાહ જુએ તેમ’ વ્યગ્ર બનીને શ્રીમા સ્નેહભરી દૃષ્ટિએ દરવાજા તરફ જાણે કે જોઈ રહ્યાં છે. પરંતુ અરેરે! હવે એ સૌભાગ્ય પાછું સાંપડવાનું નથી! સમગ્ર વિશ્વને ફરી વળવાથી પણ એવો માતૃસ્નેહ હવે ન મળી શકે!

છોકરાઓના જલપાન પછી છોકરીઓને જલપાન કરાવીને શ્રીમા પોતે પણ કંઈક લેતાં. ભક્તો દ્વારા આવેલ મીઠાઈ અને ફળ તો બીજા લોકો જ ખાતા. શ્રીમા તો એમાંથી એક કણમાત્ર જ મોંમાં લેતાં. થોડાક મમરા જ એમનો નાસ્તો હતો. હવે તો દાંતેય પડી ગયા છે, ચવાતું પણ નથી એટલે મમરાને એક કપડામાં બાંધીને દસ્તાથી એનો ભૂકો કરી લેતા અને નવાસનની વહુને બોલાવીને કહેતાં: ‘વહુ બેટા! થોડું મરચું મીઠું દે તો!’

રાજેન મહારાજ અને બીજો છોકરો ત્યાં રહેતા હતા ત્યારે એ બંને અને બીજા છોકરા પણ એક સાથે બેસીને મમરા કે ભાત ખાતા. આનંદપૂર્વક વાતચીત પણ કરતા. કામકાજને લીધે ક્યારેક ક્યારેક વ્યતિક્રમ પણ થઈ જતો, ત્યારે એ બધા અલગ અલગ ભોજન લેતા. કેટલાક દિવસો પછી આ બીજા દીકરાને એકલો જોઈને શ્રીમાએ કહ્યું: ‘બેટા, આ આગની ગરમીથી રાંધતાં રાંધતાં રાજેનનું માથું પણ ગરમ થઈ ગયું હતું. આશ્રમમાં એને અણબનાવ પણ થઈ ગયો હતો. શરીરેય સાજુમાંદુ રહેતું અને ત્યાં તો વળી રાત દિવસ તનતોડ પરિશ્રમ! કાશી જવા ઇચ્છતો હતો. અહીં મારી પાસે વિદાય લેવા આવ્યો હતો. એને સમજાવીને અહીં રહેવા રાજી કર્યો છે. થોડાક દિવસ અહીં રહેવાથી એનું માથું ઠંડું પડી જશે. શરીર પણ સાજુંનરવું થઈ જશે. એટલે તે ફરીથી આશ્રમમાં જઈને કામકાજ કરી શકશે. રોજ સવારે એને થોડું પ્રસાદીનું સરબત આપું છું. એનાથી એનું શરીર ઠંડું રહેશે.’ શ્રીમાએ આ વાતો એટલા સ્નેહાર્દ્ર અને કરુણાપૂર્ણ સ્વરમાં કહી કે પેલા સેવક છોકરાનું મન પીગળી ગયું. અને રાજેન પ્રત્યે સ્નેહ અને સહાનુભૂતિ ઊભરી આવ્યાં. એને એ વાતનો ખ્યાલેય ન હતો કે પૂજા પછી શ્રીમા રાજેનને ઓરડામાં બોલાવીને પોતે જ સાકરનું સરબત પીવડાવે છે. બીજા કોઈને પણ આ વાતનો ખ્યાલ હોય એવું લાગતું નથી. પછી એણે જોયું કે શ્રીમા રાજેનને ઓરડામાં બોલાવીને થોડું સરબત પોતાના મોંમાં નાખીને સરબતની કટોરી રાજેનના મોં તરફ લંબાવી દેતાં. તેઓ (રાજેન) પણ તત્કાળ સરબત પીઈને, કટોરી ધોઈને એને યોગ્ય સ્થાને મૂકી દેતા. શ્રીમાનાં સ્નેહ અને મમતાને જોઈને હું મુગ્ધ બની ગયો. શ્રીમા ઓછું સરબત પીએ છે એ એને પસંદ ન હોવા છતાં પણ તેમની સામે કોઈ પ્રતિવાદ પણ ન કરી શક્યો. સેવકના મનમાં કોઈ દ્વન્દ્વ કે દુર્ભાવના ન આવી જાય એટલે જ શ્રીમાએ બધી વાતો સ્વયં તેને કહીને તેનું મન બરાબર શાંત-ધીર બનાવી દીધું. રાજેન મહારાજ જેવા કઠોર વ્રતી હતા અને શ્રીમા પ્રત્યે એમની જેવી અસીમ નિષ્ઠાભક્તિ હતી એ જોઈને એમનું આ રીતે સહજભાવે સરબત પીવા રાજી થવું સંભવ ન હતું. રાજેન મહારાજ બે મહિનાથી પણ વધારે સમય સુધી જયરામવાટીમાં રહીને સ્વસ્થ અને સબળ બનીને ફરી પાછા કોઆલપાડા આશ્રમમાં આવી જઈને કઠોર કર્મમાં લાગી ગયા.

શ્રીમાના દેહત્યાગ પછી એમનાં જન્મસ્થાને મંદિર નિર્માણ કાર્યના સમયે અથક પરિશ્રમ કરીને આરંભેલું કાર્ય સુચારુ રૂપે પૂર્ણ કરવામાં રાજેન મહારાજે વિશેષ યોગદાન આપ્યું હતું. મંદિર નિર્માણ પછી એમને જ ત્યાં પ્રથમ સેવક રૂપે નીમવામાં આવ્યા હતા. અત્યંત શ્રદ્ધા અને ભક્તિથી એક વર્ષથી થોડા વધુ સમય સુધી બધા કાર્ય સારી રીતે સંચાલિત કરતાં કરતાં તેઓ શ્રીમાનાં ચરણકમળમાં ચિરકાળ માટે લીન થઈ ગયા. અત્યંત પરિશ્રમ, મેલેરિયા, ભોજનાદિ બાબતોમાં અત્યંત કઠોરતા જેવાં કારણોને લીધે નાની ઉંમરમાં જ આ નિષ્ઠાવાન કર્મઠ સેવકના દેહત્યાગથી સ્વામી સારદાનંદજી મહારાજને ઘણું દુ:ખ થયું હતું. તેઓ એ સમયે કાશીમાં હતા. વ્યથિત હૃદયે ત્યાંના અધ્યક્ષને કહ્યું: ‘છોકરાઓને ખાવાપીવા અને રહેવાનો યોગ્ય પ્રબંધ કરો. એમની દેખભાળ રાખજો. જુઓ, આવો સારો છોકરો ભોજનની બરાબર વ્યવસ્થા ન થવાને કારણે પરિશ્રમ કરતાં કરતાં નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો.’ દેહત્યાગ સમયે રાજેન મહારાજના અત્યંત ઉચ્ચ ભાવભક્તિને જોઈને ઉપસ્થિત બધા લોકોનાં હૃદય વિસ્મિત અને પુલકિત થઈ ઊઠ્યાં.

જયરામવાટીનું જીવન : સંતાનો માટે શ્રીમાની ઉત્કંઠા

શ્રીમા આ રીતે આવશ્યકતા પ્રમાણે પોતાનાં સંતાનોના ખાવાપીવાનો વિશેષ પ્રબંધ કરતાં તો ખરાં, પરંતુ એમનું આ કાર્ય બીજાની આંખોમાં કણારૂપ ન બને એ તરફ પણ વિશેષ સાવધાની રાખતાં. શ્રીમાને ઘરે ભોજન વ્યવસ્થા એક મધ્યમવર્ગના બંગાળી પરિવારના ભોજન સ્તર જેવી હતી. સવારે મમરા, બપોરે બાફેલા ભાત, અડદની દાળ, એક તીખું શાક અને થોડી ચટણી; ક્યારેક કોઈ લીલાં શાકભાજી, ઉકાળેલી કે સૂકવીને તળેલ શાકભાજી પણ હોય. પહેલાં શ્રીમા સ્વયં ભોજન બનાવતાં અને પીરસતાં પણ ખરાં, પણ હવે એ સંભવ ન હતું. આમ હોવા છતાં પણ તેઓ સામે બેસીને આદીથી અંત સુધી – આસન, પાતળ, પાણી, વગેરે બરાબર સ્વચ્છ, સુઘડ રીતે રખાય છે કે કેમ – એ જોયા કરતાં. પાણીના ગ્લાસમાં પાણી ઓછુંયે ન હોવું જોઈએ અને વધારેય ન હોવું જોઈએ; પાતળ બરાબર આસનની સામે જ વચ્ચે રહેવી જોઈએ. આસન ન હોય તો થોડીક નજીક નજીક રખાતી. બે પાતળ વચ્ચેનું અંતર સમાન રહે અને બહુ દૂર ન રહે એ પણ જોતાં. પીરસવાનું ચાલુ હોય, ‘બેટા, સમય થઈ ગયો, મોડું થઈ ગયું છે, સત્વરે આવી જાઓ, જલદી આવો જમી લો’ ત્યારે આવો મીઠો સાદ સાંભળવા મળતો. છોકરાઓને આવવામાં મોડું થઈ રહ્યું છે, હાથ પર લીધેલું કામ પૂરું કર્યા વિના તેઓ આવી શકતા નથી. શ્રીમા એમની પાતળ પાસે બેઠાં બેઠાં પોતાના સાડલાના છેડાથી માખીઓ ઊડાડે છે. ભોજન શરૂ થયું. શ્રીમાના મુખ પર આનંદની આભા તરવરી ઊઠી. અત્યંત સ્નેહ અને પોતિકાપણાથી શ્રીમા છોકરાઓને ખાવાનું આપે છે તેમજ મીઠા અવાજે પૂછે પણ છે : ‘કેવું બન્યું છે, બેટા?’ કોઈની પાતળમાં ભાત નથી, કોઈનામાં દાળ ઓછી છે, કોને કઈ વસ્તુમાં રુચિ છે, આ બધું જોઈ સાંભળીને આગ્રહપૂર્વક બધાને ભરપેટ ભોજન કરાવી રહ્યાં છે. ‘તમે થોડો ભાત લો’, ‘તમે થોડી દાળ લઈ લો.’ રસોયણ બહેનને ‘આવો માસી, છોકરાની પાતળમાં થોડો ભાત પડ્યો છે, એને બીજું કાંઈક દો’, ‘આ છોકરાને પોસ્તાવાળી (ખસખસવાળી) શાકભાજી બહુ ભાવે છે, જો હોય તો થોડી આપો.’ વળી કોઈને કહે છે : ‘બેટા, આજ તેં કેમ ઓછું ખાધું? જે ભાવે એ માગી લેજે. બોલ શું આપું?’ બધાનો આહાર એક સરખો નથી હોતો. કોઈ ઓછું ખાય છે તો કોઈ વધારે. પરંતુ શ્રીમાનો સ્નેહભાવ તો બધા પર એક સમાન જ રહે છે.

કોઈ નવા આવેલા ભક્ત છોકરાને શ્રીમાનો પ્રસાદ મળે એવી હાર્દિક ઇચ્છા છે. શ્રીમા એ સમજાવી ફોસલાવીને એને પહેલેથી જ જમાડી દીધો અને કહ્યું: ‘હવે બધાની સાથે ભરપેટ ભોજન કરી લે. મને ખાવામાં વાર લાગે છે. હું તારા માટે પ્રસાદ રાખી મૂકીશ, પછીથી લઈ લેજે.’ બપોરે શ્રીમા થોડા દૂધભાત ખાય છે. થોડી થોડી બધી શાકભાજી ખાઈને શ્રીમાના કટોરાના દૂધમાં થોડો ભાત નાખીને એને મસળીને, થોડો પોતે ખાધો અને પછી પેલા પ્રસાદપ્રાર્થીને બોલાવ્યો. એ આવ્યો અને માએ પ્રસન્નમુખે કહ્યું: ‘લે બેટા, પ્રસાદ માગતો’તો ને! બેસીને આરામથી ખા.’ છોકરાના આત્માને સંતોષ થયો. શ્રીમાએ પણ પરમ આનંદ અનુભવ્યો.

રાતના શ્રીમાને ત્યાં ભોજનમાં રોટલી, શાકભાજી, ગોળ અને થોડું દૂધ અપાતું. રોટલી બહુ સારી બને છે. શ્રીમા પોતાના હાથે લોટ બાંધે છે અને એને મસળે છે. સારી એવી વાર લોટને મસળીને નરમ કરી રાખે છે. સંધ્યા સમય પછી શ્રીઠાકુરને ભોગ ધરાય છે. ભોગની સામગ્રીને બરાબર ઢાંકીને પોતાની પાસે લઈને શ્રીમા બેઠાં રહે છે, જેથી એ ઠંડો ન પડી જાય. છોકરાઓ રાત પડશે એટલે જમવા આવશે. સંધ્યા સમયે જપધ્યાન કરશે, શ્રીઠાકુરને આર્જવશે, એમનું સ્મરણમનન કરશે અને વળી થોડી રાત ન થાય તો ભૂખ પણ લાગતી નથી અને છોકરાઓ પેટ ભરીને ખાઈ પણ નથી શકતા. એટલે શ્રીમા એ બધાની રાહ જોઈ રહ્યાં છે. રાધૂ પાસે એક બિલાડી છે. તે છાની માની ખાવાની વસ્તુઓ ખાઈ જાય છે, એટલે શ્રીમાએ પોતાની પાસે એક નાનકડી લાકડી પણ રાખી છે. દીવો તગમગે છે. શ્રીઠાકુરને ધૂપ દઈને, પ્રણામ કરીને, દીવાની વાટને સંકોરીને શ્રીમા પગ લાંબા કરીને દીવાલને અઢેલીને ચૂપચાપ બેઠાં છે. કયા લોકમાં એમનું મન વિચરણ કરી રહ્યું છે એ વાત તો તેઓ જ જાણે છે. બધું નિ:સ્તબ્ધ છે.

ક્યારેક સંધ્યા પછી થોડી જ વારમાં શ્રીમા બહાર ઓસરીમાં જઈને બેસે છે, ભાનુ ફૈબા આવે છે અને પોતાનું માટીનું કોડિયું ઠારીને શ્રીમાનાં ચરણો પાસે બેસીને એ ચરણો પર હાથ ફેરવવા માંડે છે. કોઈક દિવસ વધુ થાકી જવાને કારણે શ્રીમા ઓસરીમાં ચટાઈ પર સૂઈ જાય છે અને કોઈને (પગ પર) હાથ ફેરવવાનું પણ કહે છે. કોઈક વાર ઘૂંટણમાં વાનું દર્દ વધી જાય છે ત્યારે સ્નેહભર્યા સ્વરે કોઈ સંતાનને શ્રીમા કહે છે: ‘બેટા, આજ ઘૂંટણમાં ઘણું દુ:ખે છે. લસણનું તેલ ગરમ કરીને થોડું માલીસ કરી દેને!’ રાતના બધાને થોડું થોડું દૂધ મળે છે, દૂધ થોડું હોય તો શ્રીમા એમાં થોડું પાણી ઊમેરીને બધાને પૂરું પાડી દે છે. ક્યારેક દૂધ એટલું ઓછું હોય કે બધાને આપી ન શકાય ત્યારે માંદા, વૃદ્ધ અને બાળકોને જ દૂધ મળે છે. વળી થોડું વધારે દૂધ હોય તો જેને દૂધ વિશેષ પ્રિય હોય એને ભોજન પછી ઓરડામાં બોલાવીને પીવડાવી દે છે. એમનો પોતાનો રાત્રીનો આહાર અત્યંત અલ્પ પ્રમાણમાં છે: ‘એકાદ બે નાની પૂરી અને દૂધ. તે પણ શરત્‌ મહારાજ, યોગિન મા, ગોલાપ મા તથા બીજા અંતરંગ ભક્તોના આગ્રહથી જ લેતાં. પરંતુ જયરામવાટીમાં એ બધું નિયમિત રીતે મળી ન શકતું. ભક્તોના પ્રયત્નથી ગાય ખરીદવામાં આવી છે, આમ હોવા છતાં પણ ક્યારેક ક્યારેક શ્રીમા માટે દૂધ ઓછું રહે છે, કારણ કે શ્રીમા સૌથી પહેલાં બીજાની આવશ્યકતાની પૂર્તિ માટે આતુર રહે છે.

મકર સંક્રાંતિની ઘટના

શ્રીમાને ઘરે કોઈ દિવસ કોઈ ભક્ત-સંતાન ન આવે તો શ્રીમાને એક અભાવ જેવું લાગતું. તેઓ કોઈની રાહ જોયા કરતાં અને રસ્તા પર જોતાં રહેતાં. આજે ઉત્તરાયણની સંક્રાંતિ છે. એક ભક્ત થોડોક સામાન લઈને સવારે જ શ્રીમાને ત્યાં આવે છે. શ્રીમા ઉદાસ હતાં એને જોઈને એમનું મન પ્રફુલ્લિત બની ગયું. અત્યંત સ્નેહપૂર્વક એની ભેટ સ્વીકારીને શ્રીમાએ કહ્યું: ‘આજે એવું પર્વ છે, બેટા! સંક્રાંતિનો પકવાન બન્યો છે પણ એકેય છોકરો પાસે ન હતો. મનમાં તો કેવું કેવું થઈ રહ્યું હતું, ઘરમાંથી અંદરબહાર આવજા કર્યા કરતી હતી અને રસ્તા તરફ જોઈ તાકીને જોતી હતી. બહુ સારું થયું, બેટા! તું આવી ગયો.’ જોતજોતામાં એક બીજો છોકરો પણ આવી ગયો. શ્રીમાના આનંદનો પાર ન રહ્યો. એમણે શ્રીઠાકુરની પૂજા કરી. આજનું પર્વ પણ એવું! છોકરાઓ ફૂલ લઈને આવ્યા છે. એમણે અત્યંત પ્રસન્ન થઈને શ્રીઠાકુરને ઘણાં પુષ્પો ચડાવ્યાં. શ્રીમા સંતાનોના મનની વાતને બરાબર જાણે છે, એમને માટે પણ થોડાં ફૂલ બાકી રાખ્યાં છે. આજના પવિત્ર અવસરે એ લોકો પણ ગુરુનાં પાદપદ્મોમાં પુષ્પાંજલિ અર્પશે. છોકરાઓના મનમાં ભગવાન પ્રત્યે ભક્તિનિષ્ઠા જાગે, એ બધાનું પરમ કલ્યાણ થાય એ માટે શ્રીમા સદૈવ ઉત્કંઠિત રહે છે. પૂજા કરીને શ્રીમા પશ્ચિમ બાજુએ મોં રાખીને ખાટલે બેઠાં. એમનું મુખ પ્રસન્ન છે, સ્નેહરસમાં તરબોળ છે, કરુણાથી સ્નિગ્ધ અને જ્ઞાનની ઉજ્જ્વલ આભાથી પ્રદીપ્ત છે. એવું લાગે છે કે બાલ રવિનાં કિરણોના સ્પર્શથી હમણાં જ ખીલેલા કમળની શોભાને પણ એ આભા મ્લાન કરી રહી છે! કમળની શોભા હૃદયને આનંદિત તો અવશ્ય કરે છે પરંતુ શ્રીમાનાં એ કરુણાસિક્ત મુખકમળનાં દર્શન માત્રથી જ કઠોરતમ હૃદય પણ તત્કાળ પીગળી જાય છે અને શીતળ શાંત બની જાય છે. અને અંત:કરણ આનંદથી ભરપૂર ભરાઈ જાય છે. મન સમજી લે છે કે આટલા દિવસોથી જેને શોધતો હતો, શોધી શોધીને હેરાન પરેશાન હતો એને માટે વિલાપ કરતો હતો આજે એ જ મનોવાંછિત નિધિ મળી ગઈ છે. સ્વર્ણકંગનોથી શોભિત, વર અભય દેનારાં બંને હાથ ખોળામાં રાખીને શ્રીમા પગ લટકાવીને બેઠાં છે. પાતળી લાલ કિનારવાળી ધોળી દૂધ જેવી સાડી પહેરી છે. એમના લાંબા, ખુલ્લા, કાજળ જેવા શ્યામ કેશ દૂધ જેવા ધવલ વસ્ત્ર સાથે મળીને અપૂર્વ શોભાનું નિર્માણ કરી રહ્યા છે. શ્રીમા થોડો ઘૂંઘટ કાઢીને બેઠાં છે. અમૃતવર્ષા કરતી વાણીમાં છોકરાઓને ઉદ્દેશીને કહી રહ્યાં છે: ‘બેટા, તમારા માટે ફૂલ રાખ્યાં છે. જલદી અંજલિ આપી આવો, વેળા થઈ ગઈ છે. તમને બધાને જલપાન કરાવવાનું છે.’ છોકરાઓ પણ અધીર બનીને એ શુભઘડીની રાહ જોઈ રહ્યા હતા. એટલે જ તો સવારમાં વહેલા ઊઠીને આટલું દૂર ચાલીને આવ્યા છે. શ્રીમાના દરવાજાની સામે બેસીને એમની અપૂર્વ પૂજાનું આયોજન, એ પૂજામાં કોઈ આડંબર નથી, છે માત્ર પ્રાણોનું આકર્ષણ અને અંતરની ભક્તિ. આ બધું તેઓ મનહૃદય ભરીને જોઈ રહ્યા છે અને મુગ્ધ થઈ રહ્યા છે. નાના આસન પર શ્રીમાએ શ્રીઠાકુરનું ચિત્ર અને બાલગોપાલની મૂર્તિ સ્થાપિત કરી છે. શ્રદ્ધાભક્તિપૂર્વક શ્રીમાએ ગુરુ-ઈષ્ટ રૂપે સાક્ષાત્‌ શ્રીઠાકુરની પૂજા કરી. તેની સાથે વાત્સલ્ય રસથી તરબોળ બનીને બાલગોપાલને સ્નાન કરાવ્યું, એને સાજશણગાર કર્યાં અને નૈવેદ્ય પણ ધર્યું. આ પૂજામાં શ્રીમાનાં મનનું અદ્‌ભુત ભાવાંતરણ દેખાતું હતું. અને જ્યારે પૂજાને અંતે તેઓ ખોળામાં હાથ રાખીને સ્થિરભાવે ધ્યાનસ્થ બન્યાં ત્યારે એ ‘સૌમ્યાત્‌ સૌમ્યતરા’ સૌમ્યથી પણ વધુ સૌમ્ય મૂર્તિને જોઈને ‘તેઓ માનવી છે?’ એમ કોણ કહી શકે? સંતાનોનાં હૃદય આજે વિશેષ રૂપે પ્રફુલ્લિત છે. શ્રીમાનાં શ્રીચરણમાં પુષ્પાંજલિ અર્પીને તેમના સ્નેહ અને આશીર્વાદ મેળવીને તેઓ આનંદથી ભર્યા ભર્યા બન્યા છે. અને વળી શ્રીમાએ તો સંતાનોની ઇચ્છા પ્રમાણે ફૂલ પણ રાખી મૂક્યાં છે. 

(ક્રમશ:)

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.