હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો પણ શું? આ કથન ખોટું છે?

મનસિ વચસિ કાયે પુણ્યપયીપૂષપૂર્ણા: ત્રિભુવનમુપકારશ્રેણિભિ: પ્રીણયન્ત : ।
પરગુણપરમાણું પર્વતીકૃત્ય નિત્યં નિજહૃદિ વિકસન્ત: સન્તિ: સન્ત: કિયન્ત: ॥

‘વિચાર, વાણી અને વર્તનમાં પવિત્રતાથી પૂર્ણ હોય એવા અનેકાનેક ઉપકારો કરીને જગતને પ્રસન્ન કરનારા, બીજાના પરમાણુ જેટલા નાના ગુણને પર્વત જેવડો મહાન બનાવનારા અને એ રીતે પોતાનાં હૃદયનો વિકાસ કરનારા સંતો બહુ થોડા હોય છે.’ (ભર્તૃહરિ)

તમને મુક્તિ ન મળે તો પણ શું? કેવી બાળક જેવી વાત છે? અરે ભગવાન! મહાપુરુષો કહે છે કે ‘ઝેર નથી’, ‘ઝેર નથી’, એમ દૃઢપણે નકારવામાં આવે તો સર્પનું ઝેર પણ શક્તિહીન બની જાય છે. શું તે જુઠું છે? હું તો કંઈ જાણતો નથી; મારામાં કંઈ નથી.’ આવું કહેવામાં કેવી વિચિત્ર નમ્રતા રહેલ છે! હું તો કહું છું કે તે ત્યાગનો ડોળ છે અને નમ્રતાની મશ્કરી છે. આવી, પોતાને હલકો પાડનારી ભાવના દૂર ફેંકી દો! ‘જો ‘હું’ નથી જાણતો, તો પછી જગતમાં બીજું કોણ જાણે છે?’ અત્યારે ‘હું’ નથી જાણતો કહીને તમે બચાવ કરો છો, તો આટલો વખત તમે શું કરતા હતા? આવા શબ્દો તો નાસ્તિકના હોય; આ નમ્રતા રખડુ અને કંગાલ માણસની છે. આપણે બધું કરી શકીએ છીએ .અને બધું કરીશું જ! નકામા માણસોને બિલાડીની પેઠે મ્યાઉં મ્યાઉં કરતા ખૂણામાં પડ્યા રહેવા દઈએ; ભાગ્યશાળી તો વીરતાપૂર્વક આપણી સાથે જોડાશે. જેના મનમાં હિંમત હોય અને હૃદયમાં પ્રેમ હોય તે મારી સાથે આવે. મારે બીજા કોઈની જરૂર નથી. ભગવતીની કૃપાથી એકલે હાથે હું જ એક લાખ જેવો છું અને ભવિષ્યમાં વીસ લાખ જેવો થઈશ. . મારું ભારત પાછા ફરવાનું કંઈ નક્કી નથી. અહીંની જેમ ત્યાં પણ મારે ભટકતું જીવન જ ગાળવાનું છે. પણ અહીં વિદ્વાનોની સાથે રહું છું. અને ત્યાં મૂર્ખ લોકો સાથે રહેવું પડશે. આમાં ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલો તફાવત છે! અહીંના લોકો સંગઠિત થઈને કાર્ય કરે છે, જ્યારે જેમને ખોટી રીતે ‘ત્યાગ’ એવું નામ આપવામાં આવે છે તેવાં આળસ અને અદેખાઈને લીધે ‘આપણાં’ કામો ધૂળમાં મળી જાય છે.

કુશળતાપૂર્વક કામ કરવા માટે તમારામાં સર્વગ્રાહી બુદ્ધિ જોઈએ. તમે જે કોઈ શહેર કે ગામડામાં જાઓ ત્યાં જે કેટલાક લોકો શ્રીરામકૃષ્ણને પૂજ્ય ગણતા હોય તેવા લોકોનું એક મંડળ સ્થાપવું. તમે આટલાં બધાં ગામોની શું મુસાફરી નકામી કરી? ‘હરિસભા’ અને એવાં બીજાંં મંડળોને આપણે ધીરે ધીરે આપણામાં સમાવી લેવા જોઈએ. વારુ, બધું હું તમને કહી ન શકું. મારા જેવો બીજો રાક્ષસ મને મળી આવે તો કેવું સારું! સમય આવ્યે ઈશ્વર મને બધું આપશે. . .માણસ પાસે જો શક્તિ હોય તો તેણે તે કાર્ય દ્વારા પ્રગટ કરવી જોઈએ.. મુક્તિ અને ભક્તિના તમારા વિચારો ફેંકી દો! જગતમાં એક જ માર્ગ છે. ‘પરોપકારાય હિ સતાં જીવિતમ્‌ પરાર્થ પ્રાજ્ઞ ઉત્સૃજેત્‌ । સત્પુરુષોનું જીવન બીજાના હિત માટે જ હોય છે. ડાહ્યા માણસે બીજાને માટે પોતાનું બલિદાન આપવું જોઈએ.’ તમારું હિત કરીને જ હું મારું હિત કરી શકું. બીજો કોઈ રસ્તો નથી, કોઈ નથી. તમે ઈશ્વર છો, હું ઈશ્વર છું, માનવમાત્ર ઈશ્વર છે! માનવજાત દ્વારા વ્યક્ત થતો ઈશ્વર જ જગતમાં બધુંકરે છે. ક્યાંક ઊંચે આકાશમાં બેઠેલો બીજો કોઈ ઈશ્વર છે ખરો? માટે, કાર્યમાં લાગી જાઓ!

– સ્વામી વિવેકાનંદ

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.