૧૯૮૬ના શ્રીરામકૃષ્ણ સંઘના શતાબ્દિ મહોત્સવ વર્ષમાં ૨૩મી ડિસેમ્બર શ્રીમા શારદાદેવીના જન્મતિથિના ઉત્સવનિમિત્તે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન, કાકુડગાચ્છી (કોલકાતા)માં યોજાયેલ સાર્વજનિક સભામાં અધ્યક્ષ સ્થાનેથી બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે આપેલ વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીમાની વાતો કહેવામાં અને સાંભળવામાં ઘણો આનંદ આવે છે. વિશેષ કરીને જ્યારે આપણા અંત:કરણના ભાવને કોઈ શબ્દો દ્વારા વ્યક્ત કરે છે ત્યારે તે સાંભળીને આપણું મન તેમાં ઘણું તલ્લીન બની જાય છે. સાથે ને સાથે એવું લાગે છે કે આ તો મનની જ વાત છે. આપણે જેના વિશે વિચારીએ છીએ અને કંઈક કહેવા ઇચ્છીએ છીએ તે જાણે કે શબ્દોના માધ્યમથી અભિવ્યક્ત થાય છે. શ્રીમાની વાતો એટલી સારી લાગે છે કે જેમને શ્રીમાનું આસ્વાદન કરવાની થોડીઘણી ઇચ્છા થઈ છે તેમને એની ભીતરથી અભૂતપૂર્વ રસ મળે છે. હું ઓછામાં ઓછું મારા વિશે તો કહી શકું કે મને તો આવો રસ મળ્યો છે. કોણે કઈ ભાષામાં કહ્યું, કઈ ઘટના વિશે કહ્યું, એ કોઈ મહત્ત્વની વાત નથી. એવું નથી લાગતું કે શ્રીમાને વિશે કોઈ નવી વાત કહી શકે, આવી વાત કરનાર કેટલીક વ્યક્તિ અત્યારે આપણી વચ્ચે છે. બે-એક જણા છે, જેમણે શ્રીમાનાં સ્થૂળ શરીરે, જીવંત દેહે દર્શન કર્યાં હતાં. એમની વાતો પણ મોટેભાગે લિપિબદ્ધ થઈ ચૂકી છે કે પુસ્તકોમાં પ્રકાશિત થઈ છે. જુની વાતોને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે એને ફરીથી નવી કરીને આસ્વાદન કરવાની આપણને ઇચ્છા થાય છે. ભાગવતમાં કહેવામાં આવ્યું છે : ‘મારો ભક્ત મારી કથા સાંભળવામાં પણ પ્રીતિ રાખે છે અને કહેવામાં પણ. કારણ કે કહેવું અને સાંભળવું બંને એક જ રસના પરિચાયક છે. જ્યારે કોઈ આપણા મનની જ વાત કહે છે ત્યારે એની પ્રત્યેક વાત આપણા અંત:કરણમાં પડઘાવા લાગે છે. અત: આટલું જે આપણે સાંભળી ચૂક્યા છીએ એ શું આપણા અંત:કરણની વાતો નથી? જો ન હોય તો એને સાંભળવામાં પણ કોઈ સાર્થકતા નથી. આ બધી વાતો પુસ્તકોના રૂપે પ્રકાશિત થઈ ચૂકી છે, શું એટલે એ પુરાણી થઈ ગઈ? એવી વાત નથી. જેમ શ્રીમા ક્યારેય પુરાણાં નથી થતાં એમ શ્રીમાની વાતો પણ પુરાણી નથી થતી. જ્યારે શ્રીમાનાં દર્શન થાય છે ત્યારે આનંદનો અનુભવ થાય છે. જ્યારે પણ આપણે એમની વાતો સાંભળીએ ત્યારે આનંદનો અનુભવ થાય છે. આ આનંદનું આપણે આસ્વાદન કરીશું અને એને જીવનનું સમ્યક્‌ બળ બનાવીશું.

અંતકાળે શ્રીમા આપણને ક્યાં લઈ જશે એ તો દૂરની વાત છે. અત્યારે તો આપણા હૃદયમાં બેસીને આપણાં અંત:કરણને પ્રકાશિત કરી રહ્યાં છે. આપણે એ રસનું આસ્વાદન કરી રહ્યા છીએ અથવા તો કરી શકીએ છીએ. એટલે તો તેઓ સ્થૂળ શરીર ધારણ કરીને દિવ્યલીલા કરી ગયાં છે. કેટકેટલી લીલાઓ છે એમની! શ્રીરામકૃષ્ણ ભાવ-આંદોલનમાં એમનું કયું પ્રદાન છે? એનો ઉત્તર આવો હશે: જે કંઈ પણ શ્રીઠાકુરનું પ્રદાન છે, એ બધું શ્રીમાનું પણ પ્રદાન છે. આપણે કહીએ છીએ કે શ્રીમા અને શ્રીઠાકુર ભિન્ન નથી. આ કેવળ એક સૈદ્ધાંતિક વાત નથી. આ વાત હંમેશાં યાદ રાખવા તેમજ આ તત્ત્વનું આસ્વાદન કરવા માટે છે. શ્રીમા કહેવાથી શ્રીઠાકુર, શ્રીઠાકુર એમ કહેવાથી શ્રીમાનો બોધ થાય છે. શ્રીઠાકુર જ્યારે આવ્યા, જ્યારે હતા ત્યારે તેઓ એટલા ગહન તથા વિશાળ-વિરાટ હતા કે એમની ધારણા કરવી આપણા માટે સાધ્ય-શક્ય ન હતી. શ્રીઠાકુર ક્ષણેક્ષણે સમાધિમગ્ન થતા, કોણ જાણે કેટલી ઉચ્ચ ભૂમિકાએ રહીને તેઓ બોલતા, આ બધું આપણી કલ્પનાની બહારનું છે. એમને જોઈને આપણે ભલે મોહિત થઈ જઈએ પણ એમની પાસે ન જઈ શકીએ, એનું કારણ એ છે કે એમની અને આપણી વચ્ચે એટલું અંતર છે, વ્યવધાન એટલું વધારે છે કે જેમ ગીતા (૧૧.૧૨)માં કહેવાયું છે તેમ –

દિવિ સૂર્યસહસ્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા ।
યદિ ભા: સદૃશી સા સ્યાદ્વાસસ્તસ્યમહાત્મન: ॥

હજારો સૂર્ય એક સાથે ઊગે તો એનો જેટલો પ્રકાશ થાય તેની આ પ્રભાની સાથે, આ જ્યોતિની સાથે તુલના કરી શકાય કે કેમ? ન કરી શકાય. બરાબર એ જ રીતે શ્રીઠાકુર એટલા પ્રભાવિશિષ્ટ હતા કે એમને જોઈને આપણે સ્તંભિત થઈ જઈએ છીએ. સૂર્ય કિરણ આપે છે, એનાથી આપણને પ્રકાશ મળે છે, પરંતુ આંખો સીધી કરીને આપણે એમના તરફ જોઈ શકતા નથી. એટલે આપણા માટે આવશ્યકતા એ છે કે એની સાથે એક ચંદ્રનાં કિરણો આંખોને સ્નિગ્ધ કરે છે અને આપણાં અંત:કરણને શીતલ કરે છે. આ ચંદ્રની શોભાની ધારણા આપણે ઘણી સહજતાથી કરી શકીએ છીએ. કવિઓએ જ્યારે સૌંદર્યની ઉપમા આપી છે ત્યારે ચંદ્રની જ આપી છે નહિ કે સૂર્યની. અને આ વાતને આપણે જાણીએ છીએ, વૈજ્ઞાનિક સિદ્ધાંત દ્વારા પણ જાણીએ છીએ કે આ ચાંદની પણ વસ્તુત: સૂર્યનાં જ કિરણો છે. ચંદ્રને પોતાનાં કોઈ કિરણો નથી. ચંદ્ર એક એવું માધ્યમ છે કે જેના પરથી પસાર થઈને સૂર્યનાં કિરણો આવે છે અને એ આપણને સ્નિગ્ધ, પ્રફુલ્લ અને શાંત કરે છે; કારણ કે ઠીક ઠીક સીમા સુધી આપણે એની ધારણા કરી શકીએ છીએ. મારા ખ્યાલ પ્રમાણે એ કહેવું ઉચિત નહિ ગણાય કે શ્રીમા આપણી પાસે ચંદ્રની જેમ બનીને આપણા સૌના અંત:કરણને પ્રફુલ્લિત, સ્નિગ્ધ, શાંત કરવા માટે આવ્યાં હતાં. આજે શ્રીમાના સ્નેહની વારંવાર તુલના કરું છું એનો અર્થ એ નથી કે શ્રીઠાકુરનો સ્નેહ શ્રીમાના સ્નેહ કરતાં કંઈ ઓછો હતો. આવી વાત છે જ નહિ. પરંતુ શ્રીઠાકુરના સ્નેહનો જે અનુભવ કરી શક્યા, એવા અધિકારી ઘણા વિરલ છે. શ્રીઠાકુરની લીલાના સમયે પણ જે લોકો એમના સંપર્કમાં આવ્યાં, એમાં પણ કેટલા લોકો શ્રીઠાકુરને સાવ પોતાના સમજીને ગણીને સ્વીકારી શક્યા હતા? થોડાઘણા મૂઠીભર લોકો જ! આજે આપણે શ્રીઠાકુર વિશેના ગ્રંથોમાં અનેક પ્રકારે શોધના કરીએ છીએ એ જાણે કે સૂર્યના એક લઘુકિરણને લઈને, એના નાના નાના વિભાગ કરીને, તેનું વિશ્લેષણ કરવા જેવું છે. જેમ સંધ્યાસમયના સૂર્યને સીધી આંખ ઊંચી કરીને જોઈ શકાતો નથી. તેવી જ રીતે શ્રીરામકૃષ્ણરૂપી સૂર્યની ધારણા કરી શકનારા થોડા વિરલા છે. શ્રીઠાકુરે પોતે જ કહ્યું છે: ‘અવતાર જ્યારે આવે છે ત્યારે કેટલા લોકો એમની ધારણા કરી શકે છે? શ્રીરામચંદ્ર આવ્યા હતા ત્યારે માત્ર ૧૨ ઋષિઓએ જ એમને અવતાર રૂપે સ્વીકાર્યા હતા. બાકીના બીજા તો એમ જ સમજતા હતા કે તેઓ દશરથના પુત્ર છે. એમનું જે ઐશ્વર્ય, દેવત્વ, ઈશ્વરત્વ છે તે મનુષ્યની બુદ્ધિ માટે અગોચર છે. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતા (૯.૧૧)માં આવો આક્ષેપ કરતાં કહ્યું છે: 

અવજાનન્તિ માં મૂઢા માનષીં તનુમાશ્રિતમ્‌ ।
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્‌ ॥

‘મોહગ્રસ્ત લોકો મને નરદેહધારી જોઈને મારી અવગણના કરે છે. મારા સ્વરૂપને તેઓ જાણતા નથી.’ આવી રીતે અવતાર જ્યારે આવે છે ત્યારે એમના સ્વરૂપને જાણી શકે એવા લોકો કેટલા હોય છે? જાણવાનો પ્રયત્ન કરે એવા સાહસિક લોકો પણ કેટલા હોય છે? આ વખતે સ્થૂળદેહે શ્રીઠાકુર દિવ્યલીલા કરી રહ્યા હતા ત્યારે કેટલા લોકો ત્યાં પ્રવેશ પામી શક્યા હતા? જે લોકો ત્યાં કાલીવાડીમાં રહેતા હતા તથા આડોશપાડોશના લોકો હતા એમણે નિત્ય શ્રીઠાકુરને જોયા, પરંતુ તેઓ એમનાથી દૂર જ રહ્યા. ક્યારેક અવજ્ઞા કરી તો વળી ક્યારેક ચીલો ચાતરીને ચાલ્યા ગયા. ક્યારેય એમને વિશે ગંભીરતાથી ન વિચાર્યું. કારણ કે તેઓ તો અન્ય લોકના અને અન્ય ભાષાના માનવ હતા એટલે એમની નજીક બધા લોકો પહોંચી ન શક્યા. હવે જો આપણે શ્રીમા તરફ નજર નાખીએ તો આપણને શું જણાય છે? બધા સ્તરના, બધા પ્રકારના લોકો પછી એ ગૃહસ્થ હોય કે સંન્યાસી, એ બધા શ્રીમાને પોતાના ગણીને સ્વીકાર કરવા માટે આતુર છે. શ્રીમાને ‘મા’ કહીને સંબોધવામાં પણ કેટલો આનંદ છે. પછી ભલે કોઈ દુશ્ચરિત્ર હોય, દારૂડિયો હોય, વિષયી હોય, એ ભલેને ગમે તેવો કેમ ન હોય; પણ બધાને શ્રીમાની આવશ્યકતા છે. મા વિના કોણ રહી શકે? જેમ મા વિના બાળક ન રહી શકે તેવી રીતે આપણે પણ શ્રીમા વિના રહી ન શકીએ. શ્રીમા પાસે આપણી હઠ પણ ચાલે. આપણા અસહ્ય આચારો પણ મા સહન કરે છે. પરંતુ શું શ્રીઠાકુર આ સહન કરી શકત? શ્રીમાના જેવી સહનશક્તિ શું ઠાકુરમાં હતી? એમને માટે હતા નરેન્દ્ર, રામચંદ્ર, ગિરિશ અને બીજા મોટા મોટા ત્યાગી સંતાનો! પણ હતા આંગળીને વેઢે ગણાય એટલા! શ્રીઠાકુર જેટલા લોકોને અપનાવતા તેમનો તેઓ પોતે હિસાબ રાખે. ત્રુટિ જોવા મળે કે તરત કહેતા: જોઉં છું એમનામાં ત્રુટિ છે. આવી ખામી જોવામાં એમના દિવસો ગયા. અને શ્રીમા? શ્રીમાના સ્નેહની પરિધિથી બહાર કોઈ ક્યારેય દેખાતું ન હતું. તેઓ વિશ્વ જનની છે. જ્યારે સ્વદેશી આંદોલન ચાલતું હતું, અંગ્રેજોની સામે નતમસ્તક બનીને પરાધીનતામાં આપણે અસહ્ય યાતનાઓ ભોગવતા હતા એ સમયે બધા લોકો અંગ્રેજોને શત્રુની નજરથી જ જોતા અને એમનાથી સંત્રસ્ત રહેતા. ત્યારે શ્રીમા કહેતાં: ‘તેઓ પણ મારાં જ સંતાન છે.’ દુષ્ટ હોય કે શિષ્ટ હોય; અમજદ હોય કે શરત્‌ હોય, વેશ્યા હોય કે નિષ્ઠાવાન બ્રાહ્મણ હોય; એમના સ્નેહની પરિધિથી બહાર કોઈ નથી. ગમે તે એમની કરુણાથી કે એમના સ્નેહથી વંચિત ન રહે. તેઓ ગુણદોષનો વિચાર ન કરતા. શ્રીઠાકુર ફૂંકી ફૂંકીને ડગલું ભરતા, નિરીક્ષણ-પરીક્ષણ કરીને સ્વીકારતા અને જે પસંદ ન આવતું એને થોડું દૂર રાખીને જ ચાલતા. અહીં શ્રીમાનું વાત્સલ્ય એ હતું કે જે પોતાના બંને હાથ ફેલાવીને બધાને પોતાના ખોળામાં બેસાડવાનું તેઓ ઇચ્છતાં. આ બધું શ્રીઠાકુર માટે સાધ્ય ન હતું અને એટલે જ શ્રીમાની આવશ્યકતા હતી. શ્રીમા ન હોત તો આ મહાન વિસ્તાર કેમ થાત? શ્રીમાએ બધાને કેવી રીતે આકર્ષ્યા! એમાં ભલાબુરાનો જરાય વિચાર નથી કર્યો. શ્રીઠાકુરના જ સંતાનોમાંથી ઘણાએ આ વાત કરી છે: શ્રીઠાકુર નિરીક્ષણ-પરીક્ષણ કરીને લેતા, પરંતુ શ્રીમા? શ્રીમાએ કોઈનેય ત્યજ્યા નથી, કોઈ માનવ એમના સ્નેહથી વંચિત ન રહેતો. શ્રીમાનો સ્નેહ સર્વગ્રાહી છે. શ્રીઠાકુરને બ્રહ્મદર્શન થાય છે, તેઓ સર્વત્ર એક પરમાત્મા, એક તત્ત્વને જ જુએ છે; પણ શું તેઓ શ્રીમાની જેમ ગુણદોષનો વિચાર કર્યા વગર બધાને અપનાવી શકતા? આ રીતનો અહેતુક સ્નેહ શું બીજે ક્યાંય જોવા મળે છે? આ જગતમાં શ્રીમાના સ્નેહની કોઈ ઉપમા નથી. શ્રીમાની તુલના ન થઈ શકે. પરંતુ જાગતિક દૃષ્ટિએ જોઈએ તો ગર્ભધારિણી માનો સમસ્ત સ્નેહ કેવળ પોતાના સંતાન પર એવી રીતે કેન્દ્રિત બની જાય છે કે એકને માટે તે મા છે તો બીજાને માટે રાક્ષસી પણ. પરંતુ જે સારાં-નરસાં, શત્રુ-મિત્ર બધાંને પોતાનાં સંતાન રૂપે સ્વીકારી શકે, શું એવી માની કલ્પના કરી શકાય? શું આવું કોઈ ઉદાહરણ છે આ વિશ્વભરમાં? મોટા મોટા ધર્મજ્ઞ, વક્તા, અવતાર, ઋષિમુનિમાં પણ સારાંનરસાંની પૃથકતાનું જ્ઞાન હોય છે. તત્ત્વજ્ઞાનીની દૃષ્ટિએ એમણે સર્વત્ર બ્રહ્મદર્શન કર્યું છે. પરંતુ એ જ બ્રહ્મ જ્યારે ધૂળકાદવ અને મળમૂત્રથી ખરડાયેલું સામે આવે છે ત્યારે એવા કેટલા લોકો છે કે એમને પોતાના ખોળામાં લઈ શકે? આ વાત વિચારવા જેવી છે. જેને આપણે બ્રહ્મદૃષ્ટિ કહીએ છીએ એ કેવળ તત્ત્વની વાત છે. શ્રીઠાકુર કહે છે : ‘હું આંખો બંધ કરીને જેને જોઉં છું, આંખો ખોલીને પણ તેને જ જોઉં છું.’ એ સાચી વાત છે. પરંતુ વ્યાવહારિક જગતમાં આ રીતે બધાને સમાનભાવે અપનાવી લેવા, એ બધા ઉપર કોઈ પણ જાતના પક્ષપાત વિના સ્નેહ વરસાવવો એ શ્રીમા સિવાય બીજું કોણ કરી શકે? શ્રીમા સિવાય શું કોઈ આવું બીજું ઉદાહરણ છે? ગર્ભધારિણી મા પણ પોતાનું સુખ ન જોઈને માત્ર સંતાનનું સુખ જુએ છે પણ તે કેવળ પોતાનાં જ સંતાનનું. જે સંતાનને તે જન્મ આપે છે, એમની સાથે એ જેટલો પ્રેમ રાખે છે એટલો જ પ્રેમ શું તે બીજાના સંતાનને કરે છે ખરી? તે એક મા તો છે, પણ કેવળ પોતાનાં સંતાનની, જેને જન્મ આપ્યો છે એની, બધાની નહિ. તે બધા પર સમાનભાવે સ્નેહ વરસાવી શકતી નથી. પરંતુ એવી મા, જેમને મન આખું વિશ્વ સંતાનરૂપ હોય, એમની સ્નેહધારાની કલ્પના શું આપણે કરી શકીએ ખરા? આવી મા ન હોત તો અમારા જેવા સામાન્ય લોકો માટે આ જગતમાં પગ રાખવા જગ્યા ન મળત. અમે લોકો શ્રીમાની કૃપાથી સંઘમાં આવ્યા છીએ અને અમે અમારું જીવન સમર્પિત કર્યું છે. આમ તો અમે લોકો અમારા પોતાના વિશે વિચાર ન કરતા. છતાં પણ શ્રીમાનું એક વિશેષ આકર્ષણ છે એટલું તો અમે બહુ સારી રીતે સમજી શકીએ છીએ. આકર્ષણ તો શ્રીઠાકુરનું પણ છે પરંતુ જેટલી સહજતાથી અમે શ્રીમાના આકર્ષણનું રસાસ્વાન કરી શકીએ છીએ એટલી સહજતાથી અમે શ્રીઠાકુરના આકર્ષણનું આસ્વાદન કરી શકતા નથી. હું આસ્વાદનની વાત કરું છું, તત્ત્વની નહિ. શ્રીરામકૃષ્ણતત્ત્વ અને શ્રીમા શારદાતત્ત્વ અભિન્ન છે. એ બાબતમાં કોઈ સંદેહ નથી. પરંતુ જ્યારે અમે અમારા માટે ચાહીએ છીએ, અમારા અંત:કરણની આવશ્યકતાને તૃપ્ત કરવા ચાહીએ છીએ તો કેને ચાહીશું? ત્યારે શું સહજભાવે શ્રીમાને નહિ ચાહીએ? શ્રીઠાકુરે કહ્યું છે : ‘મને ‘મા’ જોઈએ છે, મા ન હોવાથી કંઈ ચાલવાનું કે થવાનું નથી.’ શ્રીઠાકુરની જે મા છે એ જ તો અમારી પણ મા છે. તેઓ ન હોત તો એ સર્વગ્રાહી પ્રેમ ક્યાંથી મળત? તેઓ જ છે બધાને સર્વત્ર સમાનદૃષ્ટિએ જુએ છે એવાં તેઓ જ તો છે. પહેલાં જ કહ્યું હતું કે આપણે જેમના પ્રત્યે શત્રુબુદ્ધિ રાખીએ છીએ, એને આપણે ખોટું આચરણ સમજીએ છીએ. સામાજિક દૃષ્ટિએ શ્રીમાના સર્વગ્રાહી સ્નેહનું ‘શ્રીરામકૃષ્ણ ભાવ આંદોલન’માં જે એક વિશેષ સ્થાન છે એની બીજા કોઈ સાથે તુલના ન થઈ શકે. એનું સ્થાન શ્રેષ્ઠ છે. તેઓ ન હોત તો શ્રીરામકૃષ્ણતત્ત્વ પર સંભવત: એક વેદાંતગ્રંથ લખી શકાત. પરંતુ એવી રીતે એમનું આસ્વાદન ન કરી શકાત. જો શ્રીમા ન આવ્યાં હોત તો આપણે શ્રીરામકૃષ્ણના ભાવનું આસ્વાદન જે રીતે આજે કરી રહ્યા છીએ તે રીતે ન કરી શકત. શ્રીરામકૃષ્ણના ભાવનું આસ્વાદન કેટલા લોકો કરી શકે છે, કેટલા લોકો પાસે એટલી આધ્યાત્મિક સંપત્તિ છે, કેટલા લોકોનું એટલું સદ્‌ભાગ્ય છે કે જેમના દ્વારા તેઓ શ્રીરામકૃષ્ણનું આસ્વાન કરે? પરંતુ શ્રીમા તો બધાને માટે સહજલભ્ય છે. એટલું સહજ લાગે છે કે જાણે એમની સાથે આપણો નિત્યનો પરિચય હોય. જે કોઈ એમની પાસે જતા એમને પરાયાપણું ન લાગતું. જ્યારે શ્રીમા પાસે જતા તો બરાબર શ્રીમાને જ પામતા, પોતાની માને પામતા. શ્રીમાના સ્વરૂપને તો અમે કદાચ નહોતા જાણતા, કદાચ શા માટે ખરેખર નહોતા જાણતા. કારણ કે જાણવા માટે મનની શુદ્ધતા જોઈએ. પરંતુ ત્યાં તો એની આવશ્યકતા નથી, શ્રીમાને ન જાણીને પણ આપણે શ્રીમાનું ભરપૂર આસ્વાદન કરીએ છીએ, એમાં ક્યાંય ઊણપ-ખામી રહેતાં નથી. પંડિતો જેવી રીતે જાણે છે, જ્ઞાનીઓ જે પ્રકારે જાણે છે, તે પ્રકારે આપણે ન જાણી શકીએ; પરંતુ કયું સંતાન પોતાની માને નથી જાણતું-ઓળખતું. આ માતૃભાવે જ શ્રીરામકૃષ્ણને આપણા માટે અતિદૂર પેલા સૂર્યલોકમાંથી આપણા હાથની પાસે લાવી દીધા છે. સ્નિગ્ધભાવ, શાંતિ કરુણા, આપણા દોષ પ્રત્યેની ઉપેક્ષાદૃષ્ટિ, સદૈવ સ્નેહનું આકર્ષણ, આ બધું શ્રીમા પાસે ન હોત તો શું થઈ શકત? આ બધું શ્રીમાનું જ પ્રદાન છે. શ્રીરામકૃષ્ણની ભીતર પણ જેમણે દેવીતત્ત્વનું આસ્વાદન કર્યું છે, શ્રીરામકૃષ્ણ એમનાં મા છે. પરંતુ શ્રીરામકૃષ્ણની ભીતર માતૃભાવનું આસ્વાદન કરનારી અધિકારી વ્યક્તિ કેટલી? વિરલ જ હશે. પરંતુ શ્રીમાને તો બધા પામી શકે છે. આપણી થોડીઘણી દૃષ્ટિ પણ શ્રીમા પ્રત્યે જાય તો શ્રીમાની એ સ્નેહમયી દૃષ્ટિ આપણને અમોઘ રૂપે આકર્ષિત કરે છે. શ્રીમાનાં છાયાચિત્રમાં (જેની આપણે લોકો પૂજા કરીએ છીએ) જે શ્રીમાની દૃષ્ટિ છે એ દૃષ્ટિમાં જાણે કે અપાર કરુણા છે અને અજસ્ર સ્નેહ વરસી રહ્યો છે. એમની એ કરુણાદૃષ્ટિ અને એ સ્નેહ આપણા પ્રત્યે છે. આ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપણે એમના પ્રત્યે જોવું જોઈએ અને એમના વિશે વિચારવું જોઈએ. શ્રીમાના જીવનચરિત્ર વિશે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે એમના જીવનની કેટલીક નાની મોટી ઘટનાઓ દ્વારા એ કરીએ છીએ. પરંતુ એમનું આસ્વાદન તો સમગ્ર વસ્તુસામગ્રીથી થઈ શકે છે. શ્રીમાનું એક સમગ્ર રૂપ પણ છે. વિશ્લેષણ કરીને હવે આ સામગ્રિક રૂપ દ્વારા જોવાથી આપણે શ્રીમાને પૂર્ણ રીતે જાણી શકીશું કે ઓળખી શકીશું. ગર્ભધારિણી માને આપણે જ્યારે ચાહીએ છીએ ત્યારે શું આપણે એનું વિશ્લેષણ કરીને ચાહીએ છીએ? મોટે ભાગે આવું નથી થતું. એનું એક સામગ્રિક રૂપ છે એ જ સાધારણ રીતે સંતાનને આકર્ષે છે. એવી જ રીતે શ્રીમાનું એક સામગ્રિક રૂપ છે જેનું આપણે આસ્વાદન કરીએ છીએ. 

શ્રીમાને આપણે એટલી હદે પોતાના માનીએ છીએ કે સાર્વજનિક રૂપે એમનો પ્રચાર પણ કરવા ન ઇચ્છતા. આ એક દૃઢ સંકલ્પ હતો અમારા મનમાં. વરિષ્ઠ સંન્યાસીઓએ પણ એવું જ વિચાર્યું હતું કે શ્રીમાની પ્રતિમા બજારમાં નહિ મળે. એમને વિશે વ્યાપક રૂપે ક્યાંય બહાર નહિ બોલીએ, કારણ કે તે અમારાં અને અમારાં જ મા છે. ઘરના એક ખૂણામાં પોતાના અવગુંઠનની ભીતર લજ્જાપટાવૃતા બનીને, પોતાની જાતને સામાન્ય જેવાં બનાવીને શ્રીમા રહેતાં હતાં. કોને માટે? આપણા માટે. આ બધું પણ એટલા માટે કે જો તેઓ પોતાની પ્રતિભા દેખાડી દે તો આપણે ભયભીત થઈ જાત અને એમને આપણા પોતાના કહીને અપનાવી ન શકત. આ અવગૂંઠનની ભીતર રહેલા પ્રબળ આકર્ષણથી આપણે મુગ્ધ થઈ જઈએ છીએ તો પછી તેની આગળની તો કલ્પના જ શી કરવી! આ જ છે શ્રીમાની આકર્ષણશક્તિ! સૌ કોઈને આકર્ષે છે. શ્રીરામકૃષ્ણને આ શક્તિની જરૂર હતી. શ્રીમા ન હોત તો તેઓ આ બધું ન કરી શકત. તેઓ આપણને બધાંને એકઠાં ન કરી શકત અને આ કારણે આ સંઘ શ્રીમાની જ સૃષ્ટિ છે. આ વાતનો એમના બધા સંન્યાસી સંતાનોએ નિર્વિવાદ રૂપે સ્વીકાર કર્યો છે. તેઓ સંઘજનની છે, મહાશક્તિ છે.  

ધર્મજગતના એક એક દિક્‌પાલ જેવા પોતાના ગુરુભાઈઓને સ્વયં સ્વામીજીએ સંબોધન કરતાં કહ્યું છે : ‘ભાઈઓ તમે નારાજ ન થશો, તમારામાંથી કોઈ શ્રીમાને ઓળખ્યા નથી. શ્રીમા જે મહાશક્તિનું સ્થાન છે તેને તમારામાંથી કોઈ નથી જાણતું.’ જેમ સ્વામીજી શ્રીઠાકુરને બીજાના કરતાં વધારે સારી રીતે સમજ્યા હતા તેવી જ રીતે શ્રીમાને પણ તેઓ ઘણી સારી સમજ્યા હતા. એમના ગુરુભાઈઓ પણ સ્વીકાર કરે છે કે તે લોકો પણ સ્વામીજીની જેમ એમને સમજી શક્યા ન હતા. શ્રીમાનો સ્નેહ તો પામ્યા હતા પણ શ્રીમાના તત્ત્વને ઓળખવું-જાણવું એ એમના માટે સંભવ ન બની શક્યું. પછી ધીમે ધીમે એમની દૃષ્ટિ એ દિશામાં ગઈ. શ્રીમાની મહાસમાધિ પછી એ વાત એમને સમજાઈ. જે વિમોહિની શક્તિ અમને વિમુગ્ધ કરતી રહેતી એનો અભાવ થયો ત્યારે અમારી સમજમાં આવ્યું, અરે બાપરે! આપણાં મા કેવાં હતાં! એમને તો આપણે આટલા દિવસ સુધી ઓળખી ન શક્યા! અને ત્યારે શ્રીમાએ પોતાને ધીમે ધીમે પ્રકાશિત કર્યાં અને હજી સુધી પણ કરી રહ્યાં છે.  આ વાત મેં એકવાર એક સભામાં કહી હતી કે શ્રીમાને અમે છુપાવી રાખવા ઇચ્છતા હતા; એમને કેવળ પોતાનાં મા સમજીને અમે સંભવત: સ્વાર્થપરતાનું કાર્ય કર્યું હતું. પણ શ્રીમાને અમે આમ રોકી ન શક્યા. શ્રીમા આજે પોતાનું આવરણ દૂર કરીને સમસ્ત જગતમાં પોતાના સ્નેહનો વિસ્તાર કરી રહ્યાં છે. પહેલાં તો એમનાં પોતાનાં સંતાનો પણ એમનું મુખ જોઈ ન શકતા અને હવે આખું જગત એમને ‘મા, મા’ કહીને પોકારે છે. શ્રીઠાકુરે કહ્યું હતું: ‘તમને એટલાં સંતાન મળશે કે ‘મા, મા’ શબ્દ સાંભળીને તમે થાકી જશો.’ સમગ્ર જગત આજે એમને ‘મા, મા’ કહીને પોકારી રહ્યું છે એ એક રીતે શ્રીઠાકુરનું કથન સાચું નીવડ્યું છે; પરંતુ શ્રીમા થાક્યાં કે કંટાળ્યાં નથી. શ્રીમાનું આકર્ષણ એક સરખું રહ્યું છે, એમની સહિષ્ણુતા પણ એક સરખી રહી છે. આપણા બધા અપરાધોને તેઓ સહન કરે છે. આવાં શ્રીમા ન હોત તો શું આ સંઘ હોત ખરો? આપણે પેલાં સાંભળ્યું છે કે શ્રીમાએ સર્વપ્રથમવાર વિચાર્યું અને કહ્યું હતું: ‘શ્રીઠાકુર તમે આવ્યા. આટલાં કષ્ટ સહન કર્યા અને તમારા સ્થૂળ શરીરના અંતર્ધાન પછી તમારા છોકરાઓ વિક્ષિપ્ત બનીને ચારે તરફ ભટકી રહ્યા છે; જો આવું હતું તો આટલું કષ્ટ ઉઠાવીને તમારે અહીં આવવાની કઈ આવશ્યકતા હતી?’ અને ત્યારે શ્રીમા શ્રીઠાકુરનો આ ભાવ કેવી રીતે ચિરસ્થાયી બને એનો વિચાર કરે છે. શ્રીઠાકુરે આવીને જે ભાવનો આટલો વિસ્તાર કર્યો તે શું બેચાર માણસો માટે જ હતો? એના પછી શું એની સમાપ્તિ થઈ જશે? શ્રીમા આવું ઇચ્છતા ન હતાં અને શ્રીઠાકુર પણ એવું ઇચ્છતા ન હતા. આ જ કારણે શ્રીઠાકુરે શ્રીમાને રહેવા માટે કહ્યું. શ્રીઠાકુરે કહ્યું: ‘હું જાઉં છું, તમને અહીં રાખીને હું જઉં છું. આ બધાં કાર્ય કરવાનાં છે.’ શ્રીઠાકુરનાં જે કાર્ય અપૂર્ણ હતાં તે શ્રીમા દ્વારા પૂર્ણ થયાં, થઈ રહ્યાં છે અને ભવિષ્યમાં પણ થશે. આ રીતે કોઈ પણ અવતાર સંગિની કે લીલાસહકારિણીએ આટલાં કાર્ય કર્યાં નથી. એકેયે નથી કર્યાં. જગતના ઇતિહાસમાં આ એક અજોડ ઉદાહરણ છે. આ ઉદાહરણને જોઈને આપણે સમજવું પડશે કે શ્રીમાનું આ ભાવ-આંદોલનમાં કેટલું મોટું પ્રદાન છે? આ વાત પર આપણે મનમાં ને મનમાં સારી રીતે વિચાર કરવો પડશે અને એ પણ ધ્યાનમાં રાખવું પડશે કે શ્રીમાને આપણે સમજીએ કે ન સમજીએ પરંતુ એમનું આસ્વાદન તો આપણે જરૂર કરી શકીએ છીએ. એનું કારણ એ છે કે તેઓ અમારા માટે એટલાં સીધાં-સાદાં-સરળ, અભણ બનીને આવ્યાં હતાં. દૂરથી કોઈ વ્યવહારનો સંબંધ નથી, મા બનીને આવ્યાં હતાં અને કેવળ આપણા માટે આવ્યાં હતાં. એમણે આપણને એમની નિકટ ખેંચી લીધાં છે, એટલે તેઓ આપણા માટે આટલાં સહજ છે. સહજ એટલે છે કે એમને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો નથી. કોઈ પણ બાળક પોતાની માને સમજવાનો પ્રયત્ન કરતો નથી. પરંતુ શું મા આને લીધે આપણા માટે અજ્ઞાત રહે છે ખરી? હા, બુદ્ધિ દ્વારા અજ્ઞાત કહી શકાય પણ એ અનાસ્વાદિત નથી, એટલે કે એનો આસ્વાદ કરી શકાય છે. એમનું આસ્વાદન આપણને બધાને થઈ રહ્યું છે અને એટલા માટે આપણે સૌ એક સાથે મળીને રહી શકીએ છીએ. એક સંઘ માટે સર્વપ્રથમ શ્રીમાએ જ શ્રીઠાકુરને પ્રાર્થના કરતાં કહ્યું હતું: ‘હે ઠાકુર, શું આ તમારા સંતાનો અન્નના અભાવે અહીંતહીં ભટકતા-ફરતા રહેશે? શું આ તમારાં બધાં કાર્યો બે દિવસ પછી સમાપ્ત થઈ જશે? શું તમારું અહીં આવવું વ્યર્થ થઈ જશે? તમે એવું કરો કે આ બધા છોકરા સંઘબદ્ધ બનીને રહી શકે અને એમને સાધારણ અન્નવસ્ત્રનો અભાવ ન રહે.’ ઘરસંસાર ચલાવવાની જવાબદારી તો માની જ હોય છે ને! એટલે સંઘનો ભાર એમણે પોતાને શિરે લઈ લીધો. શ્રીઠાકુરે સંભવત: આ બધી બાબતો અંતર્દૃષ્ટિથી પહેલેથી જ જોઈ લીધી હતી. પરંતુ આ બધું કરવા માટે આટલી ઝંઝટ સહન કરવાની સહિષ્ણુતા એમનામાં ન હતી. એટલે જ શ્રીમાની આવશ્યકતા હતી. એટલે જ શ્રીઠાકુર શ્રીમાને આપણી વચ્ચે રાખી ગયા હતા. 

શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીમાનું સૌથી મોટું પ્રદાન સંઘ છે. શ્રીઠાકુરે આદર્શ આપ્યો, પરંતુ એ આદર્શમાં રસસૃષ્ટિ રચી શ્રીમાએ. શ્રીમા દ્વારા રસવારિસિંચન ન થયું હોત તો આ સંઘ રૂપી પરિપાક નાશ પામ્યો હોત. આજે આ સંઘ નવપલ્લવિત અને પુષ્ટ બનીને ક્રમશ: વિશાળ વટવૃક્ષના રૂપમાં પરિવર્તિત થઈ ગયો છે, ફળફૂલથી સુશોભિત થયો છે. જગતમાં આ ભાવનો જે આદર થયો છે, સર્વત્ર એટલો સમાદર થઈ રહ્યો છે એ બધાનાં મૂળમાં શ્રીમા હતાં, આ વાતને આપણે ક્યારેય ન ભૂલીએ. શ્રીમાને ભૂલી જઈએ તો આપણા માટે ઊભા રહેવાનું સ્થાન ક્યાંય રહેશે નહિ. એટલે શ્રીમા આપણા માટે સર્વોપરિ છે, એમને એ રૂપે આપણે સૌએ બરાબર જાણી-ઓળખી લેવા પડશે. તેઓ સંઘનાં સંચાલન-નિયંત્રણ કરી રહ્યાં છે; અવ્યક્ત રહીને પણ સશક્ત રૂપે આ સંઘને જોઈને જ એ સમજી શકાય છે. વાતચીત દરમિયાન જો કોઈ એમને આ બધાં કાર્યો વિશે પૂછી નાખતા તો તેઓ કહેતાં: ‘અરે ભાઈ, હું શું કરીશ, હું તો અબળા નારી છું, હું શું જાણું?’ એ જ અબળા નારી સંઘને કેવી રીતે સંચાલિત કરી રહ્યાં છે, આ એક વિચારવા જેવી બાબત છે. સ્વામી વિવેકાનંદની અમેરિકા જવાની પૂરેપૂરી વ્યવસ્થા થઈ ગઈ હતી, શ્રીઠાકુર દ્વારા પણ એમને સંકેત મળી ચૂક્યો હતો. ત્યારે સ્વામીજીએ કહ્યું હતું: ‘ના, જ્યાં સુધી મા નહિ કહે ત્યાં સુધી જવાનું બનશે નહિ.’ માતૃભક્ત સ્વામીજી વળી કહે છે : ‘શ્રીમાનો આદેશ મળશે ત્યારે જઈશ.’ શ્રીમાએ આશીર્વાદ આપ્યા ત્યારે સ્વામીજીએ કહ્યું: ‘હવે કોઈ ચિંતા નથી, શ્રીમાના આશીર્વાદથી હું હનુમાનજીની જેમ સાગર તરી જઈશ, વિશ્વવિજય મેળવીશ.’ શ્રીમાના આશીર્વાદ સદા અને સર્વત્ર એમની સાથે રહ્યાં અને એમને પુષ્ટ પણ કરતાં રહ્યાં. સ્વામીજીએ શ્રીમાને અને શ્રીમાએ સ્વામીજીને જેવી રીતે જોયાં હતાં તેવી રીતે શું આપણે જોઈ શકીશું? ના. આમ હોવા છતાં પણ આપણે જ્યાં છીએ ત્યાંથી જ શ્રીમાનું આસ્વાદન કરી શકીએ છીએ. શ્રીમાને ન ઓળખી શકવાને કારણે જ આપણે એમના આસ્વાદનથી વંચિત રહીશું. એમના આસ્વાદનમાં આપણને કોઈ અડચણ-વિઘ્ન ન રહે એ રૂપે શ્રીમા આવ્યાં છે. શ્રીમા સ્વયં કહે છે : ‘તમે લોકો કંઈક કરી શકો તો કરો, નહિ તો બસ એટલું જ યાદ રાખજો કે મારી એક મા છે.’ કોઈ પૂછતું: ‘મા, હું કંઈક કરી શકું છું કે નહિ, મારી પ્રગતિ થાય છે કે નહિ, એ બધું હું બરાબર સમજી શકતો નથી.’ ત્યારે શ્રીમા કહેતાં: ‘બેટા, ચિંતા ન કર. જેમ ગાઢ ઊંઘમાં પલંગ સાથે ઉપાડીને કોઈ તને ક્યાંય લઈ જાય તો શું તું એ બધું જાણી જશે? બસ, એટલું જ યાદ રાખજે કે હું તમારી પાછળ ઊભી છું અને એ પણ યાદ રાખજે કે મારી એક મા છે.’ તેઓ આ બધું કેટલો ભાર દઈને કહે છે! કેટલું સાહસ પ્રેરે છે. સર્વશક્તિનો આધાર શ્રીમા આપણી શ્રીમા છે; હવે આપણને ભય કોનો અને ચિંતા પણ કઈ વાતની? રામપ્રસાદ કહે છે : ‘રામપ્રસાદ બ્રહ્મમયીનો પુત્ર.’ આપણે પણ એ બ્રહ્મમયીના સંતાન છીએ. આ વિશ્વાસને હૃદયમાં દૃઢ બનાવવો પડશે. આ વિશ્વાસથી પુષ્ટ બનીને સંઘ ચાલશે. પ્રત્યેક કાર્યની પાછળ શ્રીમા છે.

એકવાર સ્વામીજીએ મઠમાં બલિદાન આપ્યું. શ્રીમાએ સાંભળ્યું અને તેમણે પૂછ્યું: ‘કોણે કર્યું?’ જવાબ મળ્યો: ‘નરેન્દ્રે કર્યું છે.’ તેઓ બોલ્યાં: ‘બાપા, હવે ન કરશો, હવે એ અહીં નહિ ચાલે.’ શ્રીમાની એક જ વાતથી સ્વામીજી નિરસ્ત થયા. આટલા તીક્ષ્ણબુદ્ધિવાળા સ્વામીજી, જેમણે શ્રીઠાકુરની વાતને પણ એકવારમાં ક્યારેય નહોતી માની એમને શ્રીમાએ જેવું કહ્યું કે તરત જ એમણે પોતાનું મસ્તક ઝૂકાવી દીધું. આ બલિપ્રથા બંધ થઈ. એક બ્રહ્મચારીને કોઈ અપરાધને કારણે મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદજી) મઠમાંથી કાઢી મૂક્યો. તે સીધો જ શ્રીમાની પાસે જયરામવાટી ગયો. ત્યાં જઈને એણે શ્રીમાને બધું કહ્યું. શ્રીમાએ કહ્યું: ‘સારું બેટા, પહેલાં ખાઈ-પીને આરામ કર.’ અને પછી એને માટે ચીઠ્ઠી લખાવી દીધી: ‘તારક મહારાજ, આ છોકરાએ ભલે ગમે તે અપરાધ કર્યો હોય પણ એને મઠમાં રાખી લેજો.’ જ્યારે એણે એ ચીઠ્ઠી મહાપુરુષ મહારાજના હાથમાં મૂકી તો વાંચીને તેઓ બોલી ઊઠ્યા: ‘બાપ રે! તેં તો એકદમ હાઈકોર્ટમાં અપીલ કરી દીધી.’ હાઈકોર્ટ જેની આગળ બીજા કોઈનું કંઈ ચાલતું નથી, એવાં છે શ્રીમા. સંઘ સંચાલિકા શ્રીમા બહારથી કોઈને દેખાતાં નથી પણ અવ્યક્ત રૂપે તેઓ જ સંઘનું સંચાલન કરી રહ્યાં છે. બધું નિયંત્રણ એમની આંગળીના ઈશારે થઈ રહ્યું છે. આપણે બધાએ આ વાત બરાબર યાદ રાખવી જોઈએ. સંઘને શ્રીમાનું કયું પ્રદાન છે? સંઘ એટલે કે એમના સંતાનોનો રામકૃષ્ણ સંઘ. અહીં તેઓ સંન્યાસી અને ગૃહસ્થ સંતાનો વચ્ચે કોઈ ભેદ રાખતાં નથી. કોઈ સારો હોય કે નઠારો, શું મા સંતાનો વચ્ચે ભેદભાવ રાખશે? કોઈ સારો છે એટલે શ્રીમા પ્રેમ કરે છે એવી વાત નથી. રવીન્દ્રનાથ ટાગોરની એક કવિતા છે: ‘બાળક ઘણો દુષ્ટ છે તો પણ મા એને ચાહે છે, એટલા માટે એને નથી ચાહતી પરંતુ એટલા માટે ચાહે છે કે તે એક બાળક છે.’ શ્રીમા આપણને ચાહે છે કારણ  પકે આપણે એમનાં બાળકો છીએ. આજે ભલે ગમે તેટલા નઠારા કેમ ન હોઈએ પણ આપણે એમનાં સંતાન છીએ. એ ભાવથી બળવાન બનીને આપણે સારા બનીશું, એમનાં ચરણો સુધી પહોંચીશું અને એટલું જ શા માટે, એમના ખોળામાં બેસીશું. તેઓ તો સદૈવ આપણને એમના ખોળામાં લેવા બેઠાં છે. પણ આપણે એને પકડી શકતા નથી. સ્વામીજીએ એક સ્થળે કહ્યું છે: દોર્ભ્યાં વિધર્તુમિવ યામિ જગદ્વિધાત્રીમ્‌ । (અંબાસ્તોત્રમ્‌-૬) ‘એક નાનો શિશુ પોતાના નાના નાના હાથથી માને પકડવા ઇચ્છે છે.’ પણ શું તે પોતાની શક્તિથી માને પકડી શકે છે? પરંતુ એ હાથ આગળ ધરે છે અને મા સ્વયં એને પોતાના ખોળામાં લઈ લે છે. એ શું ચાહે છે એ મા જાણે છે. શ્રીમા આપણી ચેષ્ટા જોઈને જ સમજી લેશે અને પોતાના ખોળામાં ખેંચી લેશે. આપણે એમને નહિ પકડી શકીએ. એમાં કંઈ વાંધો નહિ, પણ શ્રીમા કહીને એમને પોકારી તો શકીશું. એમની સામે અવનત બનીને એમના સ્નેહની યાચના તો કરી શકીશું. આપણા નાના નાના બે હાથ આગળ તો ધરી શકીશું. બસ, આટલું જ યથેષ્ટ છે. આવું નહિ કરીએ તો પણ તેઓ આપણને છોડવાનાં નથી. શ્રીમાએ આપણને પકડી રાખ્યા છે અને પકડી રાખશે. આપણે ગમે ત્યાં જઈએ, ગમે તેટલા કુમાર્ગે ચઢીએ, પણ ભય નથી; કારણ કે શ્રીમા છે ને! અભયદાયિની શ્રીમા સદૈવ આપણી સાથે છે. એમના પર વિશ્વાસ રાખીને, એમને ભરોસે આપણે નિર્ભય રીતે ચાલી શકીશું અને કહીશું: ‘અમે બ્રહ્મમયી માના પુત્ર છીએ. અમે શ્રીમાના જ સંતાન છીએ, અમને ડર કઈ વાતનો!’ આ વાતને હૃદયમાં રાખીને આપણે ચાલવું પડશે. આપણે શ્રીમાના વિભિન્ન આયામોની ચર્ચા નથી કરી, આ બે ચાર વાતો કહી છે, એ પણ કેવળ શ્રીમાનું આસ્વાદન કરવા માટે. અંતે હું આપ સૌને માત્ર એટલું જ કહેવા ઇચ્છું છું કે સદૈવ આ વાતને યાદ રાખજો: ‘જેમ શ્રીરામકૃષ્ણ આપણા કર્ણધાર છે, એવી જ રીતે અને એનાથી પણ મહત્ત્વની અને મોટી વાત શ્રીમા આપણને ખોળામાં લઈને બેઠાં છે. આપણે લોકો નિર્ભય છીએ, આપણને કોઈ પણ પ્રકારનો ભય નથી.’

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.